ઍર ઇન્ડિયા: 470 વિમાનોનો વિક્રમી સોદો ગૅમ ચૅન્જર સાબિત થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા

- ઍરબસ અને બોઇંગ પાસેથી 470 વિમાનો માટે ઍર ઇન્ડિયાનો રેકૉર્ડ સોદો કર્યો છે
- આ સોદાએ 2011માં અમેરિકન ઍરલાઈન્સના 460-વિમાનના સોદાને પાછળ રાખી દીધો છે
- A350s જેવાં મહાકાય ઍરક્રાફ્ટ ખરીદવાથી ઍર ઇન્ડિયાને આ ગંતવ્યસ્થળો અને ભારત વચ્ચેની નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ દ્વારા સીધા જ યુએસ અને ઑસ્ટ્રેલિયા જેવાં બજારોમાં પ્રવેશવાની મંજૂરી મળશે
- આગામી બે વર્ષમાં સ્થાનિક કેરિયર્સ 1,500-1,700 ઍરક્રાફ્ટના ઑર્ડર આપશે તેવી અપેક્ષા છે

ભારતની સૌથી મોટી ઍરલાઇન્સમાંથી એક ઍર ઇન્ડિયાએ ઍરબસ અને બોઇંગ સાથે 470 વિમાનોની ખરીદનો રેકૉર્ડ સોદો કર્યો છે. ઍર ઇન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રૂપના ચૅરમૅન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે કંપની ઍર ઇન્ડિયાને "વિશ્વકક્ષાની ઍરલાઇન્સ" બનાવવા માગે છે, તેવામાં આ સોદો મહત્ત્વનો બની જાય છે.
ચંદ્રશેખરને કહ્યું હતું કે આ સોદો 2011માં અમેરિકન ઍરલાઇન્સે કરેલા 460-વિમાનના સોદા કરતાં પણ મોટો છે. આ સોદાને પગલેે ઍર ઇન્ડિયા આધુનિકતા તરફ આગળ વધશે અને તેના નેટવર્કમાં "ઝડપી" વિસ્તાર કરવામાં મદદ મળશે.
લગભગ બે વર્ષ પહેલાં ટાટાએ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી સરકારી ઍરલાઇન્સને હસ્તગત કરી હતી.
ઍર ઇન્ડિયામાંથી તેના મોટા ભાગનાં જૂનાં ઍરક્રાફ્ટને દૂર કરાયાં છે અને ટાટા ગ્રૂપે તેનાં વિમાનોના દળને આધુનિક બનાવવા માટે પાંચ વર્ષની યોજના શરૂ કરી છે. પહેલું નવું વિમાન આ વર્ષના અંતમાં આવી જશે.
નિષ્ણાતો કહે છે કે, આ નવો મહાકાય સોદો ભારતના ભરચક્ક ઉડ્ડયન બજારમાં તેનો પાયો મજબૂત કરવા અને વિશ્વની ઍરલાઇન્સમાં મહત્ત્વનું સ્થાન મેળવવાની ઍર ઇન્ડિયાની ઇચ્છા દર્શાવે છે.
ઉડ્ડયન વિશ્લેષક માર્ક માર્ટિને જણાવ્યું હતું કે, "આ ઑર્ડર સાથે ઍર ઇન્ડિયાને લુફ્થાન્સા અને સિંગારોપ ઍરલાઇન્સની હરોડમાં લાવશે. આ ત્રણેય ઍરલાઇન્સ સ્ટાર એલાયન્સનો ભાગ છે."
તેઓ ઉમેરે છે, "મારા મતે આ સ્ટાર એલાયન્સના કટ્ટર અને સૌથી શક્તિશાળી શત્રુ ગલ્ફ કેરિયર્સના વર્ચસ્વનો સામનો કરવા માટેનોએક મોટો પ્લાન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ચિત્ર બદલાઈ શકે છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય પ્રવાસીઓ હાલમાં યુરોપ, યુએસ અને વિશ્વના અન્ય ભાગોમાં પ્રવાસ માટે અમીરાત, કતાર ઍરવેઝ, એતિહાદ અને અન્ય મધ્ય પૂર્વીય ઍરલાઇન્સ પર ભારે મદાર રાખે છે. માર્ટિન માને છે કે ઍર ઇન્ડિયાનો નવો કાફલો આવવાથી આ ચિત્ર બદલાઈ શકે છે.
A350s જેવાં મહાકાય ઍરક્રાફ્ટ ખરીદવાથી ઍર ઇન્ડિયાને આ ગંતવ્યસ્થળો અને ભારત વચ્ચેની નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ દ્વારા સીધા જ યુએસ અને ઑસ્ટ્રેલિયા જેવાં બજારોમાં પ્રવેશવાની મંજૂરી મળશે. વિદેશમાં વસતા વિશાળ ભારતીય મૂળના લોકોને સેવા આપવા માટે આ એક આકર્ષક માર્ગ છે.
પરંતુ ભારત કેન્દ્રિત ઍવિએશન વેબસાઇટ LiveFromALounge.comના સ્થાપક અજય અવતાની કહે છે, “જોકે તેમના "વફાદાર ગ્રાહકો" અને પ્રાઇસ વૉર ચલાવવાની ક્ષમતાને જોતાં ઍર ઇન્ડિયાને ગલ્ફ કેરિયર્સના આધિપત્યને પડકારવું સરળ રહેશે નહીં.”
અવતાનીના મતે, વર્ષોથી ઍર ઈન્ડિયા સામે કેબિનની ખરાબ જાળવણી, બંધ પડેલી ઍન્ટરટેઇમેન્ટ સિસ્ટમ અને તૂટેલા ચાર્જિંગ પૉઈન્ટને લઈને ગ્રાહકોની ફરિયાદો આવતી રહી છે. જ્યારે નવા કાફલાને લાવવામાં આવશે ત્યારે ગ્રાહકોને "અપગ્રેડેડ અનુભવ" મળશે. જોકે માનવ સંસાધન અને પ્રશિક્ષિત કર્મચારીઓની અછત એક મુદ્દો રહેશે.
ટાટાએ ઍર ઇન્ડિયાની શરૂઆત કરી પછી ઘણાં વર્ષો સુધી છેક 1950ના દાયકામાં સરકાર દ્વારા તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તે પહેલાં ઍર ઇન્ડિયાને સેવા માટે વૈશ્વિક ધોરણ સાથેનું વાહક માનવામાં આવતું હતું.
પરંતુ ત્યારબાદ સરકારનાં વર્ષોના ગેરવહીવટ પછી વધતા જતા દેવાના બોજ અને તેના ખોવાયેલા ગૌરવને પુનર્જીવિત કરવાના નિષ્ફળ પ્રયાસોને પગલે આખરે ઍર ઇન્ડિયાને 2021માં 1.98 અબજ ડૉલરમાં ઍરલાઇન્સ ટાટાને ફરી પાછી વેચી નાખવામાં આવી હતી અને 68 વર્ષે ઍરલાઇન પોતાના મૂળ માલિકના હાથમાં પાછી ફરી હતી.

1,500-1,700 ઍરક્રાફ્ટના ઑર્ડર અપાશે

ઇમેજ સ્રોત, Getty Images
ઍર ઇન્ડિયાના ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીતેન્દ્ર ભાર્ગવે બીબીસીને જણાવ્યું હતું કે, "સરકાર હેઠળ જેની સંભાવના નહોતી એવો આ સોદો ઍર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના ટીકાકારોને ચૂપ કરી દેશે."
પરંતુ નિષ્ણાતો અનુસાર, ઉદ્દેશને ખરા અર્થમાં સાકાર કરવા અને A350s જેવાં પાંચમી પેઢીનાં ઍરક્રાફ્ટ્સને અસરકારક રીતે ચલાવવા માટે, ઍર ઈન્ડિયાએ સોફ્ટવેર સિસ્ટમ્સ, જાળવણી અને માનવ સંસાધન ક્ષમતાઓ સહિત તેની કામગીરીને ઝડપથી આધુનિક બનાવવી પડશે.
માર્ટિન કહે છે, "જો તેઓ સફળ થશે તો તેઓ ઘણા વર્ષો પછી ફરી એકવાર ભારતનો પરચમ વિશ્વમાં લહેરાવી શકશે."
અવતાનીના મત અનુસાર, જો કે વૈશ્વિક ધોરણે પગદંડો જમાવવા માટે ઍર ઇન્ડિયાએ "માત્ર ભારતના જ મુસાફરોથી આગળ વધીને વધુ કનેક્ટિંગ ટ્રાફિક જનરેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરવું પડશે. અને આ માટે તેને તેના બંને રૂટ નેટવર્કને ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર પડશે અને ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની જરૂર પડશે.
શિયાળામાં દિલ્હી અને મુંબઈમાં ઇમિગ્રેશનમાં લાંબી કતારો અને વિલંબ દર્શાવે છે કે મુસાફરોના ટ્રાફિકમાં થયેલા ભારે વધારાને નિયંત્રિત કરવા માટે ભારત પાસે હજુ પૂરતી ક્ષમતા નથી.
જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાજ્યની આગેવાની હેઠળના મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરતા દેશ આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 80 નવા ઍરપોર્ટનું નિર્માણ કરી રહ્યો છે.
ભારતીય ઉડ્ડયન બજારમાં કોરોના મહામારી પછી ભારે રિકવરી જોવા મળી છે, સરકારી આંકડાઓ અનુસાર સ્થાનિક ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 48.9 ટકાનો વધારો થયો છે. તાજેતરના ડેટા બતાવે છે કે ડિસેમ્બર 2022માં 12.2 કરોડથી વધુ ભારતીયોએ આંતરિક ફ્લાઇટ્સની સેવા લીધી હતી.
સેન્ટર ફૉર એશિયા પેસિફિક ઍવિએશન ઇન્ડિયા (સીએપીએ ઇન્ડિયા)ના અંદાજ મુજબ આગામી બે વર્ષમાં સ્થાનિક કેરિયર્સ 1,500-1,700 ઍરક્રાફ્ટના ઑર્ડર આપશે તેવી અપેક્ષા સાથે ભારત વૈશ્વિક ઉડ્ડયન બજારમાં વૃદ્ધિનું મુખ્ય વાહક બનશે એવી પણ અપેક્ષા છે.














