ભારતમાં ધર્મનિરપેક્ષતાનું હવે ખરેખર કોઈ ભવિષ્ય નથી?

ધર્મનિરપેક્ષતા ભારત નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, AFP/GETTY

    • લેેખક, રજનીશ કુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના ચાર દિવસ પહેલાં ગત 22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યજમાન બનીને અયોધ્યામાં નવા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. આજથી લગભગ 73 વર્ષ પહેલાં દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પણ ગુજરાતના સોમનાથ મંદિરમાં આવા જ આયોજનમાં સામેલ થયા હતા.

અફઘાન હુમલાખોરોએ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા કર્યા હતા અને તેને નુકસાન કર્યું હતું. સૌથી વધુ નુકસાન મહમૂદ ગઝનીના 11મી સદીના હુમલામાં થયું હતું.

આઝાદી પછી આ મંદિરનું ફરી નિર્માણ કરવામાં આવ્યું હતું અને રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરમાં પૂજા-અર્ચનાની શરૂઆત થઈ હતી.

રાષ્ટ્રપતિ આવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લે એ વાત સાથે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સહમત ન હતા.

નહેરુએ 1951માં રાજેન્દ્રપ્રસાદને લખ્યું હતું, "પ્રિય રાજેન્દ્રબાબુ, હું સોમનાથના મામલે બહુ ચિંતિત છું. મને ડર હતો તેમ આ મામલામાં પણ રાજકીય અર્થ કાઢવામાં આવશે. અમને પૂછવામાં આવી રહ્યું છે કે એક બિનસાંપ્રદાયિક સરકાર આવા આયોજનો સાથે કેવી રીતે જોડાઈ શકે. ખાસ કરીને એ કાર્યક્રમને જ્યારે ધાર્મિક પુનરુત્થાન તરીકે પ્રસ્તુત કરવામાં આવતો હોય."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વની રાજનીતિમાંથી નીકળ્યા છે અને નહેરુ બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદીની લડાઈમાંથી નીકળ્યા હતા.

નહેરુનો રાષ્ટ્રવાદ ઉપનિવેશવાદનો વિરોધી હતો. તેના કેન્દ્રમાં બહુમતીવાદ નહીં, પરંતુ બહુલતાવાદ હતો.

નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રવાદ તેમના પક્ષના માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસનો રાષ્ટ્રવાદ છે. અનેક ઇતિહાસકારો માને છે કે આરએસએસએ ઉપનિવેશવાદ વિરોધી રાષ્ટ્રવાદની જગ્યાએ ધર્મ આધારિત રાષ્ટ્રવાદ અપનાવ્યો છે.

હિન્દુત્વ અને આઝાદી માટે સહિયારો સંઘર્ષ

ધર્મનિરપેક્ષતા ભારત નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નહેરુના રાષ્ટ્રવાદમાં ભારતને બ્રિટિશ સામ્રાજ્યનું ગુલામ ગણવામાં આવતું હતું, જ્યારે નરેન્દ્ર મોદી અને આરએસએસ ભારતને 1200 વર્ષ પહેલાંથી ગુલામ માને છે.

આરએસએસ મધ્યકાલીન યુગથી જ ભારતન ગુલામ હતું તેમ માને છે. તેથી મુસ્લિમ શાસકોનાં પ્રતીકો અને તેના નિર્માણને હઠાવવા એ આરએસએસ અને ભાજપની વિચારધારાનો હિસ્સો છે.

નહેરુ ઇચ્છતા હતા કે સરકાર ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહે, જ્યારે નરેન્દ્ર મોદી ખુદ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં યજમાન બન્યા.

ઇતિહાસકાર મુકુલ કેસવન આ બન્ને ઘટનાઓને ભારતીય રાજનીતિ માટે બહુ મહત્ત્વની માને છે.

બીબીસી સાથે વાત કરતાં મુકુલ કેસવને કહ્યું હતું, "નહેરુ ધર્મ અને રાજ્ય વચ્ચેની લક્ષ્મણરેખાને કોઈપણ સંજોગોમાં તોડવા ઇચ્છતા ન હતા. બીજી તરફ નરેન્દ્ર મોદીએ ધર્મ અને રાજ્ય વચ્ચેની રેખાને લગભગ ભૂંસી નાખી છે."

"અયોધ્યામાં રામમંદિર એક શક્તિશાળી ધાર્મિક પ્રતીક તો છે જ, પરંતુ મુખ્યત્વે તે બહુમતી પ્રજાના વર્ચસ્વનો એક રાજકીય સંદેશો છે."

તેમણે કહ્યું કે, "આરએસએસ અને તેના નેતાઓની અન્ય મસ્જિદો બાબતે જે યોજના છે તેની પહેલી કડી બાબરી મસ્જિદ હતી. તેના પર વિજયની ખુલ્લેઆમ ઘોષણા કરવામાં આવી હતી. બહુમતીની લાગણીને સતત ઉશ્કેરવાનો અને લઘુમતીને ડરાવવાનો આ પ્રયાસ ભારતીય ગણતંત્રના લોકતાંત્રિક પાયાને નષ્ટ કરી નાખશે."

બનારસની જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી અદાલતે આ મહિને આપી દીધી છે. નીચલી અદાલતના આ ચુકાદામાં હસ્તક્ષેપનો ઇનકાર અલાહાબાદ હાઈકોર્ટે પણ કરી દીધો છે.

હવે, મથુરામાં પણ મસ્જિદ મામલે આ પ્રકારની માગણી થઈ રહી છે.

ઘણા લોકો માને છે કે આરએસએસ 1925માં તેની રચના પછીથી જ કૉંગ્રેસના ઉપનિવેશવાદ વિરોધી રાષ્ટ્રવાદના સ્થાને જે હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદને સ્થાપિત કરવા ઇચ્છતો હતો. તેનું તે સ્વપ્ન હવે સાકાર થતું દેખાય છે.

મુકુલ કેસવને કહ્યું હતું, "હિન્દુત્વની રાજનીતિ જાણીજોઈને ઇતિહાસને ફરી લખવાની અને ઉપનિવેશવાદ વિરોધી રાષ્ટ્રવાદને નીચો દેખાડવાનો પ્રયાસ કરી રહી છે. આઝાદીના આંદોલનમાં આરએસએસ અને હિન્દુ મહાસભાની ભૂમિકા નહિંવત્ હતી. આ સંગઠનને બહુલતાવાદી રાષ્ટ્રવાદના નેતા મહાત્મા ગાંધી અને તેમના વિચારો સાથે જાણે કે કટ્ટર વેર હતું."

ધર્મનિરપેક્ષતા ભારત નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય અને લેખક સ્વપન દાસગુપ્તા રાજ્યસભાના સાંસદ પણ છે.

અયોધ્યામાં રામમંદિરના નિર્માણથી કે તેની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીથી ભારતની બિનસાંપ્રદાયિકતા પર જોખમ સર્જાયું છે, એવું દાસગુપ્તા માનતા નથી.

બીબીસી સાથે વાત કરતાં દાસગુપ્તાએ કહ્યું હતું, "જુઓ, તમે બંધારણીય ઓળખ અને સાંસ્કૃતિક ઓળખને અલગ કરી શકતા નથી. બન્ને એકમેકની સાથે જોડાયેલી છે. આ દૃષ્ટિએ જોઈએ તો નહેરુવાદીઓ જે બિનસાંપ્રદાયિકતાને અપનાવવાના પ્રયાસ કરતા હતા, તેમને એવું લાગતું હતું કે બંધારણીય ઓળખને સાંસ્કૃતિક ઓળખ સાથે કોઈ સંબંધ નથી. તેઓ માનતા હતા કે ભારત 1950માં બન્યું હતું. હકીકતમાં ભારત 1950માં બન્યું ન હતું. ભારત હજારો વર્ષોથી હતું."

દાસગુપ્તાએ કહ્યું હતું, "મને લાગે છે કે અયોધ્યાનું અસ્તિત્વ એ ભારતીય ઓળખનો પુનઃ ઉદ્ભવ છે. આપણે ઇતિહાસને સુધારી શકતા નથી, પરંતુ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી એ પહેલાં કોઈ સ્વીકારતું પણ ન હતું. તમે ઇતિહાસનો કમ સે કમ સ્વીકાર તો કરો. રામમંદિરનું નિર્માણ ઇતિહાસને સુધારવાનો પ્રયત્ન નથી, પરંતુ ઇતિહાસની ભૂલો યાદ તો જરૂર કરાવી શકાય છે."

મધ્યકાલીન ભારતમાં પૂજા સ્થળો પરના હુમલાને આધુનિક લોકતાંત્રિક ભારતમાં હિન્દુ વિરુદ્ધ મુસ્લિમના સ્વરૂપે જોવા જોઈએ?

દેશના પ્રખ્યાત સમાજવિજ્ઞાની અસગર અલી ઍન્જિનિયરે કહ્યું હતું, "અગાઉના શાસકો દ્વારા પૂજાસ્થળો નષ્ટ કરવાનું કામ એ યુદ્ધ કે આક્રમણમાં વિજયનું પ્રતીક હતું. તેથી તેને હિન્દુ વિરુદ્ધ મુસ્લિમના ખાંચામાં ન ઢાળી શકાય."

સ્વપન દાસગુપ્તાએ કહે છે, "હિંદુત્વ એક રાજકીય વિચારધારા છે તેમાં કોઈ શંકા નથી. ધર્મ તેનો હિસ્સો છે. હું પણ માનું છું કે રાજ્ય અને ધર્મની ભેળસેળ કરવી ન જોઈએ. અયોધ્યામાં રાજ્ય તેમાં સામેલ હતું, પરંતુ રાજ્ય ખુદને આટલું અલગ પણ રાખી શકે નહીં. ભારતમાં બિનસાંપ્રદાયિકતા ખતરામાં હોય એવું હું માનતો નથી. ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો હોય તો આવું કહી શકાય."

ભાજપ ભારે બહુમતી સાથે સત્તા પર છે અને તે ભારતીય ગણતંત્રને તેના હિસાબે આકાર આપી રહ્યો છે.

ભારતની સાંપ્રદાયિક અને ધાર્મિક બહુમતીવાદી રાજનીતિ વિશે પુસ્તક લખી ચૂકેલા રામ પુનયાની કહે છે, "આરએસએસને લાગે છે કે 1947થી 1950 દરમિયાન ભારતનું જે બંધારણ લખવામાં આવ્યું હતું તેમાં ભારતના આત્માને કચડી નાખવામાં આવ્યો હતો અને હવે બંધારણને પોતાના હિસાબે બનાવવાની તક તેની પાસે છે."

ભારત અને યુરોપની બિનસાંપ્રદાયિકતા

ભાજપ સાંસદ સ્વપન દાસગુપ્તા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ સાંસદ સ્વપન દાસગુપ્તા

પશ્ચિમમાં બિનસાંપ્રદાયિકતાનો ઉદ્ભવ રાજ્યોના અત્યાચાર વિરુદ્ધના આંદોલનથી શરૂ થયો હતો. એ આંદોલન વ્યક્તિગત આઝાદી માટે હતું, કારણ કે તેમાં ધર્મનો હસ્તક્ષેપ વધારે હતો.

ચર્ચની સત્તા વધારે મજબૂત હતી. ઘણા લોકો માને છે કે યુરોપમાં મૂડીવાદના વેપારના વિસ્તારની સાથે જે વર્ગનો ઉદય થયો હતો એ જ બિનસાંપ્રદાયિકતાની વકીલાત કરતો હતો. પરંતુ યુરોપમાંની લઘુમતી પ્રજાને એ ધાર્મિક રાજ્યમાં રહ્યા સિવાય છૂટકો ન હતો.

ભારતમાં કૉંગ્રેસ માટે શરૂઆતમાં બિનસાંપ્રદાયિકતા રાજ્યને ધર્મથી અલગ કરતો વિચાર હતી, પરંતુ સંસ્થાનવાદી નીતિઓ અને ભારતીયોનાં વિવિધ જૂથોના વલણને કારણે કૉંગ્રેસે પણ બિનસાંપ્રદાયિકતાના મોરચે બદલાવું પડ્યું હતું.

આઝાદી પછી ભારતની બિનસાંપ્રદાયિકતામાં તમામ ધર્મો સાથે સમાન વ્યવહાર કરવા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

બિનસાંપ્રદાયિકતા વિશે નહેરુએ 1961માં કહ્યું હતું, "આપણે ભારતમાં એક સેક્યુલર સ્ટેટની વાત કરીએ છીએ, પરંતુ હિન્દીમાં સેક્યુલર માટે એક સારો શબ્દ શોધવાનું કદાચ આસાન નથી. કેટલાક લોકો માને છે કે સેક્યુલરનો અર્થ ધર્મનો વિરોધ કરવો એમ છે. આ સત્ય નથી. તેનો અર્થ એ છે કે રાજ્ય તમામ ધર્મોનો સમાન રીતે આદર કરશે અને તમામ ધર્મના લોકોને સમાન તક આપશે."

કોલંબિયા યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્રના પ્રૉફેસર અકીલ બિલગ્રામીએ ગયા મહિને મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં કહ્યું હતું, "ભારતની બિનસાંપ્રદાયિકતા ત્રણ પ્રતિબદ્ધતાથી બની છે. પહેલી ધાર્મિક આસ્થા તથા તેના પાલનની આઝાદી, બીજી- સમાનતા, અભિવ્યક્તિની આઝાદી, લૈંગિક સમાનતા સુનિશ્ચિત કરવામાં ધર્મની કોઈ ભૂમિકા નહીં હોય તેવા બંધારણના મૂળભૂત અધિકાર અને ત્રીજી- પહેલા તથા બીજા વચ્ચે કોઈ ટક્કર થાય તો બીજાની પ્રતિબદ્ધતાને અનિવાર્ય રીતે અગ્રતા મળવી જોઈએ.”

પ્રૉફેસર બિલગ્રામીએ કહ્યું હતું, "યુરોપને ધાર્મિક બહુમતીવાદથી જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે બિનસાંપ્રદાયિકતાના વિચારને લાવવામાં આવ્યો છે, એવું મહાત્મા ગાંધીને લાગતું હતું. તેથી ગાંધીજી માનતા હતા કે એ પ્રકારનું નુકસાન ભારતની ધાર્મિક બહુમતીએ કર્યું નથી એટલે ભારતમાં એ પ્રકારની બિનસાંપ્રદાયિકતાની જરૂર નથી. ભારતીય સંદર્ભમાં તે પ્રાસંગિક ન હતું. ગાંધીજી માટે રાષ્ટ્રવાદનો અર્થ સંસ્થાનવાદનો વિરોધ હતો. તેથી ભારતનો રાષ્ટ્રવાદ પણ યુરોપના રાષ્ટ્રવાદથી અલગ અને બહુલતાવાદી છે."

જાણીતા સમાજવિજ્ઞાની અને મનોવૈજ્ઞાનિક આશિષ નંદીએ ભારતની બિનસાંપ્રદાયિકતા અંગે કહ્યુ હતું, "ભારતીય સહિષ્ણુતા આસ્થા પર આધારિત છે. અકબર અને અશોકે ક્યારેય બિનસાંપ્રદાયિકતા બાબતે સાંભળ્યું ન હતું. અકબર મુસલમાન હતો અને તેનો ઇસ્લામ ઉદાર હતો. અશોક બૌદ્ધ હતા અને તેમનું બુદ્ધિઝમ ઉદાર હતું. અશોક અને અકબરની વિચારધારા લોકો માટે વધારે સહજ હતી, નહીં કે આજની બિનસાંપ્રદાયિકતાની વિચારધારા. લોકોને જેની સાથે જોડાયેલા હોવાની અનુભૂતિ ન થતી હોય એવા શબ્દોના ઉપયોગનો શું અર્થ."

ઇતિહાસકાર મુકુલ કેસવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકાર મુકુલ કેસવન

તો શું ભારતમાં બિનસાંપ્રદાયિકતાની પરિભાષા નિષ્ફળ બની રહી છે? કે પછી બિનસાંપ્રદાયિકતાને અલગ રીતે જોવાની જરૂર છે? બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને બચાવવા માટે રાજકીય વર્ગ અને સમાજે શું કરવું જોઈએ?

આ સવાલના જવાબમાં મુકુલ કેસવને કહ્યું હતું,"વર્તમાન સમયમાં આપણે બિનસાંપ્રદાયિકતાના અમૂર્ત તર્કમાં ન પડવું જોઈએ. આપણે સૌથી પહેલાં બંધારણીય અધિકારોનો અમલ કરવાની જરૂર છે."

"નાગરિકતા માટે સીએએ હેઠળ ધાર્મિક ઓળખનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેને રોકવો જોઈએ. લઘુમતીઓ સાથે ભેદભાવ કરતા કાયદા પાછા લેવા જોઈએ. ધાર્મિક ઓળખના આધારે નાગરિકોની આજીવિકા પરના હુમલા રોકાવા જોઈએ."

તેમણે કહ્યું હતું, "ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ પોલીસ માંસના વેપારમાં સામેલ મુસલમાનોને નિશાન બનાવી રહી છે. ભાજપે બહુમતી મતદાતાઓના મનમાં એવું ઠસાવી દીધું છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે એ મુસલમાનોને જણાવી દેવાનો સમય આવી ગયો છે. એ ઉપરાંત મુસલમાનોના અપમાનને દેશની વધતી રાજકીય તાકાતના પ્રતીક તરીકે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે."

"બિનસાંપ્રદાયિકતાની ચર્ચામાં આપણે આજીવિકા અને નાગરિકતાના સમાન અધિકાર બાબતે લડવાની જરૂર છે," એમ કેસવને કહ્યું હતું.

રાજ્ય અને ધર્મનો સંબંધ

ભારત બિનસાંપ્રદાયિકતા નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

જાણીતા પૉલિટિકલ સાયન્ટિસ્ટ અને સીએસડીએસમાં પ્રૉફેસર રાજીવ ભાર્ગવે 2020માં નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન કર્યું ત્યારે લખ્યું હતું કે ભૂમિપૂજને બિનસાંપ્રદાયિકતાના અવશેષોને પણ બાળી નાખ્યા છે.

પ્રૉફેસર ભાર્ગવ ભારતમાં બિનસાંપ્રદાયિકતાને બે હિસ્સામાં જુએ છે. એક, બંધારણીય બિનસાંપ્રદાયિકતા અને બીજી, પક્ષીય-રાજકીય બિનસાંપ્રદાયિકતા.

બંધારણીય બિનસાંપ્રદાયિકતામાં પ્રૉફેસર ભાર્ગવ બે મહત્ત્વની વાતોનો ઉલ્લેખ કરે છે. પહેલી વાત એ કે તમામ ધર્મોનો આદર થવો જોઈએ, કારણ કે બાકીના દેશોના સેક્યુલરિઝમની માફક ભારતનું સેક્યુલરિઝમ ધર્મ-વિરોધી નથી.

બી.આર. આંબેડકર કહેતા હતા કે ધર્મના દરેક પાસા કે તેના દરેક રિવાજનું સન્માન થઈ શકે નહીં એટલે કે ધર્મનો આદર થવો જોઈએ, પરંતુ ટીકા સાથે. તેની સાથે રાજ્ય અને ધર્મ વચ્ચેનું અંતર જળવાઈ રહેવું જોઈએ, પરંતુ “ધાર્મિક સમૂહ સાંપ્રદાયિક સદ્ભાવ બગાડે અને ધર્મ ભેદભાવનું કારણ બને ત્યારે રાજ્યએ હસ્તક્ષેપ પણ કરવો જોઈએ. બીજી વાત એ કે રાજ્ય ખુદને ધર્મથી સંપૂર્ણપણે અલગ કરતું નથી, બલકે તમામ ધર્મોથી એક સૈદ્ધાંતિક અંતર રાખીને આગળ વધે છે."

તેમણે લખ્યું હતું, "દાખલા તરીકે, અસ્પૃશ્યતાને ચલાવી લેવાય નહીં અને પર્સનલ લને તેના મૂળ સ્વરૂપમાં રહેવા દેવાય નહીં. ધર્મમાં ક્યારે હસ્તક્ષેપ કરવો અને ક્યારે તેનાથી અંતર રાખવું તેનો નિર્ણય રાજ્યએ કરવાનો હોય છે. આપણે ધર્મને બંધારણીય પ્રતિબદ્ધતા હેઠળ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વમાં આડો આવવા દેવો જોઈએ નહીં."

પ્રો. રાજીવ ભાર્ગવ

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, પ્રો. રાજીવ ભાર્ગવ

ઇન્ડિયન સ્ટેટે જરૂર પડ્યે ધર્મના મામલાઓમાં અનેક વખત નિર્ણાયક હસ્તક્ષેપ કર્યો છે. પ્રાણીઓના બલિ પર પ્રતિબંધ અને મંદિરોમાં દલિતોનો પ્રવેશ રાજ્યએ જ સુનિશ્ચિત કર્યો છે. નહેરુએ તમામ ધર્મોને સમાન દૃષ્ટિએ નિહાળવાની વાત કહી હતી.

જોકે, પ્રૉફેસર ભાર્ગવના કહેવા મુજબ, ભારતના સેક્યુલર દૃષ્ટિકોણમાં ધર્મોથી દૂરી સૈદ્ધાંતિક પણ નથી અને સમાન પણ નથી. સરકાર અલગ અલગ ધાર્મિક સમૂહો સાથે ઘણીવાર અલગ-અલગ વલણ અપનાવે છે. દાખલા તરીકે ઇન્ડિયન સ્ટેટે હિન્દુ પર્સનલ લૉમાં સુધારો કર્યો અને નવું હિંદુ કોડ બિલ આવ્યું, પરંતુ આ પ્રકારનો બદલાવ ધાર્મિક લઘુમતીઓના મામલામાં કરવામાં આવ્યો નહીં. મુસલમાનોને શરિયા કાયદાથી દૂર કરવામાં આવ્યા નથી.

પ્રૉફેસર ભાર્ગવે કહ્યુ હતું, "બંધારણીય બિનસાંપ્રદાયિકતા સરકારને ભરોસે ટકેલી રહી શકે નહીં. તેને ટકાવી રાખવા માટે નિષ્પક્ષ ન્યાયપાલિકા, ઈમાનદાર મીડિયા, સિવિલ સોસાયટીના કર્મશીલો અને સતર્ક નાગરિકોની જરૂર હોય છે."

પ્રોફેસર ભાર્ગવના કહેવા મુજબ, ભારતમાં પાર્ટી-પૉલિટિકલ સેક્યુલરિઝમનો જન્મ લગભગ 40 વર્ષ પહેલાં થયો હતો અને ચૂંટણી જીતવા માટે તેનો ઉપયોગ બધાએ કર્યો. તેમાં કથિત ધર્મનિરપેક્ષ પક્ષોનો પણ સમાવેશ થાય છે.

પ્રોફેસર ભાર્ગવે કહ્યું હતું, "પાર્ટી-પૉલિટિકલ સેક્યુલરિઝમે તમામ મૂલ્યોને દાટી દઈને તકસાધુતાને સ્થાન આપ્યું છે. રાજકીય પક્ષોએ ધર્મથી અવસરવાદી અંતર રાખવાનું શરૂ કર્યું અને ચૂંટણીમાં તત્કાળ લાભ માટે તેઓ ધાર્મિક સમૂહો સાથે તકવાદી જોડાણ બનાવવા લાગ્યા. બાબરી મસ્જિદ-રામમંદિરમાં પૂજા માટે તાળું ખોલાવવાનો મામલો હોય કે શાહબાનુ કેસમાં મહિલાઓના અધિકારોને નજરઅંદાજ કરીને ધાર્મિક કટ્ટરતા સાથે સમજૂતિ કરવાની ઘટના હોય."

નહેરુ પછી કૉંગ્રેસના બિનસાંપ્રદાયિક વારસાને ફટકો પડ્યો

રાજીવ ગાંધી કૉંગ્રેસ બિનસાંપ્રદાયિકતા

ઇમેજ સ્રોત, Getty Images

નહેરુ જે બિનસાંપ્રદાયિકતા બાબતે કાયમ અડગ રહ્યા હતા, તેને નિર્બળ બનાવવાની શરૂઆત તેમના પરિવારથી જ થાય છે. 1980ના દાયકાથી ભારતની બિનસાંપ્રદાયિકતા પર સંકટના વાદળા ઘેરાવાના શરૂ થાય છે.

કૉંગ્રેસે તેની ઘટતી જતી લોકપ્રિયતાને કારણે એવા ઘણા નિર્ણય લીધા હતા, જેનાથી આરએસએસના હિંદુત્વના રાજકારણને મજબૂતી મળી. ઇન્દિરા ગાંધીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનો દરજ્જો આપ્યો હતો.

ઇન્દિરા ગાંધીએ હિંદુવાદી પક્ષ શિવસેનાની મદદ પણ લીધી હતી. પંજાબમાં અકાલી દળને અસ્થિર કરવા માટે જરનૈલ સિંહ ભિંડરાંવાલેને પ્રોત્સાહિત કરવાનો આરોપ પણ મૂકાયો હતો અને 1983માં તેમણે વિશ્વ હિંદુ પરિષદના ટેકાથી બનેલા ભારત માતા મંદિરમાં પૂજાની શરૂઆત કરી હતી.

1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા અને તેમની નીતિ બાબતે પણ ગંભીર સવાલ ઊભા થયા હતા. રાજીવ ગાંધી પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે શાહબાનો કેસમાં તેમણે મુસ્લિમ કટ્ટરપંથીઓ સામે ઘૂંટણ ટેકવી દીધાં હતાં.

શાહબાનો ઇન્દોરના એક મુસ્લિમ મહિલા હતાં. સુપ્રીમ કોર્ટે તલાકના કેસમાં તેમના પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાજીવ ગાંધી સંસદમાં કાયદામાં ફેરફારની પ્રક્રિયા અપનાવીને તે ચુકાદાને પલટી નાખ્યો હતો.

રાજીવ ગાંધીના આ નિર્ણયથી હિંદુત્વનું રાજકારણ કરતા લોકોને એવું કહેવાની તક મળી હતી કે કૉંગ્રેસ દંભી બિનસાંપ્રદાયિકતાનું રાજકારણ રમે છે. મુસ્લિમ તુષ્ટિકરણ જેવો શબ્દ અહીંથી ચલણમાં આવ્યો હતો. એ પછી હિંદુ રાષ્ટ્રવાદની વાત કરતા લોકોને પોતાની રાજનીતિ મજબૂત કરવાનો અવસર મળ્યો હતો.

ભારતીયો સાંપ્રદાયિક થઈ ગયા છે?

વરિષ્ઠ પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય

ઇમેજ સ્રોત, tatalitlive

ઇમેજ કૅપ્શન, વરિષ્ઠ પત્રકાર નીલાંજન મુખોપાધ્યાય

1952ની સામાન્ય ચૂંટણીમાં નહેરુની જીતને બિનસાંપ્રદાયિકતાની જીત ગણવામાં આવી હતી. ભારતની બહુમતી હિંદુ વસ્તીએ પાકિસ્તાન ઈસ્લામિક દેશ બન્યો હોવા છતાં બિનસાંપ્રદાયિક ભારત પર પોતાની મહોર મારી દીધી છે અને તે સહિયારી સંસ્કૃતિમાં રહેવા તૈયાર છે, એવું પણ કહેવાતું થયું હતું.

એ પણ લોકોના મનમાં વિભાજન પછીની કોમી હિંસાની સ્મૃતિ તાજી હતી ત્યારે આવું હતું.

બાબરી મસ્જિદ તૂટી ત્યારે રામમંદિર માટે અભિયાન ચલાવતા ભાજપના નેતાઓએ પણ સાર્વજનિક રીતે અફસોસ વ્યક્ત કર્યો હતો.

1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી અટલ બિહારી વાજપેયીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રાજીનામાની ઑફર કરી હતી, પરંતુ પક્ષે તેમના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. એ વખતે કરણ થાપરને આપેલી મુલાકાતમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું, "અયોધ્યા મેં છહ દિસંબર કો જો હુઆ, વો નહીં હોના ચાહિએ થા."

જોકે, હવે સમય બદલાઈ ગયો છે અને ભાજપના લોકો બાબરી મસ્જિદ તૂટવા બાબતે કોઈ અફસોસ જાહેર કરતા નથી. ઊલટાનું રામમંદિર અભિયાનમાં મોખરે રહેલાં ઉમા ભારતી તો તેને ગર્વ લેવાની વાત ગણાવે છે. બાબરી મસ્જિદ તૂટ્યા પછી ઉત્તર ભારત અને મુંબઈમાં ભીષણ રમખાણ થયાં હતાં.

હિન્દુ રાષ્ટ્રવાદના જાણીતા નિષ્ણાત અને ‘મોદીઝ ઇન્ડિયા’ નામના પુસ્તકના લેખક પ્રોફેસર ક્રિસ્ટોફ જેફરલોને વરિષ્ઠ પત્રકાર તથા લેખક નીલાંજન મુખોપાધ્યાયે પૂછ્યું હતું કે બિનસાંપ્રદાયિકતા ભારતીયોના લોહીમાં હોવાનું કહેવાય છે. આ વાત સાચી છે?

તેના જવાબમાં ક્રિસ્ટોફે કહ્યુ હતું, "હવે આખી ચર્ચા બદલાઈ ગઈ છે. ભારતીયો સ્વભાવે જ બિનસાંપ્રદાયિક છે એવું આપણે કહી ન શકીએ. 1984માં અયોધ્યા આંદોલન શરૂ થયું ત્યારે લોકોને એકઠા કરવાનું મુશ્કેલ હતું. આખરે 1989 પછી અનેક રમખાણ થયાં અને આ રમખાણોએ ધ્રુવીકરણમાં મોટી ભૂમિકા ભજવી."

"હું એ પણ ન કહી શકું કે કોઈ વ્યક્તિ સ્વભાવે જ સાંપ્રદાયિક હોય છે. લોકોને ડર દેખાડીને સાંપ્રદાયિક બનાવવામાં આવે છે. સામે એક દુશ્મન ઊભો કરવામાં આવે છે અને અસલામતીની ભાવના પેદા કરવામાં આવે છે."

ક્રિસ્ટોફે કહ્યું હતું, "1992 દરમિયાન અને તેના થોડા વખત પહેલાં સુધી હિન્દુત્વના પ્રોગ્રામમાં એક પ્રકારની અનિશ્ચિતતા હતી, સંઘર્ષ હતો, પરંતુ હવે ભાજપ માટે હિન્દુઓને એકઠા કરવાનું મુશ્કેલ નથી."

નરેન્દ્ર મોદી ક્યા નવા કાલચક્રની વાત કરી રહ્યા છે?

નરેન્દ્ર મોદી હિન્દુત્તવ

ઇમેજ સ્રોત, @BJP4INDIA

22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમારંભમાં આવેલા લોકોને સંબોધન કરતાં કહ્યું હતું, "22 જાન્યુઆરી, 2024 કૅલેન્ડરમાં લખેલી તારીખ નથી. આ એક નવા કાળચક્રનું ઉદ્ગમ છે. આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં, પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે."

વડા પ્રધાન આ વાત કહી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર વિજયના ભાવ સ્પષ્ટ ઝળકતા હતા.

નરેન્દ્ર મોદી ક્યા નવા કાળચક્રના ઉદ્ગમની વાત કરી રહ્યા છે? 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી જે કાળચક્ર ચાલુ છે તેની વાત કરી રહ્યા છે કે પછી કોઈ નવા કાળચક્રની વાત કરી રહ્યા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાબરી મસ્જિદ વિધ્વંસ વિશે પુસ્તક લખી ચૂકેલા નીલાંજન મુખોપાધ્યાયએ આ સવાલના જવાબમાં કહ્યું હતું, "નવા કાળચક્રની તો ખબર નથી, પરંતુ વર્તમાન કાળચક્રમાં અનેક ચીજો દેખાઈ રહી છે. અયોધ્યાની માફક જ્ઞાનવાપીનો મામલો શરૂ થયો છે. મથુરામાં પણ આવા જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."

"સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો ત્યારે પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આવા મામલાઓ વિશે વિચાર કરવામાં આવશે નહીં, પરંતુ એવું થતું હોય તેવું જણાતું નથી. 2014થી બહુ બધું થઈ રહ્યું છે. હિન્દુસ્તાનના લઘુમતી લોકોમાં અસલામતી વધી છે. જે રીતે નવા કાયદા આવ્યા છે, તેનાથી લઘુમતીઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. એ સિવાય તો મને નવું કાળચક્ર સમજાતું નથી."

નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું હતું, "રામલલા હવે ટેન્ટમાં નહીં, દિવ્ય મંદિરમાં રહેશે, એવું વડા પ્રધાને કહ્યું હતું, પરંતુ ભારતના બંધારણની દિવ્યતા અને ભવ્યતાનું શું થશે? ધર્મ અને રાજનીતિ વચ્ચે જે ભેદરેખા હતી, તેને તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ ભૂંસી નાખી છે."

"ઇન્ડિયન સ્ટેટ અને ધર્મની રેખા સુદ્ધાં એક કરી નાખી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં ત્રણ વર્ષમાં એવા ચાર કાર્યક્રમોમાં સામેલ થયા હતા, જેમાં ધર્મ, રાજનીતિ અને ઇન્ડિયન સ્ટેટની ભેળસેળ કરવામાં આવી હતી."

"એ ચારેયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યજમાનની ભૂમિકામાં હતા. સૌથી પહેલાં પાંચમી ઑગસ્ટ, 2020ના રોજ તેમણે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. એ પછી ડિસેમ્બર, 2020માં નવા સંસદ ભવનનું ભૂમિપૂજન થયું હતું. ત્રીજું ગયા મે મહિનામાં નવા સંસદભવનનું ઉદ્ઘાટન થયું હતું. તે સંપૂર્ણપણે હિંદુ પ્રતીક અને રીતરિવાજથી કરવામાં આવ્યું હતું.”

"આ મૂળભૂત રીતે વાંધાજનક છે, કારણ કે એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની સંસદનું ઉદ્ઘાટન હિન્દુ રિવાજ અનુસાર કરવામાં આવ્યું હતું. જાણે કે હિન્દુ ભારતનો રાજકીય ધર્મ છે. ચોથું તેમણે રામમંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સ્વયં મુખ્ય યજમાન બન્યા. આ દર્શાવે છે કે ભારત ઔપચારિક રીતે ધાર્મિક સ્ટેટ બની શકે છે."

સરદાર પટેલ, આંબેડકર અને ભાજપ

ભારત બિનસાંપ્રદાયિકતા સરદાર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપે સત્તા પર આવ્યા પછી ઇતિહાસથી માંડીને વર્તમાન સુધી બધું પોતાની રીતે પરિભાષિત કર્યું છે અને આઝાદીના આંદોલનના નેતાઓનો પણ પોતાના હિસાબે ઉપયોગ કર્યો છે.

જ્યૉર્જ ઑરવેલે તેમની વિખ્યાત નવલકથા ‘1984’માં લખ્યું હતું કે જેનો વર્તમાન હોય છે, ભૂતકાળ પણ તેનો જ હોય છે.

સરદાર પટેલ ભારતીય રાજનીતિના લોહપુરુષ તરીકે વિખ્યાત છે અને તેઓ આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન બન્યા હતા. લાલકૃષ્ણ અડવાણી સરદાર પટેલને તેમના આદર્શ માનતા રહ્યા છે અને પ્રશંસકો તેમને લોહપુરુષ કહે એ તેમને ગમતું હતું.

અટલ બિહારી વાજપેયી સરકારમાં અડવાણી પણ ગૃહપ્રધાન બન્યા હતા.

1931માં કરાચીમાં યોજાયેલા કૉંગ્રેસના 45મા અધિવેશનને અધ્યક્ષ તરીકે સંબોધતાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું, "બહુમતી સમુદાય હિંમત દેખાડે અને પોતાને લઘુમતીના સ્થાને રાખીને જુએ ત્યારે જ હિન્દુ-મુસ્લિમ એકતા થઈ શકે. બહુમતી સમુદાયની આ જ સૌથી મોટી સમજદારી હશે."

લાલકૃષ્ણ અડવાણીએ 1990ની 19 નવેમ્બરે અયોધ્યામાં કહ્યું હતું, "જો હિંદુ હિત કી બાત કરેગા, વહી દેશ પર રાજ કરેગા."

અડવાણીએ 1990ની બીજે ઑક્ટોબરે ફરિયાદના સૂરમાં કહ્યું હતું, "બિનસાંપ્રદાયિક નીતિઓ હિંદુ મહત્ત્વાકાંક્ષાઓ પર અતાર્કિક મર્યાદા લાદી રહી છે."

ભાજપના તત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ 1991ની 13 જાન્યુઆરીએ કહ્યું હતું, "હિંદુ રાષ્ટ્રને કોઈ ઔપચારિક સ્વરૂપ આપવાની જરૂર નથી. હિંદુ રાષ્ટ્ર આ દેશની બુનિયાદી સંસ્કૃતિ છે. તમામ ભારતીય મુસલમાનો મોહમ્મદિયા હિંદુ છે અને તમામ ભારતીય ખ્રિસ્તીઓ ક્રિસ્ટી હિંદુ છે. આ એ હિંદુઓ છે, જેમણે બાદમાં ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો."

નરેન્દ્ર મોદી સરકારે સરદાર પટેલની બહુ ઊંચી પ્રતિમા બનાવી છે અને ભાજપ કાયમ તેમને પોતાના આદર્શ તરીકે પ્રસ્તુત કરે છે, પરંતુ સરદાર પટેલે હિંદુત્વની રાજનીતિનો હંમેશા અસ્વીકાર કર્યો હતો. તે એટલે સુધી કે ગૃહમંત્રી હતા ત્યારે તેમણે આરએસએસ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો.

જાણીતા ઉદ્યોગપતિ બી. એમ. બિરલાએ 1947ની પાંચમી જૂને સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો. બિરલાએ પત્રમાં લખ્યું હતું, "ભારતના વિભાજન વિશેની વાઇસરૉયની જાહેરાત તમે ઇચ્છતા હતા તેવી જ છે, એ જોઈને હું રાજી થયો છું. હિન્દુઓ માટે આ સારું છે, તેમાં કોઈ શંકા નથી. હવે આપણે સાંપ્રદાયિક શ્રાપમાંથી મુક્ત થયા છીએ. વિભાજિત પ્રદેશ મુસ્લિમ સ્ટેટ હશે તે જગજાહેર છે. પણ શું હિન્દુસ્તાનને હિંદુ રાષ્ટ્ર બનાવવા વિશે વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી?"

બિરલાના પત્રના જવાબમાં સરદાર પટેલે 1947ની 10 જૂને લખ્યું હતું, "ત્રણ જૂનની જાહેરાતથી કમસેકમ અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવ્યો છે એ વાતથી હું રાજી છું. મને નથી લાગતું કે હિન્દુસ્તાનને હિંદુ રાષ્ટ્ર અને હિંદુ ધર્મને રાજકીય ધર્મ બનાવવાનું શક્ય હશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે બાકીની લઘુમતીની સલામતી આપણી પહેલી જવાબદારી છે. સ્ટેટ બધા માટે હોવો જોઈએ, કોઈ ખાસ જાતિ કે વંશ માટે નહીં" (સરદાર પટેલ કે પત્ર, વૉલ્યુમ 4, પેજ ક્રમાંક 56)

ભારત બિનસાંપ્રદાયિકતા હિન્દુત્વ

ઇમેજ સ્રોત, ANI

ભાજપ માત્ર સરદાર પટેલને જ નહીં, પરંતુ આંબેડકરને પણ એવી રીતે પ્રસ્તુત કરે છે કે બન્નેમાં વૈચારિક નિકટતા હતી.

બી. આર. આંબેડકરે તેમના પુસ્તક ‘પાકિસ્તાન ઔર ધ પાર્ટિશન ઑફ ઇન્ડિયા’માં લખ્યું છે, "હિંદુ રાષ્ટ્ર વાસ્તવિકતા બની જશે તો તે આ દેશ માટે બેશક સૌથી મોટી દુર્ઘટના હશે. હિંદુ રાજને કોઈ પણ કિંમતે રોકવું પડશે." (1946, પેજ ક્રમાંક 354-355)

આંબેડકરે 1947ની 24 માર્ચે રાઇટ્સ ઑફ સ્ટેટ ઍન્ડ માઇનૉરિટી વિશે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

એ રિપોર્ટમાં તેમણે લખ્યું હતું, "ભારતીય લઘુમતીઓનું એક દુર્ભાગ્ય છે કે ભારતીય રાષ્ટ્રવાદે એક નવો સિદ્ધાંત ઘડી કાઢ્યો છે કે બહુમતીને લઘુમતી પર રાજ કરવાનો દૈવીય અધિકાર છે. લઘુમતી સત્તામાં હિસ્સેદારી માંગશે તો તેમને સાંપ્રદાયિક ગણાવવામાં આવશે, જ્યારે બહુમતીના સત્તા પરના એકાધિકારને રાષ્ટ્રવાદ કહેવામાં આવશે."

ઇતિહાસના વિદ્વાન અને ધાર્મિક રાષ્ટ્રવાદ વિશે પુસ્તક લખી ચૂકેલા રામ પુનિયાનીએ જણાવ્યું હતું કે આંબેડકર જે બહુમતી રાષ્ટ્રવાદ બાબતે સતર્ક હતા, તે હવે હકીકત બનીને સામે આવી રહ્યો છે. ભારતના લઘુમતીઓ રાજકીય રીતે હાંસિયા પર આવી ગયા છે એટલું જ નહીં, પરંતુ સામાજિક રીતે પણ અલગાવવાદ તેમની સામે છે."

નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં એક પણ મુસલમાન મંત્રી નથી. લોકસભા અને રાજ્યસભામાં ભાજપના લગભગ 400 સાંસદ છે, પરંતુ એકેય મુસલમાન સાંસદ નથી. એટલું જ નહીં, ભાજપે ટોકન મુસ્લિમ પ્રતિનિધિત્વને પણ ખતમ કરી દીધું છે.

પ્યૂ રિસર્ચના જણાવ્યા મુજબ, ભારતમાં 2060 સુધીમાં વિશ્વની સૌથી વધારે મુસ્લિમ વસ્તી હશે અને રાજકીય પ્રતિનિધિત્વની હાલત આવી છે. 2014ની ચૂંટણીમાં ભાજપે કુલ 482માંથી સાત મુસલમાનોને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ એ પૈકીના એકેયને જીત મળી ન હતી.

2019ની ચૂંટણીમાં ભાજપે છ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેમાં જમ્મુ-કાશ્મીરમાં ત્રણ, પશ્ચિમ બંગાળમાં બે અને લક્ષદ્વીપમાં એક મુસ્લિમનો સમાવેશ થાય છે, પરંતુ 2019માં પણ એ પૈકીના કોઈનો વિજય થયો ન હતો.

ભારતની વસ્તીમાં મુસલમાનોની હિસ્સેદારી વધી રહી છે, પરંતુ રાજકીય ભાગીદારી ઘટી રહી છે. 2001 અને 2011માં છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી તથા મુસ્લિમોની વસ્તી 13.4 ટકાથી વધીને 14.2 ટકા થઈ હતી. 1980માં સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા મુસ્લિમોનું પ્રમાણ લગભગ 10 ટકા હતું, જે 2014માં માત્ર ચાર ટકા થઈ ગયું હતું.

સ્વપન દાસગુપ્તા આના માટે પણ મુસલમાનોને જવાબદાર ગણાવે છે. તેમણે કહ્યું હતું, "મુસલમાનોના રાજકીય ગણિત અને તેમની ખોટી પસંદગીને લીધે આવું થઈ રહ્યું છે. તેમણે ખુદને ભાજપ વિરોધી રાજકારણ સાથે ઊભા રાખ્યા છે. તેથી રાજકારણમાં તેમનું ઓછું પ્રતિનિધિત્વ ચોંકાવનારું નથી."

મુસલમાનોની ભારતીયતા પર શંકા

ભારત બિનસાંપ્રદાયિકતા હિન્દુત્વ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસી નેતા અને રાજીવ ગાંધીના દોસ્ત મણિશંકર અય્યરે ‘કન્ફેશન્શ ઑફ અ સેક્યુલર ફંડામેન્ટલિસ્ટ’ નામનું પુસ્તક લખ્યું છે. ભાજપ અને આરએસએસની 1,000 વર્ષની ગુલામીની વાત સંદર્ભે અય્યરે કહ્યું છે, "રસપ્રદ વાત એ છે કે આરઆરએસનો વિચાર 1,000 વર્ષના એક બિન-હિંદુ શાસનને સામેલ કરતો નથી, જેનો સમય સમ્રાટ અશોકના બૌદ્ધ ધર્મ સ્વીકાર કરવાથી માંડીને છેલ્લા મહાન બૌદ્ધ સમ્રાટ હર્ષવર્ધન સુધીનો હતો. બિન-હિંદુ શાસનમાં તેમણે માત્ર ખ્રિસ્તીઓ અને મુસલમાનોને જ રાખ્યા છે.”

મુસલમાનોની નિષ્ઠા પર શંકા કરવી એ હિંદુત્વની રાજનીતિ માટે કોઈ નવી વાત નથી. હિંદુત્વના ઝંડેદાર વિનાયક દામોદર સાવરકર મુસલમાનોને હંમેશાં બહારના માનતા રહ્યા હતા.

‘હિંદુત્વઃ વ્હૂ ઇઝ હિંદુ’ પુસ્તકમાં સાવરકરે લખ્યું છે, "જે લોકોને બળજબરીથી મુસલમાન કે ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા તેમની પણ આ પિતૃભૂમિ છે અને સંસ્કૃતિનો મોટો હિસ્સો પણ એકસમાન છે, છતાં તેમને હિંદુ માની શકાય નહીં. આ એમની પુણ્યભૂમિ નથી. તેમની પુણ્યભૂમિ દૂરસુદૂર અરબમાં છે. તેમની માન્યતાઓ, તેમના ધર્મગુરુ, વિચાર અને નાયક આ માટીની ઉપજ નથી. તેથી તેમના નામ અને દૃષ્ટિકોણ મૂળભૂત રીતે વિદેશી છે. તેમનો પ્રેમ વહેંચાયેલો છે."

પોતે સાવરકરની આ વાત સાથે સહમત ન હોવાનું જણાવતાં સ્વપન દાસગુપ્તાએ કહ્યું હતું, "સાવરકરે હિંદુત્વને કોડિફાઈ કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે મારા મતે હિંદુત્વ એક ભાવના છે. હું રાષ્ટ્રીયતા અને ધર્મને જોડવા સાથે સહમત નથી."

મુકુલ કેસવન પણ સાવરકરના તર્કને સ્વીકારતા નથી. તેમના કહેવા મુજબ, લોકશાહી સમાજમાં નાગરિકતા જન્મ આધારિત અધિકાર હોય છે, ધાર્મિક આસ્થા પર આધારિત નહીં.

પોતાના પુસ્તક ‘કન્ફેશન્શ ઑફ અ સેક્યુલર ફંડામેન્ટલિસ્ટ’માં મણિશંકર અય્યરે અટલ બિહારી સરકારમાં પ્રધાન તરીકે કામ કરી ચૂકેલા અરુણ શૌરી સાથે વાત કરી છે. અરુણ શૌરી વિખ્યાત પત્રકાર અને તંત્રી પણ હતા.

મણિશંકર અય્યર અરુણ શૌરીને પૂછે છે કે મુસલમાન હોવું એ ભારતીય હોવાના માર્ગમાં મુશ્કેલી સર્જે છે?

તેના જવાબમાં શૌરી કહે છે, "ઇસ્લામ ધર્મના પાલન કરવા પછી કોઈ બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક સમાજમાં જીવવું અશક્ય હોય છે, કારણ કે ઇસ્લામના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાની સાથે તમે આવું કરી શકતા નથી."

શૌરીના આ જવાબ સંદર્ભે અય્યર બીજો સવાલ પૂછે છે, તમે એવું કહેવા માગો છો કે સારા ભારતીય તરીકે જીવવાના પ્રયાસ કરતા હો તો તમે એક ખરાબ મુસલમાન હોવ છો?

શૌરી જવાબમાં કહે છે, "મને લાગે છે કે તમે આ વાતને થોડા આકરા શબ્દોમાં કહી રહ્યા છો, પરંતુ તેમણે કુરાન અને હદીસના મૂળ સિદ્ધાંતોથી નિશ્ચિત રીતે થોડું અલગ થવું પડશે."

પ્રૉફેસર રાજીવ ભાર્ગવ અરૂણ શૌરીની વાત સાથે સહમત નથી. તેમણે કહ્યું હતું, "શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા ઉપદેશ આપે છે ત્યારે કોઈ કહી શકે કે તેઓ હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે, પરંતુ શ્રીકૃષ્ણના ઉપદેશને સંદર્ભ કાપીને જોવાનું યોગ્ય નથી. એવી જ રીતે આપણે કુરાન અને હદીસને પણ જોઈ શકીએ નહીં. દરેક વ્યક્તિ પોતાની રીતે વ્યાખ્યા કરતી હોય છે."

છેલ્લાં 10 વર્ષમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ બંધારણીય દરજ્જો મળ્યો હતો. મોદી સરકારે તેને ખતમ કરી નાખ્યો. બાબરી મસ્જિદ વિધ્વંસને સુપ્રીમ કોર્ટે અપરાધી કૃત્ય ગણાવ્યું હતું, પરંતુ ત્યાં રામમંદિર બનાવવાની પરવાનગી પણ આપી દીધી. ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડમાં યુનિફૉર્મ સિવિલ કોડનો અમલ શરૂ થવાનો છે.

મુકુલ કેસવન આ બધાને હિંદુ શ્રેષ્ઠતાને સામાન્ય બનાવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું, "હિંદત્વનું રાજકારણ હિંદુ વર્ચસ્વનું રાજકારણ છે. તેમનો એક જ વૈચારિક એજન્ડા છેઃ લઘુમતી સામે હિંદઓને એક કરવા."

રામ પુનયાનીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસની સરકાર પણ આવશે તો તેને પાછા ખેંચવાની હિંમત નહીં કરી શકે.

તેમના કહેવા મુજબ, જે નુકસાન થઈ ગયું છે, તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. હવે લડાઈ ભવિષ્યના નુકસાનને કેટલું અને કઈ રીતે રોકી શકાય તેની છે. ક્રિસ્ટોફ જેફરલોના કહેવા મુજબ, હવે ભાગ્યે જ કોઈ મુસલમાન ભારતનો રાષ્ટ્રપતિ બનશે અને બીજી કોઈ સરકાર આવશે જે ઉગ્ર બની ગયેલા હિંદુ સંગઠનોને ટપારી શકશે.