નરેન્દ્ર મોદી અને વાજપેયીનું રાજકારણ એકબીજાથી કેટલું અલગ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગણેશ પોલ
    • પદ, બીબીસી મરાઠી

નરેન્દ્ર મોદીએ ભારતના વડા પ્રધાન તરીકે ત્રીજી વખત 9મી જૂને શપથ લીધા. નરેન્દ્ર મોદી સાંપ્રત ભારતીય રાજકારણના એવા નેતા છે, જેમની તુલના અલગ અલગ સમયના તેમના પુરોગામીઓ સાથે વિવિધ સ્તરે થતી રહે છે. તેમની તુલના ઘણી વાર ઇંદિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી સાથે કરવામાં આવે છે.

નરેન્દ્ર મોદી માટે અટલ બિહારી વાજપેયી પિતાતુલ્ય નેતા છે. ભારતીય જનતા પાર્ટીના આ બે વડા પ્રધાનોનાં રાજકારણ ઘણી વાર સામસામે આવી જતાં જોવા મળે છે. કેટલીક વાર આ બંને કેન્દ્ર સંપૂર્ણપણે અલગ દિશામાં આગળ વધતાં દેખાય છે.

આ લેખમાં આપણે આવા પાંચ મુદ્દાની ચર્ચા કરીશું.

“હું અવાચક છું. શૂન્યવત્ છું, પરંતુ લાગણીનો સાગર ઊમટી રહ્યો છે. આપણા બધાના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી. તેમણે તેમના જીવનની દરેક ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમનું નિધન એક યુગનો અંત છે.”

2018ની 16 ઑગસ્ટે અટલ બિહારી વાજપેયીનું નિધન થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

“અટલજીના અવસાનથી મેં મારા પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમણે મને સંગઠન અને શાસન બંનેનું મહત્ત્વ સમજાવ્યું હતું.”

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, GETTY IMAGE

નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે અટલજીના જવાથી ખાલીપો સર્જાયો છે, જે ક્યારેય ભરાશે નહીં.

વાજપેયી અને નરેન્દ્ર મોદી વચ્ચે એક પેઢીનું અંતર હતું, પરંતુ તેઓ વાજપેયીની એટલી નજીક હતા કે તેમણે એ અંતરનો અહેસાસ ક્યારેય થવા દીધો ન હતો. મોદી તેમના ભાષણમાં કહેતા રહે છે કે તેમને રાજકારણની ગળથૂથી વાજપેયીએ જ પિવડાવી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2001માં ગુજરાતમાં ધરતીકંપ થયો હતો. તત્કાલીન મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળી શક્યા ન હતા. તેમને પદ પરથી હઠાવીને તેમના સ્થાને નરેન્દ્ર મોદીની નિમણૂક કરવામાં આવી હતી.

રસપ્રદ વાત એ છે કે નરેન્દ્ર મોદી ત્યારે ધારાસભ્ય પણ ન હતા, પરંતુ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ અને તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એ ઉપરાંત બહુ ઓછા લોકો જાણે છે કે વર્ષ 2000માં નરેન્દ્ર મોદીનો કપરો સમય ચાલી રહ્યો હતો ત્યારે વાજપેયીએ તેમને અમેરિકાથી દિલ્હી પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.

2001માં મુખ્ય મંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો હતો અને ત્યાર પછી તેમની રાજકીય સફરનો ગ્રાફ સતત ચઢતો રહ્યો છે.

દરમિયાન, ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને રાજકારણના પાઠ ભણાવ્યા હતા તો પછી બંને નેતાઓના રાજકારણમાં આટલો ફરક શા માટે છે?

ખાસ કરીને બંને નેતાઓ વચ્ચે નહેરુ વિશેના અભિપ્રાય, વિરોધ પક્ષો પ્રત્યેનાં વલણ, હિન્દુત્વના રાજકારણ, પક્ષના સંચાલનની પદ્ધતિ, કાશ્મીર અને બીજા અનેક મુદ્દાઓ પર સ્પષ્ટ તફાવત સરળતાથી જોઈ શકાય છે.

નહેરુ વિશેનો અભિપ્રાય

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, PICADOR INDIA

વડા પ્રધાન બન્યા બાદ અટલ બિહારી વાજપેયીએ સંસદમાં ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે સાઉથ બ્લૉકમાંના જવાહરલાલ નહેરુના ફોટાનો કિસ્સો કહ્યો હતો.

“સાઉથ બ્લોકમાં એક દીવાલ પર જવાહરલાલ નહેરુનો ફોટો હતો. (મોરારજી દેસાઈ સરકારમાં) હું વિદેશમંત્રી બન્યો પછી કોઈએ એ ફોટો હઠાવી લીધો હોવાનું મારા ધ્યાને આવ્યું હતું. મેં અધિકારીઓને પૂછ્યું, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. એ પછી તે ફોટો ફરી તેના મૂળ સ્થાને લગાવવામાં આવ્યો. નહેરુ અને મારી વચ્ચે તીવ્ર રાજકીય મતભેદ હતા, પરંતુ મારી તેમની સાથે કોઈ અંગત દુશ્મનાવટ ન હતી.” વાજપેયીએ આ વાત સંસદમાં કહી ત્યારે તાળીઓનો ગડગડાટ થયો હતો.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “વાજપેયીએ નહેરુની સ્પ્લિટ પર્સનાલિટીની ટીકા કરી હતી, પરંતુ વાજપેયી અને નહેરુ વચ્ચે અપાર આદર હતો. નહેરુએ વાજપેયીને એક સારા સાંસદ તરીકે ઊભરી આવવા માટે ઘણો અવકાશ આપ્યો હતો.”

નીરજા ચૌધરીનું પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ’ તાજેતરમાં જ પ્રકાશિત થયું છે.

વાજપેયીએ લોકસભામાં પૂછેલા પ્રશ્નો, તેમનાં ભાષણો અને ગૃહની કાર્યવાહીમાં તેમના હસ્તક્ષેપે નહેરુનું ધ્યાન ખેંચ્યું હતું.

દેશની સમસ્યાઓ વિશેની વાજપેયીની સમજ અને હિન્દીમાં તેમના વકતૃત્વ કૌશલ્યથી નહેરુ એટલા પ્રભાવિત હતા કે વાજપેયી એક દિવસ ભારતના વડા પ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી તેમણે 1957માં કરી હતી. નહેરુની ભવિષ્યવાણી લગભગ 40 વર્ષ પછી સાચી પડી હતી.

જોકે, વાજપેયીને તેમની રાજકીય કારકિર્દીના આરંભે નહેરુ પ્રત્યે કોઈ લગાવ ન હતો, એમ ‘વાજપેયીઃ એ એસેન્ટ ઑફ ધ હિંદુ રાઇટ, 1924-1977’ પુસ્તકના લેખક અભિષેક ચૌધરી જણાવે છે.

અભિષેક ચૌધરી કહે છે, “મહાત્મા ગાંધીની હત્યા પછી નહેરુએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી વાજપેયી નહેરુ પર ગુસ્સે થયા હતા. એ તેમના પ્રારંભિક લખાણમાં પણ જોવા મળતો હતો, પરંતુ બાદમા વાજપેયી સંસદમાં પ્રવેશ્યા. નહેરુ સાથે પ્રત્યક્ષ મુલાકાત થઈ પછી તેમનો નહેરુ વિશેનો અભિપ્રાય બદલાઈ ગયો હતો. નહેરુ પ્રત્યેનો વાજપેયીનો આદર વધ્યો હતો.”

અંગત સંબંધ સારો હોવા છતાં વાજપેયીએ રાજકીય મુદ્દા પર નહેરુની આકરી ટીકા કરી હતી. 1959માં ચીનની ઘૂસણખોરીના સમાચાર આવવા લાગ્યા ત્યારથી વાજપેયીએ ચીનની નીતિ સંદર્ભે નહેરુને ખડે પગે રાખ્યા હતા.

તેનાથી વિપરીત, વાજપેયીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા નરેન્દ્ર મોદી નહેરુના યોગદાન વિશે સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

કૉંગ્રેસે છેલ્લાં 70 વર્ષમાં દેશમાં શું કર્યું, તેવો સવાલ પૂછતાં નરેન્દ્ર મોદી કાયમ નહેરુની નીતિની ટીકા કરતા રહે છે.

દાખલા તરીકે, સંસદમાં કૉંગ્રેસની ટીકા કરતી વખતે નરેન્દ્ર મોદીએ નહેરુને લાલ કિલ્લાનાં ભાષણો પૈકીના એકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, “જવાહરલાલ નહેરુ વડા પ્રધાન હતા ત્યારે તેમણે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. તેમાં તેમણે ભારતમાં મોંઘવારી માટે કોરિયન યુદ્ધને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે અમેરિકાની ઘટનાઓની અહીં મોંઘવારી પર કેવી રીતે અસર થાય છે. પ્રથમ વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને કારણભૂત ગણાવીને દેશમાંની મોંઘવારીમાંથી પોતાના હાથ ઊંચા કરી લીધા હતા.”

નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું હતું કે નહેરુ વડા પ્રધાન બનવા માગતા હતા. તેથી દેશના ભાગલા પડ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો આજે દેશનું ચિત્ર જુદું જ હોત.

નીરજા ચૌધરી પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઘડાયેલા હોવાને કારણે નરેદ્ર મોદી આવું વિચારતા હશે.

નીરજા ચૌધરી કહે છે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કાયમ નહેરુની ટીકા કરી છે. નહેરુની નીતિઓને કારણે દેશનો પાયો ખોટી રીતે નખાયો હોવાનું સંઘના પદાધિકારીઓ કહે છે. તેમના સામયિકમાં પણ આવી ટીકા કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ ઘણાં વર્ષો સુધી સંઘના પ્રચારક તરીકે કામ કર્યું છે. તેથી એ વિચારસરણી હવે તેમનાં ભાષણોમાં જોવા મળે છે.”

અભિષેક ચૌધરી મુજબ નહેરુ અને નરેન્દ્ર મોદી વચ્ચે ક્યારેય અંગત મુલાકાત થઈ નથી. નરેન્દ્ર મોદીએ નહેરુનું કામ નજીકથી જોયું નથી. નરેન્દ્ર મોદીએ નહેરુની સતત ટીકા કરતા સંઘમાં પોતાનું મોટા ભાગનું જીવન પસાર કર્યું છે. તેનો પ્રભાવ નહેરુ વિશેના નરેન્દ્ર મોદીના વિચારોમાં જોઈ શકાય છે.

વિરોધ પક્ષો સાથેના સંબંધ

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

નરેન્દ્ર મોદી અને વાજપેયીનો કાર્યકાળ અલગ છે. બંનેના સમયની રાજકીય પરિસ્થિતિ અલગ છે. વાજપેયી બહુપક્ષીય સરકાર ચલાવતા હતા. તેથી તેમની રાજકીય મર્યાદા હતી. તેઓ નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ(એનડીએ)ના ઘટક પક્ષોના સમર્થનથી વડા પ્રધાન બન્યા હતા.

અભિષેક ચૌધરી કહે છે, “અત્યારે નરેન્દ્ર મોદીના હાથમાં બહુમતવાળી સરકાર છે. 2014માં તેઓ સાંસદ બન્યા અને સીધા વડા પ્રધાન બન્યા. એક પક્ષની સરકાર હોવાથી તેમને વિરોધ પક્ષોની જરૂર નથી. માત્ર વિરોધ પક્ષો જ નહીં, એનડીએના ઘટક પક્ષો અકાલી દળ અને શિવસેના સાથે પણ તેમનો સંબંધ બગડ્યો છે. તેથી રાષ્ટ્રીય રાજકારણમાં તેમની મર્યાદા દેખાવા લાગી છે.”

અભિષેક ચૌધરીના જણાવ્યા મુજબ તેનાં બે કારણ હોઈ શકે. પહેલું કારણ નરેન્દ્ર મોદી અને વાજપેયીના મિજાજમાંનો ફરક અને બીજું કારણ બંને વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાનની રાજકીય પરિસ્થિતિ.

અટલ બિહારી વાજપેયીને સંસદીય રાજકારણનો લાંબો અનુભવ હતો. તેઓ પહેલા સાંસદબન્યા હતા. તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું હતું. એ પછી તેઓ વડા પ્રધાન બન્યા હતા. તેઓ લોકશાહીમાં વિરોધ પક્ષનું મહત્ત્વ જાણતા હતા. વિરોધ પક્ષને વિશ્વાસમાં લઈને સરકાર ચલાવતા હતા. દરેકને સાથે લઈને ચાલવું એ તેમના સ્વભાવની લાક્ષણિકતા હતી.

અટલ બિહારી વાજપેયીના અવસાન પછી કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને “ટાવરિંગ ફિગર” (કદાવર નેતા) ગણાવ્યા હતા.

દેશમાં એવો એક પણ રાષ્ટ્રીય નેતા નહીં હોય, જેણે વાજપેયી સાથેની તેની સ્મૃતિને સંભારી ન હોય. તમામ પક્ષો સાથેના સંબંધમાં તેમનું સર્વસમાવેશીપણું દેખાય છે.

હવે નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં વિરોધ પક્ષને સંસદમાં બોલવા દેવાતો નથી. વિરોધ પક્ષનો અવાજ રૂંધવાના પ્રયાસ ચાલતા હોવાની ટીકા વિપક્ષ સતત કરતો રહે છે.

એ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીઓ વિરોધ પક્ષોના નેતાઓની પાછળ પડી ગઈ છે. વિપક્ષનો કોઈ નેતા ભાજપમાં જોડાય પછી તેની સામેની તપાસ ધીમી પડી જતી હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે.

એટલું જ નહીં, ગત શિયાળુ સત્ર દરમિયાન સંસદની સલામતીના મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી ત્યારે સરકારે 150 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.

અભિષેક ચૌધરીના મતે નરેન્દ્ર મોદીના રાજકારણમાં ઇંદિરા ગાંધીના રાજકારણની શૈલી જોવા મળે છે.

ઇંદિરા ગાંધી પાસે પણ બહુમતી હતી. તેમણે વિરોધ પક્ષોની સરકારો ઉથલાવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિની નિમણૂકમાં સુધ્ધાં દખલગીરી કરી હતી.

કાશ્મીર મુદ્દે ભૂમિકા

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા.

કાશ્મીર વાજપેયી માટે અત્યંત મહત્ત્વની બાબત હોવાનું એક ઐતિહાસિક કારણ છે.

વાજપેયી 1951માં ભારતીય જનસંઘ (બીજેએસ)માં જોડાયા હતા. એ સમયે તેઓ બીજેએસના સ્થાપક-પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીના સચિવ હતા.

મુખર્જીએ જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ માટે સરકારી પરવાનગીના આદેશના વિરોધમાં અભિયાન શરૂ કર્યું હતું.

એ માટે મુખર્જી દિલ્હીથી ટ્રેનમાં કાશ્મીર જવા રવાના થયા હતા. તેમની જમ્મુ-કાશ્મીરની સરહદે અટકાયત કરાઈ હતી. શ્રીનગરની જેલમાં 23 જૂને તેઓ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મુખર્જીના નિધન પછી વાજપેયી તેમનો સંદેશો સતત ફેલાવતા રહ્યા છે. એ સંદેશો ‘એક વિધાન, એક પ્રધાન, એક નિશાન’ હતો.

વાજપેયી કાશ્મીર સમસ્યાનું નિરાકરણ ચર્ચા મારફત કરવા ઇચ્છતા હતા. તેથી જ વડા પ્રધાન બન્યા બાદ તેમણે “ઇન્સાનિયત, જમ્હુરિયત, કાશ્મીરિયત”નો નારો આપ્યો હતો. નીરજા ચૌધરીના મતે વાજપેયીની કાશ્મીર નીતિની આજે પણ પ્રશંસા કરવામાં આવે છે.

જોકે, નરેન્દ્ર મોદી 2019માં બીજી વખત કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી તેમણે કોઈ પણ કાશ્મીરી નેતાની સલાહ લીધા વિના કલમ 370 હઠાવી દીધી હતી. સ્થાનિક નેતાઓને કેદ કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ કરવામાં આવી હતી.

નીરજા ચૌધરી માને છે કે મોદી સરકારે કાશ્મીરનો મુદ્દો વધુ ગંભીરતાથી લીધો છે.

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, ALPESH BOOK COMPANY

તેઓ કહે છે, “નરેન્દ્ર મોદી સરકાર પાસે બહુમતી છે. તેથી તેઓ કાશ્મીર મુદ્દે કડક વલણ અપનાવી શક્યા. કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાનો મુદ્દો ભાજપ અને સંઘ માટે મહત્ત્વપૂર્ણ હતો. કાશ્મીરના નેતાઓ સાથે ચર્ચા કર્યા વિના નિર્ણયો લેવા એ ભાજપનો ઉન્માદ છે.”

વાજપેયી માત્ર કાશ્મીર સમસ્યાનું નિરાકરણ જ ઇચ્છતા ન હતા. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધને સુધારવા માટે પણ ઘણા પ્રયાસ કર્યા હતા.

બંને દેશોએ અણુ પરીક્ષણ કર્યું એ પછી દ્વિપક્ષીય સંબંધ વણસ્યા હતા. છતાં વાજપેયી તેમના કાર્યકાળ દરમિયાન બસમાં પ્રવાસ કરીને લાહોર સુધી ગયા હતા. એ પછી કારગિલ યુદ્ધ થયું હતું. એ જખમ ભૂલીને પાકિસ્તાનના તત્કાલીન સર્વેસર્વા પરવેઝ મુશર્રફે આગ્રાની મુલાકાત લીધી હતી, પરંતુ આવા તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.

જોકે, મોદી સરકારે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે “આતંક અને વાટાઘાટ એક સાથે ચાલી શકે નહીં.” એટલે કે સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિ બંધ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. 2019માં ભારતીય સૈન્ય છાવણી પરના હુમલા સામે ભારતની બાલાકોટ પરની સર્જિકલ સ્ટ્રાઇકને પગલે સંબંધ વધુ વણસ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના સંચાલનની શૈલી

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, Getty Images

એક સમયે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર બે જ સાંસદ હતા. આજે કુલ 543માંથી 303 સાંસદ ભાજપના છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં મજબૂત સરકાર છે.

અટલ બિહારી વાજપેયીએ ભાજપનો પાયો નાખ્યો હતો, જ્યારે નરેન્દ્ર મોદી પક્ષને એક વાર નહીં, બબ્બે વાર બહુમતી સાથે સત્તા પર લાવ્યા છે.

ભાજપની સ્થાપના થઈ ત્યારે અન્ય પક્ષો પણ તેની સાથે આગળ વધી રહ્યા હતા. સમય જતાં પક્ષનો વિસ્તાર થયો અને કેન્દ્રમાં બહુમતીવાળી સરકાર સ્થાપી તેની પાછળનાં બે મુખ્ય કારણ પક્ષની હિન્દુત્વવાદી વિચારધારા અને નેતાઓની મહેનત છે.

વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને અન્ય નેતાઓએ ભાજપને મજબૂત બનાવવા સખત મહેનત કરી હતી, પરંતુ વાજપેયીના ભૂતપૂર્વ સહાયક સુધીન્દ્ર કુલકર્ણીનું કહેવું છે કે પક્ષના સંચાલનની બાબતમાં નરેન્દ્ર મોદી અને વાજપેયી વચ્ચે મોટો ફરક છે.

બીબીસી સાથે વાત કરતાં સુધીન્દ્ર કુલકર્ણી કહે છે, “વાજપેયીના સમયમાં ભાજપમાં આંતરિક લોકશાહી હતી. દરેકના અભિપ્રાય બાબતે સામૂહિક ચર્ચા કરવામાં આવતી હતી, પરંતુ હાલના વડા પ્રધાન પોતાને પક્ષના સર્વોચ્ચ નેતા માને છે. પક્ષમાં નિર્ણયનું કેન્દ્રીકરણ થયું છે. તેથી નરેન્દ્ર મોદીને ક્યાંક ડર હોય તેવું લાગે છે.”

સુધીન્દ્ર કુલકર્ણીને અફસોસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપમાં આંતરિક લોકશાહી લુપ્ત થઈ રહી છે.

“તેનાથી વિપરીત, સાથીદારો વાજપેયીના નિર્ણયનો વિરોધ કરતા હતા, પરંતુ વાજપેયીનું નેતૃત્વ સર્વમાન્ય હતું. એકલા હાથે પક્ષ ચલાવવાનું તેમના સ્વભાવમાં ન હતું. વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે પક્ષની ધુરા લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપવામાં આવી હતી,” એવું અભિષેક ચૌધરીએ તેમના પુસ્તકમાં નોંધ્યું છે.

નરેન્દ્ર મોદી અને વાજપેયીનું હિન્દુત્વનું રાજકારણ

નરેન્દ્ર મોદી અટલ બિહારી બાજપેયી

ઇમેજ સ્રોત, PMO INDIA

નીરજા ચૌધરીના મતે હિન્દુત્વ ભાજપના ડીએનએમાં છે. નરેન્દ્ર મોદી અને વાજપેયી બંનેએ હિન્દુત્વનું રાજકારણ ક્યારેય છોડ્યું નથી, પરંતુ બંને નેતાની હિંદુત્વના રાજકારણમાં મૂળભૂત તફાવત છે અને તે છે “સર્વસમાવેશીપણું.”

નરેન્દ્ર મોદીએ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ નારો આપ્યો છે. નરેદ્ર મોદીએ 2014 પછી કહ્યું હતું કે અમે કોઈનું શોષણ નહીં કરીએ અને કોઈની સાથે દુર્વ્યવહાર નહીં કરીએ.

જોકે, હવે તેઓ માત્ર હિન્દુત્વના ચહેરાને પ્રોજેક્ટ કરી રહ્યા છે. હવે લોકો તેમને હિંદુ હૃદયસમ્રાટ માનવા લાગ્યા છે. રામમંદિર ઉદ્ઘાટનનો કાર્યક્રમ એક ટ્રસ્ટનો કાર્યક્રમ હતો, પણ નરેન્દ્ર મોદીએ તેને રાષ્ટ્રીય તહેવારની માફક ઊજવ્યો. આ રીતે નરેન્દ્ર મોદી હિન્દુઓની અસ્મિતાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

નીરજા ચૌધરી કહે છે, “હું હિન્દુઓનો નેતા છું અને તે ચહેરો હું છુપાવીશ નહીં. આ વાત નરેન્દ્ર મોદીના વર્તન પરથી સ્પષ્ટ દેખાય છે. તેમને તેનો સીધો ફાયદો ચૂંટણીમાં થઈ રહ્યો છે.”

નરેન્દ્ર મોદીનું રાજકારણ આક્રમક હિન્દુત્વનું હોવાથી ‘બ્રાહ્મણ-વાણિયા પાર્ટી’ તરીકેની ભાજપની છબિ ભૂંસાઈ ગઈ છે.

ભાજપશાસિત રાજ્યોમાં તેમણે પસંદ કરેલા મુખ્ય મંત્રી, મંત્રી અને પક્ષના પદાધિકારીઓ વિવિધ જાતિ તથા જનજાતિના છે. તેથી નરેન્દ્ર મોદી મંડલ અને કમંડળ બંનેનું રાજકારણ કરતા હોવાનું પણ કહેવાય છે.

અભિષેક ચૌધરી માને છે કે, “બીજી તરફ વાજપેયીનું હિન્દુત્વનું રાજકારણ મોટા ભાગે સર્વસમાવેશક હતું. તેમણે દેશના વિવિધ ઘટકોને સાથે લાવવાના પ્રયાસ કર્યા હતા. તેમને હિન્દુત્વનો સોફ્ટ ચહેરો ગણવામાં આવે છે. તેમની હિન્દુત્વનું રાજકારણ ક્યારેય આક્રમક બન્યું ન હતું. વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યારે ગઠબંધન સરકારના વડા હતા. તેથી તેઓ હિન્દુત્વનો મજબૂત પક્ષ લઈ શક્યા ન હતા.”

દરમિયાન, વાજપેયીનું હિન્દુત્વનું રાજકારણ રૂઢિચુસ્ત હોવાની ટીકા પણ કરાતી હતી.