ભારતીયોને મસૂરની દાળ આટલી પ્રિય કેમ છે?

ઇમેજ સ્રોત, Balázs Glodi
- લેેખક, ચારુકેશી રામાદુરાઈ
- પદ, બીબીસી ટ્રાવેલ
દાળ તરીકે ઓળખાતી રોજિંદી વાનગી મોટાભાગના ભારતીયો માટે માત્ર ખોરાક નથી, તેનાથી કંઈક વિશેષ છે. તે સંતોષ આપે તેવું ભોજન છે, પોષણ છે અને મોટેભાગે ઘરના ભોજનનો સ્વાદ પણ છે.
પાકશાસ્ત્રનાં પુસ્તકોનાં લેખિકા અર્ચના પિડાથલા કહે છે, “મારા માટે દાળ એ 'કમ્ફર્ટ ફૂડ' છે અને હું તે રોજ ખાઉં છું. હું થાકી ગઈ હોઉં અથવા મારો દિવસ ખરાબ હોય ત્યારે હું કૉફી કે ચૉકલેટ કે બીજું કંઈ નહીં, દાળ-ભાત ખાઉં છું અને મારો મૂડ સુધરી જાય છે.”
દાળની બાબતમાં બધા ભારતીયોની લાગણી લગભગ એકસરખી છે. તેમના માટે દાળ માત્ર રોજિંદો ખોરાક નથી, પરંતુ સંતોષ આપતો એક જરૂરી ખોરાક છે. ખાસ કરીને શાકાહારી અને વીગન લોકો માટે તે પ્રૉટીનનો સરળતાથી ઉપલબ્ધ સ્રોત છે.
દાળ સમગ્ર ભારતમાં રાંધવામાં આવે છે. દરેક પ્રદેશની પોતાની પસંદગીની દાળ, મસાલા અને રસોઈ શૈલીમાં તે બનાવવામાં આવે છે. દક્ષિણમાં પીળી તુવેર દાળ સંભારમાં ઉમેરવામાં આવે છે, જ્યારે પંજાબ અને ઉત્તર ભારતમાં ક્રીમી દાલ મખની આખા કાળા અડદની દાળથી બનાવવામાં આવે છે.

દાળને રાંધવાની અનેક રીતો

ઇમેજ સ્રોત, Balázs Glodi
જોકે, મસૂરની દાળને રાંધવાની સર્વસામાન્ય રીત દાળને નરમ થાય ત્યાં સુધી બાફીને તેમાં રાઈ, જીરું અને કાપેલાં મરચા ઉમેર્યા પછી તેના પર કોથમીર ભભરાવીને બનાવવાની છે. પિડાથલા કહે છે તેમ, “તમે ઘણી વાનગીઓ બનાવવા માટે તેના મૂળ ઘટકનો ઉપયોગ કરી શકો છો. તેમાં થોડી ખટાશ માટે ગોંગુરા (લાલ અંબાડી)ના પાન ઉમેરી શકો અથવા વધુ સમૃદ્ધ બનાવવા માટે થોડી દૂધી ઉમેરી શકો.”
વાસ્તવમાં જેટલા રસોઈયા એટલી દાળની વાનગી એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
મસૂર દાળની આ રેસિપી પીડાથલાની 2022માં પ્રકાશિત કૂક બૂક ‘વ્હાય કૂકઃ ટાઇમલેસ રેસિપીઝ ઍન્ડ લાઇફ લેસન્સ ફ્રૉમ ઇન્સ્પાયરિંગ વીમેન’માં આપવામાં આવી છે. તેમાં દેશભરની 16 મહિલાની જીવનકથા અને રાંધણની ભૂમિકાની સાથે તેમની વારસાગત વાનગીઓનું સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મિત્રો અને પરિચિતો (પિડાથલાનાં માતા પણ)ને પણ દર્શાવવામાં આવ્યાં છે. એ પૈકીની એકેય મહિલા 'કૉમર્શિયલ કૂક' નથી, પરંતુ બધી સ્ત્રીઓ રસોઈને પોતાના માટે તથા તેઓ જેમના માટે રાંધે છે તેમના માટે એક પોષક કામ ગણે છે.
દાખલા તરીકે, અભિનેત્રી અરુંધતી નાગ યુવાન હતાં ત્યારે તેમણે તેમના પતિના પરિવાર માટે ક્યારેય ભોજન બનાવ્યું નહaતું, કારણ કે એમ કરવાથી પોતે પોતાની ઓળખ ગુમાવી દેશે એવું તેમને લાગતું હતું, પરંતુ પતિના મૃત્યુ પછી તેમની સ્મૃતિ કાયમ રાખવાની એક રીત તરીકે રસોઈ કરવા પ્રત્યેનો તેમનો ઝુકાવ વધ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિડાથલાના જણાવ્યા મુજબ, શ્રીમીરજી એક મોકળા મનનાં સ્વતંત્ર સ્ત્રી છે. શ્રીમીરજી એકલપંડે જીવે છે અને રસોઈ તેમના માટે જાતને સંભાળવાનું એક કામ છે.

રસોઇથી જ ટકાઉ જીવનશૈલી તરફ

ઇમેજ સ્રોત, Balázs Glodi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રસોઈ અપનાવી છે તેવી અને ટકાઉ જીવન શૈલીની હિમાયત કરતી સ્ત્રીઓ પણ અહીં છે. દાખલા તરીકે, વિશાલાક્ષી પદ્મનાભ માત્ર ઑર્ગેનિક ખેતી નથી કરતાં, પરંતુ તેમણે ઉત્પાદન વધારવા અને માલ વેચવા બફેલો બૅક કલેક્ટિવ મારફત ખેડૂતોની સહકારી સંસ્થાની સ્થાપના પણ કરી છે. તેમણે આજીવિકા મિશન હેઠળ બેંગલુરુ નજીકના રાગીહલ્લીનાં ગામડાઓની મહિલાઓને કૂકીઝ બનાવવાની અને વેચવાની તાલીમ પણ આપી છે.
આ મહિલાઓ સાથે વાત કરવા, તેમને રાંધતી નિહાળવા તથા તેમની પાસેથી વાનગીઓ શીખવા માટે પિડાથલાએ સમગ્ર દેશમાં 11, 265થી વધુ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. તેમના કહેવા મુજબ, તેમના પુસ્તકનું શીર્ષક ગૃહિણીઓ માટે આદરાંજલિ છે. એ ગૃહિણીઓ, જેઓ વારંવાર સમાન સ્વાદયુક્ત ભોજન કુશળતાથી રાંધતી રહે છે. પેઢી દર પેઢી આગળ વધતી અને પરંપરા દ્વારા આકાર પામેલી વાનગીઓ રાંધે છે.
આ પુસ્તકમાંની વાનગીઓ કોઈ ચોક્કસ થીમ કે શ્રેણી પર આધારિત નથી. પિડાથલાના જણાવ્યા મુજબ, તેમણે મહિલાઓને અર્થપૂર્ણ વાનગીઓ શેર કરવાનું જ કહ્યું હતું. તેમણે મહિલાઓને કહ્યું હતું, “તમે તમારા વ્યક્તિત્વને પ્લેટ પર કેવી રીતે રજૂ કરશો, તમારી ઓળખ વાનગીઓમાં કેવી રીતે લાવશો તે જણાવો.”
મોસુર અથવા મસૂર દાળ તરીકે સામાન્ય રીતે જાણીતી દાળ ખાસ કરીને બંગાળી સમુદાયને બહુ પસંદ છે. મિત્રોમાં મોલી તરીકે જાણીતાં મનિષા કૈરાલીએ તેમના બંગાળી મૂળના સંદર્ભમાં આ રેસિપીનું યોગદાન આપ્યું હતું.
આ પુસ્તકમાં પિડાથલાએ જણાવ્યું છે, “મોલી આ દાળ બનાવવાનું તેમનાં દાદી પાસેથી શીખ્યાં હતાં. દાદીએ મોલીને શીખવ્યું હતું કે વાનગી સ્વાદિષ્ટ હોવી સૌથી વધુ જરૂરી છે. રાઇના તેલમાં કલૌંજીનો વઘાર અને લીંબુનો રસ આ સાધારણ વ્યંજનનો સ્વાદ જટિલ બનાવી દે છે. તેમાં મસાલા તથા ખટાશનો સ્વાદ એક સાથે આવે છે.”
આ દાળ થોડી મિનિટોમાં જ બનાવી શકાય છે અને તેને ભાત અથવા રોટલી કે સૂપ તરીકે પણ આરોગી શકાય છે.

મસૂર દાળ બનાવવાની રીત

ઇમેજ સ્રોત, Balázs Glodi
- સૌપ્રથમ લાલ મસૂરને સારી રીતે ધોઈ લો અને પાણી કાઢી નાખો.
- ધોયેલી દાળને પ્રેશર કૂકરમાં અઢી કપ પાણીમાં નાખો અને ત્રણ સીટી વાગે ત્યાં સુધી (લગભગ 10-12 મિનિટ) પ્રેશર કૂક કરો.
- કૂકરમાંથી વરાળ નીકળી જાય પછી મસૂરને સારી રીતે વલોવી નાખો.
- તેમાં હળદર ભેળવી દો. થોડી વાર બાજુ પર રાખી દો. (તમે મસૂરને પાણીમાં, તે નરમ ન થાય ત્યાં સુધી લગભગ 15 મિનિટ ઉકાળી પણ શકો)
- એ પછી વઘાર માટે સરસવના તેલને જાડા તળિયાવાળી કડાઈમાં મધ્યમ તાપે ગરમ કરો.
- તેમાં કલોંજી, સૂકા લાલ મરચાં અને લીલા મરચાં ઉમેરો તથા 20 સેકંડ માટે સાંતળો. બાફેલી દાળ થોડા મીઠા સાથે તે વધારમાં નાખી દો.
- મિક્સ કરો અને થોડી મિનિટો માટે તેને ઉકળવા દો.
- કોથમીરથી ગાર્નિશ કરો. ભાત સાથે સર્વ કરો. સાથે લીંબુના ટુકડા પણ મૂકવા.














