INS વિરાટનું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શું થશે? જાણો, ઇતિહાસ અને વિવાદ

ઇમેજ સ્રોત, Nitin golil
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુપ્રીમ કોર્ટે ભારતીય નેવીના પૂર્વ વિમાનવાહક જહાજ આઈ.એન.એસ.ને નહીં તોડવાનો આદેશ આપ્યો છે.
થાણેસ્થિત કંપની 'ગ્રાન્ડ ઑલ્ડ લૅડી' તરીકે વિખ્યાત જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માગે છે, જેથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી હતી.
ઐતિહાસિક જહાજને તોડવા માટે ખરીદનાર કંપનીના અધિકારીઓના કહેવા પ્રમાણે, આ મતલબનો કોઈ લેખિત આદેશ તેમને નથી મળ્યો, છતાં તેમણે જહાજને તોડવાની કામગીરી અટકાવી દીધી છે.
ભારતીય નેવીમાં 30 વર્ષની સેવા બાદ વર્ષ 2017માં 'INS વિરાટ' સેવાનિવૃત્ત થયું હતું. એ પહેલાં તેણે 27 વર્ષ સુધી બ્રિટિશ નેવીમાં સેવા બજાવી હતી. આ કીર્તિમાન ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકૉર્ડ્સમાં નોંધાયેલો છે.
આ પહેલાં 1971માં બાંગ્લાદેશની આઝાદીની ચળવળમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભારતના વિમાનવાહક જહાજ 'INS વિક્રાન્ત'ને પણ તોડી પાડવામાં આવ્યું હતું.
સેવાનિવૃત્ત સૈન્ય અધિકારીઓ આ પ્રકારના ઘટનાક્રમને કમનસીબ ગણાવે છે અને તેને સરકારની ઉદાસીનતા ગણાવે છે.

શિપની સુપ્રીમમાં સુનાવણી

ઇમેજ સ્રોત, PIB
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ પ્રમાણે, થાણેસ્થિત એન્વીટૅક મરીટાઇમ કનસલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી તેના ડાયરેક્ટર વિષ્ણુકાંત શર્મા તથા રુપાલી વિષ્ણુકાંત શર્માએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી કરતા કહ્યું: "આઈ.એન.એસ. (ઇન્ડિયન નૅવલ શિપ) વિરાટની યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે અને તેને તોડવાની કામગીરી અટકાવી દેવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્વોચ્ચ અદાલતે સંબંધિત પક્ષકારોને નોટિસ કાઢી છે. આ પહેલાં સંરક્ષણ મંત્રાલયે 'INS વિરાટ'ને મ્યુઝિયમમાં ફેરવવા માટેની અરજીને નકારી કાઢી હતી, જેથી કંપનીએ મુંબઈ હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
'INS વિરાટ'ની ખરીદી કરનાર શ્રી રામ ગ્રૂપના ચૅરમૅન મુકેશ પટેલના કહેવા પ્રમાણે, "આ જહાજ (INS વિરાટ)ને તોડવાની કામગીરી અટકાવવાની સૂચના આપતી કોઈ નોટિસ સત્તાવાર રીતે નેવી કે અન્ય કોઈ તરફથી મળી નથી."
"આ અંગે અમને મીડિયા મારફતે જ જાણવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટની ગરિમાને ધ્યાને લેતાં અમે જહાજ તોડવાની કામગીરીને અટકાવી દીધી છે."
પટેલના જણાવ્યા પ્રમાણે, છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી લગભગ 250 કામદાર આ જહાજને તોડવાની કામગીરીમાં લાગેલા છે. લગભગ 35-40 ટકા જેટલું જહાજ તોડી પડાયું છે અને જો કામગીરી ચાલુ રહી હોત તો ચાર-છ મહિનાની કામગીરી બાદ 'INS વિરાટ'ને પણ સંપૂર્ણપણે તોડી પડાયું હોત.

વિરાટ પહેલાં વિક્રાન્ત

ઇમેજ સ્રોત, PTI
ભારતીય નૌકાદળના યુદ્ધજહાજોને કે પુરાણી થઈ ગયેલી સૈન્ય સામગ્રીને ભંગાર તરીકે વેંચી નાખવાની પ્રથા નવી નથી.
જોકે, કેટલાંક જહાજોનું ઐતિહાસિક મહત્ત્વ હોય, તેને મ્યુઝિયમ તરીકે કે અન્ય કોઈ રીતે જાળવી રાખવાના પ્રયાસ થવા જોઈએ, એવી માગ ઊઠતી રહે છે. જેથી કરીને યુવાપેઢીને પ્રેરણા મળે અને નૌકા ઇતિહાસ જળવાઈ રહે.
આ પહેલાં 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન)ની આઝાદીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર INS વિક્રાન્તને (મૂળ બ્રિટિશ નામ HMS હરક્યુલસ) તોડી પાડવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, indiannavy.nic.in
જાન્યુઆરી-1997માં સેવાનિવૃત્ત થયા બાદ 2012 સુધી તેને મ્યુઝિયમ તરીકે સાચવવામાં આવ્યું.
2014માં તેને ભંગાર તરીકે વેંચી દેવામાં આવ્યું. કેટલાક લોકોએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, અંતે નવેમ્બર-2014માં સર્વોચ્ચ અદાલતની લીલીઝંડી બાદ આ જહાજને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
2013માં કોચ્ચી શિપ યાર્ડ ખાતે આ નામથી જ અન્ય એક વિમાનવાહક જહાજ 'INS વિક્રાન્ત'નું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું. ચાલુ વર્ષે તેના ઉપર દરિયાઈ પરીક્ષણ હાથ ધરાશે તથા આગામી એક-બે વર્ષમાં નૌકાદળમાં સામેલ થવા માટે તૈયાર હશે.
INS વિક્રાન્તમાંથી નીકળેલાં લોખંડમાં ટુ-વ્હીલર નિર્માતા કંપની બજાજે 150 સીસીનું 'વી 15' બાઇક લૉન્ચ કર્યું હતું.
મુકેશ પટેલના કહેવા પ્રમાણે, જહાજનું લોખંડ ખરીદવા માટે ટુ-વ્હીલર તથા કારનિર્માતા કંપનીઓએ તેમનો સંપર્ક સાધ્યો હતો.
જહાજમાંથી નીકળતાં લોખંડનો ઉપયોગ આજુબાજુની રિ-રૉલિંગ કંપનીઓ કરે છે. આ સિવાય કટલરી, ફર્નિચર તથા બીજી નાની-મોટી ચીજવસ્તુઓ અલંગની આસપાસની દુકાનોને વેંચી દેવામાં આવે છે.
નેવી તથા સંરક્ષણ મંત્રાલયની લીલીઝંડી બાદ વર્ષ 2019માં પટેલની કંપનીને મૅટલ સ્ક્રૅપ ટ્રૅડ કૉર્પોરેશન (ભારત સરકારનું ઉદ્યમ) મારફત આ જહાજ લગભગ 38 કરોડમાં મળ્યું હતું. ત્યારબાદ ગુજરાત પૉલ્યુશન કંટ્રૉલ બૉર્ડ તથા ગુજરાત મૅરિટાઇમ બૉર્ડની મંજૂરીથી તેને તોડવાની કામગીરી હાથ ધરી હતી.

નારાજ નૌસેના અધિકારીઓ

ઇમેજ સ્રોત, Admiral Arun Prakash
સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં INS વિરાટના હલ્ક ઉપરાંત સ્કી જમ્પ (જહાજનો આગળનો ભાગ, જેની ઉપરથી ફાઇટર જેટ્સ ઉડ્ડાણ ભરે છે) તથા ફ્લાઇટ ડૅકને પણ તોડી પાડવામાં આવ્યા છે.
રિટાયર્ડ ઍડમિરલ અરૂણ પ્રકાશે ટ્વીટ કર્યું, "ન્યાય તોળવામાં મોડું થયું. એક મહિનાથી તે જહાજ તોડનારા પાસે છે. વિરાટના હલ્કને તોડી પાડ્યા બાદ હવે તેને બચાવવું યોગ્ય છે કે કેમ, તે વિચારણા માગી લે તેમ છે."
રિટાયર્ડ ઍડમિરલ અરૂણ પ્રકાશ આ જહાજની કમાન સંભાળી ચૂક્યા છે અને આ જહાજને ભારતીય જળસીમામાં આવકારવા માટે પહોંચેલા જહાજને પણ કમાન્ડ કરી રહ્યા હતા.
નૌસેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે, INS વિરાટે દેશની દરિયાઈ સુરક્ષા કરવા ઉપરાંત તેની ઉપર ફરજ બજાવનારા બે પેઢીના પાઇલોટો, ઍન્જિનિયરો, ટૅક્નિશિયનો તથા કર્મચારીઓને ઘણું શીખવ્યું છે.
રિટાયર્ડ ઍડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસના કહેવા પ્રમાણે, જહાજને બચાવવામાં ભારતીય નૌકાદળ તથા કેન્દ્ર સરકારે ઉદાસીનતા દાખવી છે અને મ્યુઝિયમ તરીકે તેની જાળવણી કરવી જોઈતી હતી.
ઍડમિરલ (રિટાયર્ડ) રામદાસના કહેવા પ્રમાણે, જહાજને આટલું નુકસાન થવા છતાં 'જો સરકારમાં ઇચ્છાશક્તિ હોય તો જહાજને પૂર્વવત્ સ્વરૂપમાં પુનર્સ્થાપિત કરી શકાય.'
1980ના દાયકામાં ભારતે રૉયલ બ્રિટિશ નૅવીના જહાજ HMS (હર મૅજિસ્ટિઝ શિપ) હરમીઝને ખરીદવા માટે બ્રિટનની સરકાર સાથે મંત્રણા હાથ ધરી, ત્યારે (રિટાયર્ડ) ઍડમિરલ રામદાસ નૌકાદળમાં ઉપાધ્યક્ષ હતા અને વાટાઘાટ કરનારી ટુકડીના સભ્ય પણ હતા.

સરકારની સફાઈ

ઇમેજ સ્રોત, indiannavy.nic.in
મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશની સરકારોએ INS વિક્રાન્તને મ્યુઝિયમ કે દરિયાઈ પર્યટનસ્થળ તરીકે વિકસાવવા ઉપર વિચાર કર્યો હતો.
જોકે, જુલાઈ-2019માં રાજ્યકક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ યશો નાઇકે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારતીય નૌકાદળ સાથે પરામર્શ કર્યા બાદ INS વિરાટને ભંગાર તરીકે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોઈ પણ રાજ્ય સરકાર INS વિરાટની સ્વપોષિત જાળવણી માટે કોઈ નક્કર રૂપરેખા કે પ્રસ્તાવ રજૂ ન કરી શકતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર-2020માં જ્યારે આ વિમાનવાહક જહાજ ભંગાવા માટે અલંગના દરિયાકિનારે પહોંચ્યું, ત્યારે કેન્દ્ર સરકારના શિપિંગ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા તેને અંતિમ અલવિદા કહેવા માટે અલંગ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું:
"આ જહાજનો રિપેરિંગ તથા જાળવણી ખર્ચ સતત વધી રહ્યો હતો. તેનું માળખું પણ નબળું પડી ગયું હતું, જેથી તેને 'અંતિમવિદાય' આપવાની જરૂર ઊભી થઈ. મારા મંત્રાલયે મુંબઈ પૉર્ટ ટ્રસ્ટ મારફત INS વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા માટે ભારતીય નૌકાદળ સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી."
"આ માટે અમે એક ગોદીનું નિર્માણ કરવા પણ તૈયાર હતા. નિષ્ણાતોની કમિટીએ તેનું મૂલ્યાંકન કર્યું. તેઓ એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે જો જહાજને મ્યુઝિયમમાં ફેરવવામાં આવે તો તે પણ તે 10 વર્ષ કરતાં વધુ સમય માટે તરતું નહીં રહી શકે. આ સંજોગોમાં જો તે મ્યુઝિયમ બને અને તેના ઉપર કોઈ દુર્ઘટના થાય તો? એ શક્યતાને ધ્યાને લેતા તેને વિદાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો."

'વિરાટ' ઇતિહાસ

ઇમેજ સ્રોત, Indian Navy
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની નૅવી માટે સૅન્ટુયર શ્રેણીના વિમાનવાહક જહાજ (HMS હર્મીઝ)નું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું, આ દરમિયાન મિત્રરાષ્ટ્રોનો વિજય થયો, જેથી બાંધકામની કામગીરી ધીમી પડી.
પંદર વર્ષ બાદ 1959માં આ જહાજ તૈયાર થયું. ભારતે તેમાં જરૂરી ફેરફાર કરાવ્યા અને તેનું રિફિટિંગ કરવામાં આવ્યું. તે ભારતીય નૅવીમાં સામેલ થયું, ત્યારથી જ ભારતનું 'ફ્લૅગશિપ' હતું.
INS વિરાટના સેવાકાળ દરમિયાન 22 કૅપ્ટન રહ્યાં, તેનો ખોળો ખૂંદીને લગભગ 40 ફ્લૅગ-ઑફિસર તથા પાંચ ભાવિ નૌસેનાધ્યક્ષ તૈયાર થયા.
મે-1987માં 23 હજાર 900 ટન (ફૂલ લૉડ સાથે 28 હજાર 700 ટન)નું જહાજ ભારતને મળ્યું. તેની લંબાઈ 227 મીટર છે તથા તે લગભગ 20 માળ જેટલું ઊંચું છે. તેમાં 43 અધિકારીઓ સહિત કુલ 1350 નૌસૈનિકો ફરજ બજાવતા હતા.
INS વિરાટનું સૂત્ર 'જલમેવ યશય, બલમેવ તસ્ય' હતું, જેનો મતલબ 'જે દરિયા ઉપર નિયંત્રણ રાખી શકે, તે બળવાન છે' એવો થાય છે.
ભારતીય નેવી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે, પોતાના સેવાકાળ દરમિયાન INS વિરાટ ઉપરથી અલગ-અલગ વિમાન તથા હૅલિકૉપ્ટરોએ 22 હજાર 622 કલકાની ઉડાણ ભરી. બે હજાર 252 દિવસ (લગભગ સાત વર્ષ) દરિયામાં વિતાવ્યા.
આ ગાળા દરમિયાન તેમણે પાંચ લાખ 88 હજાર 287 નૉટિકલ માઇલ (દરિયાઈ અંતર માપવાનું એકમ) કે 10 લાખ 94 હજાર 215 કિલોમિટરનો પ્રવાસ ખેડ્યો. જે સમગ્ર પૃથ્વીના લગભગ 27 ચક્કર જેટલું થાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
1987માં ભારતે શ્રીલંકામાં શાંતિસેના મોકલીને 'ઑપરેશન જ્યુપિટર' હાથ ધર્યું, ત્યારે INS વિરાટે દરિયાઈ સુરક્ષાની ભૂમિકા ભજવી હતી. 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ સંઘર્ષ થયું, ત્યારે INS વિરાટને અરબી સમુદ્રમાં સક્રિય કરવામાં આવ્યું.
ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ ઉપર ઉગ્રવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ. બંને દેશોએ પોતાની સેનાઓને સરહદે ખડકી દીધી હતી.
એ સમયે ભારત દ્વારા 'ઑપરેશન પરાક્રમ' હાથ ધરવામાં આવ્યું હતું અને 'કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા' INS વિક્રાન્તને સૂચના આપવામાં આવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સેવાનિવૃત્ત બાદ પણ તે વિવાદમાં સપડાયું હતું. 2019ની લોકસભા ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે 'તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો ઉપયોગ પોતાની રજાઓને માણવા માટે ટૅક્સીની જેમ કર્યો હતો.'
બાદમાં આઈ.એન.એસ. વિરાટના તત્કાલીન કમાન્ડિંગ ઑફિસર તથા રિટાયર્ડ વાઇસ-ઍડમિરલ વિનોદ પસરિચાએ તે 'ફૅમિલી ટ્રિપ' હોવાની વાતને નકારી હતી.
દક્ષિણ કમાનના તત્કાલીન વડા અને હાલ નિવૃત્ત ઍડમિરલ રામદાસના કહેવા પ્રમાણે, એ સમયે તેઓ નૌસેનાની દક્ષિણ કમાનના વડા હતા અને તે સમયે તેઓ જહાજ પર હતા. તે એક સરકારી કાર્યક્રમ હતો.
30 વર્ષ માટે ભારતીય નેવીની સેવા કરી તે પહેલાં 27 વર્ષ સુધી તે બ્રિટિશ રૉયલ નૅવીના ભાગરૂપ રહ્યું હતું. જ્યાં તેણે 'ઑપરેશન મર્સી' તથા બ્રિટન-આર્જેન્ટિના વચ્ચેના 10-દિવસીય ફાલ્કલૅન્ડ યુદ્ધમાં આ વિમાનવાહક જહાજે ચાવીરુપ ભૂમિકા ભજવી.
હાલમાં ભારત પાસે એકમાત્ર સેવારત વિમાનવાહક જહાજ આઈ.એન.એસ. વિક્રમાદિત્ય છે. રશિયા પાસેથી ખરીદેલા આ જહાજનું મૂળ નામ ઍડમિરલ ગૉર્શ્ચોવ હતું. તેનું વજન 45 હજાર ટન કરતાં વધુ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













