ગુજરાત: વિપક્ષો ભાજપ સામે હવે શરણાગતિ સ્વીકારી ચૂક્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“હું આ ઐતિહાસિક પ્રસ્તાવને ગૃહમાં રજૂ કરતા ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. જ્યારે ગુજરાતના પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી ત્યારે ગુજરાતના લોકો ભાવુક થઈ ગયા હતા. ગુજરાતના લોકો માટે આ ગર્વની ક્ષણ હતી. જ્યારે સોમનાથથી અયોધ્યા જવા માટે અડવાણીજીના નેતૃત્ત્વમાં રથયાત્રા નીકળી હતી ત્યારે નરેન્દ્રભાઈ જ તેના સારથિ હતા.”
“આપણે એ યાદ રાખવુંજોઈએ કે ભાજપ જ પહેલો પક્ષ હતો જેણે રામજન્મભૂમિને મુક્ત કરાવવાનું બીડું ઝડપ્યું હતું. આપણે કારસેવકો અને બાલાસાહેબ દેવરસ, અશોક સિંઘલ અને વિષ્ણુહરિ દાલમિયા જેવા નેતાઓને ભૂલવા ન જોઈએ. સાથે જ એ યાદ રાખવું જોઈએ કે રામમંદિરનું નિર્માણ નરેન્દ્ર મોદીજીના અથાગ પ્રયાસોથી થયું છે.”
આ શબ્દો ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના છે. તેઓ રામમંદિરના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવા માટે ગુજરાત વિધાનસભામાં લાવવામાં આવેલા પ્રસ્તાવ વિશે બોલી રહ્યા હતા.
પરંતુ સીધી રીતે નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતાં આ પ્રસ્તાવનું મુખ્ય વિપક્ષી દળો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યું હતું.

ઇમેજ સ્રોત, ANI
આ પ્રસ્તાવ પસાર થયાના એક દિવસ બાદ જ ગુજરાત વિધાનસભામાં એક અન્ય પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતની શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવવા માટેના શિક્ષણવિભાગે લીધેલા નિર્ણયને સમર્થન આપવા માટેની વાત હતી.
આ પ્રસ્તાવને પણ આમ આદમી પાર્ટીએ તત્કાળ સમર્થન આપ્યું હતું અને વધાવ્યો હતો. જ્યારે કૉંગ્રેસે પહેલા વિરોધ કરીને અંતે તેનું સમર્થન કર્યું હતું.
એ પહેલાં જ્યારે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં કૉંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ નહીં જવાનો નિર્ણય લીધો ત્યારે અર્જુન મોઢવાડિયા સહિતના કૉંગ્રેસના ગુજરાતના નેતાઓએ તેનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
આવું જ કંઈક આમ આદમી પાર્ટી સાથે બન્યું હતું. યુનિફોર્મ સિવિલ કોડની વાતનું તેમના રાષ્ટ્રીય નેતાઓએ સમર્થન કર્યું હતું. પરંતુ ગુજરાતના સ્થાનિક આદિવાસી નેતાઓએ વિરોધ કરતા અને રાજીનામા આપતા આપે કહ્યું હતું કે આદિવાસીઓને યુનિફોર્મ સિવિલ કોડમાંથી બહાર રાખવા જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં વિપક્ષોની હાલની સ્થિતિ

ઇમેજ સ્રોત, SARTHAK BAGCHI/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના હાલના રાજકીય માહોલ તરફ નજર દોડાવીએ તો સંખ્યાબળની રીતે ગુજરાતમાં વિપક્ષ અત્યાર સુધીની સૌથી નબળી અને ખરાબ પરિસ્થિતિમાં છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 બેઠકોમાંથી કૉંગ્રેસને ફાળે માત્ર 17 અને આમ આદમી પાર્ટીને ફાળે પાંચ બેઠકો આવી હતી. જ્યારે ભાજપે અત્યાર સુધીનો સૌથી ભવ્ય વિજય મેળવતાં 156 બેઠકો જીતી હતી.
ચૂંટણી બાદ પણ આપના એક અને કૉંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષોનું સંખ્યાબળ ફરી ઘટી ગયું છે.
એ સિવાય ગુજરાતની તમામ સાત મહાનગરપાલિકાઓ અને તમામ 31 જિલ્લા પંચાયતોમાં અત્યારે ભાજપની સત્તા છે. કુલ 74 નગરપાલિકાઓ અને 196 તાલુકા પંચાયતોમાં અત્યારે ભાજપની સત્તા છે.
2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કૉંગ્રેસ એ હદે સમેટાઈ ગઈ હતી કે તેની પાસે માત્ર એક જ નગરપાલિકા અને 18 તાલુકા પંચાયતોમાં સત્તા બચી છે. નાના તાલુકાઓ અને ગામડાંઓમાં કાયમ મજબૂત ગણાતી કૉંગ્રેસનો ત્યાંથી પણ મહદંશે સફાયો થઈ ગયો છે.
આમ, પહેલેથી જ ગુજરાતના ચૂંટણીલક્ષી રાજકારણમાં આંકડાકીય રીતે વિપક્ષનું ધોવાણ થઈ ચૂક્યું છે
આવા સંજોગોમાં વિપક્ષો શાળામાં ભગવદ ગીતા ભણાવવાના અને રામમંદિર મુદ્દે વડા પ્રધાનને ધન્યવાદ આપવાના પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. તેમના નિર્ણયોથી તેમની વિચારધારા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. તેમના રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાના નેતાઓ વચ્ચે પણ તાલમેલ નથી તેવું પ્રતીત થાય છે. ગુજરાતમાં વિપક્ષોની આવી હાલત કઈ રીતે થઈ? તેની પાછળ કયાં કારણો જવાબદાર છે?
ગુજરાતમાં કૉંગ્રેસ સામે કેટલું મોટું સંકટ?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રૉફેસર સાર્થક બાગચીએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વિસ્તૃત વાતચીત કરી હતી. પ્રૉ. બાગચી ચૂંટણીલક્ષી રાજકારણ, પક્ષીય રાજકારણ, લાભનું રાજકારણ અને કમ્પેરેટિવ પૉલિટિક્સમાં સંશોધન કરે છે.
તેઓ કહે છે, “ગુજરાતમાં કૉંગ્રેસની હાલની પરિસ્થિતિનું અવલોકન કરીએ તો તેની સામે વિચારધારાનું સંકટ પણ છે અને સંગઠનના સ્તરે પણ મોટું સંકટ છે. સંગઠનની શક્તિ જાળવી રાખવા માટે વિચારધારા જરૂરી છે. એવું દેખાય છે કે કૉંગ્રેસ પોતાની પાર્ટી કૅડરમાં વિચારધારાની બાબતે સ્પષ્ટતા જાળવી શકતી નથી. મોટા નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધી સૌને એકજૂથ રાખવા માટે આ સ્પષ્ટતા જરૂરી છે.”
2017માં ગુજરાતમાં કૉંગ્રેસ પાટીદાર આંદોલન અને યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના બળે ફરીથી બેઠી થઈ હતી. તે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તાથી માત્ર વેંત છેટી રહી ગઈ હતી.
પરંતુ ચૂંટણી પછી પક્ષમાં આંતરિક ખેંચતાણ, સંઘર્ષો ફરી સપાટી પર આવવા લાગ્યા અને એક પછી એક નેતાઓ પાર્ટી છોડવા લાગ્યા.
પ્રૉ. બાગચી કહે છે, “2022 સુધીમાં કૉંગ્રેસના કહેવાતા મોટા નેતાઓને પણ એવું લાગવા માંડ્યું હતુ કે કૉંગ્રેસમાં તેમનું કોઈ ભવિષ્ય નથી. એટલે ગુજરાતમાં તેમના નેતાઓનો પક્ષ છોડવાનો સિલસિલો હજુપણ અટકતો નથી. આમ, ગુજરાતમાં કૉંગ્રેસ વૈચારિક સ્તરે, સંગઠનના સ્તરે અને નેતાગીરી કે ચહેરાની બાબતમાં એમ થ્રી-ડાઇમેન્શનલ સંકટમાંથી પસાર થઈ રહી છે.”
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા હાલની ઘટનાઓના સંદર્ભમાં કહે છે કે, “ભગવદ્ ગીતાને આપણે ધાર્મિક પુસ્તક તરીકે ન ગણીએ તો પણ તેની ગણના વિશ્વના શ્રેષ્ઠ તત્વચિંતનના પુસ્તકોમાં થાય છે. આપણે માની લઈએ કે કૉંગ્રેસ અને આપે તેને એ રીતે ટેકો આપ્યો હશે. વડા પ્રધાન મોદી ગુજરાતના છે, ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે અને આપણે તેનો વિરોધ ન કરવો જોઈએ. એમ સમજીને તેમણે ધન્યવાદ પ્રસ્તાવનું પણ સમર્થન કર્યું હશે.”
તેઓ કહે છે, “રાજકીય રીતે આ ઘટનાને જોઈએ તો કૉંગ્રેસના નેતૃત્વમાં, ચૂંટાયેલા નેતાઓમાં વિચારધારાની રીતે લૂણો લાગેલો જોવા મળે છે. પક્ષની વિચારધારાની બહાર જઇને પોતાના રાજકીય ગણિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોય તેવા અનેક પુરાવાઓ ભૂતકાળમાં જોવા મળ્યા છે. આ ઘટનાને પણ એ રીતે જ જોઈ શકાય.”
ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 1995માં ભાજપ પહેલીવાર પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યો હતો. ત્યારથી એટલે કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહ્યું છે. ત્યારથી ભાજપને દરેકવાર પૂર્ણ બહુમતી મળી છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરવાનો રેકૉર્ડ રહ્યો છે.
પરંતુ શું ભાજપના લાંબા શાસનને કારણે વિપક્ષ ગુજરાતમાં નબળો પડી ગયો છે? એ પ્રશ્નના જવાબમાં પ્રૉ. સાર્થક બાગચી કહે છે કે, આટલો લાંબો સમય વિપક્ષમાં રહેવાને કારણે કૉંગ્રેસની આવી પરિસ્થિતિ થઈ છે એવું કહેવું યોગ્ય નથી. તેના કરતાં કૉંગ્રેસના આંતરિક કારણો જ ગુજરાતમાં પક્ષની સ્થિતિ માટે જવાબદાર છે.
તેઓ કહે છે, “કૉંગ્રેસ ભલે ઉપરથી આપણને રાષ્ટ્રીય પક્ષ દેખાય, પરંતુ હકીકતમાં એવું નથી. દરેક રાજ્યોમાં કૉંગ્રેસની સ્થાનિક વર્કિંગ કમિટી એક પ્રાદેશિક પક્ષ તરીકે વર્તે છે. જેમકે મહારાષ્ટ્રમાં તેમની નેતાગીરીમાં દાયકાઓથી મરાઠા નેતાઓનું પ્રભુત્ત્વ રહ્યું છે તો ગુજરાતમાં તેમણે દાયકાઓ પહેલા ખામ થિયરી અપનાવીને તેમણે નવું મોડલ પ્રસ્થાપિત કર્યું હતું. ગુજરાતમાં કૉંગ્રેસમાં વર્ષોથી નેતાઓ વચ્ચે અલગ-અલગ દેખીતા ફાંટાઓ રહ્યા છે. પરંતુ અહેમદ પટેલ બાદ અહીંના નેતાઓ વચ્ચે તાલમેલ બેસાડે તેવું કોઈ બચ્યું નથી અને હવે તે ફાંટાઓ વધુ ઉપસી રહ્યા છે, જેની સીધી અસર વિચારધારા પર પડે છે.”
“ગુજરાતમાં કૉંગ્રેસનું વૈચારિક પતન થયું હોઈ શકે છે પરંતુ તેની પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. હકીકતમાં તો ઇતિહાસ તરફ નજર ફેરવીએ તો તેની વિચારધારા ક્યારેય એકસમાન રહી નથી. વિચારધારામાં ફ્લૅક્સિબિલિટી જ તેની ઓળખ રહી છે. ઇન્દિરા ગાંધીનો સમય જ કદાચ એકમાત્ર એવો સમયગાળો હતો જ્યારે કૉંગ્રેસની વિચારધારા કોઈ એક બિંદુએ સૌથી વધુ કેન્દ્રિત થઈ ગઈ હોય એવું લાગતું હતું. ત્યારે ‘પ્રગતિશીલ સમાજવાદ’ પર કૉંગ્રેસ કેન્દ્રિત હતી. એ સિવાય ક્યારેય કૉંગ્રેસ એક વિચારધારા પાછળ કટ્ટર સમર્પિત રહી હોય તેવું બન્યું નથી.
બંગાળમાં ડાબેરીઓનું સૌથી લાંબુ શાસન અને વિપક્ષોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનાં રાજ્યોનાં રાજકારણ પર નજર દોડાવીએ તો ગુજરાતમાં સતત 28 વર્ષથી ભાજપ સત્તામાં રહ્યો છે. પરંતુ તેનાથી પણ લાંબું શાસન બંગાળમાં ડાબેરી મોરચાનું રહ્યું છે.
જ્યોતિ બાસુના નેતૃત્વ હેઠળ પાંચ ટર્મ સુધી અને બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નેતૃત્વ હેઠળ બે ટર્મ સુધી એમ સતત 34 વર્ષ સુધી ડાબેરી મોરચાએ પશ્ચિમ બંગાળમાં સરકાર ચલાવી હતી. ત્યારે બંગાળમાં પણ વિપક્ષની હાલત આંકડાકીય રીતે અતિશય નબળી થઈ ગઈ હતી.
વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે, “જો બંગાળમાં તમે ડાબેરી સરકારનો સમયગાળો જુઓ તો વિપક્ષની હાલત ત્યાં પણ ખરાબ હતી. આંકડાકીય રીતે ગુજરાતમાં જેવી કૉંગ્રેસની પરિસ્થિતિ છે એવી જ ત્યાં વિપક્ષોની હતી પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ત્યાંથી જ કૉંગ્રેસને પ્રિયરંજન દાસમુન્શી જેવા અનેક રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મળ્યા હતા. એટલે એવું નથી કે વિપક્ષ સંપૂર્ણ ખતમ થઈ જાય પરંતુ તેની શક્તિ ઘટી જતી હોય છે.”
તેઓ કહે છે, “ત્યાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસે ડાબેરી સરકારની સામે પડેલા લોકોને એકજૂથ કર્યા અને તેમને મુખ્ય ધારામાં લાવ્યા. જેના થકી તેમને આટલી લાંબાગાળાની સત્તા ઉખાડવામાં મદદ મળી. ગુજરાતમાં પ્રશ્ન એ છે કે આ બે વિચારધારા સિવાય બીજી કોઈ વિચારધારા નથી અને લોકોનું ખતરનાક રીતે ધ્રુવીકરણ થયું છે. તેમની માનસિક પરિસ્થિતિ કે વિચારધારામાં જ્યાં સુધી મોટો બદલાવ ન આવે ત્યાં સુધી અહીં કોઈ મોટું પરિવર્તન ન થાય.”
શું કૉંગ્રેસ તેની ખૂબીને જ ખામી બનાવી રહી છે?

ઇમેજ સ્રોત, HARESH JHALA
પ્રૉ. બાગચી કહે છે, “હંમેશાંથી કૉંગ્રેસમાં સમાજવાદી, ડાબેરી, જમણેરી, રૂઢિચુસ્ત તમામ પ્રકારના લોકો રહ્યા છે. અત્યારે પણ કૉંગ્રેસમાં તમામ પ્રકારના લોકો દેખાય છે. તેમાં સિદ્ધારમૈયા જેવા નેતાઓ પણ છે જેઓ ભગવાનના અસ્તિત્વમાં માનતા નથી અને કમલનાથ કે ભૂપેશ બઘેલ જેવા સોફ્ટ હિન્દુત્ત્વ અપનાવનારા લોકો પણ છે. પરંતુ આ બહુલવાદ જ કૉંગ્રેસની ખૂબી હતી. દરેક વ્યક્તિની વિશ્વને સમજવાની અલગ રીત હોઈ શકે છે અને કૉંગ્રેસ તેમાં માને છે એવું તેઓ લોકોને સમજાવી શકતા નથી.”
તેઓ કહે છે, “વન નેશન, વન ઇલેક્શન, વન થૉટ જેવી વિચારધારા તો ભાજપની છે. કૉંગ્રેસે તેમની આ ખૂબીને લોકોને સમજાવવી જોઈએ, કારણ કે અંતે તો આ જ ભારતનો વિચાર છે.”
વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે, “હું એવું નહીં કહું કે કૉંગ્રેસ ભાજપમાં ભળી ગયો છે કે તેની વિચારધારા સમાપ્ત થઈ ગઈ છે. પણ ગુજરાત કૉંગ્રેસના લગભગ અડધા નેતાઓ એવા છે કે જેમની કોઈ વિચારધારા જ નથી. તેઓ કૉંગ્રેસમાં હતા તેમની પાછળ તેમની વ્યક્તિગત ગણતરીઓ હતી અને હવે તેઓ પોતાની વિચારધારા સાથે જ સમાધાન કરી રહ્યા છે.”
“હું એવું માનતો નથી કે કોઈ પક્ષ અવઢવમાં હોય કે સ્પષ્ટ ન હોય. દરેક પક્ષની વિચારધારા સ્પષ્ટ હોય છે. સમસ્યા ત્યાં આવે છે કે તે પોતાની વિચારધારાને કૉમ્યુનિકેટ કરી શકે છે કે કેમ?”
આમ આદમી પાર્ટી કેમ આવા નિર્ણયો લે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હવે કૉંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ વિપક્ષમાં છે. વિધાનસભામાં તેમના ચાર ધારાસભ્યો છે અને સુરત મહાનગરપાલિકામાં તેઓ મુખ્ય વિપક્ષી દળ છે. અનેક પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ તેમના ઘણા સભ્યો જીત્યા છે.
પ્રૉ. સાર્થક બાગચી કહે છે, “આમ આદમી પાર્ટી એ વધુ પડતી વ્યાવહારિક પાર્ટી છે જેના માટે સિદ્ધાંતો એટલા મહત્ત્વના નથી. તે રાજકીય તકસાધુતામાં માને છે. જ્યાં જેવો નિર્ણય લઇને પોતાની વોટબૅન્ક મજબૂત કરી શકાય તેવો જ નિર્ણય તે લે છે. તેને ખ્યાલ છે કે ભારતમાં સામાન્ય અને મધ્યમ વર્ગ કઈ રીતે મંદિરના મુદ્દાને જુએ છે. એટલે જ તેઓ સરકારી ખર્ચે લોકોને તીર્થયાત્રા કરાવવા જેવી યોજનાઓ ચલાવે છે.”
તેઓ કહે છે, “મોદીની જેમ કેજરીવાલ પણ હિન્દુત્ત્વના રસ્તે જઈ રહ્યા છે પરંતુ સમસ્યા એ છે કે ગુજરાતમાં કૉંગ્રેસ પોતાને નુકસાન થશે એ ભીતીથી આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે અને એ જ રસ્તે જઈ રહી છે. પણ કૉંગ્રેસ નકલ પણ સારી રીતે કરી શકતી નથી એટલે કાયમ મૂંઝાયેલી દેખાય છે.”
હરેશ ઝાલા કહે છે, “આમ આદમી પાર્ટીના જન્મના કારણો તપાસો અને આજ સુધીના તેમના રાજકારણ પર નજર દોડાવો તો એક વાત બહુ સ્પષ્ટ છે કે તમે તેમની પાસેથી ઍન્ટિ-હિન્દુ સ્ટૅન્ડની ક્યારેય અપેક્ષા ન રાખી શકો. દુનિયાભરના પક્ષોની સ્થાપના વિચારધારાને આધારે જ થાય છે પરંતુ અંતે તેનો વિકાસ કોઈ વ્યક્તિ પર આધારિત થઈ જાય છે. જેમ કે, ભાજપનો અત્યારનો ગ્રોથ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી પર નિર્ભર થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં વિચારધારાનું બહુ મૂલ્ય રહેતું નથી.”
કૉંગ્રેસ અને આપમાં વિચારધારાનું સંકટ છે?
ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નિર્ણયો અને તેમનું રાજકારણ જોતાં સતત એવું પ્રતીત થાય છે કે તેમની વિચારધારા બાબતે સ્પષ્ટતા નથી. પરંતુ શું રાજકારણમાં વિચારધારા હોવી ફરજિયાત છે? વિચારધારા પ્રત્યે કેટલું સ્પષ્ટ હોવું જોઇએ?
પ્રૉ. બાગચી માને છે કે લાંબાગાળા સુધી રાજકારણમાં સફળતા મેળવવા માટે વિચારધારા મહત્ત્વની છે. તેઓ કહે છે, “મારું માનવું છે કે ભાજપ સામે દેશમાં કે ગુજરાતમાં ગમે ત્યાં લડવા માટે એક વિચારધારા હોવી જરૂરી છે. સત્તામાં આવવું એ દરેક રાજકીય પક્ષનું સ્વપ્ન હોય છે. પરંતુ જ્યારે તમે સત્તામાં ન હોવ ત્યારે પણ તમારા પક્ષ સાથે લોકો કઈ રીતે જોડાયેલા રહે તેના માટે વિચારધારા સૌથી અગત્યનું પરિબળ છે. એ જ તમને બાંધીને રાખે છે. ભાજપ જ્યારે સત્તામાં ન હતો ત્યારે તેણે કદાચ થોડી બાંધછોડ કરી હશે પરંતુ કલમ 370, રામમંદિર જેવા મુદ્દાને તેણે ક્યારેય છોડ્યા નથી. વિચારધારાથી માત્ર પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓને જ બળ મળતું નથી, પરંતુ મતદારોને પણ તે પ્રભાવિત કરે છે.”
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પક્ષપ્રમુખ અમિત ચાવડાએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેઓ કહે છે કે, “રામમંદિર મુદ્દે અમે સરકારનું સમર્થન એટલા માટે કર્યું કારણ કે તે કોર્ટના નિર્ણય પ્રમાણે બન્યું છે. ઘણા સામાજિક, ધાર્મિક આગેવાનોએ પણ તેના માટે લાંબી કાયદાકીય લડાઈ લડી છે. નરેન્દ્રભાઈ મોદી તો માત્ર નિમિત્ત બન્યા છે. અમે ગૃહમાં ચર્ચામાં આ તમામ મુદ્દાઓને ઉઠાવ્યા હતા અને પછી સમર્થન કર્યું છે. ભગવદ ગીતાના પ્રસ્તાવ વિશે તો અમે પહેલા વિરોધ પણ કર્યો હતો. કારણ કે શિક્ષણ વિભાગે આ મુદ્દે પહેલેથી નિર્ણય લઈ લીધો છે, પુસ્તકો તૈયાર થઈ ગયાં છે, તો પછી વિધાનસભામાં તો એ અંગે ચર્ચા કરવાનો કે સમર્થનનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. છતાં અમે ગૃહમાં સરકારનું ધ્યાન કથળેલી શિક્ષણ વ્યવસ્થા પર વિસ્તૃત રીતે દોર્યું હતું અને સુધારો કરવા અપીલ કરી હતી. અમે પ્રસ્તાવનો વિરોધ નથી કર્યો પણ સર્વાનુમતે સમર્થન પણ નથી કર્યું.”
તેઓ વધુમાં કહે છે, “કૉંગ્રેસ પોતાની વિચારધારા બાબતે બહુ સ્પષ્ટ છે. અમે વિધાનસભામાં બહુ મુદ્દાસર આ અંગે છણાવટ કરી છે અને રામમંદિરની સમગ્ર લડાઈને રેખાંકિત કરી છે. તેમની નીતિઓ સામે કૉંગ્રેસ સરેન્ડર કે સહમત થઈ છે એમ કહેવું યોગ્ય નથી. અમે પ્રસ્તાવના સમર્થનની સાથે તમામ ત્રુટિઓ પણ તેમની સામે મૂકી છે.”
આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
“ભગવદગીતામાં તમામ ધર્મોના ઉપદેશોનો મૂળસાર છે. તે આદ્યગ્રંથ છે. ભારત દેશનો મૂળ સાર છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, તેને જ ભણાવાશે એ સ્વાભાવિક છે. બીજા દેશોના ધર્મો ભારતમાં ભણાવીને શું કામ છે? ભારતનો ધર્મ ભારતમાં ભણાવાય તેનું જ આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યું છે. ભગવાન રામ આ દેશના આરાધ્યદેવ છે. તેમના આગમનને વધાવવા માટે અમે એ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.”
તેઓ કહે છે, “આમ આદમી પાર્ટીની વિચારધારા દેશપ્રેમ, ઈમાનદારી અને માનવતા છે. દેશના નાગરિકોને શિક્ષણ, સ્વાસ્થ્યની સુવિધાઓ આપવી, તેમના હક અને અધિકારો આપવા એ અમારો દેશપ્રેમ છે, એ જ અમારી વિચારધારા છે.”
લોકશાહી કે પ્રજા માટે કેટલું મોટું સંકટ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રૉ. સાર્થક બાગચી કહે છે, “મારું માનવું છે કે હાલના સમયમાં લોકોને એવું લાગે છે કે તેમની ચિંતાઓ અને પ્રશ્નોનું સમાધાન ભાજપની વિચારધારામાં છે. ગુજરાતમાં વિપક્ષો વિચારધારાની રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે એવું ન કહી શકાય પરંતુ લોકોને જે લાગે છે તે જ ગુજરાતના વિપક્ષોને પણ લાગે છે એવું કહી શકાય.”
તેઓ કહે છે, “જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે લોકો સામે કોઈ વિકલ્પ જ નથી એવું લાગે છે. લોકો સામે પસંદગી માટે બધા વિકલ્પો સરખા જ છે. જ્યારે વિપક્ષો જ સત્તાધારી પક્ષની જેમ બોલવા લાગે ત્યારે એવું સાબિત થાય છે કે સત્તાધારી પક્ષે એ હદે તમામ વસ્તુઓને પ્રભાવિત કરી દીધી છે કે વિકલ્પની કોઈ જગ્યા જ ન બચી. આપ કે કૉંગ્રેસ એ જ ઑફર કરી રહ્યા છે જે ભાજપ કરે છે. તો લોકો તેમની પાસે કેમ જાય? વિપક્ષમાં એક અલગ અવાજ, વિકલ્પ, વિચારધારા હોવી જરૂરી છે નહીંતર એ લોકશાહી માટે ઘાતક પરિસ્થિતિ છે.”
હરેશ ઝાલા કહે છે, “હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વિપક્ષોની જે સ્થિતિ છે અથવા તો એક પક્ષનું પ્રભુત્ત્વ છવાયેલું છે તેને ગુજરાતની પ્રજા કોઈ નુકસાન તરીકે જોતી નથી. મને લાગે છે કે એમને કોઈ પ્રશ્ન કે તકલીફ નથી. ખેડૂતો પાકનુકસાની ભોગવે પણ મત તો અંતે ભાજપને જ આપે છે. તો આ સંજોગોમાં જે પણ રાજકીય સ્થિતિ ગુજરાતમાં છે એ જ જળવાઈ રહે તેમ જ લોકો ઇચ્છે છે.”
2022ની ચૂંટણીમાં પરિણામો બાદની પરિસ્થિતિનું અવલોકન કરતા “ગુજરાત 2022 ઇલેક્શન્સ: ઍક્સપ્લેનિંગ બીજેપીઝ હૅજમની” શીર્ષકથી પ્રકાશિત સંશોધનપત્રમાં ક્રિસ્ટોફ જેફરલૉટ અને મહેશ લાંગા ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત અને ત્યારબાદ રચાયેલી પરિસ્થિતિઓની લોકશાહી પર કેવી રીતે નકારાત્મક અસર થશે તેનાં તારણો રજૂ કરે છે.
જેમાં તેઓ મહિલાઓ, મુસ્લિમો અને અન્ય પછાત વર્ગોનું ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ ઘટવું, ભાજપ તરફથી સતત વધુને વધુ કરોડપતિ ઉમેદવારો ચૂંટાવા, સતત વિપક્ષી નેતાઓને તોડીને પોતાનામાં સામેલ કરવા જેવી બાબતો વિશે ચિંતા વ્યક્ત કરે છે. તેઓ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત સાથે જ સતત ઘટી રહેલા મતદાનની ટકાવારી તરફ પણ ધ્યાન દોરે છે.
તેઓ કહે છે, “નરેન્દ્ર મોદી જે રીતે તેમના અને ગુજરાતના સંબંધોને પ્રસ્થાપિત કરે છે તે ચિંતાજનક છે. તેઓ વિપક્ષ પર આરોપો મૂકે છે કે તેઓ સતત તેમનો વિરોધ કરે છે. તેમનો વિરોધ એ ગુજરાતનું અપમાન છે એ રીતે તેઓ રજૂ કરે છે. તેઓ ટ્રમ્પ, નેતન્યાહુ, બોલ્સેનારો વગેરેની જેમ જ વિપક્ષને દુશ્મન તરીકે રજૂ કરે છે.”
આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં વિપક્ષો માટે કોઈ મુદ્દે વિરોધ કરવો અને લડાઈ લડવી એ મોટો પડકાર છે, સાથે જ તેના વિરોધને પ્રજા અપમાન તરીકે ન જુએ એ પણ સાબિત કરતા રહેવાનો પડકાર છે.
જોકે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ બંને મુખ્ય વિપક્ષી દળો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્યમાં સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ છે.












