મહેસાણા : દલિતોએ લગ્નમાં વરઘોડો કાઢતા ગામે તેમનો બહિષ્કાર કર્યો

વરઘોડો

ઇમેજ સ્રોત, Manubhai Parmar

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરવાની ઘટના બની છે. આ ઘટનામાં નાયબ મુખ્ય મંત્રી આજે લ્હોર ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

ગામમાં હાજર બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા જણાવે છે કે નીતિન પટેલ પંચાયતની ઑફિસમાં ગામના વિવિધ સમુદાયના આગેવાનો સાથે મિટિંગ કરી રહી હતી. નાયબ મુખ્ય મંત્રીની સાથે કલેક્ટર, ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ હાજર હતા.

નીતિન પટેલ લ્હોર ગામમાં

આ અંગે જાણીતા દલિત કર્મશીલ માર્ટિન મેકવાને બીબીસીને કહ્યું કે બહિષ્કારની અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ નાયબ મુખ્ય મંત્રી અને અધિકારીઓને તાત્કાલિક પહોંચી જવું પડ્યુ હોય એવું જોવા મળતું નથી.

ગામમાં લગ્ન પહેલાં વરઘોડો કાઢવાની બાબતે આ બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે કડીના બાવળું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે.

ગઈકાલે પોલીસ સ્ટેશનમાં દલિતોએ ફરિયાદ નોંધાવતા અન્ય જ્ઞાતિના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

મામલાની ગંભીરતા અને સ્થિતિને વણસતી અટકાવવા માટે પોલીસ સ્ટેશન પર વધારાની પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.

line

પોલીસ શું કહે છે?

વરઘોડો

ઇમેજ સ્રોત, Manubhai Parmar

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મહેસાણાના ડીસીપી મંજિતા વણઝારાએ કહ્યું કે લ્હોર ગામના આ મામલામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેમણે કહ્યું, "પોલીસે આ મામલામાં ગામના સરપંચ વિનુજી ઠાકોર, ઉપસરપંચ બળદેવજી ઠાકોર, ગામના આગેવાન મંગાજી ઠાકોર, મનુભાઈ બારોટ અને ગાભાજી રવાજી એમ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે."

"આ મામલાને લઈને મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જેને લઈને વધારાની પોલીસ બોલાવવી પડી હતી."

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ સ્ટેશન પર હાજર સામાજિક કાર્યકર્તા કૌશિક મંજુલા બાબુભાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે આ કેસમાં ગામના આગેવાનોની ધરપકડ થતાં બિન દલિત સમુદાયના 200 લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.

તેમણે કહ્યું, "સ્થિતિ હાલ કાબૂમાં છે અને પોલીસે વધારાના લોકોને પોલીસ સ્ટેશનની બહાર કાઢ્યા હતા. ફરિયાદ મામલે પોલીસ સહયોગ કર્યો હતો."

line

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં શું કહેવાયું છે?

એફઆઈઆરની કૉપી

ઇમેજ સ્રોત, Bavlu police station

ઇમેજ કૅપ્શન, એફઆઈઆરની કૉપી

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે ગામના સરપંચ વિનુજી અને ઉપસરપંચ બળદેવજીએ ગામના રામજી મંદિરના માઇક પરથી જાહેરાત કરીને ગામ લોકોને એકત્ર થવા કહ્યું હતું.

જે બાદ ગામના લોકો એકત્ર થયા બાદ તેમણે દલિતોએ તેમના સમાજની મર્યાદા ના રાખી હોવાથી બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું.

ફરિયાદમાં લખાયા મુજબ સરપંચે ગામના લોકોને દલિતોને ચીજવસ્તુઓ આપવાની ના પાડી હતી અને ગામના કોઈ પણ વાહનમાં તેમને બેસાડવા તથા મજૂરીકામ માટે બોલાવવાની પણ મનાઈ કરી હતી.

દલિતોના ત્રણ લોકો પણ એકત્ર થયેલા લોકોમાં હતા જેથી આ લોકો જોઈ જતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી તથા તેમને અપશબ્દો બોલી ત્યાંથી કાઢી મૂક્યા હતા.

આ ત્રણેય લોકોએ દલિતોના મહોલ્લામાં જઈને બહિષ્કાર માટે થયેલી મિટિંગનું વર્ણન કર્યું હતું. જે બાદ ગામ લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.

line

વરરાજાના પિતા શું કહે છે?

મહિલાઓ દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ

ઇમેજ સ્રોત, Jagsidh Aasodiya

લ્હોર ગામમાં રહેતા દલિત યુવક મેહુલ મનુભાઈ પરમારનાં લગ્ન હતાં. 7મી મેના રોજ મેહુલનો ગામમાં વરઘોડો કાઢવાનો હતો.

જોકે, ગ્રામના કેટલાક લોકોએ વરઘોડાનો વિરોધ કર્યો હતો અને વરઘોડો ના કાઢવા માટે કહ્યું.

જોકે, લગ્નના દિવસે પોલીસ અને મીડિયાની હાજરી હોવાથી ગામમાં વરઘોડાનો કોઈ વિરોધ જોવા મળ્યો ન હતો.

લગ્નના બે દિવસ બાદ ગામમાંથી દલિતોના બહિષ્કારની ઘટના સામે આવી હતી.

વરરાજાના પિતા મનુભાઈ પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે મારા પુત્રના લગ્ન પહેલાં પણ ગામ લોકોએ એક મિટિંગ કરી હતી.

"લગ્ન બાદ અમારો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામમાં અમે જઈ શકતા નથી, ઘરે પણ ફરીને આવવું પડે છે."

"ગામમાં દુકાન પરથી અમને કોઈ વસ્તુઓ આપતા નથી. ઘંટી કે અન્ય દુકાનદારો કહે છે કે સરપંચે અમને ના પાડી છે."

મનુભાઈના કહેવા પ્રમાણે ગામના સરપંચે મિટિંગ કરીને દલિતો સાથે સંબંધો તોડી નાખવા કહ્યું હતું.

તેમણે કહ્યું, "સરપંચે અન્ય જ્ઞાતિઓને દલિતો સાથે વહેવાર કરશે તો 5,000 રૂપિયાનો દંડ અને સંબંધ રાખનારને ગામની બહાર કાઢી મૂકવાની જાહેરાત કરી હતી."

મનુભાઈનો દાવો છે કે બહિષ્કાર કર્યો હોવાનું તેમની પાસે વીડિયો રૅકોર્ડિંગ પણ છે.

તેમણે કહ્યું કે ગામમાં દલિતોને લગ્નમાં વરઘોડો કાઢવા દેવામાં આવતો નથી પરંતુ પરિવારની અને મારા દીકરાની ઇચ્છા હોવાથી અમે વરઘોડો કાઢ્યો હતો. જેના કારણે અમારે આ બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે.

વરરાજા મેહુલ અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરે છે, જ્યારે તેમના પિતા મનુભાઈ શેરબજારની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

દેશે.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો