ઉપવાસ શા માટે કરવામાં આવે છે? ઉપવાસમાં શું ખાવું અને શું નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રોહન નામજોશી
- પદ, બીબીસી મરાઠી પ્રતિનિધિ
તહેવારો વખતે દોડધામ અને ઘરે મહેમાનોની ભીડ હોય છે. આ દરમિયાન આરોગ્ય પ્રત્યે ઘણીવાર ધ્યાન આપવામાં આવતું નથી અને તબિયત બગડે છે. આ સ્થિતિમાં ઉપવાસ કરતી વખતે કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
પોષણ વિશેષજ્ઞ જ્ઞાનદા ચિતળેના મતાનુસાર, 'તહેવારોમાં ઉપવાસ કરવાનો હેતુ રસોડામાં ઓછો સમય અને વધારાનો સમય પ્રભુભક્તિમાં ગાળવાનો હોય છે.'
હવે ઉપવાસના કારણ અને પરિણામની માહિતી મેળવીએ.

ઉપવાસ શા માટે?
આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શરીરના કોષોને ગ્લુકોઝ તથા શર્કરા મળે છે. એ શર્કરા શરીરના તંત્ર દ્વારા કેટલાંક પ્રમાણમાં આપણા રક્તમાં છોડવામાં આવે છે. એ પછી વધારાની શર્કરા ગ્લાયકોઝેનના સ્વરૂપમાં આપણા શરીરમાં સાચવવામાં આવે છે અને જરૂર પડ્યે તે રક્તમાં છોડવામાં આવે છે.
સાધારણ રીતે આપણે 12 કલાક કશું ખાવા-પીવામાં ન આવે ત્યારે ગ્લાયકોઝોન સ્વરૂપે બચાવવામાં આવેલી શર્કરા શરીરમાં છોડવામાં આવે છે. તે આપણા શરીરમાં ચરબીનું કામ કરે છે.
શર્કરાની સરખામણીએ ફૅટ્સ વધારે વપરાય ત્યારે કિટોન નામનો પદાર્થ તૈયાર થાય છે. તેથી ભૂખની લાગણી ઓછી થાય છે. અનેક દિવસ સળંગ ઉપવાસ કરતા હોય તેવા લોકોને બહુ ભૂખ લાગતી નથી એવું કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો શરીર પર શું પ્રભાવ પડે છે તેનો અભ્યાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.
માન્ચેસ્ટર યુનિવર્સિટીના પોષણશાસ્ત્રી ડૉ. મિશેલ હાર્વીના સંશોધનના તારણ મુજબ, ઉપવાસને લીધે શરીરમાં હોર્મોન ઓછા થવાથી સ્તન કૅન્સર થવાની શક્યતા ઘટે છે.
ઉપવાસ કરતી વખતે રાજગરા, રતાળુ અને સામાનો જેવી સામગ્રીનો ઉપયોગ ભોજન માટે કરવો જોઈએ. તેમાંથી બનેલી સામગ્રી થોડા પ્રમાણમાં ખાવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તહેવારોની દિવસો તણાવપૂર્ણ હોય છે. એ દિવસોમાં ઉપવાસ કરતી વખતે આહાર પર વધારે ધ્યાન આપવું જરૂરી છે. ઉપવાસના દિવસોમાં તૈલીય ખોરાક ખાવાનું ટાળવાની સલાહ નિષ્ણાતો આપે છે.

ઉપવાસ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપવાસમાં શરીર ચરબી બાળવાનું શરૂ કરે છે. તેથી પ્રાથમિક સ્તરે ઉપવાસથી વજન ઘટાડવામાં મદદ મળે છે તે નક્કી છે, પરંતુ કઈ પદ્ધતિથી ફાયદો થાય છે એ બાબતે વિજ્ઞાનીઓ એકમત નથી. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે છૂટક-છૂટક ઉપવાસમાં ઓછા કાર્બોહાઈડ્રેટ્સ આહારમાં લેવાનાં હોય છે. તેથી 500-800 કેલેરી ઘટે તેવી આહાર વ્યવસ્થાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
આવું થાય તે માટે તમારે ત્રણથી ચાર દિવસ સુધી આહારમાં કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું ટાળવું પડે. તેને લીધે શરીરમાં કિટોસિસ નામના પ્રક્રિયા શરૂ થાય છે. તેથી ભૂખની લાગણી ઘટવાની શરૂઆત થાય છે. આ બધું તબીબી સલાહ અનુસાર જ કરવું જોઈએ એવી સલાહ નિષ્ણાતો આપે છે, કારણ કે લાંબા સમય સુધી ઉપવાસ કરવાનું પરિણામ શું હોય છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ઉપવાસના બીજા કોઈ ફાયદા છે?
ઉપવાસ કરવાથી મગજને લાભ થાય છે.
ન્યૂરોસાયન્ટિસ્ટ ડૉ. માર્ક મેટસને સિદ્ધ કર્યું છે કે ઉંદરોને ઓછી કેલેરીવાળો ખોરાક આપવામાં આવે ત્યારે તેમની સ્મરણશક્તિ વધારે સારી હોય છે.
તેમણે 2016માં માણસો પર કરેલા એક અભ્યાસના તારણ મુજબ, ઉપવાસ કરતા લોકોને અલ્ઝાઇમર થવાની શક્યતા ઓછી હોય છે. લંડનની કિંગ્ઝ કૉલેજના પ્રોફેસર ટીમ સ્પેક્ટરે નોંધ્યું છે કે ઉપવાસની અસર પેટમાંના બેક્ટેરિયા પર પણ થાય છે. ઉપવાસ કર્યા પછી પેટનું સ્વાથ્ય સુધારે તેવા બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે. તેથી ક્યારેક નાસ્તો ન કરો તો બહુ મોટો ફરક પડતો નથી. બલ્કે તેનાથી પેટનું આરોગ્ય સુધરે છે.
ડાયાબિટીસમાં સ્વાદુપિંડ સામાન્ય રીતે કામ કરતું હોય છે. તેથી ડાયાબિટીસને અંકુશમાં રાખવામાં મદદ મળે છે. જોકે, આવું કરતી વખતે તબીબી સલાહ જરૂર લેવી જોઈએ.
જ્ઞાનદા ચિતળેના મતાનુસાર, પેટને આરામ મળે એ હેતુસર મહિનામાં એક-બે ઉપવાસ કરવાથી લાભ થાય છે. ઉપવાસનો અતિરેક ટાળવો જોઈએ. અઠવાડિયામાં બે કે ત્રણ વખત ઉપવાસ કરવાથી એસીડીટીની સમસ્યા સર્જાઈ શકે છે. તેથી ઉપવાસ કરવામાં સંયમ રાખવો જોઈએ.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને તેનું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
વિસ્કોન્સિન સ્કૂલ ઑફ મેડિસિન ઍન્ડ પબ્લિક હેલ્થના એક ઍસોસિએટ પ્રોફેસરે કૅલરીનું પ્રમાણ મર્યાદિત રાખવાના ફાયદાનો અભ્યાસ કર્યો હતો. તેમણે શરીરના નીચલા ભાગનું વજન વધારતી કૅલરી સંબંધી અભ્યાસ કર્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, રોજ થોડા કલાક ઉપવાસ રાખવાથી ફાયદો થાય છે. ઉપવાસમાં શરીરની સ્થિતિમાં પરિવર્તન થાય છે, જે શરીરમાં વાસ્તવમાં લાભકારક સાબિત થાય છે. ઉપવાસમાં મિસફોલ્ડેડ પ્રોટીન્સની સફાઈ થાય છે.
મિસફોલ્ડેડ પ્રોટીન એ પ્રોટીનનું તૂટેલું ઍટમ સ્વરૂપ છે અને આ ઍટમ અનેક રોગોનો આમંત્રણ આપે છે.
ઍન્ડરસનના મતાનુસાર, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી શરીરની કાર્યપદ્ધતિ સુયોગ્ય થવામાં મદદ મળે છે. શરીરને આરામ મળે છે. તે ભોજન માટેની જગ્યાનું નિર્માણ કરે છે અને શરીરના જે ભાગને ઊર્જાની જરૂર હોય તે પણ મળે છે.
ઇટાલીસ્થિત પડોવા યુનિવર્સિટીના શરીર વિજ્ઞાનના પ્રોફેસર ઍન્ટનિયો પાઓલી કહે છે કે "ઉપવાસને લીધે ગ્લાયસેમિક પ્રક્રિયામાં સુધારો થાય છે. આહાર લીધા પછી શરીરમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય છે. એ શર્કરાનું પ્રમાણ ઘટાડવાના સંદર્ભમાં ઉપવાસથી ફાયદો થાય છે. શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટવાથી ચરબી વધતી નથી."
તેઓ ઉમેરે છે કે "અમારી પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, રાત્રે વહેલાં જમી લેવાથી અને ઉપવાસનો સમય વધવાથી શરીર પર ગ્લાયસેમિક પર નિયંત્રણ જેવી સકારાત્મક અસર થાય છે."
પાઓલીના જણાવ્યા મુજબ, "ગ્લાયકેશન નામની પ્રક્રિયા દરમિયાન શરીરના તમામ કોષોમાં ઘટતું શર્કરાનું પ્રમાણ લાભકારક હોય છે. શર્કરા અને પ્રોટીનનું સંયોજન અહીં જ થાય છે. તેને ઍડવાન્સ ગ્લાયકેશન ઍન્ડ પ્રોડક્ટ કહેવામાં આવે છે. તેથી શરીરમાં સોજો આવે છે અને ડાયાબિટીસ તથા હૃદયરોગની સંભાવને પણ વધે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













