ભારતમાં ક્યારે યોજાયું હતું પ્રથમ લોકસભા ચૂંટણીનું મતદાન? કેવી હતી ચૂંટણીપ્રક્રિયા?

લોકસભાની પ્રથમ ચૂંટણી દરમિયાન મતદાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકસભાની પ્રથમ ચૂંટણી દરમિયાન મતદાનની તસવીર
બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ભારતની લોકસભા ચૂંટણીને વિશ્વની સૌથી મોટી ચૂંટણી માનવામાં આવે છે. આ પ્રક્રિયામાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ જોડાય છે અને કરોડો મતદારો મતદાન કરે છે.

ભારતમાં લોકસભાની ચૂંટણી 1951થી કરાવાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઈ ચૂકી છે. ભારતનું ચૂંટણીપંચ આનું આયોજન કરાવે છે.

ચાલો, જાણીએ લોકસભા, લોકસભા ચૂંટણી, લોકસભા અધ્યક્ષની ચૂંટણી અને ચૂંટણીપંચ વિશે.

ક્યારે યોજાઈ હતી લોકસભાની પ્રથમ ચૂંટણી?

બંધારણ પ્રમાણે લોકસભામાં સભ્યોની સંખ્યા રાજ્યોનાં ચૂંટણીક્ષેત્રોમાંથી પ્રત્યક્ષપણે ચૂંટાયેલા ઉમેદવારોની સંખ્યા 530 કરતાં વધુ ન હોવી જોઈએ. કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 20થી વધુ ન હોવી જોઈએ.

બીબીસી ગુજરાતી

લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના અપૂરતા પ્રતિનિધિત્વને જોતાં રાષ્ટ્રપતિ આ સમુદાયના બે સભ્યોને નૉમિનેટ કરતા.

નરેન્દ્ર મોદી સરકારે કાયદામાં સંશોધન કરીને આ વ્યવસ્થા બંધ કરી દીધી.

લોકસભા ચૂંટણી

વર્ષ 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં 543 સભ્યો ચૂંટાયા હતા.

પ્રથમ લોકસભાની ચૂંટણી 25 ઑક્ટોબર, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 દરમિયાન કરાવાઈ હતી. એ સમયે લોકસભામાં કુલ 489 બેઠકો હતી, પરંતુ સંસદીય ક્ષેત્રોની સંખ્યા 401 હતી.

લોકસભાની 314 બેઠકો એવી હતી, જ્યાંથી માત્ર એકેક પ્રતિનિધિઓ ચૂંટાતા.

તેમજ 86 સંસદીય બેઠકો એવી હતી, જેમાં બબ્બે લોકોને સાંસદ તરીકે ચૂંટાતા. તેમજ નૉર્થ બંગાળ સંસદીય ક્ષેત્રમાંથી ત્રણ સાંસદ ચૂંટાયા હતા.

અમુક સંસદીય ક્ષેત્રમાં એક કરતાં વધુ સભ્યો ચૂંટવાની વ્યવસ્થા 1957 સુધી અસ્તિત્વમાં રહી.

જનસભા સંબોધતાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જનસભા સંબોધતાં તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ

લોકસભાની વેબસાઇટ પર અપાયેલી માહિતી પ્રમાણે પ્રથમ લોકસભા 17 એપ્રિલ, 1952થી અસ્તિત્વમાં આવી હતી. તેની પ્રથમ બેઠક 13મે, 1952ના રોજ યોજાઈ હતી.

ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ 15 મે, 1952થી 27 ફેબ્રુઆરી, 1956 સુધી આ પદ પર રહ્યા.

લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ એમ. અનંતશયનમ અય્યંગર હતા. તેમનો કાર્યકાળ 30 મે, 1952થી 7 માર્ચ, 1956 સુધીનો હતો.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે થાય છે?

લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર

ઇમેજ સ્રોત, sansad.in

ઇમેજ કૅપ્શન, લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર

લોકસભા અધ્યક્ષનું પદ સંસદીય લોકશાહીમાં મહત્ત્વપૂર્ણ છે.

લોકસભા અધ્યક્ષ ગૃહનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ સંસદસભ્યો પોતપોતાનાં ચૂંટણીક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.

અધ્યક્ષની ચૂંટણી માટે કોઈ વિશેષ લાયકાત નક્કી નથી કરાઈ, પરંતુ તેઓ લોકસભાના સભ્ય હોય એ જરૂરી છે.

સામાન્યપણે સત્તાધારી દળના સભ્યને જ લોકસભા અધ્યક્ષ ચૂંટવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

એક સંસદીય પરંપરા એવી છે કે સત્તાધારી દળ અન્ય પક્ષો અને સમૂહો સાથે મસલત કરીને પોતાનો ઉમેદવાર જાહેર કરે છે.

ઉમેદવારની પસંદગી થઈ ગયા બાદ વડા પ્રધાન અને સંસદીય કાર્યમંત્રી તેમના નામનો પ્રસ્તાવ મૂકે છે.

જો એક કરતાં વધુ પ્રસ્તાવ આવે તો તેને ક્રમ પ્રમાણે નોંધાય છે અને જરૂર હોય તો મતદાન કરાવાય છે.

જો એક નામનો પ્રસ્તાવ લવાય છે ત્યારે અન્ય પ્રસ્તાવો રજૂ નથી કરાતા.

બીબીસી ગુજરાતી

નવી ચૂંટાયેલી લોકસભા હોય તો પ્રોટેમ સ્પીકર અધ્યક્ષની ચૂંટણી માટેની બેઠકનું અધ્યક્ષપદ સંભાળે છે.

પરિણામ જાહેર કરાયા બાદ નવા ચૂંટાયેલા અધ્યક્ષને વડા પ્રધાન અને નેતા વિપક્ષ અધ્યક્ષના આસન સુધી લઈ જાય છે.

તે બાદ તમામ રાજકીય દળો અને સમૂહો નેતા અધ્યક્ષને અભિનંદન પાઠવે છે. અધ્યક્ષ ધન્યવાદ ભાષણ આપે છે. તે બાદ નવા અધ્યક્ષ પોતાનો કાર્યભાર ગ્રહણ કરે છે.

અધ્યક્ષનો કાર્યકાળ તેમની ચૂંટણીની તારીખથી માંડીને જે લોકસભામાં તેઓ ચૂંટાયા છે, તેના ભંગ થયા બાદની નવી લોકસભાની પ્રથમ બેઠક અગાઉ સુધી હોય છે.

અધ્યક્ષ કોઈ પણ સમયે ઉપાધ્યક્ષને લેખિત સૂચના આપીને ત્યાગપત્ર આપી શકે છે. અધ્યક્ષને તેમના પદ પરથી લોકસભામાં હાજર સભ્યો દ્વારા બહુમતી સાથે પસાર કરાયેલા સંકલ્પ મારફતે જ હઠાવી શકાય છે.

રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

રાજ્યોની પરિષદ કે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે.

રાજ્યસભામાં રાજ્યો અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિ અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નૉમિનેટ સભ્યો સામેલ હોય છે.

ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભા પોતાના સભ્યોમાંથી એક ઉપસભાપતિને પણ ચૂંટે છે. સભાપતિ અને ઉપસભાપતિ રાજ્યસભાની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળે છે.

બંધારણની કલમ 80 દ્વારા રાજ્યસભાના સભ્યોની સંખ્યા 250 નક્કી કરાઈ છે.

રાષ્ટ્રપતિ 12 લોકોને રાજ્યસભાના સભ્ય નૉમિનેટ કરે છે. આ સભ્ય સાહિત્ય, વિજ્ઞાન, કળા અને સમાજસેવાના ક્ષેત્રથી ચૂંટાય છે. રાજ્યસભાના 238 સભ્ય રાજ્યો અને ત્રણ સભ્ય સંઘરાજ્ય ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે.

ભારતના ચૂંટણીપંચની સ્થાપના ક્યારે થઈ હતી?

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર

ભારતના ચૂંટણીપંચની સ્થાપના બંધારણના અનુચ્છેદ 324 અતંર્ગત કરાઈ છે.

અનુચ્છેદ 324 ચૂંટણીપંચને મતદારયાદીની જાળવણી અને સ્વતંત્ર કે નિષ્પક્ષપણે ચૂંટણીસંચાલનની સત્તા આપે છે.

તેની સ્થાપના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરાઈ હતી. સુકુમાર સેનને દેશના પ્રથમ ચૂંટણી કમિશનર બનાવાયા હતા.

તેમનો કાર્યકાળ 21 માર્ચ, 1950થી 19 ડિસેમ્બર, 1958 સુધી રહ્યો.

અગાઉ ચૂંટણીપંચમાં માત્ર એક જ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. પરંતુ 16 ઑક્ટોબર, 1989થી 1 જાન્યુઆરી, 1990 સુધી તેમાં ત્રણ ચૂંટણી કમિશનર નિમાયા.

તે બાદ 1 ઑક્ટોબર 1993થી ત્રણ કમિશનરોની નિમણૂકની વ્યવસ્થા નિયમિત કરી દેવાઈ.

આ વ્યવસ્થા આજેય ચાલુ છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર હોય છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે.

ચૂંટણીપંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદનાં બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા), રાજ્યોની વિધાનસભા અને વિધાનપરિષદની ચૂંટણી કરાવે છે.

રેડ લાઇન
રેડ લાઇન