મોંઘવારી - ફુગાવો : એવા દેશની કથા, જ્યાં ચીજોના ભાવ દર 15 કલાકે બમણા થયા

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, બ્રિજેટ કેન્ડલ અને સિમોન તુલેટ
- પદ, બીબીસી, ધ ફોરમ સીરિઝ
કવિ અને નવલકથાકાર જ્યૉર્ગી ફાલુદી આઠ વર્ષ વિદેશમાં રહ્યા પછી 1946માં હંગેરી પાછા આવ્યા ત્યારે તેમનો દેશ યુદ્ધને કારણે ખેદાનમેદાન થઈ ગયો હતો.
તેમનો જન્મ અને ઉછેર બુડાપેશમાં થયો હતો, પણ પાછા ફર્યા પછી તેમણે જોયું કે બુડાપેશ કાટમાળનું શહેર બની ગયું હતું. અર્ધા દાટેલા મૃતદેહો દેખાતા હતા અને ઇમારતો હાડપિંજર બની ગઈ હતી.
જોકે, બીજા દૃશ્યમાન ફેરફારો ઓછા હતા.
જ્યૉર્ગી ફાલુદી પાછા ફર્યાના થોડા સમય પછી તેમના પ્રકાશકે તેમના એક નવા પુસ્તકના પ્રકાશન માટે તેમને 300 અબજ પેન્ગો (હંગેરીનું તત્કાલીન ચલણ) આપ્યા હતા.
300 અબજ પેન્ગો બહુ મોટી રકમ લાગે, પરંતુ એમાંથી જ્યૉર્ગી ફાલુદી એક ચિકન, બે લિટર ઑઇલ અને થોડા શાકભાજી જ ખરીદી શક્યા હતા. જો તેમણે બપોર સુધી રાહ જોઈ હોત તો તેઓ એટલી સામગ્રી પણ ન ખરીદી શક્યા હોત.
હંગેરીમાં એ સમયે, સર્વોચ્ચ ફુગાવાની, પ્રચંડ મોંઘવારીની પકડમાં જકડાયેલું હતું અને તે વિશ્વમાં અત્યાર સુધીમાં નોંધાયેલા ફુગાવાનું સર્વોચ્ચ સ્તર હતું. હંગેરીમાં એક સમયે ફુગાવાનો દર 41.900,000,000,000,000 ટકાના સ્તરે પહોંચ્યો હતો.
દૈનિક જીવનના સંદર્ભમાં તેનો અર્થ એ થાય કે ચીજવસ્તુના ભાવ દર 15 કલાકે બમણા થઈ જતા હતા.
અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા અનુસાર, સરેરાશ માસિક કિંમતમાં 50 ટકા વધારો થાય તો તે હાઈપર ઇન્ફ્લેશન કહેવાય. આ સંબંધમાં ફુગાવાનો ઉપરોક્ત દર જબરો ગણાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હંગેરીના લાખો લોકોના વાસ્તવિક વેતન તથા જીવનધોરણમાં કડાકો સર્જાયો હતો અને બીજા ઘણા લોકો માટે એ સ્થિતિ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ બની ગઈ હતી.
ફુગાવાને અંકુશમાં લેવામાં આવ્યો ત્યારે સમગ્ર દેશમાં નાણાકીય વ્યવહારમાં હતા તે તમામ પેન્ગોનું કુલ મૂલ્ય એક અમેરિકન સેન્ટ જેટલું પણ ન હતું.
આજે દુનિયાના વિવિધ ભાગોમાં ઊંચા ફુગાવા બાબતે લોકો ચિંતિત છે ત્યારે હંગેરીમાં નોંધાયેલા ઇતિહાસના સૌથી ખરાબ હાઇપર ઇન્ફ્લેશનનું કારણ શું હતું અને તેમાંથી શું શીખવાનું છે એ જાણવું જરૂરી બની જાય છે.

- હંગેરીમાં એક સમયે ફુગાવાનો દર 41.900,000,000,000,000 ટકાના સ્તરે પહોંચ્યો હતો જેને હાઇપર ઇન્ફ્લેશન કહેવાય.
- બીજા વિશ્વયુદ્ધ બાદ હંગેરીની આવી હાલત થઈ હતી.
- બુડાપેશમાંની 70 ટકા ઇમારતો કાટમાળ બની ગઈ હતી. કૃષિ ઉત્પાદન લગભગ 60 ટકા ઘટ્યું હતું. દેશમાં દુકાળ જેવી સ્થિતિ થઈ હતી.
- આવી પરિસ્થિતિમાં સરકારે કંઈક એવાં પગલાં લીધાં કે મોંઘવારીનો પાર ન રહ્યો.


શરૂઆત ક્યાંથી થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપના અન્ય દેશોની માફક હંગેરી પણ બીજા વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિની પીડા ભોગવી રહ્યું હતું. પ્રારંભે તે અત્યંત સક્રિય હતું અને તેણે સોવિયેત સંઘ પરના 1941માં ભાગ પણ લીધો હતો.
જર્મની યુદ્ધ હારી જશે એવું ધારીને 1942માં હંગેરીના નેતાઓએ સાથી રાષ્ટ્રો સાથે ગુપ્ત વાટાઘાટ શરૂ કરી હતી, પરંતુ તેની ખબર ઍડોલ્ફ હિટલરને પડી ગઈ હતી. તેણે માર્ચ, 1944માં હંગેરી પર હુમલો કર્યો હતો અને ત્યાં નાઝીતરફી વહીવટીતંત્ર ઠોકી બેસાડ્યું હતું.
અમેરિકાના ઇન્ડિયાના યુનિવર્સિટીની હેમિલ્ટન-લુગર સ્કૂલના પ્રોફેસર લાસ્ઝલો બોર્હીએ કહ્યું હતું કે "તેનું પરિણામ એ આવ્યું કે 4,37,000 હંગેરિયન યહૂદીઓનો ઑશવિટ્ઝમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. એ પછી હંગેરી, સોવિયેત સંઘ તથા જર્મની વચ્ચેના યુદ્ધનું મેદાન બની ગયું હતું."
બુડાપેશને યુદ્ધની સૌથી મોટી ઘેરાબંધીનો અનુભવ થયો હતો.

પરિણામ શું આવ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
યુદ્ધની જ્વાળા શાંત થઈ પછી હંગેરીનું અર્થતંત્ર લગભગ ભાંગી પડ્યું હતું. જર્મનો લગભગ એક અબજ ડૉલરના મૂલ્યનો સામાન તથા કોમૉડિટીઝ હંગેરીમાંથી ઉઠાવી ગયા હતા.
હંગેરીની અરધોઅરધ ઉદ્યોગક્ષમતાનો નાશ થયો હતો અને બાકીની ક્ષમતાને મોટું નુકસાન થયું હતું. મોટાભાગની રેલવે તથા એન્જિનોનો નાશ થયો હતો અને તે સહીસલામત હતાં તેને નાઝીઓ અથવા સોવિયેત સંધ ઉઠાવી ગયા હતા.
બુડાપેશમાં ડેન્યૂબ નદી પરના તમામ પુલ ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં ન હતા. એવું જ રસ્તાઓનું હતું. બુડાપેશમાંની 70 ટકા ઇમારતો સંપૂર્ણ કે આંશિક રીતે કાટમાળ બની ગઈ હતી. કૃષિ ઉત્પાદનમાં લગભગ 60 ટકા ઘટાડો થયો હતો.
લાસ્ઝલો બોર્હીએ કહ્યું હતું કે "વાસ્તવમાં દેશ દુકાળનો ભોગ બનવાની અણીએ પહોંચી ગયો હતો. તેમ છતાં એ સમયે દેશમાં અડિંગો જમાવીને બેઠેલી રશિયાની રેડ આર્મીના લાખો સૈનિકોનું પેટ હંગેરીએ ભર્યું હતું."
આટલું ઓછું હોય તેમ હંગેરીએ યુદ્ધવિરામના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને સોવિયેત સંઘ, યુગોસ્લાવિયા અને ચેકોસ્લોવેકિયાને વળતર તરીકે 30 કરોડ ડૉલર (આજના ચાર અબજ ડૉલરથી વધુ) ચૂકવવા સહમત થયું હતું. એ ઉપરાંત હંગેરીને ફરીથી બેઠું કરવા માટે કોઈ લોન ઉપલબ્ધ ન હતી.
લાસ્ઝલો બોર્હીના કહેવા મુજબ, "ઉદાર માર્શલ યોજનાથી પશ્ચિમ યુરોપની આર્થિક રિકવરીને વેગ મળ્યો હતો, પરંતુ સોવિયેત સંઘ નિયંત્રિત દેશોને માર્શલ પ્લાનમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા."

હવે શું કરવું?

કૅનેડાની વિલ્ફ્રેડ લોરિયર યુનિવર્સિટી ઑફ વૉટરલૂના અર્થશાસ્ત્રના પ્રોફેસર પીએર સિક્લોસે કહ્યુ હતું કે "હંગેરીની નાણાકીય પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. લોકોને કેટલીક સેવા આપવી જરૂરી હતી, પરંતુ તે પરંપરાગત રીતે મહેસૂલ એકત્ર કરી શકે એવી કોઈ માળખાકીય વ્યવસ્થા ન હતી."
કરની કોઈ આવક ન હતી અને બૅન્કનોટ એટલે કે ચલણી નાણું છાપવા માટેની શાહી આયાત કરવી પડે તેમ હતી, એમ છતાં હંગેરીની સરકારે વધારે નાણાં છાપીને અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાનું નક્કી કર્યું હતું.
એ નાણાં વડે સરકારે લોકોને નોકરીએ રાખ્યા હતા, ગ્રાહકોને લૉન આપી હતી અને લોકોને પૈસા આપ્યા હતા. સરકારે બૅન્કોને ઓછા વ્યાજદરે લૉન આપી હતી અને બૅન્કોએ બિઝનેસીસ લૉન આપી હતી. દેશમાં નાણાનું ઘોડાપૂર આવ્યું હતું, પણ નાણાનું મૂલ્ય એકદમ ગગડી ગયું હતું.

પેંગ્વિનનું કેલાઈડોસ્કોપ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વીસમી સદીમાં સર્જાયેલા સૌપ્રથમ હાઈપરઇન્ફ્લેશનને અંકુશમાં લેવા માટે હંગેરીએ પેન્ગો નામનું ચલણ વ્યવહારમાં મૂક્યું હતું, પરંતુ પેન્ગો જ મૂલ્યઘટાડાની ગર્તામાં ધકેલાઈ ગયું હતું.
ફુગાવાનું પ્રમાણ એટલું ઊંચુ હતું કે મુખ્ય આંકની પાછળ મૂકવામાં આવતાં શૂન્ય અર્થહીન બની ગયાં હતાં. 1944માં સૌથી વધારે મૂલ્યની બૅન્કનોટ 1,000 પેન્ગોની હતી, જે 1945ના અંતે એક કરોડ પેન્ગોની બની ગઈ હતી.
વ્યવસ્થાને સરળ બનાવવાના પ્રયાસથી વધારે સમસ્યા સર્જાઈ હતી. તેમાં 100 મિલિયન થાઉઝન્ડ પેન્ગો, અથવા 100,000,000,000,000 પેન્ગો અથવા 100 ટ્રિલિયન (એક ટ્રિલિયન એટલે એક પરાર્ધ, એકડા પાછળ 18 મીંડાવાળી સંખ્યા); અને એક બિલિયન થાઉઝન્ડ પેન્ગો, એટલે કે, 1,000,000,000,000,000 પેન્ગો અથવા એક ક્વાડ્રિલિયન(એકડા પાછળ 24 મીંડા ચડાવવાથી બનતી અતિશય મોટી સંખ્યા)ની પરિસ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિ એટલી વણસી હતી કે સરકારે ટૂંક સમયમાં જ એક ટ્રિલિયન પેન્ગો જેટલું મૂલ્ય ધરાવતા બી-પેન્ગો બહાર પાડવા પડ્યા હતા. હંગેરીની નેશનલ બૅન્કે 1946ની 11 જુલાઈએ છેલ્લે 100 મિલિયન બી-પેન્ગો (10²⁰ =100 ટ્રિલિયન) બહાર પાડવા પડ્યા હતા. આ ઇતિહાસમાં ઉપયોગમાં લેવાયેલો ચલણી નાણાંનો ઉચ્ચતમ મૂલ્યવર્ગ છે.
હંગેરીની નેશનલ બૅન્કે એક અબજ બી-પેન્ગ (10²¹ = 1,000,000,000,000,000,000,000)ની ચલણી નોટ પણ છાપી હતી, પરંતુ તે ક્યારેય ચલણમાં મૂકાઈ ન હતી.
પોસ્ટલ પેમૅન્ટ અને કર ચૂકવણી માટે એડોપેન્ગો (અથવા રાજકોષીય પેન્ગો) નામની ખાસ કરન્સી પણ બનાવવામાં આવી હતી. ઊંચા ફુગાવાને કારણે તેનું મૂલ્ય રોજ એડજસ્ટ કરવામાં આવતું હતું અને રેડિયો પર તેની જાહેરાત કરવામાં આવતી હતી.
1946ની પહેલી જાન્યુઆરીએ એક એડોપેન્ગોનું મૂલ્ય એક પેન્ગો જેટલું હતું, પરંતુ જુલાઈના અંતે તે વધીને 2,000,000,000,000,000,000,000 પેન્ગો થઈ ગયું હતું.

લોકોનું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
સરકારે શ્રેણીબદ્ધ બૅન્કનોટ્સ બહાર પાડીને કિંમતોને જાળવી રાખવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ સામાન્ય લોકો નોટના મૂલ્યને બદલે તેના રંગના આધારે ઉલ્લેખ કરવા લાગ્યા હતા. વાત એ હદે પહોંચી હતી કે તેનો પણ કોઈ અર્થ રહ્યો ન હતો.
હંગેરીની સેઝેડ યુનિવર્સિટીના આધુનિક સામાજિક તથા આર્થિક ઇતિહાસના પ્રોફેસર બેલા ટોમકાએ કહ્યું હતું કે "કોઈને એક ડઝન ઈંડા ખરીદવા હોય તો વેપારી પહેલાં ઈંડાનું વજન કરતો હતો અને પછી તેટલા જ વજનની બૅન્કનોટ્સ ચૂકવવી પડતી હતી."
વેતનને વાસ્તવિકતા સાથે સંબંધ રહ્યો ન હતો. તેથી અનેક કંપનીઓએ કરન્સીને બદલે, તેઓ જેનું ઉત્પાદન કરતી હોય એ વસ્તુઓના સ્વરૂપમાં પગાર ચૂકવવાનું શરૂ કર્યું હતું. કોઈ કંપની બટાટા અથવા ખાંડ વગેરેના સ્વરૂપમાં પણ પગાર ચૂકવતી હતી.
બેલા ટોમકાના કહેવા મુજબ, "દાખલા તરીકે કાપડ ફેકટરીઓએ પોતાની આગવી સેન્ટીમીટર પગાર પ્રણાલી વિકસાવી હતી. તેઓ કાપડના સરેરાશ સેન્ટીમીટર્સ લેખે પગાર ચૂકવતા હતા. કર્મચારીઓ તેમને પગાર પેટે આવી જે વસ્તુઓ મળતી તેને વેચીને જીવન જરૂરિયાતની સામગ્રી ખરીદતા હતા."
કાળા બજારે માઝા મૂકી હતી. બેલા ટોમકાએ કહ્યુ હતું કે "જગતમાં ફુગાવાના ઇતિહાસમાં સૌપ્રથમ અને છેલ્લી વખત કંપનીઓએ તેમના કર્મચારીઓ તથા કર્મચારીઓના પરિવારજનોની સાપ્તાહિક કેલરીની જરૂરિયાત અનુસારનું ચોક્કસ ગુણવત્તાવાળું ભોજન નિર્ધારિત પ્રમાણમાં પૂરું પાડવું પડતું હતું."
તેમણે ઉમેર્યું હતું કે "ખાદ્યસામગ્રીની અછતને કારણે એ પગલાંઓથી સમસ્યાનું નિરાકરણ થયું ન હતું. થોડા સમય માટે કંપનીઓએ તેમના કર્મચારીઓને ન્યૂનતમ ભથ્થું આપ્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
એક તબક્કો એવો હતો કે જ્યારે કર્મચારીઓ બપોરને બે વાગ્યા પહેલાં પગારની ચુકવણીની માગ કરી શકતા હતા અથવા તેમણે બીજા દિવસે ફુગાવાના પ્રમાણમાં પગાર સ્વીકારવો પડતો હતો. જોકે, તેનો કોઈ ઉપાય ન હતો. વાસ્તવિક વેતનમાં 80 ટકાથી વધુ ઘટાડો થયો હતો. કામદારો પાસે નોકરી હોવા છતાં તેઓ ગરીબીમાં ધકેલાઈ ગયા હતા, પણ એ ગરીબીમાં સમાનતા ન હતી.
ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત બુડાપેશના 1946ની ચોથી એપ્રિલના અહેવાલ અનુસાર, "મોટાભાગની વસ્તીના જીવનધોરણ અને બ્રિટન તથા અમેરિકા સાથે દોસ્તી ધરાવતા અથવા મોંઘા રેસ્ટોરામાં જઈ શકતા જૂજ લોકોના જીવનધોરણ વચ્ચે સમગ્ર યુરોપમાં આટલો મોટો તફાવત અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી."
"સત્તાધારીઓની ક્લબોમાં યુરોપમાં બીજે ક્યાં જોવા ન મળે તેવું ઉત્તમ ભોજન મળતું હતું. તેઓ વિદેશી ફળો, બતક, ચિકન, ક્રીમ અને યુદ્ધ પૂર્વેની મોંઘીદાટ હોટેલોમાં મળી કેક્સ આરોગતા હતા."
આવા ભોજનનો આનંદ કોણ માણી શકતું હતું? બેલા ટોમકાએ કહ્યુ હતું કે "જેમની પાસે દાગીના, સોનું અથવા મૂલ્યવાન ચીજો હતી, તેઓ આવી ચીજો વેચીને પૈસા મેળવતા હતા અને એ પૈસા વડે તેમની મૂળભૂત જરૂરિયાતો સંતોષતા હતા."
"એ ઉપરાંત વિદેશી દૂતાવાસમાં કે વિદેશી કંપનીઓ કે સંસ્થાઓમાં કામ કરતા હોવાને કારણે જેમની પાસે વિદેશી ચલણ હતું તેઓ વધારે સારી રીતે જીવી શકતા હતા. ખાદ્યસામગ્રીનું ઉત્પાદન કરતી ગ્રામીણ વસ્તીની હાલત વધારે સારી હતી. તેથી આ પરિસ્થિતિમાં નગરો તથા શહેરોમાંના ગરીબોએ સૌથી વધારે સહન કરવું પડ્યું હતું."

પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ફુગાવો ટોચ પર હતો ત્યારે ચીજવસ્તુઓના ભાવમાં રોજ 1,50,000 ટકાના દરે વધારો થતો હતો. ત્યાં સુધીમાં સરકારે કર વસૂલવાનું બંધ કરી દીધું હતું, કારણ કે સરકાર કર વડે જે મહેસૂલી આવક મેળવતી હતી તેનું ખરીદ મૂલ્ય લગભગ શૂન્ય થઈ જતું હતું.
માત્ર એક નવું ચલણ જ દેશની નાણાકીય પરિસ્થિતિને સ્થિર કરી શકે તેમ હતું. હંગેરીએ 1946ની પહેલી ઓગસ્ટે અગાઉના ચલણમાંથી 29 શૂન્ય ઘટાડીને ગિલ્ડર નામનું નવું ચલણ બહાર પાડ્યું હતું.
બોર્હીએ કહ્યું હતું કે "પેન્ગો નકામા બની ગયા હતા એટલે લોકોએ તેને રસ્તા પર ફેંકી દીધા હતા. સફાઈ કામદારો રસ્તા પરથી પેન્ગો એકઠા કરીને કચરા ટોપલીમાં નાખતા હોય એ દૃશ્ય મારાં માતા-પિતાએ જોયું છે. પરિવારો પાસે જે થોડા પૈસા બચ્યા હતા તે પણ નાશ પામ્યા હતા. લોકોએ તેમની બચત ગૂમાવી હતી અને નવેસરથી શરૂઆત કરવી પડી હતી."
હાઇપર ઇન્ફ્લેશન, લગભગ રાતોરાત અંકુશમાં આવી ગયું હતું. સિક્લોસે કહ્યું હતું કે "તૈયારીમાં થોડા મહિનાઓ ગયા હતા. નવું ચલણ અમલમાં મૂકવામાં આવે ત્યારે કેટલાક બજારમાં પૂરતા પ્રમાણમાં સામગ્રી ઉપલબ્ધ હશે. તે જોઈને લોકો વિચારશે કે નવો સુધારો વિશ્વસનીય છે. આ સુનિશ્ચિત કરવા માટે સરકારે ખાદ્ય સામગ્રી જંગી પ્રમાણમાં સ્ટોક કરી હતી."
"ગિલ્ડર તેનું મૂલ્ય જાળવી રાખશે અને આર્થિક પ્રવૃત્તિમાં ધીમી, પરંતુ ચોક્કસ તેજી આવશે એવો વિશ્વાસ લોકોમાં જગાવવામાં સરકાર આ રીતે સફળ થઈ હતી."
લોકોમાં આવો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં હંગેરીની નેશનલ બૅન્કના સુવર્ણ ભંડારે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

બેલા ટોમકાએ કહ્યું હતું કે "યુદ્ધ અંતિમ તબક્કામાં હતું ત્યારે આ સુવર્ણ ભંડારને દેશની બહાર લઈ જવામાં આવ્યો હતો, જેથી સોવિયેત સંઘ તેને કબ્જે ન કરી લે. આખરે તે ઓસ્ટ્રિયાના અમેરિકાના અંકુશ હેઠળનું ક્ષેત્ર બન્યું હતું. હંગેરી સરકારનું એક પ્રતિનિધિ મંડળ 1946માં વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાતે ગયું હતું. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ટ્રુમેન હંગેરીના લોકો પ્રત્યેની શુભનિષ્ઠા તરીકે એ ભંડાર તેમને પરત કરવા સહમત થયા હતા."
1946ની 6, ઓગસ્ટે એસોસિએટેડ પ્રેસ સમાચાર સંસ્થાએ આપેલા અહેવાલ મુજબ, સુવર્ણ ભંડારનું આગમન દેશ માટે બહુ મોટી ઘટના હતું.
બેલા ટોમકાએ કહ્યું હતું કે "એડોલ્ફ હિટલરની ખાનગી ટ્રેન 33 અબજ ડોલરના મૂલ્યનો હંગેરીની નેશનલ બેન્કનો સંપૂર્ણ સુવર્ણ-ખજાનો લઈને, હંગેરીના નવા નાણાકીય માળખાને મજબૂત બનાવવા માટે આવી પહોંચ્યો હતો."
"ઇંટ, લગડી અને સિક્કાઓના સ્વરૂપમાં 22 ટન સોનું જર્મથી જડબેસલાક સલામતી બંદોબસ્ત તથા લશ્કરી ગુપ્તતા વચ્ચે લાવવામાં આવ્યું હતું. તે દુશ્મન દેશને જથ્થાબંધ નાણાકીય સંપત્તિ પરત કરવાની વિશ્વની સૌપ્રથમ ઘટના હતી."
"હંગેરીના સત્તાધિશોએ એવી આશા વ્યક્ત કરી હતી કે સોનાનો સંપૂર્ણ જથ્થો સહીસલામત પાછો મળવાથી દેશના ખખડી ગયેલા અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરી શકાશે."
બીજી તરફ મધ્યસ્થ બેન્કને સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવી હતી અને બેન્કનોટ્સ બહાર પાડવાની તેની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો હતો. બેન્કોને 100 ટકા રિઝર્વ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કરમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો અને સરકારી કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડા કરવામાં આવ્યો હતો.
1960ના દાયકામાં ગિલ્ડર તે પ્રદેશમાંના સૌથી મજબૂત ચલણ પૈકીનું એક બન્યું હતું.

મહત્ત્વની વાત

ઇમેજ સ્રોત, Getty Images
એ પણ નોંધવું જોઈએ કે 1946 સુધીમાં રાજકીય અને આર્થિક રીતે હંગેરી સંપૂર્ણપણે સોવિયેત સંઘની વગના દાયરામાં આવી ગયું હતું.
બોર્હીએ કહ્યું હતું કે "કરન્સીને સ્થિર બનાવવા માટે સ્ટાલિનની પ્રણાલી જેવી પ્રણાલી બનાવવાનો આદેશ હંગેરીયન સામ્યવાદી પક્ષના એક નેતાએ મે, 1946માં આપ્યો હતો. તેમણે વિદેશી તથા દેશી ખાનગી કંપનીઓના રાષ્ટ્રીયકરણની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું."
"તેની સાથે અર્થતંત્રના કેન્દ્રીકરણના પગલાં પણ લેવામાં આવ્યાં હતાં. તેમાં દરેક ચીજના ભાવ નક્કી અને અર્થતંત્રના તમામ ક્ષેત્રના કર્મચારીઓ માટે પગાર ધોરણ નક્કી કરવા એક વિભાગની રચના કરવામાં આવી હતી. આ રીતે તમામ બાબતો પર ચુસ્ત અંકુશ આવ્યો હતો અને કદાચ તેને લીધે જ ફુગાવા પર લગામ તાણવામાં મદદ મળી હતી."
સિક્લોસના કહેવા મુજબ, "ફુગાવાના આંકડા બાબતે કશું ખાતરીપૂર્વક ન કહી શકાય, પરંતુ મને લાગે છે કે આર્થિક સુધારાની પ્રારંભિક સફળતા એ સમયે અમલી બનાવવામાં આવેલી કેટલીક અનન્ય નીતિઓ દ્વારા સમજી શકાય. અલબત, પરિવર્તન એ પછી થયું હતું."

આમાંથી શું શીખવાનું?

ઇમેજ સ્રોત, Reuters
જે દેશોએ જંગી ફુગાવાનો સામનો કર્યો છે તેઓ આ કથામાંથી શું શીખી શકે?
સિક્લોસે કહ્યુ હતું કે "પહેલી શીખ એ કે અર્થતંત્ર ભાંગી પડે અને સરકાર પાસે બીજા કોઈ સ્રોત ઉપલબ્ધ ન હોય ત્યારે હાઈપર ઈન્ફ્લેશનની પરિસ્થિતિ સર્જાતાં વાર લાગતી નથી."
"બીજી શીખ એ છે કે પૈસાની ખરીદશક્તિ સ્થિર રહેશે તેની ખાતરી લોકોને થાય તેવી નીતિઓ અમલી બનાવવામાં આવે તો ફુગાવાનો તરત જ અંત આવે છે."
"રાજકીય અને આર્થિક સંસ્થાઓ તેમજ નાણાંમાંનો લોકોનો ભરોસો ચલણની સ્થિરતામાં સૌથી મહત્વનું પરિબળ હોય છે," એ વાત સાથે સહમત થતાં બેલા ટોમકા કહે છે કે "સમાજના મોટા વર્ગનો એવો ભરોસો ઊઠી જાય તો તેની જંગી આર્થિક અને સામાજિક કિંમત ચૂકવવી પડે છે."
(આ લેખ બીબીસીની 'ધ ફોરમ' શ્રેણીના "વ્હેન મની ડાઈડઃ ધ વર્લ્ડઝ વર્સ્ટ ઈન્ફ્લેશન" એપિસોડ પર આધારિત છે).

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















