'અમિત શાહના પુત્ર જય શાહ પાસે એવડી મોટી કંઈ ડિગ્રી છે કે સરકાર એમનો ઉપયોગ કરી રહી છે?'- પ્રહલાદ મોદી

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને નેતાઓ પ્રચારમાં પણ લાગી ગયા છે.
ભાજપ અને કૉંગ્રેસે સ્થાનિક બેઠકો પર જઈને પ્રચાર શરૂ દીધો છે અને ટિકિટની ફાળવણી માટેની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પણ ચર્ચામાં આવ્યા છે.
પ્રહલાદ મોદીએ બીબીસીને કહ્યું કે એમના દીકરી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વયમર્યાદા અને હોદ્દેદારો તથા એમના સગાઓને ટિકિટ આપવાને લઈ ભાજપે નવા નિયમ જાહેર કર્યા છે તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં પ્રહલાદ મોદીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નરેન્દ્ર મોદીનો તેમની સાથે પારિવારિક સંબંધ, ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

તેજસ વૈદ્ય સાથે પ્રહલાદ મોદીની વાતચીત
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સવાલ- તમારાં દીકરી સોનલ મોદી ક્યાંથી ચૂંટણી લડવા ઇચ્છે છે?
જવાબ- મારી દીકરી સોનલ મોદી અમદાવાદના બોડકદેવ વોર્ડમાં બક્ષીપંચની સીટ પરથી મહિલા ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માગે છે.
સવાલ- ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અગાઉ કહ્યું હતું કે ભાજપમાં નેતાઓના સગાંને ટિકિટ નહીં મળે.

જવાબ- સવાલ એ છે કે અમે એવી કોઈ અપેક્ષા રાખી નથી કે નરેન્દ્રભાઈના ફોટાનો ઉપયોગ કરીને અમે અમારું જીવન જીવીએ. અમારા પરિવારના બધા જ સભ્યો પોતાની રીતે પોતાની આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવે છે.
હું રૅશનની દુકાન ચલાવું છું. આથી ભાઈ-ભત્રીજા જેવી વસ્તુ અમારા પરિવાર સાથે સંકળાતી નથી. કેમ કે નરેન્દ્રભાઈએ 1970માં ઘર છોડીને પૂરા હિન્દુસ્તાનને પોતાનું ઘર બનાવ્યું છે. આથી આખા હિન્દુસ્તાનના બધા રહીશો તેમનાં ભાઈ-ભત્રીજા છે, બહેનો છે. એ નરેન્દ્રભાઈ પોતે કહેતા આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદાચ જન્મ અમારા કુટુંબમાં થયો છે, પણ એ આજે જ્યારે સમગ્ર દેશના એક સંતાન તરીકે આગળ વધતા હોય અને આ વાતનું અનુકરણ કરવું હોય તો તો પછી કોઈ ચૂંટણી જ ન લડી શકે. નરેન્દ્રભાઈએ પોતે કહ્યું છે કે મારું કોઈ નથી, દેશની જનતા મારાં ભાઈ-બહેન છે. તો હવે આ વસ્તુ અમને ક્યાંથી લાગે પડે છે?
સવાલ- શું નરેન્દ્રભાઈ તમારા પરિવારના સભ્ય નથી?

ઇમેજ સ્રોત, ANI
જવાબ- સવાલ એ છે કે ભારત સરકારે એક નિયમ બનાવ્યો છે કે ફેમિલી કોને ગણવું. જેનું નામ રૅશનકાર્ડમાં હોય એ ફેમિલી ગણાય. મારા ત્યાં જે રૅશનકાર્ડમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીનું નામ નથી, એ મારું ફેમિલી ગણાય ખરું?
એ સવાલ હું આપને અને લોકોને પૂછું છું. નરેન્દ્રભાઈનું રૅશનકાર્ડમાં નામ જ્યાં છે, એ તો રાણીપમાં છે. એટલે રાણીપ એમનું ફેમિલી છે. એવું નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કરી દીધું છે.
સવાલ- જો રૅશનકાર્ડમાં નામ ન હોય તો તમારી દૃષ્ટિએ એનો અર્થ શું નીકળે?
જવાબ- હું એવું માનું છું કે રૅશનકાર્ડમાં જે સરકારે નિયમ બનાવ્યો છે, અને જે વસ્તુનો અમલ થઈ રહ્યો છે, એ જ રીતે પાર્ટીએ અમલ કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ- જો સોનલ મોદી ચૂંટણીમાં ઊભાં રહેશે તો લોકો પણ એમ જ કહેશે કે આ નરેન્દ્ર મોદીના ભત્રીજી છે.
જવાબ- ઘણા લોકો આજે એમ કહે છે કે અમે રામના વંશજ છીએ. તો એને આપણે રોકી શકીએ? જો સંબંધ ચીતરાયેલો છે, એને આપણે ભૂંસી શકતા નથી. પરંતુ નરેન્દ્ર મોદીના બંગલે સોનલબહેન ક્યારે ગયાં, એ જો તપાસવામાં આવે તો ખબર પડે કે કેટલા નજીક છે?
સવાલ- સોનલ મોદી નરેન્દ્ર મોદીને ક્યારે મળ્યાં હતાં?
જવાબ- નરેન્દ્રભાઈ વડા પ્રધાન બન્યા ત્યારથી એમના દરવાજા આગળ પથ્થર નાખ્યો છે કે પાટિયું નાખ્યું છે એ મેં જોયું નથી, તો મારાં બાળકો ક્યાંથી જોશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સવાલ- તમે ક્યારેય મળવાની ઇચ્છા નથી રાખી?
જવાબ- હું એવું સમજું છું કે નરેન્દ્રભાઈએ ગૃહત્યાગ કર્યો અને રાષ્ટ્રને પોતાનું ઘર માન્યું, એટલે અમે પારિવારિક સંબંધોથી એમના ગમે તે હોઈએ, પણ હવે અમારે એમના ત્યાં જવા માટે એ બોલાવે તો જવાય. એ ન બોલાવે તો જઈને ઊભા રહીને પાછા આવવું એ સ્વીકાર્ય નથી.
સવાલ- નરેન્દ્રભાઈ તમે ત્યારે અમદાવાદ-ગાંધીનગર આવે ત્યારે હીરાબા (નરેન્દ્ર મોદીનાં માતા)ને મળવા જતા હોય છે.
જવાબ- બા (હીરાબા)ને મળવા જાય પરિવારને દૂર રાખવાની સૂચના આપવામાં આવે, એટલે એમનો નાતો બા સાથે છે. પરિવાર સાથે નથી.
જ્યારે જ્યારે નરેન્દ્રભાઈ મળવા આવ્યા ત્યારે શરૂઆતમાં એક વખત નાના ભાઈનો પરિવાર હતો. એના પછીના કોઈ પણ ફોટામાં જુઓ તો પરિવાર દેખાશે નહીં. પછી પાર્ટી અમને એમના પરિવારના સભ્ય ગણીને અન્યાય કરે તો એ પાર્ટીનો વિષય છે.
સવાલ- તમને એવું લાગે કે તમારી સાથે એ પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે?
જવાબ- આપને નથી લાગતું કે નરેન્દ્રભાઈ બાને મળવા ગયા હોય ત્યારે પરિવારનું બાળક પણ પાસે ઊભેલું દેખાયું નથી. તો આપને નથી લાગતું? હું તો એ જ કહું છું કે પંકજભાઈને ઘરે ભાઈ જતા હોય, કેમ કે બા ત્યાં છે. તો એવું તો શું બની ગયું છે કે પરિવારનો કોઈ સભ્ય હાજર જ નથી હોતો?
ફક્ત બા પાસે નરેન્દ્રભાઈ જ હોય છે. કદાચ હું માનું છું કે ફોટોમાં વધુ આવી જાય તો ફોટો ચોખ્ખો ન આવતો હોય એવું પણ હોય. અથવા તો નરેન્દ્રભાઈના વિચારો એવા હોય કે મેં તો ઘર છોડી દીધું છે એટલે પરિવારની મારે જરૂર નથી માટે પરિવાર ફોટામાં આવવો ન જોઈએ.
આ બધું નરેન્દ્રભાઈના વિચારો પર છે, અમે તો મજૂરી કરીને જીવનારા માણસો છીએ. અમારા માટે નરેન્દ્રભાઈ વડા પ્રધાન બન્યા છે એ ગૌરવ છે. પણ નરેન્દ્રભાઈના ફોટાનો ઉપયોગ કરીને હજુ સુધી તો અમે કંઈક મેળવ્યું નથી અને મેળવવા માગતા પણ નથી.
સવાલ- અખબારમાં તમારું એક નિવેદન છપાયું હતું, જેમાં તમે કહ્યું હતું કે 'મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે કે એના આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્ર મોદીની કિટલી ઇજ્જત કરે છે એનો ખ્યાલ આવી જશે.'

ઇમેજ સ્રોત, Sourav Ganguly TWITTER
જવાબ- મેં આ જે નિવેદન આપ્યું છે, એની પાછળનો મારો એક સ્પષ્ટ હેતુ છે, પાર્ટી જે કંઈ નિયમો બનાવે, એ પૂરા હિન્દુસ્તાનના બધા જ કાર્યકરો-નેતાઓને લાગુ પડતો હોય.
જો રાજનાથસિંહનો છોકરો મેમ્બર ઑફ પાર્લામેન્ટ (સાસંદ) બની શકતો હોય, મધ્યપ્રદેશમાં વર્ગીસજીનો દીકરો ધારાસભ્ય બની શકતો હોય, ગુજરાતના અમિતભાઈ શાહ (ગૃહમંત્રી)નો દીકરો જય, જેણે કદી ક્રિકેટમાં સ્થાન નથી લીધું, ક્રિકેટ રમ્યા છે કે કેમ એ મને ખબર નથી, કેમ કે પેપરમાં તો કદી આવ્યું નથી. મીડિયા દ્વારા મેં જાણ્યું નથી. અને અચાનક આટલો મોટો ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો વહીવટ?
એવી તો શું એમની પાસે ડિગ્રી આવી ગઈ કે એમનો ઉપયોગ સરકાર કરી રહી છે? એમને ભાજપ તરફથી કે ગમે તે તરફથી અનુમોદન મળતું હોય. અને ક્રિકેટ બોર્ડના પ્રમુખ સુધી માણસ પહોંચી શકતો હોય તો મને એવું લાગે છે કે પાર્ટી બે બાજુ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સેક્રેટરી છે અને તાજેતરમાં તેમની એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે વરણી થઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પ્રહલાદ મોદી વધુમાં કહે છે, "નાના કાર્યકરોને ઉંમર અને સગાવાદની વાતો કરીને દૂર રાખવા અને માનીતાઓને ઉપર બેસાડવા. એ આ સ્પષ્ટ ચિત્ર છે. હું સ્પષ્ટ કહું છે કે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્ર મોદીની ભત્રીજી તરીકે નહીં પણ લોકોની ચાહના હોય, અને જીતી શકે એવી લાગતી હોય તો એને ટિકિટ આપે. ભત્રીજી તરીકે અમારે કશું જોઈતું નથી. નરેન્દ્ર મોદીના ભાઈ તરીકે પણ જોઈતું નથી."



ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














