જ્યારે ભારતીય જાસૂસો પર જ ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનના અપહરણનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો...

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
1970થી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પ્રવર્તમાન હતો, કારણ કે પૂર્વ પાકિસ્તાનમાં પ્રતાડિત બાંગ્લાભાષીઓ ભારતમાં આશરો લેવા માટે હજારોની સંખ્યામાં પ્રવેશી રહ્યા હતા.
આ સમસ્યાની આડે ભારત લાંબા સમય સુધી આંખ આડાકાન કરી શકે તેમ ન હતું.
બીજી બાજુ, 1971ની શરૂઆતમાં બે કાશ્મીરી યુવક ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ કરીને તેને પશ્ચિમ પાકિસ્તાનના લાહોરમાં લઈ ગયા.
અહીં હવાઈપટ્ટી ઉપર જ વિમાનને સળગાવી દેવામાં આવ્યું. મૂળતઃ ભારતનાં વડાં પ્રધાનના દીકરાના પ્લેનનું અપહરણ કરવાની યોજના હતી.
આ પછી ભારત દ્વારા લેવામાં આવેલાં એક પગલાને કારણે તેની ગણતરીઓ બગડી ગઈ હતી અને આગળ જતાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના પરિણામ ઉપર પણ તેની અસર પડી હતી અને બાંગ્લાદેશને જન્મ થયો હતો.
પાકિસ્તાનનો આરોપ હતો કે ભારતીય ગુપ્તચરતંત્ર દ્વારા જ યોજનાપૂર્વક વિમાનઅપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આ માટે તેણે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ કેસ દાખલ કર્યો હતો. ભારતે આ આરોપોને નકારી કાઢ્યા.
જે વિમાનને સળગાવી દેવામાં આવ્યું, તે સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું, છતાં તેણે ઉડ્ડાણ કેમ ભરી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય અર્ધલશ્કરી દળના કથિત અધિકારીની તેમાં શું ભૂમિકા હતી? જેવા સવાલો એ પાકિસ્તાનના આરોપોને બળ આપ્યું હતું.
વિદ્યુત જામવાલ દ્વારા નિર્મિત-અભિનીત ફિલ્મ 'IB 71'નું મૉશન ટીઝર તાજેતરમાં રજૂ થયું છે.
ફિલ્મ મે-2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે, ત્યારે એક નજર ઉડ્ડયન ઇતિહાસના એ પ્રકરણ પર.

'સેવાનિવૃત્ત' વિમાનનું સળગાવાયું

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જૂન-1969માં ઇરિટ્રિયન લિબ્રૅશન ફ્રન્ટના ત્રણ શસ્ત્ર બળવાખોરોએ ઇથિયોપિયન ઍરલાઇન્સના બોઇંગ-707 વિમાનનું અપહરણ કરીને લાવ્યા હતા.
તેમણે વિમાનને સળગાવી દીધું હતું. અપહરણકારોને પાકિસ્તાનમાં એક વર્ષની સખત શ્રમની સજા કરવામાં આવી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીયસ્તરે તેમના ધ્યેયને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી.
એટલે જ જમ્મુ-કાશ્મીરના ચળવળકર્તાઓને પણ પોતાના ધ્યેય પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે આવું કંઇક કરવાની જરૂર જણાય હતી.
આ ઇરાદાએ સ્વતંત્ર ભારતમાં પ્રથમ વિમાનઅપહરણની ઘટનાને આકાર આપ્યો.
'ગંગા' નામના આ વિમાનને સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યું હતું, પરંતુ રહસ્યમયી રીતે અમુક અઠવાડિયામાં જ તેને ફરીથી કામે લગાડવામાં આવ્યું હતું.
વિમાને શ્રીનગરથી ઉડ્ડાણ ભરીને જમ્મુમાં ઉતરાણ કરવાની શરૂઆત કરી, ત્યારે હાશિમ અને અશરફ નામના બે પિતરાઈ કુરેશી ભાઈઓ વિમાનના કૉકપિટ તરફ ધસી ગયા.
હાશિમ કુરેશીએ વિમાનના પાઇલટ્સને ધમકાવ્યા અને પાકિસ્તાનના લાહોરની વાટ પકડવા કહ્યું, જ્યારે અશરફે મુસાફરોને ડરાવવાનું શરૂ કર્યું.
બંને પાઇલટોએ થોડા વિરોધ, દલીલ અને પ્રતિકાર બાદ હાસીમે આપેલી સૂચનાનું પાલન કર્યું અને વિમાનને લાહોર તરફ વાળ્યું.
આ અપહરણકારો તેઓ 'નેશનલ લિબ્રેશન ફ્રન્ટ' સાથે જોડાયેલા હતા, જે 'જમ્મુ કાશ્મીર પ્લૅબિસાઇટ ફ્રન્ટ'ની
ઉગ્રવાદી પાંખ હતી, જેણે આગળ જતાં જમ્મુ કાશ્મીર લિબ્રૅશન ફ્રન્ટ એવું નામ ધારણ કર્યું.
પાકિસ્તાનમાં વિમાનઅપહરણકારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. (ICAO COUNCIL, પેજનંબર 416-417)

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
પાકિસ્તાની મીડિયાને ટાંકતા આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતે દાવો કર્યો હતો કે લાહોરમાં તેમને નાયક જેવો આવકાર આપવામાં આવ્યો.
સરકારના વિદેશ મંત્રી ઝુલ્ફીકાર ભુટ્ટોએ (જેઓ આગળ જતાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ બન્યા) અપહરણકારો સાથે મુલાકાત કરી, એટલું જ નહીં, "અમે તમારી સાથે છીએ. તેમને પાકિસ્તાનના નાગરિકોનું પૂરેપુરું સમર્થન રહેશે. અને તેમના હિત જાળવવા માટે સરકાર પ્રયાસ કરશે." એમ પણ જણાવ્યું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કાશ્મીરમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતાં વિમાનઅપહરણને વ્યાજબી ઠેરવ્યું હતું.
અપહરણકારોએ કાશ્મીરની જેલોમાં બંધ સાથી ચળવળકરોને છોડાવવાની અને પાકિસ્તાનમાં રાજ્યાશ્રયની માગ કરી.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાટાઘાટો ચાલતી રહી.
આ અરસામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ દ્વારા બંને અપહરણકારોને જમવાનું આપવામાં આવતું.
છેવટે ક્રૂના સભ્યો તથા મુસાફરોને જમીનમાર્ગે ભારત પરત મોકલી દેવામાં આવ્યા.
તારીખ બીજી ફેબ્રુઆરી 1971ની સાંજે આઠ વાગ્યે વિમાનને લાહોરમાં સળગાવી દેવામાં આવ્યું.
અપહરણકારોને પાકિસ્તાનમાં નાયક જેવું સન્માન મળી રહ્યું હતું, ત્યારે અચાનક એવું તે શું થયું કે પાકિસ્તાને હાશિમને જેલમાં ધકેલી દીધો હતો.
જ્યારે તેના પિત્રાઈ ભાઈ અશરફને છોડી મૂક્યો, જેણે શિક્ષણજગતમાં નામ ઊભું કર્યું.
મકબૂલ ભટ્ટ અને હૈદર સહિતના પાકિસ્તાનસ્થિત કાશ્મીરી ચળવળકર્તાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

હાશિમ, બીએસએફ અને બૉર્ડર

ઇમેજ સ્રોત, Getty Images
વિદેશમાં ગુપ્તચરપ્રવૃત્તિ કરવા માટે જવાબદાર સંસ્થા 'રૉ'ના (રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ) પૂર્વ વડા અમરજિત દુલતે તેમના પુસ્તક 'કાશ્મીર : ધ વાજપેયી યર્સ'માં એક આખું પ્રકરણ અપહરણકર્તા હાશિમ કુરેશી વિશે તેની સાથેની વાતચીત અને પોતાની માહિતીને આધારે લખ્યું છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લાહે 'રસ પડે તેવી વ્યક્તિ તરીકે' હાશિમ કુરેશી સાથે દુલતની ઓળખાણ કરાવી હતી.
હાશિમને ટાંકતા તથા તેના વિશે દુલત પુસ્તકમાં લખે છે :
1969માં 15-16 વર્ષની ઉંમરે હાશિમ પ્રથમ વખત તેના પિતા ખલીલ સાથે પાકિસ્તાન ગયો હતો. આ સમયે તેની મુલાકાત મકબૂલ ભટ્ટ સાથે થઈ હતી.
એ સમયે કાશ્મીરી યુવકોમાં તેની ખાસ્સી લોકપ્રિયતા હતી.
એક તબક્કે તેણે ભારત અને પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર કાશ્મીરની માગ શરૂ કરી હતી.
હાશિમે જેકેએનએફ જોઇન કરી લીધું. તેનું કામ ગુપ્ત રીતે પોસ્ટર લગાડવાનું હતું, જેમાં યુવાનોને સશસ્ત્ર ચળવળ માટે આહ્વાન આપવામાં આવ્યું હતું.
આ તબક્કે શ્રીનગરના રિગલ ચોક વિસ્તારમાં આવેલી વાળ કપાવવાની દુકાનમાં તેની મુલાકાત એક શખ્સ સાથે થઈ. જોત-જોતામાં બંને પાક્કા મિત્ર બની ગયા.
એ શખ્સ બીએસએફમાં ઇન્સ્પેક્ટર હતા. જ્યારે વિશ્વાસ કેળવાય ગયો ત્યારે હાશિમે ઇન્સ્પેક્ટરને સરહદ પાર કરીને પાકિસ્તાન જવા માટેની પોતાની યોજના કહી.
બીએસએફના ઇન્સ્પેક્ટરે સરહદ પાર કરાવવામાં મદદ કરવાની વાત કહી, પરંતુ બદલામાં ત્યાં સક્રિય 'અલ-મુજાહિદ' જૂથ વિશે માહિતી મેળવી આપવાનું ઠેરવ્યું.
આ ઇન્સ્પેક્ટરે હાશિમ કુરેશીની મુલાકાત બીએસએફના લિજેન્ડરી અધિકારી અશોક પટેલ સાથે કરાવી, જેમણે વ્યક્તિગત રીતે આ ઑપરેશનને મંજૂરી આપી.

બૉર્ડર ક્રૉસ, ડબલ ક્રૉસ

ઇમેજ સ્રોત, Getty Images
જાસૂસીની દુનિયામાં કામ કરતા ગુપ્તચર અધિકારીઓ 'ડબલ ક્રૉસ'માં ફસાઈ ન જવાય, તે બાબતથી ખાસ સાવધ રહેતા હોય છે.
જેમાં 'સૉર્સ' તમારી સાથે તો કામ કરે જ છે, પરંતુ તમે જેના વિશે માહિતી મેળવતા હોવ, તેનું કામ પણ કરે છે. હાશિમે પણ ડબલ ક્રૉસ કર્યું હતું.
દુલત તેમના પુસ્તકમાં હાશિમ વિશેના પ્રકરણમાં લખે છે કે હાશિમ સરહદ પાર કરીને તત્કાલીન પશ્ચિમ પાકિસ્તાનના રાવલપિંડી ખાતે ગયો અને જેકેએનએલએફના (ભાવિ જેકેએલએફ) સહ-સ્થાપક ડૉ. ફારુક હૈદર સાથે મુલાકાત કરી.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
અહીં તેની મુલાકાત મકબૂલ ભટ્ટ સાથે પણ થઈ. સરહદ પાર કરવા માટે બીએસએફે કરેલી મદદ અને યોજના વિશે વાત કહી.
ડૉ. હૈદરના હૈદર મિન્ટો નામના એક પરિવારજન પાકિસ્તાન ઍરફોર્સમાં પૂર્વ પાઇલટ હતા.
તેઓ હાશિમને રાવલપિંડી ખાતેના હવાઇમથકે લઈ ગયા, જ્યાં ફોકર એફ-27 વિમાન તહેનાત હતું.
જેકેએલએફના ઇરાદા વિશે જાણીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈએ (ઇન્ટર-સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) હાશિમને તાલીમની યોજનામાં સહયોગ આપ્યો હતો.
હાશિમને ઍરક્રાફ્ટ વિશે, વાયરસલેસના ઉપયોગ, વિમાનનું દિશાસૂચક હોકાયંત્ર, જો જરૂર પડે તો વિમાન પર કાબૂ કેવી રીતે કરવો વગેરે જેવી તાલીમ તેને આપવામાં આવી.

ફરી: બૉર્ડર ક્રૉસ, ડબલ ક્રૉસ

'રૉ'ના અધિકારી આર.કે. યાદવે તેમના પુસ્તક 'મિશન રૉ'માં (પૃષ્ઠક્રમાંક 227-230) હાશિમ કુરેશી વિશે લખ્યું છે.
તેઓ લખે છે કે 'રૉ દ્વારા જ હાશિમ કુરેશીને સરહદ પાર કરાવાઈ હતી, પરંતુ ત્યાં જઈને તેણે પોતાની વફાદારી બદલી લીધી.'
'જાન્યુઆરી-1971માં જ્યારે તેણે સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો, ત્યારે બીએસએફે તેને ઝડપી લીધો.'
'હાશિમ કુરેશીએ સ્વીકાર્યું કે તેને પાકિસ્તાનમાં વિમાન અપહરણ કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી.'
'વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના દીકરા શ્રીનગરના ઍરપૉર્ટ પરથી વિમાન ઉડાવવાના હોય, ત્યારે તેનું અપહરણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.'
માર્ચ-1971માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. આ પહેલાં વિરોધીઓમાં 'ગૂંગી ગુડિયા' તરીકે ઓળખાતા ઇંદિરા ગાંધીએ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓને માત આપી દીધી હતી અને પોતાની પસંદગીના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવાની સફળતા મળી હતી.
'ગરીબી હટાવો'ના નારા હેઠળ તેઓ દેશભરમાં જાહેરસભાઓ સંબોધી રહ્યા હતા અને તેમના નેતૃત્વવાળી કૉંગ્રેસનો વિજય નિશ્ચિત જણાતો હતો.
હવે, તેઓ આંતરરાષ્ટ્રીયસ્તર ઉપર પોતાની છાપ છોડવા માટે સજ્જ હતાં.
ગુપ્તચર અધિકારીઓ દ્વારા રામેશ્વરનાથ કાવને આના વિશે માહિતી આપવામાં આવી.
જેઓ રૉના સ્થાપક અને વડા હતા. તેઓ ઇંદિરા ગાંધીની ખૂબ જ નજીક હતા અને તત્કાલીન વડાં પ્રધાનને તેમના ઉપર ખૂબ જ વિશ્વાસ હતો.
પાકિસ્તાનને તેની જ યોજના મુજબ પરાસ્ત કરવાની યોજના કાવ દ્વારા ઘડી કાઢવામાં આવી.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
ભારતમાં કેસ ન ચલાવવાના બદલામાં તેને ભારત માટે કામ કરવા માટે બીએસએફ અને રૉના અધિકારીઓએ મનાવી લીધો.
તેને બેંગલોર ખાતેના રૉના સેફહાઉસમાં મોકલી દેવામાં આવ્યો.
ભારતીય ગુપ્તચરતંત્રની યોજના હતી કે કુરેશીને વિમાનનું અપહરણ કરવા દેવું.
શ્રીનગરથી ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ થયા પછી તેને લાહોર લઈ જવામાં આવે.
અહીં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે મુલાકાત ન થાય, ત્યાર સુધી વિમાનનો કબજો પાકિસ્તાનીઓને ન આપવો.
અલ-ફતહના 36 ચળવળકર્તાઓની જેલમુક્તિની માગ કરવી અને પોતાની પ્રતિબદ્ધતાને પુરવાર કરવા માટે વિમાનને સળગાવી દેવું, આના વિશે જમ્મુ કાશ્મીર સરકાર કે અન્ય ગુપ્તચર સંસ્થાઓને કોઈ જાણ કરવામાં આવી ન હતી.
એટલે સુધી કે બીએસએફના એક અધિકારીએ સાર્વજનિક રીતે કહ્યું હતું કે તેઓ નિમણૂકની વિરૂદ્ધ હતા, પરંતુ ગુપ્તચરતંત્રના અધિકારીઓની દખલને કારણે સંદિગ્ધ નિમણૂક શક્ય બની હતી.
આ કામમાં રૉ દ્વારા અશરફ કુરેશી નામના રૉ ઑપરેટિવનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ હાશિમના પિત્રાઈ ભાઈ હતા.
લાકડાની પિસ્તોલ અને હૅન્ડ ગ્રૅનેડથી તેણે વિમાનઅપહરણને અંજામ આપ્યો હતો.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
દુલત તેમના પુસ્તકમાં લખે છે કે ઑગસ્ટ-1970માં દક્ષિણ કાશ્મીરના સિયાલકોટ-સક્કરગઢ સૅક્ટરમાંથી હાશિમ કુરેશીએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના જવાનાનોના હાથે પકડાય ગયો.
તેની પાસેથી પિસ્તોલ, હૅન્ડગ્રૅનેડ અને જમ્મુમાંથી વિમાનઅપહરણની યોજના મળી આવ્યા હતા.
મકબૂલ ભટ્ટને અંદાજ હતો કે આવું થઈ શકે છે, એટલે તેણે હાશિમને તેના માટે માનસિક રીતે તૈયાર કર્યો હતો. હાશિમે તેના બીએસએફના ઇન્સ્પેક્ટર મિત્રના સંપર્કનો ઉપયોગ કર્યો.
તેણે ભારતીય ગુપ્તચર તંત્રના અધિકારીઓને એવી કહાણી કહી કે તેની સાથે નસીમ રાણા અને જાવેદ સાગર નામના વધુ બે શખ્સ હતા, જેમને પણ વિમાનઅપહરણની તાલીમ આપવામાં આવી હતી.
ઇન્ટેલિજન્સ બ્યૂરો ઉપરાંત ગુપ્તચર તંત્રના અધિકારીઓ અશોક પટેલે પણ હાશિમની પૂછપરછ કરી.
હાશિમને શંકાનો લાભ આપવામાં આવ્યો. અન્ય બે શખ્સને ઓળખી શકાય અને તેને પકડવામાં મદદ કરી શકે તે માટે કાગળ ઉપર તેને બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપવામાં આવી. તેને શ્રીનગરના ઍરપૉર્ટ ઉપર તહેનાત કરવામાં આવ્યો, જેથી કરીને તે અન્ય બે સંદિગ્ધો દેખાય તો તેને ઓળખી શકે. હવે તેણે વિમાનનું અપહરણ કરવાનો નિર્ધાર કર્યો અને આ માટે તેણે પોતાના પિત્રાઈ અશરફ કુરેશીની મદદ લીધી.
કુરેશીનું કહેવું છે કે આઈએસઆઈ ઇચ્છતી હતી કે વિમાનને સળગાવી દેવામાં આવે, જેથી કરીને વહેલામાં વહેલી તકે મામલો પતે, પરંતુ તેના પરિણામોથી પાકિસ્તાનના હિતોને ભારે નુકસાન થવાનું હતું.

હવાઈસીમા બંધ, સમસ્યા શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
બે દિવસમાં ભારતે વળતાં પગલાં લીધાં. ભારતે તેની હવાઈસીમામાં પાકિસ્તાની વિમાનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકી દીધો.
આ પહેલાં પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને પશ્ચિમી પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) વચ્ચે વિમાનસેવાઓ સામાન્ય ઉડ્ડાણોની જેમ ચાલતી, અલબત ભારતીય સત્તાધીશોની મંજૂરીથી.
પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં ઊભા થયેલા બંગાળીઓના આક્રોશને ડામી દેવા માટે હવાઈમાર્ગે પૂરકબળો મોકલવામાં આવી રહ્યા હતા.
ભારતના હવાઈ પ્રતિબંધને કારણે પાકિસ્તાની વિમાનોએ સમગ્ર ભારતનું પરિભ્રમણ કરીને પૂર્વ પાકિસ્તાન પહોંચવું પડતું.
આ દરમિયાન પાકિસ્તાની વિમાનોએ રસ્તામાં શ્રીલંકામાં ઉતરાણ કરીને ઇંધણ ભરાવવું પડતું.
જોકે, ભારતે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આ રસ્તો પણ બંધ કરી દીધો. હવે, પાકિસ્તાનને તેની ભૂલ સમજાઈ હતી.
ભારતના અમુક સૈન્યઅધિકારીઓ અને માર્ચ-1971માં નવગઠિત ઇંદિરા ગાંધી સરકારના મંત્રીઓ તત્કાળ પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ તત્કાલીન સેનાધ્યક્ષ જનરલ સામ માણેકશા તેના માટે તૈયાર ન હતા.
જનરલ માણેકશાનું કહેવું હતું કે સૈન્યઅધિકારીઓ હજુ દેશમાં અલગ-અલગ સ્થળોએ છે.
જેઓને ચૂંટણીફરજમાંથી માંડ મુક્તિ મળી છે. તેઓ યુદ્ધ માટે સજ્જ નથી. વળી, સેના પાસે પૂરતી સંખ્યા અને પ્રમાણમાં હથિયાર નથી.
ચીન પણ યુદ્ધમાં પાકિસ્તાન તરફથી ઝંપલાવી શકે છે. સૈનિક અને શસ્ત્રસરંજામની ઝડપી હેરફેર માટે રેલવેની જરૂર પડે, જે ઉનાળામાં પાણી, ઘાસચારાની હેરફેરમાં વ્યસ્ત હોય છે.
ચોમાસામાં તે અનાજની હેરફેરમાં વ્યસ્ત હોય છે.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
આને બદલે જો નવેમ્બર સુધી ટાળી દેવામાં આવે તો ભારતીય સેનાને તૈયારી કરવા માટેની તક મળી રહે.
બરફને કારણે ઇચ્છવા છતાં ચીન દ્વારા પાકિસ્તાનની મદદ ન થઈ શકે.
આખાબોલા જનરલ માણેકશાએ જરૂર પડ્યે રાજીનામું આપી દેવાની પણ તૈયારી દાખવી, પરંતુ ઇંદિરા ગાંધીએ તેમને તૈયારીઓમાં લાગી જવા કહ્યું.
અનેક છબરડાં છતાં સરવાળે ભારતની યોજના સફળ થઈ અને વિશ્વના નક્શા ઉપર બાંગ્લાદેશનો જન્મ થયો.
લાંબા સમય સુધી આર.એન. કાવના સહાયક રહેલા બી. રમણ તેમના પુસ્તક 'ધ કાવબૉયઝ ઑફ રૉ : ડાઉન ધ મૅમરીલૅન'માં લખે (પેજ. 10) છે કે 'એ વિમાનઅપહરણની ઘટનાને કારણે પૂર્વ પાકિસ્તાનમાં વિજય માટેનો માર્ગ તૈયાર કર્યો. ભારતે નાટ્યાત્મક રીતે પૂર્વ અને પાકિસ્તાન વચ્ચેની ઉડ્ડાણો ઉપર પ્રતિબંધ મૂકી દીધો. જેના કારણે સૈનિક અને પુરવઠા મોકલવાની પાકિસ્તાનની સજ્જતા ઉપર ભારે અસર થઈ હતી.'
સળગાવી દેવાયેલું ઇન્ડિયન ઍરલાઇન્સનું ગંગા નામનું વિમાન થોડા સમય પહેલાં જ સેવાનિવૃત્ત કરી દેવાયું હતું, તો પછી તેણે શ્રીનગરથી ઉડ્ડાણ કેમ ભરી? દુલત તેના માટે બાબુશાહીને જવાબદાર માને છે.
પાકિસ્તાન દ્વારા અપહરણની તપાસ માટે એક સભ્યની ન્યાયિક તપાસ કમિશનની નિમણૂક કરવામાં આવી. જેણે બીએસએફ સાથે હાશિમ કુરેશીના સંબંધ અને બીજી બાબતોને ટાંકતા ભારતની સંડોવણીના આરોપ મૂક્યા.
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ભારતે આપેલા જવાબમાં પાકિસ્તાનના આરોપો ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને તેના નિવેદનમાં રહેલા વિરોધાભાસને ટાંક્યા હતા. (ICAO COUNCIL, પેજનંબર 416)

....અને પછી

ઇમેજ સ્રોત, Roli Books
ભારતીય મીડિયા અને વિપક્ષમાં થોડા સમય પહેલાં જ ઇંદિરા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી ગુપ્તચર સંસ્થા રૉ અને તેના વડા આર.એન. કાવની ગુપ્ત માહિતી મેળવવામાં નિષ્ફળતા બદલ ભારે ટીકા થઈ.
શરૂઆતમાં તો કુરેશીભાઈઓ તથા અન્યોને રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો.
તેઓ પાકિસ્તાનમાં મુક્ત રીતે હરતા ફરતા અને મીડિયા સાથે સંવાદ કરતા હતા.
પાકિસ્તાનીઓ અને મીડિયા દ્વારા તેમને 'સ્વાતંત્ર્યવીર' તરીકે વધાવવામાં આવ્યા હતા.
પરંતુ એપ્રિલ મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે કેસ દાખલ થયો.
જ્યારે સૈન્ય યોજનાઓ ખોરંભે પડી ગઈ અને ભારતની સંભવિત યોજના અંગે અણસાર મળ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.
હાશિમ કુરેશી સામે કેસ ચલાવવામાં આવ્યો અને તેની 1980માં મુક્તિ થઈ.
દુલત તેમના પુસ્તકમાં લખે છે કે 'ડાયરેક્ટરપદેથી તેમની નિવૃત્તિના બે દિવસ પહેલાં હાશિમ કુરેશીનું ભારતમાં આગમન થયું, જેમાં રૉની ભૂમિકા હતી.'
તેઓ કાશ્મીરીઓ માટે એનજીઓ ચલાવે છે.
યાદવ તેમના પુસ્તકમાં લખે છે કે 'જ્યારે હાશિમ નૅધરલૅન્ડમાં હતા ત્યારે પણ રૉ દ્વારા તેની સંભાળ લેવામાં આવી હતી અને હાલમાં (2014ની સ્થિતિ પ્રમાણે) પણ તેને આર્થિકમદદ કરે છે.'
દુલત તેમના પુસ્તકમાં નોંધે છે કે 'હાશિમ કુરેશીએ નૅધરલૅન્ડની ગુપ્તચર સંસ્થા માટે પણ કામ કર્યું હતું અને અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ તેનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.'

ઇમેજ સ્રોત, HASHIM QURESHI
કાયદા મુજબ એક જ ગુના માટે બે વખત સજા થઈ ન શકે.
પાકિસ્તાનમાં વિમાનઅપહરણના ગુના માટે સજા કાપવા છતાં ભારતમાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ પગલું કદાચ એટલા માટે લેવામાં આવ્યું હતું કે બરાબર એક વર્ષ પહેલાં જ ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું અપહરણ (વર્ષ 1999) કરવામાં આવ્યું હતું અને ભારતે ત્રણ ઉગ્રવાદીઓને છોડવા પડ્યા હતા.
પાકિસ્તાન દ્વારા ભારતના હવાઈસીમા પ્રતિબંધને ઇન્ટરનેશનલ સિવિલ ઍવિએશન ઑર્ગેનાઇઝેશનમાં પડકાર્યો.
ભારત દ્વારા તેના અધિકારક્ષેત્રને જ આઈસીજેમાં પડકારવામાં આવ્યું.
ત્યારસુધીમાં સમયનું વહેણ વહી ગયું હતું અને પાકિસ્તાનથી અલગ રાષ્ટ્ર બાંગ્લાદેશનું ગઠન થઈ ગયું હતું.
એ પછી બંને દેશોએ આઈસીજેની કાયદાકીય કાર્યવાહીને પડતી મૂકી હતી.
યુદ્ધ ક્યારેય એક જ પાસા કે ઘટના ઉપર નથી જીતવામાં આવતું, પરંતુ તેની ભૂમિકા ચોક્કસથી હોય છે.
શું આઈએસઆઈ તેની યોજનામાં સફળ રહી હતી, પરંતુ તેનાં પરિણામો બૂમરેંગ થતાં તેને ભારતીય ગુપ્તચરતંત્રનું ઑપરેશન ગણાવ્યું?
લાંબાગાળે પાકિસ્તાની ગુપ્તચરતંત્રની સફળ યોજના ઉલ્ટી પડતા ભારતીય ગુપ્તચરતંત્રે તેનો શ્રેય લઈ લીધો?
જાસૂસી દુનિયામાં એક ઉક્તિ છે, 'ઇરાદાઓને છૂપાવો, ધ્યાન બીજે ભટકાવો અને ગુપ્તતા જાળવો, જેટલું દેખાડવાનું હોય, જ્યારે અને જેટલું દેખાડવાનું હોય, ત્યારે અને તેટલું જ દેખાડો.' પરંતુ તેમાં કોણ સફળ રહ્યું હતું, ભારત કે પાકિસ્તાન?














