'હવે માત્ર એક ટંકનું ખાવાનું મળે છે' પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી બેહાલ ગરીબ

મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તનવીર મલિક
    • પદ, પત્રકાર, કરાચી
લાઇન
  • પાકિસ્તાનમાં મોંધવારી પરાકાષ્ઠાએ, 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં મોંઘવારી દર 21 ટકા કરતાં વધી ગયો હતો
  • વીજળી, ગૅસ અને વ્યાજદરોમાં વધારાથી તેમના વેપારમાં ખર્ચ ખૂબ વધી ગયો છે
  • પાકિસ્તાન ઊર્જા અને ખાદ્ય જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, જે ડૉલર મોંઘો થતાં વધુ મોંઘા થશે
  • ડુંગળીની કિંમતોમાં 124 ટકા, ખાદ્યતેલની કિંમતોમાં 70 ટકા, ચિકનની કિંમતોમાં 47 ટકા, ઘઉંની કિંમતોમાં 31 ટકા અને દૂધની કિંમતોમાં 21 ટકાની વૃદ્ધિ થઈ છે
  • તેલ ઉત્પાદનોની કિંમતમાં 96 ટકા અને વીજળીની કિંમતમાં 34 ટકાની વૃદ્ધિ થઈ
લાઇન

"હવે અમે માત્ર એક ટંક ખાઈએ છીએ. મોંઘવારીના કારણે હવે બે ટંકનું ભોજન મળવું શક્ય નથી."

"શું કરીએ, મજબૂરી છે. મન તો થાય છે કે બંને ટંકનું ભોજન બનાવીએ અથવા એક સમયે જ એટલું જમવાનું બનાવી લઈએ કે બંને ટંક જમી શકીએ, પરંતુ હવે ખિસ્સાને પરવડતું નથી."

આ શબ્દો છે કરાચીના દાઉદ ગોઠ વિસ્તારમાં રહેતાં રઝિયાનાં, જેઓ ઘરોમાં સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે.

50 વર્ષીય રઝિયા મહિનાના 10થી 12 હજાર રૂપિયા કમાય છે. તેમની ચાર દીકરીઓ છે અને બે દીકરા સહિત કુલ છ બાળકો છે. પાંચ વર્ષ પહેલાં જ તેમના પતિનું મૃત્યુ થયું હતું.

બીબીસીએ જ્યારે રઝિયાને જીવનનિર્વાહ વિશે પૂછ્યું તો તેમણે દુઃખદ અવાજમાં કહ્યું, "શું જીવન. હવે તો ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે."

રઝિયાએ જણાવ્યું કે જે ઘરોમાં તેઓ કામ કરે છે, ક્યારેક ક્યારેક ત્યાંથી બચેલું ભોજન મળી જાય છે, પણ રોજ મળતું નથી.

રઝિયાએ જણાવ્યું કે છ બાળકો માટે તેમની કમાણીમાંથી હવે માત્ર એક જ ટંકનું ભોજન બની શકે છે.

તેમનું કહેવું છે કે દૂધ હવે એટલું મોંઘું થઈ ગયું છે કે સવારે દૂધની ચા પીવાનું છોડી દીધું છે અને હવે તેઓ સુલેમાની ચા (દૂધ વગરની ચા) બનાવીને બાળકોને પીવડાવે છે.

વીડિયો કૅપ્શન, અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીને અમેરિકાએ કાબુલમાં માર્યો

જમવાના ખર્ચ સિવાય વીજળીનું બીલ ભરવું તેમની સૌથી મોટી સમસ્યા છે. તેઓ જણાવે છે કે મારું બિલ 2500 રૂપિયા આવ્યું છે.

"10-12 હજારમાંથી 2500 રૂપિયા વીજળીના બિલ પર ખર્ચાઈ જાય છે, બાકી બચેલા પૈસાથી અમારે આખો મહિનો અમારું અને છ બાળકોનું પેટ ભરવાનું છે."

રઝિયા એકલાં નથી. તેમનાં કરતાં વધારે કમાવનારા લોકો પણ આ જ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળે છે.

રાહીલ બટ એક મધ્યવર્ગીય નોકરિયાત વ્યક્તિ છે. તેમનાં પત્ની પણ નોકરી કરે છે. રાહીલ પણ વધતી મોંઘવારીથી પરેશાન છે. તેમણે બીબીસીને જણાવ્યું કે પહેલાં તેઓ નોકરીએ જવા માટે કારનો ઉપયોગ કરતા હતા.

પેટ્રોલની કિંમતોમાં થયેલા વધારાના કારણે હવે તેઓ બાઇક પર જાય છે અને ઑફિસ તરફથી આપવામાં આવેલી છૂટના કારણે તેઓ અઠવાડિયામાં એક-બે દિવસ ઘરેથી જ કામ કરી લે છે.

રાહીલનું કહેવું છે કે "મોંઘવારીના પગલે પરિવારના નાનાં-નાનાં સપનાં પણ પૂરા કરવા શક્ય નથી." તેઓ પોતાનાં પત્ની અને બે બાળકો સાથે મહિનામાં એક વખત બહાર ફરવા જતા અને જમતા હતા પરંતુ હવે બે-ત્રણ મહિનાથી તે બંધ છે. તેઓ કહે છે કે ઘરનો ખર્ચ અને મકાનનું ભાડું જ માંડ-માંડ આપી શકાય તેમ છે.

નદીમ મેમણ કરાચીમાં વેપાર કરે છે અને એક કારખાનાના માલિક છે. તેઓ પણ વધતી મોંઘવારીના કારણે ચિંતામાં છે.

જોકે, તેમની સમસ્યા એ છે કે વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે, જેના કારણે તેમની આવક પણ પ્રભાવિત થઈ રહી છે. તેમણે કહ્યું, "વીજળીના બિલની સાથે બૅન્કો તરફથી માર્ક-અપમાં વૃદ્ધિ થઈ છે, તેના સિવાય અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે મજૂરો પણ વધારે વેતનની માગ કરવા લાગ્યા છે."

આ બધાં કારણોસર તેમનો વ્યવસાયિક ખર્ચ વધી રહ્યો છે જ્યારે બીજી બાજુ બજારની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે. આ રીતે 'વધારે મોંઘી વસ્તુઓને કેવી રીતે વેચી શકાશે.'

રઝિયા, રાહીલ બટ અને નદીમ મેમણ પાકિસ્તાનના ગરીબ, મધ્યમ અને પૈસાદાર વર્ગ સાથે સંબંધ ધરાવતા ત્રણ લોકો છે, જેઓ દેશમાં મોંઘવારીની લહેરથી એક સમાન રીતે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.

line

પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી વધી?

મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં મોંઘવારી કેટલી વધી છે, તેનો સંકેત સરકારી આંકડા પણ આપે છે. સરકારી આંકડા પ્રમાણે 30 જૂન 2022ના રોજ પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં મોંઘવારીનો દર 21 ટકા કરતાં વધી ગયો હતો, જેના વિશે નિષ્ણાતોનું અનુમાન છે કે તેમાં હજુ પણ વધારો થઈ શકે છે.

આ વૃદ્ધિનું કારણ ડૉલરની કિંમતોમાં વૃદ્ધિની સાથે-સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આવેલી વૃદ્ધિ પણ છે, જેનો નકારાત્મક પ્રભાવ આગામી દિવસોમાં વધારે જોવા મળશે. પાકિસ્તાન ઊર્જા અને ખાદ્ય જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે, જે ડૉલર મોંઘો થતાં વધુ મોંઘું થશે.

line

જનતાના મતે મોંઘવારી માટે જવાબદાર કોણ?

ડૉ. હાફીઝ પાશાનું કહેવું છે કે લોકોની આવક વધવાને કારણે કિંમતો બમણી થઈ ગઈ છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ડૉ. હાફીઝ પાશાનું કહેવું છે કે લોકોની આવક વધવાને કારણે કિંમતો બમણી થઈ ગઈ છે

રઝિયાના કહેવા પ્રમાણે બે-ત્રણ મહિના પહેલાં સુધી તેમને ઓછામાં ઓછું દિવસનું બે ટંકનું ભોજન તો મળી રહેતું હતું, પણ હવે બે ટંકનું ભોજન મળવું અઘરું બની ગયું છે. તેમના કહેવા પ્રમાણે આ મોંઘવારી માટે વર્તમાન સરકાર જવાબદાર છે.

રાહીલ બટ પણ એવું જ કંઈક માને છે. તેમનું કહેવું છે કે "તહરીક-એ-ઇન્સાફ"ની સરકાર દરમિયાન પણ મોંઘવારી હતી, પરંતુ વર્તમાન સરકારે મોંઘવારીના બધા જ રેકૉર્ડ તોડી નાખ્યા છે.

નદીમ મેમણ પણ વર્તમાન સરકારથી નાખુશ છે. તેમના કહેવા પ્રમાણે, વીજળી, ગૅસ અને વ્યાજદરોમાં વધારાથી તેમના વેપારમાં ખર્ચ ખૂબ વધી ગયો છે.

પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રી ડૉક્ટર હફીઝ પાશાએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે મોંઘવારીનું એક કારણ વૈશ્વિક પરિસ્થિતિ છે, જેમાં દુનિયામાં તેલ, ગૅસ, કૉમોડિટીની કિંમતોમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે, "વર્તમાન સરકાર પણ દોષી છે, પરંતુ છેલ્લી તહરીક-એ-ઇન્સાફ સરકાર થોડી વધારે દોષિત છે કેમ કે જ્યારે દુનિયામાં કિંમતો વધી રહી ન હતી, ત્યારે પણ પાકિસ્તાનમાં જૂની સરકારના કાર્યકાળમાં કિંમતો વધી રહી હતી."

અર્થશાસ્ત્રી અમ્માર ખાને મોંઘવારી માટે વૈશ્વિક સ્થિતિને જવાબદાર ગણાવી છે. તેમનું કહેવું છે કે જ્યારે દુનિયામાં તેલ અને ગૅસ અને અન્ય વસ્તુઓની કિંમતો ટોચ પર પહોંચી ગઈ, તો પાકિસ્તાનમાં પણ તેમની અસર તો પડવાની જ હતી.

line

મોંઘવારી વધવાની ગતિ કેવી રહી?

મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિ પરેશાનીનો સામનો કરી રહ્યો છે, તેનું મોટું કારણ તેલના ઉત્પાદનોની કિંમતોમાં વૃદ્ધિની સાથે-સાથે ખાદ્ય પદાર્થોમાં થતી વૃદ્ધિ પણ સામેલ છે.

તહરીક-એ-ઇન્સાફ સરકારના પહેલા નાણાંકીય વર્ષના અંતમાં એટલે કે જૂન 2019માં મોંઘવારીનો કુલ દર આઠ ટકા હતો જ્યારે ખાદ્યપદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ 8.1 ટકા હતી.

તેના આગામી વર્ષના અંત એટલે કે જૂન 2020માં મોંઘવારી દર કુલ 8.6 ટકા અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો 14.6 ટકા રહ્યો હતો.

જૂન 2021ના અંતમાં મોંઘવારીનો કુલ દર 9.7 ટકા હતો, પરંતુ ખાદ્યપદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ 10.5 ટકા હતી.

એપ્રિલની શરૂઆતમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની સરકાર હઠી ગઈ તેના પહેલાં મોંઘવારી દરના આંકડા પર નજર નાખીએ તો ગત નાણાંકીય વર્ષના પહેલા નવ મહિનામાં એટલે જુલાઈથી માર્ચ દરમિયાન મોંઘવારી દર 10.77 ટકા હતો અને માત્ર માર્ચ મહિનામાં તે 13 ટકા હતો.

તેનાથી ગત વર્ષના આ જ નવ મહિનામાં ખાદ્યપદાર્થોની કિંમતોના આંકડા પ્રમાણે ખાદ્યતેલની કિંમતોમાં 48 ટકા, શાકભાજીમાં 35 ટકા, દાળની કિંમતમાં સરેરાશ 38 ટકા, ચિકનની કિંમતોમાં આશરે 20 ટકા અને માંસની કિંમતોમાં 23 ટકા વૃદ્ધિ થઈ. બીજી તરફ, તેલના ઉત્પાદનોની કિંમતોમાં 37 ટકા વૃદ્ધિ જોવા મળી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતૃત્વવાળી ગઠબંધન સરકારના પહેલા મહિનામાં એટલે કે એપ્રિલમાં મોંઘવારીનો દર 13.37 ટકા નોંધાયો હતો, જે મે મહિનામાં વધીને 13.76 ટકા થઈ ગયો, જ્યારે જૂનમાં મોંઘવારીનો દર 21.32 ટકા સુધી પહોંચી ગયો હતો.

વીડિયો કૅપ્શન, એવું સ્કેટિંગ કર્યું કે ગીનિસ બૂક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરાવી લીધું

ખાદ્યપદાર્થોના આંકડાથી જાણવા મળે છે કે ડુંગળીની કિંમતોમાં 124 ટકા, ખાદ્યતેલની કિંમતોમાં 70 ટકા, ચિકનની કિંમતોમાં 47 ટકા, ઘઉંની કિંમતોમાં 31 ટકા અને દૂધની કિંમતોમાં 21 ટકાની વૃદ્ધિ થઈ છે.

બીજી બાજુ, તેલ ઉત્પાદનોની કિંમતમાં 96 ટકા અને વીજળીની કિંમતમાં 34 ટકાની વૃદ્ધિ થઈ.

આ અંગે ડૉક્ટર હફીઝ પાશાએ કહ્યું કે નાણાકીય વર્ષના અંતમાં મોંઘવારીનો દર 21 ટકાથી વધારે થવાની શક્યતા છે અને જો આપણે પાકિસ્તાનના ઇતિહાસ પર નજર નાખીએ તો આ પ્રકારનો ઉચ્ચ દર 2008 અને 1974માં નોંધાયો હતો.

તેમણે કહ્યું કે, "જો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાડા ત્રણ વર્ષ અને વર્તમાન સરકારના આશરે 4 મહિનાને મેળવીને ચાર વર્ષમાં મોંઘવારી દર પર નજર કરીએ તો ખાવા-પીવાની વસ્તુઓના ભાવ 55 ટકા સુધી વધી ગયા છે."

દરમિયાન પ્લમ્બર, મિસ્ત્રી, મજૂર, ઇલેક્ટ્રિશિયન, ટેકનિશિયન, મૅકેનિક વગેરેની આવકમાં 24-27 ટકા વૃદ્ધિ થઈ છે, જેનો મતલબ છે કે લોકોની આવકમાં જેટલી વૃદ્ધિ થઈ છે, કિંમતોમાં તેના કરતાં બમણી વૃદ્ધિ થઈ છે.

line

મોંઘવારી વધવાનું કારણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય?

મોંઘવારી

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર હફીઝ પાશાએ પાકિસ્તાનમાં મોંઘવારી વધવા માટે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને જવાબદાર ઠેરવી છે.

તેમણે કહ્યું કે દુનિયામાં તેલ અને અન્ય વસ્તુઓની કિંમતો વધી છે અને પાકિસ્તાન પોતાની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે.

તેમણે કહ્યું કે કાચું તેલ 130 ડૉલર પ્રતિ બેરલના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું. આ જ રીતે પામ ઑઇલ, દવાઓ, ખાવા-પીવાની વસ્તુઓના ભાવ પણ વધ્યા છે.

"તેવામાં પાકિસ્તાનમાં પણ કિંમતોની અસર થવાની હતી, જે થયું પણ અને તેના કારણે સામાન્ય જનતા મોંઘવારીની ઘંટીમાં પિસાઈ ગઈ."

જોકે, તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં શાસનની કમજોરીઓએ પણ કિંમતોમાં વૃદ્ધિ કરી, કેમ કે "પ્રાઇસ કન્ટ્રોલ સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ છે. અને ગેરકાયદેસર નફાખોરીને રોકવા માટે સ્થાનિક સ્તરે કોઈ પ્રાઇસ કન્ટ્રોલ સિસ્ટમ નથી."

તેમણે કહ્યું કે છેલ્લી ચાર-પાંચ સરકારોમાં કિંમતોને નિયંત્રણમાં મૂકવાની સિસ્ટમ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. "આ પહેલાં સ્થાનિક સ્તર પર કેટલીક હદ સુધી કિંમતો પર નજર રાખવામાં આવતી હતી."

અમ્માર ખાને આંતરરાષ્ટ્રીય કિંમતો સિવાય, સ્થાનિક સ્તરે રૂપિયાના અવમૂલ્યનને પણ મોંઘવારીનું મુખ્ય કારણ જણાવ્યું, જેના કારણે પાકિસ્તાનમાં તેલ ઉત્પાદનો અને અન્ય ચીજ વસ્તુઓની આયાત મોંઘી થઈ ગઈ અને તેનો બોજ સ્થાનિક ઉપભોક્તાઓએ ઉઠાવવો પડ્યો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન