સંદેશખાલી: એ ટાપુ જ્યાં સામૂહિક બળાત્કાર, બળજબરીથી જમીન કબજે કરવાના આરોપોથી સળગી રહ્યું પશ્ચિમ બંગાળનું રાજકારણ– ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, કોલકાતા
સુંદરવન વિસ્તારમાં આવેલા જે સંદેશખાલી દ્વીપ પર પહોંચવા માટે જે કાલિંદી નદીને પાર કરવી પડે છે, તે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરવા માટેનો લોકપ્રિય રસ્તો છે. નદીની આ બાજુ જે ધામાખાલી ઘાટથી હોડીમાં બેસીને સંદેશખાલી જવું પડે છે, ત્યાં જ થોડાં વર્ષો પહેલાં મેં ઘૂસણખોરીના આરોપોમાં સીમા સુરક્ષા બળના હાથે જેમની ધરપકડ થઈ હતી એવાં મહિલાઓ અને પુરુષો સાથે વાત કરી હતી.
બીએસએફએ એ સાંજે ત્રણ હોડીઓમાં ભરીને સીમાપારથી આવેલા દોઢસોથી વધુ બાંગ્લાદેશી લોકોને પકડ્યા હતા. ધામાખાલીના એ કિનારાથી નદીની પાર વસેલું સંદેશખાલી દેખાઈ રહ્યું હતું.
અત્યાર સુધી શાંત દેખાઈ રહેલો આ જ દ્વીપ હાલમાં ભારતીય રાજકારણમાં સૌથી વધુ છવાયેલો છે. કેટલાક અઠવાડિયાં પહેલાં આ દ્વીપ પર વસતી મહિલાઓએ મોટા પ્રમાણમાં શરૂ કરેલા પ્રદર્શનને કારણે તે રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે.
મહિલાઓ તેમના હાથમાં લાકડીઓ અને સાવરણા લઈને રસ્તાઓ પર ઊતરી હતી. તેઓ શાહજહાં શેખ, શિબૂ હાજરા અને ઉત્તમ સરદારની ધરપકડની માગ કરી રહી હતી. મહિલાઓનો આરોપ છે કે રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના આ ત્રણ નેતાઓ અને તેમના સહયોગીઓ લાંબા સમયથી આ વિસ્તારના લોકો પર અત્યાચારો કરી રહ્યા છે.
તેમના પર જાતીય શોષણ અને ખેતીની જમીનોને બળજબરીપૂર્વક કબજો કરી લેવાના આરોપો લાગ્યા છે.
શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર હાલમાં પોલીસના કબજામાં છે. જ્યારે શાહજહાં શેખ ફરાર છે. એટલા માટે આ આરોપો અંગે તેમની પ્રતિક્રિયા મળી નથી.
પકવાન બનાવવાના બહાને મહિલાઓને બોલાવાતી હતી

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
જે લોકો આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે તેઓ ક્યાં મળશે. આ સવાલ પર સંદેશખાલીના બજારમાં એક દુકાનદારે કહ્યું, "સંદેશખાલીનો લગભગ દરેક વ્યક્તિ આ આરોપ લગાવી રહ્યો છે. તમે જે પણ શેરીમાં દાખલ થશો, તમને ત્યાં સાંભળવા મળશે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં કેવો અત્યાચાર થઈ રહ્યો છે."
બેટરી સંચાલિત રિક્ષામાં બેસીને થોડે દૂર જતાં જ કેટલાંક પુરુષો અને મહિલાઓ વાંસ કાપતાં જોવા મળ્યાં. પરંતુ સાથે રહેલો કૅમેરો જોઈને તેઓ વાતચીત કરવા માટે તૈયાર ન હતાં. એક મહિલાએ કહ્યું, "મીડિયામાં અમારા ચહેરાઓ આવશે તો અમારા પર હુમલો કરવામાં આવશે તેનો અમને ડર છે. આ પહેલાં જે લોકોએ મીડિયા સાથે વાતચીત કરી છે તેમના પર હુમલા થયા છે અને તેમને ધમકીઓ મળી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ થોડા સમય બાદ તેમાંથી એક મહિલા મોઢું ઢાંકીને અમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગઈ.
તેમણે કહ્યું, "મહિલાઓને પીઠા-પુલી (બંગાળનું એક ખાસ પકવાન જેને ચોખાના લોટમાં અમુક મિશ્રણ ભરીને બનાવાય છે) બનાવવા માટે લઈ જવાતી હતી. શું તેમના ઘરમાં મા-બહેનો નથી?"
"સુંદર માતાઓ અને બહેનોને લઈ જઈને શા માટે પીઠા-પુલી બનાવવામાં આવતી હતી? ક્યારેક પીઠા-પુલી બનાવવાને બહાને તો ક્યારેક માંસ અને ભાતની પિકનિકના નામે તો ક્યારેક પક્ષની મીટિંગના બહાને તેમને બોલાવવામાં આવતી હતી. તેનો કોઈ નિર્ધારિત સમય ન હતો."
થોડા સમય બાદ એક અન્ય મહિલાએ કહ્યું કે, "સાંજે સાત વાગ્યે, રાત્રે નવ વાગ્યે, દસ વાગ્યે કે ક્યારેક તો અગિયાર વાગ્યે પણ બોલાવવામાં આવતાં હતાં. તૃણમૂલ કૉંગ્રેસની ઑફિસમાં મીટિંગ માટે બોલાવવામાં આવે તો જવું અનિવાર્ય હતું. જો એમ ન કરવામાં આવે તો બીજા દિવસે ઘરના પુરુષો સાથે મારપીટ કરવામાં આવતી હતી."
એક પુરષે કૅમેરાથી મોં ફેરવીને કહ્યું, "માની લો કે આજે મીટિંગ છે તો તેમને તૃણમૂલ કૉંગ્રેસની ઑફિસમાં લઈ જવાતા હતા."
"સુંદર હોય અને નાની ઉંમર હોય તેવી મહિલાઓ અને યુવતીઓને વીણીવીણીને અંદર લઈ જવાતી હતી. બાળકો અને ઘરડાં મહિલાઓને બહાર બેસાડી દેવાતાં હતાં."
"ત્યારબાદ દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હતા. અંદર શું થતું હતું એ હું ન કહી શકું."
અંદરની મહિલાઓ સાથે શું થતું હતું? આ સવાલ પર લગભગ બધા કહે છે કે જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહિલાઓ પૂછતી હતી કે આવી શરમજનક વાત કેવી રીતે કહી શકાય.
અન્ય એક મહિલા કહે છે, "ત્યાં મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવતા હતા. શું કોઈ મહિલા કે છોકરી આ અત્યાચાર વિશે વાત કરી શકે છે? જ્યારે તેઓ પોલીસ પાસે જતાં ત્યારે તેમને તે નેતાઓ પાસે જઈને જ વિવાદનો અંત લાવવાની સલાહ આપવામાં આવતી હતી. અમને રસ્તા પર ઊતરવાની ફરજ પડી છે. પાણી અમારા માથા ઉપરથી પસાર થઈ રહ્યું હતું."
સંદેશખાલીના વિવિધ ગામોની મુલાકાત લીધા બાદ પણ અમને એવી કોઈ મહિલા મળી નહીં કે જે પોતે જ જાતીય સતામણીનો ભોગ બની હોય.
સામૂહિક બળાત્કારનો આરોપ

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
શરૂઆતમાં આ આરોપોની સત્યતા પર ઘણા લોકોને શંકા ગઈ હતી. એવા સવાલો ઊઠી રહ્યા હતા કે હાલના સોશિયલ મીડિયાના આ જમાનામાં મહિલાઓ પર આટલા દિવસ સુધી ચાલેલા અત્યાચારો છતાં પણ આ મામલો ક્યાંય બહાર કેમ ન આવ્યો?
સંદેશખાલીમાં વિવાદ શરૂ થયા બાદ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વિધાનસભામાં કહ્યું હતું કે આ વિસ્તાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો ગઢ છે.
મુખ્ય મંત્રીનું કહેવું હતું કે, "આ વિસ્તારમાં આરએસએસનું સંગઠન છે. સાત-આઠ વર્ષ પહેલાં અહીં રમખાણો પણ થયાં હતાં. આ વિસ્તાર રમખાણોની દૃષ્ટિએ સંવેદનશીલ છે. અમે સરસ્વતીપૂજા દરમિયાન કડકાઈથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી. નહીંતર યોજના કંઈક બીજી જ હતી."
પરંતુ મુખ્ય મંત્રી મમતા બેનરજી ઘટના પાછળ જે આરએસએસનો હાથ હોવાના દાવાઓ કરી રહ્યાં છે તેના પ્રવક્તા ડૉ. જિષ્ણુ બસુ સામો સવાલ કરે છે, "જો ત્યાં અમારું સંગઠન આટલું તાકાતવાળું હોત તો શું કોઈ ત્યાં આ પ્રકારનું અમાનવીય કામ કરી શકત?"
અંતે પ્રદર્શન શરૂ થયાનાં બે અઠવાડિયાં બાદ મહિલાઓએ સામૂહિક બળાત્કાર થયો હોવાની ફરિયાદ દાખલ કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગનાં પ્રમુખ રેખા શર્માએ પણ સંદેશખાલીનો પ્રવાસ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઓછામાં ઓછાં બે મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે.
શર્માનું કહેવું હતું કે, "સંદેશખાલીમાં અનેક મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે. મને બળાત્કારના મામલાઓની બે ફરિયાદ મળી છે. બળાત્કારની એક ફરિયાદ તો મેં આજે જાતે જ ઊભા રહીને નોંધાવી છે."
આ પહેલાં એક અન્ય મહિલાએ મેજિસ્ટ્રેટ સામે નોંધાવેલા એક ગુપ્ત નિવેદનમાં બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
કોણ છે શાહજહાં, શિબૂ અને ઉત્તમ?

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
શાહજહાં અને શિવપ્રસાદ હાજરા બંને ઉત્તર 24-પરગણા જિલ્લા પરિષદના સભ્ય છે. શેખ જિલ્લા પરિષદના મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના વડા છે. તે બંને સંદેશખાલીના બે અલગ-અલગ વિસ્તારોમાં તૃણમૂલ કૉંગ્રેસના બ્લૉક પ્રમુખ છે. ઉત્તમ સરદાર તેમના સહયોગી છે.
પરંતુ શાહજહાં શેખ આ વિસ્તારના એકમાત્ર નેતા છે. તેઓ એક સમયે સીપીએમમાં હતા. પરંતુ ડાબેરી મોરચાના શાસનના અંતિમ દિવસોમાં તેમનો તૃણમૂલ કૉંગ્રેસ તરફ ઝુકાવ શરૂ થયો અને અંતે તેઓ ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે શાહજહાં શેખ, જેઓ એક સમયે માછલી ઉછેરના તળાવમાં મજૂર તરીકે અથવા વાન રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, તેમની પાસે હાલમાં ત્રણ ભવ્ય મકાનો, 17 ગાડીઓ, અનેક મત્સ્ય ઉછેર માટેનાં તળાવો અને બે ઈંટ ભઠ્ઠાઓ સહિતની ઘણી સંપત્તિ છે.
ગયા જાન્યુઆરીમાં તેમનું નામ પહેલીવાર મીડિયામાં આવ્યું હતું.
રાજ્યના રાશન કૌભાંડ મામલે પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ થઈ ચૂકી છે.
તેઓ મલ્લિકની નજીકની વ્યક્તિ ગણાતાં હોવાથી ઈડીની ટીમ 5 જાન્યુઆરીએ શાહજહાં શેખના ઘરે સર્ચ માટે ગઈ હતી. તે દિવસે સેંકડો લોકો ત્યાં એકઠાં થયા હતા. તેમણે ઈડીના અધિકારીઓ, કેન્દ્રીય દળોના જવાનો અને તેમની સાથે હાજર પત્રકારોને માર માર્યો હતો અને તેમનો પીછો કરીને તેમને ભગાડી દીધા હતા.
ત્યારપછીથી શાહજહાં શેખ ફરાર છે. હવે જે લોકોની ખેતીની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લેવામાં આવ્યો છે તેઓ હવે અધિકારીઓ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી રહ્યા છે.
ખેતીની જમીનમાં ખારું પાણી

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
સ્થાનિક લોકોનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેમના નજીકના તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓએ સામાન્ય લોકો પાસેથી છીનવી લઇને જ તેમની સંપત્તિનો મોટો ભાગ જમા કર્યો છે.
સંદેશખાલીના લોકોએ જમીન પર બળજબરીથી કબજો જમાવ્યો હોવાના આક્ષેપ સાથે સામૂહિક અરજી દાખલ કરી છે.
અમે એક વિસ્તારમાં સરકારી ટીમને પણ મળ્યા. ઘણા લોકો પોતાની જમીનના દસ્તાવેજો લઈને ત્યાં પહોંચી ગયા હતા.
તેમાં ઉર્મિલા દાસ નામનાં મહિલા પણ હતાં. તેમણે કહ્યું, "મારા ખેતરમાં વર્ષમાં ત્રણવાર ડાંગરનું ઉત્પાદન થતું હતું. બે વર્ષ પહેલાં શિબુ હજારાએ તેમાં ખારું પાણી ફેલાવી દીધું હતું. હવે ત્યાં માછલી ઉછેર માટે તળાવ બનાવવામાં આવ્યું છે. તેણે એક વર્ષ માટે લીઝના બદલામાં થોડા પૈસા આપ્યા હતા. ત્યારપછી મને કશું આપવામાં આવ્યું નથી. મારી પાસે માત્ર એટલી જ જમીન હતી. હવે મારે મજૂરી કરીને મારું ગુજરાન ચલાવું છે. હું જ્યારે પૈસા માંગવા જતી ત્યારે તેઓ મને અપમાનિત કરતા હતા. સરકારને મારી અપીલ છે કે મારી જમીન પાછી અપાવે. અમે ત્યાં ફરી ખેતી કરીશું."
કાલિન્દી નદીના કિનારે બાંધવામાં આવેલા ડેમ પાસેથી પસાર થતી વખતે ગામની એક વ્યક્તિએ કહ્યું, "શિબુ હજારા નદીના ખારા પાણીને અહીંથી ખેતીની જમીનમાં ઘૂસાડી દેતો હતો. તેણે ગામમાં ફૂટબોલનું મેદાન પણ કબજે કર્યું છે."
રાજકીય આરોપો-પ્રત્યારોપો

ઇમેજ સ્રોત, ANI
તૃણમૂલ કૉંગ્રેસ એક અતિશય સંગઠિત પક્ષ છે. એક તરફ તેની પાસે મજબૂત સંગઠન છે જેના થકી બધી જ માહિતી પક્ષના શીર્ષ નેતૃત્ત્વ સુધી પહોંચી જાય છે. જ્યારે બીજી તરફ પોલીસ અને જાસૂસીતંત્ર પણ છે.
તૃણમૂલ કૉંગ્રેસના કેટલાક નેતાઓ લાંબા સમયથી સંદેશખાલીના લોકો પર કથિતપણે અત્યાચાર કરતા રહ્યા છે એ સૂચના પક્ષના શીર્ષ નેતૃત્ત્વ સુધી કેમ ન પહોંચી? અને પહોંચી તો પહેલાં કોઈ કાર્યવાહી કેમ ન થઈ?
જ્યારે પાર્ટીના પ્રવક્તા અરૂપ ચક્રવર્તીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, "કથિત રીતે, આ અત્યાચાર દસ વર્ષ સુધી ચાલુ રહ્યો. પરંતુ કોઈ વ્યક્તિએ ન તો ફેસબુક પર કોઈ પોસ્ટ લખી કે ન તો કોઈ ફરિયાદ નોંધાવી. સંદેશખાલીના સીપીએમ નેતા અને દસ વર્ષ સુધી ધારાસભ્ય રહેલા નિરાપદ સરદાર અને ભાજપ નેતા વિકાસ સિંહ પણ એફઆઈઆર તો નોંધાવી શકે તેમ હતા. આ આરોપો અત્યાર સુધી કેમ જાહેર ન થયા?"
તેમણે કહ્યું કે, "જો આવી કોઈ ઘટના અપવાદરૂપે બની હોય અને કોઈની જમીન પર બળજબરીથી અતિક્રમણ કરવામાં આવ્યું હોય તો તેની ફરિયાદ કરવાની વ્યવસ્થા છે. પોલીસ તેની તપાસ કરશે. પોલીસે કાર્યવાહી કરી છે અને તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે."
અરૂપ ચક્રવર્તીએ કહ્યું કે "જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવશે તેમ તેમ સાંપ્રદાયિક શક્તિઓ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે. બંગાળને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવશે. દરેક વખતે ચૂંટણીમાં આવું કરવામાં આવે છે. આ ભાજપનું ચરિત્ર છે."
જ્યારે સંદેશખાલીના લોકોનું કહેવું છે કે તેઓ માત્ર તૃણમૂલ કૉંગ્રેસના જ સમર્થક છે. તેઓ મમતા બેનરજીની પાર્ટીને જ મત આપે છે.
હાલના સમયમાં સમગ્ર સંદેશખાલીમાં ભગવા ઝંડા લહેરાઈ રહ્યા છે. તેને જોતા એ વાત સ્પષ્ટ જણાય છે કે તેને તાજેતરમાં જ લગાવવામાં આવ્યા છે. કેટલાંક ઘરો પર 'જય શ્રી રામ' લખેલું પણ જોવા મળે છે. જો કે ભાજપ કે આરએસએસનું નામ ન તો ઝંડા પર છે કે ન દીવાલો પર.
ભાજપ સંદેશખાલીના મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે લઈ ગયો છે. તેમના નેતાઓ દરરોજ સંદેશખાલી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ તેમને જવા દેતી નથી. આ બાબતે ભાજપના નેતાઓ, કાર્યકરો અને પોલીસ વચ્ચે રોજેરોજ દલીલો અને ઝપાઝપી થાય છે. તેની તસવીરો અને વીડિયો ટેલિવિઝન ચેનલો દ્વારા દેશભરમાં ફેલાવવામાં આવી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા કેયા ઘોષ કહે છે, "અમે સંદેશખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચારની વાત આખા દેશમાં ફેલાવીને ચૂંટણી જીતવા માગતા નથી. અમે સ્થાનિક મહિલાઓની સ્થિતિને સમગ્ર દેશની સામે મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આનું કારણ એ છે કે રાજ્યનાં મુખ્ય મંત્રી મહિલા છે અને તેઓ બંગાળની દીકરીઓની દુર્દશાને ઉજાગર કરવામાં નિષ્ફળ રહ્યાં છે."
તેમણે કહ્યું, "મહિલાઓ પોતે જ કહી રહી છે કે તેઓ તૃણમૂલ કૉંગ્રેસના સમર્થક છે. તેમ છતાં, જો પીઠા બનાવવાના નામે તેમને પાર્ટી ઑફિસમાં બોલાવવામાં આવે છે અને મનોરંજન માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે, તો આનાથી વધુ શરમજનક શું હોઈ શકે?"
રાષ્ટ્રીય મીડિયામાં સતત કવરેજ અને ભાજપના આઈટી સેલ દ્વારા સોશિયલ મીડિયા પર નિયમિત પોસ્ટને કારણે સંદેશખાલીનો મુદ્દો દેશભરમાં ફેલાયો છે.
તૃણમૂલ કૉંગ્રેસ પર દબાણ વધ્યું

ઇમેજ સ્રોત, SHIB SHANKAR CHATTERJEE / BBC
સંદેશખાલીના મુદ્દાને કારણે લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કૉંગ્રેસ દબાવમાં છે. રાજકીય વિશ્લેષક વિશ્વજ્યોતિ ભટ્ટાચાર્ય કહે છે કે ગત બે વર્ષોમાં તૃણમૂલ કૉંગ્રેસના અનેક નેતાઓ અને મંત્રીઓની ભ્રષ્ટાચારના મામલામાં ધરપકડ થઈ ચૂકી છે.
તેઓ કહે છે,"આવા દરેક મામલામાં પાર્ટી ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી રહી છે. પરંતુ આ વખતે શક્તિશાળી સ્થાનિક નેતાઓ પર આક્ષેપો ખુદ સ્થાનિક લોકોએ જ કર્યા છે. તેથી તૃણમૂલ કૉંગ્રેસ ખૂબ દબાણમાં છે. આની સાથે જ કેન્દ્રીય આયોગની ટીમો સતત રાજ્યની મુલાકાત લઈ રહી છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી રહી છે. મારા મતે તૃણમૂલ કૉંગ્રેસ પ્રથમ વખત આટલા વિરોધ અને પડકારનો સામનો કરી રહી છે.”
સંદેશખાલીની ઘટનાઓથી એ સ્પષ્ટ થાય છે કે પાર્ટી અને વહીવટીતંત્રે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. ઉત્તર-24 પરગણાના બે શક્તિશાળી મંત્રીઓએ વિસ્તારની મુલાકાત લીધી છે. દરેક વિસ્તારમાં પુરુષો અને સ્ત્રીઓને 'સમજાવવામાં' આવી રહ્યા છે.
જમીન પચાવી પાડવાના આક્ષેપોની તપાસ માટે સરકારી કર્મચારીઓ ગામડે ગામડે ફરી રહ્યા છે. દરેક ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખુદ પોલીસ મહાનિદેશકે પણ ગામમાં રાત્રિ રોકાણ કર્યું છે. તેમણે બેટરીથી ચાલતી રિક્ષામાં સમગ્ર ટાપુની મુસાફરી કરી છે.
શુક્રવારે સંદેશખાલીમાં તાજા હંગામા અને વિવાદ બાદ તૃણમૂલ કૉંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે મારપીટની ઘટના બાદ પોલીસ મહાનિદેશક ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તૃણમૂલ કૉંગ્રેસ આ દબાણને સંભાળી શકશે? કે ભાજપને સંદેશખાલીનો ચૂંટણીમાં લાભ મળશે? આ સવાલોના જવાબ તો ચૂંટણી પછી જ ખબર પડશે.












