ઘરેણાંની ડિઝાઇનોથી ભરપૂર એ વાનગી જે હસ્તકલા ખરી, રોજગારીનું સાધન પણ

ઇમેજ સ્રોત, Sugato Mukherjee
- લેેખક, સુગતો મુખરજી
- પદ, બીબીસી ટ્રાવેલ
જ્યોત્સના મૈતીએ ખૂબ ધ્યાનથી પિત્તળની મોટી, ગોળાકાર પ્લેટને ગોઠવી. આ મોટી પ્લેટમાં ખસખસ સમાન રીતે પથરાયેલી હતી. જાણે કે ખસખસથી આ મોટી થાળી સુશોભિત કરવામાં આવી હોય તેવું લાગતું હતું.
તેમના જમણા હાથમાં એક કાપડની નાનકડી થેલી હતી અને તેમાં એક નાની ભૂંગળી પરોવેલી હતી. આ કાપડની થેલીમાં તેમણે આ દાળનું બનેલું મસાલાવાળું મિશ્રણ ભર્યું હતું.
આ ભૂંગળીમાંથી જાણે કે સેવ કે ચકરી પાડતાં હોય તેમ તેમણે એક પછી એક ડિઝાઇન બનાવવાની શરૂ કરી. તેમની વાળેલી મુઠ્ઠી એક પછી એક ડિઝાઇનો બનાવતી જતી હતી.
ક્યાંક સુશોભિત ત્રિકોણ તો ક્યાંક નાનાં મીંડાં, તો ક્યાંક સર્પાકાર ડિઝાઇન બનતી હતી. તેમના હાથ પર જાણે કે તેમનું ગજબ નિયંત્રણ હતું. તેમણે બનાવેલી કોઈ ડિઝાઇનો તો જાણે કે ‘ડિઝાઇનર નેકલેસ’ જેવી લાગતી હતી.
મૈતીની જેમ જ એ વિશાળ અગાસી પર અનેક મહિલાઓ આ રીતે દાળના મિશ્રણમાંથી ડિઝાઇનો બનાવી રહી હતી. મૈતી એ મહિલાઓના સમૂહનાં વડાં છે.
આ મહિલાઓ સતત આ કામમાં પરોવાયેલી હતી અને તેમના હાથ તેમની રાંધણકળાનું, તેમની ક્રીએટિવિટીનું અદ્ભુત દર્શન કરાવતી હતી. આ કળા પેઢીઓથી ચાલી આવે છે. તેમને આ કળા કોઈએ ધ્યાન આપીને શીખવી નથી. છતાંય તેઓ ખૂબ સુંદર રીતે આ વારસાગત કળાનું જતન કરી રહ્યા છે. અને હા, સાથે તેમણે સ્વાદનો વારસો પણ જાળવી રાખ્યો છે.
ગોહોના બોરી: માત્ર નાસ્તો નહીં, પરંપરાગત કળા

ઇમેજ સ્રોત, Sugato Mukherjee
હું ‘ગોહોના બોરી’ની આ પ્રાચીન કળાનો સાક્ષી બનવા પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના પૂર્વી મિદનાપુર જિલ્લામાં આવેલા ચૌદ્ધાચુલી ગામમાં ગયો હતો.
‘ગોહોના બોરી’ એક ‘ક્રિસ્પી’, સ્વાદે થોડો ખારો, અડદની દાળનો બનેલો નાસ્તો છે, જેને ખૂબ કાળજીપૂર્વક હાથથી જ બનાવવામાં આવે છે. અત્યંત ખાસ પ્રસંગોમાં તેને બનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘બોરી’ એ દાળનું બનેલું સાદું ડમ્પલિંગ છે, જેને ‘લેન્ટિલ સૂપ’ સાથે ખાવામાં આવે છે. તે દેખાવે મોમોસ જેવું હોય છે. માછલીની બનેલી વાનગીઓ અને અમુક શાકનો સ્વાદ વધારવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બંગાળી ભાષામાં ‘ગોહોના’નો અર્થ ઘરેણું થાય છે.
‘ગોહોના બોરી’ એક એવો નાસ્તો છે જે દેખાવમાં ખૂબ ચોક્સાઈથી બનેલાં ઘરેણાં જેવો લાગે છે.
ખસખસને કારણે મોઢામાં મૂકતાં કરકરો લાગે છે. સ્વાદમાં થોડી ખારાશ હોવાથી આ નાસ્તાને ચા સાથે લેવામાં આવે છે.
જ્યારે ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે ‘ગોહોના બોરી’ બનાવવામાં આવે છે.
ચમચીક ઘી અથવા તો ફળફળતાં ગરમ ભાત સાથે તેને પરંપરાગત બંગાળી ભોજન પહેલાં ‘સ્ટાર્ટર’ તરીકે પણ લેવામાં આવે છે.
મહેનત માગી લેતું કામ જે માત્ર મહિલાઓ જ કરે છે

ઇમેજ સ્રોત, Kunal Chaudhary
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૈતી કહે છે, “ગોહોના બોરી એ મોટે ભાગે શિયાળામાં બનતી વાનગી છે અને મહિલાઓ જ બનાવે છે. નવેમ્બરના મધ્યમાં અથવા તો નવેમ્બર મહિનાના અંતે તેઓ આ નાસ્તો બનાવે છે.”
‘ગોહોના બોરી’ બનાવવાની પ્રક્રિયા એટલી સરળ નથી. એ ખૂબ મહેનત માગી લેતું કામ છે. અડદની દાળને પીસવાનું થકવી નાખનારું કામ શરૂ કરતા પહેલાં આ મહિલાઓ વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા બાદ પૂજા કરે છે.
ત્યારબાદ આખી રાત પલાળી રાખેલી અડદની દાળને તેઓ પીસવાનું શરૂ કરે છે. અડદની દાળને પીસવા માટે તેઓ પથ્થરના બનેલા દેશી સપાટ ખરલનો જ ઉપયોગ કરે છે. સ્થાનિક બંગાળી ભાષામાં તેને ‘શિલનોરા’ કહે છે.
મુલાયમ પેસ્ટ જેવું મિશ્રણ બનાવવા માટે તેઓ અડદની દાળને પીસવાની પ્રક્રિયા બે રાઉન્ડમાં કરે છે. છીએ. જ્યાં સુધી આવું મિશ્રણ ન બને ત્યાં સુધી પીસવાની પ્રક્રિયા ચાલુ રહે છે. જો દાળ સરખી ન પીસાય તો ડિઝાઇન સારી બનતી નથી. ભૂંગળીમાં મિશ્રણ અટવાઈ જવાને કારણે એક જ ઝાટકે ડિઝાઇન બનતી નથી.
મૈતી કહે છે, “ગોહોના બોરીને અગાસીમાં અવનવી ડિઝાઇન રૂપે પાથરી દેવાયા બાદ બે દિવસ સુધી તેમને તડકામાં સૂકવવામાં આવે છે. તો જ તેમાં ક્રિસ્પીનેસ અને સ્વાદ આવે છે.”
સમગ્ર અગાસી પર જાણે કે બુટ્ટીઓ, નેકલેસ પથરાયેલાં હોય તેવું દૃશ્ય જોવા મળે છે.
સૂકાઈ ગયા બાદ તેને સરસવના તેલમાં થોડો ઘઉંવર્ણો રંગ આવે ત્યાં સુધી તળવામાં આવે છે.
ઇતિહાસ, સંસ્કૃતિનો અતૂટ હિસ્સો

ઇમેજ સ્રોત, Shilpo.Bangla/Instagram
ટુરિયો ફાઉન્ડેશનના ‘ગોહોના બોરી’ પ્રોજેક્ટના અધ્યક્ષ અનિમેષ દાસ કહે છે, "જૂના જમાનામાં ‘ગોહોના બોરી’ એ નવપરિણીત યુગલોના શણગારનો પણ એક ભાગ હતી.”
ટુરિયો ફાઉન્ડેશન એ સ્થાનિક સંસ્થા છે જે ગ્રામ્ય વિસ્તારોમાં આંત્રપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો ચલાવે છે. તેમણે મૈતી અને અન્ય મહિલાઓ સાથે ભાગીદારી કરી છે અને તેઓ ‘ગોહોના બોરી’નું ઉત્પાદન કરી રહ્યા છે અને તેઓ તેમનું માર્કેટિંગ પણ કરી રહ્યા છે.
મૈતી કહે છે, “ નાના પાયે થતું ઉત્પાદન એ કદાચ આ હેરિટેજ ખાદ્ય કલાની વિશેષતા છે.” એવું એટલા માટે છે કે ‘ગોહોના બોરી’ના ઉત્પાદન માટે જરૂરી કૌશલ્ય બહુ ઓછા લોકો પાસે છે. જેના કારણે તેનું મોટા પાયે ઉત્પાદન થઈ શકતું નથી. વધુમાં તેની શેલ્ફ લાઇફ પણ મર્યાદિત છે અને તે બટકણું હોવાથી તેનું પેકિંગ પણ યોગ્ય રીતે કરવું પડે છે.
અનિમેષ દાસના કહ્યા પ્રમાણે એટલે જ આ કળા હંમેશની માફક એક હેન્ડીક્રાફ્ટની જેમ જ રહેવી જોઈએ.
જ્યારે રવીન્દ્રનાથ ટાગોરે પહેલી વાર આ નાસ્તો ચાખ્યો

ઇમેજ સ્રોત, thelittlecookworm/Instagram
કોઈને એ વાતનો ચોક્ક્સપણે ખ્યાલ નથી કે આ કળાનાં મૂળ ક્યાં છે. પરંતુ એવું મનાય છે કે તેને પહેલી વાર પૂર્વી મિદનાપુર જિલ્લાના કેટલાક કુલીન, ઉચ્ચવર્ગના લોકોના ઘરે બનાવવામાં આવી હતી. મિદનાપુરનું હવામાન પણ સૂકું અને ખુશનુમા છે, જે ‘ગોહોના બોરી’ માટે આદર્શ છે.
1930માં જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરને ‘ગોહોના બોરી’નું બૉક્સ ભેટમાં આપવામાં આવ્યું ત્યારે તેઓ આ નાસ્તાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેથી તેમણે તેની તસવીરો ખેંચાવીને શાંતિનિકેતનના કલાભવનમાં પ્રદર્શિત કરી હતી.
અનિમેષ કહે છે, “મને એ વાતનો ખ્યાલ નથી અને હું અનુમાન પણ લગાવી શકું નહીં કે ક્યારે આ નાસ્તો મિદનાપુરની એક કલામાં રૂપાંતરિત થઈ ગયો.”
તેમના કહ્યા પ્રમાણે દીકરીના સાસરે પહેલી વાર જવાનું હોય, લાંબા સમય પછી છૂટા પડી ગયેલા મિત્રો કે સંબંધીઓને મળવાનું થયું હોય, વગેરે જેવા પ્રસંગોએ ‘ગોહોના બોરી’ લઈ જવામાં આવે છે.
મૈતી અને તેમની ટીમના મહિલાઓ ગોહોના બોરીને માત્ર એક તહેવારની શોભા વધારનારા કે સ્વાદ આપનારા નાસ્તા તરીકે જ જોતા નથી પરંતુ તેઓ આ નાસ્તાને તેમના સાંસ્કૃતિક વારસાનો ભાગ ગણે છે.
મૈતી જણાવે છે કે, “અમે ચૌદ્ધાચુલીમાં આ કળાનો વધુ લોકો સુધી પ્રસાર કરવા માટે શિયાળુ વર્કશૉપનું પણ આયોજન કરીએ છીએ. જોકે, આ કળા માટે પહેલેથી કોઈ બ્લૂ-પ્રિન્ટ નથી. એક વાર તમે આ કળાને હસ્તગત કરી લો પછી એ તમારી કલ્પનાશક્તિ પર આધારિત થઈ જાય છે. પછી તમે તેમાંથી ફૂલો, પંખીઓ અને ઘરેણાંઓ બનાવવા લાગો છો.”
કઈ રીતે બને છે આ નાસ્તો?
‘ગોહોના બોરી’ બનાવવા માટે અડદની દાળના ફાડા, પાણી, ખસખસ, સરસવનું તેલ, મીઠું અને અન્ય કેટલાક મસાલાની જરૂર પડે છે.
સાફ કરેલી અડદની દાળને આખી રાત પલાળી રાખવામાં આવે છે. બીજે દિવસે તેની જ્યાં સુધી મુલાયમ પેસ્ટ ન બની જાય ત્યાં સુધી સપાટ પથ્થર પર પીસવામાં આવે છે. પીસતી વખતે તેમાં પાણી ઉમેરવામાં આવતું નથી.
ત્યારબાદ એક ખસખસનો ભૂકો એક મોટી પ્લેટ પર પાથરવામાં આવે છે અને તેના પર આ મિશ્રણથી ચકરી કે સેવ પાડતાં હોય તેમ અલગ-અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે.
બે દિવસ સુધી તેને તડકામાં તપાવવામાં આવે છે અને પછી તેને સરસવના તેલમાં તળી લેવામાં આવે છે. ગરમાગરમ તેને પીરસવામાં આવે છે.












