લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રચારમાંથી 'ગુજરાત મૉડલ' ગુમ કેમ થયું?

નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીના મૉડલનું નિરિક્ષણ કરતા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મહેઝબીન સૈયદ
    • પદ, બીબીસી ગુજરાતી

હાલ 2019ની લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે અને તેમાં મુખ્ય મુદ્દાઓને બદલે મોટા ભાગે રાષ્ટ્રવાદની ચર્ચા થઈ રહી છે.

આવી જ રીતે વર્ષ 2014ની ચૂંટણીના પ્રચારમાં ગુજરાતનો વિકાસ ચર્ચામાં હતો એટલે કે વિકાસ આધારિત 'ગુજરાત મૉડલ'ની ચર્ચા થઈ રહી હતી.

ભાજપે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો છે પરંતુ તેમાં પણ ક્યાંય ગુજરાત મૉડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ગુજરાતમાં થઈ રહેલા પ્રચારમાં વિકાસની વાતો આવે છે પરંતુ ગુજરાત મૉડલનો ઉલ્લેખ જોવા મળતો નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહ સહિતના ભાજપના નેતાઓ હવે ગુજરાત મૉડલનો ઉલ્લેખ કરી રહ્યા નથી.

line

ગુજરાત મૉડલ ગુમ કેમ થઈ ગયું?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે રાજ્યમાં તેમના નેતૃત્વ હેઠળ આર્થિકક્ષેત્રે થયેલી પ્રગતિને 'ગુજરાત મૉડલ' નામ આપવામાં આવ્યું હતું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવે જણાવે છે, "ગુજરાતની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે તેના કારણે આ લોકસભા ચૂંટણીમાં ગુજરાત મૉડલની વાત થઈ રહી નથી."

"ગુજરાતમાં ખેતી ક્ષેત્રે પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, રોકાણમાં કોઈ વધારો થઈ રહ્યો નથી. આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત મૉડલની ચૂંટણીમાં વાત કરવાથી પાર્ટીને કોઈ ફાયદો જ થવાનો નથી."

તેઓ ઉમેરે છે, "ગુજરાતમાં નોકરીઓ મામલે કોઈ નવો આંકડો પણ જાહેર થયો નથી. છેલ્લા જે આંકડા મળ્યા હતા તે મુજબ ગુજરાતમાં નોકરીઓ ખૂબ ઓછી છે."

"શિક્ષણની વાત કરીએ તો ગુજરાત સરકાર શિક્ષણ પર વધારે ખર્ચ જ કરતી નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ પર ગુજરાત સરકાર વધારે ભાર આપતી નથી."

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'ગુજરાત મૉડલ ખરેખર 'મૉડલ' છે?'

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી રિતીકા ખેરા જણાવે છે કે 2014ની ચૂંટણીમાં ગુજરાત મૉડલ છવાયા બાદ લોકોએ તેના પર સવાલો કરવાનું શરૂ કર્યું હતું.

તેઓ કહે છે, "લોકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે ગુજરાતનું મૉડલ ખરેખર 'મૉડલ' છે?"

"ગુજરાતમાં ઉદ્યોગો વધારે છે અને તેની વૃદ્ધિ થઈ રહી છે પરંતુ ગુજરાતમાં વિકાસ નથી."

"વિકાસના દૃષ્ટિકોણથી લોકોનાં સ્વાસ્થ્ય, શિક્ષણ, વગેરેની વાત કરવી જરૂરી છે અને તેમાં ગુજરાત આગળ નથી."

"2014માં જ્યારે વડા પ્રધાન મોદીએ વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાત મૉડલને આગળ કર્યું, ત્યારબાદ ધીરે ધીરે લોકોને પણ સમજાવા લાગ્યું કે ખરેખર તેમાં વાત કરવા જેવું વધારે કંઈ નથી."

"ગુજરાત મૉડલને એક માર્કેટીંગ ટ્રીક તરીકે વાપરવામાં આવ્યું હતું. 2014માં ગુજરાત મૉડલને નવા વિજ્ઞાપન તરીકે ઉતારવામાં આવ્યું હતું."

"જ્યારે આ વર્ષે તેમને લાગે છે કે ગુજરાત મૉડલમાં બોલવા જેવું કંઈ નથી તો તેઓ દેશની સુરક્ષા, રાષ્ટ્રવાદ, નાગરિકતા બિલ જેવા મુદ્દાઓ ઉઠાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે."

line

'ગુજરાત મૉડલ સિવાય પણ વાત કરવા માટે બીજી ઘણી વાતો'

વાઇબ્રન્ટ ગુજરાતના પોસ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

રિતીકા ઉમેરે છે, "હું એ નથી કહેતી કે ગુજરાત સૌથી ખરાબ રાજ્ય છે પરંતુ દેશનાં ટૉપ 10 રાજ્યોમાં ગુજરાતનો 8મો નંબર છે."

"છેલ્લા 5 વર્ષના સમયગાળામાં ઘણાં બૅન્ક કૌભાંડ સામે આવ્યાં છે. જેમાં ઘણા ગુજરાતીઓનાં નામ બહાર આવ્યાં છે."

"ગુજરાતમાં અસમાનતા ખૂબ વધારે છે. ઉદ્યોગો વધતા પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચ્યું છે."

"એટલે કે ગુજરાતમાં ઘણી એવી વસ્તુઓ થઈ રહી છે કે જે ગુજરાત મૉડલને ખરાબ દર્શાવે છે. તેવામાં તેની વાત કરવી વડા પ્રધાન માટે યોગ્ય નથી."

"છેલ્લાં 50 વર્ષનો સમયગાળો લેવામાં આવે તો ગુજરાતના અર્થતંત્રમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી."

"ગુજરાતની વૃદ્ધિ દર 10 વર્ષે વધુ સારી થઈ રહી છે પણ સમસ્યા એ છે કે બધું ધ્યાન વૃદ્ધિ પર જ છે, વિકાસ પર નહીં."

"એટલે કે GDP વધે પણ સાથે-સાથે નોકરીઓ ન હોય અથવા તો GDPના વિકાસનો ફાયદો થોડા લોકોના જ હાથમાં આવે અને બાકી લોકોની પરિસ્થિતિ જેવી છે તેવી જ રહે તો તેનાથી અસામનતા વધે છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજકીય વિશ્લેષક ઉદય માહુરકર કહે છે, "જ્યારે મોદી પહેલી વખત વડા પ્રધાન પદના ઉમેદવાર બન્યા હતા, ત્યારે તેમની પાસે પ્રચાર કરવા માટે કંઈ હતું નહીં."

"હવે તેઓ વડા પ્રધાન છે તો તેમની પાસે ગુજરાત મૉડલ સિવાય વાત કરવા માટે બીજી ઘણી વાતો છે. ગુજરાત મૉડલનો લોકસભા ચૂંટણી સાથે કોઈ સીધો સંબંધ નથી."

લાઇન
લાઇન

આંકડાની દૃષ્ટિએ ગુજરાતની સ્થિતિ

ચાદર બનાવતાં મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

આર્થિક સર્વે અનુસાર 1995થી 2005 વચ્ચે ગુજરાતમાં રોજગાર વૃદ્ધિ દર 2.6% રહ્યો હતો જ્યારે હરિયાણામાં આ દર 36.7% હતો. આ વૃદ્ધિ દર કર્ણાટકમાં 29.8%, આંધ્ર પ્રદેશમાં 27.7% અને તમિલનાડુમાં 24.9% રહ્યો.

બીજી તરફ ફેક્ટરીમાં મળતી રોજગારીમાં પણ ઘટાડો નોંધાયો છે. 1960-61માં ગુજરાતમાં પ્રતિ ફેક્ટરી 99 લોકોને રોજગાર મળતો હતો.

2005માં સંખ્યા ઘટીને 59.44 થઈ ગઈ. જ્યારે આ ફેક્ટરીઓમાં સરેરાશ મૂડી રોકાણ અઢી ગણું વધ્યું છે. આ તથ્યને ગુજરાત સરકારે પણ સ્વીકાર કર્યું છે.

સ્વાસ્થ્ય પર જીડીપી અને પ્રતિ વ્યક્તિ આવકનો જેટલો ભાગ ગુજરાતમાં ખર્ચ કરવામાં આવે છે તે મામલે તે આઠમા નંબર પર છે.

2011ની વસતિ ગણતરી અનુસાર 2001થી 2011 સુધી ભારતના લિંગાનુપાતમાં સુધારો થયો પણ ગુજરાતમાં ઘટાડો નોંધાયો છે.

line

ગુજરાત મૉડલનું આંદોલન સાથે કનેક્શન

અનામત આંદોલન સમયે મહેસાણાનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં રોજગારીને લઈને શિક્ષણ અને નોકરીઓમાં અનામતની માગ સાથે હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું.

બીબીસી ગુજરાતીના કાર્યક્રમ 'ગુજરાતની વાત'માં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ કહ્યું, "સમાજમાં અસંતોષના કારણે આંદોલનો થયાં છે."

"અહીં વાત આવે છે આજીવિકાની. ઝડપથી વધતા શિક્ષણના કારણે શહેરીકરણ વધ્યું છે. ગામડાંમાંથી યુવાનો શહેરમાં આવ્યા અને અહીં આજીવિકા ન મળે તો અસંતોષ ઊભો થાય છે."

"આ વિકલ્પો ઊભા કરવાનું કામ સત્તામાં બેઠેલા લોકોનું છે. જો રોજગારીના વિકલ્પો ઊભા ના થાય તો અસંતોષ ઊભો થાય છે."

આ કારણ હોઈ શકે છે ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદી 'ગુજરાત મૉડલ'ની વાત થઈ રહી નથી.

લાઇન
લાઇન

ગુજરાત મૉડલ અને રાજકારણ

ચૂંટણી પ્રચાર દરમિયાન લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત મૉડલની ચર્ચાની 2019ની લોકસભા ચૂંટણીમાં ગેરહાજરી મામલે જ્યારે કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે ગુજરાત મૉડલની નિષ્ફળતા 2017ની વિધાનસભા ચૂંટણીમાં જ સામે આવી ગઈ હતી.

જયરાજસિંહ પરમાર કહે છે, "2017ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 99 બેઠકો જીતી ભાજપે સંતોષ માનવો પડ્યો ત્યારે તેઓ સમજી ગયા હતા કે ગુજરાત મૉડલ નિષ્ફળ છે કે જેને જનતાએ નકારી દીધું છે અને હવે કામ લાગી શકે તેમ નથી."

"ગુજરાત મૉડલ જો સફળ હોય તો ગુજરાતના મુખ્ય મંત્રી પણ પોતાનાં કાર્યોની વાત કરવાના બદલે ચૂંટણીના સમયે પાકિસ્તાનની વાતો જ કેમ કરે છે? કારણ એ છે કે દર્શાવવા માટે તેમની પાસે કોઈ વિકાસ કાર્યો નથી."

"2014ના ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ ખૂબ જ સારી હોવાની વાત કહીને ગુજરાત મૉડલનો પ્રચાર કર્યો હતો."

"જોકે, 2001થી ક્રાઇમ રેકર્ડ, નેશનલ સૅમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ જુઓ તો તમામ રિપોર્ટમાં મહિલાઓની ગુનાખોરીના કેસ અન્ય રાજ્યોની સરખામણીએ અનેક ગણી વધારે હોવાનું સામે આવ્યું છે."

"મહિલાઓ વિરુદ્ધ થતી ગુનાખોરીમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. છતાં મહિલાઓની સુરક્ષાના દાવા કરી વડા પ્રધાને દેશમાં ગુજરાત મૉડલ વેચ્યું."

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના આરોપનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા કહે છે, "ગુજરાત મૉડલ વિશે વાત કરવાની જરૂર જ નથી. કેમ કે કામ બોલતું હતું એટલે જ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં જનાદેશ મળ્યો. થોડી બેઠકો ઓછી થઈ પણ તે થોડા સમય સુધી જ રહેવાનું છે."

"રહી વાત રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની, તો કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે મુદ્દા ઘડે છે અને ખોટા આરોપ લગાવે છે. ગુજરાતમાં આજે મોડી રાત્રે મહિલાઓ કોઈ ડર વગર જઈ શકે છે અને કાયદો-વ્યવસ્થા સઘન છે."

ચૂંટણી પ્રચારમાં ગુજરાત મૉડલનો ઉલ્લેખ કેમ નથી થઈ રહ્યો તે અંગે પ્રશાંત વાળા કહે છે, "આ દેશની ચૂંટણી છે જેમાં દેશની વાત કરવામાં આવી રહી છે."

"ગુજરાતનું મૉડલ સફળ છે એટલે જ તો સતત છઠ્ઠી વખત રાજ્યમાં ભાજપને સત્તા મળી."

"2019ની લોકસભા ચૂંટણી એ દેશની ચૂંટણી છે તો તેમાં દેશની વાત કરવામાં આવી રહી છે. લોકોને પાંચ વર્ષ દરમિયાન મોદી સરકારે શું કામ કર્યા તેના અંગે જણાવવામાં આવી રહ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો