અહીં લગ્નના બહાને વારંવાર છોકરીઓને વેંચી નખાય છે

ઇમેજ સ્રોત, SEETU TEWARI
- લેેખક, સીટૂ તિવારી
- પદ, બિહારથી બીબીસી ગુજરાતી માટે
"યૂપીના લોકો જુગાર રમે છે, દારૂ પીવે છે અને બે-ત્રણ લગ્ન કરવામાં જરા પણ અચકાતા નથી."
આ કહેતાં કહેતાં રોષે ભરાયેલાં રાબિયાનું ગળું રૂંધાઈ જાય છે. જાણે કે ભૂતકાળનો કોઈ જખમ તાજો થઈ ગયો હોય.
ત્રણ બાળકોનાં માતા રાબિયાનું લગ્ન ઉત્તર પ્રદેશમાં કઈ જગ્યાએ થયાં, કયા વર્ષમાં થયાં એ તેમને કંઈ ખબર નથી. બસ એટલી ખબર છે કે તેમના પતિનું ઘર કોઈ જનાના હૉસ્પિટલ પાસે હતું. રાબિયાને તેમનાં માસીએ લગ્નનાં નામે દલાલને વેચી માર્યાં હતાં.
રાબિયા જણાવે છે, "ખોટું બોલીને મારું લગ્ન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે છોકરા પાસે પોતાનું ઘર છે, પેપરમાં નોકરી કરે છે. પરંતુ તેઓ ઝૂંપડીમાં રહેતા હતા અને રિક્ષા ચલાવતા હતા. મારી સાથે ખૂબ મારઝૂડ કરતા હતા, ભોજનમાં માટી નાખતાં હતા."
"અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા મજબૂર કરતા અને બાળકોને બીડીથી ડામ દેતા હતા. અમે કટિહાર ભાગી આવ્યાં. અહીં માતાપિતા, ભાભીનાં મહેણાંટોણાં સાંભળીએ છીએ, પણ જીવીએ તો છીએ."

તમે આ વાંચ્યું કે નહીં?

ઘણા લોકો માટે આખી જીંદગીનું દર્દ

ઇમેજ સ્રોત, SEETU TEWARI
રાબિયાના ઘરથી થોડા કિલોમિટર દૂર રહેતાં સોનમ પણ પતિને ત્યાંથી ભાગી આવ્યાં હતાં. ગામડામાં નાની એવી કરિયાણાની દુકાન તેમનો સહારો છે.
માતાપિતા વિનાની આ બાળકીનો પડોશીઓએ સોદો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં ટ્રેન અને પછી બસથી તેમના વર લગ્ન કરીને તેમને યૂપી લઈ ગયાં. આટલી લાંબી યાત્રા તેમણે જીવનમાં પહેલી વખત કરી હતી. સુખી જીવનનાં અનેક સપનાં પહેલી વાર આંખોમાં આંજ્યાં હતાં.
પરંતુ જ્યારે વાસ્તવિક જીવનનો સામનો થયો તો સપનાં તૂટી ગયાં.
સોનમ જણાવે છે, "પતિ કહેતા હતા કે અન્ય પુરુષો સાથે રાત વિતાવવાની છે. હું ન જતી તો મને ખૂબ મારતા અને કહેતા હતા કે મને વેચીને બીજા લગ્ન કરશે."
સોનમ પાસે વીતેલા જીવનની બે નિશાની છે.
પહેલી તેમનું બાળક અને બીજી તેમના એક પગમાં લાગેલા ચાકુના ઘાનાં નિશાન.
આવી જ તકલીફ 26 વર્ષીય આરતી પણ સહન કરી ચૂક્યાં છે. માનસિક રીતે બીમાર આ યુવતીના માથા પર ઘાનાં ઊંડાં નિશાન છે. તેમનાં લગ્ન માટે ત્રણ દલાલ આવ્યા હતા. આરતીનાં માતાને કહ્યું કે છોકરો ખૂબ સારો છે.
તેઓ જણાવે છે, "રાત્રે લગ્ન થયાં. કોઈ પંડિત નહોતા, મંત્ર પણ બોલવામાં આવ્યા નહોતા અને કોઈ ગ્રામજનો પણ ન હતા. જૂનાં કપડાંમાં જ લગ્ન કરાવીને લઈ ગયાં."
"પછી ખબર પડી કે તેઓ મારી દીકરીને ખૂબ મારે છે, તેથી અમે શોધીને દીકરીને પરત લાવ્યા. હવે તે બકરી ચરાવે છે."
રાબિયા, સોનમ અને આરતી જેવી તમામ પીડિતાઓને ખબર નથી કે યુપીમાં તેમનાં લગ્ન ક્યાં થયાં હતાં.


સીમાંચલમાં બ્રાઇડ ટ્રાફિકિંગ

ઇમેજ સ્રોત, SEETU TEWARI
બિહારમાં બ્રાઇડ ટ્રાફિકિંગ એટલે કે ખોટાં લગ્ન કરીને માનવતસ્કરીના મામલા સામાન્ય છે. તેમાં ખાસ કરીને સીમાંચલ એટલે કે પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, અરરિયા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ત્યાં ગરીબી, પ્રાકૃતિક આફત અને છોકરીનાં લગ્નના ખર્ચના પગલે છોકરીને લગ્નનાં નામે વેચી નાખવામાં આવે છે.
શિલ્પી સિંહ છેલ્લાં સોળ વર્ષથી ટ્રાફિકિંગ પર કામ કરી રહ્યાં છે. તેમની સંસ્થા 'ભૂમિકા વિહારે' વર્ષ 2016-17માં કટિહાર અને અરરિયાના દસ હજાર પરિવારોનો સર્વે કર્યો હતો.
તેમાં 142 કેસમાં દલાલના માધ્યમથી લગ્ન કરવામાં આવ્યાં હતાં. સૌથી વધારે લગ્ન ઉત્તર પ્રદેશમાં થાય છે. ઉત્તર પ્રદેશ સિવાય હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને પંજાબમાં પણ બ્રાઇડ ટ્રાફિકિંગનાં કેન્દ્ર છે.
શિલ્પી જણાવે છે, "અહીં દલાલ સ્લીપર સેલની જેમ કામ કરે છે અને તેઓ સતત સંભવિત શિકાર પર નજર રાખે છે. જ્યારે તેમને ખબર પડે છે કે પરિવાર મુશ્કેલીમાં છે તો પોતે અથવા કોઈ સંબંધીને પૈસા આપીને ખોટાં લગ્ન કરાવી દે છે. ત્યારબાદ છોકરી ક્યાં ગઈ, કોઈને ખબર હોતી નથી."

ઇમેજ સ્રોત, SEETU TEWARI
સ્ટેટ બૅન્ક ઑફ ઇંડિયાના ઇકોરૈપ નામના પબ્લિકેશનમાં માર્ચ 2019માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બિહાર માનવ વિકાસ સૂચકાંકોમાં સૌથી નીચે છે.
1990થી 2017 વચ્ચેના આંકડા દર્શાવે છે કે માનવ વિકાસ સૂચકાંકમાં વૃદ્ધિ માટે કામ કરવામાં પણ બિહાર ભારતીય રાજ્યોમાં સૌથી પાછળ છે.
બિહારમાંથી સસ્તા શ્રમ, દેહવ્યાપાર, માનવ અંગ અને ખોટાં લગ્ન માટે માનવતસ્કરી થાય છે.
છેલ્લા એક દાયકામાં માનવતસ્કરીના 753 જેટલા કેસ પોલીસે દાખલ કર્યા છે. 2274 માનવતસ્કરોની ધરપકડ થઈ છે. 1049 મહિલા અને 2314 પુરુષોને માનવતસ્કરો પાસેથી મુક્ત કરાવ્યાં છે.
સીઆઈડીના પોલીસ મહાનિદેશક વિનય કુમાર કહે છે, "જ્યાં પણ લિંગાનુપાત ઓછો છે ત્યાં લગ્નના નામે છોકરીઓની તસ્કરી માટે ગૅંગ ઑપરેટ કરે છે. આ ગૅંગ માતાપિતાને લાલચ આપે છે અને તેઓ પૈસા માટે આવાં લગ્ન માટે સહમત થઈ જાય છે."
"ત્યારબાદ છોકરીઓનું રિ-ટ્રાફિકિંગ પણ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા માગ અને આપૂર્તિની છે."
બિહારનો લિંગાનુપાત 918 છે જ્યારે સીમાંચલનો 927. આ જ કારણ છે કે જે રાજ્યોમાં લિંગાનુપાત ઓછો છે. તેમના માટે સીમાંચલની છોકરીઓ મોટો અને સહેલો શિકાર છે.
આ જ કારણ હતું કે વર્ષ 2014માં ભાજપ નેતા ઓ. પી. ધનકડે એક સભામાં કહ્યું હતું, "હરિયાણામાં ભાજપ સરકાર બનશે તો રાજ્યના યુવાનોનાં લગ્ન માટે બિહારથી છોકરીઓ લાવવામાં આવશે."


વારંવાર વેચી દેવાય છે છોકરીઓ

ઇમેજ સ્રોત, SEETU TEWARI
મજૂરી કરતાં ઘોલી દેવીનાં નણંદ પણ રિ-ટ્રાફિકિંગનો શિકાર બન્યાં છે.
ઘોલી દેવી જણાવે છે, "નણંદનો વાન ગોરો હતો. એક દિવસ સુંદર એવા દુલ્હા સાથે દલાલ આવ્યા અને નણંદનાં લગ્ન કરાવી દીધાં. ત્યારબાદ મારાં સાસુએ 6000 રૂપિયા ખર્ચીને બે વખત નણંદની શોધ કરવાનો પ્રયાસ કર્યો પણ નણંદને વેચી મારવામાં આવ્યાં હતાં. મારાં સાસુ આ દુઃખને સહન ન કરી શક્યાં અને માનસિક હાલત બગડતાં તેમનું મૃત્યુ થઈ ગયું."
ઘોલી દેવી જેવા ઘણા પરિવારો વર્ષોથી પોતાની દીકરીના સમાચાર આવવાની રાહ જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, SEETU TEWARI
ભાજપ નેતા કિરણ ઘઈ બિહાર વિધાનસભા પરિષદ બાળવિકાસ મહિલા સશક્તીકરણ સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યાં છે.
તેઓ માને છે કે ટ્રાફિકિંગનો મુદ્દો રાજકીય પક્ષો માટે મહત્ત્વ ધરાવતો નથી.
તેઓ કહે છે, "સમિતિનાં અધ્યક્ષ તરીકે મારો અનુભવ રહ્યો છે કે નેતા ટ્રાફિકિંગને ટ્રાફિક-વ્યવસ્થા સાથે જોડી દેતા હતા. આ સામાજિક મુદ્દો પોલિટિકલ ઍજન્ડામાં પરિવર્તિત થાય તે માટે ખૂબ સંવેદનશીલતાની જરૂર છે, જે હાલ જોવા મળી રહી નથી.""

આશા પણ છે....

ઇમેજ સ્રોત, SEETU TEWARI
કટિહારના જ એક ગામમાં એક ચબૂતરા પાસે 15 છોકરીઓ એકત્રિત થઈ છે અને તેઓ ભેગી મળીને ગીત ગાઈ રહી છે....
દુલ્હા બન કે ગાંવ મેં ઘૂસે, જાને સબકા ભેદવા
દારૂ ભી પિલાવે, સબકે તાડી ભી પિલાવે
આપન ગાંવ કે બેટી બિકે બનકે દુલ્હનિયાં
બારથી અઢાર વર્ષની છોકરીઓના આ ગ્રૂપમાં રીટા પણ છે. આઠમા ધોરણમાં ભણતાં રીટા 15 વર્ષનાં હતાં ત્યારે ગઈસા દેવી નામનાં દલાલે પોતાના સાથીઓ સાથે મળીને જબરદસ્તી તેમનાં લગ્ન કરાવી દીધાં હતાં.
રીટા ત્રણ મહિના બાદ ભાગી આવ્યાં અને ફરી શિક્ષણ મેળવવાનું શરૂ કરી દીધું.
રીટા કહે છે, "ભણીએ-ગણીએ છીએ અને પોતાની બહેનપણીઓને જણાવીએ છીએ કે દલાલના ચક્કરમાં લગ્ન ન કરતાં."
સીમાંચલના વિસ્તારમાં રીટા જેવી ઘણી છોકરીઓએ આ વર્ષે ઇન્ટરમીડિયેટની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












