શરદ પવારને ગુરુ માનનારા પ્રફુલ્લ પટેલે તેમનો સાથ કેમ છોડી દીધો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત 2જી મેના રોજ શરદ પવારે એકાએક એક કાર્યક્રમમાં એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની ઘોષણા કરી દીધી હતી.

તેમના રાજીનામાની જાહેરાત પછી કેટલાય પ્રકારના કયાસ લગાવવામાં આવ્યા. પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલને સવાલ કરવામાં આવ્યો કે શું શરદ પવારે આ નિર્ણય પાર્ટીમાં ચાલી રહેલી આંતરિક રાજનીતિના કારણે લીધો છે?

જવાબમાં પ્રફુલ્લ પટેલે કહ્યું હતું, “પાર્ટીમાં એકતા છે. અમે તમામ શરદ પવારના નેતૃત્ત્વમાં સાથે છીએ.”

પરંતુ હવે ન તો પાર્ટીમાં એકતા છે કે, ન તો શરદ પવારનું નેતૃત્ત્વ યથાવત્ છે.

બદલાયેલી પરિસ્થિતિઓમાં પ્રફુલ્લ પટેલે એવું પણ કહી ચૂક્યા છે કે શરદ પવારના નિર્ણય હવે પાર્ટીના નિર્ણય નથી રહ્યા.

મહારાષ્ટ્રની રાજનીતિને નિકટથી જોનારા અને સમજનારા માટે પ્રફુલ્લ પટેલનું બદલાયેલું આ વલણ કોઈ આંચકાથી ઓછું નથી.

અજિત પવાર, જેમના નેતૃત્વમાં પ્રફુલ્લ પટેલે શરદ પવારની છત્રછાયા છોડવાનો નિર્ણય લીધો, તેમની એક મહત્ત્વકાંક્ષી નેતાની છબી જરૂર રહી છે. પણ પ્રફુલ્લ પટેલ શરદ પવારનો સાથ છોડશે એવો કોઈને અંદેશો નહોતો. કદાચ શરદ પવારને પણ નહોતો.

જોકે પ્રફુલ્લ પટેલે હજુ પણ શરદ પવારને પોતાના ગુરૂ બનાવ્યા છે. તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું, “શરદ પવાર મારા ગુરુ છે. તેઓ મારા માર્ગદર્શક છે. અમે હંમેશાં તેમનો અને તેમના પદનો આદર અને સન્માન કરીશું. તેઓ અમારા બધા માટે પિતાતુલ્ય છે.”

પરંતુ આટલા નિકટતમ હોવા છતા પણ પ્રફુલ્લ પટેલે શરદ પવારથી પોતાના રસ્તા અલગ કેમ કરી લીધા?

શરદ પવારને ગુરુ માનનારા પ્રફુલ્લ પટેલે તેમનો સાથ કેમ છોડી દીધો?

ગ્રે લાઇન

વફાદારીથી બળવા સુધી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વરિષ્ઠ પત્રકાર અનુરાગ ચતુર્વેદી આ પાછળનાં કારણ સમજાવે છે.

તેઓ કહે છે, “પ્રફુલ્લ પર ઈડી અને બીજી અન્ય સરકારી એજન્સીઓએ પાછલા કેટલાક દિવસોમાં કાર્યવાહી શરૂ કરી હતી. ઈડીએ ગત કેટલાંક દિવસોમાં વર્લી સ્થિત તેમની કેટલીક સંપત્તિઓ પણ જપ્ત કરી હતી. આજની તારીખમાં પ્રફુલ્લ પટેલ પાસે મુંબઈની સૌથી વધારે રેન્ટેડ જગ્યાનો માલિકી હક છે.”

“વર્લીમાં તેમની સંપત્તિઓ છે અને મુંબઈના એ સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક છે. એવામાં લાગી રહ્યું હતું કે શરદ પવાર પોતાના દમથી પ્રફુલ્લ પટેલને આ તકલીફમાંથી કાઢી લેશે, પરંતુ એવું થઈ નથી રહ્યું અને પ્રફુલ્લ પટેલની મુશ્કેલીઓ વધતી જઈ રહી હતી.”

“ભોપાલમાં પાછલા દિવસોમાં નરેન્દ્ર મોદીએ જ્યારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેઓ એનસીપીના ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે, ત્યારે તેમનો ડર વધી ગયો અને તેમણે અજિત પવાર સાથે મહાવિકાસ અઘાડી છોડવાનો નિર્ણય કરી લીધો.”

બીબીસીના સિનિયર એડિટર આશિષ દીક્ષિત પણ ઈડીના વધતા સંકજાને આનું એક મોટું કારણ માને છે.

આશિષ કહે છે, “ભલે શરદ પવારે કેટલાક દિવસો પહેલા પ્રફુલ્લ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા, પરંતુ જે પ્રદેશોની તેમને જવાબદારી આપવામાં આવી હતી, જેમ કે હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન વિગેરે...જો તેમના પર તમે ધ્યાન આપો તો સમજ આવશે કે એ રાજ્યોમાં પાર્ટીનું કોઈ અસ્તિત્ત્વ જ નથી. તો, પ્રફુલ્લ પટેલ શું કરશે? અહીં તેમને શું મળશે?”

“જવાબ છે – કંઈ પણ નહીં.”

ગ્રે લાઇન

અજિત પવાર સાથે જવાનો શું ફાયદો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

બળવા બાદ અજિત પવાર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બની ગયા છે અને પ્રફુલ્લ પટેલે સુનીલ તટકરેને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

પરંતુ પ્રફુલ્લ પટેલને શું મળ્યું? તેમની શું ભૂમિકા હશે? આ સવાલના જવાબમાં બીબીસીના સિનિયર એડિટર આશિષ દીક્ષિત ત્રણ સંભાવનાઓ તરફે ઇશારો કરે છે.

શક્ય છે કે પ્રફુલ્લ પટેલને કેન્દ્રીય કૅબિનેટમાં જગ્યા મળી જાય મોદી કૅબિનેટમાં ફેરબદલ પહેલાથી જ નક્કી છે, એવામાં શક્યતા એ પણ છે કે તેમની કૅબિનેટમાં એન્ટ્રી થાય.

પ્રફુલ્લ પટેલ પર ઈડીના જે પણ કેસ ચાલી રહ્યા છે, જે પણ કાર્યવાહી થઈ રહી છે, તે અટકી જાય અને સરકારી એજન્સીઓના સંકજાથી તેઓ બચી જાય.

આશિષ દીક્ષિત કહે છે, “અમે પહેલા પણ જોયું છે કે કોઈ પણ વિપક્ષના નેતા જો ભાજપમાં સામેલ થાય તો, તેમને આવા કેસોમાં રાહત મળી જાય છે.”

“ત્રીજો ફાયદો જો પ્રફુલ્લ પટેલને દેખાયો હશે, તે એ કે તેઓ એક બિઝનેસમેન છે. તેમને તેમનો બિઝનેસ ચલાવવાનો છે અને વેપારની ગતિ યથાવત રાખવા માટે જરૂરી છે કે તેઓ સરકારમાં સામેલ રહે. જેથી તેમનું કોઈ કામ ન અટકે. એનસીપીના મોટાભાગના નેતા બિઝનેસ ધરાવે છે, આથી છેડો ફાડવા પાછળ એ પણ એક કારણ હોઈ શકે કે તેઓ તમામ સરકારનો ભાગ રહેવા માગે છે, વિપક્ષનો નહીં.”

ગ્રે લાઇન

શરદ પવારને કેટલું નુકસાન?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

આશિષ દીક્ષિત કહે છે, “પ્રફુલ્લ પટેલ એનસીપીનો રાષ્ટ્રીય ચહેરો હતા, તેમની મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઈ ખાસ પકડ નથી. તેમને તમે એ રીતે સમજો કે એનસીપી મરાઠાઓની પાર્ટી છે અને પ્રફુલ્લ પટેલ તો મહારાષ્ટ્રના છે પણ નહીં. સાથે જ તેઓ ગોંદિયામાં રહે છે, જે છત્તીસગઢ પાસેનો વિસ્તાર છે. આ વિસ્તારમાં એનસીપીની રાજકીય જમીન કંઈક ખાસ મજબૂત નથી. આ માટે પ્રદેશની રાજનીતિમાં પ્રફુલ્લ પટેલની ભૂમિકા સીમિત જ રહી છે.”

"આ જ કારણ છે કે તેમના જવાથી પાર્ટીની મતબૅન્ક અથવા મતદારો પર કોઈ સીધી અસર થતી દેખાઈ નથી રહી, પરંતુ હા જો તમે શરદ પવારના સંદર્ભમાં જુઓ, તો અસલી નુકસાન તેમનું છે."

“પ્રફુલ્લ પટેલને હંમેશાં શરદ પવારના નિકટતમ સમજવામાં આવ્યા છે. કોઈ પણ પાર્ટી સાથે, કોઈ પણ સમયે, એનસીપી તરફથી વાત કરવાની હોય તો, પ્રફુલ્લ પટેલ આગળ પડતા રહેતા હતા. પ્રફુલ્લ પટેલ જે કહે છે, તેને શરદ પવારનું કથન માની લેવામાં આવતું. તેઓ પવારના પડછાયાની જેમ હતા.”

“એવા ઘણા પ્રસંગ આવ્યા જ્યારે નેતાઓએ પાર્ટી છોડી, એનસીપી નબળી થઈ પરંતુ દર વખતે પ્રફુલ્લ પટેલ ખડેપગે રહ્યા. ભલે તેઓ એનસીપીના માસ લીડર નહોતા, પણ તેઓ પાર્ટીને મૅનેજ કરી રહ્યા હતા.”

આશિષ કહે છે, “હમણાં એક એનસીપીના નેતા કહી રહ્યા હતા કે જે ધારાસભ્ય એનસીપી છોડીને ગયા છે, શરદ પવાર તેમના જેવા ઘણા ધારાસભ્યો પેદા કરી શકે છે. હું તેમની આ વાત સાથે કેટલીક હદ સુધી સહમત છું. શરદ પવાર એક દમદાર નેતા છે, તેઓ આવા ઘણા ધારાસભ્યો ઊભા કરી શકે, પરંતુ બીજા પ્રફુલ્લ પટેલ ઊભા કરવા, જેમના દિલ્હીમાં આટલા કનેક્શન હોય, તમામ પાર્ટીઓ સાથે સારા સંબંધો હોય એ ઘણું મુશ્કેલ છે. તેમની પાસે હાલ પ્રફુલ્લ પટેલનો કોઈ વિકલ્પ નથી.”

ત્યારે જ્યારે પાર્ટીમાં બે ફાટ પડી તો, શરદ પવારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં એ જ કહ્યું કે મારા નારાજગી પ્રફુલ્લ પટેલ અને તાટકરેથી છે, બીજા કોઈથી નહીં.

ગ્રે લાઇન

શરદ પવાર સાથે નિકટતાની કહાણી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

પ્રફુલ્લ પટેલ શરદ પવારને પોતાના રાજકીય ગુરુ માને છે તો શરદ પવાર મહારાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી રહી ચૂકેલા યશવંત રાવ ચવ્હાણને ગુરુ માને છે. યશવંત રાવ પ્રફુલ્લ પટેલના પિતા મનોહરભાઈના ઘણા નજીક માનવામાં આવતા હતા.

રાજકીય બેઠકોમાં આ તમામ એક સાથે ઉઠતા બેસતા હતા. એવામાં શરદ પવાર સુધી પ્રફુલ્લ પટેલની પહોંચ આસાન થઈ ગઈ. પિતાના મોત બાદ પ્રફુલ્લ પટેલે ન માત્ર પારિવારિક બિઝનેસ સંભાળ્યો પણ તેમણે રાજનીતિમાં પણ પગ મૂક્યો અને શરદ પવાર તેમના રાજકીય ગુરુ બન્યા.

વરિષ્ઠ પત્રકાર અનુરાગ ચતુર્વેદી જણાવે છે કે શરદ પવારનું વલણ હંમેશાં બિઝનેસ ધરાવતા નેતાઓ તરફ રહ્યું છે.

એનસીપીમાં કેટલાય નેતા તમને એવા મળી જશે, જેમના મોટા સ્થાપિત બિઝનેસ છે. જેમકે છગન ભુજબળ. શરદ પવારના આ શુભચિંતકોએ તેમને આગળ વધવામાં ઘણી મદદ કરી.

પ્રફુલ્લ પટેલની પારિવારિક પૃષ્ઠભૂમિ ખુદ વ્યાવસાયિક રહી છે, આથી વ્યાવસાયિક દૃષ્ટિકોણના કારણે પ્રફુલ્લ પટેલ અને શરદ પવાર નજીક આવ્યા.

ગ્રેલાઇન

અજિત પવાર સાથેના સંબંધો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલ હંમેશાં શરદ પવારની નજીક રહ્યા છે.

અજિત પવાર સાથે ન તો તેમના સારા સંબંધો છે કે ન તો ખરાબ.

બદલાયેલા ઘટનાક્રમમાં હવે એ જોવા મળ્યું કે શરદ પવારના વફાદાર અજિત પવારના કેટલા નિકટ બની રહે છે.

ગ્રે લાઇન

રાજકીય કારકિર્દી

ઈડીની ઑફિસ

ઇમેજ સ્રોત, ANI

રસપ્રદ છે કે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં એક સફળ ઇનિંગ રમનારા પ્રફુલ્લ પટેલનો જન્મ કોલકાતામાં થયો, પરંતુ તેમનો પરિવાર મૂળ ગુજરાતનો છે.

તેમણે મુંબઈમાં કૅમ્પિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી સિડેનહૅમ કૉલેજથી કૉમર્સમાં સ્નાતક થયા.

આગળના અભ્યાસ માટે પ્રફુલ્લ પટેલ હાર્વર્ડ જવા માગતા હતા પરંતુ માત્ર 13 વર્ષની વયે તેમના પિતાના નિધન બાદ એકમાત્ર સંતાન હોવાના કારણે તેમણે પારિવારિક બિઝનેસ સંભાળવો પડ્યો. તેમનો બીડી અને તમાકુનો મોટો બિઝનેસ છે.

પ્રફુલ્લ પટેલના પિતા મનોહરભાઈ પટેલ એક બિઝનેસમેન હોવા સાથે સાથે સમાજ સેવક અને મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક હતા.

મહારાષ્ટ્રના ગોંદિયા ભંડારા જિલ્લા તેમની રાજનીતિનું કેન્દ્ર રહ્યું.

પિતાએ બતાવેલા રસ્તા પર જ ચાલતા પ્રફુલ્લ પટેલે પણ રાજનીતિમાં પગ મૂક્યો અને વર્ષ 1985માં મહારાષ્ટ્રના ગોંદિયા મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ બન્યા.

પછી વર્ષ 1991, માત્ર 33 વર્ષની વયે કૉંગ્રેસની ટિકિટ પર ગોંદિયા-ભંડારા બેઠકથી લોકસભાના સભ્ય ચૂંટાયા.

વર્ષ 1991-1996 સુધી દેશના કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી રહ્યા.

વર્ષ 1996 અને વર્ષ 1998માં પણ કૉંગ્રેસની ટિકિટ પર ભંડારાથી લોકસભા સાંસદ ચૂંટાયા.

એનસીપીની રચના પછી વર્ષ 2000માં પ્રફુલ્લ પટેલ રાજ્યસભાના સાંસદ ચૂંટાયા.

વર્ષ 2004માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર સંભાળ્યો અને વર્ષ 2006માં પાર્ટીએ તેમને ફરી વાર રાજ્યસભા મોકલ્યા.

2009માં એનસીપીની ટિકિટથી લોકસભા ચૂંટણી લડ્યા, જીત્યા અને પછી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું પદ સંભાળ્યું.

2001માં ઉદ્યોગ અને જાહેર સાહસોના વિભાગના મંત્રી બન્યા.

વર્ષ 2014માં ભાજપના નાના પટોલેએ લોકસભા ચૂંટણીમાં તેમને માત આપી. ત્યાર પછી પાર્ટીએ તેમને રાજ્યસભા મોકલ્યા.

પ્રફુલ્લ પટેલ 2022માં પણ રાજ્યસભા માટે ચૂંટાયા.

વળી વર્ષ 2009માં તેઓ ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના અધ્યક્ષ પણ ચૂંટાયા અને વર્ષ 2022માં જ્યાર સુધી સુપ્રીમ કોર્ટે તેમને પદ પરથી ન હઠાવ્યા ત્યાર સુધી તેઓ અધ્યક્ષ રહ્યા.

ગ્રે લાઇન

કયા કેસોમાં તપાસનો સામનો કરી રહ્યા છે?

પ્રફુલ્લ પટેલ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નિકટના ગૅંગસ્ટર ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા મની લૉન્ડરિંગના કેસમાં ઈડીની તપાસના ઘેરાવામાં છે.

તેમના પર કાર્યવાહી પણ થઈ છે. ઈડીએ તેમની કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત પણ કરી છે.

જ્યારે તેમની વિરુદ્ધ એવિએશન કૌભાંડ મામલાની તપાસ પણ ચાલી રહી છે.

રેડ લાઇન
રેડ લાઇન