સંબિત પાત્રાના વાઇરલ વીડિયો અને ઉજ્જ્વલા યોજનાનું સત્ય શું છે? : ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SANDEEP SAHU
- લેેખક, સંદીપ સાહૂ
- પદ, પુરીથી બીબીસી માટે
રવિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પુરી લોકસભા ક્ષેત્રથી પાર્ટીના ઉમેદવાર ડૉ. સંબિત પાત્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ચૂંટણીપ્રચાર દરમિયાન એક વૃદ્ધ મહિલાના ઘરે ભોજન લેતા હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો હતો.
વીડિયો પોસ્ટ થયા બાદ સંબિત પાત્રાની મજાક ઊડી રહી છે.
આ વીડિયો જોઈને લોકોએ કહ્યું કે 'ઉજ્જ્વલા' યોજનાની નિષ્ફળતાનું આ સૌથી મોટું પ્રમાણ છે.
વીડિયોમાં સંબિત પાત્રા ભોજન લેતા નજરે ચડે છે. જ્યારે તેમની પાસે બેઠેલાં મહિલા ચૂલા પર રસોઈ બનાવતાં નજરે પડે છે.
વીડિયો જોયા બાદ લોકોએ માન્યું કે ઘરમાં ગૅસ ન હોવાથી આ મહિલા ચૂલા પર રસોઈ બનાવી રહ્યાં છે.
જોકે, જ્યારે બીબીસીની ટીમ આ મહિલાના ઘરે પહોંચી તો જોવા મળ્યું કે ઘરમાં 'ઉજ્જ્વલા યોજના' અંતર્ગત ગૅસ કનેક્શન છે અને તેનો ઉપયોગ પણ થાય છે.
પુરી લોકસભા ક્ષેત્ર અંતર્ગત ડેલાંગ વિસ્તારના રામચંદ્રપુર ગામમાં રહેતી 62 વર્ષીય આ મહિલાનું નામ ઊર્મિલા સિંહ છે.

'પુત્રી અને વહુ ગેસ પર રાંધે છે'

ઇમેજ સ્રોત, SAMBITSWARAJ
ચૂલા પર રસોઈ કરવા મામલે પૂછતાં ઊર્મિલાએ બીબીસીને કહ્યું, "અમારે ત્યાં છેલ્લા એક વર્ષથી ગૅસ છે પણ તેનો ઉપયોગ મારી વહુ અને પુત્રી કરે છે. હું તો ચૂલા પર જ ખાવાનું બનાવવાનું પસંદ કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સંબિત બાબુ અમારા ગામમાં પ્રચાર માટે આવ્યા તો મેં તેમને મારા ઘરે બોલાવ્યા અને મારા હાથથી ચકુલી (એક પ્રકારનો ઢોસો) અને શાક બનાવી તેમને પીરસ્યું. તેમણે બહું પ્રેમથી ખાધું અને મને પણ ખવડાવ્યું."
મેં વધુ સવાલ કરતાં તેઓ મને ઘરમાં લઈ ગયાં અને ગૅસ સિલિન્ડર અને ચૂલો દેખાડ્યો.
તેમની વહુ, પુત્રીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી કે તેઓ ગૅસ પર જ રાંધે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આરોપોનું ખંડન

ઇમેજ સ્રોત, Twitter/Sambit Patra
ઊર્મિલાએ જણાવ્યું , "સંબિત પાત્રાએ પણ મને પૂછ્યું હતું કે હું ગૅસ પર કેમ રસોઈ બનાવતી નથી."
તેમનું કહેવું છે, "મેં સંબિત પાત્રાને એ જ કારણ બતાવ્યું કે જે તમને બતાવી રહી છું."
તેમણે એ આરોપનું પણ ખંડન કર્યું કે સંબિત પાત્રાએ તેમને એઠું ખવડાવ્યું. "આ ખોટી વાત છે. તેમણે પ્રથમ પ્રેમથી ખાધું અને પછી મને ખવડાવ્યું. મને તો તેઓ બહુ સારા લાગ્યા, મારા પુત્ર જેવા."

ઘરની હાલત ખરાબ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઊર્મિલાનું ઘર જોતાં જ તેમના પરિવારની આર્થિક સ્થિતિનો અંદાજ આવી જાય છે.
તેમના ઘરમાં પ્રવેશતાં ખ્યાલ આવી જાય કે પરિવારનું ભરણપોષણ કરવું એક પડકાર સમાન હશે.
ઘરમાં લીંપણ છે. છાપરા પર ઘણી જગ્યાએ ઘાસના પૂળા પણ નહોતા. ટીવી કે મનોરંજનનું અન્ય સાધન જોવા ન મળ્યું.
ઊર્મિલાના પતિનું મોત આશરે 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું. ઘરમાં બે અવિવાહિત અને માનસિક રૂપે પીડિત દીકરીઓ છે.
ઊર્મિલા જ 38 વર્ષની આશામણિ અને 33 વર્ષીય નિશામણિની સાર-સંભાળ લે છે અને કદાચ તેમના જીવનના અંત સુધી લેતા રહેશે.
તેમની ત્રીજી દીકરી લક્ષ્મીપ્રિયા (26) સામાન્ય છે અને તેમનાં લગ્ન થઈ ચૂક્યાં છે.


વિધવા પેન્શન અને બીપીએલ કાર્ડની મદદ

ઇમેજ સ્રોત, SANDEEP SAHU
તેમને એક દીકરો પણ છે- વિશ્વનાથ (30), પણ તે પણ આંશિક રૂપે બીમાર છે. વિશ્વનાથ મજૂરી કરે છે અને તેઓ જે કમાય છે એનાંથી જ ઘરનો ખર્ચ ચાલે છે.
સરકારી મદદના નામ પર ઊર્મિલા પાસે એક બી.પી.ઍલ કાર્ડ છે જેમાં તેમને દર મહિને એક રૂપિયા પ્રતિ કિલોની કિંમતે 25 કિલો ચોખા અને વિધવા પેન્શન હેઠળ 500 રૂપિયા મળે છે.
જ્યારે મેં પુછ્યું કે માનસિક રૂપે બીમાર દીકરીઓને કોઈ સરકારી મદદ નથી મળતી તો તેમણે જણાવ્યું કે ગત મહિને પહેલી વખત આશામણિને અવિવાહિત યુવતીઓ માટેની સરકારી યોજના હેઠળ 500 રૂપિયા મળે છે.
ઊર્મિલાના ઘરની બાજુમાં જ રહેતા તેમના ભત્રીજાને તેમનાં કાકી પ્રત્યે મીડિયાની અચાનક જાગેલી રુચિથી નવાઈ લાગી છે અને દુખી પણ છે.
ફરિયાદ કરતા તેઓ બીબીસીને કહે છે, "બધાની નજરો બસ તેમના ચૂલા પર જાય છે. પણ ઘરની હાલત અને તેમની બે દીકરીઓની દયનીય સ્થિતિ કોઈ જોઈ શકતું નથી."
તેઓ કહે છે, "બને તો આ વખતે તમે કંઈક લખો એટલે તેમને આર્થિક મદદ મળી શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














