અયોધ્યા શું 'હિન્દુ વેટિકન સિટી' બની રહ્યું છે?

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
સલામતીનો સજ્જડ બંદોબસ્ત ધરાવતા મંદિરની શિયાળાની એક ઠંડીગાર સવારે મુલાકાત લીધા પછી યોગેન્દ્ર ગુરુ ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ગૂમ થઈ ગયા હોય તેવું લાગતું હતું. જે સ્થળે મંદિર છે ત્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું હિન્દુઓ માને છે.
ઉત્તર પ્રદેશના શહેર અયોધ્યામાં જોશભેર ચાલી રહેલા બાંધકામની પશ્ચાદભૂમાં તીર્થયાત્રીઓને આવકારતા વિશાળ કેન્દ્રના કમાનવાળા રેતીના પથ્થરના દરવાજા, એક વિશાળ કૉરિડૉર ભગવાન રામના કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ભવ્ય નવા મંદિર ભણી દોરી જાય છે. કેટલાક હિન્દુ રાષ્ટ્રવાદી નેતાઓ અયોધ્યાને ‘હિન્દુ વેટિકન’ ગણાવે છે. અયોધ્યાનું કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરાઈ રહ્યું છે.
યોગેન્દ્ર ગુરુ તેમના બે ડઝન પરિવારજનો સાથે 14 કલાકનો થકવી નાખનારો બસ પ્રવાસ કર્યા પછી મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાંના તેમના ગામથી અયોધ્યાની તીર્થયાત્રા માટે આવ્યા છે.
તેમણે મને કહ્યું હતું, “અમને આખરે એક નવું મંદિર મળી રહ્યું છે તેથી હું ખુશ છું. હિન્દુઓ જાગૃત થયા હોય, સ્વતંત્રતાની લાગણી અનુભવતા હોય એવું લાગે છે. અગાઉ અમને દબાવી રાખવામાં આવ્યા હતા એવું હું માનું છું.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતનાં સૌથી વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો પૈકીના એક અને સોળમી સદીની મસ્જિદનું સ્થાન લેનારા ભવ્ય મંદિરને આવતા સપ્તાહે ખુલ્લું મૂકીને દાયકાઓ જૂની દીર્ધ હિન્દુ રાષ્ટ્રવાદી પ્રતિજ્ઞા પૂર્ણ કરશે.
મુસ્લિમ આક્રમણકર્તાઓએ રામમંદિર તોડીને તેના પર બાબરી મસ્જિદ બાંધી હોવાનો દાવો કરતા હિન્દુઓનાં ટોળાંએ 1992માં એ મસ્જિદ તોડી પાડી પછી દેશવ્યાપી રમખાણ થયાં હતાં, જેમાં લગભગ 2,000 લોકોનો જીવ ગયો હતો.
એ સ્થળની માલિકીના હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના તોફાની વિવાદનો 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે અંત આવ્યો હતો. મસ્જિદને તોડી પાડવાનું કૃત્ય ‘કાયદાનું ઘોર ઉલ્લંઘન’ હોવાનું સ્પષ્ટપણે જણાવીને સુપ્રીમ કોર્ટે તેનો કબજો હિન્દુઓને આપ્યો હતો. (અદાલતે મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં બીજા સ્થળે જમીન ફાળવવાનો આદેશ પણ આપ્યો હતો)
મંદિરનિર્માણ અને ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણી આડે કેટલાક મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન મોદી અયોધ્યા મંદિર ખુલ્લું મૂકવાના છે અને તેમની ભારતીય જનતા પાર્ટીની નજર સતત ત્રીજી વખત ચૂંટણી જીતીને વિક્રમ સર્જવા પર છે. તેઓ કહે છે કે નવું મંદિર “રાષ્ટ્રને એક કરશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વરિષ્ઠ મંત્રી રાજનાથસિંહ માને છે કે આ મંદિર “ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો પ્રારંભ અને રાષ્ટ્રીય ગૌરવને પુનઃસ્થાપિત કરશે.”
ટીકાકારો કહે છે કે મંદિરના ઉદ્ધાટનનો સમય ધાર્મિક મહત્ત્વ કરતાં રાજકીય વ્યૂહરચના જેવો વધારે છે. તેનાથી ચૂંટણી પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદી ભાવનાને વેગ મળશે. મંદિર નિર્માણની ચળવળ હકીકતમાં ભાજપને ભારતીય રાજકારણમાં ટોચે પહોંચાડનાર મુખ્ય પરિબળ હોવાની દલીલ પણ ટીકાકારો કરે છે.
મંદિરના 86 વર્ષની વયના મુખ્ય પૂજારી સત્યેન્દ્રદાસે કહ્યું હતું, “તંબુમાં લાંબો સમય રહ્યા બાદ ભગવાન રામને હવે યોગ્ય નિવાસસ્થાન મળી રહ્યું છે. આ સમયગાળો અમારા બધા માટે ધીરજની કસોટીનો હતો.”
મંદિરમાં ભગવાન રામની મૂર્તિ છેલ્લા ત્રણ દાયકાથી સ્થાપિત કરવામાં આવી છે.
નવું મંદિર અત્યંત ભવ્ય છે. 70 એકરના સંકુલમાં 7.2 એકર જમીનમાં ફેલાયેલા ત્રણ માળના આલીશાન, ગુલાબી રેતીના પથ્થરો તથા કાળા ગ્રેનાઈટ વડે બનાવવામાં આવેલા મંદિરમાં ઊંચા થાંભલાઓ છે. તે 70,000 ચોરસ ફૂટ કુદરતી સફેદ માર્બલ પર ઊભેલું છે. ભગવાન રામની 51 ઈંચ (4.25 ફૂટ)ની મૂર્તિ માર્બલના પેડસ્ટલ સ્થાપિત કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરને જ ખુલ્લો મૂકવાના છે. આ વર્ષના અંત સુધીમાં મંદિરનું સંપૂર્ણ નિર્માણકાર્ય પૂર્ણ થશે પછી તેની મુલાકાત રોજ દોઢ લાખ લોકો લેશે એવી આશા છે. આ સંખ્યા હાલ કરતાં સાત ગણી મોટી હશે.
અયોધ્યામાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
તમામ કામ પૂર્ણ થઈ શકે એ માટે નરેન્દ્ર મોદી સરકાર ગંગાની પેટા નદી સરયુના કિનારે આવેલા એક શાંત તીર્થયાત્રા નગર અયોધ્યાના કાયાપલટ માટે તમામ પ્રયાસ કરી રહી છે. કાયાપલટ પછીના અયોધ્યાને અધિકારીઓ એવા વિશ્વસ્તરીય શહેર તરીકે ઓળખાવે છે, જ્યાં લોકો યાત્રાળુઓ તરીકે અને પ્રવાસીઓ તરીકે આવશે.
કુલ 3.85 અબજ ડૉલરના ખર્ચે થનારા અયોધ્યાના નવનિર્માણમાં પહોળા રસ્તાઓ, નવા ચમકદાર ઍરપૉર્ટ, વિશાળ રેલવે સ્ટેશન અને બહુ-સ્તરીય કાર પાર્કિંગનો સમાવેશ થાય છે.
મંદિર તરફ જતા રામપથ નામ પામેલા રસ્તા સહિતના 13 કિલોમીટરના ચાર રસ્તાઓને પહોળા કરવા માટે 3,000થી વધુ ઘરો, દુકાનો અને ધાર્મિક માળખાઓને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે તોડી પાડવામાં આવ્યાં છે. માર્ગ પરની તમામ ઇમારતો પરનો આછો પીળો રંગ એકસમાન, સૌમ્ય લૂક આપે છે.
રેડિસન અને તાજ જેવી હોટલ ચેઈન્સ નવી પ્રોપર્ટીઝનું નિર્માણ કરી રહી છે. લગભગ 50 નવી હોટલો અને હોમ-સ્ટેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અસંખ્ય ગેસ્ટ હાઉસને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. જમીનના ભાવ ત્રણ ગણા થઈ ગયા છે તે આશ્ચર્યની વાત નથી.
‘અયોધ્યાઃ સિટી ઑફ ડેથ, સિટી ઑફ ડિસ્કૉર્ડ’ પુસ્તકના લેખક અને 2016થી અયોધ્યાની મુલાકાત લેતા રહેલા વલયસિંહે કહ્યું હતું, “હવે અયોધ્યા ઓળખી શકાય તેવું નથી. એ હવે ઘણું બદલાઈ ગયું છે. વાસ્તવમાં આ બધું થયું તેનો થોડો આઘાત અને આશ્ચર્ય બન્ને છે.”
નવા મંદિરની આસપાસ વધારાનાં આકર્ષણો બનાવવાની યોજના પણ છે. તેમાં રામના જીવનને દર્શાવતાં 162 ભીંતચિત્રો સાથેની હેરિટેજ વૉક, સરયુ નદીના કાંઠે વૈદિક સંસ્કૃતિનો ખ્યાલ આપતી સુવિધાઓ અને વેડિંગ સિટી તથા નેચરોપથી કેન્દ્રના નિર્માણનો સમાવેશ થાય છે.
અયોધ્યાના સૌથી વરિષ્ઠ અધિકારી ગૌરવ દયાલે કહ્યું હતું, “અમે વિશ્વના સૌથી સુંદર શહેરનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ.”
પ્રાચીન અને આધુનિક પરંપરાઓનો સંગમ

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં જીવનના દરેક પાસામાં શ્રદ્ધાનો પ્રવાહ જોવા મળે છે. મંદિરોની ઊંચાઈ સંત્રીઓની જેમ વધી રહી છે અને શેરીઓમાં સાધુઓ ચાલતા દેખાય છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ ઓછામાં ઓછા બે વખત શહેરની પરિક્રમા કરે છે. વાંદરાઓ ચારે તરફ દોડાદોડ કરતા રહે છે. બજારો ફૂલો, ચંદન, ધાર્મિક પુસ્તકો અને દેવતાઓની મૂર્તિઓ વેચતા ફેરિયાઓથી છલકાય છે.
વલયસિંહ તેને “યાત્રાળુઓ પર આધારિત અર્થતંત્ર” તરીકે વર્ણવે છે. અયોધ્યાની મુલાકાતે પ્રથમ વખત આવેલા ઈશાન ભારતના શિલોંગના જીવન વિજ્ઞાનના વિદ્યાર્થિની દિશા ચક્રવર્તીએ મને કહ્યું હતું, “પ્રામાણિક રીતે કહું તો આ સ્થળ જર્જરિત લાગે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે લોકો બહુ જ સમર્પિત છે. એ પૈકીના ઘણાએ તેમની શ્રદ્ધાનું મૂર્તિમાં આરોપણ કર્યું છે.”
તેમ છતાં હજારો નાનાં-મોટાં મંદિરો અને 45થી વધુ મસ્જિદો તેમજ તહેવારો તથા મેળાવડાઓના આ નગરમાં એક પરિવર્તન આકાર પામી રહ્યું છે, જે જૂના સાથે નવાનું મિશ્રણ કરી રહ્યું છે.
ટેટૂ પાર્લર અને ટેકઆઉટ ફૂડની સાથે અયોધ્યામાં ડાર્ક ક્લાઉડ નામની એક રેસ્ટોરાં અને ચંદ મેન્સ પાર્લર નામનું સ્ટાઇલિશ સલૂન પણ છે, જે વિવિધ પ્રકારના સ્ટાઇલ કટ ઑફર કરે છે. લેસર શો આકાશને પ્રકાશિત કરે છે. આ સ્થળ એકમેકની સાથે સ્પર્ધા કરતા યૂટ્યૂબર્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સના નિર્માતાઓથી છલકાઈ રહ્યું છે. એ પૈકીની દરેક વ્યક્તિ આ સ્થળને ટ્રેન્ડ બનાવવાના પ્રયાસ કરી રહી છે.
આસ્થા, પરંપરા અને જિજ્ઞાસાથી પ્રેરિત લાખો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ, નવું મંદિર ખુલ્લું મુકાયા પછી અયોધ્યા આવશે તેવી અપેક્ષા છે. છતાં તેની શાંતિમાં એક પ્રકારનો ધમધમાટ અનુભવાય છે.
પ્રવાસન વિકસાવવા અનેક ઘરો, દુકાનો તોડી પડાયાં

ઇમેજ સ્રોત, BIMAL THANKACHAN
યાત્રાળુઓ માટે માર્ગ પહોળો કરવાની કામગીરી શહેરમાં ચાલી રહી છે. એ માટે ઘરો અને દુકાનોને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે.
સ્થાનિક દુકાનદારોના સંગઠનના વડા આનંદકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કામગીરીથી આશરે 1600 લોકો વિસ્થાપિત અને નિરાધાર થઈ ગયા છે. એ પૈકીના દરેકને સમારકામ માટે રૂ. એક-એક લાખ ચૂકવવામાં આવ્યા હતા, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, “આ પુનઃનિર્માણથી અમે પરેશાન છીએ.”
શહેરના મંદિરોમાં કામ કરતા લોકોના લગભગ ત્રણ ડઝન ઘરને તીર્થયાત્રીઓ માટેનો કૉરીડૉર પહોળો કરવાની કામગીરી માટે આંશિક રીતે તોડી પાડવામાં આવ્યાં છે. તૂટી ગયેલી પાઇપોમાંથી નીકળતા ગંદા પાણીથી શેરીઓ ઉભરાઈ રહી છે. સંપૂર્ણપણે નાશ પામેલાં ઘરોના માલિકોને થોડે દૂર પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છે.
વિશાલ પાંડેએ જણાવ્યું હતું કે માર્ગ પહોળો કરવા માટે તેમના છ ઓરડાના પૈતૃક મકાનનો અડધો હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. તેમને વળતર પેટે રૂ. સાત લાખ આપવામાં આવ્યા છે, પરંતુ તેમની આઠ પેઢીના નિવાસસ્થાનનો અડધો હિસ્સો તોડી પાડવામાં આવ્યાની પીડા શમાવી શકાતી નથી.
વિશાલ પાંડેએ મને કહ્યું હતું, “સ્થાનિક લોકોમાં ગુસ્સો છે, પરંતુ અમે એ વાતથી ખુશ છીએ કે ભગવાન રામને કાયમી નિવાસસ્થાન મળી રહ્યું છે. તેઓ લાંબા સમયથી તંબુમાં હતા. હવે પીડા સહન કરવાનો વારો આપણો છે.”
“વિનાશ હોય ત્યાં વિકાસ પણ હોય છે. જોઈએ હવે શું થાય છે.”

ઇમેજ સ્રોત, BIMAL THANKACHAN
કાંતિદેવીએ તેમનું અડધું ઘર ગુમાવ્યું છે. તેઓ વધારે ગુસ્સામાં છે. તેઓ કહે છે, “અમે જરાય ખુશ નથી. અધિકારીઓ આવે છે અને કહે છે કે અમે તમને બહુ પીડા આપી રહ્યા છીએ. મંદિરનું નિર્માણ થયું છે તે સારી વાત છે, પરંતુ તેનાથી અમને શું મદદ મળશે? અમે જે બનાવ્યું હતું એ બધું તેમણે શહેરમાં વધુ પ્રવાસીઓ આવે એટલા માટે તોડી પાડ્યું છે.”
અધિકારીઓનું કહેવું છે કે જે મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકારી યોજના હેઠળ વળતર પેટે પૈસા અને નવાં મકાનો આપવામાં આવ્યાં છે.
દયાલે કહ્યું હતું, “તમામ વળતર આપવામાં આવ્યું છે. કેટલાક કિસ્સામાં કૌટુંબિક વિવાદ સંબંધી મુકદ્દમાઓને લીધે તેમાં વિલંબ થયો હતો, પણ હવે કશું કરવાનું બાકી નથી.”
બહારથી આવતા લોકોએ અયોધ્યાનું ભાગ્ય ઘણી રીતે ઘડ્યું છે. અયોધ્યામાં હિન્દુઓ અને મુસ્લિમો લાંબા સમયથી પાડોશીઓ છે. ડિસેમ્બર-1992માં મસ્જિદ તોડી પાડવામાં આવ્યા પછી મુસ્લિમો પરના હુમલાઓ છતાં ભાઈચારો ટકી રહ્યો છે. એ ઘટનામાં કથિત રીતે 18 મુસ્લિમ મૃત્યુ પામ્યા હતા અને તેમનાં ઘરોને આગ ચાંપવામાં આવી હતી. અયોધ્યા ધાર્મિક હિંસાનું ફ્લૅશ પૉઇન્ટ બની ગયું હતું.
સામાજિક કાર્યકર ખાલિક અહમદ ખાને કહ્યું હતું, “અમે આગળ વધી ગયા છીએ. જોકે, તે ઘટનાઓ અમારા માટે પીડાનો સ્રોત બની રહી છે.”
ખાલિક અહમદ ખાન માને છે કે અયોધ્યામાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઉષ્માભર્યો સંબંધ છે, જેનું મૂળ સદીઓ જૂની પારસ્પરિક નિર્ભરતામાં છે.
તેમણે કહ્યું હતું, “હિન્દુઓની રામભક્તિ સાથે મુસ્લિમોનું સમર્થન વણાયેલું છે. ખાસ કરીને મંદિરની અર્થવ્યવસ્થામાં, જ્યાં તેમનો વેપાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. બન્ને સમુદાય અવિભાજ્ય છે.”
ખાલિક અહમદ ખાનની આ લાગણીનો પડઘો સ્થાનિક કૉલેજના પ્રોફેસર રઘુવંશ મણીની વાતમાં સાંભળવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું, “સાંપ્રદાયિક ઝઘડાની શરૂઆત બહારથી થઈ હતી. તેમાં સ્થાનિક લોકોની સંડોવણી ઓછામાં ઓછી હતી.”
અયોધ્યાનું નવું મંદિર વિશ્વ માટે ખુલ્લું મુકાવાનું છે ત્યારે બહારના લોકો પોતાનું ભાવિ નક્કી કરતા હોવાનું માનતા કેટલાક સ્થાનિક લોકો પણ વ્યક્ત કરી રહ્યા છે.
વિશાલ પાંડેએ કહ્યું હતું, “ખરેખર શું છે એ તો સમય જ કહેશે.”












