હું સાવરકર નથી જે માફી માગું, ભલે મને મારે કે જેલમાં પૂરી દે : રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Congress
રાહુલ ગાંધી એ પોતાનું લોકસભામાં સભ્યપદ રદ થયા બાદ આક્રમક વલણ અપનાવીને નિવેદન આપ્યું છે કે તેઓ સાવરકર નથી કે માફી માંગશે.
સુરતની કોર્ટ દ્વારા ‘મોદી અટક’ મામલે કથિતપણે ટિપ્પણી કરવાના આરોપમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુરુવારે બે વર્ષની કેદ સજા સંભળાવાઈ હતી.
જે બાદ શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા નૉટિફિકેશન જાહેર કરાઈ તેમનું સભ્યપદ રદ કરી દેવાયું હતું.
રાહુલ ગાંધીએ શનિવારે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં પત્રકારપરિષદ યોજી હતી.
તેમણે પત્રકારપરિષદમાં પોતાનું સભ્યપદ રદ થવાનું કારણ આપતાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને અદાણીના સંબંધોને લઈને સવાલ ઉઠાવવાને કારણે તેમના પર આ કાર્યવાહી કરાઈ છે.

ઇમેજ સ્રોત, @INCIndia
આ પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીએ અદાણી જૂથની કથિત શેલ કંપનીઓ પાસે કથિતપણે આવેલા 20 હજાર કરોડ રૂપિયા મામલે પ્રશ્ન ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “લોકસભામાં આ મુદ્દે તેમની આગામી સ્પીચ રોકવા માટે ભાજપ સરકારે ગભરાઈને આ પગલું ભર્યું છે. પરંતુ હું રોકાઈશ નહીં, વડા પ્રધાન મોદી અને અદાણી જૂથના સંબંધો અને ગેરરીતિઓ બહાર આવશે, એ કોઈ રોકી નહીં શકે.”
લોકસભાની કાર્યવાહી મામલે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “હું વડા પ્રધાન મોદીથી નથી ડરતો, ભલે મને જેલમાં પૂરી દે, મારે કે આજીવન ગેરલાયક ઠેરવે, હું મારું કામ કરતો રહીશ, સવાલ પૂછતો રહીશ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમુક પત્રકારોએ જ્યારે તેમને કોર્ટની કાર્યવાહી અને કોર્ટના નિર્ણયને લઈને પ્રતિક્રિયા આપવાનું કહ્યું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ આ મામલે કોઈ પ્રતિક્રિયા નહીં આપે. કાયદાકીય બાબતો અંગે પ્રતિક્રિયા મેળવવા તેમણે ન્યાયિક ટીમનો સંપર્ક સાધવા કહ્યું હતું.

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધી પર ‘દેશનું વિદેશમાં જઈને અપમાન’ કર્યાનો આરોપ મુકાઈ રહ્યો છે અને આ મામલે તેઓ માફી માગે તેવી પણ માગ કરાઈ રહી છે.
આ મુદ્દે ટિપ્પણી કરતા રાહુલ ગાંધીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે, “મેં વિદેશમાં જઈને ક્યારેય ભારત માટે ખરાબ નથી કહ્યું. તમે મારાં વક્તવ્યો જોઈ શકો છો. આ બધા મુદ્દા અદાણીની શેલ કંપનીમાં આવેલા 20 હજાર કરોડ રૂપિયાના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હઠાવવા માટે ઊભા કરાયા છે.”
“રહી વાત માફીની તો હું તેમને કહેવા માગીશ કે મારું નામ સાવરકર નથી, ગાંધી છે, હું કોઈ માફી નહીં માગું.”
આગામી સમયમાં તેમની વ્યૂહરચના અંગે પ્રશ્ન પુછાતાં રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે, “હું મારી લોકસભા બેઠક વાયનાડના લોકોને પત્ર લખીને આખી વાત અંગે મારો મત રજૂ કરીશ. તેમજ આગામી સમયમાં પણ મારો સંઘર્ષ ચાલુ રહેશે. અમારી વાત લઈને અમે લોકોની વચ્ચે જઈશું. આ અભિયાન ચાલુ રહેશે. આ કાર્યવાહી બાદ મારી તરફેણમાં આવેલાં તમામ વિપક્ષનાં દળોનો પણ હું આભાર વ્યક્ત કરું છું.”
મોદી અને અદાણી પર સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે વડા પ્રધાન અદાણી મુદ્દે મારા આગામી ભાષણથી ગભરાયેલા છે અને આ વાત મેં તેમની આંખમાં જોઈ છે.
તેમણે વડા પ્રધાન મોદી અને અદાણી જૂથના સંબંધો પર આરોપ લગાવતાં કેટલાક પ્રશ્ન ઉઠાવ્યા.
- તેમણે સવાલ ઉઠાવ્યો કે વડા પ્રધાન અને અદાણી વચ્ચે શું સંબંધ છે. તેમણે બંનેના સંબંધને ‘ક્લોઝ પાર્ટનરશિપ’નું નામ આપ્યું અને કહ્યું કે ગુજરાતમાં મોદીના ઉદય સાથે અદાણીનો પણ વિકાસ થયો.
- તેમણે કહ્યું કે મેં સંસદમાં મોદી અને અદાણીના નિકટના સંબંધો વિશે પુરાવા આપ્યા, સ્પીકરને આ વિશે વિસ્તારપૂર્વક લખ્યું પણ ખરું.
- મેં તેમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને ઍરપૉર્ટ વિશે લખ્યું જેના રિસર્ચ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજ અ પ્રેસ ક્લિપિંગ પણ તેમને આપ્યા. મેં તેમને જણાવ્યું કે નિયમ બદલીને અદાણીને ઍરપૉર્ટ અપાયાં છે, પરંતુ તેનો કોઈ ફરક ન પડ્યો.
- તેમણે કહ્યું કે મેં જે આરોપ લગાવ્યા હતા એ સ્પીચને ગહની કાર્યવાહીમાંથી દૂર કરી દેવાઈ. એ વાતની ઉપેક્ષા કરાઈ કે 20 હજાર રૂપિયા આખરે કોના છે.
- તેમણે મને કહ્યું કે મારા પર આરોપ લાગ્યો છે કે વિદેશી તાકતો પાસેથી મેં મદદ માગી પરંતુ એવી કોઈ વાત નથી.
- રાહુલ ગાંધીએ સ્પીકર પર પણ ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે પહેલા પત્રનો ઉત્તર ન મળ્યા બાદ મેં ફરી એક વાર સ્પીકરને પત્ર લખ્યો અને તેમણે મને કહ્યું કે તેઓ કંઈ ન કરી શકે. પરંતુ હું પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખીશ, ચૂપ રહેવાનો મારો ઇતિહાસ નથી.
- તેમણે કહ્યું કે સંરક્ષણમંત્રાલયે પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે અદાણી પાસે જે પૈસા આવ્યા એનો સ્રોત શો છે, આ મામલો ભારતની સુરક્ષા સાથે જોડાયેલો છે.
- રાહુલ ગાંધીનો ઇશારો એ વાતની તરફ હતો કે વર્ષ 2017માં અદાણી સમૂહે સ્વીડનની એક કંપની સાથે ભારતમાં ફાઇટર જેટ બનાવવાનો કરાર કર્યો હતો.

રાહુલ ગાંધીના આરોપ પર ભાજપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શનિવારે રાહુલ ગાંધીની પત્રકારપરિષદ પૂરી થયા બાદ તરત જ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમણે લગાવેલા આરોપોના જવાબ આપ્યા.
ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધીને 2019માં આપેલા ભાષણ માટે સજા થઈ છે. આજે પોતાની પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું સમજી વિચારીને બોલું છું. તો શું તેઓ 2019માં જે બોલ્યા હતા એ સમજી વિચારીને બોલ્યા હતા? તેમણે કહ્યું હતું કે શું બધા મોદી ચોર હોય છે? રાહુલ ગાંધીને પછાત વર્ગનું અપમાન કર્યું હતું."
તેમણે આગળ કહ્યું, "ટીકા કરવાનો અધિકાર છે પણ બેઇજ્જતી કરવાનો અધિકાર નથી. રાહુલ ગાંધીએ ગાળ આપી હતી. રાહુલ ગાંધી જો સમજી વિચારીને બોલે છે તો ભાજપ એ માને છે કે રાહુલ ગાંધીએ જાણી જોઈને પછાત વર્ગનું અપમાન કર્યું છે અને ભાજપ તેના વિરોધમાં છે. આજે રાહુલ ગાંધી ફરી જુઠ્ઠું બોલ્યા કે તેઓ લંડનમાં કંઈ બોલ્યા જ નથી."
રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, "રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર કમજોર થઈ રહ્યું છે અને યુરોપિયન દેશો ધ્યાન આપી રહ્યા નથી. જુઠ્ઠું બોલવું રાહુલ ગાંધીનો સ્વભાવ થઈ ગયો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવેલા આરોપનો જવાબ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ જીવન ઈમાનદારીના ખુલ્લા પુસ્તક સમાન છે. એક ડાઘ નથી. તેઓ નવ વર્ષથી ભારતના વડા પ્રધાન છે અને દેશ આગળ વધી રહ્યો છે. રાહુલ ગાંધી ભ્રષ્ટાચાર મામલે જામીન પર બહાર છે."














