સાંધાનો દુખાવો યુરિક ઍસિડ વધવાને કારણ થઈ શકે? શું છે એનું સમાધાન?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરમબેળકર
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
તમને તમારા પગમાં ખાસ કરીને આંગળી અથવા ઘૂંટી પાસે એકાએક દુખાવો થાય છે? અથવા તમને પગની હિલચાલ કરવામાં મુશ્કેલી આવે છે?
તમને એ વિસ્તારમાં બળતરા, સોજો, લાલાશ અને ગરમી અનુભવાઈ રહી છે?
જો આવો અતિશય દુખાવો તમને 4 કે 5 દિવસ સતત રહ્યા કરે તો, તમારે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.
આ પ્રકારની સમસ્યાનું એક કારણ શરીરમાં યુરિક ઍસિડ વધી જવું પણ હોઈ શકે છે.
દુખાવાનો સ્રોત શોધવા માટે લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ ચેક કરાવવું જરૂરી છે.
શરીરમાં ઉત્પન થતું યુરિક ઍસિડ આપણી કિડની દ્વારા પેશાબ થકી બહાર નીકળી જતું હોય છે. પણ કિડનીમાં થયેલા કેટલાક બદલાવો અને શરીરમાં વધેલા યુરિક ઍસિડના પ્રમાણના લીધે લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધી જાય છે.
આ સમસ્યા માટે વધેલું યુરિક ઍસિડ જવાબદાર હોય છે. પગમાં યુરિક ઍસિડના કણો જમા થઈ જવાથી કે પછી હાથના હાડકાં પાસે કણો જમા થવાથી સાંધામાં દુખાવો થાય છે.
આનાથી સોજો અને દુખાવાયુક્ત બળતરા થાય છે. એને ગાઉટ પણ કહે છે. એટલે કે સંધિવા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સંધિવા માટે કયાં કારણો જવાબદાર હોઈ શકે?
- જો તમને કોઈ બીમારી હોય જે સખત તાવ લાવતી હોય
- જો તમે દારૂનું ખૂબ જ સેવન કરો છો
- જો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય
- જો સાંધામાં ઈજા થઈ હોય
- જો તમે કેટલીક ખાસ દવાઓ લેતા હોવ

યુરિક ઍસિડ વધવાથી સંધિવા થઈ શકે?
આવી સ્થિતિમાં તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમની સલાહ અનુસાર વધુ સારવાર અને જીવનશૈલીમાં ફેરફારો કરી શકાય.
તેમની સલાહ અનુસાર આ રોગનું નિદાન કરવું મહત્ત્વનું છે.
યુનાઇટેડ કિંગડમની નૅશનલ હેલ્થ સર્વિસે યુરિક ઍસિડ વધવા પાછળ જવાબદાર કેટલાંક કારણો આપ્યાં છે. જેમાં અવલોકનો અને કારણોની નોંધ લીધી છે.

- વારસાગત. ઘણી વાર સંધિવા એક પેઢીથી બીજી પેઢી આગળ વધે છે.
- આ રોગ મોટાભાગે પુરુષોમાં જોવા મળે છે.
- જો તમે વધુ વજન ધરાવતા હોવ અને સંધિવાથી પીડાતા હોવ
- જો તમે આલ્કોહોલનું સેવન કરતા હોવ
- જો તમે મૅનોપોઝમાંથી પસાર થઈ રહ્યાં હોવ
- જો તમે ઊંચા રક્તચાપની દવાઓ, વૉટર ટેબલેટ લઈ રહ્યા હોવ
- વધુ કૉલેસ્ટરોલ, ઊંચો રક્તચાપ, કિડનીની બીમારી, ઑસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ડાયાબિટીસ
- એનએચએસ કહે છે જો ઈજા થઈ હોય અથવા સર્જરી થઈ હોય તો, સંધિવા થવાની શક્યતા વધુ છે
સંધિવાની સારવાર ન થાય તો, એ ફરી થઈ શકે છે.
જો તમને વારંવાર સંધિવા થતો હોય, તો તમે યુરિક ઍસિડ ઘટાડવા માટે દવા લઈ શકો છો. જો લક્ષણો ન હોય તોપણ એનએચએસ યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડવાની દવા નિયમિતપણે લેવાની ભલામણ કરે છે. સંધિવા ફરી ન થાય એ માટે શું કરવું જોઈએ?

યુરિક ઍસિડ ઘટાડવા માટે શું પગલાં લેવાં જોઈએ
- એનએચએસ અનુસાર દર્દીએ વજન ઘટાડવું જોઈએ પણ ડાયટ ન ઘટાડવું
- તમારે યુરિક ઍસિડ ઘટાડવા માટે સારો સમતોલ આહાર લેવો જરૂરી છે અને ડૉક્ટરને પૂછવું કે શું ખાઈ શકાય અને શું નહીં
- દારૂનું સેવન બંધ કરવું જોઈએ
- પાણી અને પ્રવાહી પદાર્થો વધુ પ્રમાણમાં લેવા
- ધૂમ્રપાન બંધ કરવું
- નિયમિત કસરત કરવી જરૂરી છે પણ સાંધા પર વધુ દબાણ ન આપવું
સંધિવાના દુખાવામાં તાત્કાલિક શું કરવું એના વિશે ડૉ. તેજસ ખાનોલકરે બીબીસીને જણાવ્યું કે સંધિવાના અતિશય દુખાવાને ઘટાડવા માટે તબીબી સારવારની જરૂર છે. જેથી સોજો ઘટી જાય. ત્યાં સુધી 10 મિનિટ માટે બરફથી શેક કરવો એનાથી દુખાવો ઘટાડવામાં મદદ મળે છે.
ડૉ. તેજસ ખાનોલકર કહે છે, “એક વાર દુખાવો ઘટી જાય પછી ફિઝિયો તમને સ્નાયુને લચીલા કરવા અને સાંધાને મજબૂત કરવાની કેટલીક કસરત કરાવે છે. અતિશય દુખાવાની સ્થિતિમાં ફિઝિયો તમને પટ્ટો બાંધી આપે છે જેનાથી એ વિસ્તારની હિલચાલ મર્યાદિત થાય અને થોડી રાહત મળે. જોકે ભવિષ્યમાં દુખાવો ફરી થઈ શકે છે. ખાનપાન અને જીવનશૈલી બદલવાથી તથા વધુ વજન હોય તો એને ઘટાડવાથી ફરીથી એ તકલીફ ન થાય એને નિવારી શકાય છે.”

વજન ઘટાડવું કેમ મહત્ત્વનું છે?

મોટાભાગના તબીબો સંધિવા અને યુરિક ઍસિડના જોખમને ઘટાડવા માટે વજન ઘટાડવાની સલાહ આપે છે. વધુ ભારે વજન વધુ યુરિક ઍસિડ પેદા કરે છે અને કિડની પર તણાવ સર્જે છે.
આથી, શરીરમાં વધુ પ્રમાણમાં યુરિક ઍસિડ જમા થાય છે. જોકે, ડાયટ બંધ કરવાથી કે ઓછું કરવાથી સમસ્યા ફરી થાય છે.
યુકે ગાઉટ સોસાયટી એકાએક વજન ઘટાડવા સામે ચેતવણી આપે છે. વજન ઘટાડવા માટે લાંબો સમય ઉપવાસ કરવાથી યુરિક ઍસિડનું પ્રમાણ વધી જાય છે જેનાથી સંધિવા થઈ શકે છે. જોકે સંસ્થા એમ પણ કહે છે કે વજન ઘટાડવું મહત્ત્વનું હોય છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર અને સંધિવાના નિષ્ણાત ડૉ. હેયોન શોઈ કહે છે કે, પૂરતા પ્રમાણમાં ફળો, શાકભાજી, અખરોટ જેવા સૂકામેવા અને દાણાદાર અનાજ યુરિક ઍસિડનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. એનું સેવન રાખવું જોઈએ. જોકે તેઓ ખોરાકમાં સોડિયમ, માછલી અને ખાંડનું પ્રમાણ ઘટાડવા પણ સલાહ આપે છે.
તેમણે સરેરાશ 44 હજાર લોકોની ખાનપાનની આદતોનો અભ્યાસ કર્યો છે. આ પ્રકારનો ખોરાક ખાનારા લોકોને સંધિવા થવાની શક્યતા ઓછી છે. આ ડાયટ, નિયમિત કસરત અને વજન ઘટાડવા પર ડૉ. શોઈ ભાર મૂકે છે.

કેવો ખોરાક લેવાનું ટાળવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
યુરિક ઍસિડ પ્યૉરિનમાંથી બને છે. એટલે જે ખોરાકમાં પ્યૉરિન વધુ હોય એનું સેવન ઓછું કરવાની સલાહ અપાય છે.
યુકે ગાઉટ સોસાયટીની સલાહ મુજબ માંસ, માછલી, દરિયાઇ જીવન, યીસ્ટવાળા ફૂડ-પીણાં, આલ્કોહોલ, દાણાદાર અનાજ પ્યૉરિનની વધુ પ્રમાણ ધરાવે છે. જ્યારે દૂધ, ચીઝ, બટર, ઈંડાં, ફળો, ચિકન, અનાજમાં એનું પ્રમાણ ઓછું હોય છે. એટલે ઓછું પ્યૉરિનવાળો ખોરાક ખાવો સલાહકારક છે.
એટલે ખાંડયુક્ત પીણાં, આલ્કોહોલ અવગણવા જોઈએ. યુકે ગાઉટ સોસાયટી અને અન્ય તબીબો યુરિક ઍસિડ ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે.














