ISROનું સેટેલાઇટ બળદગાડી પર, તેમાં ગાંધી પરિવારનો વાંક?- ફૅક્ટ ચેક

વાઇરલ ફોટો

ઇમેજ સ્રોત, SM Viral Post

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

બે તસવીરો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે કે 'જ્યારે ભારતની સ્પેસ ઍજન્સી ઈસરો તંગીમાં હતી, ત્યારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનો પરિવાર દેશનું ધન લૂંટી રહ્યો હતો.'

તેમાંથી એક તસવીર છે ઇંદિરા ગાંધીની કે જેઓ પોતાનાં પરિવાર સાથે કોઈ વિમાનમાં બેઠેલાં જોવા મળી રહ્યાં છે.

તો બીજી તસવીર ઈસરોના વૈજ્ઞાનિકોની હોવાનો દાવો છે કે જેમાં તેઓ એક બળદગાડી પર કથિત રૂપે કોઈ સેટેલાઇટને લઈને જઈ રહ્યા છે.

વાઇરલ પોસ્ટ

ઇમેજ સ્રોત, SM Viral Post

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારના રોજ કરવામાં આવેલી ઘોષણા બાદ સોશિયલ મીડિયા પર આ દાવો ફરતો થયો છે.

મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં દુનિયાની ચોથી મહાશક્તિ બની ગયું છે અને ભારતીય વૈજ્ઞાનિકોને એક લાઇવ સેટેલાઇટને તોડી પાડવામાં સફળતા મળી છે.

એક તરફ જ્યાં દક્ષિણપંથી વલણ ધરાવતા લોકો ફેસબુક ગ્રૂપ્સમાં, ટ્વિટર અને શૅરચેટ પર તેને 'મોદી રાજમાં દેશને મળેલી મોટી સફળતા' ગણાવી રહ્યા છે.

ત્યાં વિપક્ષનું સમર્થન કરતા લોકોનો મત છે કે જે ઉપલબ્ધિના વખાણ કરી વડા પ્રધાન મોદી પ્રશંસા મેળવવા માગે છે, તે ખરેખર કૉંગ્રેસની સરકારમાં જ ભારતને મળી ગઈ હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ગાંધી પરિવાર પર નિશાન

ગાંધી પરિવાર

ઇમેજ સ્રોત, SM Viral Post

ઇમેજ કૅપ્શન, વાઇરલ તસવીરમાં ઇંદિરા ગાંધીની સાથે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા જોવા મળી રહ્યાં છે

પરંતુ બુધવારની સાંજ બાદ જોવા મળ્યું કે દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ગ્રૂપ્સમાં દેશના વૈજ્ઞાનિકોની કથિત અવહેલના માટે કૉંગ્રેસ પાર્ટી સહિત ઇંદિરા ગાંધી અને તેમના પરિવારને નિશાન બનાવવામાં આવ્યું.

જે બે તસવીરોનો અમે ઉલ્લેખ કર્યો તે ફેસબુકના ઘણાં મોટા ગ્રૂપ્સમાં શૅર કરવામાં આવી છે અને તેને હજારો લોકો શૅર કરી ચૂક્યા છે.

આ તસવીરોની સાથે અધિકાંશ લોકોએ લખ્યું છે, "ક્યારેય ભૂલશો નહીં કે જ્યારે ઈસરોને એક રૉકેટ લઈ જવા માટે બળદગાડી આપી દેવાઈ હતી, ત્યારે ગાંધી પરિવાર એક ચાર્ટર્ડ વિમાનમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો."

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ તસવીરોની સાથે કોઈ છેડછાડ તો કરવામાં આવી નથી. બન્ને તસવીરો સાચી જ છે. પરંતુ આ તસવીરોના સંદર્ભને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે.

લાઇન
લાઇન

સરો વાળી તસવીર

ઇસરો

ઇમેજ સ્રોત, isro.gov.in

ઈસરોના વૈજ્ઞાનિકો અને બળદગાડી પર રાખવામાં આવેલા સ્પેસક્રાફ્ટની તસવીર જૂન 1981ની છે.

આ ઍપલ નામના એક પ્રાયોગિક કૉમ્યુનિકેશન સેટેલાઇટની તસવીર હતી, જેનું પ્રક્ષેપણ 19 જૂન 1981ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતીય સ્પેસ પ્રોગ્રામની આ એક મોટી ઉપલબ્ધિ હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું છે કે ઈસરો આર્થિક તંગીમાં હતું એ માટે આ સેટેલાઇટને બળદગાડી પર લઈ જવામાં આવ્યું હતું. પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

વૈજ્ઞાનિક મામલાના જાણકાર પલ્લવ બાગલાએ આ તસવીર પાછળની સંપૂર્ણ કહાણી બીબીસીને જણાવી.

તેમણે કહ્યું, "ઍપલ સેટેલાઇટને બળદગાડી પર રાખીને લઈ જવાનો નિર્ણય ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા લેવાયો હતો. આ તેમની મજબૂરી નહોતી."

ઇસરો

ઇમેજ સ્રોત, isro.gov.in

ઇમેજ કૅપ્શન, પ્રાયોગિક કૉમ્યુનિકેશન સેટેલાઇટ ઍપલની તસવીર

બાગલાએ જણાવ્યું, "તે સમયે ભારતીય વૈજ્ઞાનિકો પાસે 'ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેયરેન્સ રિફ્લેક્શન' ટેકનિકની મર્યાદિત જાણકારી હતી. વૈજ્ઞાનિક સેટેલાઇટને કોઈ ઇલેક્ટ્રોનિક મશીન પર રાખીને લઈ જવા માગતા ન હતા. એ માટે બળદગાડીને પસંદ કરવામાં આવી હતી."

પલ્લવ બાગલા કહે છે કે ઈસરોના એક પૂર્વ ચૅરમૅને જ તેમને આ સંપૂર્ણ કહાણી વર્ણવી હતી.

ઈસરોની ઔપચારિક વેબસાઇટ પર આ તસવીર અને તેની સાથે જોડાયેલી વધુ માહિતી, બન્ને ઉપલબ્ધ છે.

ઇસરો

ઇમેજ સ્રોત, isro.gov.in

પણ શું ક્યારેય ઈસરોએ આવી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો જ્યારે ભારતીય વૈજ્ઞાનિકોને સંસાધનોની ખામી વર્તાઈ હોય?

આ અંગે પલ્લવ બાગલા કહે છે, "ઈસરોએ લોકોને હંમેશાં જણાવ્યું છે કે આ સંસ્થાને કોઈની પણ સરકારમાં સંસાધનોની ખામી વર્તાઈ નથી."

"ખાસ કરીને નવા પ્રોજેક્ટને શરુ કરવાની જ્યારે વાત આવી, ત્યારે ક્યારેય એવું નથી થયું કે ઈસરો પાસે તેની માટે સંસાધ ન હોય."

લાઇન
લાઇન

ગાંધી પરિવારની તસવીર

વાઇરલ ફોટો

ઇમેજ સ્રોત, SM Viral Post

આ તસવીર વિશે સોશિયલ મીડિયા પર લખવામાં આવી રહ્યું છે કે ઇંદિરા ગાંધીએ પદ સંભાળતા પોતાનાં પરિવાર પર દેશનું ધન લૂંટાવ્યું છે.

પરંતુ મીડિયા રિપોર્ટ્સના અનુસાર ગાંધી પરિવારની આ તસવીર વર્ષ 1977ની છે. એટલે કે ઈસરોના પ્રક્ષેપણથી આશરે ચાર વર્ષ પહેલાંની.

રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું છે કે આ રાહુલ ગાંધીના સાતમા જન્મદિવસ (19 જૂન)ની તસવીર છે.

આ રિપોર્ટ્સ પર ભરોસો કરવામાં આવે તો તે સમયે ઇંદિરા ગાંધી દેશનાં વડાં પ્રધાન ન હતાં.

જૂન 1977માં ભારતના વડા પ્રધાન મોરારજી દેસાઈ હતા અને દેશમાં જનતા પાર્ટીની સરકાર હતી.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો