ગુજરાતમાંથી રાજ્યસભામાં બે વર્ષ પછી કૉંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય, કેવી રીતે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં દેશમાં રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ ચૂંટણીમાં ગુજરાતની ચાર બેઠકની પણ ચૂંટણી યોજાશે.
ગુજરાતથી સાંસદ ભાજપના નેતા મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, કૉંગ્રેસનાં અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થાય છે.
રાજ્યસભાની ચૂંટણી આમ તો સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય નથી બનતી પણ રાજકીય પક્ષો તેને નજરઅંદાજ કરતા નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો અનેક ચૂંટણીમાં 'રાજકીય ખેલ અને ક્રૉસ વોટિંગ'ના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે.
રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ અને આવનારી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ક્યારેય નહીં સર્જાઈ હોય એવી સ્થિતિ સર્જાશે.
ગુજરાતના રાજકારણે છેલ્લા કેટલાક સમયમાં ઘણી ઊથલપાથલ જોઈ છે, પણ હવે થોડા દિવસ પછી રાજ્યમાં થનારી રાજ્યસભાની ચૂંટણીમાં એવી સ્થિતિ સર્જાઈ શકે છે કે પહેલી વાર કૉંગ્રેસનો એકમાત્ર સાંસદ હશે અને બીજા બે વર્ષ પછી રાજ્યસભામાં કૉંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય.
શું ગુજરાત કૉંગ્રેસનું રાજ્યસભામાંથી પ્રતિનિધિત્વ સમાપ્ત થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટ અને કૉંગ્રેસને 17 સીટ પર જીત મળી હતી. જોકે ત્યાર બાદ કૉંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે. એટલે કૉંગ્રેસ પાસે માત્ર 15 ધારાસભ્યો બચ્યા છે.
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે 64 વર્ષ પછી ગુજરાતની 11 રાજ્યસભાની બેઠક પર માત્ર એક જ સાંસદ હશે, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના ચાર રાજ્યસભાના સાંસદોની બેઠક ખાલી થાય છે, એમાં બે કૉંગ્રેસની બેઠક છે અને બે ભાજપની."
"આ સંજોગોમાં ભાજપ પાસે ચૂંટાયેલા 156 ધારાસભ્યો છે અને આ ચારેય રાજ્યસભાની બેઠકો જીતવી હોય તો ભાજપને માત્ર 148 ધારાસભ્યોની જરૂર પડે. પહેલી વાર એવું બનશે કે રાજ્યસભામાં ગુજરાતનો એકમાત્ર સાંસદ રહેશે, કારણ કે કૉંગ્રેસમાંથી બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં પછી એમની પાસે માત્ર 15 ધારાસભ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યસભાનું ગણિત સમજાવતા તેઓ કહે છે, "રાજ્યસભામાં જીતવા માટે એક ઉમેદવારને 37 મતની જરૂર છે અને એમને જીતવા માટે 22 મત ખૂટે છે. આ સંજોગોમાં કૉંગ્રેસની બચેલી બે બેઠકો હારી જાય એવો ઘાટ છે, કારણ કે 2023માં કૉંગ્રેસના સ્વ. અહમદ પટેલની ખાલી પડેલી સીટ પર કૉંગ્રેસે એ વખતે 17 બેઠકો હોવાથી લડવાનું ટાળ્યું હતું અને ભાજપને ફાળે એ સમયે ત્રણેય બેઠકો આવી ગઈ હતી."
"હવે 2026માં કૉંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ રહેશે. જે વિધાનસભાની બેઠકો પરથી હાલ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં છે એ બેઠકો પર પણ કૉંગ્રેસ ચૂંટાઈને આવે તો પણ 2026માં કૉંગ્રેસ એની એકમાત્ર બચેલી રાજ્યસભાની બેઠક બચાવી શકે એમ નથી, કારણ કે હવે વિધાનસભાની બીજી ચૂંટણી 2027માં થવાની છે. એટલે ત્યાં સુધી કૉંગ્રેસના ધારાસભ્યોમાં વધારો થાય એવું લાગતું નથી અને એ રીતે બે વર્ષ પછી એક એવો રાજકીય ઇતિહાસ રચાશે કે રાજ્યસભામાં કૉંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય."
લોકસભામાં ભાજપને 26માંથી 26 સીટ મળે તો...

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે કે આ સ્થિતિ રાજકીય રીતે ખરાબ છે.
"હાલ લોકસભામાં છેલ્લી બે ટર્મથી એટલે કે 10 વર્ષ માટે કૉંગ્રેસનો એક પણ સાંસદ નથી. ગુજરાતની જે સમસ્યાઓ હતી એ રાજ્યસભાના સાંસદો દ્વારા થોડી ઘણી રજૂ કરી શકતી હતી, પણ 2026 પછી એ સ્થિતિ પણ નહીં રહે."
વધુમાં તેઓ કહે છે, "બે ટર્મથી ગુજરાત લોકસભામાં જે પ્રકારે ભાજપે પોતાનું પ્રદર્શન જાળવી રાખ્યું છે એ જો આ વર્ષે થનારી ચૂંટણીમાં જાળવી રાખે અને કૉંગ્રેસનું મનોબળ તોડવા ભાજપ લાંબા ગાળાની આયોજનપૂર્વકની લડાઈ લડી રહ્યું છે એ જોતા એ એમની સ્ટ્રેટેજીમાં સફળ થાય અને કૉંગ્રેસનો કોઈ સાંસદ લોકસભામાં ત્રીજી વખત ના આવે તો વિપક્ષનું પ્રતિનિધિત્વ ના રહે, જે લોકશાહી માટે ભારે ખતરારૂપ છે, કારણ કે સત્તાધારી પક્ષની ભૂલો સામે એમને ટોકવાવાળું કોઈ નહીં રહે. આ ટ્રેન્ડ લોકશાહી માટે ઘાતક હશે."
તો જાણીતા પત્રકાર પદ્મકાન્ત ત્રિવેદી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે ગુજરાતમાં અત્યારે જે લોકસભાની ચૂંટણીનો માહોલ બન્યો છે એ જોતા ભાજપ પોતાનું બે ટર્મથી દેખાડી રહેલું પ્રદર્શન રિપીટ કરશે એવું લાગે છે.
તેઓ કહે છે, "જો ભાજપ 26 બેઠકો પર જીતે તો 2026 પછી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર વિપક્ષનો કોઈ નેતા દિલ્હીમાં નહીં હોય, કારણ કે આ મહિનામાં યોજાનારી ચૂંટણીમાં ભાજપ કૉંગ્રેસના હાથમાંથી રાજ્યસભાની બે બેઠકો ઝૂંટવી લેશે અને 2026માં રહેલા એકમાત્ર રાજ્યસભાના સાંસદ જાય તો વિપક્ષનું નેતૃત્વ નહીં રહે."
ગુજરાતના 64 વર્ષના ઇતિહાસમાં કૉંગ્રેસનો આવો રકાસ ક્યારેય થયો નથી. ગુજરાતના રાજકારણને નજીકથી જોનાર હર્ષદ બ્રહ્મભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતના આટલા લાંબા સમયમાં ચાર વાર રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ થયું છે."
"પહેલી વાર 1984માં ભાજપના માત્ર 13 ધારાસભ્યો હતા અને જનતાદળના ધારાસભ્યોનો ટેકો લઈને શંકરસિંહ વાઘેલા રાજ્યસભાની ચૂંટણી લડ્યા ત્યારે અપક્ષ અને કૉંગ્રેસનું ક્રૉસ વોટિંગ કરાવી ગુજરાતથી દિલ્હી પહોંચ્યા હતા. એ સમયે કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો સૂરજ સાતમા આસમાને હતો ત્યારે એમને હાર આપી હતી."
રાજ્યસભાની ચૂંટણી અને રાજકીય આટાપાટા

ઇમેજ સ્રોત, @NARHARI_AMIN/TWITTER
એ સમયની વાત કરતા શંકરસિંહ વાઘેલા કહે છે કે "હું એક વાર લોકસભાની ચૂંટણી હાર્યો હતો અને વિધાનસભાની ચૂંટણી હાર્યો હતો. મને રાજ્યસભાની ચૂંટણી લડવાનો આદેશ મળ્યો ત્યારે ગામ આખુંય કહેતું હતું કે હારની હેટ્રિક કરવા બાપુ આવ્યા છે, પણ એ સમયે સંબંધોને કારણે બીજા ધારાસભ્યોએ મારા પર વિશ્વાસ મૂકીને જીતાડ્યો હતો."
1984 બાદ 1994માં બીજી વખત ચીમનભાઈ પટેલના સમયમાં રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની મદદથી ભાજપના ઉમેદવાર કનકસિંહ માંગરોળા જીત્યા હતા.
એ સમયની વાત કરતા કનકસિંહ વાઘેલા કહે છે, "એ સમયે ચીમનભાઈ પટેલના જનતાદળ (ગુજરાત) અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું. કૉંગ્રેસના હાઈકમાન્ડે રાજુ પરમાર અને માધવસિંહ સોલંકીને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા ત્યારે ચીમનભાઈ પટેલે પોતાના વિશ્વાસુ જે.વી. શાહને રાજ્યસભામાંથી જીતાડવાનું વચન આપ્યું હતું."
"એ સમયે ભાજપનાં ઉમેદવાર તરીકે આનંદીબહેન પટેલનું સત્તાવાર નામ હતું અને શકરસિંહે મને જિતાડવાનું બીડું લીધું અને એ સમયે શંકરસિંહે ગોઠવેલાં પાસાંને કારણે હું સૌથી વધુ વોટ સાથે રાજ્યસભાની ચૂંટણી જીત્યો હતો."
તો ગુજરાતના રાજકારણના અભ્યાસુ બિમલ પટેલે કહ્યું કે "એ ટ્રેન્ડ 2017ની ચૂંટણીમાં દોહરાયો હતો. શંકરસિંહ વાઘેલાના ટેકેદારોએ અચાનક ધારાસભ્યપદેથી રાજીનામાં આપવાં મંડ્યા અને વોટની ગણતરી બદલાઈ ગઈ હતી. અહમદ પટેલને એ ચૂંટણી જીતવી ભારે પડે એમ હતી. એ સમયે કૉંગ્રેસના ગુજરાત પ્રમુખ એમને ગુજરાતથી બહાર લઈ ગયા હતા. એનસીપીના વોટનું ક્રૉસ વોટિંગ થયું હતું, પરંતુ છેલ્લી ઘડીએ કરેલા આયોજન પ્રમાણે છોટુ વસાવાનો વોટ મળતા એ ચૂંટણી જીતી ગયા હતા."
તેઓ કહે છે, "પણ 2020ની કોરોનાકાળની ચૂંટણી કૉંગ્રેસને ભારે પડી હતી. ફર્સ્ટ પ્રૅફરન્સમાં કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા અને સેકન્ડ નેતા ભરતસિંહ સોલંકી હતા. એ સમયના મીડિયાના અહેવાલ પ્રમાણે ભરતસિંહ સોલંકીએ ક્રૉસ વોટિંગ કરી કૉંગ્રેસની બંને બેઠકો જીતવાની ગોઠવણ કરી હોવાનો દાવો થાય છે, પણ ભાજપના ત્રીજા પ્રૅફરન્સના ઉમેદવાર નરહરિ અમીન એ ચૂંટણી જીત્યા હતા અને ભરતસિંહ સોલંકી હારી ગયા હતા."
"શક્તિસિંહ જીત્યા હતા, પણ 2026માં એમની મુદત પૂરી થાય છે, ત્યારે ગુજરાતમાંથી કૉંગ્રેસનો કોઈ સાંસદ રાજ્યસભામાંથી નહીં હોય."












