લોકસભા ચૂંટણી 2019: શું નરેન્દ્ર મોદીનું તમામ ઘરોમાં ટૉઇલેટનું વચન પૂરું થયું? - રિયાલિટી ચેક

જાહેર શૌચાલય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

દાવો:સ્વચ્છ ભારત કાર્યક્રમના ભાગરૂપે વર્તમાન ભારત સરકારે દેશભરમાં કરોડોની સંખ્યામાં ટૉઇલેટ બનાવવાં માટેની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પોતે 2014માં સત્તામાં આવ્યા ત્યારે દેશમાં 40% લોકોનાં ઘરોમાં ટૉઇલેટ હતાં. પરંતુ હવે દેશના 90% ભારતીયોને ટોઈલેટની સુવિધા મળવા લાગી છે.

હકીકત : એ વાત સાચી કે વર્તમાન સરકારના કાર્યકાળમાં મોટી સંખ્યામાં ઘરોમાં ટૉઇલેટ બનાવવામાં આવ્યાં છે. પરંતુ વિવિધ કારણોસર તેનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો નથી એવા પુરાવા પણ મળી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં જણાવ્યું હતું, "2014 પહેલાં ફક્ત 40% ભારતીયો પાસે ટૉઇલેટની સુવિધા હતી, જે હવે વધીને 90% લોકોને મળી છે."

નેતાઓના નિવેદન

જોકે વિપક્ષ કૉંગ્રેસે આ યોજનાની ટીકા કરી હતી.

સ્વચ્છતા મંત્રાલયના ભૂતપૂર્વ કૉંગ્રેસી પ્રધાન જયરામ રમેશે ઑક્ટોબરમાં કહ્યું હતું: "ખૂબ ઝડપથી ટૉઇલેટનું બાંધકામ કરવામાં આવ્યું છે તેવો દેખાડો કરવાની સરકારની ઇચ્છાને કારણે આરોગ્યલક્ષી, વધારે સારા અને લાંબા ગાળાના હેતુઓ પરથી ધ્યાન હટી ગયું છે."

સ્વચ્છ ભારત યોજના બે તબક્કે ચાલે છે :

  • ગ્રામીણ સ્વચ્છ ભારત - ઘરે ઘરે ટૉઇલેટ બનાવીને ગામડાંમાં ખુલ્લામાં શૌચ જવાની રીત બંધ કરાવવી.
  • શહેરી સ્વચ્છ ભારત - ઘરોમાં તથા જાહેર સ્થળો પર ટૉઇલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવી તેમજ શહેરોમાંથી ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી કરવી.

ખેતરોમાં કે ખુલ્લા મેદાનોમાં કે નદી કિનારે ખુલ્લામાં કુદરતી ક્રિયાને કારણે રોગચાળો ફેલાતો હોવાનું માનવામાં આવતું રહ્યું છે.

આ ઉપરાંત મહિલાઓએ અંધારું હોય ત્યારે જાહેરમાં ટૉઇલેટ જવું પડે તેના કારણે તેમની સલામતીની સમસ્યા પણ ઊભી થતી હતી.

વર્તમાન સરકારનો દાવો છે કે આ દિશામાં મહત્ત્વની પ્રગતિ થઈ છે અને સરકારી આંકડા પ્રમાણે નવેમ્બર 2018 સુધીમાં 96.25 ટકા ઘરોમાં ટૉઇલેટ બની ગયાં છે.

ઑક્ટોબર 2014માં તેનું પ્રમાણ 38.7% હતું, તેમાં આટલો વધારો થયો છે.

આ આંકડા પ્રમાણે અગાઉની કૉંગ્રેસ સરકાર કરતાં ભાજપની સરકારે બમણી ગતિએ ટૉઇલેટનું બાંધકામ કરાવ્યું હતું.

ગ્રામીણ વિસ્તારમાં સ્વતંત્ર સંસ્થાએ કરેલા સર્વે અનુસાર નવેમ્બર 2017થી માર્ચ 2018 સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 77% ઘરોમાં ટૉઇલેટ બંધાઈ ગયાં હતાં. ઘરમાં ટૉઇલેટ બન્યાં પછી તેનો નિયમિત વપરાશ કરનારા લોકોની સંખ્યા પણ 93.4% સુધી પહોંચી હતી.

આ સર્વેમાં દેશભરના 6,136 ગામોનાં 92,000 ઘરોને આવરી લેવામાં આવ્યાં હતાં.

સરકારના સ્વચ્છ ભારત મિશનના જણાવ્યા અનુસાર 36માંથી 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લા શૌચની રીતમાંથી મુક્ત થઈ ગયા છે.

મિશનના જણાવ્યા અનુસાર 2015-16માં માત્ર સિક્કિમ જ એવું રાજ્ય હતું, જેને ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય જાહેર કરાયું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ટૉઇલેટના ઉપયોગનો મુદ્દો

ખેતરમાં મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

એ વાત સાચી કે ટૉઇલેટનાં બાંધકામ અંગેનાં ઘણા બધા આંકડા ઉપલબ્ધ છે, પણ તેનો ખરેખર ઉપયોગ થાય છે કે કેમ તેની સામે સવાલો છે.

બીજા શબ્દોમાં કહીએ તો ઘરમાં ટૉઇલેટ બાંધી દેવામાં આવ્યું હોય, તેનો અર્થ એવો નથી કે તેનો ઉપયોગ પણ થતો હોય. અથવા તો ખુલ્લામાં શૌચ જવાનું બંધ થઈ ગયું હોય તેવું પણ જરૂરી નથી.

ભારતના આંકડા એકઠી કરતી મુખ્ય સંસ્થા નેશનલ સેમ્પલ સરવે ઑફિસ (NSSO)ના 2016ના આંકડામાં જણાવાયું હતું કે તે વર્ષે જેટલાં ઘરોમાં ટૉઇલેટ બાંધવામાં આવ્યાં, તેમાંથી 5%નો વપરાશ થતો નહોતો.

આ ઉપરાંત 3% ટૉઇલેટમાં હજી સુધી પાણીનું જોડાણ મળ્યું નહોતું.

ગ્રામીણ સ્વચ્છ ભારત યોજનાના સચિવ પરમેશ્વરન ઐયરે બીબીસીને જણાવ્યું હતું કે આગળનાં વર્ષોમાં આ સ્થિતિમાં સુધારો થયો છે એમ તેઓ માને છે.

જાહેર શૌચાલય

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, આમ છતાં સરકારી અહેવાલો તથા એનજીઓનાં સંશોધનોમાં ઘણા મુદ્દાઓ તરફ ધ્યાન દોરાતું રહ્યું છે :

  • ઘણાં બધાં ટૉઇલેટમાં માત્ર એક જ ભૂગર્ભ સેપ્ટિક ટૅન્ક બનાવવામાં આવી છે. એક જ સેપ્ટિક ટૅન્ક હોય તેના કારણે પાંચ કે સાત વર્ષમાં તે ભરાઈ જવાની અને બિનઉપયોગી સાબિત થવાની શક્યતા છે.
  • કેટલાંક ટૉઇલેટનું બાંધકામ નબળું થયું હતું અને તેનું મેઇન્ટેનન્સ ના થવાથી તે ઉપયોગમાં લઈ શકાય તેવા રહ્યાં નહોતાં.
  • આ ઉપરાંત લક્ષ્યાંક અને સરકારી આંકડાઓની બાબતમાં પણ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે.

દાખલા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં જાહેરાત કરી હતી કે બધી જ શાળાઓમાં છોકરા અને છોકરીઓ માટે અલગ-અલગ ટૉઇલેટ બનાવી દેવાયાં છે.

પરંતુ 2018ના એન્યુલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 23% સરકારી શાળાઓના ટૉઇલેટ ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં નહોતાં.

કેટલાક એવા નિર્દેશો પણ મળે છે કે કેટલાક કિસ્સામાં લક્ષ્યાંક નિર્ધારિત સમયમાં પૂરા થયા નહોતા.

ગુજરાતના 2018ના એક સત્તાવાર અહેવાલમાં એક સિનિયર અમલદારને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે સરકાર છ વર્ષ પહેલાંથી - કે જ્યારે રાજ્યની વસતિ ઓછી હતી ત્યારથી - ટૉઇલેટ બાંધકામના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કાર્ય કરી રહી હતી.

લાઇન
લાઇન

શું ખરેખર ખુલ્લામાં શૌચ બંધ થયું?

જાહેર શૌચાલય

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી મરાઠી સર્વિસે 2018માં પોતાની રીતે એવા દાવાની ચકાસણી કરી હતી કે મહારાષ્ટ્ર રાજ્ય સત્તાવાર આંકડા સાથે ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય બન્યું છે કે નહીં.

બીબીસી મરાઠીની ચકાસણીમાં ખ્યાલ આવ્યો કે એક ગામમાં જ 25% ઘરોમાં ટૉઇલેટ નહોતાં. તેઓ હજી પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જતા હતા.

બીબીસીનો અહેવાલ પ્રગટ થયો તે પછી તરત સ્થાનિક સત્તાધારીઓએ ગામમાં વધારે ટૉઇલેટ પૂરા પાડવાનું કામ હાથ પર લીધું હતું.

ખુલ્લામાં શૌચની રીતને નાબુદ કરી દેવામાં આવી છે તેના સરકારી દાવા સામે શંકા ઊભી કરે તેવા અન્ય અહેવાલો પણ હતા.

દાખલા તરીકે ગુજરાત રાજ્યને 2 ઑક્ટોબર, 2017ના રોજ ખુલ્લામાં શૌચમુક્ત રાજ્ય જાહેર કરાયું હતું.

જોકે, એક વર્ષ પછી થયેલા સરકારી ઑડિટમાં જણાવાયું હતું કે 29% ઘરોમાં હજુ પણ ટૉઇલેટ બનેલાં નથી.

line

રીતભાતમાં પરિવર્તન

ટૉઇલેટ સાથે બાળક

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી યોજનાનું એક મહત્ત્વનું લક્ષ્યાંક લોકોની રીતભાતમાં પરિવર્તનનું હતું.

આવું પરિવર્તન માપવું મુશ્કેલ હોય છે, પણ ઉદાહરણોમાંથી મળતા પુરાવા દર્શાવે છે કે કેટલાક વિસ્તારોમાં રીતભાતની બાબતમાં સમસ્યાઓ ઊભી થયેલી છે.

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના સિનિયર સરકારી અધિકારી સત્યેન્દ્ર કુમારે બીબીસીને જણાવ્યું, "લોકોએ ટૉઇલેટ બાંધી લીધાં ખરાં, પણ તેને હજુ પણ પોતાના ઘરનો હિસ્સો ગણવા માટે તૈયાર નથી."

"ઘણાં બધાં ઘરોમાં મોટી ઉંમરના લોકો ટૉઇલેટનો ઉપયોગ કરવાનું ટાળે છે, કેમ કે તેમને તેમાં અનુકૂળતા લાગતી નથી."

જાન્યુઆરીમાં જાહેર થયેલા એક સર્વેમાં ઉત્તર ભારતનાં ચાર રાજ્યો - બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ મુદ્દો કેવી રીતે કામ કરી રહ્યો છે તેના તારણો રજૂ થયાં હતાં.

સર્વેમાં જણાવાયું હતું કે ઘરમાં ટૉઇલેટ બનાવી લેવાયા હોય, તેમાંના ચોથા ભાગના કુટુંબીજનો હજુ પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવાનું પસંદ કરતા હતા.

રિયાલીટી ચેક

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો