રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીને નોટીસ ફટકારી

ઇમેજ સ્રોત, Facebook/PurneshModi
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
'મોદી' અટક મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા પૂર્ણેશ મોદીને નોટીસ ફટકારી છે.
કોર્ટે પૂર્ણેશ મોદી પાસેથી દસ દિવસની અંદર જવાબ પણ માગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 4 ઑગસ્ટે યોજાશે. ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ન્યાયાધીસ પ્રશાંત કે. મિશ્રીની વડપણવાળી બેન્ચે આ નોટિસ જાહેર કરી છે.
નોંધનીય છે કે સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત માનહાનીનો કેસ નોંધાવ્યો હતો. 'મોદી અટક' પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને વિરુદ્ધ ગુનાહિત બદનક્ષી અંતર્ગત દોષિત જાહેર કરાયા હતા અને બે વર્ષના કારવાસની સજા ફટકારાઈ હતી. જોકે, રાહુલે આ નિર્ણય વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવી દેવાઈ હતી.
આ પહેલાં ગુજરાત હાઈકોર્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલા ગુનાહિત બદનક્ષી કેસમાં સેશન કોર્ટનો ચુકાદો બહાલ રાખ્યો હતો અને સજામાફીની અરજી ફગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ આ મામલે સુરતની કોર્ટના આદેશ વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી, જેમાં દોષિત ગણવાના નિર્ણય પર રોક લગાવવાની માગ કરી હતી.
આ સજાની જાહેરાત બાદ લોકસભા સચિવાલયે નોટિસ જારી કરીને રાહુલ ગાંધીને સાંસદપદેથી અયોગ્ય જાહેર કર્યા હતા. હાઈકોર્ટના નિર્ણય બાદ અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટી ગુજરાતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
આ કેસને કારણે એક ચહેરો ચર્ચામાં આવ્યો છે અને તે છે સુરતના પૂર્ણેશ મોદી. પૂર્ણેશ મોદીએ જ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો.
પૂર્ણેશ મોદીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા માનવામાં આવે છે. તેઓ એબીવીપીમાં પણ સક્રિય હતા. ખાસ કરીને જ્યારે તેઓ સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ હતા ત્યારબાદ તેમનો રાજકીય ગ્રાફ ઉપર આવ્યો. જાણીએ પૂર્ણેશ મોદી કોણ છે અને શું છે તેમના વિવાદો.

કોણ છે પૂર્ણેશ મોદી?

ઇમેજ સ્રોત, Facebook/PurneshModi
પૂર્ણેશ મોદી હાલ સુરત પશ્ચિમથી ભાજપના ધારાસભ્ય છે. બી.કૉમ અને એલએલબીની ડિગ્રી ધરાવતા પૂર્ણેશ મોદી વ્યવસાયે વકીલ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વાર 2013માં વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા થયા હતા. સ્થાનિક ધારાસભ્ય કિશોર વાંકાવાલાના અવસાન બાદ તેમને ભાજપે ટિકિટ આપી હતી.
જોકે, ઑગસ્ટ 2022માં તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું. 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ 02 સરકારમાં તેમને કોઈ મંત્રીપદું આપવામાં નહોતું આવ્યું.
તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહેલા પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
તેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ પણ બન્યા હતા. જોકે તેમની રાજકીય કારકિર્દીમાં કેટલાક વિવાદો પણ થયા અને કેટલાક નેતાઓ સાથે મતભેદો પણ.
તેઓ સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2000થી 2005 સુધી કૉર્પોરેટર રહી ચૂક્યા છે. દરમિયાન તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા પણ હતા.
આ સિવાય તેઓ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિગ કમિટીના ચૅરમૅન પણ રહી ચૂક્યા હતા. ત્યારબાદ તેઓ 2009થી 2012 અને 2013થી 2016 સુધી ભાજપ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

પૂર્ણેશ મોદી કે ભૂતવાલા?

ઇમેજ સ્રોત, Facebook/PurneshModi
રાહુલ ગાંધીના મોદી સરનેમ બદનક્ષી કેસની સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીની અટક વિશે પણ પ્રશ્ન ઊઠ્યો હતો.
રાહુલ ગાંધીના તરફથી બચાવ પક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદીની અટક મોદી નહીં પરંતુ ભૂતવાલા છે, આથી જે પ્રકારે તેઓ કહે છે કે રાહુલ ગાંધીએ તેમનું અપમાન કર્યું છે તે દલીલ ખોટી છે.
પૂર્ણેશ મોદીના મિત્ર અને રાજકીય ટેકેદાર અશોક ગોહિલ કહે છે, "તેમના વડવાઓ સુરતની ભૂત શેરીમાં રહેતા હતા એટલે તેમના વડવાની અટક ભૂતવાલા હતી. તેમના બર્થ સર્ટિફિકેટમાં પણ તેમની અટક ભૂતવાલા જ હતી, પરંતુ તેમણે ત્યારબાદ અટક બદલાવીને મોદી કરી."
"તેઓ ઘાંચી સમુદાયમાંથી આવે છે. પૂર્ણેશ મોદીએ તેમની સરનેમ બદલી હોવાની એફિડેવિટ પણ પુરાવા તરીકે આ કેસમાં રજૂ કરી હતી કે તેઓ મોદી છે અને ભૂતવાલા નહીં."
પૂર્ણેશ મોદીના જીવન અંગે તેઓ કહે છે, "પૂર્ણેશ મોદીના પિતાને સુરત ખાતેની હૉસ્પિટલમાં કૅન્ટિનનો કૉન્ટ્રાક્ટ મળેલો હતો અને તેઓ લોકોને ચા-નાસ્તો વેચતા હતા. આ સમયે પૂર્ણેશ મોદી પણ તેમના પિતાને મદદ કરતા અને ચા વેચતા હતા."
ઓબીસી એવા ઘાંચી અને ગોલા સમુદાયના લોકોની સુરતમાં ખાસ્સી એવી વસ્તી છે અને તેથી જ પૂર્ણેશ મોદીની આ સમાજ પર પણ પકડ છે એવું મનાય છે.

પૂર્ણેશ મોદીના વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પૂર્ણેશ મોદી ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી હતા ત્યારે પાટીલ સાથેના અણબનાવ સિવાય કેટલાક વિવાદોને કારણે પણ તેમને મંત્રીપદ ગુમાવવું પડ્યું હોવાનું કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે.
તેઓ તૂટેલા રોડ વિશે વિવાદિત નિવેદનો આપતા હતા. તેમના પીએ મહેશ લાડ પર મનમાની કરવાનો આરોપ મુકાયો હતો. તો એસટી તંત્રમાં બદલીઓમાં પણ વિવાદ થયો હતો.
તેમના માર્ગ અને મકાન વિભાગની કામગીરી મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. પક્ષ દ્વારા જે ભલામણો કરવામાં આવતી હતી તેઓ તેને ધ્યાને ન લેતા હોવાનો આરોપ પણ તેમના પર લાગ્યો હતો.
ઉપરાંત વ્યક્તિગત ઍપ બનાવીને પોતાની લોકપ્રિયતા વધારવાની કોશિશ કરતા હોવાના આરોપો પણ લાગ્યા.
જોકે જાણકારો કહે છે કે તેમના એવા વિવાદો નથી કે જેને કારણે તેમના મોવડીમંડળ સાથેના સંબંધો ખરાબ થયા હોય.
તેઓ જ્યારે મંત્રી હતા ત્યારે ચોમાસા દરમિયાન રોડ-રસ્તા તૂટી ગયા ત્યારે તેમણે વિવાદિત નિવેદન કર્યાં હતાં કે ચોમાસામાં રસ્તાઓ તૂટી જવા એ સામાન્ય બાબત છે.
તેમણે કહ્યું કે "ડામર અને પાણી વચ્ચે બનતું નથી તેથી રસ્તાઓ તૂટી જાય છે અને મીડિયાએ તેને વધારે પડતું ન ચગાવવું જોઈએ." આ નિવેદન બાદ વિવાદ થયો હતો.
ઉપરાંત તેમણે એવું નિવેદન આપ્યું હતું કે "સારું થયું કે કસાબ જીવતો પકડાયો, નહીંતર કૉંગ્રેસ તેને ભગવા આતંકમાં ખપાવત."
આ ઉપરાંત તેમણે કોઈ પણ પુરાવા આપ્યા વગર એવો સનસનીખેજ આરોપ લગાવ્યો કે 1965ના યુદ્ધ બાદ કૉંગ્રેસ સરક્રિકનો વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માગતી હતી.

જ્યારે પૂર્ણેશ મોદીનું મંત્રીપદ છીનવી લેવાયું

ઇમેજ સ્રોત, Facebook/PurneshModi
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલાં જ પૂર્ણેશ મોદી પાસેથી મંત્રીપદું છીનવી લેવામાં આવ્યું હતું. પૂર્ણેશ મોદી એ સમયે કૅબિનેટ મંત્રી હતા.
પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન વિભાગ ખાતું હતું જે તેમની પાસેથી લઈને જગદીશ પંચાલને સોંપવામાં આવ્યું હતું.
મનાય છે કે તેમનું ખાતું છીનવી લેવામાં આવ્યું તેનું કારણ તેમનો ભાજપના ટોચના નેતા સાથે ટકરાવ કારણભૂત હતો.
જાણકારો કહે છે કે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથેના તેમના સંબંધો જવાબદાર હતા.
સુરતના વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રી મનોજ મિસ્ત્રી કહે છે કે ભાજપ જૂથોમાં વહેંચાયેલો છે અને પૂર્ણેશ મોદી કયા જૂથના છે તે હજુ નક્કી નથી અને તેમને પોતાને પણ ખબર નથી કે કયા જૂથમાં રહેવું.
મનોજ મિસ્ત્રી કહે છે, "સીઆર પાટીલ સાથેના મતભેદોને કારણે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા."
સુરતથી પ્રકાશિત થતા અખબાર ધબકારના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે કે, "પાટીલ અને પૂર્ણેશ મોદી વચ્ચે એકબીજાને પાડી દેવાની ભાવના જ્યારથી ઊભી થઈ ત્યારથી પૂર્ણેશ મોદીને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા."

પાટીલ સાથેના 'અણબનાવ' પૂર્ણેશ મોદીને નડશે?

ઇમેજ સ્રોત, Facebook/CRPAATIL
રાજકીય જાણકારો કહે છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં લોકોને એમ લાગતું હતું કે સીઆર પાટીલ સાથેના અણબનાવને કારણે પૂર્ણેશને ટિકિટ નહીં મળે, પરંતુ તેમના પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ સાથે સારા સંપર્કો હોવાને કારણે ટિકિટ મળી.
નરેશ વરિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "જ્યારે ડાયમંડ જ્યૂબિલી સહકારી બૅન્કકાંડ મામલે સીઆર પાટીલ જેલ ગયા ત્યારે સુરત ભાજપમાં એકમાત્ર પૂર્ણેશ મોદી જ એવા નેતા હતા જેઓ તેમના પડખે ઊભા હતા. પણ પાછળથી બંને વચ્ચે પાવરગેમ શરૂ થઈ અને પૂર્ણેશ મોદીને નુકસાન થયું."
મનોજ મિસ્ત્રી કહે છે કે, "ભાજપની આંતરિક જૂથબંધીને કારણે તેઓ બહાર ફેંકાઈ ગયા છે પણ તેઓ કોઈ સામે મોરચો માંડે તેવા માણસ નથી. શાંત કાર્યકર્તા છે તેથી પાર્ટી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકે છે."
નરેશ વરિયા કહે છે કે, "તેઓ જ્યારે શહેર પ્રમુખ હતા ત્યારે ભાજપનું પ્રદર્શન સારું હતું. તેઓ જ્યારે મહાનગરપાલિકામાં હતાં ત્યારે પણ તેમનું કામ સારું હતું. તેઓ સફળ ચૂંટણીના વ્યૂહકાર છે. સંગઠનાત્મક કામ ઘણું સારું છે. કાર્યકર્તાઓ પર પકડ સારી છે. સંગઠનાત્મક કામ સારું છે. તેઓ સારા ફંડ મૅનેજર છે. મીડિયા સાથે સારા સંપર્કો છે. સીઆર પાટીલ સાથેના મતભેદોને બાદ કરીએ તો તેઓ બિનવિવાદિત છે."
મનોજ મિસ્ત્રી કહે છે કે, "તેઓ લડાયક મિજાજના નેતા છે. સુરત શહેરમાં તેમના પ્રત્યે બધાને માન છે. રાજકીય દૃષ્ટિએ તેઓ જેન્ટલમૅન ગણાય છે અને સુરત ભાજપ પ્રત્યે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે."
નરેશ વરિયા કહે છે કે, "તેઓ એક સમયે સી. આર. પાટીલના બૉસ હતા. તેમના સુરતના નાગરિકો અને અન્ય નેતાઓ સાથેના સંપર્કો પણ મજબૂત છે અને કોઈ મોટા વિવાદમાં તેમનું નામ સંડોવાયું નથી તેને કારણે ભવિષ્યમાં ભાજપ તેમનો ઉપયોગ કરી શકે છે."
તો મનોજ મિસ્ત્રી કહે છે કે, "ભલે તેઓ સાઇડલાઇન કરવામાં આવ્યા પરંતુ તેમને ભાજપે જે કામ સોંપ્યું તે તેમણે કર્યું. ભાજપના મોવડીમંડળમાં તેમના માટે માન છે. તેઓ તેમની ગૂડબુકમાં છે. હવે આ કેસ મામલે પીએમ મોદી માટે થઈને એક સારું કામ કર્યું હોવાની લાયકાત પણ તેમની કારકિર્દીમાં ઉમેરાઈ છે. તેથી તેમની રાજકીય કારકિર્દીને વાંધો આવે એમ નથી."

આ કેસને કારણે પૂર્ણેશ મોદીને કોઈ રાજકીય ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Facebook/PurneshModi
રાજકીય નિષ્ણાતો કહે છે કે આ કેસને કારણે પૂર્ણેશ મોદી લાઇમલાઇટમાં જરૂર આવ્યા છે. તો કેટલાક કહે છે કે ભલે તેઓ આ કેસને કારણે ચર્ચામાં આવ્યા હોય, પરંતુ તેમને કોઈ ફાયદો થાય તેવી લગભગ સંભાવના નથી.
મનોજ મિસ્ત્રીનું કહેવું છે કે, "હાલની ભાજપની સ્થિતિ જોતા આ કેસને કારણે પૂર્ણેશ મોદીને ક્રેડિટ મળવાની સંભાવના ઓછી છે. રાહુલ ગાંધીને આ કેસમાં સજા થઈ તે મામલે પૂર્ણેશને ગુજરાત સરકારમાં કોઈ મંત્રીપદું મળે કે પછી તેમને કોઈ નિગમના ચૅરમૅન બનાવાય તેવી શક્યતાઓ નહિવત છે."
મનોજ મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ કેસને કારણે તેમની રાજકીય લાયકાતમાં વધારો થયો છે, પરંતુ તેનો તેમને કોઈ ફાયદો થાય તેવી હાલ સંભાવના નથી.
જાણકારોનું એમ પણ કહેવું છે કે આ કેસ તો વર્ષ 2019નો છે અને તેમણે આ કેસ દાખલ કર્યો હોવા છતાં તેમને 2022માં ગુજરાત સરકારના મંત્રીપદેથી હઠાવી લેવામાં આવ્યા હતા.
નરેશ વરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે આ કેસને કારણે પૂર્ણેશ મોદી લાઇમલાઇટમાં આવ્યા છે અને જો તેમને કોઈ મોટું પદ મળે તો તે તેમની ભૂતકાળની પ્રતિષ્ઠા અને કામકાજને લઈને મળશે ન કે આ કેસને કારણે.
નરેશ વરિયા વધુમાં કહે છે કે, "જો તેમની રાજકીય કારકિર્દી ઉપર આવે તો તે આ કેસના આધારે નહીં પરંતુ અગાઉ તેમણે કરેલાં કામ અને તેમના સંગઠનાત્મક કામોને કારણે આવશે."
"પણ તેમના મોવડીમંડળ સાથેના સંપર્કો સારા હોવા છતાં તેમને હાલ મંત્રી બનાવવામાં નથી આવ્યા એટલે આ કેસને કારણે તેમને બહુ લાભ થાય તેવી શક્યતા નથી."














