ભાજપ અને આરએસએસ વચ્ચેનું શક્તિ સંતુલન બદલાઈ રહ્યું છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ગાઢ સંબંધની વાતથી કોઈનાથી છુપાયેલી નથી. છતાં એવું ભાગ્યે જ બન્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત જાહેરમાં એક સાથે કે એક મંચ પર જોવા મળ્યા હોય.

2020માં અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન વખતે તેઓ બંને સાથે દેખાયા હતા.

સોમવારે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં ફરી એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાગવત એક સાથે જોવા મળ્યા.

રામમંદિરના ગર્ભગૃહમાં ભાગવત મોદી સાથે અગાઉ પૂજા કરતા દેખાયા અને બાદમાં મંચ પરથી ભાષણ પણ આપ્યું.

સંબંધો બદલાયા?

આરઆરએસ

ઇમેજ સ્રોત, @BJP4INDIA

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, @BJP4INDIA

ઇમેજ કૅપ્શન, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત અને નરેન્દ્ર મોદીએ રામમંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી હતી

ભાગવત પ્રાણપ્રતિષ્ઠામાં હાજર જરૂર હતા, પણ સમારંભના નાયક તરીકે નહીં.

પોતાના ભાષણમાં ભાગવતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં કોઈ કમી ન રાખી.

તેમણે કહ્યું : "આ પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં ભાગ લેતા પહેલાં વડા પ્રધાને કઠોર વ્રત કર્યું. જેટલું કડક વ્રત રાખવાનું કહેવાયું હતું, એના કરતાં ઘણું વધારે કઠોર વ્રતાચરણ તેમણે કર્યું. હું તેમને ઘણા સમયથી ઓળખું છું, તેઓ તપસ્વી તો છે જ."

આરએસએસ ભાજપનું માતૃ સંગઠન છે. તેથી સ્વાભાવિકપણે જ તેનો પ્રભાવ ભાજપ પર રહેશે જ. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંઘના સક્રિય પ્રચારક પણ રહી ચૂક્યા છે.

પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત એ બાબતે ચર્ચા થતી રહી છે કે શું ભાજપ આરએસએસના નિયંત્રણમાં રહીને જ કામ કરે છે? જો આવું ન હોય તો આરએસએસનું ભાજપ પર નિયંત્રણ કેટલી હદે છે.

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં જ્યાં ધર્મ અને રાજકારણ વચ્ચેની રેખાઓ ઝંખવાતી દેખાઈ, ત્યાં ભાગવતની હાજરીએ એક સવાલ પણ ઊભો કર્યો કે શું ભાજપ અને આરએસએસના સંબંધો બદલાઈ રહ્યા છે?

'શક્તિ સંતુલનમાં બદલાવ'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4INDIA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નીલાંજન મુખોપાધ્યાય એક લેખક અને રાજકીય વિશ્લેષક છે. તેમણે બાબરી મસ્જિદ વિધ્વંસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મુખ્ય હસ્તીઓ પર પુસ્તકો લખ્યાં છે.

તેમનું કહેવું છે કે મોહન ભાગવતને મંચ આમંત્રણ અને તેમનું ભાષણ આપવું એ મહત્ત્વનું છે. તેઓ કહે છે કે ઑગસ્ટ 2020માં પણ મંદિરના ભૂમિપૂજન સમયે ભાગવતને આ જ સ્થાન અપાયું હતું. તેઓ કહે છે, " આરએસએસ અને ભાજપ વચ્ચે શક્તિના સંતુલનમાં બદલાવ આવ્યો છે."

મુખોપાધ્યાય કહે છે, "એ સમયે (જ્યારે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા) આરએસએસના કેટલાક લોકોને એવી આશા હતી કે મોદી મુખ્ય મંત્રી છે, પણ તેઓ પ્રચારક પણ છે. તેથી તેમણે સંઘ કાર્યાલય જઈને વરિષ્ઠ લોકોને રિપોર્ટ કરવું જોઈએ, પણ મોદી સંઘની કચેરીએ ન ગયા. જોકે, મુખ્ય મંત્રીપદે રહીને મોદીએ સંઘના એજન્ડાને જ આગળ વધાર્યો છે."

મુખોપાધ્યાય કહે છે, "મોદીનું માનવું છે કે ચૂંટાયેલા નેતાએ સંઘ કચેરીએ નથી જવાનું. જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે મેં એક લેખમાં લખ્યું હતું કે હવે એ જોવાનું રહેશે કે જેવી રીતે આરએસએસ એક મોટા ભાઈની ભૂમિકામાં દેખાતું, શું એ યથાવત્ રહેશે કે તે ભાજપનો જોડિયો ભાઈ બની જશે. અમુક સમય બાદ બંનેમાં સમાનતા આવી ગઈ અને આરએસએસનું આધિપત્ય સમાપ્ત થઈ ગયું."

'ભાગવતે બતાવી દીધું કે બૉસ એ જ છે'

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહન ભાગવત

ભાગવતનું ગર્ભગૃહમાં હોવાનો શો મહત્ત્વ છે? શું એમાં ભાજપ અને આરએસએસના સંબંધોમાં આવી રહેલા પરિવર્તનની કોઈ ઝલક દેખાય છે?

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, "પરિવર્તન તો હું નથી જોતો. મને લાગે છે કે ક્યારેક સમયની જરૂરિયાત પ્રમાણે ભૂમિકા, સ્ક્રિપ્ટ અને ડાયલૉગ બદલાઈ જાય છે. પ્રાણપ્રતિષ્ઠાનો જે સમારંભ હતો તે મોદીનો વૈભવ હતો, તેમનો પ્રભાવ બતાવવા માટે હતો, પણ આરએસએસ મોદીનો ઉપયોગ તેમના લાંબા ગાળાના વિઝનને પૂરા કરવા કરી રહ્યો છે. આરએસએસને ખબર છે કે તેમનું વિઝન પૂર્ણ કરવા માટે તેમણે એક મોટી રાજકીય તાકત જોઈએ."

નીલંજન મુખોપાધ્યાય

ત્રિપાઠી કહે છે કે આરએસએસ ભાજપનું માતૃ સંગઠન છે પણ લોકોને એવું લાગવા લાગેલું કે આરએસએસ ભાજપની સાંસ્કૃતિક શાખા છે અને આરએસએસ પ્રમુખનું પદ એ ઝાઝું મહત્ત્વનું નથી.

તેઓ કહે છે, "પણ મોહન ભાગવતે બતાવી દીધું કે બૉસ તો એ જ છે, પરંતુ રાજકીય પ્રોજેક્ટના નેતા મોદી છે. જો તેઓ બૉસ ન હોય તો ગર્ભગૃહમાં તેમની હાજરીની શું જરૂર હતી, મોદીની એવી તો કઈ મજબૂરી હતી?"

'ભાગવત હવે મોદીને નિર્દેશ નથી આપી શકતા'

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Getty Images

અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમના અને તત્કાલીન સરસંઘચાલક કે. એસ. સુદર્શન વચ્ચેના સંબંધ સારા ન હતા. ઘણા મામલે બંને વચ્ચે મતભેદ હોવાના સમાચાર વાંરવાર સામે આવતા રહેતા.

જ્યારે ભાજપે 2014ની ચૂંટણી જીતીને સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તો એક લાંબા ગાળા સુધી એ વાત ચર્ચાનો વિષય રહી કે કેવી રીતે પાર્ટી અને સરકારનો દોરીસંચાર નાગપુર(આરએસએસનું મુખ્યાલય)ના હાથમાં છે.

એ સમયે એ વાત પણ છુપાયેલી નહોતી કે મોદી સરકારના કેટલાય મંત્રી દિલ્હીમાં ઝંડેવાલાનસ્થિત આરએસએસની કચેરીમાં નિયમિત હાજરી પુરાવતા અને પોતાના વિભાગોનાં કામોનો હિસાબ આપતા.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે તેમની પાસેની માહિતી પ્રમામે મોદી ક્યારેય મોહન ભાગવતને મળવા નથી ગયા. તેઓ કહે છે, "જો તેઓ મળ્યા હોય તો શક્ય છે કે મોદીએ મોહન ભાગવતને તેમના ઘરે બોલાવ્યા હશે. ભાગવતે ઘણી વખત જાહેરમાં મોદીનાં વખાણ કર્યાં છે. આવું અગાઉ ક્યારેય નહોતું થતું. ચોક્કસપણે સંઘપરિવારમાં સત્તાસમીકરણોમાં બદલાવ આવ્યો છે. સરસંઘચાલક હવે એવા સુપ્રીમો નથી રહ્યા, જે વડા પ્રધાનને નિર્દેશ આપી શકે."

મુખોપાધ્યાય કહે છે કે વડા પ્રધાન મોદીએ ક્યારેય સંઘના કોઈ પણ સિદ્ધાંતનું ઉલ્લંઘન નથી કર્યું.

તેઓ કહે છે, "જોકે તેઓ તો હંમેશાંની માફક એટલા જ કટ્ટર પ્રચારક છે. તો સંઘ નારાજ કેમ થાય? શાસનની રીત સંબંધિત કેટલાક મતભેદ હોઈ શકે. પરંતુ વડા પ્રધાને પણ સંઘને જણાવ્યું હશે કે સરકાર ચલાવવાનું કામ તેમનું છે અને જો સંઘને સરકારની કોઈ પણ નીતિથી વાંધો હોય તો સંઘ તેમને જણાવી શકે છે."

આરએસએસ-ભાજપના સંબંધોનું ભવિષ્ય કેવું રહેશે?

આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરએસએસ

મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આગામી સમયમાં ભાજપ અને આરએસએસના સંબંધો કઈ દિશામાં જશે?

રાજકીય વિશ્લેષક માને છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાનો ફાયદો આરએસએસને થઈ રહ્યો છે. સાથે ભાજપ એવું સમજે છે કે આરએસએસના પાયાના કાર્યકરો વગર આગામી ચૂંટણી જીતવાનું સરળ નહીં હોય. આમ, બંનેને એકબીજાની જરૂર છે અને એટલે જ બંને વચ્ચે કોઈ ટક્કર નહીં થાય.

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "વાજપેયીના સમયથી ઊલટું મોદી પાસે બહુમતી છે, તેથી તેઓ સરકારનાં વિભાગો અને પરિષદો પર સંઘના લોકોને નીમવા સક્ષમ છે.

મુખોપાધ્યાય મુજબ આગામી સમયમાં આરએસએસ અને ભાજપ વચ્ચેનો તાલમેલ સારો હશે. તેઓ કહે છે, "આરએસએસને ફાયદો થઈ રહ્યો છે. 2004માં આરએસએસ એટલો ઉત્સાહિત નહોતો, કારણ કે વાજપેયી અને સુદર્શનના સંબંધો સારા ન હતા. વળી વાજપેયી સંઘ અને સંઘના લોકો માટે કંઈ નહોતા કરી શક્યા. હાલ કોઈ સમસ્યા નથી."

તેઓ કહે છે કે આરએસએસે બૅક સીટ લઈ લીધી છે.

"આરએસએસ એ વાતને સમજી ગયો છે કે મોદી પરિણામ લાવી રહ્યા છે. તેઓ આરએસએસના એજન્ડા અને વિચારધારાને અનુસરી રહ્યા છે. તેઓ સમજી ગયા છે કે મોદીને સ્વાયત્તતા આપવી પડશે. જો મોદી લાઇનથી દૂર ગયા તો તે સહેજ ઈશારો કરશે અને જોશે કે શું કરવાનું છે."

ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ

બીજી બાજુ રામદત્ત ત્રિપાઠી કહે છે કે પ્રાણપ્રતિષ્ઠા સમારંભ દરમ્યાન મોહન ભાગવતે તેમના ભાષણમાં કહ્યું કે જુસ્સામાં ભાન જાળવી રાખવું જરૂરી છે.

ત્રિપાઠી કહે છે, "તેમની વાતનો અર્થ એ હતો કે આ મારી સેના છે અને હું નિયંત્રક છું. બધાને કહ્યું કે અનુશાસનમાં રહેવાનું છે, સંયમથી રહેવાનું છે. કારણ કે એવો ડર છે કે જે ઊર્જા આજે પેદા થઈ છે તેના કારણે જો અયોધ્યા જેવી ઘટનાઓ અન્ય જગ્યાએ બનવા લાગી તો તેને નિયંત્રિત કરવાનું મુશ્કેલ થઈ જશે. ભાગવત કહેવા માગે છે કે યોજના મુજબ જણાવાયેલ કાર્યક્રમ પ્રમાણે જ કાર્યકરો કામ કરે. જેઓ સાંસ્કૃતિક પુનરુત્થાનની વાત કરી રહ્યા છે ક્યાંક તેઓ જાતે જ મસ્જિદ અને મઝારના નામે ઘર્ષણમાં ન ઊતરી જાય."

ત્રિપાઠી મુજબ પ્રાણપ્રતિષ્ઠા પછી મોદી અને ભાગવતે પોતે બહુ મોટી જવાબદારી લઈ લીધી છે, કારણ કે તેમણે રામરાજ્યની વાત કરી છે.

તેઓ કહે છે, "કૅડરને તો આરએસએસ કંટ્રોલ કરે છે. એમાં કોઈને ગેરસમજ ના હોવી જોઈએ. આરએસએસની દરેક વાત તો વાજપેયી પણ નહોતા માનતા, પણ સ્ક્રિપ્ટ તો આરએસએસમાંથી જ લખાઈને આવતી હતી. બધાની ભૂમિકા પહેલેથી જ નક્કી રહેતી."

બીબીસી
બીબીસી