અલવર : એમની સામે અમે આજીજી કરી પરંતુ ત્યાં કોઈ ન હતું.. કોણ સાંભળે?

- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા, થાનાગાઝી (રાજસ્થાન)થી
9 મે 2019, રાજસ્થાનના અલવરની નજીક એક ગામ. જેમ-જેમ દિવસ ચડે , તડકો વધતો જતો હતો.
ગામમાં ઘરના બારણાં પાસે સફેદ પાઘડી પહેરેલા પુરુષોની ભીડ એકઠી થઈ હતી. અમુક ગાડીઓ અને અને પોલીસકર્મીઓ પણ જોવા મળતા હતા. એક નાનો છોકરો દોડી-દોડીને બધાને પાણી પીવડાવતો હતો.
આંગણામાં 10-15 મહિલાઓ બેઠાં હતાં, આમાંથી ઘણાં ઘૂંઘટમાં હતાં અને ઘૂંઘટમાં જ ચિલમ પી રહ્યાં હતાં.
"ના, તમે અંદર નહીં જઈ શકો... કોઈ અંદર નહીં જાય. અમે થાકી ગયા છીએ. નેતા આના પર રાજકારણ કરે છે અને મીડિયા કંઈ પણ લખી રહ્યું છે....અહીં બેસો પ્લીઝ, પાણી આપો અહીં." એક યુવાન પત્રકારોની ભીડને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસ કરતો હતો.
આ ઘર 18 વર્ષની એક યુવતીનું છે જેના પતિની સામે તેમની સાથે કથિત રૂપે પાંચ યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો, તેમનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
દલિત પરિવારની યુવતી સાથે 26 એપ્રિલના રોજ આ દુષ્કર્મ થયું હતું પણ આ ઘટનાના એક અઠવાડિયા સુધી પોલીસ અને પ્રશાસને કોઈ કાર્યવાહી કરી ન હતી.
જોકે, મે મહિનાના બીજા અઠવાડિયામાં આ કેસ સ્થાનિક મીડિયાના માધ્યમે રાષ્ટ્રીય મીડિયામાં અને રાજકીય વર્તુળ સુધી પહોંચી ગયો હતો.
આની સૌથી વધુ અસર પીડિતાના પરિવાર અને ઘર પર થઈ, જ્યાં તેમના પરિવારજનો નેતાઓ, મીડિયા અને સહાનુભૂતિ દાખવનારાઓની સાર-સંભાળ લઈને થાકી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

જ્યારે પીડિતા સાથે મુલાકાત થઈ

ઘણી રાહ જોયા બાદ અને પીડિત પરિવારની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલા સુરક્ષાકર્મી જે સાદાં કપડાંમાં ત્યાં હાજર હતા, તેમને ઘણી વિનંતી કર્યા બાદ અમે પીડિતા અને તેના પતિને મળી શક્યાં હતાં.
અંકિતા ( બદલવામાં આવેલું નામ) 17-18 વર્ષનાં લાગે છે.
"18 વર્ષ પૂરાં થઈ ગયાં છે આને, 19માં વર્ષમાં જવાની છે." અરુણ (પીડિતાના પતિનું બદલવામાં આવેલું નામ) કહે છે.
અરુણે ચિંતા બતાવી ત્યારે અમે કહ્યું, "અમે ચહેરો ઝાંખો કર્યો છે."
તેણે કહ્યું, "મેમ, તો પણ સેફ્ટી માટે કપડું રાખી લઉં છું. ગઈકાલે એક ચેનલવાળાએ કહ્યું કે ચહેરો ઝાંખો કરીશું પણ ચહેરો તો સાફ દેખાતો હતો."
આ સાંભળીને મેં અરુણ તરફ કપડું આગળ કર્યું.

એ દિવસથી અત્યાર સુધીની કહાણી? : અરુણની જુબાની

26 એપ્રિલનો દિવસ હતો, ત્રણ-સવા ત્રણ વાગ્યા હતા. અમે બંને બાઇક પર હતાં.
મારા ઘરમાં બે લગ્નો છે તો અમે વિચાર્યું કે બજારમાંથી કપડાં વગેરે ખરીદી લાવીએ.
એવું પણ વિચાર્યું હતું કે વળતી વખતે મંદિરે દર્શન પણ કરી આવશું.
અમે જે બાજુથી આવી રહ્યાં હતાં, તે સમગ્ર સૂમસામ વિસ્તાર હતો. પહાડ અને રેતીના ઢગલાઓ સિવાય અહીં કશું જ દેખાતું ન હતું.
કદાચ અહીંથી જ તેમણે અમારો પીછો કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પાંચ લોકો હતા, બે બાઇક પર... અમારો પીછો કરતાં-કરતાં પાસે આવી ગયા અને ધક્કો મારીને અમને રેતીના ઢગલા પર પાડી નાખ્યાં.
તે અમને પૂછવા લાગ્યા, "ક્યાંથી આવો છો? અહીં એકલાં શું કરી રહ્યાં છો? કેમ ફરી રહ્યાં છો?" અમે તેમને કહ્યું કે અમે પતિ-પત્ની છીએ. અમારાં લગ્નને એક વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે.
એવું હોય તો અમારા પરિવારને પૂછી લો પરંતુ તે માન્યા નહીં. તેઓ કહેતા રહ્યા કે ફરવા આવ્યાં છો અને ખોટું બોલી રહ્યાં છો.
એ બાદ તેઓ અમારાં કપડાં ફાડવા લાગ્યા. તેમણે મને ખૂબ માર માર્યો.
અંકિતાને પણ ત્રણ-ચાર વખત માર માર્યો. અમે ખૂબ બૂમો પાડી, મદદ માટે બૂમો પાડી.
એમની સામે અમે આજીજી કરી પરંતુ ત્યાં કોઈ ન હતું.. કોણ સાંભળે?

ત્રણ પોણા ત્રણ કલાક સુધી તેમણે ટૉર્ચર કર્યું. વીડિયો બનાવતા રહ્યા, અમે તેમની સામે આજીજી કરતાં રહ્યાં કે વીડિયો ના બનાવો પરંતુ તેઓ માન્યા નહીં.
હું જિમ જાઉં છું, ગામડાનો મહેનતુ યુવક છું પરંતુ એ દિવસે જાણે મારી તાકાતને જાણે શું થઈ ગયું. હું તેમનો સામનો ના કરી શક્યો.
મારી પાસે છ હજાર જેટલા રૂપિયા હતા, તેમણે બધા જ લઈ લીધા. પછી મેં તેમને કહ્યું કે અમારા ઘરમાં લગ્ન છે અને મારી પાસે આટલા જ રૂપિયા છે. એ બાદ તેમણે ચાર હજાર રૂપિયા પરત આપ્યા અને બે હજાર તેમણે રાખી લીધા.
એ બાદ અમે બંને માંડમાંડ ઉઠ્યાં અને બાઇક પર જ ઘરે પરત આવ્યાં. હું અંકિતાને તેમના માવતરના ઘરે મૂકી આવ્યો અને હું મારા ઘરે આવીને ઊંઘી ગયો. ઊંઘ તો શું આવે આખી રાત પડખાં બદલતો રહ્યો.
કોઈને કંઈના કહ્યું, હિંમત જ ન હતી. સમજમાં જ નહોતું આવતું કે શું થઈ ગયું. આગલા દિવસે ચૂપચાપ જયપુર જતો રહ્યો, જ્યાં હું અભ્યાસ કરું છું.
જોકે, એકલાં રૂમ પર જવાની હિંમત ના થઈ તો સંબંધીના ઘરે જતો રહ્યો.
અંકિતાએ રડતાં-રડતાં તેમનાં માતાને આખી ઘટના વિશે કહી દીધું અને તે પણ ખૂબ ગભરાઈ ગઈ હતી. ત્રણ દિવસ સુધી અમે લોકો ખૂબ જ મૂંઝવણમાં રહ્યાં.

વીડિયો, ફોટો વાઇરલ કરવાની ધમકી

આટલા સમયમાં એ લોકોના અલગ-અલગ નંબરથી કૉલ આવવા લાગ્યા. તેઓ બ્લૅકમેઇલ કરવા લાગ્યા. તેઓ 10 હજાર રૂપિયા માગી રહ્યા હતા.
કહેતા હતા, "દારૂની પાર્ટી કરવી છે, પાંચ લોકો છીએ. બે-બે હજાર ગણી લો બધાના. 10 હજાર આપો નહીં તો વીડિયો વાઇરલ કરી દઈશું. અમારી પાસે 11 વીડિયો છે. 50થી વધારે ફોટો છે, બધું વાઇરલ કરી દઈશું."
આખરે મેં અમારા ઘરના સભ્યોને ઘટના વિશે જણાવી દીધું. સાંભળીને તેઓ પણ દંગ રહી ગયા.
30 તારીખે અમે હિંમત કરીને એસપીની ઑફિસ પહોંચ્યા.
અમે એસપીની ઑફિસ હતા ત્યારે પણ તેમનો ફોન આવ્યો હતો, તેઓ અમારી પાસેથી પૈસા માગી રહ્યા હતા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી રહ્યા હતા.
એસપીએ બધી વાતો સાંભળી અને કાર્યવાહીનો ભરોસો આપીને થાનાગાઝી પોલીસ સ્ટેશન મોકલી દીધાં.

6 મેના રોજ ચૂંટણીની વાત કરીને કોઈ કાર્યવાહી ના કરી

થાનાગાઝીના એસએચઓએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં લોકો ઓછા છે અને તમામની 6 મેના અલવરમાં થનારી ચૂંટણીમાં ડ્યૂટી લાગેલી છે. જેથી કેટલાક દિવસો બાદ કાર્યવાહી થઈ શકશે.
એ બાદ 30 તારીખથી લઈને 2 મે સુધી કંઈ ના થયું. અમે 2 તારીખના રોજ ફરી થાનાગાઝી પોલીસ સ્ટેશન ગયાં. એ દિવસે એફઆઈઆર લખવામાં આવી પરંતુ કંઈ ના થયું.
4 મેના તેમણે વીડિયો વાઇરલ કરી દીધો. મારા સંબંધીએ મને ફોન કરીને આ વિશે જણાવ્યું.
જે બાદ અમે ફરી પોલીસ સ્ટેશન ગયાં. અત્યાર સુધીમાં આ વાત કોઈ રીતે મીડિયામાં પહોંચી ગઈ હતી અને વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી.
મેં વીડિયો આજ સુધી નથી જોયો, મારી હિંમત થઈ શકી નથી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















