સેક્સ વર્કને એક સામાન્ય વ્યવસાય ગણી શકાય ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બ્રાયન લુફકિન
- પદ, બીબીસી કૅપિટલ
એમ્સટર્ડેમનો રેડ લાઇટ વિસ્તાર વાંકીચૂંકી ગલીઓ અને મકાનોની બારીઓમાં ઊભી રહીને ગ્રાહકોને લલચાવતી મહિલાઓ માટે જાણીતો છે.
આ નેધરલૅન્ડમાં પર્યટન અને સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્ર છે, જ્યાં છેલ્લાં કેટલાંક દાયકાથી સુરક્ષિત અને કાયદેસર સેક્સની પરવાનગી છે. પરંતુ જલદી એ બધું બંધ થઈ શકે છે.
નેધરલૅન્ડની સંસદમાં સેક્સ વર્ક એટલે કે વેશ્યાવૃત્તિને કાયદેસર વ્યવસાય ગણવો કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે.
રૂઢિચૂસ્ત ખ્રિસ્તીઓ અને ડાબેરી નારીવાદીઓ, બન્ને સેક્સ વર્કનો વિરોધ કરી રહ્યા છે.
બીજી બાજુ રેડ લાઇટ વિસ્તારમાં રહીને યૌન વ્યવસાય કરી રહેલી મહિલાઓ પર પોતાનાં અધિકારો બચાવવા માટેનું દબાણ આવી રહ્યું છે.
શું આ પ્રકારની ચર્ચાને કારણે નાણાં ખર્ચીને મેળવાતા જાતીય સુખના કાયદામાં પરિવર્તન આવશે? તેના કારણે વેશ્યાગૃહ સાથે જોડાયેલા લોકોની રોજગારી અને જિંદગી પર શું અસર પડશે?

તમે આ વાંચ્યું કે નહીં?

' હું અણમોલ છું'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
'એ તમારી બહેન હોત તો શું થાત?' આવું સૂત્ર નેધરલૅન્ડના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા અભિયાનમાં ફેલાવાઈ રહ્યું છે.
આ અભિયાનનું નામ છે - 'હું અણમોલ છું'. આ અભિયાન હેઠળ સેક્સ વર્કને ગેરકાનૂની અને ગુનો બનાવવાની માગણી થઈ રહી છે.
સારા લૂસ આ અભિયાન માટે કામ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે છેલ્લાં સાત વર્ષમાં 46 હજાર લોકોની સહી આ ઝુંબેશમાં લેવામાં આવી છે. તેના કારણે જ સંસદમાં ચર્ચા કરવાની સત્તાધીશોને ફરજ પડી છે.
આ ઝુંબેશનો હેતુ વર્તમાન કાયદો બદલવાનો છે, જેથી 'નૉર્ડિક મૉડલ' અપનાવી શકાય.
કર્મચારી મહિલાઓ સામે થતી હિંસાને ઓછી કરવા માટે 'નૉર્ડિક મૉડલ' હેઠળ પૈસા આપીને સેક્સ વર્કરની સેવા લેતા પુરૂષો પર દંડ થઈ શકે છે.
વર્તમાન કાયદા હેઠળ નેધરલૅન્ડમાં બે પુખ્ત વયની વ્યક્તિ રકમ ચૂકવીને સેક્સ કરે તેને માન્ય ગણવામાં આવે છે. 1971થી આ કાયદો લાગુ છે.
લૂસને લાગે છે કે #MeTooના જમાનામાં આ કાયદો જૂનો ગણાય. રેડ લાઇટ વિસ્તારમાં ગમે તેટલી યૌન સ્વતંત્રતા મળતી હોય, પણ તે આજના જમાનાને અનુરૂપ નથી.


સેક્સ વર્કર શું વિચારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
રોમાનિયાનાં (ચેરી એવા નકલી નામે જાણીતાં) એક સેક્સ વર્કરનું કહેવું છે કે તેઓ ભાડું ભરવા માટે અને થોડી કમાણી કરવા માટે આ કામ કરે છે.
તેઓ એક દાયકાથી રેડ લાઈટ વિસ્તારમાં કામ કરી રહ્યાં છે.
બીબીસીની એના હૉલિગન સાથેની વાતચીતમાં ચેરીએ કહ્યું, "આ માગણી (સંસદમાં) પસાર થઈ જશે તો મારે અહીંથી નીકળી જવા માટેનું તે એક સારું પગલું ગણાશે."
ફૉક્સી નામે જાણીતી અન્ય સેક્સ વર્કર માને છે કે તેના કારણે તેનો વ્યવસાય વધારે ગેરકાયદે બની જશે. તેમના જેવા લોકો પર નજર રાખવામાં આવશે અને લોકો તેમને ઓછા સ્વીકારશે.
તેઓ કહે છે, "પોલીસ કે આરોગ્ય વિભાગના અધિકારીઓ અમને પકડી ન શકે તે માટે અમારે ભૂગર્ભમાં રહીને કામ કરવું પડશે."
ફૉક્સીનું કહેવું છે કે તેઓ પોતાની મરજીથી આ કામ કરે છે અને માનવ તસ્કરી જેવી સમસ્યા બીજા વ્યવસાયોમાં પણ છે.
તો શું મહિલાઓ પોતાની મરજી પ્રમાણે કમાણી કરી શકે તે માટે કાયદેસરની સેકસ વર્ક વ્યવસ્થા યોગ્ય છે કે પછી તે હકીકતમાં શોષણ કરનારી છે?


વેશ્યાવૃત્તિ વિરોધી કાયદા કેટલા અસરકારક?

ઇમેજ સ્રોત, Getty Images
વેશ્યાવૃત્તિને રોકવા માટેના કાયદાને કારણે સ્ત્રીઓની સુરક્ષા કેટલી થાય છે અને તેમને સ્વાસ્થ્ય સેવાનો કેટલો લાભ મળે છે તે બાબત દરેક દેશમાં એકસમાન નથી.
જાણકારો કહે છે કે ગરીબ દેશોમાં વેશ્યાવૃત્તિ સામેના કાયદાનો ઉપયોગ કરીને મહિલા સેક્સ વર્કર્સનું વધારે શોષણ થાય છે.
એ ઉપરાંત કાયદાથી પ્રતિબંધ મૂકી દેવાથી માનવ તસ્કરી ઘટી જાય કે સ્ત્રીઓ સામેની હિંસા અટકી જાય તેવું હંમેશા જોવા મળ્યું નથી.
કિંગ્ઝ કૉલેજ લંડનના કાયદા અને સામાજિક ન્યાયના પ્રૉફેસર પ્રભા કોટિશ્વનર કહે છે, "વેશ્યાવૃત્તિ સામેના કાયદાનો ઉપયોગ કરીને સેક્સ વર્કરોનો અધિકાર છીનવી લેવામાં આવે છે."
તેઓ કહે છે, "કાયદાથી બચવા માટે તેમણે પોલીસને લાંચ આપવી પડે છે. રોકડની લાંચ કે પછી સેક્સની લાંચ. તેનો અર્થ એ થયો કે લાંચમાં આપવામાં આવેલા નાણાંની ભરપાઈ કરવા ખાતર તેણે વધારે વેશ્યાવૃત્તિ કરવી પડશે."
આ અભિયાન ચલાવી રહેલા (ઉન્મૂલનવાદી) લોકોની માગણી છે કે પુરૂષો પર દંડની જોગવાઈ કરવી જોઈએ. બીજી બાજુ અન્ય લોકો માને છે કે સ્ત્રીઓનું સશક્તિકરણનું કરવું વધારે જરૂરી છે.
એવું કરવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય કયો છે? કેટલાંક લોકોનું કહેવું છે કે વેશ્યાવૃત્તિને 100 ટકા કાયદેસર બનાવી દેવી જોઈએ.


વેશ્યાવૃત્તિ કાયદેસર બનાવવાના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના નેવાડામાં કામ કરતાં ક્રિસ્ટિના પરેરા સેક્સ માટે નાણાં આપવાની વાતને યોગ્ય માને છે.
તેઓ કહે છે, "આ બહુ ઓછા ધંધામાંનો એક છે, જ્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે કમાણી કરે છે. નારીવાદીઓ તેને છીનવી લેવા માગે છે તે મૂર્ખતા છે."
પરેરા પોતે પણ ક્યારેક સેક્સ વર્કર તરીકે કામ કરે છે. તે સેક્સ ઇન્ડસ્ટ્રી પર જ ડૉક્ટરેટ કરી રહ્યાં છે.
તેઓ વેશ્યાવૃત્તિને અપરાધ બનાવવાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આ કામના કારણે તેઓ સારું જીવન જીવી શકે છે.
પરેરા કહે છે, "મેં પૂરતી કમાણી કરી છે. હું પીએચડી પૂરી કરી શકીશ અને મારે કામ કરવાની જરૂર નહીં પડે. વેશ્યાવૃત્તિ બંધ થઈ જશે તો હજારો લોકો તેમાંથી બહાર ફેંકાઈ જશે."
નેવાડામાં કેટલીક જગ્યાએ વેશ્યાવૃત્તિને કાયદેસર ગણવામાં આવે છે. પરેરા કહે છે, "વેશ્યાલયોની સારી વાત એ છે કે તે કાયદેસર હોવાથી ત્યાં તમારી સલામતી રહે છે. કોઈ ગ્રાહક બેકાબૂ બની જાય તો તમે પેનિક બટન દબાવી શકો છો."


કાયદેસર વ્યવસાયમાં વધારે હિંસા?

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર અને અભિયાન ચલાવતા જૂથનાં સભ્ય જૂલી બિંદલનું કહેવું છે કે જે દેશોમાં વેશ્યાવૃત્તિ કાયદેસર છે, ત્યાં સેક્સ વર્કર્સ દલાલો અને ગ્રાહકો પર વધારે નિર્ભર હોય છે.
તેમનું એમ પણ કહેવું છે કે પત્રકારનું કામ કરતી વખતે તેમને ક્યારેય પેનિક બટન દબાવવાની જરૂર પડી નથી.
બિંદલ 'નૉર્ડિક મૉડલ'ની તરફેણ કરે છે. આ મૉડલ નૉર્ડિક દેશોની બહાર પણ ફેલાયું છે.
આ મૉડલ સેક્સ વર્કને ગુનો માનતું નથી, પણ પૈસા આપીને સેક્સ કરનાર ગ્રાહકોને ગુનેગાર સમજે છે.
બિંદલ માને છે કે આજે પણ વેશ્યાવૃત્તિ મહિલાઓ માટે સલામત નથી. તેને બીજા કોઈ વ્યવસાય સાથે જોડી શકાતો નથી કે તેના વિશે ખુલીને કોઈની સાથે વાત કરી શકાતી નથી.
આ સમસ્યા ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી સેક્સ વર્કર્સને ઉપભોગની વસ્તુ સમજવામાં આવશે.
બિંદલ જર્મનીમાં ચાલતા મેગા બ્રૉથેલ (વેશ્યાલયો)નો દાખલો આપે છે.
તેઓ કહે છે, "ત્યાં પુરૂષો માટે એવી જાહેરખબરો આપવામાં આવે છે કે પુરૂષો ઇચ્છે તેટલી મહિલાઓ સાથે રહી શકે છે. સાથે બર્ગર અને બિયર પણ લઈ શકે છે. આ ઉપભોગી સંસ્કૃત્તિનો જ એક હિસ્સો છે. તેમાં સેક્સ વર્કર્સનું સ્થાન બર્ગરમાં રહેલા માંસના ટુકડા જેવું જ છે."

સ્ત્રી અને પુરૂષ વચ્ચે અસમાનતા

ઇમેજ સ્રોત, Getty Images
બિંદલ માને છે કે વેશ્યાવૃત્તિના મૂળમાં સ્ત્રી-પુરૂષની અસમાનતા છે. તેથી તેઓ એવું મૉડલ ઇચ્છે છે જેમાં જોખમ લાગે ત્યારે સેક્સ વર્કર ફોન કરીને પોલીસને બોલાવી શકે.
જોકે, પરેરા કહે છે કે તેમને ક્યારેય આવું કરવું પડ્યું નથી. કોઈ પુરુષે વેશ્યાલયના નિયમો (જેમ કે કૉન્ડોમ પહેરવો) તોડ્યા નથી.
પરેરા એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને મેડિકલ જર્નલ ધ લેન્સેટના આંકડાંઓ તરફ ધ્યાન દોરે છે. આ બંને સંસ્થાઓ સેકસના વ્યવસાયને અપરાધીકરણમાંથી મુક્ત કરવાની તરફેણ કરે છે.
દાખલા તરીકે અમેરિકાના રોડ આઇલૅન્ડમાં વેશ્યાવૃત્તિને કાયદેસર કરી દેવામાં આવી તે પછી 2003થી 2008 દરમિયાન મહિલા સેક્સ વર્કર્સ સામે થતી હિંસામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
પરેરા કહે છે, "સેક્સ વર્કર્સની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં વધારે સ્ત્રીઓ આવી જશે તેવી માન્યતા ખોટી છે."
વેશ્યાવૃત્તિ કાયદેસર હોવાથી સેક્સ અને વેશ્યાલયોની સારી સ્થિતિ પર વાત કરી શકે છે. તેના કારણે સશક્તિકરણ થયું છે અને અધિકારોનો ભંગ થાય ત્યારે ફરિયાદ પણ નોંધાવી શકે છે.

નૉર્ડિક મૉડલનું શું?

ઇમેજ સ્રોત, Getty Images
પરેરા કહે છે, "મહિલાઓ સ્વેચ્છાએ ક્યારેય વેશ્યાવૃત્તિ કરતી નથી અને તેને જાતીય આનંદ નથી આવતો તેવી માન્યતાઓ ખોટી છે. નૉર્ડિક મૉડલ પુરુષોને શિકારી માને છે, પણ મોટા ભાગની સેક્સ વર્કર્સ માટે આ વાત સાચી નથી."
પરેરાના જણાવ્યા અનુસાર નૉર્ડિક મૉડલ એવી ખોટી નારીવાદી વિચારસરણી પર આધારિત છે કે શરીરના એક ભાગને ભાડે આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે ઉન્મૂલનવાદી જે વાતો કરે છે તે વેશ્યાલયમાં આવતા ગ્રાહકોની વાતો કરતાં વધારે અપમાનજનક છે.
બીજી બાજુ ઉન્મૂલનવાદી લોકોનો તર્ક એવો છે કે સેક્સને વેચવાની વાતને અપરાધ બનાવવાથી અને ગ્રાહકોને તેના માટે જવાબદાર ઠેરવવાથી મહિલાઓ વધારે સલામત બનશે. કોઈ પણ કામના સ્થળે તેનું સશક્તિકરણ થશે.
નેધરલૅન્ડની સંસદમાં ચર્ચાનો સમય નજીક આવતો જાય છે, તેમ તેમ આ વિવાદ વધારે જોર પકડી રહ્યો છે.
પરેરાની સલાહ છે કે ઉન્મૂલનવાદી લોકોએ વધારે સેક્સ વર્કર્સને મળવું જોઈએ અને તેમની સાથે વાત કરવી જોઈએ. જોકે બિંદલ કહે છે કે પરેરાને થયેલો અનુભવ એ બધાને થયેલો અનુભવ નથી.
પરેરા કહે છે, "પુરૂષો છે ત્યાં સુધી સેક્સની માગ રહેવાની છે. પુખ્ત સ્ત્રી પોતાની મરજીથી આ કામ કરતી હોય તો તે ઠીક જ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












