જ્યારે બે કાશ્મીરી નકલી પિસ્તોલથી ભારતીય વિમાનને હાઇજૅક કરી પાકિસ્તાન લઈ ગયા

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
- લેેખક, શાહિદ અસલમ
- પદ, પત્રકાર, લાહોર
જાન્યુઆરીની એક સવારે સમગ્ર શહેર બરફથી ઢંકાઈ ગયું હતું. બે યુવાનો હાથમાં એક અટેચી લઈને અન્ય 26 યાત્રીઓ સાથે નાના ફોકર વિમાનમાં સવાર થયા. થોડી વાર પછી વિમાન હવામાં ઊડ્યું અને પોતાની મજલ તરફ આગળ વધવા લાગ્યું.
વિમાનમાં બાજુ-બાજુની સીટમાં જ બેઠેલા બંને યુવાનોમાં કંઈક બેચેની જણાઈ રહી છે. ચિંતા છતાં બંને એક-બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. વિમાન હવે મજલની નજીક પહોંચ્યું છે અને લેન્ડિંગ માટેની તૈયારીઓ થઈ રહી છે. ઍર-હોસ્ટેસે બધા મુસાફરોને સૂચના આપી કે પોતપોતાના સીટ બેલ્ટ બાંધી લે.
બરાબર એ જ વખતે એક યુવાન દોડીને કૉકપિટમાં ઘૂસી જાય છે અને કૅપ્ટનના માથા પર પિસ્તોલ મૂકે છે અને વિમાનને બીજા કોઈ દેશ તરફ વાળવા માટે ધમકી આપે છે.
આ બાજુ બીજો યુવાન હાથમાં હૅન્ડ ગ્રૅનેડ લઈને યાત્રીઓ તરફ ફરે છે અને ચેતવણી આપે છે કે કોઈએ કોઈ જાતની ચાલાકી કરવી નહીં. કોઈ ગરબડ કરવાની કોશિશ કરશે તો પોતે હૅન્ડ ગ્રૅનેડ ફોડી દેશે એવી ધમકી તેણે આપી.
આ રીતે બંને યુવાનો ટૉય પિસ્તોલ અને લાકડીથી બનેલી હૅન્ડ ગ્રૅનેડનો ઉપયોગ કરીને વિમાનને હાઈજૅક કરવામાં સફળ થઈ જાય છે. તેઓ વિમાનને પડોશી દેશમાં લઈ જાય છે, ત્યાં પહોંચીને જેલમાં રહેલા પોતાના કેટલાક સાથીઓને છોડી મૂકવાની માગણી મૂકે છે.
તમને લાગશે કે આ કોઈ ફિલ્મી દૃશ્યોનું વર્ણન છે. વાત એ નથી, કેમ કે વાસ્તવમાં 50 વર્ષ પહેલાં આવી જ રીતે વિમાન હાઈજૅક થયું હતું.
આજે આટલા દાયકા પછીય સમગ્ર ઘટના અસ્પષ્ટ રહી છે અને કેવી રીતે બની હતી તે વિશેના સવાલોના જવાબો મળ્યા નથી.
50 વર્ષ પહેલાં 20 જાન્યુઆરી 1971ના રોજ બે કાશ્મીરી યુવાનો (જમ્મુ-કાશ્મીર ડેમૉક્રેટિક લિબરેશન પાર્ટીના પ્રમુખ મોહમ્મદ હાશિમ કુરેશી અને તેના દૂરના સગા અશરફ કુરેશી)એ ઇન્ડિયન ફ્રૅન્ડશિપ ફોકર વિમાન 'ગંગા'નું અપહરણ કર્યું હતું. શ્રીનગરથી ઊપડેલા વિમાનને હાઈજૅક કરી લેવાયું હતું અને બાદમાં તેને પાકિસ્તાનના લાહોરમાં લઈ જવાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વખતે હાશીમ કુરેશી માત્ર સાડા સત્તર વર્ષનો હતો, જ્યારે અશરફ કુરેશી 19 વર્ષનો હતો.
'ગંગા' વિમાનને આમ તો સેવામાંથી પાછું ખેંચી લેવાયું હતું, પણ આ ઘટના બની તેના થોડા દિવસ પહેલાં જ અચાનક તેના ઉડ્ડયન માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી.
આ વિમાન શા માટે હાઈજૅક કરવામાં આવ્યું હતું અને તેના કારણે ભાવી ઘટનાઓ કેવી રીતે આકાર પામી તે જાણતા પહેલાં એ જાણવું જરૂરી છે કે આ હાઈજૅકની યોજના ક્યારે અને કેવી રીતે બની હતી.

ક્યારે અને કેવી રીતે તૈયાર થઈ વિમાન હાઈજૅકની યોજના?

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
1968માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંડના વડા મકબૂલ બટ કાશ્મીરની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષની વાત કરનારામાં અગ્રેસર હતા. એક ભારતીય અધિકારી અમર ચંદની હત્યાના આરોપમાં તેને કેદ થઈ હતી.
જોકે તે જેલ તોડીને ફરાર થઈ ગયો હતો અને પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં પહોંચી ગયો હતો.
આ બનાવના થોડા સમય બાદ 16 વર્ષનો હાશિમ કુરેશી તેમનાં સગાઓને મળવા માટે પાકિસ્તાન આવ્યો હતો.
હાશિમ કુરેશી પેશાવરમાં હતો તે દરમિયાન તેમની મુલાકાત મકબૂલ બટ સાથે થઈ હતી.
બટના કહેવાથી તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટમાં જોડાઈ ગયો. આ જૂથનો ઉદ્દેશ કાશ્મીરને ભારત અને પાકિસ્તાન બંનેથી અલગ કરીને સ્વતંત્ર બનાવવાનો હતો.
આ જૂથના પ્રચાર કરવા માટે યુવક શ્રીનગર પરત ફર્યો, થોડા મહિના પછી તે સિયાલકોટ થઈને ફરીથી પાકિસ્તાનમાં આવ્યો હતો.
જોકે આ વખતે તેણે ગેરકાનૂની રીતે પાકિસ્તાનમાં પગ મૂક્યો હતો. આ માટે તેને ભારતના બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના એક અધિકારીએ મદદ કરી હતી.
આ અધિકારી શ્રીનગરના લાલ ચોકમાં હાશિમ કુરેશીને મળ્યા હતા અને તેને સરહદ પાર મોકલીને મકબૂલ બટ વિશે માહિતી મેળવવા માગતા હતા.
બીએસએફની મદદથી સરહદ પાર કરીને હાશિમ કુરેશી મકબૂલ બટને ફરીથી મળ્યો અને તેની સાથે મળીને ભવિષ્ય માટેની યોજના બનાવવા લાગ્યો.
18 જૂન, 1969ના રોજ મકબૂલ બટ, હાશિમ કુરેશી અને અમાનુલ્લા ખાન રાવલપિંડીમાં ડૉક્ટર ફારૂક હૈદરના ઘરે જમવા માટે ભેગા થયા હતા. અચાનક રેડિયો પર ખબર આવ્યા કે ઇરિટ્રિયાની આઝાદી માટે લડી રહેલા ત્રણ યુવાનોએ ઇથોપિયાના એક પેસેન્જર વિમાન પર હેન્ડ ગ્રેનેડ અને ટાઇમ બૉમ્બથી હુમલા કર્યો છે.
તે વખતે ઇથોપિયાએ ઇરિટ્રિયા પર કબજો કરેલો હતો અને તેની સામે સશસ્ત્ર આંદોલન જાગ્યું હતું.
ત્યાં બેઠા-બેઠા મકબૂલ બટના દિમાગમાં પણ આવો જ વિચાર આવ્યો. તેને લાગ્યું કે પોતાની આઝાદીની વાત આખી દુનિયામાં પહોંચાડવા માટે આવા જ કોઈ હુમલાની યોજના કરવી જોઈએ અને એક વિમાનને હાઈજૅક કરવું જોઈએ.
શ્રીનગરમાં હાશિમ કુરેશીએ બીબીસી સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે તે વખતે જમવા ભેગા થયેલા લોકોમાં તે સૌથી નાનો યુવક હતો. તેથી મકબૂલ બટે તેને પૂછેલું કે "હાશિમ, શું તું આવી કરી શકીશ?"
"કેમ નહીં, કાશ્મીરની આઝાદી માટે હું મારો જીવ પણ કુરબાન કરી દેવા તૈયાર છું", એવો જવાબ હાશિમ કુરેશી આપ્યો અને સૌએ તેની વાહવાહ કરી. તે પછી વિમાન હાઈજૅક કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવી.

વિમાન હાઈજૅકની તૈયારી

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
એક વાર વિમાન હાઈજૅક માટેની યોજના વિચારાઈ તે પછી તે માટેની તાલીમ હાશિમને આપવી જરૂરી હતી. તે માટે ડૉ. ફારૂક હૈદરના બનેવી જાવેદ મન્ટોને પસંદ કરવામાં આવ્યા. મન્ટો પોતે પાઇલટ તરીકે કામ કરી ચૂક્યા હતા.
જાવેદ મન્ટોએ ફોકર વિમાન વિશેની બધી જ તકનીકી માહિતી હાશિમ કુરેશીને રાવલપિંડીના ચકલાલા ઍરપૉર્ટ પર લઈ જઈને બતાવી. પાઇલટ ક્યાં બેસે, કૉકપીટમાં બેઠેલા પાઇલટને કેવી રીતે કાબૂમાં કરવો અને વિમાનના પૅસેન્જરને કેવી રીતે સંભાળવા તેની તાલીમ આપવામાં આવી.
આ ઉપરાંત હૅન્ડ ગ્રૅનેડ ફેંકવાની અને બૉમ્બ બનાવવાની તાલીમ પણ હાશિમને આપવામાં આવી. તાલીમ પૂરી થયા પછી યોજના અનુસાર તેને હૅન્ડ ગ્રૅનેડ અને પિસ્તોલ સાથે શ્રીનગર પરત મોકલી દેવાયો.
હાશિમ કુરેશીએ શ્રીનગર પાછા ફરવા માટે સિયાલકોટ સરહદની જ પસંદગી કરી. સરહદે તે ઘૂસ્યો ત્યારે બીએસએફે તેને પકડી લીધો અને તેની પાસેથી પિસ્તોલ અને હૅન્ડ ગ્રૅનેડ કબજે કરી લેવામાં આવ્યાં.
ધરપકડ કરી લેવાઈ તે પછી હાશિમે મકબૂલ બટની યોજના તથા બીજી માહિતી બીએસએફને આપી દીધી. પોતાને કેવી રીતે ભારતીય વિમાનનું અપહરણ કરવાની તાલીમ અપાઈ છે ,તેની વાત પણ કરી. શ્રીનગરમાં બીજા બે લોકો તેની સાથે જોડાવવાના હતા, તેની માહિતી પણ આપી દીધી.
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર, "હકીકતમાં મકબૂલ બટે જ કહ્યું હતું કે સરહદે ઘૂસતી વખતે પકડાઈ જાવ તો હાઈજૅકની માહિતી આપી દેવી તથા એવું પણ કહેવાનું કે શ્રીનગરમાં મારી સાથે બીજા બે લોકો જોડાવવાના હતા. તેના કારણે બીએસએફના માણસો મારશે નહીં અને બીજા બે જણને શોધવા માટે નરમાઈથી વર્તશે."
હાશિમ કહે છે કે એવું જ થયું અને બીએસએફ માટે તેને કામ કરવા માટે જણાવાયું. તેણે હા પાડી એટલે તેને છોડી મુકાયો. એટલું જ નહીં તેને બીએસએફમાં જ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી કરી દેવામાં આવ્યો.
જોકે આ બધો દેખાવ કરવા માટે જ હતો અને ભરતી કરવાની વાત પણ નકલી જ હતી એમ જણાવાયું. બાકીના બે શંકમદને પકડી લેવા માટે તેની ફરજ શ્રીનગર ઍરપૉર્ટ પર ગોઠવી દેવામાં આવી.
આ રીતે હાશિમને ઍરપૉર્ટ સુધી જવામાં પણ સફળતા મળી અને ત્યાં વારેવારે વિમાનમાં સવાર થઈને રેકી કરવામાં પણ સફળતા મળી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીજી બાજુ હાશિમે પોતાના સગા અશરફ કુરેશીને પણ આખી યોજના સમજાવી હતી. એટલું જ નહીં રોજ તેને કિલા હરિ પર્વત પર બોલાવીને ત્યાં વિમાન હાઇજૅકિંગ માટેની તાલીમ આપવાનું પણ શરૂ કરી દીધું હતું.
જોકે હજી એક સમસ્યા હતી. પિસ્તોલ અને હૅન્ડ ગ્રૅનેડ બીએસએફે કબજે કરી લીધાં હતાં અને હવે મકબૂલ બટ પાસેથી હથિયારો મળે તેમ નહોતાં. આથી હાશિમે શસ્ત્રો માટે એક નવી યોજના વિચારી લીધી.
તે વખતે શ્રીનગરના અખબારોમાં તેણે એક જાહેરખબર જોઈ હતી. ચોર-લૂંટારાથી બચવા માટે અસલી લાગે તેવી પિસ્તોલ ખરીદો, આવી જાહેરખબરો ત્યારે આવતી હતી.
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર તેણે જાહેરખબર જોઈને ત્યાંથી એક પિસ્તોલ ખરીદવા માટેનો ઑર્ડર મોકલી આપ્યો. તેની ડિલિવરી માટે નજીકની એક દુકાનનું સરનામું આપ્યું હતું. દસ-બાર દિવસ પછી આ રીતે નકલી પિસ્તોલ તેને મળી ગઈ. તેને કાળા રંગે રંગવામાં આવી ત્યારે તે અસલી જેવી જ દેખાવા લાગી હતી.
હવે હૅન્ડ ગ્રૅનેડનું શું કરવું? હાશિમે ગ્રૅનેડનું ચિત્ર કાગળ પર દોરીને અશરફને દેખાડ્યું. અશરફે તેને જોઈને કહ્યું કે આ બીયરના મગ જેવું લાગે છે, આના જેવું આપણે બનાવી લઈશું.
થોડા દિવસો પછી લાકડામાંથી નકલી હૅન્ડ ગ્રૅનેડ બનાવી લેવામાં આવી, ત્રણ ચાર રંગો ભેગા કરીને લોખંડ જેવો રંગ તેના પર કરી દેવાયો. તેના કારણે તે અસલી ગ્રૅનેડ જેવી જ દેખાતી હતી.
તે વખતે ભારતના વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધી પાઇલટ તરીકે શ્રીનગર સુધી વિમાન લઈને આવતા હતા. તે વખતે સમાચાર મળ્યા હતા કે 30 જાન્યુઆરીએ કદાચ રાજીવ ગાંધી પાઇલટ તરીકે શ્રીનગર આવવાના છે.
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર તેણે વિમાન હાઈજેક કરવા માટે 30 જાન્યુઆરીનો દિવસ જ પસંદ કર્યો.
તેની ગણતરી હતી કે રાજીવ ગાંધી પાઇલટ તરીકે હોય તે વિમાનનું અપહરણ કરી લેવું. બીએસએફ તેના પર નજર રાખતી જ હતી એટલે વિમાનમાં ચડવા માટે તેણે એક રીતે વિચારી કાઢી હતી. અશરફે તેના માટે મોહમ્મદ હુસૈનના નામે ટિકિટ ખરીદી હતી, જ્યારે અશરફ માટેની ટિકિટ તેણે પોતે ખરીદી હતી.

વિમાનનું અપહરણ

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
30 જાન્યુઆરીએ બંને યુવાનો તૈયાર થઈને ઍરપૉર્ટ પર પહોંચી ગયા. જોકે તે દિવસે કોઈ કારણસર રાજીવ ગાંધી પાઇલટ તરીકે આવ્યા નથી, એવી ખબર પડી એટલે બંને નિરાશ થયા પણ હવે યોજના હતી એટલે બંને વિમાનમાં સવાર થઈ ગયા.
અશરફ પાસે એક બ્રીફકેસ હતી, જેમાં નકલી હૅન્ડ ગ્રૅનેડ અને પિસ્તોલ હતાં. તે આસાનીથી આવા સામાન સાથે વિમાન સુધી પહોંચવામાં સફળ થઈ ગયો. હાશિમે અગાઉથી જ રેકી કરીને રાખી હતી કે વિમાનમાં જતા મુસાફરોની ખાસ કોઈ તપાસ થતી નથી.
વિમાન સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે શ્રીનગર ઍરપૉર્ટથી ઊપડ્યું. તે વખતે શ્રીનગરથી જમ્મુ સુધી પહોંચવામાં અડધો કલાક લાગતો હતો.
ઍરહોસ્ટેસે જાહેરાત કરી કે વિમાન જમ્મુ ખાતે ઊતરવાની તૈયારીમાં છે માટે બધા યાત્રીઓ સીટ-બેલ્ટ બાંધી લે. તે જ વખતે હાશિમ કુરેશી દોડીને કૉકપિટમાં ઘૂસી ગયો. તેણે નકલી પિસ્તોલ ડાબી બાજુ બેઠેલા વિમાનના કૅપ્ટનના કપાળે રાખી દીધી અને તેને વિમાનને પાકિસ્તાન તરફ લઈ જવાનું જણાવ્યું.
પાઇલટ ઓબેરોય ડાબી બાજુ બેઠા હતા અને તેઓ જોઈ શકે તેમ નહોતા કે પિસ્તોલ નકલી છે. વિમાનને હવે બીજી દિશામાં વાળી દેવાયું હતું.
હાશિમ કુરેશી કહે છે કે તેણે કૉકપિટમાં પ્રવેશ કર્યો તે સાથે જ અશરફે પણ પોતાની બેઠક પરથી ઊભા થઈને હાથમાં ગ્રૅનેડ પકડી લીધી. તે પણ કૉકપિટના દરવાજાની પાછળ આવી ગયો હતો. આ રીતે તે બંનેની પીઠ એક બીજાની તરફ હતી.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
હાશિમના જણાવ્યા અનુસાર અશરફે હાથમાં ગ્રૅનેડ પકડી રાખીને બધા યાત્રીઓને ધમકાવ્યા કે પોતાના હાથ ઊંચા કરી દો નહીં તો ગ્રૅનેડ ફેંકશે.
વિમાનમાં ભારતીય સેનાના એક કૅપ્ટન પણ હતા. તેમણે અશરફને પૂછ્યું કે આ કઈ ગ્રૅનેડ છે. અશરફે કહ્યું કે હમણાં ફોડીને દેખાડી દઉં એટલે તમને જાતે જ ખબર પડી જશે. આના કારણે તેઓ પણ ડરી ગયા અને વાત કરવાનું બંધ કરી દીધું.
"હું વિમાનને ઝેલમ પરથી રાવલપિંડી લઈ જવા માગતો હતો, પણ બહુ ઠંડી હતી અને બરફવર્ષા થઈ રહી હતી એટલે નદી દેખાતી નહોતી. મેં પાઇલટને કહ્યું કે વિમાન રાવલપિંડી લઈ લે, પણ તેણે કહ્યું કે પૂરતું ઇંધણ નથી. માત્ર લાહોર સુધી જ પહોંચી શકાય તેમ છે." તેના કારણે હાશિમ વિમાનને લાહોર લઈ જવા તૈયાર થઈ ગયો.
એક તબક્કે નીચે ગામ જેવું દેખાયું, ત્યારે પાઇલટને પૂછ્યું કે આ કયો વિસ્તાર છે. પાઇલટે પંજાબીમાં કહ્યું કે, "મુંડિયા ગુસ્સા ન કરે, મૈ તુવાન્નૂ દોખા ની દિત્તા. આપણે લાહોર જ જઈ રહ્યા છીએ."
વિમાન આગળ વધતું રહ્યું અને થોડી વાર પછી પાઇલટ ઓબેરોયે ઍર ટ્રાફિક કન્ટ્રોલરને મૅસેજ મોકલ્યો લાહોર, લાહોર. જોકે સામેથી સરદારનો અવાજ આવ્યો કે આ લાહોર નથી, અમૃતસર છે.
હાશિમ કુરેશીનું કહેવું છે કે આવી ચાલાકી જોઈને તેણે ઓબેરોયને એક થપ્પડ મારી દીધી હતી. તે વિમાનને અમૃતસર ઉતારી દેવા માગતો હતો, પણ મેં તેની વૉકી-ટૉકી પણ છીનવી લીધી."

વિમાન પાકિસ્તાન પહોંચ્યું

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર લાહોરમાં ઉતરાણ માટે પાકિસ્તાની કન્ટ્રોલ ટાવરનો સંપર્ક થયો ત્યારે તેને જણાવાયું કે અમે બંને કાશ્મીરી મુજાહિદ્દીન છીએ. અમે ભારતીય વિમાનને હાઈજૅક કર્યું છે અને ઉતરાણ માટેની મંજૂરી આપવામાં આવે.
કન્ટ્રોલ ટાવરે અધિકારીઓનો સંપર્ક કરીને બાદમાં લૅન્ડિંગ માટે મંજૂરી આપી અને વિમાન લગભગ દોઢ વાગ્યે લાહોર ઍરપૉર્ટ પર ઊતર્યું. સુરક્ષા કર્મચારીઓએ તરત જ વિમાનને ઘેરી લીધું.
લાહોર પોલીસે તાત્કાલિક એસએસપી અબ્દુલ વકીલ ખાન અને ડીએસપી નાસિર શાહ ઉપરાંત બીજા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી એટલે તે બધા ત્યાં પહોંચ્યા.
હાશિમ કહે છે કે કેટલાક અધિકારીઓ અમારી પાસે આવ્યા એટલે અમે પૂછ્યું, "આ લાહોર છે?"
જવાબ હામાં મળ્યો ત્યારે મેં કહ્યું, "તમે સાચું બોલો છો તેવો વિશ્વાસ કેવી રીતે કરું?"
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર અધિકારીએ પોતાનું સર્વિસ કાર્ડ અને પાકિસ્તાની ધ્વજ પણ બતાવ્યો. "મેં કહ્યું કે આ બધું તો નકલી તૈયાર થઈ શકે. તે પછી તેણે કલમા પઢીને જણાવ્યો તે પછી મને ખાતરી થઈ કે અમે લાહોરમાં જ ઊતર્યા છીએ."
તમારી માગણીઓ શું છે તેવું હાઈજૅકરોને પૂછવામાં આવ્યું ત્યારે જણાવાયું કે આ બધું તેમણે 'કાશ્મીરની આઝાદી' માટે કર્યું છે. પોતાના કેટલાક સાથીઓ ભારતીય જેલમાં છે તેમને છોડી મૂકવામાં આવશે તેની સામે પૅસેન્જર અને વિમાનને મુક્ત કરવામાં આવશે.
હાશિમ કહે છે, "અમને કહેવાયું કે સ્ત્રીઓ અને બાળકોને છોડી દો. બીજા લોકોને ભલે કબજામાં રાખો. તેથી મેં કહ્યું કે અમને મકબૂલ બટ સાથે વાત કરાવો."
"સુરક્ષા ગાર્ડ મને લાઉન્ઝમાં લઈ ગયા, પણ મકબૂલ બટનો સંપર્ક થઈ શક્યો નહોતો. બાદમાં મારી મુલાકાત ડૉ. ફારૂક હૈદર સાથે કરાવાઈ. તે વખતે તેઓ રાવલપિંડીમાં હતા. મેં જણાવ્યું કે હું 'ફિરોઝ' છું અને અમે 'પરિંદા' લઈને આવ્યા છીએ તમે લાહોર આવી જાવ."
હાશિમનું કોડ નેમ ફિરોઝ હતું અને ઑપરેશનનું કોડ નેમ પરિંદા રાખવામાં આવ્યું હતું.
વિમાનની અંદર ગભરાયેલી સ્ત્રીઓમાં હવે રોકકળ મચી હતી અને બાળકો પણ ભૂખ અને તરસને કારણે રડી રહ્યા હતા. હાઈજૅકર્સે જણાવ્યું તે પછી યાત્રીઓ માટે પાણી મોકલવામાં આવ્યું. હાશિમ અને અશરફે ચર્ચા કરી અને બે કલાક બાદ સ્ત્રીઓ અને બાળકોને છોડી દીધાં.

ઇમેજ સ્રોત, ZAHID HUSSEIN
હાશિમના જણાવ્યા અનુસાર દોઢેક કલાક પછી સુરક્ષાકર્મચારી ફરી આવ્યા અને કહ્યું કે ડૉક્ટર ફારૂક હૈદરનો મૅસેજ છે. મૅસેજ એવો હતો કે બીજા યાત્રીઓને છોડી દેવા અને માત્ર વિમાન કબજામાં રાખવું.
"અમે તે વાત માની લીધી અને હતું કે અમારી સાથે દગો નહીં થાય તેથી સાંજ સુધીમાં યાત્રીઓને છોડી દીધા અને હવે અમારી પાસે માત્ર વિમાનનો કબજો હતો."
હાશિમ કુરેશી કહે છે, "બધા યાત્રીઓને છોડી દેવા અને માત્ર વિમાનને કબજે રાખવાની વાત નાદાની લાગતી હતી. તેના કારણે સોદાબાજી કરવાની અમારી તાકાત ઓછી થઈ ગઈ, પણ તે વખતે અમે પણ નાદાન જ હતા."
યાત્રીઓને સુરક્ષાવ્યવસ્થા સાથે લાહોરની એક હોટેલમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ બાદ બધાને ભારત મોકલી આપવામાં આવ્યા હતા.
રાત્રે લગભગ નવ વાગ્યે મકબૂલ બટ, જાવેદ સાગર, કે. ખુર્શીદ અને બીજા લોકો લાહોર પહોંચ્યા. ઍરપૉર્ટ પર ભારે ભીડ થઈ ગઈ હતી અને ત્રણેક વાર લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
જાણીતા ધારાશાસ્ત્રી અને વિમાન અપહરણના કેસમાં હાશિમ કુરેશીના વકીલ તરીકે કામ કરનારા આબિદ હસન મન્ટોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 30 જાન્યુઆરીની સાંજ સુધી સમગ્ર પાકિસ્તાનમાં વિમાન હાઈજૅકના સમાચાર ફેલાઈ ગયા હતા.
બીજા દિવસે પાકિસ્તાન કબજાના કાશ્મીરીઓ પણ ઍરપૉર્ટ પહોંચી ગયા હતા. ભારતીય વિમાનને લાહોર લઈ આવેલા યુવાનોને તેઓ જોવા માગતા હતા.
આબિદ હસન મન્ટોના જણાવ્યા અનુસાર તેમને આ કિસ્સામાં રસ પડ્યો હતો, કેમ કે ડૉ. ફારૂક હૈદરીનું નામ પણ અપહરણમાં આવ્યું હતું અને તેઓ પિતરાઈ બહેનના પતિ હતા.
હાશિમ કુરેશી યાદ કરતાં કહે છે કે 31 જાન્યુઆરીએ પાકિસ્તાની અધિકારીઓએ જાવેદ સાગર અને એક સાથીને વિમાનમાં જવા માટેની મંજૂરી આપી હતી. અમે રાત્રે નિંદર કરી શકીએ અને આ લોકો વિમાનનો કબજો રાખી શકે તે માટે આમ કરાયું હતું.
31 જાન્યુઆરીએ જ પાકિસ્તાની અધિકારીઓ આવ્યા હતા અને વિમાનમાં રહેલી ટપાલો લઈ ગયા હતા. આ ફ્લાઇટ દિલ્હીથી શ્રીનગરની હતી એટલે તેમાં ભારતીય સેનાના પત્રો પણ હશે તેમ માનીને પોસ્ટ લઈ જવામાં આવી હતી.
હાશિનના જણાવ્યા અનુસાર પહેલી ફેબ્રુઆરીએ પાકિસ્તાની સેનાના બે અધિકારીઓ ટપાલ સાથે પાછા આવ્યા હતા. તેમણે કહ્યું કે સીલ બરાબર લાગ્યા નથી અને ખબર પડી જશે પૅકેટ ખોલવામાં આવ્યું હતું. એટલે તેને સળગાવી દો એમ કહ્યું. અધિકારીઓ અને હાઈજૅકર્સ માટે કાશ્મીર વાજવાન ડિશ બનાવવા માટે આ ટપાલો બાળી દેવામાં આવી.
હાશિમ કહે છે કે તે જ દિવસે તેમણે એક અધિકારીના પેટમાં પિસ્તોલ રાખીને મજાકમાં કહ્યું "હેન્ડ્ઝ અપ", તો તેમણે ડરીને હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં મેં તેમને જણાવ્યું કે યાર આ નકલી છે."
આ સાંભળીને અફસર ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે, "શું ખરેખર નકલી પિસ્તોલ છે?"
હાશિમ કહે છે કે તે દિવસે પહેલી વાર પાકિસ્તાની અધિકારીઓને જણાવાયું હતું કે તેમણે નકલી પિસ્તોલ અને હૅન્ડ ગ્રૅનેડથી વિમાનનું અપહરણ કર્યું હતું.

બીજી ફેબ્રુઆરીએ રસપ્રદ ઘટનાઓ

ઇમેજ સ્રોત, HASHIM QURESHI
ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની પીપલ્સ પાર્ટીએ ડિસેમ્બર 1970માં યોજાયેલી ચૂંટણીમાં પશ્ચિમ પાકિસ્તાનમાં બહુમતી મેળવી લીધી હતી. સત્તા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભુટ્ટો પૂર્વ પાકિસ્તાનમાં બહુમતી મેળવનારા પક્ષ અવામી લીગના શેખ મુજીબને મળવા માટે ઢાકા ગયા હતા.
બીજી ફેબ્રુઆરી 1971ના રોજ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ઢાકાથી લાહોર પરત આવ્યા ત્યારે તેમને જાણ કરાઈ કે બે કાશ્મીરી યુવાનોએ ભારતીય વિમાનનું અપહરણ કર્યું છે અને લાહોરમાં લઈને આવ્યા છે.
જાણીતા પત્રકાર ખાલિદ હસને એપ્રિલ 2003માં 'ફ્રાઇડે ટાઇમ્સ'માં પોતાના એક લેખમાં લખ્યું હતું કે તે વખતે તેઓ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની સાથે જ હતા.
તેમના લેખમાં જણાવ્યા અનુસાર ભુટ્ટો લાહોર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ટેકેદારો માગણી કરી રહ્યા હતા કે ભુટ્ટોએ હાઈજેકરો સાથે મુલાકાત કરવી જોઈએ.
ખાલિદ હસને લખ્યું છે કે ભુટ્ટોએ આ સાંભળીને ખાલિદને જણાવ્યું કે "જુઓ ખાલિદ મને ખબર નથી આ બધું શું છે અને આ લોકો કોણ છે. એટલે હું તેમની સાથે વાત નહિ કરું." પરંતુ ભીડે ભુટ્ટોને હાઈજૅકરો સુધી જવા મજબૂર કર્યા અને ત્યાં જઈને તેમણે બંનેના ખબરઅંતર પૂછ્યા હતા.
2 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના સ્થાપકના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી એચ. ખુરશીદને પણ લાહોર ઍરપૉર્ટ પર બોલાવવામાં આવ્યા. (તેઓ બાદમાં પાકિસ્તાનના કબજાના કાશ્મીરના પ્રમુખ બન્યા હતા.) ઍરપૉર્ટ પર હાજર મકબૂલ બટ અને હાશિમ કુરેશીને તેઓ મળ્યા. આ લોકોએ તેમને જણાવ્યું કે વિમાનને સળગાવી દેવા માટેની સલાહ તેમને આપવામાં આવી રહી છે.
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર મકબૂલ બટે તેને સલાહ આપી હતી કે વિમાનનો કાચ તોડીને નીચે આવી જાવ. કાચ ફરી લગાવવામાં ચારથી પાંચ દિવસ લાગી જશે એટલે તેટલા દિવસ સુધી અખબારોમાં તે લોકોને પબ્લિસિટી મળતી રહેશે.

80 કલાક સુધી વિમાનનો કબજો રાખ્યો
ખુરશીદ સાથેની મુલાકાત પૂરી થઈ એટલે તે લોકો બહાર આવ્યા. લાહોરના એસએસપી અબ્દુલ વકીલ અને બીજા એક અધિકારી હાશિમ કુરેશીને ફરી મળ્યા અને જણાવ્યું કે મકબૂલ બટે વિમાનમાં આગ લગાવવા માટે પેટ્રોલ મોકલ્યું છે.
હાશિમ કહે છે કે આ લોકો ખોટું બોલી રહ્યા છે, એવો વિચાર તેને આવ્યો નહોતો. એટલે 80 કલાક સુધી વિમાનનો કબજો રાખ્યા બાદ તેને આગ લગાવી દીધી.
આગ લગાવવા ગયા ત્યારે અશરફ કુરેશીનો હાથ દાઝી ગયો હતો, કેમ કે બહાર નીકળવાનો દરવાજો સમયસર ખૂલ્યો નહોતો. હાશિમ કુરેશીએ આગથી બચવા માટે વિમાન પરથી છલાંગ લગાવી હતી અને ઘાયલ થયો હતો. તે રીતે બંને ઘાયલ થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા.
હાઈજૅકિંગની ઘટના 80 કલાક સુધી ચાલી હતી, પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ એક પણ વાર હાઈજૅકર યુવાનોને પકડી લેવાની કોશિશ કરી નહોતી.
વિમાનમાં આગ લગાવીને યુવાનો બહાર આવ્યા ત્યારે તેમને વધાવી લેવા માટે લાહોરની શેરીમાં લોકો ઊમટી પડ્યા હતા. ઠેર-ઠેર બંનેનું સ્વાગત કરવામાં આવ્યું અને બેનર લગાવાયા હતા.
પીપલ્સ પાર્ટીના નેતા અહમદ રઝા કસૂરી અને બીજા નેતાઓ સજાવેલી ટ્રકોમાં સવાર હતા અને યુવાનોને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
અહમદ રઝા કસૂરીએ બીબીસીને જણાવ્યું કે આ યુવાનોના સ્વાગત માટે પક્ષના નેતાઓએ તેમને મોકલ્યા હતા.
તેમના જણાવ્યા અનુસાર મૉલ રોડ, પંજાબ યુનિવર્સિટી ઑલ્ડ કૅમ્પસની સામેના ઇસ્તંબુલ ચોકમાં મોટી સભા પણ કરવામાં આવી હતી. સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જાણે આખું લાહોર ઊમટી પડ્યું હોય તેવું લાગતું હતું.
મકબૂલ બટ, હાશિમ કુરેશી અને અહમદ રઝા કસૂરી તથા અન્ય નેતાઓએ સભામાં ભાષણો કર્યાં.
હાશિમ કુરેશી ઘાયલ થયો હતો એટલે તેને લાહોરની હૉસ્પિટલમાં થોડા દિવસ માટે તેની સારવાર કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં અનેક લોકો પોતાને મળવા અને શાબાશી આપવા આવતા હતા એમ હાશિમનું કહેવું છે.
હૉસ્પિટલમાંથી રજા મળી તે પછી મકબૂલ બટ અને બીજા નેતાઓ સાથે મળીને જુદા-જુદા શહેરોમાં મુલાકાત કરીને પાકિસ્તાનના કબજાના કાશ્મીરના મીરપુર જવા નીકળ્યા. રસ્તામાં ગુજરાંવાલા અને રાવલપિંડી જેવા શહેરોમાં પણ હજારો લોકોએ સ્વાગત કર્યું. જોકે આ ઉત્સાહનો માહોલ ઝાઝા દિવસ ટકવાનો નહોતો.

પાકિસ્તાનનું કાવતરું કે પાકિસ્તાન વિરુદ્ધનું કાવતરું?
પાકિસ્તાનમાં એક તરફ વિમાન હાઈજૅક કરનારાની વાહવાહી થઈ રહી હતી, ત્યારે ભારતે વળતા પગલાં લેવાનું નક્કી કર્યું.
4 ફેબ્રુઆરી, 1971ના રોજ ભારતે વિમાન અપહરણની ઘટનાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી. પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાન જતા વિમાનોને ભારત પરથી ઊડવાની મનાઈ કરાઈ જે છેક 1976 સુધી ચાલી હતી.
ભારતે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાનની મદદથી જ વિમાનનું અપહરણ કરાયું હતું અને તેના ઇશારે જ લાહોરમાં તેને સળગાવી દેવાયું હતું.
ચૂંટણી પછી પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ જામ્યું હતું તેવા સમયે જ ભારતે વિમાનોને હવાઈ ક્ષેત્રમાંથી ઉડવાની મનાઈ કરી દીધી હતી. તેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં આંદોલન વધારે તેજ થઈ ગયું.
અવામી લીગને સ્પષ્ટ બહુમતી મળી હતી, આમ છતાં તેને સત્તા સોંપવા માટે આનાકાની થઈ રહી હતી. તેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હતી.
આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાન સુધી વિમાનથી સૈનિકો અને સામાન મોકલવાનું કામ અઘરું બની ગયું હતું. પાકિસ્તાનના વિમાનોએ સમગ્ર હિન્દ મહાસાગરનું ચક્કર લગાવીને ઢાકા પહોંચવું પડતું હતું. તે માટે શ્રીલંકામાં ફ્યુઅલ લેવા રોકાવું પડતું હતું. સમય અને નાણાંની બમણી બરબાદી થઈ રહી હતી.
ભારતની જાસૂસી સંસ્થા રૉના સ્થાપક સભ્ય અને આતંકવાદવિરોધી વિભાગના પૂર્વ વડા બી. રમણે પોતાના સંસ્મરણો 'ધ કાઉબૉય્ઝ ઑફ રૉ: ડાઉન મેમરી લેન' પુસ્તકમાં વિગતવાર લખ્યાં છે. તેમણે જણાવ્યું છે કે પૂર્વ પાકિસ્તાનને મદદ કરવા માટે ખાનગી ઑપરેશન તૈયાર કરાયું હતું અને તે જ ગંગા વિમાનનું હાઈજૅકિંગ હતું.
તેમણે લખ્યું છે કે, "જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના બે માણસોએ ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટને હાઈજૅક કરી તેની સામે વળતી કાર્યવાહી માટે ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાન જતી પાકિસ્તાનની બધી ફ્લાઇટ્સને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતી અટકાવી દીધી હતી."
"આ પ્રતિબંધને કારણે પૂર્વ પાકિસ્તાન સુધી શસ્ત્રો અને સૈનિકો પહોંચાડવાની પાકિસ્તાનની ક્ષમતા મર્યાદિત થઈ ગઈ હતી. તેના કારણે પૂર્વ પાકિસ્તાનમાં જીતનો માર્ગ મોકળો બની ગયો હતો."

પાકિસ્તાની વિમાનોને હવાઈ ક્ષેત્રમાંથી ઊડવાની મનાઈ
2012માં પ્રકાશિત આ પુસ્તકમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે 1968માં રૉની સ્થાપના થઈ તે પછી તેના વડા રામેશ્વર કાઓએ સૌ પ્રથમ જાસૂસોને પાકિસ્તાન અને ચીનની ખાનગી માહિતીએ એકઠી કરવાનું કામ સોંપ્યું હતું.
સાથે જ પૂર્વ પાકિસ્તાનમાં ખાનગી ઓપરેશન પાર પાડવાની કામગીરી કરવાની હતી.
ભારતે પાકિસ્તાની વિમાનોને પોતાના હવાઈ ક્ષેત્રમાંથી ઊડવાની મનાઈ કરી દીધી તે પછી હાઈજૅકની ઘટનામાં એક મહત્ત્વનો વળાંક આવ્યો હતો.
અધિકારીઓ એવી કલ્પના કરવા લાગ્યા કે કદાચ ગંગા વિમાનને હાઈજૅક કરવાની યોજના ઇરાદાપૂર્વક થઈ હતી કે શું. શું તેનો આધાર બનાવીને આવો પ્રતિબંધ મૂકવાનો છે તેવા સવાલો થવા લાગ્યા હતા.
તે વખતે પાકિસ્તાનમાં માર્શલ લૉ લાગુ હતો. તેના શાસકોએ ગંગા વિમાન હાઈજૅક પાછળના ઇરાદાની તપાસ કરવા માટે એક સભ્યનું પંચ પણ બનાવ્યું હતું. સિંધ હાઈકોર્ટના ન્યાયાધીશ નૂરુલ આરિફિનની અધ્યક્ષતામાં પંચ બેઠું હતું.
થોડા દિવસોમાં જ તપાસ પૂરી કરીને પંચે અહેવાલ આપ્યો કે ગંગા હાઈજૅકિંગ મૂળભૂત રીતે ભારતનું જ કાવતરું હતું.
હાશિમ કુરેશી ભારતીય ઍજન્ટ હતો અને તેને આ કાવતરું પાર પાડવા બીએસએફમાં ભરતી કરવામાં આવ્યો હતો તેમ જણાવાયું. પૂર્વ પાકિસ્તાનમાં નિયંત્રણ રાખવાનું મુશ્કેલ થાય તે માટે પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવાના બહાના માટે આવું થયું હતું તેવું તારણ પંચે કાઢ્યું હતું.
અત્યાર સુધી હાશિમ કુરેશી અને અશરફ કુરેશીની પાકિસ્તાનમાં હીરોની જેમ વાહવાહી થઈ રહી હતી, પણ અહેવાલ આવ્યો તે પછી હવે બંને સરકારી એજન્સીઓ માટે વિલન બની ગયા. વિમાન અપહરણના કાવતરાના આરોપ સાથે બંનેને પકડી લેવાયા. સાથે જ મકબૂલ બટ, ડૉ. ફારૂક હૈદર, અમાનુલ્લા ખાન, જાવેદ સાગર અને બીજાઓને પણ પકડી લેવાયા.
અશરફ કુરેશીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં તેમને પકડી લેવાયા હતા. થોડી પૂછપરછ કરવાની છે એમ કહીને અધિકારીઓ તેમને ટાંડા ડેમ પર લઈ ગયા હતા.
હાશિમ અને અશરફ અને બીજા નેતાઓ સામે વિમાન હાઈજેકનો મુકદ્દમો ચાલ્યો. કેસ ચલાવવા માટે ખાસ અદાલત બેસાડવામાં આવી હતી. હાશિમ કુરેશીએ નવ વર્ષની જેલ ભોગવવી પડી હતી.

નિવેદન જબરદસ્તી લખાવી લેવાયું
બીબીસી સાથેની વાતચીતમાં હાશિમ કુરેશીએ દાવો કર્યો કે શાહી કિલ્લામાં તેને કેદ રખાયો હતો, ત્યાં તેના પર બહુ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. એક લેખિત નિવેદન પર સહી કરી દેવા માટે તેને મજબૂર કરવામાં આવ્યો હતો. તેમની પાસેથી લખાવી લેવાયું હતું કે ભારતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના કહેવાથી તે બંનેએ ગંગા વિમાન હાઈજેક કર્યું હતું.
હાશિમ કુરેશીના જણાવ્યા અનુસાર મારપીટ થઈ એટલે તેમણે નિવેદન પર સહી કરી દીધી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટમાં જઈને જણાવ્યું કે તેમની પાસેથી આવું નિવેદન જબરદસ્તી લખાવી લેવાયું છે.
તેની સામેનો મુકદ્દમો શરૂ થયો, પણ કોઈ વકીલ તેનો કેસ લડવા તૈયાર નહોતો. તેથી ટ્રાયલ કોર્ટે સિનિયર એડવોકેટ આબિદ હસન મન્ટો તથા અન્ય વકીલોને બોલાવ્યા હતા.
આબિદ હસન મન્ટો કહે છે કે તેમને રજિસ્ટ્રારનો ફોન આવ્યો હતો અને ખાસ અદાલતમાં હાજર રહેવા માટે જણાવાયું હતું.
તેઓ અદાલત પહોંચ્યા ત્યારે નવાઈની વચ્ચે તેમની સામે એક બે નહિ, પણ નવ આરોપીઓ ઊભા કરી દેવાયા હતા. આરોપીઓને કહેવાયું કે તમારી રીતે વકિલની પસંદ કરી લો તેમને નિમવાની જવાબદારી સરકારની રહેશે.
મન્ટો કહે છે કે હાશિમ કુરેશીએ તેમની પસંદગી કરી હતી અને તેના કારણે સુપ્રીમ કોર્ટ સુધી તેમણે હાશિમના એડવોકેટ તરીકે કામગીરી કરી હતી.

સજામાંથી માફી
આ મુકદ્દમો ડિસેમ્બર 1971થી મે 1973 સુધી ચાલ્યો. ટ્રાયલ કોર્ટે પુરાવાઓ નોંધ્યા બાદ હાશિમને હાઈજેકિંગનો મુખ્ય ગુનેગાર ગણ્યો. તેના પર જાસૂસી સહિત ઘણા આરોપો હોવાથી સંયુક્ત રીતે 19 વર્ષની કેદની સજા થઈ. તેની સાથે રહેલા અશરફ તથા મકબૂલ બટ અને બીજાને માત્ર અદાલત ઊઠે ત્યાં સુધીની જ કેદ થઈ.
મન્ટોના દૂરના બનેવી અને આ કેસના આરોપી ડૉક્ટર ફારૂક હૈદર સરકારી સાક્ષી બન્યા હતા એટલે તેમને સજામાંથી માફી મળી હતી.
આવા ચૂકાદાથી આજે પણ હાશિમ આશ્ચર્ય અનુભવે છે. તેનું કહેવું છે કે અશરફની સાથે મળીને અપહરણ કર્યું હતું તો પછી બંનેને અલગ અલગ સજા કેવી રીતે આપવામાં આવી?
મુકદ્દમાંથી છુટ્યા બાદ અશરફ કુરેશીએ પંજાબ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી અને ત્યાં જ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. 2012માં તેનું અવસાન થયું હતું.
જોકે હાશિમ કુરેશીએ જેલમાંથી છુટવા માટે લાંબી રાહ જોવી પડી. સજા વિરુદ્ધ અપીલ કરી હતી, તેમાં પણ વર્ષો લાગી ગયા હતા. આ દરમિયાન રાવલપિંડી, કોટ લખપત, કમ્પ જેલ મિયાંવલી, ફૈસલાબાદ અને અટૉક સહિતની જેલમાં તેણે રહેવું પડ્યું હતું.

શેખ મુજીબ સાથે મુલાકાત
જેલવાસ દરમિયાન હાશિમ કુરેશીને અવામી લીગના પ્રમુખ શેખ મુજીબ સહિત પાકિસ્તાનના ઘણા મોટા રાજકીય નેતાઓ સાથે મુલાકાતની તક મળી હતી. ડિસેમ્બર 1971માં મિયાંવલી જેલમાં તે હતો ત્યારે તેને ખબર મળ્યા કે શેખ મુજીબને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યા છે.
"શેખ મુજીબ મારી બાજુની બેરેકમાં જ હતા. વચ્ચે એક મોટી દિવાલ હતી. એક દિવસ હું ગમે તેમ કરીને દિવાલ પર ચડી ગયો અને બીજી બાજુ જોયું તો શેખ મુજીબ બહાર પરસાળમાં બેઠા હતા. મેં કહ્યું શેખ સાહેબ સલામ. તેઓ આસપાસ જોવા લાગ્યા અને પછી ઉપર જોઈને કહે તમે કોણ છો ભાઈ?"
ભારતના ગંગા વિમાનનું હાઈજેક કરવાનો હું હાશિમ કુરેશી છું એવો જવાબ તેણે આપ્યો ત્યારે શેખ મુજીબે કહ્યું કે "અચ્છા, એ તું છે."
શેખ મુજીબે સામે પ્રાંગણમાં ખોદેલો ખાડો દેખાડીને કહ્યું, "જુઓ યાર, આ લોકોએ અહીં ખાડો ખોદ્યો છે. આ લોકો મને મારીને અહીં જ દફનાવી દેશે. મેં તેમને સાંત્વના આફી કે શેખ સાહેબ એવું નહિ થાય, તમારા લોકો તમારા માટે લડી રહ્યા છે."
"આટલી વારમાં જેલના અધિકારી આવી ગયા અને મને જબરદસ્તી નીચે ઉતારી દેવાયો. બાદમાં તેમને મળવાનું ના થયું, કેમ કે તેમને રાવલપિંડી જેલ મોકલી દેવાયા હતા."
મે 1980માં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે આખરે હાશિમ કુરેશીની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેને મુક્ત કરવામાં આવ્યો.

જેલમાંથી છુટ્યા પછી પાકિસ્તાનમાં વસવાટ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જેલમાંથી છુટ્યા પછી થોડા વર્ષો તે પાકિસ્તાનમાં જ રહ્યો. બાદમાં વિદેશ જતો રહ્યો. હૉલેન્ડમાં તેને કાયમી વસાહતીનો દરજ્જો મળ્યો. 2000ની સાલમાં તે શ્રીનગર જઈ રહ્યો હતો ત્યારે નવી દિલ્હી પર તેની ધરપકડ કરાઈ હતી.
હાશિમને પકડીને ભારતીય અધિકારીઓએ તેના પર પાકિસ્તાની એજન્ટ હોવાનો તથા ગંગા વિમાન હાઈજેક કરવાનો કેસ દાખલ કર્યો. આજે 20 વર્ષે પણ તે કેસનો નિકાલ થયો નથી. અત્યારે તે જામીન પર બહાર છે.
હાશિમનું કહેવું છે કે આ કેસમાં પાકિસ્તાનમાં તેને સજા થઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય કાનૂન પ્રમાણે એક જ કેસમાં બીજી વાર સજા ના થઈ શકે. તેના કારણે જ ભારતમાં તેની સામેના કેસમાં વિલંબ થઈ રહ્યો છે.
કદાચ હું એક માત્ર એવી વ્યક્તિ છું, જેના પર પાકિસ્તાન અને ભારત બંનેમાં એક બીજાના એજન્ટ હોવાના આરોપો મૂકાયા છે, એમ હાશિમ કહે છે. હાશિમ કહે છે કે આ આરોપ (એજન્ટ અથવા ડબલ એજન્ટ હોવાનો) આરોપ બહુ હાસ્યાસ્પદ છે.
તે વધુમાં કહે છે કે પોતે કોઈ દેશનો એજન્ટ નથી અને કાશ્મીરને બંને દેશોથી સ્વતંત્ર કરવા માટે જ તેણે ગંગા વિમાનને હાઈજેક કર્યું હતું.

જાસૂસી સંસ્થાનો ઉપયોગ
હાશિમનું કહેવું છે કે તેણે બેમાંથી એક પણ દેશની જાસૂસી સંસ્થા માટે કામ નથી કર્યું. "હા, તમે એવું કહી શકો કે મેં મારા ઉદ્દેશ માટે બંને દેશોની જાસૂસી સંસ્થાઓનો ઉપયોગ કરી લીધો."
બી. રમણના પુસ્તક વિશે વાત કરતાં હાશિમ કહે છે કે પોતે પાકિસ્તાની અથવા ભારતીય એજન્ટ છે તેવી વાત સાંભળી સાંભળીને કંટાળી ગયા છે. આ પુસ્તક પોતે વાંચ્યું નથી, પરંતુ આવું જ એક પુસ્તક રૉના એક ભૂતપૂર્વ જાસૂસે લખ્યું છે તેની સામે પોતે કેસ કર્યો છે એમ હાશિમે જણાવ્યું.
બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે પોતે કામ કર્યું હોત તો આજે તેનો ગર્વ પોતાને હોત અને પોતે બંગાળીઓના હીરો હોત એમ હાશિમનું કહેવું છે. જોકે આ પ્રકારની હિંસા કોઈ રીતે યોગ્ય નથી અને આજે પોતાને પસ્તાવો થઈ રહ્યો છે એમ તેણે ઉમેર્યું.
મન્ટોએ બીબીસીને જણાવ્યું કે હાશિમ કુરેશી એજન્ટ કે ડબલ એજન્ટ હતો કે કેમ તે પોતે કહી શકે તેમ નથી. પરંતુ એટલું ખરું કે ગંગા હાઈજેકિંગને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થયું. પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેવા વિભાજનવાદી આંદોલન પર તેની ઊંડી અસર થઈ હતી.
મન્ટોના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન બંને હાઈજેકિંગનો ફાયદો ઉઠાવવા માગતા હતા, પરંતુ વાસ્તવમાં ભારતે જ ફાયદો ઉઠાવી લીધો.
નાર્કોટિક્સ કન્ટ્રોલના મંત્રી રહેલા અને નિવૃત્ત બ્રિગેડિયર એજાઝ શાહે બીબીસીને આ વિશે જણાવતા હસતા હસતા કહ્યું કે બહુ કમનસીબ ઘટના હતી, જેની યોજના ભારતની રૉ તથા બીજી એજન્સીઓએ બનાવી હતી અને તેમાં સફળ થઈ ગઈ.
એજાજ શાહે બીબીસીને કહ્યું કે આજે પણ તેમને એ દિવસ યાદ છે. તે વખતે પોતે મકબૂલપુર સેલેન્ટમાં લેફ્ટનન્ટ હતા અને હાઈજેક પછી તેમને સરહદે મોકલવામાં આવ્યા હતા.
તેમના જણાવ્યા અનુસાર ગંગા હાઈજેકિંગ પછી જ પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનમાં સેનાની આવનજાવન ચાલુ થઈ હતી. ભારતને આ કાવતરામાં સફળતા મળી કેમ કે પૂર્વ પાકિસ્તાન જતા વિમાનોને હવાઈક્ષેત્રમાં ઉડવા ભારતે પ્રતિબંધ મૂકી દીધો એમ તેઓ વધુમાં જણાવે છે.

શેખ મુજીબને પકડી લેવાયા
તેમના જણાવ્યા અનુસાર તેના કારણે પૂર્વ પાકિસ્તાનના આંદોલનનો સામનો કરવામાં મોટી મુશ્કેલી આવી હતી.
શું પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓની નિષ્ફળતાને કારણે ગંગા હાઈજેકિંગને સફળતા મળી? આ સવાલના જવાબમાં એજાઝ શાહ કહે છે, હવે આટલા વર્ષે તેના વિશે વાત કરવાનો અર્થ નથી કે કોની નિષ્ફળતા હતી, પરંતુ એટલું ચોક્કસ કે હાઈજેકિંગથી આપણને મોટું નુકસાન થયું.
ભારતે પ્રતિબંધો લગાવ્યા તેના થોડા દિવસો બાદ જ માર્ચ 1971માં અવામી લીગના પ્રમુખ શેખ મુજીબુર રહેમાને સ્વતંત્ર બાંગ્લાદેશની માગણી કરી હતી. તેની સામે પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં 'સર્ચ લાઈટ' ઑપરેશન શરૂ કરી દીધું હતું.
26 માર્ચે શેખ મુજીબને પકડી લેવાયા. તે જ દિવસે મેજર ઝિયા-ઉર-રહેમાને રેડિયો પર બાંગ્લાદેશની સ્વતંત્રતાની પણ જાહેરાત કરી દીધી.
21 નવેમ્બર 1971ના રોજ મુક્તિ વાહિની સંગઠનની જાહેરાત થઈ અને ત્રીજી ડિસેમ્બર 1971ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત પણ થઈ ગઈ.
6 ડિસેમ્બરે ભારતે બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી. બાદમાં 16 ડિસેમ્બર, 1971ના રોજ આખરે પાકિસ્તાની સેનાએ ઢાકામાં ભારતીય સેના સામે આત્મસમર્પણ કરી દીધું. તે સાથે જ દુનિયાના નકશામાં બાંગ્લાદેશ નામે એક નવો સ્વતંત્ર દેશ કોતરાઇ ગયો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













