વીગન ડાયટ: માત્ર કાચો અને વનસ્પતિ આધારિત ખોરાક ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષો સુધી માત્ર કાચો અને વનસ્પતિ આધારિત ડાયટ લેનારાં રશિયન ફૂડ બ્લોગર ઝાના સૅમસૉનોવાનું મૃત્યુ થયા બાદ વીગન ડાયટ ફરી ચર્ચામાં છે.
અગાઉ અનેક સેલેબ્રિટી પણ વીગન બન્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ સામેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર 39 વર્ષીય ઝાના સૅમસૉનોવા વીગન ડાયટનો પ્રચાર કરતાં અને મોટાભાગે કાચો અને ફળ આધારિત આહાર જ લેતાં હતાં. જોકે એવું ઔપચારિક રીતે નથી કહેવાયું કે તેમનું મૃત્યુ કાચા વીગન ડાયટને લીધે થયું છે પરંતુ રિપોર્ટ્સ અનુસાર 'ભૂખે મરવાને' કારણે તેમનું મૃત્યુ થયું.
તેમના સોશિયલ મીડિયા સાઇટ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ટિક-ટૉક અને ફૅસબુક પર લાખો ફૉલોઅર્સ હતા અને તેઓ અવારનવાર કાચા ખોરાકનો પ્રચાર કરતાં હતાં. તેઓ કાચા ખોરાકમાંથી બનતી વાનગીઓની રેસિપી પણ પોસ્ટ કરતાં હતાં.
વીગન ડાયટ એ એવો આહાર છે જેમાં માત્ર વનસ્પતિ આધારિત ખોરાકનો સમાવેશ થાય છે. તેમાં પશુઓમાંથી સીધી કે આડકતરી રીતે મળતી કોઈ પણ ભોજનસામગ્રીનો ઉપયોગ નથી કરાતો.
સરળ શબ્દોમાં કહીએ તો તે જીવન જીવવાની એક અન્ય રીત છે.
ભારતમાં વીગન ડાયટ કેટલું ચલણમાં?

ઇમેજ સ્રોત, Getty Images
દુનયાભરની જેમ વીગન ડાયટના વિકલ્પો તરીકે ભારતમાં સોયા દૂધથી લઈને સોયા બર્ગર સુધી પ્રચલિત થઈ રહ્યા છે. ફાસ્ટ ફૂડ ચેઇન મૅકડોનાલ્ડ્સે પણ આ લહેરને પારખી લીધી છે અને પોતાના મેનુમાં 100 ટકા વીગન બર્ગરને સ્થાન આપ્યું છે.
વીગન ફૂડ બ્લૉગર્સ અને વ્લૉગર્સે આ વનસ્પતિ આધારિત આહાર પર આધારિત નવા ડાયટના પ્રચારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે ફૂડ ઇન્ફ્લુએન્સર્સ વીગન ડાયટ વિશે જે માહિતી પ્રસારિત કરે છે તેની વિશ્વસનીયતા પર ઘણા પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે કાચા વીગન ડાયટ પર રહેલાં ઝાનાનાં મૃત્યુનું કારણ હજુ સુધી ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ મીડિયા અહેવાલોમાં તેમના મૃત્યુ સાથે તેમના આહારને જોડવામાં આવ્યું હતું.
ઝાનાના અવસાનથી વનસ્પતિ આધારિત ખોરાક અને તેની તંદુરસ્તી પરની અસરો અંગે વધુ એક વખત નિષ્ણાતો વિચારતા થઈ ગયા છે.
નિષ્ણાતો માને છે કે જીવનશૈલી અને ખોરાકમાં મોટા ફેરફાર કરતાં પહેલાં યોગ્ય ઍક્સપર્ટ્સની સલાહ લેવી જોઈએ.
રાષ્ટ્રપતિ દ્વારા 2016માં નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત ડૉ. નંદિતા શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "માનસિક સ્વાસ્થ્યની વ્યક્તિના સ્વાસ્થ્ય પર નિર્ણાયક અસરો થાય છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સના ક્રેઝને કારણે પ્રભાવિત થઈને ખાવાની અલગ-અલગ ટેવની વિકૃતિઓ વધતી જાય છે."
ડૉ નંદિતા શાહ SHARAN નામની સંસ્થાનાં સ્થાપક છે જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ટકાઉ અને કરૂણાપૂર્ણ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે.

પ્રશ્નો કયા છે?

ઇમેજ સ્રોત, Kabir Jhangiani/NurPhoto via Getty Image
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વનસ્પતિ આધારિત વીગન ડાયટની અવધારણા અંગે અનેક પ્રશ્નો છે. શું તેને માનવ શરીરના આરોગ્યને ટકાવી રાખવાના વિકલ્પ તરીકે જોઈ શકાય?
લાંબા સમય સુધી મુખ્ય રૂપમાં છોડ-વનસ્પતિ આધારિત આહાર લેવાથી આરોગ્ય માટે કયા સંભવિત જોખમો ઊભા થઈ શકે છે?
વનસ્પતિ આધારિત આહારને જીવનનો ભાગ બનાવવાની યોગ્ય રીત કઈ છે?
વિવિધ માર્કેટ ડેટા પર રિસર્ચ કરતી જાપાનની એક કંપની રકૂટેન ઇન્સાઇટ્સ દ્વારા ભારતમાં 2021માં કરવામાં આવેલા સરવેમાં ભાગ લેનારા લોકોમાંથી 47 ટકાથી વધુ લોકોએ જણાવ્યું હતું કે પ્રાણીઓના કલ્યાણ અંગેની તેમની ચિંતાઓને કારણે તેમણે ખોરાકમાં વનસ્પતિ આધારિત ખાદ્યઉત્પાદનોનું સેવન કરવાનું શરૂ કર્યું છે.
અમદાવાદના પરિતોષ અરાહટ કે જેઓ થોડા મહિના પહેલાં જ વીગન બન્યા છે તેઓ જણાવે છે કે આમ તો આ બદલાવ સંતોષજનક રહ્યો છે, પરંતુ તેના પણ અલગ પડકારો છે.
બીબીસી સાથે વાત કરતી વખતે તેઓ કહે છે, "હું માંસાહારીથી સીધો શાકાહારી બન્યો છું. મારા માટે સૌથી મુશ્કેલ ભાગ મારા પરિવારને આ પરિવર્તન વિશે સમજાવવાનું અને તેમને મારા પોષણને લગતી ચિંતાઓને દૂર કરવાનો હતો.
"દૂધ અને પનીર જેવા પ્રોટીન પૂરા પાડતા ખોરાકના વિકલ્પો મળવા મુશ્કેલ છે. મારા જેવા એક ફિટનેસ માટે સભાન રહેતી વ્યક્તિ તરીકે પૂરતા પ્રમાણમાં પ્રોટીન ધરાવતો ખોરાક શોધવો, તે એક પડકાર છે."
"પરિણામે, મેં ફક્ત શાકભાજી ખાવાનું શરૂ કર્યું, જે બજારોમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે."

તમારા પોષણ ઉપર નજર રાખો

ઇમેજ સ્રોત, Getty Images
વીગન ડાયટમાં દૈનિક આહારમાંથી દૂધ, દહી અને તેનાથી બનતી અન્ય ખાદ્યસામગ્રી બાકાત કરવામાં આવે છે. માંસાહાર પણ વીગન ડાયટનો ભાગ નથી. ત્યારે આરોગ્ય નિષ્ણાતોએ આહારને મર્યાદિત કરવા અંગે ચિંતા વ્યક્ત કરે છે.
નિષ્ણાતો મુજબ આહારમાંથી આટલી બધી વસ્તુઓને હટાવી દેવાથી પોષણની ઉણપની સંભાવના રહે છે.
બીબીસી સાથે વાત કરતા, અપોલો હૉસ્પિટલનાં સિનિયર હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. વિનિતા સિંહ રાણા કહે છે, "વીગન આહાર તમામ જરૂરી પોષક તત્ત્વ પ્રદાન કરતું નથી. વીગન ડાયટમાં વિટામિન B-12, કૅલ્શિયમ, આયોડીન અને આયર્નની ઉણપ સર્જાય છે."
"શરીરને જરૂરી કેટલાક પોષક તત્ત્વોને શોષવા માટે ઉપરોક્ત પોષક તત્ત્વોની જરૂર હોય છે. તેથી જો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે શોષાય નહીં, તો પછી બીજી ઉણપો દેખાય છે."
આપણા શરીર માટે જરૂરી મૂળભૂત ખોરાક જૂથોમાં કાર્બૉહાઇડ્રેટ્સ વિટામિન્સ, પ્રૉટીન, ચરબી, આયર્ન, અને કેલ્શિયમ પૂરું પાડતી વસ્તુઓ આવે છે.
તેઓ આગળ જણાવે છે કે, "શરીરમાં ઊર્જા, સ્નાયુઓની વૃદ્ધિ અને યોગ્ય વિકાસ માટે આ બધાં પોષક તત્ત્વો જરૂરી છે."
જો આમાંથી માત્ર એક જ પ્રકારના ખોરાક જૂથ પર આધાર રાખવામાં આવે તો લાંબા ગાળે ફાયદાકારક અને નકારાત્મક બંને અસરો વર્તાતી હોય છે.
નિષ્ણાતો મુજબ જેમાંથી ઊભી થતી કેટલીક સમસ્યાઓમાં ઍનિમિયા, ઑસ્ટિયોપોરોસિસ, કુપોષણ, સ્નાયુઓનું અપચય સામેલ છે.
અમદાવાદ ખાતે આવેલ ઝાયડસ હૉસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. આયેશાના જણાવ્યા અનુસાર, "શરીર માટે સંપૂર્ણ, સંતુલિત આહાર જરૂરી છે".
"જો મૂળ ખાદ્ય જૂથને અવગણવામાં આવે તો એક દર્દીને ગંભીર મૅક્રો અને માઇક્રો પોષકતત્ત્વોની ઉણપનો અનુભવ થશે, જે તદ્દન બિનઆરોગ્યપ્રદ છે."
રશિયન ફૂટ બ્લોગર ઝાન્ના સાથે પણ એવું જ થયું. તેઓ વર્ષોથી અતિશય કડક રીતે વીગન આહાર લઈ રહ્યાં હતાં. તેમનાં મિત્રો જણાવે છે કે છેલ્લી વખત જ્યારે તેમણે ઝાન્નાને જોયાં હતાં ત્યારે, "તે થાકેલાં દેખાતાં હતાં અને પગમાં સોજો દેખાતો હતો.”
નિષ્ણાતો મુજબ શરીર માટે જરૂરી બધાં પોષક તત્ત્વો અને વિટામિન્સ મેળવવા માટે દરેક વસ્તુનું સેવન મધ્યમ માત્રામાં કરવું જરૂરી છે.

પોષણની ઉણપથી સર્જાતી સ્વાસ્થ્ય તકલીફો

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ જર્નલ ‘પ્રૉગ્રેસ ઇન કાર્ડિયૉવૅસ્ક્યુલર ડિસીઝ’માં પ્રકાશિત થયેલા સંપૂર્ણ વિશ્લેષણ મુજબ, વીગન આહાર પોષણની અછતમાં વધારો અને પ્રતિકૂળ અસરો કરી શકે છે. જોકે નિષ્ણાતોનું એ પણ કહેવું છે કે આ ડાયટથી હૃદયની તંદુરસ્તી વધે છે.
ડૉ. આયેશા કહે છે, "વીગન આહારમાં ભલે ઓછા કૉલેસ્ટ્રૉલવાળો અને બ્લડ પ્રેશર માટે સારો ખોરાક હોય છે પરંતુ તે સંપૂર્ણ સંતુલિત આહાર માટે ખૂબ જ અપૂરતું છે."
"તેના કારણે ગંભીર ઉણપથી ઘણા કાર્ડિયૉવૅસ્ક્યુલર રોગો થઈ શકે છે. વીગન ડાયટથી પ્રોટીન, બી- 12 અને ચરબીનું પર્યાપ્ત સ્તર જાળવી રાખવું મુશ્કેલ છે કારણ કે આ તમામ પોષણ તત્ત્વોનો ફક્ત બિનશાકાહારી આહારમાં જ સમાવેશ થાય છે."

વીગન ડાયટ શરૂ કરવાની સાચી રીત

ઇમેજ સ્રોત, Getty Images
વનસ્પતિ આધારિત આહાર સાથે બીજી સમસ્યા એ છે કે લોકો ઘણીવાર વીગન ડાયટ કેવી રીતે લેવો તેની પૂરતી માહિતી વિના જ ડાયટ શરૂ કરે છે.
આ અંગે ડૉ.વિનીતા કહે છે કે, "જો તમારા આહારનું કાળજીપૂર્વક આયોજન કરવામાં ન આવે તો તમે કૅલ્શિયમ, આયર્ન, વિટામિન B-12, આયોડિન અને સૅલેનિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સની અછત થવાનું જોખમ રહે છે."
તેમના મતે, વીગન આહાર શરૂ કરતા પહેલાં નીચે જણાવ્યા પ્રમાણે પ્રથમ એક યાદી બનાવવી જોઇએ
- તમે વારંવાર કયો ખોરાક લો છો?
- જ્યારે તમે હતાશા અનુભવો છો ત્યારે કયા ખોરાક શોધો છો અથવા તમે પ્રફુલ્લિત રહેવા માટે કયો ખોરાક પસંદ કરો છો.
- તમને કયા ખોરાકની ઇચ્છા વધારે થતી હોય છે?
- એવો ખોરાક ક્યો છે જે તમને છોડવામાં મુશ્કેલી પડે છે?
એક વીગન આહારને અનુસરવાનો કોઈ ચોક્કસ નિયમ નથી પરંતુ તે ઘણા બધા પરિબળો પર આધારિત છે.
વીગન બન્યાં પછી વ્યક્તિએ પ્રોટીન, વિટામિન બી-12 અને અન્ય પોષક તત્ત્વોના સેવનને વધારવા માટે જે પ્રકારના ભોજનને પ્રાધાન્ય આપવું જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
દરેક વ્યક્તિની પોષણની જરૂરિયાતો વય, લિંગ, કદ, શારીરિક પ્રવૃત્તિના સ્તર અને તબીબી સ્થિતિ સહિતનાં વિવિધ કારકોને આધારે બદલાય છે. તેમ છતાં કેટલાક લોકો દાવો કરે છે કે વનસ્પતિ-આધારિત આહારનું પાલન કરતી વખતે વ્યક્તિને વધુ ઊર્જાનો અનુભવ થાય છે. આમ છતાં, તે એવો આહાર નથી, જે દરેક માટે સરખું પરિણામ આપે.
ડૉ. વિનિતા અહીં વધુમાં ઉમેરે છે, "વીગન લોકો બદામ, અનાજ, બીજ, કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, કિનોઆ, સોયા અને તેમાંથી બનતાં અન્ય ઉત્પાદનો કે જે બીજમાંથી બને છે તે પ્રૉટીનની જરૂરિયાતો પૂરી કરે છે."
"વીગન આહાર ફાઇબર, બીટા-કેરોટીન, વિટામિન -સી અને કે, ફૉલિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમના વપરાશની દ્રષ્ટિએ ફાયદાકારક છે, જે તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આહાર આપે છે. આવા આહારમાં ઘણીવાર ઓમેગા-6 ફૅટી એસિડ્સ પણ ભરપૂર હોય છે."
ડૉ. નંદિતા શાહ કહે છે કે, "કોઈપણ વ્યક્તિ જીવન જીવવાની આ રીત પસંદ કરી શકે છે; અઘરૂં છે તેને લાંબા સમય સુધી જાળવી રાખવું. એ યાદ રાખવું જોઈએ કે કોઈપણ ડાયટને ચાલુ કરતા પહેલાં ઑનલાઇન 'સંશોધન' કરવું પૂરતું નથી."
ડૉ, નંદિતા રશિયન ફૂડ બ્લોગર ઝાન્નાના મૃત્યુ પર જણાવે છે કે, "પોતાનાં સ્વાસ્થ્યને લગતાં ધ્યેયો હાંસલ કરવા માટે ઘણા ઇન્ફ્લ્યુએન્સર્સ વિવિધ પ્રકારના આહારને પ્રોત્સાહન આપે છે અને તેનું પાલન કરે છે."
"દરેક વ્યક્તિને અમારી એક જ સલાહ છે કે તમે તમારા વિટામિન બી-12 અને ડીને તપાસો અને તેને પૂરક તમારો ડાયટ બનાવો.”














