વેશ્યાગૃહમાં રહેતી સેક્સ વર્કર ચૂંટણીમાં કોને મત આપશે?- ગ્રાઉન્ડ રિપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પૂનમ કૌશલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રાતના બે વાગ્યા છે. દિલ્હીના શ્રી અરવિંદો માર્ગ પર ગાડી રોકાતા જ બે છોકરીઓ ગાડીની બારી તરફ દોડી. તેમને કોઈ ગ્રાહકની શોધ હતી.

ગ્રાહક ન મળવાથી તેમનો ચહેરો ઊતરી ગયો અને ફરી તેઓ ત્યાં જ જઈને ઊભી રહી ગઈ, જ્યાં રાતના અંઘકારમાં પોતાને થોડી છુપાવીને, અને થોડી બતાવીને ઊભી હતી.

એક પત્રકાર તરીકે મેં તેમને મારો પરિચય આપ્યો અને તેમની સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેઓ એકબીજાનું મોઢું જોવા લાગી. બસ એટલું કહ્યું, "ખૂબ મજબૂરી છે એટલે આ કામ કરી રહ્યાં છીએ."

હાથમાં ફોન જોઈને તેઓ આજીજી કરીને કહેવા લાગી, "તસવીર ન લેતા, ઘરે ખબર પડી જશે તો ખૂબ મુશ્કેલી ઊભી થઈ જશે."

ગાડીઓમાં બેઠેલા કેટલાક લોકોની આ છોકરીઓ પર નજર હતી. તેમની દેખરેખ હેઠળ જ દિલ્હીના આ ચર્ચિત રસ્તા પર વેશ્યાવૃત્તિનું કામ થઈ રહ્યું હતું.

ચૂંટણી સાથે જોડાયેલા કોઈ સવાલનો જવાબ આ છોકરીઓએ ન આપ્યો. બસ એટલું જ કહ્યું, અમે એવી સરકાર ઇચ્છીએ છીએ કે જે ગરીબો વિશે વિચારે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પોલીસનો ડર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અચાનક દૂરથી એક લાલ બત્તીવાળી ગાડી આવતી જોવા મળી.

તે લાલ રોશનીને જોતાં જ ત્યાં હાજર છોકરીઓમાં ભાગદોડ મચી ગઈ અને બધી જ છોકરીઓ ઑટો અને ગાડીઓમાં બેસીને ત્યાંથી ભાગી ગઈ.

તે ઍમ્બ્યુલન્સ હતી. થોડીવાર પછી ફરી છોકરીઓ આવી ગઈ અને ગ્રાહક શોધવા લાગી.

તેમને લોકતંત્ર કે ચૂંટણી સાથે કોઈ ખાસ મતલબ ન હતો. તેમને પોતાના વિસ્તારના ઉમેદવારો અંગે પણ કોઈ જાણકારી ન હતી.

18-19 વર્ષની વય ધરાવતી બેચેન યુવતીને આજે કોઈ ગ્રાહક મળ્યો ન હતો.

રાતના સાડા ત્રણ વાગતા તેઓ એ જ રિક્ષામાં પરત ફરી ગયાં જેમાં તેઓ આવ્યાં હતાં.

વેશ્યાલય બહારની તસવીર

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

નવી દિલ્હી રેલવે સ્ટેશનથી અજમેરી ગેટ વધારે દૂર નથી અને અહીંથી નીકળીને લાહોરી ગેટ સુધી લઈ જતો જીબી રોડ 'બદનામ ગલી' તરીકે ઓળખાય છે.

જીબી રોડ પર નીચે મશીનરીના સામાનની દુકાનો છે અને ઉપર અંધારામાં ડૂબેલાં વેશ્યાગૃહો છે.

અંધકારમાં ફેલાયેલી સીડીઓ ઉપર જઈને એક હૉલમાં ખૂલે છે જેની ચોફેર નાના-નાના રૂમ બનેલા છે.

હૉલમાં ઘણી મહિલાઓ છે. આધેડ વયની અને જવાન મહિલાઓ પણ છે, તેમાંથી કેટલીક મહિલાઓ આસપાસ ભાડે રહે છે અને 'ધંધો કરવા' અહીં આવે છે.

તેમની સાથે વાત કરવાથી અંદાજ આવે છે કે તેમની દુનિયા આ વેશ્યાગૃહ સુધી જ સીમિત છે અને લોખંડની જાળી ધરાવતી બાલ્કનીની બહારનો ચૂંટણીનો ઘોંઘાટ કે તાજી હવા તેમનાં સુધી પહોંચી શકતાં નથાં.

1980ના દાયકામાં નાની ઉમંરે મહારાષ્ટ્રથી જીબી રોડ પહોંચેલાં સંગીતાને ખબર છે કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે પરંતુ તેમને તેની અંદર ન તો રસ છે, ન કોઈ નેતા પાસે કોઈ આશા.

લાઇન
લાઇન

નોટબંધીથી ધંધા પર અસર

નોટબંધી દરમિયાન લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સંગીતાનાં મતાનુસાર નોટબંધીથી તેમના ધંધા પર એવી અસર થઈ છે કે ઘણી વખત તેમની પાસે ખાવા માટે પણ પૈસા હોતા નથી.

તેઓ કહે છે, "મોદીજીએ ખાવાનું પણ ખરાબ કરી નાખ્યું છે. સરકાર એવી હોવી જોઈએ જે ગરીબોનો સાથ આપે, સહારો આપે, રહેવા માટે જગ્યા આપે. પરંતુ ગરીબો માટે કંઈ થઈ રહ્યું નથી."

"જેમની પાસે પહેલાંથી બધું જ છે તેમને જ આપવામાં આવી રહ્યું છે. અમારા જેવી મહિલાઓ માટે કોઈ કંઈ કરી રહ્યું નથી."

સંગીતા પાસે ઓળખપત્ર અને આધારકાર્ડ પણ છે. તેઓ દરેક વખતે મત આપે છે પરંતુ તેમને લાગતું નથી કે તેમના મતથી કંઈ બદલાશે.

તેઓ કહે છે, "અમને લોકો કોઠાવાળી કહે છે પરંતુ બોલનારા લોકો એ નથી વિચારતા કે અમે પણ પેટ માટે બધુ કરી રહ્યાં છીએ. કોઈની નજરમાં અમારી કોઈ કિંમત નથી."

સંગીતાએ ઝીરો બૅલેન્સ પર ખાતું ખોલાવ્યું હતું, પરંતુ તેમની ફરિયાદ છે કે તેમના ખાતામાં કોઈ પૈસા નથી આવ્યા.

તેઓ કહે છે, "પહેલાં કહ્યું હતું કે પંદર લાખ રૂપિયા નાખીશું. ઝીરો બૅલેન્સ પર ખાતું પણ ખોલાવી દીધું, પરંતુ એક પૈસો કોઈના ખાતામાં ન નાખ્યો."

"આ તો લોકોને મૂર્ખ બનાવવા જેવું થયું. હવે દર મહિને 6 હજાર રૂપિયા આપવાની લાલચ આપી રહ્યા છે પરંતુ અમને લાગતું નથી કે કોઈ પૈસા કે મદદ મળશે."

તેઓ કહે છે, "અમે ખોટી જગ્યાએ છીએ, પણ અહીં અમારી મરજીથી અમે નથી આવ્યા. મજબૂરી છે. ઘર-ગૃહસ્થી ધરાવતી મહિલાઓને બધું જ આપવામાં આવે છે, પરંતુ અમારા જેવી મહિલાઓ વિશે કોઈ કંઈ પૂછી રહ્યું નથી."

"અમને પણ જગ્યાની જરૂર છે. પણ અમારા ભાગમાં કંઈ આવતું નથી."

લાઇન
લાઇન

'મતથી પરિવર્તનની આશા નથી'

વેશ્યાગૃહમાં રહેતા લોકોની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

સંગીતા આ વખતે પણ દર વખતની જેમ મત આપશે પરંતુ તેમને લાગતું નથી કે મત આપવાથી તેમનાં જીવનમાં કોઈ પરિવર્તન આવશે.

તેઓ કહે છે, "કોઈને અમારી પરવા નથી. અમારા પર કોઈ ધ્યાન નથી આપતું કેમ કે અમારું કામ ગેરકાયદેસર છે."

આ વેશ્યાગૃહ પર કામ કરતાં સાયરા પણ સંગીતાની જેમ દર વખતે મત આપે છે.

તેઓ કહે છે, "સરકાર પાસે અમારી એ જ આશા છે કે અમારો કામ-ધંધો ચાલતો રહે. અમારાં પણ બાળકો છે, જેમને છોડીને અમે અહીં પડ્યાં છીએ."

"જ્યારથી નોટબંધી થઈ છે અમારો ધંધો ઠપ્પ થઈ ગયો છે. ખાવા-પીવા માટે પણ અમે મોહતાજ થઈ ગયાં."

તેઓ કહે છે, "મારા પરિવારમાં કોઈને ખબર નથી કે હું આ કામ કરું છું. ચાર બાળકો છે, તેમનું પેટ ભરવું છે. તેમની ફી ભરવી છે."

"જો ક્યાંય વાસણ માંજવાનું કામ કરું તો મહિનાના ચાર-પાંચ હજાર જ મળશે. શું આટલા પૈસામાં ચાર બાળકોનું પેટ ભરી શકાય?"

વેશ્યાગૃહની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

સાયરાની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. દીકરીઓ ગામડામાં રહે છે જ્યારે તેમનો દીકરો તેમની સાથે જ રહે છે.

સેક્સ વર્કર તરીકે કામ કરતાં-કરતાં તેઓ સમય પહેલાં જ વૃદ્ધ બનવા થઈ રહ્યાં છે.

ગામડામાં તેમની પાસે આધારકાર્ડ સહિત બધા દસ્તાવેજ છે અને કેટલીક સરકારી યોજનાઓનો ફાયદો પણ તેમને મળે છે, પરંતુ ઘરમાં કોઈ કમાઉ પુરુષ ન હોવાના કારણે તેઓ દિલ્હી આવ્યાં અને જીબી રોડ પહોંચી ગયાં.

તેઓ કહે છે, "અમારું જીવન તો આમ જ વીતી ગયું, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે અમારાં બાળકોનું ભવિષ્ય સારું હોય."

લાઇન
લાઇન

ગરીબીની ફટકાર

વેશ્યાગૃહની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

26 વર્ષીય નીલમ ઓછી ઉંમરે અહીં આવી ગયાં હતાં. અહીં પહોંચવાનું કારણ તેઓ પણ પરિવારની ગરીબી જ જણાવે છે.

દર મહિને 10-15 હજાર રૂપિયા સુધીની કમાણી કરતાં નીલમ આ વેશ્યાગૃહની અંદર જ બનેલી એક નાની ઓરડીમાં રહે છે.

સરકાર અને બહાર ચાલી રહેલા રાજકારણના સવાલ પર તેઓ કહે છે, "અમને વધારે કંઈ તો ખબર નથી, પરંતુ અમે એવો માહોલ ઇચ્છીએ છીએ કે જેનાથી અમારાં બાળકો પણ બીજાં બાળકોની જેમ ભણી-ગણી શકે."

તેઓ કહે છે, "અમારી પાસે રહેવા માટે જગ્યા નથી. જો સરકાર અમારા રહેઠાણની ક્યાંક વ્યવસ્થા કરી આપે તો અમે નર્કમાંથી બહાર નીકળી જઈએ."

પરંતુ અહીંથી બહાર નીકળવું તેમની કલ્પના માત્ર છે.

બહારના રાજકારણ મામલે સવાલ પર તેઓ કહે છે, "આજદિન સુધી કોઈએ આવીને અમારા હાલ પૂછ્યા નથી. અમને ક્યારેય લાગ્યું નથી કે કોઈને અમારી પરવા છે. અમે જે કરીએ છીએ, તેને લોકો ખોટો ધંધો ગણાવે છે."

"જેમને ખોટા જ માની લીધા છે, તેમનો સાથ કોઈ કેવી રીતે આપી શકે?"

લાઇન
લાઇન

સરકાર સાથે કોઈ મતલબ નથી

વેશ્યાગૃહની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

આ જ વેશ્યાગૃહમાં રહેતાં રંજનાને પણ ચૂંટણી સાથે કોઈ લેવાંદેવાં નથી.

તેઓ કહે છે, "જ્યારે સરકારે અમારા માટે કંઈ કર્યું નથી, તો અમે સરકાર માટે કંઈ કેમ કરીએ?"

તેઓ ઉમેરે છે, "મને ચૂંટણી વિશે કંઈ ખબર નથી. ન હું સમાચાર જોઉં છું ન છાપું વાંચું છું. મારી પાસે ચૂંટણીકાર્ડ નથી. જો કોઈ ચૂંટણીકાર્ડ બનાવી આપે તો મત પણ આપીએ. પણ અમારું ચૂંટણીકાર્ડ બનાવશે કોણ?"

'જો મત આપવાની તક મળે તો કેવી સરકાર બનાવવા ઇચ્છશે?' આ પ્રશ્ન પૂછતાં અહીં હાજર દરેક મહિલાએ એક જ અવાજે કહ્યું, "જે ગરીબો વિશે પણ વિચારે, અને અમારા જેવા નર્કમાં રહેતા લોકો માટે પણ કંઈક કરે."

રંજના ખૂબ જ નાની ઉંમરે અહીં પહોંચ્યાં હતાં.

અહીં પહોંચવાના સવાલ પર તેઓ મૌન રહ્યાં અને તેમનું હાસ્ય આંસુમાં પરિવર્તિત થઈ ગઈ.

લાઇન
લાઇન

કેદ જીવન

વેશ્યાગૃહની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

આ મહિલાઓના ઓરડા ભોંયરાં જેવા છે અને તેઓ તેને કહે પણ ભોંયરાં જ છે.

એક સેક્સ વર્કર કે જેઓ હવે વૃદ્ધ થઈ ગયાં છે, તેઓ કહે છે, "અમારાં ભોંયરામાં કોઈ અમારા હાલ-ચાલ પૂછવા આવ્યા અમારા માટે તો એ જ વાત મોટી છે."

"પરંતુ અમે જાણીએ છીએ કે કોઈ અમારા માટે ગમે તે કહી દે પરંતુ અમારું ભલું નહીં થાય. અમારું જીવન આ જ ભોંયરાઓમાં સમાપ્ત થઈ જશે."

એક વેશ્યાગૃહ પર ઍલ્યુમિનિયમની એક સીડી ઉપર બનેલા એક રુમ સુધી પહોંચ્યા ત્યારે અહીં ચાર-પાંચ વર્ષનું એક બાળક એકલું રમી રહ્યું હતું.

દીવાલ પર કાગળનાં ફૂલ લાગેલાં હતાં. ઊંચી એડીનાં જૂતાં ઉપર રાખવામાં આવ્યાં હતાં. સાફ ચાદર ગાદલા પર પથરાયેલી હતી. આ અહીં રહેતાં એક સેક્સ વર્કરનું જૂનું ઘર હતું.

આ બાળક પણ તેનું જ હતું, જેને પોતાના પિતા વિશે કોઈ માહિતી નથી. તે મોટો થઈને એક પોલીસ અધિકારી બનવા માગે છે.

પરંતુ. એ માટે તે સ્કૂલે જાય એ જરૂરી છે. આ તેનું પણ સપનું છે અને તેની માનું પણ.

મા, જેમણે તેને સૌની નજરથી છુપાવીને ઉપરના રૂમમાં રાખ્યો છે.

આ જ રૂમમાંથી એક બારી નીચેના રસ્તા તરફ ખૂલે છે, જેનાથી બહારની દુનિયા પણ દેખાય છે.

બહારની દુનિયા જ્યાં ચૂંટણીનો ઘોંઘાટ છે અને ગરમાગરમીનો માહોલ છે. આ ચૂંટણીના ઘોંઘાટમાં આ વેશ્યાગૃહ પર રહેતી મહિલાઓનો કોઈ ઉલ્લેખ નથી.

line

સેક્સ વર્કર અને અધિકાર

વેશ્યાગૃહની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, POONAM KAUSHAL/BBC

સેક્સ વર્કરોનાં બાળકોના શિક્ષણ માટે જીબી રોડ પર કામ કરતાં સામાજિક કાર્યકર્તા ગીતાંજલિ બબ્બર કહે છે, "સેક્સ વર્કર્સ અને તેમના અધિકારોને આપણા દેશમાં દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. જ્યાં સામાન્ય નાગરિકોમાં પણ અધિકારો અંગે જાગરૂકતા ન હોય ત્યાં સેક્સ વર્કર્સમાં જાગરૂકતા કેવી હશે."

ગીતાંજલિ કહે છે, "અહીં કામ કરતી મહિલાઓ કઠપૂતળી જેવી છે. આપણી સરકારને આ મહિલાઓની કોઈ દરકાર નથી. જીબી રોડથી ભારતની સરકાર ઝાઝી દૂર નથી, પરંતુ કોઈની પાસે સમય નથી કે આ મહિલાઓના હાલ પૂછે."

ગીતાંજલિ કહે છે, "આપણા સરકારી અધિકારી, આપણા નેતા આ રસ્તા પરથી પસાર થાય છે. તેમને બધી ખબર છે પરંતુ તેઓ આ અંગે કંઈ કરી રહ્યા નથી."

"પછી તે આમ આદમી પાર્ટીની સરકાર હોય કે કૉંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, વેશ્યાગૃહ અંગે કોઈ કંઈ કરતું નથી."

તેમનું માનવું છે કે જો સરકાર ઇચ્છે તો આ મહિલાઓને આ કાદવમાંથી બહાર કાઢી શકે.

તેઓ કહે છે, "સરકાર મોટી-મોટી યોજનાઓ લાવી રહી છે. આ યોજનાઓમાં આ મહિલાઓને સમાવી શકાય. સરકાર જો ઇચ્છે તો બધું જ થઈ શકે છે."

લાઇન
લાઇન

ભારતમાં કેટલાં સેક્સ વર્કર્?

સેક્સ વર્કરની તસવીર

ભારતમાં કેટલાં સેક્સ વર્કર્સ કામ કરે છે, તેનો ચોક્કસ આંકડો પ્રાપ્ય નથી.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 30 લાખ કરતાં વધારે સેક્સ વર્કર્સ છે.

હ્યુમન રાઇટ્સ વૉટના પ્રમાણે આ આંકડો હજી મોટો છે.

તે છતાં સેક્સ વર્કર્સ એક પ્રભાવશાળી મતદાતા વર્ગ બન્યાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો