શું શ્યામાપ્રસાદ મુખરજીના કારણે જ પાકિસ્તાનમાં સામેલ થતા બચ્યું બંગાળ?

શ્યામા પ્રસાદ મુખર્જી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1948માં અમદાવાદની એક સાભામાં ભાષણ આપતા શ્યામા પ્રસાદ મુખરજી.
    • લેેખક, પ્રભાકરમણિ તિવારી
    • પદ, કોલકાતાથી, બીબીસી માટે

થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન દાવો કર્યો હતો કે જો શ્યામાપ્રસાદ મુખરજી ન હોત તો બંગાળ ભારતનો ભાગ ના હોત.

તેમણે કહ્યું હતું કે 'આજે બંગાળ જો ભારતમાં છે તો શ્યામાપ્રસાદ મુખરજીના કારણે છે. '

સાત ઑગસ્ટના દિવસે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે શ્યામાપ્રસાદ મુખરજીનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું "કમ્યુનિસ્ટ પાર્ટીના બે સભ્યોએ મારી પાર્ટીનો ઉલ્લેખ કરતા એવું કહ્યું કે મારી પાર્ટીનો આઝાદીના આંદોલનમાં કોઈ ઇતિહાસ નથી. પણ હું તેમને કેહવા માગું છું કે જે પાર્ટીનો જન્મ જ 1950માં થયો, તે આઝાદીના આંદોલનમાં કેવી રીતે ભાગ લઈ શકે? અમારી પાર્ટીનો જન્મ જ 1950માં થયો. અમે કેવી રીતે આઝાદીનું આંદોલન લડીશું? જો આજે બંગાળ ભારતમાં છે તો શ્યામાપ્રસાદ મુખરજીના કારણે છે."

અમિત શાહે એ પણ દાવો કર્યો કે જો કાશ્મીર ભારતમાં છે તો શ્યામાપ્રસાદ મુખરજીના કારણે, બંગાળ અંગે પણ આ દાવાનું સત્ય સમજતા પહેલાં શ્યામાપ્રસાદ મુખરજી અને તે સમયની પરિસ્થિતિઓ અંગે જાણવું જરૂરી છે.

બીબીસી ગુજરાતી

સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં મંત્રી

અમિત શાહ

ઇમેજ સ્રોત, SANJAY DAS

શ્યામાપ્રસાદ મુખરજી વકીલ, શિક્ષાવિદ્ અને નેતા હતા. તે સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તેમની ક્ષમતાને જોતા પોતાના મંત્રીમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા.

કલકત્તામાં વર્ષ 1901માં જન્મેલા મુખરજી સૌથી નાની ઉંમરના કુલપતિ બન્યા હતા.

જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવાયા ત્યારે તેમની ઉંમર માત્ર 33 વર્ષની હતી. તે ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા.

બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મુખરજીની રાજકીય કારકિર્દી 1929માં શરૂ થઈ. તે જ સમયે તેઓ બંગાળ કૉંગ્રેસમાં જોડાયા હતા.

પરંતુ તેના પછીના વર્ષે એટલે કે 1930માં તેમણે કૉંગ્રેસ છોડી દીધી.

1938માં કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદથી હટ્યા બાદ તેના પછીના વર્ષે એટલે કે 1939માં તેઓ બંગાળ હિંદુ મહાસભામાં સામેલ થયા.

1940માં તેમને હિંદુ મહાસભાના અધ્યક્ષ બનાવાયા.

1951માં તેમણે ભારતીય જનસંઘની રચના કરી. આ એ જ ભારતીય જનસંઘ છે જેણે આગળ જતા હાલની ભારતીય જનતા પાર્ટીનું સ્વરૂપ લીધું.

બીબીસી ગુજરાતી

ભાગલા પહેલાં બંગાળનું વિભાજન

ભારત પાકિસ્તાન ભાગલા

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દિલ્હીમાં આવેલા બાબા સાહેબ આપ્ટે સ્મૃતિ ભવન કેશવ કુંજે પોતાની ઐતિહાસિક સંકલન યોજના અંતર્ગત 'ઇતિહાસ દર્પણ'ના એક અંકમાં રિસર્ચ લેટર પ્રકાશિત કર્યો હતો.

ઉદયપુરના બીએન કૉલેજમાં ઇતિહાસ વિભાગાધ્યક્ષ પ્રોફેસર એ કે કપિલ અને ડૉ. ભાનુ કપિલે 'બંગાલ કા દ્વિતીય વિભાજન' શીર્ષકવાળા આ રિસર્ચ લેટરમાં કહ્યું હતું કે શ્યામાપ્રસાદ બંગાળના વિભાજનના પક્ષમાં હતા.

વર્ષ 1947માં તેમણે બંગાળના કૉંગ્રેસીઓને રાષ્ટ્રીય હિતમાં બંગાળના વિભાજનનું સમર્થન કરવાની અપીલ કરી હતી. બંગાળ પ્રાંતના વિભાજન માટે સમર્થન એકઠું કરવાના હેતુથી મુખરજીએ એ દિવસોમાં અનેક પ્રવાસ કર્યા. અને રાજ્યના બધા જ વિસ્તારોમાં હિંદુ સન્મેલનનું આયોજન કર્યું.

મુખરજીનું માનવું હતું કે આખું બંગાળ જો પાકિસ્તાનમાં જતું રહ્યું તો મુસ્લિમ પ્રભુત્વવાળા આ વિસ્તારોમાં હિંદુઓ પર હુમલા વધી જશે.

1947માં કલકત્તાના ટોચના અંગ્રેજી અખબાર 'અમૃત બાઝાર પત્રિકા'એ એક લોકમત કરાવ્યો.

જેનાથી ખ્યાલ આવ્યો કે 98 ટકા હિંદુ ભાગલાના પક્ષમાં હતા. બંગાળ કૉંગ્રેસનો બહુમત પણ વિભાજનના પક્ષમાં હતો.

બીબીસી ગુજરાતી

જમણેરી નેતાઓનો દાવો

શ્યામા પ્રસાદ મુખર્જી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમણેરી સંગઠન બંગાળને પાકિસ્તાનમાં સામેલ થવાથી બચાવવાનો પૂરો શ્રેય ડૉ. મુખરજીને આપે છે.

યુવા લેખક દિગંત ચક્રવર્તીએ આ વર્ષે 20 જૂને ‘હિંદુ પોસ્ટ ડૉટ ઇન’માં આ મુદ્દા પર પોતાના લેખમાં કહ્યું છે કે તે સમયે બંગાળના વિભાજનની માગમાં તમામ બુદ્ધિજીવીઓ ડૉક્ટર મુખર્જીના સમર્થનમાં આગળ આવ્યા હતા.

બંગાળના જો બે ટુકડાઓમાં ભાગલા ન કરાયા હોત તો આખુ બંગાળ પાકિસ્તાનમાં જાય તેવી આશંકા હતી.

હિંદુ બહુમતીવાળા પશ્ચિમ બંગાળને ભારતમાં રાખવા માટે પ્રાંતનું વિભાજન જરૂરી હતું.

મુસ્લિમ લીગ અને સુહરાવર્દીને બાદ કરતા બધાએ જ (કૉંગ્રેસ, હિંદુ મહાસભા અને ડાબેરીઓએ) આ ભાગલાનું સમર્થન કર્યું હતું.

વાસ્તવમાં જ્યારે મુસ્લિમ લીગના નેતા સુહરાવર્દીને લાગ્યું કે સમગ્ર બંગાળને પાકિસ્તાનમાં સામેલ કરવું અશક્ય હશે તો તેમણે અચાનક દાવપેચ બદલતા એક એવા સંપ્રભુ અવિભાજ્ય બંગાળનો પ્રસ્તાવ સામે મૂક્યો જે ન તો ભારતમાં સામેલ થાય ના તો પાકિસ્તાનમાં.

પણ એ અવિભાજ્ય બંગાળમાં પણ હિંદુઓ લઘુમતીમાં હતા. તેઓ કહે છે કે મહમદઅલી ઝીણાએ પણ સુહરાવર્દીના આ પ્રસ્તાવને અનુમતિ આપી દીધી હતી.

જેનાથી એમ લાગવા લાગ્યું કે વહેલા મોડા અવિભાજ્ય બંગાળ પાકિસ્તાનનો ભાગ બની જશે. તેના થોડા સમય પહેલાં જ કોલકાતામાં રમખાણો થયા હતા. અને નોઆખાલીમાં નરસંહાર થયો હતો.

જેમાં સુહરાવર્દીની ભૂમિકા સામે સવાલો ઊઠી રહ્યા હતા. 20 જૂન 1947ના દિવસે બંગાળ વિધાનસભામાં હિંદુ બહુમતીવાળા વિસ્તારોને લઈને પશ્ચિમ બંગાળની રચનાનો પ્રસ્તાવ પાસ કરાયો.

તેના પહેલાં 23 એપ્રિલ 1947ના દિવસે લૉર્ડ માઉન્ટબેટનની સાથે બેઠકમાં શ્યામાપ્રસાદ મુખરજીએ વિસ્તારથી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે બંગાળનું વિભાજન કેમ જરૂરી છે?

એ જ વર્ષે તારીખ બીજી મેના દિવસે મુખરજીએ માઉન્ટબેટનને એક લાંબો પત્ર મોકલ્યો હતો. ત્યાર બાદ 20 જૂન 1947ના દિવસે બંગાળના વિભાજનનો નિર્ણય કરાયો હતો.

બીબીસી ગુજરાતી

ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય

શ્યામા પ્રસાદ મુખર્જી

ઇમેજ સ્રોત, SANJAY DAS

20 જૂન 1947ના દિવસે બંગાળ વિધાનસભાના ધારાસભ્યની બે અલગ-અલગ જૂથોમાં બેઠક થઈ હતી. જેમાં એ નક્કી કરવાનું હતું કે શું બંગાળ ભારતની સાથે રહેશે, પાકિસ્તાનમાં સામેલ થશે કે તેના ભાગલા પડી જશે.

90ની સામે 120 મતની સાથે પહેલા જૂથે એ નક્કી કર્યું હતું કે બંગાળ અખંડ રહેશે. સાથે જ તેનો પાકિસ્તાનમાં વિલય થઈ જશે.

તો, બંગાળના હિંદુ બહુમતીવાળા વિસ્તારના સભ્યોની એક અલગ બેઠકે પ્રાંતના વિભાજન માટે મતદાન કર્યું. જેમાં હિંદુ બહુમતીવાળા વિસ્તારને ભારતમાં રાખવાનો નિર્ણય કર્યો.

આ જ રીતે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ અલગઅલગ થયાં. અને પૂર્વ બંગાળ વિભાજન બાદ પાકિસ્તાનનો ભાગ બની ગયું. જેને પૂર્વ પાકિસ્તાન કહેવાયું.

બન્ને તરફથી અંદાજે 25 લાખ લોકો વિસ્થાપિત થયા. વિભાજન બાદ પણ રમખાણો ફાટી નિકળ્યાં. કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું.

બીબીસી ગુજરાતી

એકલાને શ્રેય આપવો કેટલો યોગ્ય?

ભારત પાકિસ્તાનના ભાગતા

ઇમેજ સ્રોત, SANJAY DAS

હિંદુત્વવાદી જમણેરી સંગઠનોનો દાવો છે કે બંગાળને પાકિસ્તાનમાં સામેલ થવાથી રોકવામાં શ્યામાપ્રસાદ મુખરજીના યોગદાનને ઇતિહાસના પુસ્તકોમાં યોગ્ય સ્થાન નથી મળ્યું.

પણ બીજી બાજુ એવા ઇતિહાસકારોની પણ કમી નથી કે જે એવું માને છે કે સંઘ પરિવાર પોતાના રાજકીય હિતો માટે મુખરજીના યોગદાનને બઢાવી ચઢાવીને રજૂ કરતો રહ્યો છે.

કોલકાતાના રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર સુસ્નાત દાસ કહે છે કે "શ્યામાપ્રસાદ મુખરજી એકલી એવી વ્યક્તિ નથી જેમણે બંગાળના વિભાજનનો મુદ્દો ઉઠાવ્યો હોય."

"તે સમયે વિધાનસભામાં જ્યોતિ બસુ સહિત ડાબેરીઓ અને કૉંગ્રેસે પણ વિભાજનના પક્ષમાં મતદાન કર્યું હતું. અન્યોની જેમ શ્યામાપ્રસાદે પણ તેનું સમર્થન કર્યું હતું એટલે તેમાં તેમનું કોઈ અંગત યોગદાન નહોતું."

આ જ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર હિતેન્દ્ર પટેલ માને છે કે બંગાળના વિભાજનમાં શ્યામાપ્રસાદ મુખરજીની ભૂમિકા મહત્ત્વની જરૂર હતી, પણ તેઓ જ એકમાત્ર કારણ નહોતા કે જેમના કારણે બંગાળ પાકિસ્તાનનો ભાગ બનવાથી બચી ગયું.

તે સમયે બંગાળના ભદ્રલોક (સમાજની શિક્ષિત અને સન્માનિત વ્યક્તિઓ) પણ ભાગલાના સમર્થનમાં હતા. એવામાં શ્યામાપ્રસાદ મુખરજીને બધો જ શ્રેય આપવો કેટલું યોગ્ય છે?

આ સવાલનો પટેલ જવાબ આપે છે "એ આંશિક રીતે સત્ય છે પૂરું નહીં. તે સમયે લગભગ એ જ સ્થિતિ પંજાબમાં હતી. અને ત્યાં તો કોઈ શ્યામાપ્રસાદ મુખરજી નહોતા."

"બંગાળમાં જો શ્યામાપ્રસાદ ન હોત તો કોઈ બીજું હોત. તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ જરૂર હતું પરંતુ સીધી રીતે એ ન કહી શકાય કે તેમના જ કારણે બંગાળ ભારતનો ભાગ બન્યો."

બીબીસી ગુજરાતી

'મુખરજીના યોગદાનનું હવે મૂલ્યાંકન થઈ રહ્યું છે'

શ્યામા પ્રસાદ મુખર્જી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજેપીના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી મુખર્જીના એક કાર્યક્રમમાં

વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ કવર કરી ચૂકેલા કોલકાતાના વરિષ્ઠ પત્રકાર તાપસ મુખરજી કહે છે "કેન્દ્રમાં ભાજપ સરકારના સત્તામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં સિક્કો જમાવવાની કવાયત અંતર્ગત શ્યામાપ્રસાદ મુખરજીના યોગદાનને બઢાવી ચઢાવીને રજૂ કરવાનો સીલસીલો તેજ બની રહ્યો છે."

પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હા કહે છે, "અમિત શાહનું નિવેદન વાસ્તવિકતા પર આધારિત છે. શ્યામાપ્રસાદ મુખરજીએ ન માત્ર બંગાળ પણ પંજાબ અને કાશ્મીરને બચાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. જો તે ન હોત તો આજે મમતા બેનરજી પણ બાંગ્લાદેશનાં નાગરિક હોત. અને હું પણ."

તેઓ કહે છે કે, "બંગાળને બચાવવામાં મુખરજીના યોગદાનને ક્યારેય ભૂલાવી ન શકાય. તેમણે બંગાળને બચાવવા માટે તમામ બુદ્ધિજીવીઓને એક કરીને અવાજ ઉઠાવ્યો હતો. તેઓ દેશની આઝાદી બાદ પોતાના પ્રાણોની આહુતિ આપનારા પહેલા શહીદ હતા.

ઉત્તર બંગાળના એક કૉલેજમાં ઇતિહાસના લેક્ચરર (હાલ સેવાનિવૃત્ત) રહેલા ગૌરીકાંત મંડલ કહે છે "બંગાળને બચાવવામાં શ્યામાપ્રસાદ મુખરજીની ભૂમિકા મહત્ત્વની હતી. પણ આઝાદી બાદ બનેલા રાજ્યમાં શાસકોએ તેમના યોગદાનને એવી માન્યતા ન આપી જેવી મળવી જોઇતી હતી."

"હવે તેમના યોગદાનનું યોગ્ય મૂલ્યાંકન થઈ રહ્યું છે. બંગાળને પાકિસ્તાનનો ભાગ બનતું બચાવવામાં ડૉક્ટર મુખરજીનું યોગદાન અમૂલ્ય હતું."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી