આખી દુનિયા સંપૂર્ણ શાકાહારી બની શકે ખરી?

શાકાહાર

ઇમેજ સ્રોત, TOM PILSTON/PANOS PICTURES

    • લેેખક, વેરોનિકા ગ્રીનવુડ
    • પદ, બીબીસી કૅપિટલ

રિચર્ડ બકલે બ્રિટનના બાથમાં એકૉર્ન રેસ્ટોરાંના માલિક છે. આ એક ખૂબ જ સરસ જગ્યા છે, જ્યાં માંસ પીરસવામાં આવતું નથી. બકલે પોતે શાકાહારી છે.

હાલ જ તેમણે એક રસપ્રદ વસ્તુનો અનુભવ કર્યો હતો. 80, 90 અને પાછલા અંતિમ દાયકામાં લોકો તેમને પૂછતા કે તમે બેકન (ભૂંડનું માસ) વગર જીવતા કેવી રીતે છે. શું તમે ક્યારેય હૅમબર્ગર પણ ખાધું નથી? તમે ક્રિસમસ પર લંચમાં શું ખાઓ છો?

તેઓ કહે છે, "મારી અંદર લોકો ખામી જોતા હતા. એવું લાગતું કે હું વિચિત્ર છું અને તેઓ બધા સામાન્ય."

"હવે હું લોકોને કહું છું કે હું શાકાહારી છું તો તેઓ કહે છે : ઠીક છે હું પણ વધારે માંસ નથી ખાતો અને મારી દીકરી શાકાહારી છે."

મિશેલિન ગાઇડથી માન્યતા પ્રાપ્ત રેસ્ટોરાંના માલિક રિચર્ડ કહે છે, "સંતુલન પલટાઈ ગયું છે. હવે હું સૌથી અલગ નથી."

શાકાહારી વિકલ્પ વધી રહ્યા છે. ખાદ્ય કંપનીઓ અને માર્કેટ રિસર્ચ ફર્મ્સે પણ માગમાં આવી રહેલા પરિવર્તનને ઓળખી લીધો છે.

2018માં 1,68,000 લોકોએ વેગન્યૂરી અભિયાન અંતર્ગત એક મહિના માટે શાકાહાર અપનાવ્યો. 2014માં જ્યારે આ અભિયાન શરૂ થયું તો ત્યારે માત્ર 3,300 લોકોએ તેમાં ભાગ લીધો હતો.

સૅન્ડવિચ માટે જાણીતા પ્રેટ એ મૉન્ઝેએ 2016માં લંડનમાં એક મહિના માટે 'વેગી પ્રેટ' નામે બ્રાન્ચ ખોલી. આ એટલી લોકપ્રિય થઈ ગઈ કે હવે તેના ચાર સ્ટોર છે.

નેસ્લેએ ગયા વર્ષે નિષ્ણાતોને કહ્યું કે છોડથી મળતા આહારની માગ હંમેશાં રહેશે. માંસની જગ્યા લેનારા સ્વાદિષ્ટ વિકલ્પોની માગ વધી રહી છે. તેનું બજાર 2025 સુધી 7.5 અબજ ડૉલર સુધી પહોંચવાનો અનુમાન છે.

એક માર્કેટ રિસર્ચ ફર્મના રિપોર્ટ પ્રમાણે જર્મનીના 44 ટકા ઉપભોક્તા ઓછું માંસ ધરાવતા આહાર ખાઈ રહ્યા છે. 2014થી અત્યાર સુધી તેમાં 26 ટકા વધારો થયો છે. અમેરિકામાં પહેલાની સરખામણીએ વધારે લોકો પોતાની ઓળખ શાકાહારી ગણાવી રહ્યા છે.

line
લાઇન

સંક્ષિપ્તમાં: શું આ દુનિયા ક્યારેય પૂર્ણ શાકાહારી બની શકે છે?

લાઇન
  • નેસ્લેએ નિષ્ણાતોને કહ્યું હતું કે છોડથી મળતા આહારની માગ હંમેશાં રહેશે. માંસની જગ્યા લેનારા સ્વાદિષ્ટ વિકલ્પોની માગ વધી રહી છે. તેનું બજાર 2025 સુધી 7.5 અબજ ડૉલર સુધી પહોંચવાનો અનુમાન છે
  • સ્વીડનના ઉપભોક્તાઓના ખર્ચની આદતો પર વિસ્તૃત અધ્યયન કરતાં અર્થશાસ્ત્રી જેનિના ગ્રાબ્સને જાણવા મળ્યું કે શાકાહાર અપનાવવા પર ખાવા-પીવા પર થતો ખર્ચ 10 ટકા સુધી ઘટી જાય છે
  • પ્રોટીન જો બીન્સ, વટાણા કે બીજા છોડમાંથી પ્રાપ્ત કરવામાં આવે તો માત્ર એક વર્ગ મીટર ભૂમિ અને 0.3 કિલો કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષનો ઉપયોગ થાય છે
  • 2015ના એક અધ્યયનમાં સૂચન આપવામાં આવ્યું હતું કે જો બધા 9 અબજ લોકો શાકાહાર અપનાવી લે તો ખેતીની પારંપરિક રીતોની જગ્યાએ ઑર્ગેનિક ખેતી અપનાવીને પેટ ભરી શકાય છે
  • માંસ અને અન્ય પશુ પ્રૉડક્ટને છોડીને બીજા આહાર અપનાવવાના આર્થિક પ્રભાવ શું છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા વાંચો આ અહેવાલ...
લાઇન

કેમ છોડ્યો માંસાહાર?

ફળાહાર

ઇમેજ સ્રોત, NurPhoto

આવા વ્યક્તિગત નિર્ણયોનું કારણ અલગ-અલગ હોય છે. મેલબર્નનાં એલેના સ્ટેપકોએ ચાર-પાંચ વર્ષ પહેલાં ઝૂલૉજીના શિક્ષણ દરમિયાન માંસ ખાવાનું છોડી દીધું હતું.

તેઓ કહે છે, "આ બધું ઇન્ટરનેટ પર કેટલાક દુઃખદ વીડિયો જોવાથી શરૂ થયું. તેમાં પ્રાણીઓનાં ફાર્મિંગ અને તેમની સાથે થતાં વ્યવ્હારને દર્શાવવામાં આવ્યો હતો."

એલેના પ્રાણીઓને પ્રેમ કરે છે અને તેમના પ્રત્યે ચિંતાએ જ તેમને શાકાહાર અપનાવવા માટે પ્રેરિત કર્યાં હતાં. કેટલાક લોકો પર્યાવરણ સંરક્ષણ માટે એવું કરે છે તો કેટલાક સ્વાસ્થ્ય સુધારવા માટે.

માનવાધિકાર સંરક્ષણની યુરોપીય સમજૂતીના અનુચ્છેદ-9માં શાકાહારને માનવાધિકારના રૂપમાં સંરક્ષિત કરવામાં આવ્યું છે.

માંસ અને અન્ય પશુ પ્રોડક્ટને છોડીને બીજા આહાર અપનાવવાના આર્થિક પ્રભાવ શું છે? શું આ કોઈ વ્યક્તિ માટે સમજદારીવાળો આર્થિક નિર્ણય હોઈ શકે છે? જો વધારે લોકો પોતાનું ખાનપાન બદલી નાખે છે તો તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર શું અસર પડશે?

આ કોઈ રહસ્ય નથી કે માંસ ઉત્પાદનમાં અઢળક સંસાધનો લાગે છે. ઘાસચારો તૈયાર કરવા માટે જમીન, ખાતર અને પાણી જોઈએ. ચારા અને પશુઓના પરિવહન માટે ઈંધણ પણ જરૂરી છે.

line

ધરતી અને પર્યાવરણ પર બોજ

શાકાહાર

ઇમેજ સ્રોત, Getty Images

સ્વિત્ઝર્લૅન્ડની કૃષિ અનુસંધાન સંસ્થા એગ્રોસ્કોપ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ એક અધ્યયનમાં જાણ્યું હતું કે પ્રતિ 100 ગ્રામ પશુ પ્રોટીન ઉત્પાદન માટે 370 વર્ગ મીટર ભૂમિ અને 105 કિલો કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષની જરૂર પડે છે.

એટલું જ નહીં પ્રોટીન જો બીન્સ, વટાણા કે બીજા છોડમાંથી પ્રાપ્ત કરવામાં આવે તો માત્ર એક વર્ગ મીટર ભૂમિ અને 0.3 કિલો કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષનો ઉપયોગ થાય છે.

માંસની થોડી એવી માત્રાના ઉત્પાદન માટે મોટી માત્રામાં પાકનો ઉપયોગ થાય છે. એ જ કારણોસર દૂધ, ઈંડાં અને ચીઝનું ઉત્પાદન વધારે સંસાધનો માગે છે. એક પાઉન્ડ ચીઝ બનાવવા માટે 10 પાઉન્ડ દૂધની જરૂર પડે છે.

2015ના એક અધ્યયનમાં સૂચન આપવામાં આવ્યું હતું કે જો બધા નવ અબજ લોકો શાકાહાર અપનાવી લે તો ખેતીની પારંપરિક રીતોની જગ્યાએ ઑર્ગેનિક ખેતી અપનાવીને પેટ ભરી શકાય છે.

શું તેનાથી ખોરાકનો ખર્ચ ઘટી જશે? છોડમાંથી મળેલા આહાર પશુમાંથી મળેલા આહારથી સસ્તાં છે. ખાનપાન પર માંસાહારીઓની સરખામણીએ શાકાહારીઓનો ખર્ચ ઓછો થાય છે.

line

શાકાહાર સસ્તો છે?

શાકાહાર

ઇમેજ સ્રોત, TOM PILSTON/PANOS PICTURES

સ્વીડનના ઉપભોક્તાઓના ખર્ચની આદતો પર વિસ્તૃત અધ્યયન કરતાં અર્થશાસ્ત્રી જેનિના ગ્રાબ્સને જાણવા મળ્યું કે શાકાહાર અપનાવવા પર ખાવા-પીવા પર થતો ખર્ચ 10 ટકા સુધી ઘટી જાય છે.

આ પહેલાંના અધ્યયનોમાં પણ જાણવા મળ્યું હતું કે ઓછું માંસ અને ઓછાં સંવર્ધિત ઉત્પાદનો ખાવાથી લાગતમાં 15 ટકા ઘટાડો નોંધાય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઑક્સફર્ડ માર્ટિન પ્રોગ્રામના અર્થશાસ્ત્રી માર્કો સ્પ્રિંગમૅન કહે છે, "ઊંચી આવક ધરાવતા દેશોમાં છોડમાંથી મળતા સંતુલિત આહાર અન્ય આહારની સરખામણીએ આશરે એક તૃતિયાંશ સસ્તાં છે."

શાકાહાર અપનાવવાથી તમારો ખર્ચ ઘટે છે કે નહીં, તે એ વાત પર નિર્ભર કરશે કે તમે તેને કેવી રીતે અપનાવો છો. એક અપવાદ એ લોકો છે જેઓ પોતાને શાકાહારી ગણાવે છે, તેમ છતાં માંસ કે માંસથી બનેલા ઉત્પાદનો ખરીદે છે કેમ કે તેમના ઘરમાં કોઈને બીફ બર્ગર પસંદ છે.

શાકાહાર

ઇમેજ સ્રોત, Getty Images

પર્ડ્યૂ યુનિવર્સિટીના જેસન લસ્ક અને ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટીના બેલે નૉરવુડના અધ્યયનથી જાણવા મળે છે કે આવા લોકો ઘોષિત માંસાહારીઓ અને શુદ્ધ શાકાહારીઓ કરતાં વધારે ખર્ચ કરે છે, ભલે તેમનો પરિવાર ગમે તે આવક વર્ગમાં હોય.

વધુ એક પેચ એ છે કે જો શાકાહારી ઉપભોક્તા ઑર્ગેનિક ઉત્પાદનો ખરીદે છે તો તે પરંપરાગત માંસાહાર કરનારા ઉપભોક્તાઓ કરતાં વધારે ખર્ચ કરશે. સંવર્ધિત આહાર પણ મોંઘા થઈ શકે છે.

એલેના સ્ટેપકો બે વર્ષથી શુદ્ધ શાકાહારી છે. તેમના માટે તેને અપનાવવું ખર્ચાળ છે અને તેમાં સમય પણ લાગે છે.

ખાવા-પીવાની ચીજો ખરીદવા માટે એલેનાને શાકાહારી ઉત્પાદનો વેચતી સુપરમાર્કેટ સુધી જવું પડે છે, જેની સંખ્યા મેલબર્નમાં ખૂબ ઓછી છે.

"ઘણી વખત ડબ્બામાં બંધ શાકાહારી ઉત્પાદનો માંસાહારી ઉત્પાદનોના બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા ભાવે મળે છે. નાની વસ્તુઓ જેમ કે માખણવાળા ચા બિસ્કિટ બે ડૉલરના હોય છે, પરંતુ તેનું શુદ્ધ શાકાહારી સંસ્કરણ 6 ડૉલરમાં મળે છે."

સ્ટેપકો પ્રમાણે માંસયુક્ત ખાદ્ય ઉત્પાદનોના શાકાહારી સંસ્કરણ શોધ્યા કે ડબ્બામાં બંધ ઉત્પાદનો ખરીદવાના બદલે જો સામાન્ય શાક અને તેની કરીને અપનાવવામાં આવે તો તે સસ્તું પડશે. પરંતુ તે બધાને પસંદ પડી શકે તેમ નથી.

line

બચત ક્યાં વાપરશો

ફળાહાર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રાબ્સ કહે છે કે પશુ ઉત્પાદનોને છોડવાના કેટલાક મામલે થોડા પૈસા બચી શકે છે પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખતા લોકોએ વિચારવું પડશે કે બચેલા પૈસા ક્યાં ખર્ચાઈ રહ્યા છે.

"જો તમારી આવકમાં એક ડૉલર જોડાઈ જાય તો તમે તે પૈસાને ક્યાં ખર્ચ કરશો?"

જો તમારો જવાબ કાર્બન ઉત્સર્જન વધારનારા પ્લેનની ટિકિટ કે કાર ખરીદવાનો છે તો માત્ર શાકાહારી બની જવાથી તમારું વ્યક્તિગત કાર્બન ઉત્સર્જન ઓછું થવાનું નથી.

ગ્રાબ્સે સ્વીડનના ઉપભોક્તાઓ પર કરેલા અધ્યયનમાં જાણ્યું કે જો લોકો શાકાહારી બની જાય પરંતુ બીજી આદતો પહેલાં જેવી જ રાખે તો તેઓ 16 ટકા ઓછી ઊર્જા ખર્ચશે અને ગ્રીન હાઉસ ગૅસોનું ઉત્સર્જન 20 ટકા ઓછું કરશે. પરંતુ જો તેઓ બચાયેલા પૈસાને પૈસાદારોની જેમ ખર્ચશે તો ઊર્જાની કોઈ બચત થશે નહીં અને ગ્રીન હાઉસ ગૅસોનું ઉત્સર્જન માત્ર 2 ટકા જ ઘટશે.

"વપરાશની રીતમાં બદલાવથી કાર્બન ઉત્સર્જન પર પ્રભાવ પડે છે. પરંતુ વાત માત્ર એટલી જ નથી. કોઈની જીવનશૈલીમાં મોટા પાસાંને જોવું મહત્ત્વપૂર્ણ છે."

માંસાહાર છોડીને શાકાહાર અપનાવવા વિશે ગ્રાબ્સ કહે છે, "આ સારો વિચાર છે, પરંતુ આ પૂર્ણ વ્યૂહરચના ન હોવી જોઈએ."

ઓછું માંસ ખાવાથી દેશની અર્થવ્યવસ્થા પર શું પ્રભાવ પડશે, જેમ કે સ્વાસ્થ્ય સેવાઓ પર? રેડ મીટ ઓછું ખાવાથી અને ફળ-શાકભાજી વધારે ખાવાથી હૃદય રોગ, કૅન્સર અને અન્ય બીમારીઓથી થતાં મૃત્યુ ઓછા થશે. જાડા લોકોની સંખ્યા પણ ઘટશે.

રિચર્ડ બકલે કહે છે કે આપણે 80ના દાયકાથી આગળ વધ્યા છીએ. તેમના નાનપણમાં બાલ કલ્યાણનો પક્ષ લેનારા લોકોએ તેમનાં માતાપિતાને કહ્યું હતું કે બાળકને શાકાહારી ભોજન ખવડાવવું તેના ઉત્પીડન સમાન છે અને તેનો વિકાસ રોકાઈ જશે. બકલે 6 ફીટથી વધારે લાંબા છે અને તેમનું વજન 100 કિલો કરતાં વધારે છે.

પીએનએએસમાં 2016ના એક અધ્યયનમાં સ્પ્રિંગમૅન અને તેમના સહયોગીઓએ ગણના કરી હતી કે ખાનપાનમાં પરિવર્તનથી દુનિયાભરમાં શું અસર પડશે.

કેટલાક દેશોમાં લોકો વધારે શાકભાજી ખાવા લાગશે. કેટલાક અન્ય દેશોમાં લોકો વધારે શાકભાજી ખાશે અને ઓછુ લાલ માંસ ખાશે.

સંશોધકોએ એ મૉડલ્સને જોયા જેમાં લોકો વર્તમાન આહાર માનકોને પૂર્ણ કરતાં માંસાહારથી શાકાહાર અને પછી પૂર્ણ શાકાહારમાં જતા રહ્યા.

line

બચત જ બચત

શાકાહાર

ઇમેજ સ્રોત, Getty Images

જો લોકો શાકાહાર અપનાવી લે અને દુનિયાનો આર્થિક નિકાસ વર્તમાન દરે જ ચાલતો રહે તો 2050 સુધી વૈશ્વિક મૃત્યુદર 6થી 10 ટકા ઘટી જશે.

સ્વાસ્થ્યસેવાઓ પર થતા ખર્ચમાં 28 હજાર અબજ ડૉલરની બચત થશે. ઉત્પાદકતમાં થતો ઘટાડો 30 હજાર અબજ ડૉલર સુધી ઓછો થશે. આ અંદાજિત વૈશ્વિક જીડીપીનો 12થી 13 ટકા છે.

અડધી કરતાં વધારે બચત વિકસિત દેશોમાં થશે. જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ મોંઘી છે. આશંકિત મૃત્યુમાં અડધા કરતાં વધારે કમી વિકાસશીલ દેશોમાં થશે.

સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે આ મૉડલ વિચારોના પ્રયોગની જેમ છે જે દેખાડે છે કે શું-શું શક્ય થઈ શકે છે.

આપણે હાલ જરૂરિયાત પ્રમાણે શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરી રહ્યા નથી. સ્પ્રિંગમૅનનું અનુમાન છે કે ફળ અને શાકભાજીની લઘુત્તમ જરૂરિયાતોને પૂરી કરવા માટે 2050 સુધી તેનું ઉત્પાદન 50 ટકા વધારવું પડશે.

જો ઉપભોક્તા માંસ-યુક્ત આહારને છોડી દે છે તો ઉત્પાદનની અર્થવ્યવસ્થા મોટાપાયે બદલી જશે. સ્પ્રિંગમૅનનું અનુમાન છે કે ફળ અને શાકભાજીના ક્ષેત્રમાં વધારે રોજગારી મળી શકે છે. પરંતુ રોજગાર મોસમી હશે.

માંસ ઉત્પાદક ખેડૂતો માટે શાકાહાર વધવું એ એક મોટા ઘા સમાન હશે. જેસન લસ્ક કહે છે, "પશુ પ્રોટીન મૂલ્ય વર્ધિત ઉત્પાદ છે. ઉત્પાદક ઘાસ ચારા જેવા અપેક્ષાકૃત ઓછાં ખર્ચવાળાં ઉત્પાદકોને માંસમાં બદલે છે, જેને તેઓ વધુ કિંમતે વેચે છે."

સ્વીડનમાં ભોજનના પર્યાવરણ પર પ્રભાવનું અધ્યયન કરનારા એનિક કાર્લસન-કન્યામાં કહે છે કે માંસની માગ થોડી ઓછી હોવાથી ઉત્પાદકોની પ્રતિક્રિયા સારી રહી નથી.

"સ્વીડનમાં ખેડૂતોના સંગઠન તેને ખતરો સમજે છે. તેઓ આ વિશે વધારે વાત નથી કરતા પરંતુ તેઓ એવી જાહેરાતો બનાવી રહ્યા છે જેમાં માંસના વિકલ્પોને નકારાત્મક રૂપે દર્શાવવામાં આવી રહ્યા છે."

સ્વીડનમાં જરૂરિયાતના માંસનો અડધો ભાગ આયાત કરવામાં આવે છે, એટલે વપરાશ ઘટવાની ઘરેલુ ઉત્પાદકો પર અસર પડે જ, તે જરૂરી નથી.

તેઓ એ પણ જણાવે છે કે માંસના વિકલ્પો અને બીન્સના લોટથી બનેલા પાસ્તા જેવા ઉચ્ચ પ્રોટીનવાળા નવા ખાદ્યપદાર્થોનો ઉદ્યોગ વધી રહ્યો છે.

"હું તેને સ્વીડનના ખેડૂતો માટે એક અવસર રૂપે જોઉં છું કે તેઓ નવા ઉત્પાદોનું ઉત્પાદન કરે."

ઉદાહરણ તરીકે, સ્વીડિશ ઓટ્સથી બનતું વીગન દૂધ, જેને ઓટલી નામની કંપની બનાવે છે તે ન માત્ર સ્થાનિક બજારોમાં પણ વિદેશમાં પણ વેચાય છે.

વસ્તુઓ આજે જેવી છે, તેવી હંમેશાં રહી શકતી નથી. ખેતી અને પશુપાલનમાં ગ્રીન હાઉસ ગૅસોનું એક તૃતિયાંશ ઉત્સર્જન થાય છે. ચીન જેવા દેશોમાં માંસની ખપત વધવાથી તેના વધારે વધવાની આશંકા છે.

કાર્સન કન્યામા કહે છે કે વસ્તુઓ બદલાવા લાગી છે. બકલેની જેમ તેઓ પણ અનુભવે છે કે લોકોના દૃષ્ટિકોણ બદલાઈ રહ્યા છે.

તેઓ કહે છે, "90ના દાયકા દરમિયાન જ્યારે હું પોતાનાં સંશોધન વિશે વાત કરતી હતી તો કેટલાક લોકો ચિડાઈ જતા હતા. તેઓ મારાથી ગુસ્સે થઈ જતા હતા. મને ખિજાતા હતા. પરંતુ આજે તેવું કોઈ કરતું નથી."

"એ વાતના ઘણા પુરાવા છે કે પશુમાંથી પ્રાપ્ત થતું પ્રોટીન ઓછું ખાવાથી ન માત્ર આપણે પર્યાવરણને બચાવી રહ્યા છીએ, પરંતુ પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારી રહ્યાં છીએ. મને લાગે છે કે આપણે ઘણા આગળ વધ્યા છીએ."

કાર્લસન-કન્યામાં કહે છે, "આ માંસ અને ડેરી ઉત્પાદનો માટે પડકાર છે. પરંતુ ધરતી માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે તેના પર વિચાર થવો જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન