સત્તામાં 9 વર્ષ: કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કેટલાં બદલાયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દિવસ હતો 28 ડિસેમ્બર, 2013. બરાબર આજથી દસ વર્ષ પહેલાં દિલ્હીનું રામલીલા મેદાન ફરી એક વાર ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહ્યું હતું. દૂરદૂર સુધી સફેદ ટોપીઓમાં માનવ-મહેરામણ ઊમટેલો દેખાતો હતો. દિલ્હી અને દેશના રાજકારણમાં અરવિંદ કેજરીવાલનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો.
અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી નીકળેલા અરવિંદ કેજરીવાલ અને તેમની રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી ભાજપ અને કૉંગ્રેસના ધુરંધરોને હરાવીને દિલ્હીમાં પ્રથમ વખત સત્તા પર આવ્યા હતા, કેજરીવાલ 28 ડિસેમ્બર 2013ના દિવસે દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે પહેલી વાર શપથ લઈ રહ્યા હતા.
છેલ્લા અનેક દાયકામાં થયેલી એ અકલ્પનીય અને અવિશ્વસનીય રાજકીય ઘટના હતી, જેના થકી અરવિંદ કેજરીવાલ ‘શૂન્યમાંથી સર્જન’ કરીને સત્તાસ્થાને પહોંચ્યા હતા.
પોતાની પહેલી જ ચૂંટણીમાં કેજરીવાલે દિલ્હીનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા બેઠકથી હરાવીને રાજકારણમાં ભૂકંપ લાવી દીધો હતો. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી 28 બેઠકો મેળવ્યા બાદ આપે કૉંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી.
જોકે, 49 દિવસમાં જ તેમણે ભ્રષ્ટાચારવિરોધી કાયદાના મુદ્દે કૉંગ્રેસનું સમર્થન ન મળતાં રાજીનામું આપી દેવું પડ્યું.
એ બાદ 2015માં ફરીથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આ વખતે કેજરીવાલે 70માંથી 67 બેઠકો જીતી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો. 2020માં ફરીથી તેમણે દિલ્હીમાં 70માંથી 62 બેઠકો મેળવીને સરકાર રચી.
દિલ્હીની બહાર નીકળવા વર્ષોથી મહેનત કરી રહેલી આમ આદમી પાર્ટીએ 2022માં પંજાબમાં 117માંથી 92 બેઠકો મેળવી સરકાર રચી. એ જ વર્ષે ગોવા વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો અને ગુજરાતમાં 5 બેઠકો જીતી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ મળી ગયો.
આપ આજે ભાજપ અને કૉંગ્રેસ સિવાય દેશની એકમાત્ર પાર્ટી છે જેની બે રાજ્યોમાં સરકાર છે. તેના 10 રાજ્યસભા સાંસદો છે. એક રાજકીય પક્ષ તરીકે આપ અને અરવિંદ કેજરીવાલે માત્ર 10 વર્ષમાં કરેલી પ્રગતિ ચોક્કસપણે નોંધપાત્ર ગણી શકાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, દિલ્હીમાં લગભગ નવ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ હાલ એ આદર્શો, વાયદાઓ અને વિચારોની સ્થિતિ કેવી છે જેના સહારે આમ આદમી પાર્ટી રાજકારણમાં આવી હતી?
મુદ્દાઓ અને ભાષણોમાં કેટલો ફરક?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“જ્યાં સુધી દેશની રાજનીતિ નહીં બદલાય ત્યાં સુધી કશું નહીં બદલાય. આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ છે.”
આ વિધાન આજથી બરાબર દસ વર્ષ પહેલાંનું છે જ્યારે દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે કેજરીવાલે પહેલી વાર શપથ લીધા હતા.
એ સમયનાં તેમનાં ભાષણોમાં વ્યવસ્થા પરિવર્તન, લોકોના હાથમાં રાજ આપીને લોકશાહી સ્થાપિત કરવાનો ભ્રષ્ટાચારવિરોધી સૂર સંભળાતો હતો. રામલીલા મેદાનમાં કેજરીવાલે લોકોને લાંચ ન આપવા અને ન લેવાના શપથ પણ લેવડાવ્યા હતા અને કાર્યક્રમના અંતે ‘ઇંસાન કા ઇંસાન સે હો ભાઈચારા’નું ગીત ગૂંજી ઊઠ્યું હતું.
પાંચ વર્ષ પછી એ જ મેદાનમાં કેજરીવાલ ત્રીજી વાર દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા ત્યારે પંચલાઇન કંઈક આવી હતી.
"આ કામની રાજનીતિ છે, સ્કૂલની રાજનીતિ છે, હૉસ્પિટલની રાજનીતિ છે, વીજળી-પાણીની રાજનીતિ છે, આ રાજનીતિથી દિલ્હીએ દેશને દિશા દેખાડી છે. ભારત મા કા હર બચ્ચા જબ અચ્છી શિક્ષા પાયેગા તભી અમર તિરંગા આસમાન મેં લહરાયેગા."
તેમના ભાષણની સાથે જ દરેક ન્યૂઝ ચેનલો પર ચાલતા જીવંત પ્રસારણમાં એક જાહેરાત ફલૅશ થઈ રહી હતી, જેમાં લખ્યું હતું, ‘રાષ્ટ્ર નિર્માણ કે લિયે આમ આદમી પાર્ટી સે જુડે.’
કેટલાય રાજકીય વિશ્લેષકોને આ પાછળ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓ દેખાઈ હતી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “આમ આદમી પાર્ટી અને કેજરીવાલના એ સમયના અને અત્યારના મુદ્દાઓની સરખામણી કરીએ તો એક વાત હજુ પણ સમાન રહી છે.- એ છે વિકાસનો મુદ્દો. હા, એ વાત અલગ છે કે પક્ષ બન્યો તે પહેલાં તેમનો મુદ્દો ભ્રષ્ટાચાર હતો અને આજે શિક્ષણ કે વીજળી-પાણી છે. એટલે મુદ્દાઓમાં જાજો ફર્ક નથી પરંતુ એવું કહી શકાય કે રાજકારણમાં આવ્યા પહેલાં તેમનાં ચાલ-ચહેરો-ચરિત્ર અલગ હતાં અને અત્યારે અલગ છે.”
એ અલગ 'ચાલ-ચહેરો-ચરિત્ર' અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા આશુતોષ બીબીસીને જણાવે છે, “એ સમયે એવું લાગતું હતું કે દેશમાં ક્રાંતિનો માહોલ છે. એક એવો રાજકીય પક્ષ કે જેમનું આ દેશમાં કોઈ અસ્તિત્વ ન હતું, વિરાસત ન હતી, એવી પાર્ટીને 70માંથી 67 બેઠક પ્રજાએ આપી હતી. એવું લાગ્યું કે પ્રજા પરિવર્તન માટે તૈયાર છે. અમને લાગ્યું કે અમે એ બદલાવના વાહક બની શકીએ છીએ. પરિવર્તનની એક લાલસા, તત્પરતા એ સમયે દેખાતી હતી.”
જોકે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને મહારાષ્ટ્રના સહ-પ્રભારી ગોપાલ ઈટાલિયા બીબીસી સાથે વાત કરતા એ દાવાઓને નકારે છે કે હવે પક્ષના મુદ્દાઓ બદલાઈ ગયા છે.
તેઓ કહે છે, “આમ આદમી પાર્ટીને કારણે જ ‘પબ્લિક વેલફેર’ના મુદ્દાઓ ‘પૉલિટિકલ સેન્ટર પૉઇન્ટ’ બન્યા છે. હવે બધા પક્ષો શિક્ષણ, સ્વાસ્થ્યની વાત કરતા થઈ ગયા છે. હા, એ ચોક્કસ વાત છે કે તેઓ સ્વીકારશે નહીં કે આ કેજરીવાલના વિચારો છે. વધુમાં આપે દેશના યુવાનોને રાજકારણમાં રસ લેતા કર્યા છે, નવા ચહેરાઓને લડવાનો મોકો આપ્યો છે. પાર્ટીએ પણ દસ વર્ષમાં ઐતિહાસિક પ્રગતિ કરી છે. ”
વીઆઈપી કલ્ચરનો અંત કરવામાં કેટલા સફળ?

ઇમેજ સ્રોત, Getty Images
અરવિંદ કેજરીવાલ રાજકારણમાં આવ્યા તેમની ઓળખ ‘વીઆઈપી કલ્ચરના વિરોધી’ તરીકે થઈ હતી. તેમની રાજનીતિના શરૂઆતના તબક્કામાં કોઈ મોટા કાફલા વગરની બ્લૂ વેગેનર કાર તેમની ઓળખ બની ગઈ હતી.
2015માં આપેલા તેમના ભાષણમાં તેમણે કહ્યું હતું કે કોઈ મંત્રી નીકળે ત્યારે સામાન્ય લોકો માટે રસ્તો બંધ ન થવો જોઈએ.
પહેલી વાર ચૂંટણી જીત્યા બાદ તેમણે ઝેડ સિક્યૉરિટી કવર, સરકારી બંગલો અને કાર લેવાની પણ ના પાડી દીધી હતી. તેમના પહેલા શપથગ્રહણ વખતે પણ તેઓ મેટ્રોમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા.
જોકે, થોડા સમય બાદ તેમણે સરકારી બંગલો પણ સ્વીકાર્યો હતો અને સુરક્ષા પણ સ્વીકારી હતી. આજે તેમની પાસે ઝેડ-પ્લસ સુરક્ષા છે.
આ દરમિયાન ક્યારેક સરકારી આવાસ નકારી ચૂકેલા કેજરીવાલે તેમના સરકારી બંગલાનું નવેસરથી સમારકામ કરાવ્યું અને ભાજપ તથા કૉંગ્રેસે તેમના પર આજે 45 કરોડનો ખર્ચ કરવાનો આરોપ પણ લગાવી દીધો. હાલ, સીબીઆઈએ આ બંગલાના રિનોવેશનમાં ગેરરીતિના આરોપોની તપાસ કરી રહી છે.
અલબત્ત, કેજરીવાલ વીઆઈપી કલ્ચરનો અંત લાવવા માટેનાં પગલાં લેતા પણ દેખાયા છે. વર્ષ 2019માં તેમણે દિલ્હીની તમામ સરકારી હૉસ્પિટલોમાં વીઆઈપી કલ્ચરનો અંત લાવવાના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે 'સૌને એકસમાન સારવાર મળે અને વીઆઈપી પ્રાઇવેટ રૂમ ન રાખવામાં આવે.'
કેજરીવાલ પર વીઆઈપી કલ્ચરનો મુદ્દો ત્યજી દેવાના આરોપ અંગે વાત કરતાં ગોપાલ ઇટાલિયા કહે છે કે, "સીએમ તરીકે તમારું કામ કરવા માટે જે ન્યૂનતમ જરૂરિયાત હોય તેટલી સુવિધાઓ લેવી એ વીઆઈપી કલ્ચર નથી. કેજરીવાલ ક્યારેય જરૂર વગરના 200-400 લોકોના કાફલા સાથે ફરતા નથી. પક્ષને આટલાં વર્ષો થયાં પછી પણ તેઓ વીઆઈપી કલ્ચરથી દૂર છે."
શું પ્રજા સાથે હજુ એટલું જ જોડાણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તા પર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલની એક સામાન્ય માણસ તરીકેની છાપ ઊભી કરતાં અનેક વીડિયો વાઇરલ થયા હતા.
એક વીડિયોમાં એક સરકારી હૉસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને તેઓ દવાની બારીમાં પ્રિસ્ક્રિપ્શન લઈને ઊભા રહેલા જોવા મળ્યા હતા. અન્ય એક વીડિયોમાં ગંદકીની ફરિયાદને પગલે તેઓ ટ્રાન્ઝિટ કૅમ્પની ઓચિંતી મુલાકાતે જઈ ચડ્યા હતા અને અધિકારીઓને ખખડાવતા નજરે પડ્યા હતા. આ વાઇરલ વીડિયો સોશિયલ મીડિયામાં હજુ નજરે ચડી જાય છે.
મુખ્ય મંત્રી તરીકેના એમના પ્રથમ કાર્યકાળ દરમિયાન કેજરીવાલના દર બુધવારે લગાવવામાં આવતા ‘જનતા દરબાર’ની વ્યાપક ચર્ચા હતી. જનતા દરબારમાં લોકો તેમના પ્રશ્નો લઈને મુખ્ય મંત્રીને મળવા માટે આવતા.
આ કાર્યકાળ દરમિયાન જ તેમણે દિલ્હીની વિધાનસભાનાં અમુક સત્રો વિધાનસભામાં નહીં પણ જાહેર સ્થળોએ પ્રજાની વચ્ચે યોજવાની જાહેરાત કરી હતી. જોકે, આ અંગે વિવાદ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
જોકે, હવે જનતા દરબારો, પ્રજા સાથે મુલાકાતો કે આ પ્રકારના નવતર પ્રયાસોની તસવીરો અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પણ પહેલાંની જેમ જોવા મળતી નથી.
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "જનતા સાથેનું જોડાણ, આમ આદમીના સીએમ એ બધી વાતો હવે સાવ ખતમ થઈ ગઈ છે. એમને મળવું જનતા માટે તો ઠીક પાર્ટીના લોકો માટે પણ મુશ્કેલ થઈ ગયું છે. પહેલાં મીડિયા અને પત્રકારો તેમને પ્રિય હતાં અને હવે તેમને મીડિયા પણ ગમતું નથી. જે આરોપો તેઓ કૉંગ્રેસ કે ભાજપ પર લગાવતા હતા તે બધી વસ્તુઓના આક્ષેપ હવે તેમની સામે જ થઈ રહ્યા છે."
જોકે, તેમના પૂર્વ મંત્રીઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દર જૈનની શાળાઓ, હૉસ્પિટલો અને સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાતો સોશિયલ મીડિયા પર છાશવારે ચર્ચાતી રહી છે.
આ અંગે વાત કરતા આપ નેતા ગોપાલ ઇટાલિયા કહે છે, "આજે પણ અન્ય પક્ષો કરતાં આમ આદમી પાર્ટીના નેતાઓ સરળતાથી પ્રજા માટે ઉપલબ્ધ છે. અરવિંદ કેજરીવાલ એકમાત્ર એવા નેતા છે કે જેઓ આટલી સરળતાથી પ્રજા માટે ઉપલબ્ધ છે. એ સમયે સિસ્ટમમાં કામ સુધારવા જે યોગ્ય લાગ્યું હોય તે કરવામાં આવ્યું હોય, હવે સિસ્ટમ સરસ રીતે ચાલતી હોય તો એ બધી ચીજો બંધ થઈ ગઈ હોય. જરૂરી નથી કે જે રીતે દસ વર્ષ પહેલાં કામ કર્યું તે જ રીતે આજે કરવામાં આવે."
3C – નો કરપ્શન, નો ક્રિમિનલ રેકૉર્ડ ઍન્ડ ગુડ કૅરેક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
કેજરીવાલ જ્યારે પહેલી વાર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમનો દાવો હતો કે તેમના તમામ ઉમેદવાર સ્વચ્છ, પ્રામાણિક અને ઈમાનદાર છબી ધરાવતા તથા સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકો છે. આમ આદમી પાર્ટી હજુ પણ એવો દાવો કરે છે કે તેમના ઉમેદવાર 3C ફૉર્મ્યુલાથી (નો કરપ્શન, નો ક્રિમિનલ રેકૉર્ડ, ગુડ કૅરેક્ટર) નક્કી થાય છે.
જોકે, એડીઆરના રિપોર્ટ પ્રમાણે 2020માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા 70માંથી 36 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા હતા.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપના 181 ઉમેદવારોમાંથી 61 સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા હતા અને 43 ઉમેદવારો સામે ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયેલા હતા. એડીઆરે આપેલા આ આંકડાઓ ભાજપના ઉમેદવારોની સરખામણીએ લગભગ બમણા હતા.
આશુતોષ આ અંગે વાત કરતા કહે છે, "2013ની કે 2015ની દિલ્હી ચૂંટણીની વાત કરવામાં આવે તો આ ‘3C ફૉર્મ્યુલા’નો વ્યાપકપણે અમલ થયો હતો. કદાચ 90 ટકાથી વધુ પક્ષના ઉમેદવારોની પસંદગી આ રીતે થઈ હતી."
"ત્યારે તો કોઈ ઉમેદવાર વિશે ફરિયાદ મળતી હતી તો ઉમેદવાર પણ બદલી નાખવામાં આવતા હતા. હવે તો બીજી રાજકીય પાર્ટીઓની જેમ એ જ જોવામાં આવે છે કે ચૂંટણી કોણ જીતી શકશે? હવે 3Cનો આમ આદમી પાર્ટીમાં કોઈ મતલબ રહ્યો નથી."
જોકે, ગોપાલ ઈટાલિયા કહે છે, "આમ આદમી પાર્ટી આજે પણ આ ફૉર્મ્યુલા અનુસરે છે. અમારા જે ઉમેદવારો પર ક્રિમિનલ કેસ છે તે શેના છે અને કઈ રીતે કરવામાં આવ્યા છે એ જોવું જોઈએ. શું એ કેસો ખૂન કે બળાત્કારના છે કે પછી વિરોધપ્રદર્શન કરવા કે આવેદન આપવા માટે થયા છે?" ઈટાલિયાના દાવા અનુસાર આપના ઉમેવાદવારો વિરુદ્ધ કરાયેલા મોટા ભાગના કેસો 'રાજકીય કિન્નાખોરી'ના ભાગરૂપે કરાયેલા છે.
પક્ષના બંધારણમાં ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટી બની ત્યારે એવો નિયમ હતો કે કોઈ એક જ પરિવારના એકથી વધારે લોકો પાર્ટી તરફથી ચૂંટણી લડી શકે નહીં. એ નિયમને 2021માં હઠાવી દેવામાં આવ્યો. જોકે, પહેલેથી પક્ષમાં રહેલા લોકોને જૂના નિયમનું પાલન કરવું પડશે એવું કહેવામાં આવ્યું હતું.
આ અંગે મનીષ સિસોદિયાએ એવું કહ્યું હતું, "છેલ્લાં નવ વર્ષોમાં અમને પડેલી વ્યાવહારિક તકલીફોને લઈને અમે આ ફેરફારો કર્યા છે."
'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે, પક્ષના જૂના બંધારણમાં એવી જોગવાઈ હતી કે એક જ સભ્ય સતત બે ટર્મથી વધુ કોઈ પદ પર રહી શકે નહીં. પરંતુ જાન્યુઆરીમાં કેજરીવાલને ત્રીજીવાર આમ આદમી પાર્ટીના પ્રમુખપદે ચૂંટવામાં આવ્યા હતા. જોકે, પક્ષના બંધારણમાં તેના માટે ફેરફાર કરવામાં આવ્યા હતા કે કેમ એ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી.
વળી, બંધારણમાં ફેરફાર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ દિલ્હીની ત્રિનગર વિધાનસભાથી ધારાસભ્ય એવા જિતેન્દર તોમરનાં પત્ની પ્રીતિ જિતેન્દર તોમરને 2020ની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. નોંધનીય છે કે 2015માં ચૂંટણી લડતાં સમયે ખોટું સોગંદનામું રજૂ કરવાના કારણે દિલ્હી હાઈકોર્ટે જિતેન્દર તોમરને ચૂંટણીથી દૂર રહેવા જણાવતાં તેમનાં પત્નીને ટિકિટ અપાઈ હતી.
હિન્દુત્વ તરફ ઝુકાવ?

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટી પર કાયમ એવો આરોપ લાગતો રહે છે કે તેમની કોઈ સ્પષ્ટ વિચારધારા નથી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના હિન્દુત્વ સામે ‘હનુમાન ચાલીસા’ પાઠ કરવાનો દાવ અજમાવ્યો હતો અને પક્ષના નેતાઓએ ‘જય બજરંગબલી’ના સૂત્રોચ્ચારને પોતાના પ્રચારમાં સામેલ કર્યા હતા.
તો ગુજરાત ચૂંટણી વખતે સમગ્ર ગુજરાતમાં તેમના વિરુદ્ધ હિન્દુ વિરોધી હોવાના આરોપો લગાવતાં પૉસ્ટરો લાગ્યાં બાદ તેમણે ચલણી નોટોમાં લક્ષ્મીજીનો ફોટો મૂકવાની માગણી કરી હતી.
તેઓ દિવાળીમાં લક્ષ્મીપૂજાનું પણ જાહેરમાં આયોજન કરે છે અને તેમની સરકારે 'તીર્થયાત્રા યોજના'માં વડીલોને મફતમાં અયોધ્યામાં દર્શન કરાવવાનો વાયદો પણ કર્યો હતો.
હિન્દુત્વની સાથે કેજરીવાલની પાર્ટી સામે તકવાદી રાજકારણના આરોપ પણ લાગતા રહે છે અને અગાઉની ચૂંટણીમાં આપે લીધેલા કેટલાક નિર્ણયો એ તરફ પણ ઈશારો કરે છે.
જેમ કે ગુજરાતમાં પણ પત્રકારમાંથી રાજકારણી બનેલા ઇસુદાન ગઢવીને આપે મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને તેમની લોકપ્રિયતાનો ફાયદો લેવાનો પ્રયત્ન કર્યો હતો.
આ અંગે વાત કરતાં આશુતોષ કહે છે, "આમ આદમી પાર્ટીની પહેલાં પણ કોઈ વિચારધારા ન હતી અને આજે પણ નથી. પરંતુ તેમની પાસે પણ કેટલાક નવા વિચારો હતા જેનાથી તેમણે રાજકારણની શરૂઆત કરી હતી."
"પરંતુ અત્યારે તેમનો હિન્દુત્વ તરફ ઝુકાવ એ માત્ર ચૂંટણી જીતવા માટેનો રસ્તો છે. કાલે કદાચ તેમને એવું લાગે કે સામાજિક ન્યાયથી ચૂંટણી જીતી શકાશે તો તેઓ તેની વાત કરવા લાગશે."
શરદ ગુપ્તા કહે છે, "હું એવું નથી કહેતો કે તમારી વિચારધારા ડાબેરી કે જમણેરી હોવી જોઈએ. તમારી કોઈ વિચારધારા નથી, તો ઠીક છે. પણ તમે વિકાસને પણ તમારી વિચારધારા બનાવી શકતા હતા. પરંતુ ટૂંકા ફાયદા માટે ક્યારેક જમણેરી તો ક્યારેક ડાબેરી વિચારધારા- આમથી તેમ ફરી જવું એ ખોટું છે."
જોકે આ મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયા કહે છે, "જન્મથી હિન્દુ હોવાને કારણે હું એવું માનું છું કે તેમાં સૉફ્ટ અને હાર્ડ હિન્દુત્વ જેવું કંઈ હોતું નથી. એ બધા રાજકીય શબ્દો છે. એ ધર્મનો દુરુપયોગ કરવા માટેનો શબ્દ છે. આ દેશમાં વિચારધારાના નામે ભાજપ અને કૉંગ્રેસે લોકોને ખૂબ છેતર્યા છે. તેમણે ક્યારેય એવો પ્રયાસ ન કર્યો કે માણસ સક્ષમ બને. અમારી વિચારધારા ઈમાનદારીની છે, માનવતાની છે, છેવાડાના માણસને સક્ષમ કરવાની છે."
મહત્ત્વના મુદ્દાઓ પર મૌન સેવી લેવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
અરવિંદ કેજરીવાલ પર એવા આરોપો પણ લાગે છે કે તેઓ હવે સામાજિક ન્યાયના મુદ્દે તેમને રાજકીય નુકસાન થવાની ભીતિએ ખૂલીને બોલતા નથી.
દિલ્હી વિધાનસભાની 2020ની ચૂંટણીટાણે તેમણે દિલ્હીના શાહીનબાગમાં થઈ રહેલા આંદોલન મુદ્દે બોલવાનું ટાળ્યું હતું અથવા તો ખૂબ સાવધાનીપૂર્વક નિવેદનો કર્યાં હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મનીષ સિસોદિયાએ બિલકીસબાનોના આરોપીઓને છોડી મૂકવા અંગેના સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.
અરવિંદ કેજરીવાલ પર એવો આરોપ લાગતો રહ્યો છે કે તેઓ લઘુમતીઓને થઈ રહેલા અન્યાયો વિશે પણ હવે ખૂલીને બોલતા નથી. દિલ્હી માટે તેઓ એક તરફ પૂર્ણ રાજ્યની માગણી કરે છે તો બીજી તરફ તેઓ કલમ 370 હઠાવીને જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સરકારના તત્કાલીન નિર્ણયનું સમર્થન કરે છે.
આપ નેતા ગોપાલ ઇટાલિયા કહે છે, "મુદ્દાઓ રાજ્યવાર બદલાય છે. અમે જ્યાં જે મુદ્દાનું સમર્થન કરવું યોગ્ય જણાય તેમ કરીએ છીએ. જેમ કે, રામમંદિર બનવું એ ભારતના લોકોની ભાવના છે. કલમ 370 હઠે એ ભારતની અખંડતા અને સાર્વભૌમત્વનો મામલો છે. એ મુદ્દે અમે સમર્થન આપ્યું હતું. આમ આદમી પાર્ટી ભારત સાથે છે, ભારતની ભાવના સાથે છે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર સરકારનું સમર્થન એ તકવાદી રાજકારણ નથી એ લોકોએ સમજવું પડશે."
વૈકલ્પિક રાજકારણ કરવામાં કેટલે અંશે સફળ?

ઇમેજ સ્રોત, Getty Images
દાવા પ્રમાણે, આમ આદમી પાર્ટીની રચના એ સિદ્ધાંત પર થઈ હતી કે ભારતના રાજકારણને બદલી શકાય છે, રાજકારણમાં પણ આદર્શો, નીતિમત્તા અને સિદ્ધાંતોની વાત થઈ શકે છે.
અન્ના આંદોલન વખતે રચાયેલા ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ અને આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ તે સમયગાળામાં ભાજપ અને કૉંગ્રેસના મોટા નેતાઓ પર કેજરીવાલે ભ્રષ્ટાચાર કે અન્ય બાબતોના આરોપો લગાવ્યા હતા. પરંતુ સમય બદલાયો અને આજે વિપક્ષી દળોના ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ તેઓ એ જ નેતાઓ સાથે સ્ટેજ પર દેખાય છે.
વૈકલ્પિક રાજકારણનો દાવો કરતી આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસ અને ભાજપ છોડીને આવેલા નવ નેતાઓને 2020ની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. જેમાં દ્વારકાથી વિનય મિશ્રા અને બદરપુરથી રામસિંહ નેતાજીને રાતોરાત પાર્ટીમાં જોડાયા બાદ ટિકિટ અપાઈ હતી.
ચાંદનીચોકથી ચાર વખતના કૉંગ્રેસ ધારાસભ્ય પરલાદસિંહ સાવની, મટિયા મહલથી પાંચ વખતના કૉંગ્રેસ ધારાસભ્ય શોએબ ઇકબાલ, બવાનાથી ભાજપના પૂર્વ નેતા જય ભગવાન ઉપકારને આપે ટિકિટ આપી હતી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના 25 નેતાઓને ટિકિટ આપી હતી. માત્ર કૉંગ્રેસ જ નહીં ભાજપના પણ ઘણા પૂર્વ નેતાઓને આપે ટિકિટ આપી હતી.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને કથિત ટિકિટ વહેંચણીના મુદ્દે કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનો દાવો કરતો વીડિયો વાઇરલ થયો હતો. જોકે, આ દાવાઓને તેમણે સતત નકાર્યા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા લોકો પણ પક્ષપલટો કરીને અન્ય પાર્ટીઓમાં સામેલ થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ચૂંટાયેલા ધારાસભ્યે રાજીનામું આપ્યું છે તો સુરતમાંથી ચૂંટાયેલા અનેક નગરસેવકો ભાજપમાં સામેલ થઈ ગયા છે.
આશુતોષ કહે છે, "વૈકલ્પિક રાજકારણના વિચારનું મૃત્યુ તો ક્યારનું થઈ ગયું છે. હવે તો માત્ર ચૂંટણીમાં ટકી રહેવું, સત્તા જાળવવી એ જ ઉદ્દેશ્ય બચ્યો છે."
તેઓ કહે છે, “મને એવું લાગે છે કે કેજરીવાલ પરિવર્તનનું રાજકારણ કે વૈકલ્પિક રાજકારણની વાત ભૂલી ગયા છે. હવે બીજા પક્ષો અને તેમનામાં કોઈ ઝાઝો ફરક રહ્યો નથી. તમામ પક્ષો હવે એક જેવા છે – જેમનું એક જ લક્ષ્ય છે રાજકારણ કરવું. કોઈ પક્ષને 70માંથી 67 બેઠકો ઇતિહાસમાં ક્યારેય મળી નથી. એ જનાદેશ માત્ર રાજકારણ કરવા માટે જનતાએ નહોતો આપ્યો, વૈકલ્પિક રાજકારણ પૂરું પાડવા આપ્યો હતો.”
જોકે, ગોપાલ ઇટાલિયાનું માનવું છે, "આમ આદમી પાર્ટી સો ટકા વૈકલ્પિક રાજકારણ આપવામાં સફળ થઈ છે. પાર્ટીએ હજારો નવા ચહેરાને, ભણેલા-ગણેલા યુવાનોને તક આપી છે. આ બદલાવનો વિચાર જ છે. જેટલા વાયદાઓ કર્યા હતા તેમાં તમામ પર આપે કામ કર્યું છે. આજે વીજળી, પાણી, શિક્ષણના નામે ચૂંટણી લડાઈ રહી છે. સો-સો વર્ષ જૂની પાર્ટીઓએ પણ અમારા કારણે મુદ્દાઓ બદલવા પડ્યા. આ બદલાવ નથી તો શું છે? "
અરવિંદ કેજરીવાલમાં શું બદલાવો આવ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
કારકિર્દીની શરૂઆતમાં દરેક મુદ્દે ખૂલીને પોતાના વિચારો વ્યક્ત કરનાર કેજરીવાલ જાણકારોના મતે હવે દરેક મુદ્દે સંભાળીને બોલે છે.
સતત ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકાર સાથે થયેલા ખટરાગોને કારણે તેમની છબીને પણ વિપરીત અસર થતી હતી જેના કારણે તેમણે અનેક મુદ્દે મૌન રહેવાનું પસંદ કર્યું હતું અને તેઓ દિલ્હીના વિકાસ માટે કેન્દ્રિત હોવાની વાત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કથિત દારૂનીતિ કૌભાંડમાં તેમના સાથીદારો મનીષ સિસોદિયા અને સંજયસિંહની ધરપકડ થતાં તેમણે ફરીથી પોતાની નીતિ બદલી હોય તેવું લાગે છે.
હવે તેઓ દિલ્હી વિધાનસભામાંથી સતત વડા પ્રધાન મોદી પર અંગત પ્રહારો પણ કરે છે. વડા પ્રધાન મોદીને ઉદ્દેશીને તેમણે ‘ચોથી પાસ રાજા કી કહાની’ તેનું ઉદાહરણ છે.
કારકિર્દીની શરૂઆતમાં સતત અન્ય પાર્ટીઓના નેતાઓ પર પ્રહારો કરતા કેજરીવાલ હવે ‘વ્યાવહારિક’ બની બીજા પક્ષના નેતાઓ સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કરી રહ્યા છે. ખાસ કરીને મમતા બેનરજી અને સ્ટાલિન જેવાં નેતાઓ સાથે તેમના સુમેળભર્યા સંબંધો હોવાનું કહેવાય છે.
‘ઇન્ડિયા’ ગઠબંધનમાં જોડાયા પછી કેજરીવાલ અનેક મુદ્દે હવે સંસદમાં અને સંસદની બહાર વિપક્ષ સાથે દેખાય છે.
જોકે, આશુતોષ કહે છે, “કેજરીવાલના એ સમયનાં ભાષણો અને આજનાં ભાષણોમાં કોઈ મોટો ફેર નથી દેખાતો. પણ તેમનું આકલન તો એ રીતે જ થશે કે જે મૂલ્યો, આદર્શોની તેઓ વાત કરતા હતા તેનું શું થયું? એ વાતો પર તેઓ ખરા ન ઊતરી શક્યા. તેનાથી તેઓ ભટકી ગયા છે. એવું લાગે છે કે રાજકારણે તેમને મોહપાશમાં જકડી લીધા છે. પહેલા જે ક્રાંતિની કે બદલાવની વાત થતી હતી, હવે એ માત્ર રાજકારણની વાત થાય છે.”
વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, “ અરવિંદ કેજરીવાલમાં સૌથી મોટો બદલાવ તો એ આવ્યો છે કે તેઓ વ્યવસ્થા પરિવર્તનની વાત કરતા હતા, હવે માત્ર સત્તાપરિવર્તન કરીને રહી ગયા છે.”
“જ્યારે આ દસ વર્ષોમાં આમ આદમી પાર્ટીમાં એટલો મોટો ફેર આવ્યો છે કે એ તેના કાર્યકર્તાઓને ભૂલી ગઈ છે અને ભ્રષ્ટાચારવિરોધી લડાઈને પણ સાવ ભૂલી ગઈ છે.”
સરકાર અને પાર્ટી સામે પડકારો

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, નવ વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ અને આમ આદમી પાર્ટી અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષ થયાં બાદ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીની બહાર પંજાબમાં અને અમુક અંશે ગુજરાતમાં સફળ થઈ શકી છે. તેનું રાજકીય કદ વધ્યું છે.
જોકે, એક તરફ તેમને પોતે અન્યોથી અલગ છે તેવી છાપ જાળવી રાખવાનો પડકાર છે તો બીજી તરફ તેમને અન્ય પાર્ટીઓ સાથે 'ઇન્ડિયા ગઠબંધન'નો ભાગ પણ બન્યા છે.
કથિત દારૂનીતિ કૌભાંડમાં તેના મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેલમાં છે અને તેમને જામીન મળી રહ્યા નથી તો બીજી તરફ અરવિંદ કેજરીવાલને પણ ઇડીએ બે વખત સમન્સ મોકલ્યા છે.
ઉપરાજ્યપાલ દ્વારા થતી કથિત કનડગત એ સત્તામાં આઠ વર્ષ રહ્યા બાદ પણ હજુ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે તેમને આપેલા અધિકારીઓની ટ્રાન્સફરના અધિકારને પણ કેન્દ્ર સરકારે રાતોરાત અધ્યાદેશ લાવીને છીનવી લીધો હતો એ પણ તાજું ઉદાહરણ છે.
તેઓ પોતાના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વીજળી-પાણીના મુદ્દાને હાલના રાજકારણમાં કેટલા વળગી રહે છે એ પણ એક સવાલ છે.
આશુતોષ કહે છે, “કદાચ રાજકીય સફળતા એમને હજુ થોડા સમય માટે મળતી રહે પરંતુ જે આદર્શો, મૂલ્યોને લીધે તેઓ અન્યથી અલગ દેખાતા હતા એ તો ક્યારના અસ્ત થઈ ગયા છે.”
શરદ ગુપ્તા કહે છે, “રાજકીય ભવિષ્યની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની સરખામણીએ અરવિંદ કેજરીવાલ પાસે ઘણો સમય છે અને તેઓ પક્ષના સર્વેસર્વા છે. પરંતુ હાલમાં તેઓ એક સ્થાનિક નેતા બનીને રહી ગયા છે. રાજકીય ભવિષ્ય શું હશે એ તો સમય જ જણાવશે.”
ગોપાલ ઇટાલિયા કહે છે, "અમારી સામે કોઈ એક પડકાર નથી. પડકારોનો ઢગલો છે. તેમની સામે લડવા તો અમે નીકળ્યા છીએ. અત્યારે દેશ સામે સૌથી મોટો પડકાર ભાજપ છે."
અરવિંદ કેજરીવાલ કાયમ તેમના કાર્યકર્તાઓને કહે છે કે, “ક્યારેય ઘમંડ ન કરતા. ક્યાંક એવું ન બને કે મોટી પાર્ટીઓનો ઘમંડ તોડનાર આમ આદમી પાર્ટીનો ઘમંડ તોડવા કોઈ બીજી પાર્ટીને જન્મ લેવો પડે.”












