અયોધ્યાના મામલે શું મોદી સરકારે ધર્મનિરપેક્ષતાના માનદંડોનું ઉલ્લંઘન કર્યું છે?

મંદિર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક છે પરંતુ કેટલીકવાર ધર્મ અને રાજ્ય વચ્ચેની રેખા તદ્દન અસ્પષ્ટ બની જાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય ઘણા નેતાઓએ પણ ભાગ લીધો હતો.

તે દિવસે કેન્દ્ર સરકાર તેમજ અનેક રાજ્ય સરકારોએ રજા જાહેર કરી હતી. આ પછી ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે, શું આનો અર્થ એવો થાય છે કે ભારતીય પ્રજાસત્તાકે પોતાને ધાર્મિક કાર્યક્રમમાં સામેલ કરી લીધું છે.

અહીં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે, બંધારણ મુજબ ધર્મનિરપેક્ષતા શું છે અને અદાલતોએ તેના વિશે શું કહ્યું છે.

બીબીસી ગુજરાતી

ભારતમાં બિનસાંપ્રદાયિકતા

વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણની પ્રસ્તાવના કહે છે કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. સેક્યુલર (ધર્મનિરપેક્ષ) શબ્દ 1976માં ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો.

બંધારણની કલમ 25 લોકોને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મનું પાલન કરવાની અને તેના પ્રસારની સ્વતંત્રતા આપે છે. કલમ 29 અને 30 લઘુમતીઓને રક્ષણ આપે છે.

આ અંગે સ્પષ્ટતા કરતાં વરિષ્ઠ વકીલ અને બંધારણીય બાબતોના નિષ્ણાત ડૉ. રાજીવ ધવન કહે છે, “ભારતમાં ધર્મનિરપેક્ષતાનાં બે પાસાં છે. પહેલો ભાગ કહે છે કે, તમે ધર્મો વચ્ચે ભેદભાવ કરી શકતા નથી. બીજો ભાગ કહે છે કે, તમારે લઘુમતીઓને સુરક્ષા પ્રદાન કરવી પડશે.

બંધારણ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને તેમની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો અધિકાર આપે છે. તે એમ પણ કહે છે કે સરકાર સહાય આપતી વખતે લઘુમતી સંસ્થાઓ સાથે ભેદભાવ ન કરી શકે.

ડૉ. ધવન કહે છે, "જ્યારે આપણે બિનસાંપ્રદાયિકતાની વાત કરીએ છીએ, ત્યારે ભારતમાં તેનો અર્થ એ થાય છે કે તમામ ધર્મોને સમાન મહત્ત્વ આપવું જોઈએ. અમે ધર્મ અને રાજ્ય વચ્ચે કડક અલગતાના સિદ્ધાંતને અનુસરતા નથી."

તે કેટલાક દેશોમાં અનુસરવામાં આવે છે. ફ્રાન્સમાં ઉદાહરણ તરીકે ખૂબ જ કડક વિભાજનને અનુસરે છે. જ્યાં જાહેર જીવનમાં તમામ ધર્મોનાં પ્રતીકોનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે.

બંધારણીય કાયદાના નિષ્ણાત ડૉ. જી. મોહન ગોપાલ કહે છે, "ભારતની બિનસાંપ્રદાયિકતા શું છે તેનો જવાબ એક પુસ્તકની બરાબર હોઈ શકે છે. બંધારણ સભાની ચર્ચાઓમાં પણ આ અંગે બહુ ઓછી સ્પષ્ટતા હતી. આ અસ્પષ્ટતા સુપ્રીમ કોર્ટના નિર્ણયોમાં પણ જોવા મળે છે.

તેઓ કહે છે, "બધા ધર્મોથી સમાન અંતર જાળવવાનો વિચાર જેના પર કોર્ટ મુખ્ય રૂપે ભાર મૂકે છે, તે પણ બ્રાહ્મણવાદી ગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે."

1994માં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયમાં જસ્ટિસ જે.એસ. વર્માએ યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદના 'સર્વ ધર્મ સમભાવ'ના સિદ્ધાંતને ટાંકીને કહ્યું કે, ધર્મનિરપેક્ષતાનો અર્થ તમામ ધર્મો માટે સહિષ્ણુતા છે.

ઘણા નિષ્ણાતો કહે છે કે, ધાર્મિક ગ્રંથો દ્વારા ધર્મનિરપેક્ષતાની વ્યાખ્યા કરવામાં આવી રહી છે તે 'વિચિત્ર' છે.

ગ્રે લાઇન

ધર્મનિરપેક્ષતા પર સુપ્રીમ કોર્ટનું વલણ

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સર્વોચ્ચ અદાલતે ધર્મનિરપેક્ષતા અંગે ઘણા નિર્ણયો લીધા છે. જો કે, ટીકાકારો કહે છે કે તેની કોઈ એક વ્યાખ્યા નથી.

નેશનલ યુનિવર્સિટી ઑફ જ્યુરિડિકલ સાયન્સમાં કાયદા અને ધર્મનિરપેક્ષતા ભણાવતા વિજય કિશોર તિવારી કહે છે, "સૅક્યુલરિઝમનું ભારતીય સંસ્કરણ ધર્મનિરપેક્ષતાના પશ્ચિમી ખ્યાલથી અલગ છે. ધર્મ અને રાજ્ય વચ્ચેના વિભાજનના પ્રશ્ન પર બંધારણીય રીતે તે અસ્પષ્ટ છે."

"સુપ્રીમ કોર્ટે પણ બિનસાંપ્રદાયિકતાની કોઈ વ્યાખ્યા આપી નથી જેનું પાલન કરવું જોઈએ, જે સારું છે કારણ કે તે તેના કાર્યક્ષેત્રમાં આવતું નથી. ભારતના સંદર્ભમાં, રાજ્ય અને ધર્મને અલગ પાડવું સંપૂર્ણપણે શક્ય નથી અને જરૂરી પણ નથી."

સંઘમિત્રા પાધી ન્યુ જર્સીની રેમ્પો કૉલેજમાં કાયદા અને સામાજિક વિજ્ઞાનનાં સહાયક પ્રોફેસર છે. તેઓ કહે છે, "કેટલાક કેસોમાં કોર્ટે આ મુદ્દા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, બિનસાંપ્રદાયિકતા એ ભારતીય બંધારણની જોગવાઈ છે, જેમાં સુધારો કરી શકાય નહીં."

"અન્ય કેટલાક કેસોમાં સર્વોચ્ચ અદાલતની બિનસાંપ્રદાયિકતાની માન્ય વ્યાખ્યા બહુમતીના હિત પ્રત્યે સંવેદનશીલ છે અને લઘુમતી સમુદાયોના અધિકારો પર ચોટ કરે છે. અન્ય કેટલાક કિસ્સાઓમાં તે લઘુમતીઓને વિશેષ અધિકાર આપે છે.

સુધારા કરીને ઘર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવાના ચાર વર્ષ પહેલાં 1972માં સર્વોચ્ચ અદાલતે માન્યું હતું કે, ધર્મનિરપેક્ષતા એ ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. આનો મતલબ એ છે કે કોઈ પણ સરકાર પાસે તે લોકો પાસેથી છીનવી લેવાની શક્તિ નથી.

કોર્ટે આ વાત એક અરજીની સુનાવણી દરમિયાન કહી હતી જ્યારે તેની સામે એક કેસ આવ્યો હતો જેમાં બંધારણમાં સુધારો કરવાના સરકારના અધિકારને પડકારવામાં આવ્યો હતો.

જો કે, 1974માં સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોએ લખ્યું કે, તેઓને શંકા છે કે શું 'સેક્યુલર સ્ટેટ' શબ્દ ભારતમાં લાગુ થઈ શકે છે? કારણ કે, ભારતમાં ભાગલાની કડક દીવાલ નથી. તેમણે લખ્યું, "બંધારણમાં કેટલીક જોગવાઈઓ છે જે આપણા રાજ્યને ધર્મનિરપેક્ષ બનતા અટકાવે છે."

1994માં ધર્મનિરપેક્ષતા પરના સૌથી મજબૂત નિર્ણયોમાંના એકમાં સુપ્રીમ કોર્ટની નવ જજોની બૅન્ચે બાબરી મસ્જિદના ધ્વંસ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકારોને બરતરફ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

આ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદીને વિધાનસભાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, આ રાજ્ય સરકારોએ સાંપ્રદાયિક સંગઠનોને સમર્થન આપ્યું અને મસ્જિદ તોડી પાડવામાં મદદ કરી. આ રાજ્યોના રાજ્યપાલોએ કહ્યું કે, બહુમતી હોવા છતાં રાજ્યની બંધારણીયતંત્ર નિષ્ફળ ગયું છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય અને ધર્મ વચ્ચે કડક વિભાજન પર ભાર મૂક્યો હતો.

નિર્ણય સંભળાવનારા ન્યાયાધીશોમાંના એકે લખ્યું છે કે, ધાર્મિક તર્જ પર વિકસિત રાજકીય પક્ષોના કાર્યક્રમ અથવા સિદ્ધાંતો, જે રાજકીય શાસનના એક ભાગ તરીકે ધર્મને માન્યતા આપવા સમાન છે, તે બંધારણમાં સ્પષ્ટપણે પ્રતિબંધિત છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કાયદા સિવાય કાર્યપાલિકાના કામમાં પણ ધર્મનિરપેક્ષતા હોવી જોઈએ.

ગ્રે લાઇન

ભારતીય અદાલતોમાં ધર્મનિરપેક્ષતા

બાબરી ધ્વંસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તારીખ છ ડિસેંબર 1992ના અયોધ્યાની બાબરી મસ્જિદ પર ચઢેલા કારસેવકો

જોકે, બાદમાં આ કેસ નબળો પડી ગયો હતો. કોર્ટે 1995માં કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં પ્રથમ હિંદુ રાજ્યની સ્થાપના થશે' એવું નેતાનું નિવેદન ધાર્મિક આધાર પર મત માંગવા જેવું નથી.

વર્ષ 2002માં NCERT દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમને એ આધાર પર પડકારવામાં આવ્યો હતો કે તેમાં સંસ્કૃત, વૈદિક ગણિત વગેરેનો સમાવેશ થાય છે. આ કેસમાં કોર્ટે અભ્યાસક્રમને માન્ય રાખ્યો હતો. એક ન્યાયાધીશે લખ્યું, "તટસ્થતાની નીતિએ દેશનું કોઈ ભલું કર્યું નથી."

આના પર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આફતાબ આલમે 2009માં આપેલા એક લૅક્ચરમાં કહ્યું હતું કે, આ નિર્ણય એ હકીકતને નજરઅંદાજ કરે છે કે અભ્યાસક્રમમાં માત્ર એક જ ધર્મના ઉપદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2004માં વિશ્વ હિંદુ પરિષદના તત્કાલીન પ્રમુખ પ્રવીણ તોગડિયાને કર્ણાટકના તંગદિલીભર્યા જિલ્લામાં પ્રવેશતા અટકાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "કોઈપણ વ્યક્તિને એવું કંઈપણ કરવાની મંજૂરી આપી શકાય નહીં જે દેશમાં સેક્યુલરઝમને નષ્ટ કરી શકે."

આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, "દેશના દરેક નાગરિકને ભલે તેનો ધર્મ કોઈ પણ હોય પરંતુ રાજ્ય દ્વારા ખાતરી આપવી જોઈએ કે તે પોતાના ધર્મનું પાલન કરવા અને તેનો પ્રચાર કરવા માટે સ્વતંત્ર અને સુરક્ષિત છે."

પરંતુ તાજેતરના સમયમાં અદાલતો ધર્મનિરપેક્ષ નથી તેવા અનેક આક્ષેપો થયા છે.

ડૉ. ગોપાલ કહે છે, "એવાં ઘણાં ઉદાહરણો છે જેમાં અદાલતોએ તેમના નિર્ણયો માટે ધાર્મિક ગ્રંથોનો સહારો લીધો છે."

તેઓ કહે છે, "અયોધ્યા અંગેના નિર્ણયનું પરિશિષ્ટ એક ધાર્મિક આદેશ છે."

અયોધ્યા અંગેના નિર્ણયમાં વધારાનું પરિશિષ્ટ છે. તે હિન્દુઓની માન્યતા પર ભાર મૂકે છે કે ભગવાન રામનો જન્મ તે જ જગ્યાએ થયો હતો જ્યાં બાબરી મસ્જિદ હતી.

ડૉ. ધવનને એવું પણ લાગે છે કે, અદાલતો ધર્મિનિરપેક્ષતા જાળવવામાં નબળી પડી છે.

તે કહે છે, "જ્ઞાનવાપી કેસમાં, પૂજા સ્થળ અધિનિયમને સંપૂર્ણપણે ભૂલાવી દેવાયો હતો."

ડૉ. તિવારી કહે છે, "કોર્ટે પણ વારંવાર સમાન નાગરિક સંહિતાની માગણી કરી છે. તે રાજકીય પક્ષના એજન્ડા જેવું છે."

ગ્રે લાઇન

શું રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા ધર્મનિરપેક્ષ હતો?

મોદી રામ મંદિરના અભિષેક સમયે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ડૉ. ધવનના કહેવા પ્રમાણે, 22 જાન્યુઆરીની ગતિવિધિઓ ભારતીય ધર્મનિરપેક્ષતાના વિચારની વિરુદ્ધ હતી.

તે કહે છે, "તમારે કોઈપણ ધર્મનું એ રીતે સમર્થન અને રાજનીતિકરણ ન કરવું જોઈએ, જે રીતે કરવામાં આવ્યું હતું. ભારતની બિનસાંપ્રદાયિકતા માટે આ સારું નથી જે તટસ્થતા દર્શાવીને રાજ્ય અને ધર્મ વચ્ચે અંતર બનાવે છે. દેખીતી રીતે સરકાર આવું કરતી હોય તેવું લાગતું નથી."

તેઓ પૂછે છે કે, તમે એક ધર્મનો પક્ષ લઈને અન્ય ધર્મોને બાકાત રાખવાની તરફેણ કરી શકતા નથી. શું મસ્જિદ બનશે ત્યારે પણ વડા પ્રધાન ત્યાં જશે?

ડૉ. તિવારી કહે છે, "લઘુમતીઓને અમારું બંધારણીય વચન ભેદભાવ વિનાની ધાર્મિક સ્વતંત્રતા છે. દુર્ભાગ્યની વાત છે કે આ અધિકારો જોખમમાં છે અને તેઓ સુરક્ષિત અનુભવતા નથી."

સેન્ટર ફૉર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીના પ્રોફેસર હિલાલ અહેમદના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં આયોજિત આ કાર્યક્રમને બે દૃષ્ટિકોણથી જોઈ શકાય છે.

કોઈ કહી શકે કે આ એક સાંસ્કૃતિક પ્રસંગ હતો તેથી કાયદાકીય દૃષ્ટિકોણથી સરકારની સંડોવણી સ્વીકાર્ય છે. જ્યારે ભારતીય સંદર્ભમાં મસ્જિદ, મંદિર અથવા રાજકારણીને દાન આપવું અથવા મંદિરના જીર્ણોદ્ધાર માટે દાન કરવું સામાન્ય રીતે સ્વીકાર્ય હશે.

તેઓ કહે છે, "જો કે, તેને જોવાનો બીજો રસ્તો તેની પાછળની બંધારણીય નૈતિકતાને જોવાનો છે. રાજ્ય ધાર્મિક બાબતોથી સૈદ્ધાંતિક અંતર જાળવે તેવી અપેક્ષા હોય છે. અહીં બે પ્રશ્નો છે : શું તે ધાર્મિક પ્રસંગ છે કે નહીં? શું તમામ ધર્મના લોકોને આમાં સામેલ કરવામાં આવશે કે પછી તેઓ પોતે જ તેનાથી બાકાત અનુભવશે?"

તેમનું કહેવું છે કે, તે પરિપ્રેક્ષ્યમાં અયોધ્યાનું આયોજન ધર્મનિરપેક્ષતા અને બંધારણીય નૈતિકતાના વિચારની વિરુદ્ધ હોઈ શકે છે.

રેડ લાઇન
રેડ લાઇન