ગેમ ઑફ થ્રોન્સ ઇતિહાસની આ પાંચ સત્ય ઘટનાઓ પરથી બની છે

ઇમેજ સ્રોત, Getty Images
HBO ટીવીની ગેમ ઑફ થ્રોન્સ, જેની આઠમી સિરીઝ હવે ચાલી રહી છે, તે આજ સુધીની સૌથી સફળ સિરિયલ બની રહી છે.
વર્તમાન સિરીઝનો પ્રારંભ 14 એપ્રિલે થયો હતો, તેને માત્ર અમેરિકામાં જ 1.7 કરોડ દર્શકો મળ્યા હતા. એચબીઓના જણાવ્યા અનુસાર આ જૉન્રમાં તે એક રેકર્ડ છે.
સિરિયલમાં જાદુ અને ડ્રેગનની ભરમાર છે અને નાટકીય ઘટનાઓ કાલ્પનિક છે.
જોકે, માત્ર કોરી કલ્પના પણ નથી અને ચાહકોની ધારણાથી વિપરીત ઘણી અસલી ઐતિહાસિક ઘટનાઓમાંથી પ્રેરણા લઈને કથા લખવામાં આવી છે.
ગેમ ઑફ થ્રોન્સની પટકથા જ્યોર્જ આર. આર. માર્ટિને લખેલા પુસ્તકોના આધારે તૈયાર થઈ છે.
માર્ટિન પોતે આ ટીવી સિરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છે. તેમણે ઘણી વાર જણાવ્યું છે કે કઈ રીતે ઐતિહાસિક ઘટનાઓએ તેમના લખાણ પર પ્રભાવ પાડ્યો છે.
47એમ્મી ઍવૉર્ડ્સ. આ રેકર્ડ સેટર્ડે નાઇટ લાઇવે (65) તોડ્યો હતો.
100 કરોડ GoT સિઝન 7ના અંદાજિત ગેરકાયદેસર ડાઉનલોડની સંખ્યા
328 લાખ સિઝન 7ના એક એપિસોડને અમેરિકામાં જોનારા લોકોની સંખ્યા
93 લાખસિઝન 1ના એક એપિસોડને અમેરિકામાં જોનારા લોકોની સંખ્યા
ગત નવેમ્બરમાં તેમણે ધ ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું, "મને ઇતિહાસમાં હંમેશાં રસ પડ્યો છે."
"જોકે, મને સામાજિક-આર્થિક વિશ્લેષણમાં કે બદલાતા સાંસ્કૃતિક પરિદૃશ્યનું વિશ્લેષણ કરવામાં રસ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને યુદ્ધ, હત્યા, દગાખોરી એવી રોમાંચક ઘટનાઓમાં જ વધુ રસ પડે છે."
અહીં એવી પાંચ ઐતિહાસિક ઘટનાઓ આપી છે, જેના આધારે ગેમ ઑફ થ્રોન્સની કેટલીક સૌથી નાટકીય ઘટનાઓએ આકાર લીધો છે.

1. ઇંગ્લૅન્ડમાં રાજગાદી માટે 'ગુલાબનાં ફુલો'નું યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
ગુલાબનાં ફુલોના યુદ્ધ તરીકે ઓળખાતાં યુદ્ધો 15મી સદીમાં ઇંગ્લૅન્ડની રાજગાદી પર કબજો કરવા માટે લડાયાં હતાં, તે બહુ વ્યાપક અને સંકુલ હતાં.
હાઉસ ઑફ લેન્સેસ્ટર અને હાઉસ ઑફ યોર્ક વચ્ચે લડાઈઓ થઈ હતી. ઇંગ્લૅન્ડ પર 300 કરતાં વધુ વર્ષો સુધી રાજ કરનારા હાઉસ ઑફ પ્લેન્ટેજનટમાં ભાગલા પડ્યા હતા અને તેમાંથી આ બે હરીફ જૂથો ઊભાં થયાં હતાં.
1950ના દાયકામાં ઇતિહાસકાર થોમસ બી. કોસ્ટેને ચાર ભાગમાં 'પ્લેન્ટેજનટ' નામનો ગ્રંથ લખ્યો હતો. તેમાં આ યુદ્ધોનું વિગતે વર્ણન કરાયેલું છે.
માર્ટિને ઘણી વાર કોસ્ટેનના પુસ્તકનાં વખાણ કર્યાં છે. ગેમ ઑફ થ્રોન્સમાં મહત્ત્વની લડાઈઓ દર્શાવાઈ છે, તેમાં વૉર્સ ઑફ રોઝીઝની ઝલક મળી આવે છે.
વેસ્ટિરોસ નામના કાલ્પનિક ખંડ પર કબજો કરવા માટે લેનિસ્ટર અને સ્ટાર્ક પરિવારો વચ્ચેની લડાઇમાં ઇંગ્લૅન્ડના બે રાજવી પરિવારોની લડાઈની ઝલક મળે છે.


2. ટ્રાયલ બાય કૉમ્બેટ - સશસ્ત્ર સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images
ગેમ ઑફ થ્રોન્સની પ્રથમ સિરીઝમાં ટિરિયન લેનિસ્ટર (અમેરિકન અભિનેતા પિટર ડિન્ક્લેજે ભજવેલું પાત્ર) પર લૉર્ડ જોન એરિયનની હત્યાનો આરોપ છે.
જોકે, તે સજા ટાળવા માટે એવી ઑફર કરે છે કે કૉમ્બેટ (દ્વંદ્વ) દ્વારા ટ્રાયલ થવી જોઈએ.
લેનિસ્ટર પોતાના બૉડીગાર્ડને હુકમ કરે છે કે તેમણે દ્વંદ્વયુદ્ધ કરવું અને પોતાના માલિકને છોડાવવા.
આવી સ્થિતિ માત્ર લેખકની કલ્પના નથી. દ્વંદ્વયુદ્ધ કરીને ટ્રાયલ ચલાવવાની વાત કાનૂની રીતે મધ્યયુગમાં માન્ય હતી.
મધ્યયુગીય યુરોપમાં કાનૂની લડાઈ થાય ત્યારે ફેંસલો કરવા માટે સામસામે તલવારો તાણવામાં આવતી હતી.
બંને પક્ષકારો આવી સશસ્ત્ર સુનાવણી માટે યોદ્ધાઓને ભાડે રાખતા હતા.
જોકે, ગેમ ઑફ થ્રોન્સમાં જોવા મળ્યું તે રીતે આવાં દ્વંદ્વયુદ્ધ હંમેશાં લોહિયાળ કતલમાં પરિણમે એવું જરૂરી નહોતું.
ઘણી વાર દ્વંદ્વયુદ્ધ થાય ત્યારે બેમાંથી એક હાર કબૂલી લે અને ફેંસલો લઈ લેવામાં આવે.


3. લાલ લગ્ન કે બ્લેક ડિનર?

ઇમેજ સ્રોત, Getty Images
ગેમ ઑફ થ્રોન્સમાં સૌથી વધુ દિલધડક અને શું થશે તેની ઉત્તેજના જગાવે તેવી ઘટનાઓ બની હતી ત્રીજી સિઝનમાં. એક જ એપિસોડમાં મુખ્ય પાત્રોમાંથી ત્રણ માર્યાં ગયાં હતાં.
રોબ સ્ટાર્ક, તેમનાં માતા કેટેલિન અને તેમનાં સગર્ભા પત્ની ટેલિસાની એક ભોજન સમારંભમાં હત્યા કરી દેવામાં આવી હતી.
માર્ટિને ફરી એકવાર વાસ્તવમાં બનેલી આવી એક ઘટનામાંથી પ્રેરણા લીધી હતી. તે પ્રસંગને 'લાલ લગ્ન' (રેડ વિડિંગ)ના ઘટનાક્રમ તરીકે ઓળખવામાં આવે છે.
બ્લેક ડિનરને આ ઘટના દ્વારા તેમણે શ્રદ્ધાંજલિ આપી હતી.
1440ના દાયકામાં સ્કૉટલૅન્ડમાં બનેલી ઘટનાઓને બ્લેક ડિનર ઘટનાક્રમ તરીકે ઓળખાવામાં આવે છે.
દસ વર્ષના કિંગ જેમ્સ દ્વિતીયે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તેમાં અર્લ ઑફ ડગ્લાસ અને તેમના નાના ભાઈને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભોજન સમારંભ બાદ બંનેના માથા ધડથી અલગ કરી દેવાયા હતા.
માર્ટિને ઈડબ્લ્યૂ મૅગેઝિનને જણાવ્યું હતું, "તે ઐતિહાસિક પ્રસંગના વર્ણનમાં એવું જણાવાયેલું છે કે કોઈએ ટેબલ પર જંગલી કાળા સૂવરનું માથું મૂક્યું હતું. હત્યા માટેની તે નિશાની હતી. અર્લ અને તેના ભાઈને એક ટાવર પર લઈ જવાયા હતા અને જેમ્સની વિનવણી છતાં તે બંનેનાં માથાં કાપી લેવાયાં હતાં."


4. 'અસલી' બરફની દીવાલ

ઇમેજ સ્રોત, Getty Images
ગેમ ઑફ થ્રોનમાં કલ્પનાતીત લાગે તેવી 500 કિમી લાંબી બરફની દીવાલની વાત આવે છે.
વેસ્ટેરોસનાં સાત રજવાડાંની ઉત્તર દિશામાં આ લાંબી દીવાલ ચણવામાં આવેલી છે. 200 મીટર ઊંચી આ દીવાલ આક્રમણખોરોથી રજવાડાંનું રક્ષણ કરવા માટે બનાવાયેલી છે.
નાઇટ્સ વૉચ તરીકે ઓળખાતા સરદારોની ટુકડીઓ આ દીવાલનું રક્ષણ કરવાનું કામ કરે છે. તેમાં સૌથી જાણીતું પાત્ર છે જોન સ્નોનું.
આવી દીવાલની કલ્પના પણ હકીકતમાં બનેલી દીવાલ પરથી લેવામાં આવી છે.
હેડ્રિન્સ વૉલ તરીકે ઓળખાતી એ દીવાલ જોકે આટલી લાંબી અને ઊંચી નથી પણ કલ્પનાની દીવાલ તેને ઘણી રીતે મળતી આવે છે.
ઉત્તર તરફના બ્રિટનના જૂના કબીલાઓના આક્રમણથી બ્રિટનને બચાવવા માટે આ દીવાલ બનાવાઈ હતી.
પ્રાચીનના રોમના સમ્રાટ હેડ્રિનના નામથી આ દીવાલ બનાવાઈ હતી. પ્રાચીન રોમના ભવ્ય બાંધકામોમાં આ દીવાલને સ્થાન મળ્યું હતું.
અસલી દીવાલની લંબાઈ 117 કિમી હતી. એક વખતે ભવ્ય રીતે ઊભેલી એ દીવાલના ભગ્નાવશેષો આજે પણ ઘણી જગ્યાએ મળે છે અને લાખો લોકો તે જોવા માટે આવતા રહે છે.
1980ના દાયકામા જ્યોર્જ આર. આર. માર્ટીન પોતે પણ તૂટેલી દીવાલને જોવા માટે આવ્યા હતા.
માર્ટિને રોલિંગ સ્ટોન મૅગેઝિનને જણાવ્યું હતું, "હું ઇંગ્લૅન્ડમાં મારા મિત્રને મળવા ગયો હતો અને ત્યાંથી કોઈ મને હેડ્રિન્સ વૉલ જોવા લઈ ગયું હતું."
"રોમના જે યોદ્ધાઓ આ દીવાલ પર ઊભા રહીને દૂરની પહાડીઓ પર નજર રાખતા હશે, તેમની જિંદગી કેવી હશે તેની કલ્પનાએ હું ચડી ગયો હતો."


5. સોનેરી મુગટ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રથમ સિઝનના અંત વખતે વેસ્ટેરોસના રાજા થનારા વિસેરીઝ ટેરગેર્યેન લડાકુઓના નેતા ખાલ ડ્રોગો પાસે સૈન્ય ટુકડીની માગણી કરે છે.
ટેરગેર્યેનની બહેનનાં લગ્ન ડ્રોગો સાથે કરાવાયાં હતાં અને તેના બદલામાં સૈન્ય ટુકડીની માગણી કરવામાં આવી હતી
સૈન્ય ટુકડીઓની માગણી કરતી વખતે ટેરગેર્યેન તેમનાં સગર્ભા બહેનના પેટ પર તલવાર રાખે છે.
ડ્રોગોએ કહ્યું કે તેઓ ટેરગેર્યેનને એવો સોનેરી મુગટ આપશે, જે જોઈને કોઈ પણ ધ્રૂજી જાય.
સોનેરી મુગટ આપવાની વાત એક છટકું હતું. બાદમાં ટેરગેર્યેનનાં શસ્ત્રો પડાવી લેવાય છે અને તેને પકડી લેવાય છે.
હવે ડ્રોગો સોનાના મેડેલિયનને એક ઊકળતા તપેલામાં નાખે છે અને પછી સોનું પીગળી જાય ત્યારે તેને એમ જ તેના માથા પર રેડે છે. તે રીતે સોનાનો મુગટ તેના માટે જીવલેણ સાબિત થાય છે.
આવી જ ઘટના ખરેખર ઇસવીસન 260માં રોમન સમ્રાટ વેલેરિન સાથે થઈ હતી.
ચોથી સદીના રોમન ઇતિહાસકાર ફ્લેવિયસ યુટ્રોપિયસે લખ્યું છે કે સમ્રાટને ફારસી દળોએ પકડી લીધા હતા. ત્યાર બાદ તેમને ધગધગતું સોનું પીવાની ફરજ પાડવામાં આવી હતી.
વેલેરિનના મોત વિશે આવી બીજી કથાઓ પણ પ્રચલિત છે. જોકે, માર્ટિનને આ સોનાથી મોત આપવાની વાત વધારે પસંદ પડી હતી અને તેમના માટે 'સોનેરી સાબિત થયેલી ટીવી સિરિયલ'માં તેનો ઉપયોગ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












