અમિત શાહને અડવાણીની જગ્યાએ ગાંધીનગરથી ટિકિટ કેમ અપાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની એકમાત્ર ગાંધીનગર બેઠકના ઉમેદવારનું નામ જાહેર થયું છે.
ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા.
ઉલ્લેખનીય છે કે પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે.
રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે.
ભાજપના સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અડવાણી છેલ્લા થોડા સમયથી ભાજપમાં જ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા.
2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, ત્યારબાદ અડવાણી અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં કડવાશ આવી હોવાની વાત પણ ચર્ચિત છે.
ગાંધીનગર બેઠક પર અડવાણીને ટિકિટ કેમ ન અપાઈ? અને ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ? એવા અનેક પ્રશ્નો ચર્ચામાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

1991થી અડવાણી ગાંધીનગરથી સાંસદ

ઇમેજ સ્રોત, Getty Images
લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર આશરે બે દાયકા જેટલા સમયનું શાસન ધરાવે છે.
સૌપ્રથમ વખત વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સંસદ બન્યા છે.
બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ નોંધે છે, "આ એ જ અડવાણી છે જેમણે 1984માં માત્ર બે બેઠક જીતેલો પક્ષ બની ગયેલા ભાજપને રસાતળમાંથી કાઢીને ભારતીય રાજકારણના કેન્દ્રમાં પહોંચાડ્યો હતો."
"તેમણે ભાજપને 1998માં પહેલીવાર સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો. 2004 અને 2009ની સતત ચૂંટણીમાં હાર બાદ ઘટતા વળતરનો સિદ્ધાંત અડવાણીને પણ લાગુ પાડવામાં આવ્યો હતો."
"એક જમાનામાં અડવાણીની છત્રછાયામાં ઉછરેલા નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લઈ લીધી હતી."

અડવાણીને ઉમેદવારી ન મળવી એ શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીનગર બેઠક પર અડવાણીના બદલે અમિત શાહને ટિકિટ અપાઈ છે, એ વિશે એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે, "અડવાણીની નિવૃત્તિના પહેલાંથી જ સંકેત મળી રહ્યા હતા. ગાંધીનગર બેઠક પરથી તેમની સક્રીયતા પણ નહોતી દેખાતી."
ટાઇમ્સ ઑફ ઇંડિયાના પૂર્વ રાજકીય સંપાદક રાજીવ શાહે કહ્યું, "અગાઉ પણ અડવાણીને ચૂંટણી લડાવવાના પક્ષમાં નરેન્દ્ર મોદી નહોતા અને તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા છે. આ અપેક્ષિત હતું."
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ જણાવે છે, "2014ની ચૂંટણી પહેલાંથી અડવાણીની રાજકીય કારકિર્દી વિશે જે દેખાતું હતું, એ હવે સ્પષ્ટ થઈ ગયું છે."

રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ?

અડવાણીની રાજકીય કારકિર્દી પર અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પૂર્ણ વિરામ મૂક્યું?
આ પ્રશ્નના જવાબમાં અમિત ધોળકિયા કહે છે, "હા, એવું કહી શકાય. પણ અડવાણીએ જાતે જ નિવૃત્તિ જાહેર કરવાની જરૂર હતી."
"છેલ્લા ઘણા સમયથી પક્ષમાં તેઓ એકલા પડી ગયા હતા. દિલ્હીમાં કે ગુજરાતમાં તેમની આસપાસ કોઈ ભાજપના નેતા કે કાર્યકરો જોવા મળતા ન હતા. તેમની રાજકીય કારકિર્દી એમ પણ સમાપ્ત થઈ જ ગઈ હતી."
"એવું કહી શકાય કે ભાજપમાં હવે અડવાણી-વાજપેયી યુગનો અંત આવ્યો છે અને મોદી-શાહના યુગનો ઉદય થઈ ચૂક્યો છે."

અમિત શાહની પસંદગી કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે અડવાણીનું ગાંધીનગર બેઠક પરથી પુનરાવર્તન ન કરાય એ પહેલાંથી અપેક્ષિત હતું.
ગાંધીનગર બેઠકથી ભાજપના અન્ય કોઈ નેતાના બદલે અમિત શાહની પસંદગી કેમ કરાઈ એ વિશે વાત કરતા પ્રકાશ ન. શાહ કહે છે, "ગાંધીનગર બેઠક ભાજપના સ્ટ્રોંગમૅનની બેઠક ગણાય છે."
"ભૂતકાળમાં અડવાણી ચૂંટણી લડવા તૈયાર નહોતા ત્યારે વાજપેયી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા."
1991થી 1996માં પહેલી વખત ગાંધીનગર બેઠક પરથી સાંસદ તરીકેનો અડવાણીનો કાર્યકાળ પૂર્ણ થયો એ પછી 1996માં અટલ બિહારી વાજપેયી અને ત્યારબાદ વિજય પટેલ આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
ત્યારબાદ એટલે કે 1998થી અત્યાર સુધી અડવાણી જ આ બેઠક પરથી સાંસદ હતા.
અમિત ધોળકિયા કહે છે, "અમિત શાહ રાજ્યસભાના સભ્ય હતા અને હવે લોકસભા લડીને એટલે કે લોકપ્રિયતાના આધારે સંસદમાં આવ્યા છે, એવું કહી શકશે."
રાજકીય વિશ્લેષકો ગાંધીનગરની બેઠકને ભાજપ માટે સુરક્ષિત બેઠક માને છે, કારણકે 1989થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતે છે.

'અમિત શાહની ઉમેદવારીથી ભાજપમાં ચેતના'

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણીને ટિકિટ ન આપવાથી ભાજપને નુકસાન થાય એવું રાજકીય વિશ્લેષકોને લાગતું નથી.
અમિત ધોળકિયાનું કહેવું છે, "અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે એનાથી ભાજપના ગુજરાતના કાર્યકરોમાં ચેતનાનું વાતવરણ જોવા મળે એવી શક્યતા છે."
"છેલ્લા ઘણા સમયથી ભાજપ ગુજરાતમાં પડકાર અનુભવી રહ્યો છે અને એ સ્થિતિમાં ગુજરાતમાંથી અમિત શાહની ઉમેદવારી ફાયદો કરાવશે."
તેઓ ઉમેરે છે, "26 બેઠકો જાળવી રાખવાના પ્રયત્ન આ વખત ભાજપ કરે છે અને જે મુશ્કેલ બાબત પણ છે."
"આ વખતે નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાંથી લડે એવી શક્યતા નહીંવત છે, એ સ્થિતિમાં અમિત શાહનું લડવું એ ભાજપ માટે મૉરલ બુસ્ટર સાબિત થશે."
નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













