મતદાનકેન્દ્ર કેવી રીતે પસંદ કરાય છે, શું હોય છે મતદાનની પ્રક્રિયા?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં મતદાનનો દિવસ મહત્ત્વનો હોય છે.

એ દિવસે જનતા પોતાની પસંદગીના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કેન્દ્રે જઈને મતાધિકારનો ઉપયગ કરે છે.

આખરે આ મતદાનકેન્દ્ર કેવી રીતે બનાવાય છે અને તેની સાથે જોડાયેલી વિભિન્ન પ્રક્રિયાઓ શું છે. ચાલો જાણીએ.

મતદાનકેન્દ્ર શું છે?

પોલિંગ સ્ટેશન કે મતદાનકેન્દ્ર એ એવી ઇમારત કે પ્રાંગણ હોય છે, જ્યાં મતદાન કરવાની સુવિધા હોય છે. એક પોલિંગ સ્ટેશનમાં ઘણાં પોલિંગ બૂથ હોઈ શકે છે.

પોલિંગ બૂથ એટલે એ જગ્યા જ્યાં મતદારો પોતાનો મત આપે છે.

એક રૂમની અંદર નાનકડો કૉર્નર હોય છે. જ્યાં એક ટેબલ પર ઇવીએમ મશીન કે બૅલટપેપર દ્વારા મતદાર પોતાનો મત આપે છે.

તેને ત્રણ બાજુથી ઢાંકી રખાય છે.

મતદાનકેન્દ્ર વોટરોના ઘરથી મહત્તમ કેટલું દૂર હોઈ શકે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

1951ના જનપ્રતિનિધિત્વ કાયદામાં પોલિંગ સ્ટેશન અંગે જોગવાઈ નક્કી કરાઈ છે. ચૂંટણીપંચ પણ વસતિમાં બદલાવ થાય તો સમયાંતરે નવાં દિશાનિર્દેશ જાહેર કરે છે.

2020માં બનેલા નિયમો અનુસાર 1,500 કરતાં વધુ મતદારો પર એક પોલિંગ સ્ટેશન હોવું જોઈએ.

તેમજ પોલિંગ બૂથ પર એક હજાર કરતાં વધુ મતદાર ન હોવા જોઈએ.

મતદાનકેન્દ્ર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રખાય છે કે કોઈ પણ ચૂંટણીક્ષેત્રમાં મતદારને મતદાન કરવા માટે ઘરથી બે કિલોમીટર દૂર ન જવું પડે.

આ જ કારણે દિલ્હી, મુંબઈ જેવાં મહાનગર હોય કે ગાઢ વસતિવાળા વિસ્તાર, ત્યાં પોલિંગ સ્ટેશન ભારે સંખ્યામાં જોવા મળે છે.

દૂરના વિસ્તારોમાં પોલિંગ સ્ટેશનની સંખ્યા ઓછી હોય છે.

મતદાનકેન્દ્ર કેવી રીતે નક્કી કરાય છે?

મતદાનકેન્દ્ર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

સામાન્યપણે એ સરકારી કે અર્ધસરકારી ઑફિસોની ઇમારત હોય છે. આ ઇમારતોની પસંદગી સુરક્ષાને ધ્યાને રાખીને કરાય છે.

સ્કૂલ અને કૉલેજની ઇમારતોમાં ખુરશી-ટેબલની સુવિધાઓ અગાઉથી જ હોવાને કારણે ત્યાં પોલિંગ બૂથ સરળતાથી બનાવી શકાય છે.

ઘણી વાર ગ્રામીણ સમુદાયિક ભવન, પંચાયતભવન કે હૉલનો ઉપયોગ પણ પોલિંગ સ્ટેશન બનાવવા કરાય છે.

નિયમો પ્રમાણે પોલીસ સ્ટેશન, હૉસ્પિટલ, મંદિર અને અન્ય ધાર્મિક જગ્યાઓએ પોલિંગ સ્ટેશન ન બનાવી શકાય.

પોલિંગ સ્ટેશનથી 200 મીટરના અંતરે કોઈ રાજકીય દલની ઑફિસ કે અસ્થાયી કાર્યાલય ન હોવાં જોઈએ.

સરકારી ઇમારત ન હોય તો પોલિંગ સ્ટેશન ખાનગી બિલ્ડિંગ કે કામચલાઉ સ્ટેશન તૈયાર કરી શકાય છે, પરંતુ સામાન્યપણે આવું કરવાનું ટાળવામાં આવે છે.

વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની સુવિધા માટે મતદાનકેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવાં જોઈએ. આવા મતદારો માટે અહીં રૅમ્પની વ્યવસ્થા પણ અનિવાર્ય કરાઈ છે.

મતદાનકેન્દ્રની ઇમારતનો નિર્ણય કોણ કરે છે

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પોલિંગ સ્ટેશન અંગેનો નિર્ણય સામાન્યપણે જિલ્લા મૅજિસ્ટ્રેટ કે જિલ્લાધિકારી કરે છે. જિલ્લાધિકારી જ જિલ્લા ચૂંટણીઅધિકારી પણ હોય છે.

જોકે, આ માટે ચૂંટણીપંચની મંજૂરી લેવી ફરજિયાત છે. જો આવું ન થાય તો આવા સ્થળે થયેલા મતદાનને માન્ય નહીં મનાય.

ઘણી વાર જંગલો અને પહાડો પર પોલિંગ સ્ટેશન બનાવાય છે, જેથી ત્યાં રહેનારા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકાય.

ચૂંટણી કરાવવા માટે અધિકારીઓને દૂરના વિસ્તારો સુધી પહોંચવાનું હોય છે. આ વિસ્તારોમાં જતા પહેલાં ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ઘણી તૈયારી કરવાની હોય છે.

કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને તો ચૂંટણીના દિવસ કરતાં ઘણા દિવસ પહેલાં જ મતદાનકેન્દ્ર સુધી પહોંચવાનું હોય છે.

ભારતમાં ચૂંટણી કરાવવા માટે એક પંચ તો છે, પરંતુ ચૂંટણી કરાવવા માટે તેની પાસે કર્મચારી નથી. આ માટે ચૂંટણીપંચ કેન્દ્ર અને રાજ્યની સરકારો પર આધારિત હોય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનોને ચૂંટણીની ડ્યૂટી પર તહેનાત કરાય છે.

પોલિંગ બૂથ કે મતદાનકેન્દ્રને કેવી રીતે શોધવું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઘણી વાર મતદારને એ નથી ખબર હોતી કે તેનું મતદાનકેન્દ્ર ક્યાં છે. મતદાનકેન્દ્રનો પત્તો જાણવાની ત્રણ મુખ્ય રીતો છે.

જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તેઓ પ્લેસ્ટોરથી વોટર હેલ્પલાઇન ઍપ ડાઉનલોડ કરી શકે છે. આ ઍપમાં Know your polling Station સૅક્શનમાં પોતાનું વિવરણ નોંધાવીને તમે તમારા મતદાનકેન્દ્રનું સરનામું જાણી શકો છો.

ચૂંટણીપંચની વેબસાઇટ પર પણ તમે તમારું મતદાનકેન્દ્ર શોધી શકો છો. વેબસાઇટ પર તમે ત્રણ પ્રકારે પોતાનું મતદાનકેન્દ્ર શોધી શકો છો.

  • પોતાનું વિવરણ આપીને.
  • મતદારઓળખપત્ર પર આપેલા ઇપીઆઇસી નંબર દ્વારા.
  • પોતાના મોબાઇલ નંબરને આધારે.

મતદાનકેન્દ્રનો પત્તો મેળવવાની વધુ એક રીત છે – મતદાન પહેલાં બીએલઓ દ્વારા અપાતી મતદાર પર્ચી.

તેના પર મતદારની જાણકારીની સાથોસાથ મતદાનકેન્દ્ર અને બૂથનંબર સુધીની સંપૂર્ણ જાણકારી અપાય છે.

આ મતદાર પર્ચી થકી તમે તમારા મતદાનકેન્દ્રનું સરનામું જાણી શકો છો.

દેશમાં કેટલાં મતદાનકેન્દ્ર છે અને પોલિંગ બૂથ ક્યારે શરૂ થાય છે?

ચૂંટણીપંચ પ્રમાણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 10.37 લાખ કરતાં વધુ મતદાનકેન્દ્ર બનાવાયાં હતાં.

મતદાનકેન્દ્ર મતદારો માટે સવારે સાત વાગ્યે ખોલી દેવાય છે. મતદાન સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી થાય છે.

મતદાનનો સમય ખતમ થાય ત્યારે જેટલા પણ લોકો લાઇનમાં લાગેલા હોય છે, એ તમામને મતદાનની તક અપાય છે.

પછી ભલે તેમાં ગમે તેટલો સમય લાગે. જ્યાં સુધી કતારનો અંતિમ મતદાર મતદાન ન કરે ત્યાં સુધી બૂથ ખુલ્લું રહે છે.

બીએલઓની જવાબદારી શું હોય છે?

બૂથ લેવલ ઑફિસર કે બીએલઓ ચૂંટણી મશીનરીનો અત્યંત મહત્ત્વપૂર્ણ કર્મચારી હોય છે.

બીએલઓ ચૂંટણીપંચ અને મતદારો વચ્ચે પુલનું કામ કરે છે. એ ચૂંટણીપંચ માટે પાયાના સ્તર પર કામ કરનારો કર્મચારી છે.

તેમાં મતદારોની જાણકારી મેળવવી, તેનું વૅરિફિકેશન કરવું, મતદારયાદીમાં નામ સામેલ કરવા માટે મતદાર પાસેથી ફૉર્મ ભરાવવું, મતદારયાદી અંગેની આપત્તિઓની તપાસ કરવી. મતદાર ઓળખપત્રના વિતરણથી માંડીને મતદાર પર્ચીના વિતરણ સુધીનું કામ બીએલઓનું હોય છે.

ઇવીએમ અને વીવીપેટ

વીવીપેટ મશીન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, વીવીપેટ મશીન

ભારતમાં મોટા ભાગની ચૂંટણીઓ, ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમ મારફતે થાય છે. આ મશીનો બૅટરી વડે ચાલે છે. એટલે કે જ્યાં વીજળી ન હોય ત્યાં પણ આ મશીનો કામ કરે છે.

આ સાથે જ એક વોટ વેરિફાએબલ પેપર ઑડિટ ટ્રેલ એટલે કે વીવીપેટ ડિવાઇસ પણ જોડાયેલી હોય છે. આમાંથી મતદારોને મતદાનપ્રક્રિયા પૂરી થવાની અને અમુક મતદારે કયા ઉમેદવારને મત આપ્યો છે, તેની જાણકારી કન્ફર્મ કરનારી પર્ચી નીકળે છે.

આ પર્ચી પર મતદારોએ જે ઉમેદવારોને પોતાનો મત આપ્યો છે, તેનું નંબર, નામ અને ચૂંટણીચિહ્ન દેખાય છે. આ પર્ચીથ મતદાર પોતાના મતને વેરિફાય કે ક્રૉસ ચેક કરી શકે છે.

વીવીપેટ અમુક સેકન્ડ સુધી આ માહિતી તમને બતાવે છે. જે એક બૉક્સમાં જતી રહે છે.

મતદાર આ પર્ચી જોઈ શકે છે, પરંતુ એ પોતાની સાથે લઈ જઈ શકતા નથી, માત્ર ચૂંટણીઅધિકારી જ આ પર્ચી જોઈ શકે છે. આ પર્ચીનું સૌથી મોટી ભૂમિકા એ હોય છે કે જ્યારે મતગણતરીને લઈને વિવાદ થાય છે ત્યારે આ પર્ચીની મદદથી વોટોની સંખ્યા વેરિફાય કરાય છે.

રેડ લાઇન
રેડ લાઇન