યશસ્વી જયસ્વાલ : ક્રિકેટર બનવા પાણીપુરી વેચવાથી ટેસ્ટમાં બેવડી સદી ફટકારવા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ વિશાખાપટ્ટનમ ખાતે ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મૅચમાં પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોંધાવીને છવાઈ ગયા છે.
તેમણે 277 બૉલ રમીને 18 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારીને 200 રન બનાવ્યા. તેઓ પોતાની આક્રમક ઇનિંગમાં 290 બૉલમાં શાનદાર 209 રન કરી આઉટ થયા હતા.
ટેસ્ટ મૅચની બદલાયેલી ભાતનું જાણે કે તેઓ પ્રતિનિધિત્વ કરતા હોય એ રીતે તેમણે પોતાની બેવડી સદી પહેલાં છગ્ગો અને બીજા બૉલે ચોગ્ગો મારીને આક્રમક અંદાજમાં પૂરી કરી હતી.
પોતાથી છઠ્ઠી ટેસ્ટ મૅચમાં જ તેમણે બેવડી સદીનો કીર્તિમાન હાંસલ કરી બતાવ્યો છે. અત્યાર સુધી તેઓ પોતાની કારકિર્દીમાં બે સદી અને બે અર્ધ સદી ફટકારી ચૂક્યા છે.
નોંધનીય છે કે આઇપીએલ સહિત ભારતીય ટીમ તરફથી રમતી વખતે યશસ્વી જયસ્વાલે પોતાની આક્રમક બેટિંગને બળે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
હવે તેમની આ જબરદસ્ત ઇનિંગ બાદ યશસ્વી જયસ્વાલ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.
ક્રિકેટ રમવાનું સ્વપ્ન પૂરું કરવા કર્યો અથાક સંઘર્ષ

ઇમેજ સ્રોત, ANI
“યશસ્વી જ્યારે 11 વર્ષનો હતો, ત્યારે મેં પ્રથમ વખત તેને રમતો જોયો હતો. તેની સાથેની વાતચીત બાદ ખબર પડી કે એ પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેય સંઘર્ષ કરી રહ્યો છે. તેની પાસે ન તો ખાવાના પૈસા હતા, ના રહેવા માટે જગ્યા. એ મુંબઈની એક ક્લબમાં ગાર્ડ સાથે ટેન્ટમાં રહ્યો. જ્યાં એ દિવસે ક્રિકેટ રમતો અને રાત્રે પકોડી વેચતો. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે એ આટલી ઉંમરે ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં પોતાના ઘરથી દૂર મુંબઈ હતો.”
યશસ્વીના કોચ જ્વાલાસિંહ આ ખેલાડીએ ક્રિકેટમાં એક સફળ નામ બનવા માટે કરેલા સંઘર્ષની કહાણીની શરૂઆત કંઈક આ શબ્દોમાં કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“એ યશસ્વી માટે ખૂબ જ કપરો સમય હતો, કારણ કે બાળકને તો ઘરની યાદ પણ આવતી હોય છે. એક રીતે તેણે પોતાનું બાળપણ ગુમાવી દીધું હતું. પરંતુ એ પોતાના જીવનમાં કંઈક હાંસલ કરવા માગતો હતો.”
11 વર્ષની ઉંમરે ઘરથી સેંકડો કિમી દૂર એકલા આવી ગયા યશસ્વી

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇએસપીએન ક્રિકઇન્ફો ડોટ કૉમમાં યશસ્વી અંગે મુકાયેલી માહિતી અનુસાર તેઓ અંડર-19 રમતા એ સમયથી તેમનો બેટિંગનો અંદાજ આવો આક્રમક રહ્યો છે.
જોકે, આક્રમક બેટિંગ પ્રદર્શનની સાથોસાથ તેઓ નિરંતરતા જાળવવામાં પણ સફળ રહ્યા છે. જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સહિત આઇપીએલ અને ડૉમેસ્ટિક મૅચોમાં જોવા પણ મળ્યું છે.
તેમનો જન્મ ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લામાં 28 ડિસેમ્બર, 2001ના રોજ થયો હતો. આમ તેઓ હજી માત્ર 22 વર્ષના જ છે. પરંતુ આટલી નાની ઉંમરે આ ખેલાડીની પ્રતિભાની સાક્ષી તેમના પ્રદર્શનના આંકડા પૂરે છે.
નાની ઉંમરે ક્રિકેટના સ્વપ્ન સાથે માદરે વતનથી સેંકડો કિલોમીટર દૂર મુંબઈ મહાનગરીમાં આવી પહોંચેલા યશસ્વીએ પોતાના ખિસ્સાખર્ચ માટે આ સમયગાળા દરમિયાન ઘણી કપરી મહેનત કરવી પડતી.
જોકે, આઝાદ મેદાનમાં તેમને રમતા જોઈ જ્યારે તેમના કોચ જ્વાલાસિંહે તેમને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું ત્યારથી આજ દિન સુધી તેમણે પાછું વળીને જોવું નથી પડ્યું.
ઑક્ટોબર 2019માં તેમણે વિજય હજારે ટ્રૉફીમાં પાંચ ઇનિંગમાં 113, 22, 122, 203 અને અણનમ 60 રન બનાવી પોતાની નોંધ લેવડાવી હતી.
આ પ્રદર્શનના દમ પર તેમણે બીજા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાકું કર્યું અને સાથોસાથ પોતાના જબરદસ્ત પર્ફૉર્મન્સના દમ પર પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
અંડર-19માં આક્રમક દેખાવ બાદ આઇપીએલની ટીમો માટે તો તેઓ જાણે ‘હોટ પ્રૉપર્ટી’ બની ગયા. રાજસ્થાન રૉયલે આ તકનો લાભ લઈ યશસ્વી જયસ્વાલની પ્રતિભાને 2.4 કરોડ રૂપિયાની માતબર કિંમત ચૂકવી અંકે કરી લીધી.
રાજસ્થાન રૉયલ્સની ઍકેડમીમાં પોતાની બેટિંગ સ્કિલ પર વધુ કામ કરી, નેટ્સ પર પરસેવો પાડીને તેઓ પોતાના આત્મવિશ્વાસને એક નવી ટોચે લઈ જવામાં સફળ થયા.
વર્ષ 2021-22માં પોતાના પ્રથમ પૂર્ણ રણજી ટ્રૉફી સિઝનમાં તેમણે સળંગ ત્રણ મૅચોમાં ત્રણ સદી ફટકારીને પોતાની પ્રતિભાનો પરચો આપી દીધો.
રાજસ્થાન રૉયલ્સની ટીમ માટે તેમણે કરેલા બેટિંગ પર્ફૉર્મન્સની વાત કરીએ તો વર્ષ 2022ની સિઝનમાં તેમણે જોસ બટલર સાથે મળીને ઘાતક ઓપનિંગ જોડી બનાવી. વર્ષ 2023ની સિઝનમાં તો તેમણે માત્ર 13 બૉલમાં અર્ધ સદી ફટકારીને સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકૉર્ડ સર્જ્યો અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું.
તેમની કારકિર્દીની વાત કરીએ તો અત્યાર સુધી ભારત માટે છ ટેસ્ટ રમીને 62ની શાનદાર એવરેજ સાથે 620 રન ફટકારી ચૂક્યા છે.
આ સિવાય 17 ટી20 મૅચોમાં તેઓ ભારતીય ટીમ વતી 502 રન નોંધાવી ચૂક્યા છે. જેમાં એક સદી અને ચાર અર્ધ સદી સામેલ છે.
આ સિવાય આઇપીએલની 37 મૅચોમાં તેઓ એક સદી અને આઠ અર્ધ સદી નોંધાવીને 1,172 રન બનાવી એક જાણીતું નામ બની ચૂક્યા છે.














