પ્રોટીન પાઉડર લેવો જોઈએ કે નહીં, તેનાથી નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્લાઉડિયા હેમન્ડ
- પદ, બીબીસી સંવાદદાતા
હેલ્થ ફૂડની વાત આવે તો પ્રોટીન પાઉડર વિશે હું હંમેશાં ગૂંચવણ અનુભવું છું. તમે પણ સ્થાનિક હેલ્થ ફૂડ સ્ટોરમાં પ્રોટીન પાઉડરથી ભરેલા ડબ્બાં જોયા હશે.
હાલમાં જિમ જનારા યુવાનોમાં પ્રોટીન પાઉડરનું ખૂબ વળગણ છે. જિમ જનારાઓના મોઢે પણ તમે પ્રોટીન પાઉડરની પ્રશંસા સાંભળી હશે. તેઓ દાવો કરે છે કે તેને દૂધમાં મેળવીને લેવાથી માંસપેશીઓમાં વૃદ્ધિ થાય છે.
ઘણા લોકો તેમની ઉંમરના પાછલા પડાવમાં પણ શક્તિ માટે આ પાઉડર લેતા હોય છે.
પરંતુ આજકાલ માત્ર બૉડીબિલ્ડર્સ કે ઍથ્લીટ્સ જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેનો બહોળો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પ્રોટીન પાઉડરના ડ્રીંકનો ઉપયોગ નાસ્તાની માફક ભોજનની વચ્ચે કરે છે. તો કેટલાક લોકો ભોજનની જગ્યાએ પણ પ્રોટીન પાઉડર લઈ લેતા હોય છે.
આથી એ જાણવું જરૂરી છે કે શરીરને પ્રોટીન પાઉડરની જરૂર છે કે નહીં તે કેમ ખ્યાલ આવે? પ્રોટીન પાઉડરથી શું ફાયદો થાય? કોણે પ્રોટીન પાઉડર ન લેવો જોઈએ? જાણીએ તમામ સવાલોના જવાબ આ અહેવાલમાં...
પ્રોટીન પાઉડર શેમાંથી બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
બજારમાં અનેક પ્રકારના પ્રોટીન પાઉડર ઉપલબ્ધ છે.
આ સિવાય આઇસક્રીમથી ચૉકલેટ્સ સુધી, વિવિધ સ્નૅક્સ અને તૈયાર ભોજન સામગ્રી પર બૉલ્ડ અક્ષરમાં તેમાં રહેલા પ્રોટીન અને તેની અન્ય વિસ્તૃત વિગતો લખેલી હોય છે.
આ પ્રકારના પ્રોટીન પાઉડરની રૅન્જ લાંબી છે. જેમ કે બોડીબિલ્ડર માટે ઊંચી માત્રાના પ્રોટીનનો ડોઝ જરૂરી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રકારના પાવડર ક્યારેક પ્રાણીજન્ય ચીજવસ્તુઓ જેમ કે ઈંડાંમાંથી બનેલા હોય છે, અથવા તો તે દૂધમાંથી અથવા તો કોઈક વનસ્પતિમાંથી બનેલા હોય છે.
ઉદાહરણ તરીકે વટાણા, બટાકા, ચોખા, અને સોયાબીનમાંથી પ્રોટીન કાઢવામાં આવે છે અને તેનો પાઉડર બનાવવામાં આવે છે.
પ્રોટીન પાઉડરને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં વિવિધ ફ્લેવર ઉમેરવામાં આવે છે.
પ્રોટીન પાઉડરની જરૂર છે કે નહીં?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ હકીકત છે કે પ્રોટીન આપણા માટે જરૂરી પોષણક્ષમ આહાર છે જેની આપણને આપણી માંસપેશીઓ મજબૂત બનાવવામાં, હાડકા મજબૂત રાખવામાં, રોગપ્રતિકારક શક્તિ માટે તથા મસ્તિષ્ક, હૃદય અને ચામડીના પોષણ માટે જરૂરી છે.
★ પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું આપણને આ વધારાના પ્રોટીનની જરૂર છે?
આપણને પ્રોટીન ઈંડાં, દૂધ, દહીં, માછલી, માંસ, સોયાબીન, બદામ જેવા નટ્સ, અને બીજ એવા સ્રોતોમાંથી મળે છે.
જે વિકસિત દેશો છે ત્યાં લોકો મેડિકલ તજજ્ઞો દ્વારા સૂચવેલા પ્રોટીનના માપદંડો પ્રમાણે પ્રોટીન લે છે.
49 જેટલા સંશોધનો દર્શાવે છે કે લોકો દ્વારા પોતાના આહારમાં જે પ્રોટીન લેવામાં આવે છે તે અમેરિકા અને કૅનેડાના મેડિકલ તજજ્ઞો દ્વારા સૂચવેલા પ્રોટીનની માત્રા કરતાં 75 ટકા વધુ છે.
કૅનેડાની મૅક્માસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સ્ટુઅર્ટ ફિલિપ્સ જણાવે છે કે પ્રોટીન લેવાની ભલામણો બધા માટે કદાચ એક સરખી ન હોઈ શકે.
તમારે કેટલા પ્રમાણમાં પ્રોટીનની જરૂર છે તે જાણવું જરૂરી છે. આ પ્રશ્નનો જવાબ ઉંમર, સ્વાસ્થ્ય, અને દૈનિક વ્યાયામ કે શ્રમ ઉપર આધારિત છે.
તેથી જે તજજ્ઞો દ્વારા ભલામણ કરવામાં આવે છે તે તમામની જરૂરતો આધારિત નથી.
જેમ કે, વૃદ્ધોને જો ભૂખ ન લાગતી હોય તો તેમના દૈનિક આહારમાં પ્રોટીન નહીં મળતું હોય.
જ્યારે કે ઍથ્લીટની વાત કરીએ તો તેમને સામાન્ય વ્યક્તિ કરતાં વધુ માત્રામાં પ્રોટીનની જરૂરત પડે છે.
પ્રોટીન પાઉડર લેવાથી થતા ફાયદા-ગેરફાયદા અંગેના પ્રયોગો

ઇમેજ સ્રોત, Getty Images
સવાલ એ છે કે શું આ પ્રકારના પ્રોટીન પાઉડર વધારે માત્રામાં લેવાથી કોઈ ફાયદો થાય છે ખરો? કે પછી આ પ્રકારના વધારાના પ્રોટીન લેવાથી આડઅસર થાય છે?
સદભાગ્યે આપણી પાસે કેટલાક પ્રયોગો છે જે આપણને માર્ગદર્શન આપી શકે.
એવો દાવો કરવામાં આવે છે કે આ પ્રકારના પ્રોટીન પાઉડરથી માંસપેશી મજબૂત થાય છે. પણ હકીકત એ છે કે આ ફાયદો ત્યારે જ થાય છે જ્યારે આ પ્રકારના પ્રોટીન પાઉડર લેનારા વેઇટ મશીન્સનો ઉપયોગ કરીને ભારે પ્રકારના વ્યાયામ કરતા હોય.
જો માંસપેશીને કસરત નહીં મળે તો વધારાના પ્રોટીનનો કોઈ ફાયદો નહીં થાય.
વર્ષ 2014માં એક અભ્યાસ થયો. પ્રોટીન પાઉડર પર 14 પ્રકારના પ્રયોગો થયા. આ પ્રકારના અભ્યાસનું તારણ એ રહ્યું કે જે લોકો પ્રોટીન પાઉડર લે છે તે પૈકી અડધા ભાગનો પ્રોટીન પાઉડર દૂધમાંથી ચીઝ બનાવતી વખતે બચતા પ્રવાહીમાંથી બને છે અથવા તો પ્લેસિબો ડ્રિંકમાંથી બને છે.
આ અભ્યાસનું એક તારણ એ પણ હતું કે જ્યાં સુધી લોકો ભારે વ્યાયામ કરે છે ત્યાં સુધી પ્રોટીન પાઉડરનું સેવન કરવાથી તેમના દૂબળા શરીરની માંસપેશીઓમાં વૃદ્ધિ થાય છે. પરંતુ જો તેઓ ભારે કસરત કર્યા વગર આ પ્રોટીન પાઉડર લે છે તો તેમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થતી નથી.
આ અભ્યાસની કઠણાઈ એ પણ છે કે તે કેટલાક જાડા લોકો, વૃદ્ધ લોકો અને કેટલાક જિમ જતા યુવાનો પર કરવામાં આવે છે. જેથી તેનું સામાન્ય તારણ કાઢવું અઘરું છે.

ઇમેજ સ્રોત, Getty Images
2022માં પ્રકાશિત એક સંશોધન સ્વસ્થ વયસ્કો પર કરવામાં આવ્યું હતું. તેઓ સામાન્ય કરતાં વધારો વજન ધરાવતા નહોતા.
જેમણે પ્રોટીન પાઉડર લીધો હતો તેવા દૂબળું શરીર ધરાવનારા અને ઓછી શક્તિ ધરાવનારામાં વૃદ્ધિ જોવા મળી.
જોકે, આ તમામ લોકો સખત કસરતો કરતા હતા. બૅન્ચ પ્રેસ કરનારાઓની ક્ષમતા પર તેનો વધુ પ્રભાવ પડ્યો. પરંતુ તેમની તાકાતનાં અન્ય પરિબળો પર તેનો કોઈ ફરક ન માલૂમ પડ્યો.
એટલે ટૂંકમાં જોઈએ તો પ્રોટીન પાઉડર એ કોઈ જાદુઈ ચૂર્ણ નથી જે લેવાથી તમે રાતો-રાત તાકતવર બની જાઓ. તેના માટે તમારે અલગથી મહેનત પણ કરવી પડશે.
બધાં પરિક્ષણોનો અભ્યાસ કર્યા બાદ તેના સંશોધકો કહે છે કે પ્રોટીન પાવડર કેટલી માત્રામાં લેવો જોઈએ તે હજુ સ્પષ્ટ નથી.
સ્ટૂઅર્ટ ફિલિપ્સ નામના સંશોધકે બે દાયકા સુધી સંશોધન કર્યું કે આપણા ભોજનની આપણી માંસપેશીઓ પર કેવી અસર પડે છે.
બીબીસીના ફૂડ પ્રોગ્રામમાં બોલતા તેમણે જણાવ્યું કે, "જે વ્યક્તિ વધારે પ્રોટીન લે છે અને સપ્તાહમાં બે-ત્રણ વખત ભારે કસરતો કરે છે તેમને ઘણો ઓછો ફાયદો થાય છે. જે વ્યક્તિ સપ્તાહમાં ચાર-પાંચ વખત ભારે કસરતો કરે છે તેને થોડો વધારે ફાયદો થાય છે."
આથી, જો તમે પ્રૉફેશનલ હોવ જેમ કે ઍથ્લીટ અને જો કટિબદ્ધ હોવ તો જ તમને પ્રોટીન પાઉડર લેવાથી ફરક પડે છે.
પ્રોટીન પાઉડર ક્યારે લેવો અને કયા પ્રકારનો લેવો?
★ પ્રોટીન પાઉડર ક્યારે લેવો જોઈએ?
જિમ જતાં પહેલાં પ્રોટીન લેવું વધારે હિતકારક છે અથવા તો ત્યાર બાદ કે જ્યારે માંસપેશીઓ પુન:સ્થિતિ પ્રાપ્ત કરતી હોય.
★ પ્રોટીન કેવા પ્રકારનું લેવું જોઈએ?
કેટલાક લોકો વ્હે પ્રોટીન એટલે કે કૉમ્પ્લિમેન્ટ પ્રોટીન માટે કટિબદ્ધ છે, જ્યારે કેટલાક લોકો પ્લાન્ટમાંથી મળતા પ્રોટીનનો આગ્રહ રાખે છે.
જોકે, અગાઉ જણાવ્યું તે પ્રમાણે જે 49 સંશોધનો થયા છે તેમાં તારણ નીકળે છે તે પ્રમાણે કયા પ્રકારનું પ્રોટીન લેવું તે અને ક્યારે લેવું તેનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી.
જો તમે પ્રોટીન પાઉડર લેવા માગતા હોવ તો તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે તે તમને હાનિ તો નથી પહોંચાડતું ને.
પ્રોટીન પાઉડર હૃદય અને કિડનીને અસર પહોંચાડી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
અલગ-અલગ પ્રોટીન પાઉડરમાં અલગ-અલગ તત્વો હોય છે.
જ્યારે કેટલાક પ્રોટીન પાઉડરમાં શુગર હોય છે. ફ્લેવર પણ હોય છે અને વિટામિન્સ પણ.
વધારે શુગર લેવાને કારણે બ્લડ શુગરમાં વૃદ્ધિ થઈ શકે છે અને તેને કારણે તમારા વજનમાં પણ વૃદ્ધિ થઈ શકે છે.
કેટલાક કિસ્સાઓ ચર્ચાસ્પદ બન્યા છે જેમાં જિમમાં જતા હોય તેવા યુવાનોને અચાનક હાર્ટ ઍટેક આવી જાય છે.
★ શું વધારાનું પ્રોટીન લેવાને કારણે હાર્ટ ઍટેક આવી શકે ?
પણ આ પ્રશ્નના જવાબ મામલે વ્યક્તિગત કેસનો અભ્યાસ કરવાની જરૂર પડે. જોકે, આ અંગેનું સંશોધન ઓછું છે.
ઉંદરો પર આ મામલે કેટલાંક સંશોધનો થયાં છે. પરંતુ તે અભ્યાસ કરવા માટે પૂરતાં નથી.
વર્ષ 2020માં ઉંદર પર એક સંશોધન થયું હતું.
વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસીનની નેચર મેટાબૉલિઝમ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ઉંદરની ધમનીમાં પ્લાક પેદા કરવા માટે વધારે ચરબી ધરાવતો ખોરાક આપ્યો.
અડધા ભાગના ઉંદર જેટલો ખોરાક લેતા હતા, તેમને તેના કરતાં ત્રણ ગણું પ્રોટીન ધરાવતો ખોરાક આપવામાં આવ્યો.
આ વધારે ચરબી ધરાવતા ખોરાક ખાતા ઉંદરો અને વધારે પ્રોટીન ખાતા ઉંદરોમાં વધારે વજન વધ્યું નહોતું પરંતુ ચોંકાવનારું તારણ એ હતું કે આ તમામ ઉંદરોની ધમનીઓમાં 30 ટકા વધુ પ્લાક પેદા થયું હતું.
જોકે વધુ ચરબી ધરાવતો ખોરાક ખાતા ઉંદરોની સરખામણી જિમમાં ભારે કસરતો કરતા અને પ્રોટીન પાવડર લેતા યુવાનો સાથે કરવી એ અઘરું છે.
એટલે કહી શકાય કે આ સંશોધનો હજુ પ્રાથમિક તબક્કે છે.
» પણ એટલું કહી શકાય કે જે લોકો દૈનિક આ પ્રકારના પ્રોટીન પાઉડર લે છે તેને લાંબેગાળે હૃદય, કિડની કે પછી શરીરના કોઈ અન્ય અંગો પર અસર થાય કે નહીં તે આપણે જાણતા નથી.
પ્રોટીન પાઉડર લેવાથી બ્લડ પ્રેશર અને કૉલેસ્ટ્રોલમાં ઘટાડો થાય?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક દલીલ કરે છે કે પ્રોટીન પાવડર લેવાને કારણે માંસપેશીઓની વૃદ્ધિ ઉપરાંત તબિયતને પણ ફાયદો થાય છે.
નવ અલગથી સંશોધનો કરવામાં આવ્યાં જેમાં લોકોને પ્રોટીન પાવડર આપવામાં આવ્યો.
આ લોકોમાં જોવા મળ્યું કે તેમના વજનમાં ઘટાડો થયો સાથેસાથે તેમના બ્લડ પ્રેશર અને કૉલેસ્ટ્રોલમાં પણ ઘટાડો નોંધાયો.
જોકે, આ સંશોધન જેમના પર કરવામાં આવ્યું હતું તેમનાં વજન પહેલાંથી જ વધારે હતાં.
તેથી એવું નહીં કહી શકાય કે આ સંશોધનમાં જે તારણ મળ્યું અને જે લાભો થયા તે તમામ લોકો પર લાગુ પડી શકે.
રિડિંગ યુનિવર્સિટીના ઍગ્નિસ ફિકેટે પણ 27 લોકો પર એક સંશોધન કર્યું.
આ પ્રયોગમાં તેમને જાણવા મળ્યું કે વ્હે પ્રોટીન આપવાને કારણે આ લોકોના સહેજ વધારે રહેલા બ્લડપ્રેશરમાં ઘટાડો થઈ શકે છે.
31 લોકો પર કરેલું વધુ એક સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યું. તેમાં તારણ નીકળ્યું કે વ્હે પ્રોટીન અથવા તો સોયા પાઉડર લેતા હતા તેમના શરીર પરના સોજા ઓછા થયા.
આ સંશોધન થોડું ચોંકાવનારું છે કારણકે વૃદ્ધોમાં માંસપેશીઓ નબળી પડવાને કારણે સોજા જોવા મળે છે. આથી, પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરીને સોજા ઓછા કરી શકાય કે કેમ તે અંગે સવાલો થાય છે.
આમ ભારે કસરતો કરતા હોય તેવા લોકોમાં પ્રોટીન પાઉડરના ઉપયોગને કારણે માંસપેશીઓની વૃદ્ધિ સિવાય અન્ય હેલ્થ ફાયદાઓ કયા છે કે તેના ગેરફાયદાઓ કયા છે તે અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે અને કોઈ ચોક્કસ સ્પષ્ટતા નથી.
સમય સાથે આપણને ખબર પડશે કે જિમમાં જતા ફિટ યુવાનો અને વૃદ્ધોને પ્રોટીન પાઉડરના સેવનથી કેટલો લાભ થાય છે.
જોકે ડાયટિશિયન્સ એ વાત પર ભાર મૂકે છે કે આપણે સપ્લિમેન્ટ્સ પર જવાને બદલે પહેલાં જે ભોજન લઈએ છે તે આહારમાંથી પોષકતત્ત્વો શોધવા જોઈએ.
સંપૂર્ણ આહાર આપણા માટે શ્રેષ્ઠ છે એ આપણે કાયમ યાદ રાખવું જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












