ઇલેક્ટોરલ બૉન્ડ પર રોક, સુપ્રીમ કોર્ટના નિર્ણયની ચૂંટણી ફંડિંગ પર શું અસર થશે?

ચૂંટણી બોન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા વર્ષ 2022-23માં સૌથી વધુ ભંડોળ ભાજપને મળ્યું હતું
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલી કેન્દ્ર સરકારની ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યા છે.

આ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી 2018 અને જાન્યુઆરી 2024 વચ્ચે 16 હજાર 518 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યાં હતાં. જેમાં રકમ મુખ્યત્વે રાજકીય પાર્ટીઓને ચૂંટણી ફંડિંગ તરીકે અપાઈ હતી.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામે આવેલા રિપોર્ટ્સ પરથી એ જાણવા મળ્યું છે કે રકમનો સૌથી મોટો ભાગ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને મળ્યો છે.

આ બૉન્ડ પર પારદર્શિતાને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા હતા અને એ આરોપ લાગી રહ્યા હતા કે આ યોજનાનો ઉપયોગ મની લૉન્ડરિંગ અથવા કાળા નાણાંને સફેદ કરવા માટે થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અર્થ

ઈલેક્ટોરલ બૉન્ડ્સ
ઇમેજ કૅપ્શન, ઇલેક્ટોરલ બૉન્ડથી ચૂંટણીમાં જે પારદર્શિતા જતી રહી હતી તે પરત આવે તેની ઉજળી સંભાવનાઓ છે

એડીઆરના સંસ્થાપક અને ટ્રસ્ટી પ્રોફેસર જગદીપ છોકર કહે છે કે "આ નિર્ણય કાબિલ-એ-તારીફ છે. તેની એ અસર થશે કે ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમ બંધ થઈ જશે. જે કૉર્પોરેટ્સ તરફથી રાજકીય પક્ષોને રૂપિયા અપાતા હતા જે અંગે સામાન્ય જનતાને કંઈ જ ખબર નહોતી રહેતી. તે બંધ થઈ જશે. આ અંગે જે પણ પારદર્શિતા ઇલેક્ટોરલ બૉન્ડ્સની સ્કીમે ખતમ કરી હતી તે પાછી આવી જશે."

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બૉન્ડથી મળેલી રકમની જાણકારી છ માર્ચ સુધી ચૂંટણી પંચને આપવી પડશે. આ જાણકારી ચૂંટણીપંચે 13 માર્ચ સુધી પોતાની વેબસાઇટ પર આપવાની રહેશે.

આ માહિતી સાર્વજનિક થયા બાદ એ સ્પષ્ટ થઈ જશે કે ઇલેક્ટોરલ બૉન્ડ્સ કોણે ખરીદ્યાં અને કોણે આપ્યાં?

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી આ અંગે અરજી કરનારા પૈકીની એક હતી

પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી કહે છે "આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. આ સ્કીમ ગેરબંધારણીય હતી અને લેવલ પ્લેઇંગ ફિલ્મ (સમાન તક)ને ખતમ કરતી હતી. આગલા ત્રણ અઠવાડિયાંમાં માહિતી સાર્વજનિક કરવાની રહેશે કે કોણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં અને કોણે દાન આપ્યું. તો હવે ખબર પડશે કે ક્વિડ પ્રો ક્વો (કંઈક મેળવવાની અવેજમાં કઈંક આપવું) કેવી રીતે થયું. રાજકીય પક્ષોએ કોની પાસેથી કેટલું લીધુ અને તેમના માટે શું કર્યું."

યેચુરી કહે છે કે શરૂઆતથી જ તેમની અને તેમની પાર્ટી માનતી હતી કે ઇલેક્ટોરલ બૉન્ડ્સ રાજકીય ભ્રષ્ટાચારને કાયદેસર બનાવવાનું સાધન છે.

તેઓ કહે છે કે "અમે એટલા માટે વિરોધ કર્યો અને ત્યારથી લઈને આજ સુધી અમારી પાર્ટીએ એક પણ ઇલેક્ટોરલ બૉન્ડનો સ્વીકાર નથી કર્યો. અન્ય પાર્ટીઓ ઇલેક્ટોરલ બૉન્ડ લઈ રહી હતી. પણ અમારી પાર્ટી નહોતી લેતી તેથી કોર્ટે અમારી અરજી સાંભળી."

શું દાન આપનારા ગોપનિયતા ઇચ્છતા હતા?

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપ કહે છે કે ઇલેક્ટોરલ બૉન્ડ ચૂંટણીમાં પારદર્શિતા માટે લાવવામાં આવ્યાં હતાં

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે "આ નિર્ણય એકદમ પ્રામાણિક હેતુથી લેવાયો હતો. ચૂંટણીમાં ફંડિંગમાં પારદર્શિતા હોય તેના માટે લેવાયો હતો. ચૂંટણીમાં રોકડની અસર ઓછી થાય તેના માટે પણ લવાયો હતો. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. અમને જેટલા પણ ફાળો આપનારા લોકો છે તેમની અપેક્ષા હતી કે સારું થશે કે અમારા માટે પણ ગોપનીયતા રાખવામાં આવે."

તેઓ કહે છે કે "આ અસ્વાભાવિક નથી. હું તમને મારા રાજકીય અનુભવોથી કહેવા માગુ છું કે માની લો કે કોઈ સરકાર હારી ગઈ અને તેમના વિરોધી બીજી જગ્યાએ આવ્યા તો તેઓ ફાળો આપનારાના વિરુદ્ધમાં થઈ જાય છે. તેથી કોઈ ઈમાનદારીથી બિઝનેસ કરી રહ્યું છે તો તેઓ પોતાનું કામ કરે એવો વિચાર હતો."

રવિશંકરે કહ્યું " માનનીય સુપ્રીમ કોર્ટે એક નિર્ણય કર્યો છે. તેના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. આ નિર્ણય પર શું કહેવાનું છે તે અમે નિર્ણય વાંચ્યા બાદ જણાવીશું."

'ભ્રષ્ટાચાર હવે કાયદેસર નહીં રહે'

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "કાળુ અને બિનહિસાબી નાણું રાજનીતિમાં આવવાનો એક સ્રોત છે."

ગ્લોબલ થિંક ટૅંક કાર્નેગી એંડૉવમૅન્ટમાં સિનિયર ફેલો અને ડિરેક્ટર મિલન વૈષ્ણવ કહે છે કે આપણે આ સ્કીમ લાગુ થતા પહેલાની યથાસ્થિતિ પર આવી ગયા છીએ. એક એવી સ્થિતિ જેની ખાસિયત ઊંચા દરજ્જાની અપારદર્શિતા પણ હતી.

તેઓ કહે છે કે "હવે એ સરકાર પર નિર્ભર છે કે તે સંસદની સાથે મળીને નવી પ્રણાલી તૈયાર કરે જે વ્યક્તિઓ અને કૉર્પોરેટ્સ બન્નેની પારદર્શિતા સુનિશ્ચિત કરે. "

વૈષ્ણવ કહે છે કે તેમના માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરેશાન કરનારો છે.

તે કહે છે કે "કોર્ટે વારંવાર સરકારની સાથે સીધા ટકરાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ખાસ કરીને સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ અથવા અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર. કારણ કે આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો છે જે જણાવે છે કે જજે દૃઢતાથી અનુભવ્યું કે બૉન્ડ યોજના બંધારણીય રીતે અસ્થિર હતી."

ઈલેક્ટોરલ બૉન્ડ્સ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પત્રકાર નિતિન સેઠી ધ રિપોર્ટર્સ કલેક્ટિવના સભ્ય છે અને ઇલેક્ટોરલ બૉન્ડ્સના મુદ્દા પર ઇનવેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરી ચૂક્યા છે.

તેઓ કહે છે કે "ભ્રષ્ટાચારને જે કાયદાકીય સ્વરૂપ અપાયું હતું. તેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધુ છે. કૉર્ટના નિર્ણયમાં કહેવાયું છે કે એપ્રિલ 2019થી લઈને અત્યાર સુધીમાં જે શેલ કંપનીઓેએ ઇલેક્ટોરલ બૉન્ડ્સના રસ્તે રાજકીય દળોને રૂપિયા આપ્યા હતા તેની તમામ વિગતો બહાર આવે. કૉર્ટ તરફથી લેવાયેલું આ એક સાહસિક પગલું છે."

સેઠી મુજબ એ યાદ રાખવું જોઈએ કે "કાળું નાણું અને બિનહિસાબી નાણું રાજનીતિમાં આવવાનો એક સ્ત્રોત્ત છે."

તેઓ કહે છે "આ તો એક ગંદકી હતી જે ફેલ થઈ ગઈ, પણ હજી અનેક સુધારાઓનો અવકાશ છે. આગળ જોઈએ તો મને શક છે કે સરકાર નહીં ઇચ્છે કે એ વાત સામે આવે કે કોણ તેમને રૂપિયા આપતું હતું. અમને એ જાણવા મળ્યું કે સૌથી વધુ રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ્સથી ભાજપને અને એ સરકારોને મળતા હતા જે સત્તામાં છે. મને લાગે છે કે કોર્ટ દ્વારા કે અન્ય કોઈ રીતે આ ડેટા બહાર ન આવે તે માટે કેસ ફાઇલ કરવાનો પ્રયત્ન કરાશે. જે 16, 500 કરોડ રૂપિયા લેવાયા તેની માહિતી સામે ન આવે."

ચૂંટણી ફંડિંગ પર શું અસર પડશે?

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇલેક્ટોરલ બૉન્ડ્સને જ ગેરબંધારણીય ગણાવી દેવામાં આવ્યા છે જેની અસર ચૂંટણી ભંડોળ પર પડશે

વર્ષ 2018ની પહેલાં આ ચર્ચા થતી હતી કે રોકડમાં અપાયેલા ફાળાની જેમ અહીં પારદર્શિતા નથી. ઇલેક્ટોરલ બૉન્ડ્સની સ્કીમને લાવતી વખતે સરકારનું કહેવું હતું કે આ સ્કીમ પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

હવે જ્યારે ઇલેક્ટોરલ બૉન્ડ્સને જ ગેરબંધારણીય ગણાવી દેવામાં આવ્યા છે તો ચૂંટણી ફંડિંગ પર તેની શું અસર પડશે?

આર્થિક મુદ્દાઓના જાણકાર અને જેએનયુના પ્રાધ્યાપક પ્રોફેસર અરુણ કુમાર કહે છે કે "ઇલેક્ટોરલ બૉન્ડ્સ ખતમ થવાથી ચૂંટણીનાં ફંડિંગ પર ઘણી ઓછી અસર પડે છે. કારણ કે ચૂંટણી ફંડિંગમાં મોટાભાગનો ભાગ રોકડમાં આવે છે. આ નિર્ણય માત્ર ફંડિંગની પારદર્શિતાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સત્તારૂઢ પક્ષને નાણું મળતું રહેશે, જ્યારે વિપક્ષનાં નાણાંનો સ્રોત ઓછો થઈ જશે."

નિતિન સેઠી કહે છે "મને લાગે છે કે બહુ વધારે અસર નહીં થાય. કારણ કે સુપ્રીમ કોર્ટે એટલું મોડું કરી દીધુ કે થોડાં જ વર્ષમાં સોળ હજાર કરોડ રૂપિયા જમા થઈ ગયા. લોકસભાની ચૂંટણી પહેલાં એક 30 દિવસનો સમય બચ્યો હતો. જ્યાં ફરીથી રાજકીય પાર્ટીઓ ઇલેક્ટોરલ બૉન્ડ્સ મારફતે રૂપિયા લેત. રાજકીય પક્ષોનું નુકસાન સમજીએ તો તેમનું ત્રણ-ચાર હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે."

અત્યાર સુધીમાં આવેલા રૂપિયાનું શું?

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "સુપ્રીમ કોર્ટે પાર્ટીઓને એ બૉન્ડ્સ પાછાં લેવાનો નિર્દેશ આપ્યો છે જેની ગોઠવણ નથી થઈ."

પાંચ ફેબ્રુઆરીએ નાણામંત્રાલયે સંસદમાં જણાવ્યું કે 30 તબક્કામાં અત્યાર સુધીમાં 16,518 કરોડ રૂપિયાનાં ઇલેક્ટોરલ બૉન્ડ્સ ખરીદાયાં.

મનાઈ રહ્યું છે કે તેમાંથી મોટા ભાગનાં બૉન્ડ્સની રાજકીય પાર્ટીઓએ ગોઠવણ કરી લીધી છે.

તો સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે જે સ્કીમ અંતર્ગત પાર્ટીઓને આટલા રૂપિયા મળ્યા શું તે રૂપિયા પાછા ન લેવાવા જોઈએ, કારણ કે તે સ્કીમ તો રદ કરી દેવાઈ છે.

મિલન વૈષ્ણવ કહે છે, "સુપ્રીમ કોર્ટે પાર્ટીઓને એ બૉન્ડ્સ પાછાં લેવાનો નિર્દેશ આપ્યો છે જેની ગોઠવણ નથી થઈ. તે યોગ્ય લાગે છે. અગાઉથી જે ખર્ચો થઈ ગયો હોય તેવા રૂપિયા પાર્ટી માટે પરત કરવા મુશ્કેલ રહેશે."

સીતારામ યેચુરી કહે છે "યોગ્ય તો એ જ રહેશે કે રૂપિયા પાછા લેવામાં આવે કારણ કે આ સ્કીમ જ ગેરબંધારણીય છે. પણ અમે ઇચ્છીએ છીએ કે જે કંપનીઓએ આ રૂપિયા રાજકીય પક્ષોને દાનમાં આપ્યા છે તે પાછા લેવામાં આવે. આ રૂપિયા સરકારી ખાતામાં જમા થવા જોઈએ. અને ચૂંટણીના સ્ટેટ ફંડિંગની યોજના થવી જોઈએ."

તો શું હવે પારદર્શિતા આવશે?

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમે કાળાં નાણાંને રાજકીય પાર્ટીઓને આપીને સફેદ કરવાની પદ્ધતિને કાયદેસર બનાવી દીધી હતી."

સીતારામ યેચુરી મુજબ, પારદર્શિતા ત્યારે જ આવશે જ્યારે ચૂંટણીનું ફંડિંગ રાજ્ય કરશે અને રાજકીય પાર્ટીઓના ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરાશે.

તેઓ કહે છે, "હવે માત્ર ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી છે. અને પાર્ટીઓ એ કહીને બચી જાય છે કે ખર્ચો પાર્ટીએ કર્યો ઉમેદવારોએ નહીં. તેના કારણે છેતરપિંડી થાય છે. જ્યારે પાર્ટીના ખર્ચની પણ મર્યાદા નક્કી થશે અને પાર્ટીઓએ તેનો હિસાબ આપવો પડે ત્યારે પારદર્શિતા આવશે."

યેચુરી કહે છે કે જ્યારે ત્રણ અઠવાડિયા બાદ આ જાણકારી સામે આવશે તો કે કોણે કેટલાં ઇલેક્ટોરલ બૉન્ડ્સ ખરીદ્યાં અને કઈ પાર્ટીને આપ્યાં ત્યારે એ ખ્યાલ આવશે કે આગળ વધુ શું કરવાની જરૂર છે.

જગદીપ છોકર કહે છે કે પારદર્શિતાને લઈને જે ચિંતા હતી તે ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમ આવવાથી પૂર્ણ નથી થઈ પણ પહેલાંથી વધી ગઈ છે. કારણ કે ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમે રાજકીય પક્ષો મારફતે કાળા નાણાંને સફેદ કરવાની કાયદાકીય પદ્ધતિ બનાવી દીધી હતી.

તેઓ કહે છે "પહેલાં એ થતું હતું કે જ્યારે કાળું નાણું સફેદ થતું હતું અને કોઈને તેની ખબર પડી જતી હતી તો કાયદાકીય દંડ થતો હતો. ઇલેક્ટોરલ બૉન્ડ્સ સ્કીમે કાળાં નાણાંને રાજકીય પાર્ટીઓને આપીને સફેદ કરવાની પદ્ધતિને કાયદેસર બનાવી દીધી હતી. તો સ્થિતિ જેવી 2017માં હતી એવી જ રહેશે. જે સ્થિતિ ઇલેક્ટોરલ બૉન્ડ્સે પહેલેથી જ ખરાબ કરી તે સ્થિતિ વધુ વણસતી અટકી જશે."

"તેને આ રીતે સમજો જેમ કે પહેલાં 70 ચિંતાઓ હતી. ઇલેક્ટોરલ બૉન્ડ્સ આવ્યાં બાદ અમારી ચિંતા 100 થઈ ગઈ. હવે તે 30 ચિંતાઓ હટી ગઈ અને આપણે પાછા 70 ચિંતાઓ પર આવી ગયા છીએ."

ઈલેક્ટોરલ બૉન્ડ્સ
ઇમેજ કૅપ્શન, "આ સમયે સરકારમાં રહેતા ભાજપે જેટલા રૂપિયા કમાઇ લીધા છે તે અન્ય ત્રણ પાર્ટીઓથી પણ વધુ છે."

નિતિન સેઠી કહે છે કે તેમને નથી લાગતું કે "સરકારની દાનત છે કે પારદર્શિતા આવે."

તેઓ કહે છે કે "આ એ સરકાર છે જે નવા ચૂંટણી કમિશનરોની ચૂંટણી પર કાયદામાં નબળાઈ નાખીને ચૂંટણી પંચના જ દાંત તોડી રહી હતી. આ સરકારની દસ વર્ષમાં દાનત નથી જોવા મળી કે તે ચૂંટણી ફંડિંગના રસ્તાઓ પારદર્શી કરવા માગે છે. એ પણ છે કે આ સમયે સરકારમાં રહેતા ભાજપે જેટલા રૂપિયા કમાઇ લીધા છે તે અન્ય ત્રણ પાર્ટીઓથી પણ વધુ છે."

નિતિન સેઠીએ કહ્યું કે "પાર્ટી પાસે રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ્સથી પણ આવ્યા અને અન્ય રસ્તે પણ આવ્યા. તો ચૅક અને રોકડ પણ આવ્યાં. ઇલેક્ટોરલ બૉન્ડ્સથી રૂપિયા વધી રહ્યા હતા. પણ હજી પણ રાજકીય પાર્ટીઓમાં રોકડનો ઉપયોગ ઘણો વધારે છે. બાકી રસ્તાતો હજી પણ ખુલ્લા જ છે. એ રસ્તાઓથી રાજકીય પાર્ટીઓ રૂપિયા જમા કરતી રહેશે. અને ચૂંટણી પંચ એટલું નબળું પડી જશે કે તે ખર્ચ પર નજર રાખવાનું માત્ર નાટક કરતું રહેશે. અને પાર્ટીઓ પોતાનો ધંધો ચલાવ્યે રાખશે. "

મિલન વૈષ્ણવ કહે છે, "જોકે, સરકારને ફટકાર લગાવવામાં આવી છે. પણ જો તેણે નવી એક પારદર્શી વ્યવસ્થા બનાવી તો મોટા રાજકીય લાભો મળી શકે છે. આખરે સત્તારૂઢ પક્ષની સ્થિતિ સુરક્ષિત છે. અને તેને પહેલાંથી છ વર્ષના બૉન્ડ્સથી લાભ થયો છે. જેનાથી તેને પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવામાં મદદ મળી છે. મને શક છે કે તેઓ આ દીશામાં આગળ વધશે. પણ તેમની પાસે આ અંગે હારના મુખમાંથી જીત છીનવવાનો એક રસ્તો છે."

શું વધુ કંઈક કરવાની જરૂર હતી?

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

ઇમેજ સ્રોત, Getty Images

અનેક વિશેષજ્ઞોનું માનવુ છે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઇલેક્ટોરલ બૉન્ડ્સ પર તો પ્રતિબંધ લાગી ગયો પણ આ યોજનાના કારણે જે કથિત ભ્રષ્ટાચાર થયો છે તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન હજી બાકી છે.

નિતિન સેઠી કહે છે "કંઈ એવી શેલ કંપનીઓ છે જે વગર નફો કમાયે પણ રાજકીય પક્ષોને રૂપિયા આપવા માગતી હતી. અને તે કયા કારણે આપવા માગતી હતી. મારું માનવું છે કે એક કમિશન બેસવું જોઈએ જે એ અંગેની તપાસ કરે કે કયા કયા લોકોએ રૂપિયા આપ્યા અને તેનાથી તેમને શું શું ફાયદાઓ મળ્યા?"

"નકલી કંપનીઓ જે રૂપિયા આપી રહી હતી તે કોઈ કામ કાઢવા માટે આપી રહી હતી. તે રોકાણ તરીકે નેતાને રૂપિયા આપી રહી હતી કે એક રૂપિયો આપ્યો તો પાંચ પાછા મળશે. તો એક કમિશન બેસવું જોઈતું હતું જે તપાસ કરત કે ચાર-પાંચ વર્ષ દરમિયાન આ કંપનીઓના પક્ષમાં કઈ કઈ નીતિઓ બનાવવામાં આવી?"

ઈલેક્ટોરલ બૉન્ડ્સ

તેઓ કહે છે કે " મુદ્દો માત્ર રાજકીય ફંડનો નથી પણ ભ્રષ્ટાચારનો પણ છે. તો આ ભ્રષ્ટાચારની નસ પકડવાનો એક સારો મોકો હતો."

સેઠી મુજબ, કારણ કે પાર્ટીઓના રૂપિયા આવવાના અનેક કારણો છે જેમાં ઇલેક્ટોરલ બૉન્ડ પણ એક છે તો "જે રૂપિયા અલગ અલગ રીતે જમા થઈ ગયા તેના પર સુપ્રીમ કોર્ટનો ઑર્ડર કોઈ નુકસાન નથી પહોંચાડતો"

તેઓ કહે છે, "સુપ્રીમ કોર્ટ પાસે આ એક તક હતી કે તેઓ વધુ સુધારા કરતો નિર્ણય આપી શકતી હતી. જેમાં અન્ય રસ્તાઓ પણ બંધ હોય અને પૂરી પારદર્શિતા આવી જાય. સુપ્રીમ કોર્ટના ઑર્ડરમાં પારદર્શિતા તરફ કોઈ નિર્દેશ નથી. કોર્ટે પોતાને ઇલેક્ટોરલ બૉન્ડ્સ બંધ કરવા સુધી સિમિત રાખી. અમે ખુશ છીએ કે આવુ થયું, પણ તે આપણી ઇલેક્ટોરલ સિસ્ટમને બદલવા માટે પૂરતું નથી."