અડવાણી મોકો હોવા છતાં વડા પ્રધાન કેમ ન બની શક્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
પૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. લાલકૃષ્ણ અડવાણીએ ભારતરત્નને તેમના આદર્શો અને સિદ્ધાંતોનો સન્માન ગણાવ્યો છે.
ભાજપના દિગ્ગજ નેતા અડવાણીએ કહ્યું, "હું ભારતરત્નને પૂરી નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. તે માત્ર એક વ્યક્તિ તરીકે મારા માટે સન્માનની વાત નથી પરંતુ તે આદર્શો અને સિદ્ધાંતોનું પણ સન્માન છે જેનાથી હું આખું જીવન મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે સેવા કરવા માટે પ્રેરિત રહ્યો છું."
આ સમાચાર સામે આવ્યા બાદ અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણીએ કહ્યું કે, "તેમની (લાલકૃષ્ણ અડવાણી) આંખોમાં આંસુ હતાં."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેની જાહેરાત કરી છે.
તેમણે આ જાહેરાત કરતા લખ્યું, "મને એ જણાવતા આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્નથી સન્માનિત કરાશે. મેં પણ તેમની સાથે વાત કરી અને આ સન્માનથી સન્માનિત થવા બાબતે તેમને અભિનંદન પણ આપ્યાં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાને સોશિયલ મીડિયા પર લખ્યું, "ભારતના વિકાસમાં અમારા સમયના સૌથી સન્માનિત નેતાઓમાંના એક રહેલા અડવાણીજીનું યોગદાન અવિસ્મરણીય છે."
"તેમને ભારતરત્ન આપવાની ક્ષણ મારા માટે ખૂબ જ ભાવુક છે. મને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની ઘણી તકો મળી છે."
... જ્યારે અડવાણીએ કર્યું અટલના નામનું એલાન

ઇમેજ સ્રોત, Getty Images
11 નવેમ્બર, 1995માં મુંબઈના શિવાજી પાર્કમાં ભાજપે એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાર્ટી અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી તે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. અચાનક તેમણે જાહેરાત કરી કે તે આગામી ચૂંટણીઓમાં અટલબિહારી વાજપેયી પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર હશે. તેમના મોઢેથી આવા શબ્દોની આશા ના પાર્ટીના કાર્યકર્તાઓ કે ના આરએસએસ નેતૃત્વને હતી.
હોટલ પાછા ફરતા જ અડવાણીના નજીકના ગોવિંદાચાર્યે તેમને પૂછ્યું હતું, “આરએસએસની સલાહ વિના જ તમે આટલી મોટી જાહેરાત કેમ કરી દીધી?” અડવાણીનો જવાબ હતો, “જો મેં સંઘને આ વિશે જણાવ્યું હોત તો તેણે આ વાતને માન્ય ન રાખી હોત.”
વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે પણ સ્વીકાર્યું હતું કે તેમને બિલકુલ અંદાજ નહોતો કે અડવાણી આ પ્રકારની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
આ જાહેરાત એ સમયે થઈ જ્યારે દરેક જગ્યાએ એ જ અંદાજ લગાવાઈ રહ્યો હતો કે લાલકૃષ્ણ અડવાણી પોતે જ ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હશે.
પછી અડવાણીએ પોતાની આત્મકથા ‘માય કન્ટ્રી માય પીપલ’માં લખ્યું, “મેં જે કંઈ પણ કર્યું એ ત્યાગ નહોતો. મેં શું સાચું છે અને દેશ તથા પાર્ટી માટે શું વધારે યોગ્ય રહેશે તેની તાર્કિક ગણતરી કરી આ નિરાકરણ સુધી પહોંચ્યો હતો.”
આ પછી પત્રકાર સ્વપન દાસગુપ્તાએ પણ આ જાહેરાત પછી તેમને કારણ પૂછ્યું હતું.
અડવાણીનો જવાબ હતો, “અમારે પોતાના મતો વધારવાની જરૂર છે. આ માટે અમારે અટલજીની જરૂર છે.”
આરએસએસ સાથે આવી રીતે જોડાયા

ઇમેજ સ્રોત, Getty Images
લાલકૃષ્ણ અડવાણીને ભવિષ્યમાં ક્યારેય ભારતના વડા પ્રધાન બનવાની તક ના મળી. વાજપેયી પછી પાર્ટીએ 2009માં તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી તો પાર્ટી હારી ગઈ.
જ્યારે તેમની પાર્ટીએ 2014માં ચૂંટણી જીતી ત્યાં સુધીમાં તો નરેન્દ્ર મોદી તેમના નેતૃત્વને પડકારવા તૈયાર થઈ ગયા હતા.
અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927માં કરાચીમાં થયો હતો. તેઓ કરાચીના પારસી વિસ્તારમાં જમશેદ ક્વાર્ટ્સમાં રહેતા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ ત્યાંની પ્રખ્યાત સેન્ટ પૅટ્રિક સ્કૂલમાં થયું હતું.
દાયકાઓ પછી જ્યારે અડવાણી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મળ્યા તો જે પહેલો મુદ્દે વાત થઈ એ હતી તેમની શાળાની. તેમની 45 મિનિટની કૂલ વાતચીતમાંથી શરૂઆતની 20 મિનિટ બંનેએ સેન્ટ પૅટ્રિક સ્કૂલ વિશે વાત કરવામાં પસાર કરી હતી.
પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઇ કમિશનર રહેલા ટીસીએ રાઘવન કહે છે, “જ્યારે અડવાણી 2005માં તેમની શાળા સેન્ટ પૅટ્રિક ગયા હતા તો ત્યાંના વિદ્યાર્થીઓએ તેમના સન્માનમાં ‘ફૉર હી ઇઝ એ જૉલી ગુજ ફેલો’ ગાયું હતું ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.”
અડવાણીની આરએસએસના સભ્ય બનાવાની ગાથા પણ રસપ્રદ છે.
અડવાણીએ પોતાના આત્મકથામાં લખ્યું, “શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી હું હૈદરાબાદ સિંધમાં પોતાનું વૅકેશન વિતાવી રહ્યો હતો. એ દિવસોમાં ત્યાં ટેનિસ રમવાનું શીખી રહ્યો હતો. એક દિવસ મૅચ વચ્ચે મારા ટેનિસ પાર્ટનરે કહ્યું હું જઈ રહ્યો છું.”
"મેં તેમને પૂછ્યું કે આવી રીતે સેટ પૂરો કર્યા વિના તમે કેવી રીતે જતા રહો? તેમણે જવાબ આપ્યો, હું કેટલાક દિવસ અગાઉ જ આરએસએસનો સભ્ય બન્યો છું. હું શાખામાં જવામાં મોડું ના કરી શકું, કારણ કે ત્યાં સમયપાલનનો કડક નિયમ છે."
થોડા દિવસો પછી અડવાણી પોતે આરએસએસના સભ્ય બની ગયા હતા. આ રીતે એક ટેનિસ મૅચે તેમના આરએસએસમાં પ્રવેશમાં મહત્ત્વની ભૂમિકા તૈયાર કરી હતી.
વાજપેયીની મદદ કરવા રાજસ્થાનથી દિલ્હી આવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
ભાગલાના એક મહિના પછી સપ્ટેમ્બર 1947માં અડવાણી કરાચીથી દિલ્હી રવાના થયા હતા. તે બ્રિટિશ ઓવરસીઝ કૉર્પોરેશનની ફ્લાઇટમાં દિલ્હી પહોંચેલા થોડા શરણાર્થીઓમાંના એક હતા.
અડવાણીએ પોતાની રાજકીય કારકિર્દી રાજસ્થાનથી શરૂ કરી હતી. 1957ની ચૂંટણી પછી અડવાણી દીનદયાલ ઉપાધ્યાયની વિનંતી પર દિલ્હી આવ્યા હતા.
ત્યાર બાદ તેમને નવા ચૂંટાયેલા સાંસદ અટલબિહારી વાજપેયી સાથે જોડી દેવામાં આવ્યા જેથી તેઓ દિલ્હીના અંગ્રેજી બોલતા ઉચ્ચવર્ગમાં પ્રવેશ કરી શકે.
ત્યાર બાદ અડવાણી વાજપેયી સાથે તેમના 30, રાજેન્દ્રપ્રસાદ રોડ પર આવેલા ઘરે રહેવા લાગ્યા.
1960માં 'ઑર્ગેનાઇઝર'ના ઍડિટર કે. આર. મલકાણીએ તેમની પાસે વર્તમાનપત્રમાં ફિલ્મ રિવ્યુ લખાવવાનું શરૂ કર્યું.
તેમણે 'નેત્ર'ના ઉપનામથી ફિલ્મ રિવ્યુ કરવાનું શરૂ કર્યું. એ દિવસોમાં અડવાણીને પત્રકારોના ક્વૉટા હેઠળ આરકે પુરમમાં રહેવા માટે ફ્લૅટ મળ્યો હતો. તે સમયે ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર આર રંગરાજન તેમના પાડોશી હતા.
તેમના પુત્ર અને જાણીતા ઇતિહાસકાર મહેશ રંગરાજન કહે છે, "તે દિવસોમાં અડવાણી તેમના સ્કૂટર પર આરએસએસના ઝંડેવાલન હેડક્વાર્ટર જતા હતા. મારા પિતા તેમની સાથે તેમના સ્કૂટર પર જતા અને બહાદુરશાહ ઝફર રોડ પર આવેલા તેમના કાર્યાલય પર ઊતરી જતા હતા. થોડા દિવસો પછી જ્યારે મારા પિતાએ એક કાર ખરીદી ત્યારે ભૂમિકા બદલાઈ ગઈ. પછી અડવાણી બહાદુરશાહ ઝફર માર્ગ પર કારમાંથી નીચે ઊતરતા અને ઝંડેવાલન જવા બસ પકડતા.
સોમનાથથી રથયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણી 1970માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. 19 વર્ષ પછી એટલે કે નવેમ્બર 1989માં તેઓ પહેલી વાર લોકસભા ચૂંટણી જીત્યા.
1973માં તેમના નેતૃત્વ હેઠળ જનસંઘમાં બળવો સફળતાપૂર્વક દબાવી દેવાયો હતો.
એક સમયે પ્રજા પરિષદના નેતા અને જનસંઘના પ્રમુખ રહી ચૂકેલા બલરાજ મધોકને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
1984ની ચૂંટણીમાં ભાજપની કારમી હાર પછી 1986માં તેમને પાર્ટીને પુનર્જીવિત કરવાની અને તેમની મૂળ વિચારધારાને મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.
1990 સુધીમાં તેઓ કૉંગ્રેસ પાર્ટીને સમાન ધોરણે પડકારવાની સ્થિતિમાં હતા. જનનેતા ન હોવા છતાં તેઓ પક્ષમાં ગાંધીવાદી સમાજવાદ અપનાવવાની ચર્ચાને રોકવામાં સફળ થયા.
નીલંજન મુખોપાધ્યાય તેમના પુસ્તક 'ધ આરએસએસ આર્કોન્સ ઑફ ધ ઇન્ડિયન રાઇટ'માં લખે છે, "1990માં સોમનાથથી અયોધ્યા સુધીની અડવાણીની રથયાત્રાએ રામમંદિરના મુદ્દાને ભારતીય રાજકારણના કેન્દ્રબિંદુ પર લાવી દીધો હતો."
"એમાં કોઈ શંકા નથી કે હિન્દુઓમાં સૌથી આદરણીય રામની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી રથયાત્રાને કારણે તેને જોવા અને તેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા પરંતુ તે યાત્રામાં અડવાણીની હાજરીએ તે આંદોલનને એ કાયદેસરતા આપી જે પહેલાં ક્યારેય જોવા નહોતી મળી."
'છ ડિસેમ્બર 1992 જીવનનો સૌથી દુખદ દિવસ'

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણી ભારતીય રાજકારણમાં એવા શબ્દભંડોળને બનાવવામાં સફળ રહ્યા હતા જે લોકોને સુસંગત અને તાર્કિક લાગતો હતો. જેઓ તેમની સાથે અસંમત હતા તેમને પણ અડવાણીને નાપસંદ કરવાનું મુશ્કેલ લાગ્યું.
1990નું વર્ષ સંપૂર્ણપણે અડવાણીનું હતું. 23 ઑક્ટોબરે જ્યારે લાલુપ્રસાદ યાદવે બિહારના સમસ્તીપુરમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની કલમ-3 હેઠળ તેમની ધરપકડ કરી ત્યારે અટલબિહારી વાજપેયીને તત્કાલીન રાષ્ટ્રપતિ આર વેંકટરમનને એ કહેવાની જવાબદારી સોંપી હતી કે તેમની પાર્ટી વિશ્વનાથપ્રતાપસિંહની ગઠબંધન સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી રહી છે.
બે વર્ષ પછી જ્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે અડવાણી ત્યાં હાજર હતા. ઝાંસીના ગેસ્ટહાઉસમાં નજરકેદ દરમિયાન તેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં બે લેખો લખ્યા, જેમાં તેમણે સ્વીકાર્યું કે '6 ડિસેમ્બર, 1992 તેમના જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો.'
નીલંજન મુખોપાધ્યાય લખે છે, "તેમની મુક્તિ પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના લેખને 16મી સદીમાં બનેલી મસ્જિદ માટે માફી તરીકે સમજવા જોઈએ. તો તેમણે કહ્યું કે આવું વિચારવું યોગ્ય નથી. જોકે, તેમની આત્મકથામાં તેમણે કહ્યું હતું કે તેમનું દુઃખ એ હકીકતને કારણે હતું કે સંઘ પરિવાર ભીડને કાબૂમાં રાખવામાં સફળ રહ્યો ન હતો, જેના કારણે તેમને ક્ષોભનો સામનો કરવો પડ્યો હતો.”
પરંતુ અડવાણીએ શરૂ કરેલી ચળવળ 2024માં રામમંદિરમાં અભિષેક સમારોહ સાથે એક સીમાચિહ્ન સુધી પહોંચી હતી. જોકે અડવાણી પોતે 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં ભાગ નહોતા લઈ શક્યા.
આગ્રા સમિટના આયોજનમાં અડવાણીની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
1998માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકાર બની ત્યારે લાલકૃષ્ણ અડવાણીને પહેલા ગૃહમંત્રી અને પછી નાયબ વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ આગ્રા સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. જોકે આગ્રા સમિટ નિષ્ફળ ગઈ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેના આયોજનમાં લાલકૃષ્ણ અડવાણીની મહત્ત્વની ભૂમિકા હતી.
કરણ થાપર તેમની આત્મકથા 'ડેવિલ્સ ઍડવોકેટ ધ અનટૉલ્ડ સ્ટોરી'માં લખે છે, "2000ના દાયકાની શરૂઆતમાં અશરફ જહાંગીર કાઝી, ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર બનાવાયા. તેઓ એ સમયે વાજપેયી કૅબિનેટમાં બીજા ક્રમાંકનો રુઆબ ધરાવતા અડવાણી સાથે સંબંધો સ્થાપિત કરવા માગતા હતા. મને એ જવાબદારી અપાઈ કે હું અશરફને મારી કારમાં અડવાણીના પંડારા પાર્ક પરના ઘર સુધી લઈ જઉં."
થાપરે લખ્યું, "હું રાત્રે 10 વાગ્યે તેમને ઘરે લઈ ગયો. આ ગુપ્ત મુલાકાત આશરે દોઢ કલાક ચાલી હતી. આ પછીના 18 મહિનાના સમયગાળામાં અડવાણી અને અશરફ આવી રીતે 20થી 30 વાર મળ્યા. મે, 2001માં ભારતે જાહેરાત કરી જનરલ મુશર્રફને પોતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું છે. એક દિવસ સવારે સાડા છ વાગ્યે મારો ફોન વાગ્યો. અડવાણી લાઇન પર હતા. તેમણે કહ્યું તમે મુશર્રફવાળા સમાચાર તો સાંભળી જ લીધા હશે. તમે અમારા બંનેના મિત્રને જણાવો કે આનું ઘણું શ્રેય અમારી બંનેની મુલાકાતોને જાય છે."
પાકિસ્તાનના હાઈ કમિશનર અશરફ જહાંગીર કાઝીને ભેટ્યા

ઇમેજ સ્રોત, Getty Images
મહત્ત્વની વાત એ છે કે મે, 2002માં જમ્મુ પાસે કાલચૂક હત્યાકાંડ થયો ત્યારે ભારત સરકારે એ જ અશરફ જહાંગીર કાઝીને એક અઠવાડિયામાં ભારત છોડી દેવા કહ્યું હતું.
કરણ થાપર લખે છે, "અશરફના ઇસ્લામાબાદ રવાના થવાના એક દિવસ અગાઉ અડવાણીનાં પત્નીએ મને ફોન કરી કહ્યું કે શું તમે અશરફ અને તેમનાં પત્ની આબિદાને મારે ત્યાં ચા પીવા લાવી શકો છો? મને સમજાયું નહીં કે એક બાજુ ભારત સરકાર આ વ્યક્તિને પોતાના દેશમાંથી પરત મોકલી રહી છે અને બીજી બાજુ સરકારમાં નાયબ વડા પ્રધાન રહેલી વ્યક્તિ તેમને પોતાને ત્યાં ચા પીવા બોલાવે છે."
"હું તેમને લઈને અડવાણીના ઘરે પહોંચી ગયો હતો. અમે લોકોએ અડવાણીના સ્ટડીરૂમમાં ચા પીધી. વિદાય વખતે જ્યારે અશરફ અડવાણી સાથે હાથ મિલાવવા આગળ વધ્યા ત્યારે જ કમલાએ કહ્યું, ‘ગળે મળો’."
"બંને આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. બંનેએ તેમની સામે જોયું. કમલા અડવાણીએ ફરી કહ્યું કે ગળે મળો."
"અશરફ અને અડવાણી એકબીજાને ભેટ્યા. હું અડવાણીની પાછળ ઊભો હતો. મેં જોયું કે અડવાણીની આંખોમાં આંસુ હતાં."
પુસ્તકો વાંચવાનો અને ફિલ્મો જોવાનો શોખ

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણી પુસ્તકો વાંચવાના શોખીન હતા. એક વાર તેમને પૂછવામાં આવ્યું કે તમારી નબળાઈ શું છે? તો તેમનો જવાબ હતો પુસ્તકો અને અમુક અંશે ચોકલેટ. એલ્વિન ટૉફલરના 'ફ્યુચર શૉક', 'થર્ડ વેવ' અને 'પાવર શિફ્ટ' તેમનાં પ્રિય પુસ્તકો છે.
તેમને સ્ટેનલી વૉલ્પર્ટનાં ઇતિહાસ અને રાજકારણ પરનાં પુસ્તકો ગમે છે. અડવાણીને ફિલ્મો જોવી પણ ખૂબ જ ગમે છે.
સત્યજિત રેની ફિલ્મો, હોલીવૂડની ફિલ્મો 'ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાય', 'માય ફેર લેડી' અને 'ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક' તેમની પ્રિય ફિલ્મો છે.
હિન્દી ફિલ્મોમાં તેમને આમિર ખાનની 'તારે જમીન પર' અને શાહરૂખ ખાનની 'ચક દે ઇન્ડિયા' ખૂબ ગમી હતી. અડવાણી સંગીતના પણ શોખીન છે.
તેમને લતા મંગેશકરનું ગીત 'જ્યોતિ કલશ છલકે' તેમને સૌથી વધુ ગમે છે. આ સિવાય તેઓ મેંહદી હસન, જગજિતસિંહ અને મલિકા પુખરાજની ગઝલો સાંભળવાના પણ શોખીન છે.
ઝીણાનાં વખાણ પર વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણીએ જ્યારે પાકિસ્તાન જઈ મહમદઅલી ઝીણાનાં વખાણ કર્યાં ત્યારે તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો વિવાદ થયો.
તેમની સમજ પ્રમાણે તેમને લાગ્યું કે તેમણે 'માસ્ટર સ્ટ્રોક' રમ્યો, પરંતુ તેનાથી વિપરીત તેમની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ.
વરિષ્ઠ પત્રકાર અને ઇન્દિરા ગાંધી સેન્ટર ઑફ આર્ટ્સના વડા રામબહાદુર રાય કહે છે, “અડવાણીએ આવું શા માટે કર્યું તે ફક્ત અડવાણી જ સારી રીતે સમજાવી શકે છે. તેઓ વાજપેયી જેવી ઇમેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આ વાત માનવા કોઈ તૈયાર નહોતું, કારણ કે આ અગાઉનો તેમનો ઇતિહાસ તેમને ના સ્વીકારવા માટે મજબૂર કરી રહ્યો હતો.”
"તેઓ અટલબિહારી વાજપેયીના પૂરક તરીકે તો સારા લાગે છે પરંતુ જ્યારે તેઓ પોતે એક નેતા તરીકે ઊભરી આવે ત્યારે તેઓ આરએસએસના પ્રવક્તા બની જાય છે. આવી છાપથી દૂર જવાનો પ્રયાસ કરતાં જ તેમને બેવડા નુકસાનનો સામનો કરવો પડે છે. પહેલું નુકસાન એ કે જે જમીન પર તેઓ ઊભા હતા તે તેમના પગ નીચેથી સરકી જાય છે અને તેમનામાં ઊંડો અવિશ્વાસ પેદા થાય છે."
હાંસિયામાં ધકેલાયાનું 'દુ:ખ' અને ભારતરત્ન ઍવૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
2005થી અડવાણી નાગપુરથી આવતા સંકેતોને વાંચવામાં નિષ્ફળ ગયા. તેમને વારંવાર કહેવાતું હતું કે તેમના માટે સક્રિય રાજકારણમાંથી ખસી જવાનો સમય પાકી ગયો છે.
પરિણામ એ આવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમને રાજકીય જીવનમાં એ ક્ષોભનો સામનો કરવો પડ્યો, જે તેમના જેવા કદાવર નેતા હકદાર નથી.
2013માં એક બપોરે ગોવામાં પાર્ટી કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમના દુઃખમાં ભાગીદાર બને તેવું કોઈ નહોતું. જે નેતાઓ અડવાણીના હાથ નીચે તૈયાર થયા હતા અને રાજકારણમાં આગળ વધ્યા હતા એ નેતાઓ તરફથી તેમના માટે આ એક દુઃખદ જવાબી ભેટ હતી.
પક્ષને ભારતીય લોકો માટે પ્રાસંગિક બનાવવા હજારો માઇલની મુસાફરી રથ પર કરનારા નેતાનું આવી રીતે હાંસિયામાં ધકેલાઈ જવું એ કેટલાક લોકોને 'કાવ્યાત્મક ન્યાય' ન લાગ્યો.
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી કેટલાક લોકોને તેમને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવાયા તે બાબત નહોતી ગમી. તો વિપક્ષોએ પણ તેના પર સવાલો ઊભા કર્યા હતા.
જોકે, હવે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન 'ભારતરત્ન'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે ત્યારે તેમના સમર્થકો તેને તેમની દાયકાઓની મહેનતનું 'વાજબી સન્માન' ગણાવે છે.














