અરવિંદ કેજરીવાલ: ‘અનામતના વિરોધ’થી લઈને ‘આંબેડકરના સપના‘ સુધી, આમ આદમી પાર્ટીનું દલિત પૉલિટિક્સ શું છે?

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 1984. બહુજન સમાજ પાર્ટીની સ્થાપના પછી કાંશીરામની સભાઓમાં એક સૂત્ર જોરશોરથી ગુંજતું હતું - "બાબા તેરા મિશન અધૂરા, કાંશીરામ કરેંગે પૂરા."

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલા આ સૂત્રની સાથે બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશ સહિત બીજાં ઘણાં રાજ્યોમાં દલિતોનો એક મોટો જનાધાર બનાવી લીધો હતો.

લગભગ 37 વર્ષ પછી કાંશીરામનું એ સૂત્ર હવે આમ આદમી પાર્ટીમાં સાંભળવા મળી રહ્યું છે. બદલાયું છે તો માત્ર નામ. સૂત્રમાં હવે કાંશીરામના બદલે અરવિંદ કેજરીવાલનું નામ જોડાઈ ગયું છે. એ સૂત્ર છે, "બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

હાલના સમયે કેજરીવાલ અલગ અલગ મંચ પરથી અને ઇન્ટરવ્યૂમાં વારંવાર પુનરુક્તિ કરે છે કે બાબાનું સપનું હવે તેઓ જ પૂરું કરશે. માત્ર સૂત્ર જ નહીં આમ આદમી પાર્ટીની કચેરીઓથી લઈને પોસ્ટરોમાં પણ બાબાસાહેબ આંબેડકરની તસવીરો દેખાય છે.

આખરે આમ આદમી પાર્ટીને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર કેમ યાદ આવે છે? એનું રાજકીય સમીકરણ શું છે? કેમ કે, છેલ્લા ત્રણ દાયકાથી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા દેશની મોટા ભાગની રાજકીય પાર્ટીઓએ પોતાને મજબૂત કરવાની કોશિશ કરી છે.

આ શૃંખલામાં હવે આમ આદમી પાર્ટીનું નામ પણ જોડાઈ ગયું છે. 'આપ'ના રાજકીય સમીકરણને સમજવા માટે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામે શરૂ થયેલા રાજકારણને સમજવું જરૂરી છે જે 80ના દાયકામાં શરૂ થયું હતું.

line

પ્રતીકોની લડાઈમાં આંબેડકર

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, બાબાસાહેબ ભીમરાવ આંબેડકર

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર છેલ્લા શ્વાસ સુધી જાતિગત ભેદભાવ પર પ્રહાર કરતા રહ્યા અને દલિતોના હકની લડાઈ લડતા રહ્યા. આ સંઘર્ષમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો.

ઈ.સ. 1956માં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના દેહાંત થયો પછી દલિતોના હકની લડાઈ અલગ અલગ રાજકીય દળોમાં વહેંચાઈ ગઈ અને ધીરે ધીરે તેઓ એક રાજકીય પ્રતીક બનતા ગયાં

વરિષ્ઠ પત્રકાર અને માયાવતીનું જીવનચરિત્ર 'બહનજી' લખનારા અજય બોઝનું માનવું છે કે, "40 વર્ષ પહેલાં ચૂંટણી દરમિયાન ભીમરાવ આંબેડકરનું કોઈ નામ સુધ્ધાં નહોતું લેતું. કૉંગ્રેસ પણ આંબેડકરનું નામ નહોતી લેતી. કૉંગ્રેસને દલિત નેતા જગજીવનરામના નામ પર દલિતોના વોટ મળતા હતા. 80ના દાયકામાં કાંશીરામ અને 90ના દાયકામાં મંડલ કમિશનના સમયે આંબેડકર રાજકારણનું એક મોટું પ્રતીક બની ગયા. આંબેડકરના નામે દલિતોને એકજૂથ કરાવા લાગ્યા."

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના દેહાંતનાં 34 વર્ષ પછી એટલે કે 1990માં પહેલી વાર સંસદના સેન્ટ્રલ હૉલમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર લગાડવામાં આવી.

એ સમયે વિશ્વનાથ પ્રતાપ સિંહ દેશના વડા પ્રધાન હતા. એમના કાર્યકાળમાં જ મંડલ કમિશનની ભલામણ અમલમાં મુકાઈ હતી. મંડલ કમિશન પછી જુદા જુદા રાજકીય મંચો પર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું મહત્ત્વ વધતું ગયું. કૉંગ્રેસ અને ભાજપા જેવી મોટી પાર્ટીઓ પણ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાની વાતો કરવા લાગી અને દલિતોના પ્રતિનિધિત્વને મહત્ત્વ અપાવા લાગ્યું.

line

આંબેડકર, અનામત અને અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલનું રાજકારણ બાબાસાહેબની વિચારધારા સાથે મેળ ખાય છે?

ઇમેજ સ્રોત, DEEKSHABHOOMI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલનું રાજકારણ બાબાસાહેબની વિચારધારા સાથે મેળ ખાય છે?

2006ના વર્ષની વાત છે. એ દિવસોમાં અરવિંદ કેજરીવાલ રેમન મૅગ્સેસે ઍવૉર્ડ મળ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ પુરસ્કાર એમને માહિતી અધિકારને પાયાના સ્તરે લાગુ કરવાના પ્રયાસો કરવા અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે અપાયો હતો.

એ જ વર્ષે કેન્દ્ર સરકારે સરકારી અને સરકારી સહાયતાપ્રાપ્ત કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એના વિરોધમાં 'યૂથ ફૉર ઇક્વલિટી' નામના એક સંગઠને દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. એમ્સ, આઇઆઇટી, આઇઆઇએમ સહિત દેશની મોટી ગણાતી ઘણી સંસ્થાઓના વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતરી આવ્યા હતા.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર મનોજકુમારના જણાવ્યા અનુસાર, "કેજરીવાલ એ વખતે 'યૂથ ફૉર ઇક્વલિટી'માં હતા. એમણે અનામતના વિરોધમાં એમ્સમાં ભૂખ હડતાલ કરી હતી. અનામતના વિરોધમાં કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. 'યૂથ ફૉર ઇક્વલિટી' અનામતના વિરોધમાં કામ કરતું હતું."

ઈ.સ. 2006માં અરવિંદ કેજરીવાલ જોકે કોઈ રાજકીય દળની સાથે જોડાયેલા નહોતા, પરંતુ એમના પર આરોપ થયા કે તેઓ અનામતના વિરોધમાં 'યૂથ ફૉર ઇક્વલિટી' નામના સંગઠનને સતત સમર્થન આપી રહ્યા હતા.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સિસના સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમના પ્રોફેસર ડૉ. વિવેકકુમારે જણાવ્યું કે, યૂથ ફૉર ઇક્વલિટીના મંચો પર અરવિંદ કેજરીવાલ દેખાયા હતા, જે અનામતની વિરુદ્ધ હતા. તેમણે પૂછ્યું કે ત્યારે કેજરીવાલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શા માટે યાદ નહોતા કરતા?

અરવિંદ કેજરીવાલ પરના આરોપો આજે પણ એમનો પીછો કરે છે. પત્રકાર સબા નકવીના પુસ્તક 'કૅપિટલ કૉન્ક્વેસ્ટઃ હાઉ ધ આપ ઇન્ક્રેડિબલ વિક્ટરી હૅઝ ડિફાઇન ઇન્ડિયન ઇલેક્શન'માં અરવિંદ કેજરીવાલે આ પ્રશ્ને ખુલાસો કર્યો છે.

આ પુસ્તક અનુસાર, અરવિંદ કેજરીવાલે કહ્યું, "હું અનામતનો વિરોધી નથી. એ ખોટી માહિતી છે. મેં અનામતવિરોધી આંદોલનમાં ક્યારેય ભાગ નથી લીધો. હું 'યૂથ ફૉર ઇક્વલિટી' સાથે સંકળાયેલા ઘણા વિદ્યાર્થીઓને ઓળખું છું, પરંતુ વિદ્યાર્થીઓને ઓળખવાનો અર્થ એવો નથી થતો કે હું એમને મારું સમર્થન આપું છું."

line

પહેલાં ગાંધી અને હવે, આંબેડકર

જનલોકપાલ આંદોલન વખતે ગાંધીની તસવીર અને અરવિંદ કેજરીવાલના માથા પર ગાંધીટોપી જોવા મળતી હતી.

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, જનલોકપાલ આંદોલન વખતે ગાંધીની તસવીર અને અરવિંદ કેજરીવાલના માથા પર ગાંધીટોપી જોવા મળતી હતી

ઈ.સ. 2011માં જન લોકપાલ કાયદાની માંગણી અંગેના અન્ના આંદોલનમાં અરવિંદ કેજરીવાલ નાયકની જેમ સામે આવ્યા હતા. એ વખતે મંચ પર ગાંધીની તસવીર અને અરવિંદ કેજરીવાલના માથા પર ગાંધીટોપી જોવા મળતી હતી. એ સમય સુધી બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ક્યાંય કશો ઉલ્લેખ નહોતો.

આમ આદમી પાર્ટીની વેબસાઇટ અનુસાર, અન્ના આંદોલન પછીના વર્ષ 2012માં આમ આદમી પાર્ટીનો જન્મ થયો હતો. વેબસાઇટ અનુસાર, પાર્ટીની સ્થાપનાની તારીખ હતી 2 ઑક્ટોબર અર્થાત્ ગાંધીજયંતીનો દિવસ.

આમ આદમી પાર્ટીને ચૂંટણીચિહ્ન મળ્યું - ઝાડુ. ડિસેમ્બર 2013માં આમ આદમી પાર્ટીએ વીજળી-પાણીના મુદ્દે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું. એ વખતે પણ આમ આદમી પાર્ટીના મંચ પરથી બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું નામ સાંભળવા નહોતું મળ્યું.

વરિષ્ઠ પત્રકાર અજય બોઝનું માનવું છે કે, "આમ આદમી પાર્ટીને ઝાડુના ચૂંટણીચિહ્નના કારણે દલિતોના ઘણા વોટ મળ્યા. દલિતોની મોટી સંખ્યા કૉંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જતી રહી. એમાં એ વર્ગ પણ હતો જે સફાઈકામ સાથે સંકળાયેલો હતો અને એમના માટે ઝાડુનું એક અલગ મહત્ત્વ હતું."

કંઈક આવો જ મત પ્રોફેસર વિવેકકુમારનો છે, "આ એકદમ વિશુદ્ધ રાજકારણ છે. એક પ્રકારે અવસરવાદી રાજકારણ છે. આમ આદમી પાર્ટીએ જ્યારે ઝાડુનું ચૂંટણીચિહ્ન રાખ્યું ત્યારે અરવિંદ કેજરીવાલ એક વિશિષ્ટ સમુદાયના પ્રતીકને લઈ રહ્યા હતા અને એને અપનાવી રહ્યા હતા."

આમ આદમી પાર્ટી દિલ્હીમાં બે વાર પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી ચૂકી છે. પાર્ટી હવે બીજાં રાજ્યોમાં પણ પોતાનો જનાધાર મજબૂત કરી રહી છે. એમાં એને મોટી સફળતા પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળી ચૂકી છે અને પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા મથી રહી છે.

line

પંજાબની ચૂંટણી વખતે શા માટે યાદ આવ્યા આંબેડકર?

રાજકારણમાં કેટલી હદે મદદ કરી શકે છે બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રભાવ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકારણમાં કેટલી હદે મદદ કરી શકે છે બાબાસાહેબ આંબેડકરની વિચારધારાનો પ્રભાવ?

પંજાબમાં દલિતોની વસતિ લગભગ 32 ટકા છે. ટકાવારીની દૃષ્ટિએ આ આંકડો દેશનાં અન્ય રાજ્યો કરતાં સૌથી મોટો છે.

આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સામે કૉંગ્રેસના દલિત મુખ્ય મંત્રી ચરણજિતસિંહ ચન્નીનો પડકાર હતો. એવા સમયે આમ આદમી પાર્ટીએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના નામ પર પોતાની પાર્ટીનો જનાધાર વધારવાની કોશિશ શરૂ કરી.

જાન્યુઆરી 2021માં અરવિંદ કેજરીવાલે દિલ્હીની સરકારી કચેરીઓમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની તસવીર લગાડવાનું એલાન કર્યું હતું. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં પાર્ટીએ દિલ્હીમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર આધારિત એક ભવ્ય નાટકનું આયોજન કર્યું જેનું મંચન અનેક દિવસો સુધી થયું.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી પ્રોફેસર વિવેકકુમારે જણાવ્યું કે, "દલિત સમાજ સંખ્યાની રીતે ઘણો મોટો છે. તેથી આમ આદમી પાર્ટીને લાગ્યું કે એક એવું ચિહ્ન શોધવું જોઈશે જેનાથી તેઓ દલિતોને પોતાના તરફ આકર્ષિત કરી શકે. એ માટે આમ આદમી પાર્ટીએ વિશિષ્ટ પ્રકારે આયોજન કર્યાં, જેમાં બાબાસાહેબ પરનું નાટક પણ સામેલ હતું."

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી પ્રોફેસર વિવેકકુમાર

ઇમેજ સ્રોત, TWITTER/PROF. VIVEK KUMAR

ઇમેજ કૅપ્શન, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી પ્રોફેસર વિવેકકુમાર

કેજરીવાલની રણનીતિ કામ કરી ગઈ અને એમની પાર્ટીએ પંજાબ ચૂંટણીમાં ખૂબ મોટી જીત હાંસલ કરી. એમાં દલિત વોટરોનું ખૂબ મોટું યોગદાન હતું.

વરિષ્ઠ પત્રકાર અજય બોઝે જણાવ્યા અનુસાર, "પંજાબમાં દલિત વોટ બૅન્ક પર કૉંગ્રેસનો કબજો હતો. આમ આદમી પાર્ટીએ પંજાબમાં કૉંગ્રેસની દલિત વોટ બૅન્કમાંથી ભાગ પડાવી લીધો. કેજરીવાલનું લક્ષ્ય છે કે નબળી પડી રહેલી કૉંગ્રેસની દલિત વોટ બૅન્કને કોઈ રીતે પોતાના પક્ષે કરી લેવાય."

તો શું આમ આદમી પાર્ટી બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામે દલિતોમાં પોતાનો જનાધાર મજબૂત કરવામાં સફળ થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ દેશના હાલના દલિત રાજકારણમાં સમાયેલો છે. હાલના સમયે ઉત્તર પ્રદેશમાં દલિતોનું રાજકારણ કરનારી બહુજન સમાજ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે.

તો, રામવિલાસ પાસવાનના નિધન પછી બિહારમાં દલિત જનાધાર વેરવિખેર થઈ ગયો છે. રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી હવે ઘણી નબળી થઈ ગઈ છે. બીજી તરફ, મહારાષ્ટ્રના દલિત નેતા રામદાસ આઠવલેની રિપબ્લિક પાર્ટી ઑફ ઇન્ડિયાનું પ્રભાવક્ષેત્ર સીમિત છે.

આ વિશે વરિષ્ઠ પત્રકાર અજય બોઝનું માનવું છે કે, "હાલના સમયે દેશમાં દલિત જનાધાર વેરવિખેર સ્થિતિમાં છે અને નેતૃત્વનો પણ પ્રશ્ન છે. દલિત રાજકારણમાં એક પ્રકારે ખાલીપો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આ તકનો લાભ લેવાની કોશિશમાં પ્રવૃત્ત છે."

પંજાબની સફળતાથી પોરસાઈને આમ આદમી પાર્ટી ચાલુ વરસે ગુજરાત ઇલેક્શનની જોરશોરથી તૈયારી કરી રહી છે. ગુજરાતમાં દલિતોની વસતિ લગભગ સાત ટકા છે. એ કારણે જોવું પડશે કે, શું આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પંજાબની જેમ જ આંબેડકરના નામે દલિતોના દિલમાં પોતાનું સ્થાન જમાવવાની કોશિશ કરશે?

આમ આદમી પાર્ટી સંગઠન અને સરકારમાં દલિતોને પ્રતિનિધિત્વ આપવા પર ભાર મૂકી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતા રત્નેશ ગુપ્તાએ જણાવ્યું કે, "અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાને અમલમાં મૂકી છે. દિલ્હી વિધાનસભામાં દલિત નેતા રાખી બિડલાનને ડેપ્યુટી સ્પીકર અને રાજેન્દ્રપાલ ગૌતમને મંત્રી બનાવ્યાં છે. એ અમારી મજબૂરી નહોતી."

સરકારમાં દલિતોના પ્રતિનિધિત્વને લઈને વાત કરતાં પ્રો. વિવેકકુમારે કહ્યું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે કહેલું કે સરકારમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તેમણે માત્ર આટલું જ ન કહ્યું, એમણે કહ્યું કે કૅબિનેટમાં હોવું જોઈએ, કેમ કે નિર્ણય ત્યાંથી જ કરાય છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં માત્ર એક દલિત નેતાને મંત્રી બનાવ્યા છે.

પંજાબમાં જીત પછી ભગવંત માન મુખ્ય મંત્રી કચેરીમાં જ્યારે પોતાનો પદભાર સંભાળી રહ્યા હતા ત્યારે એમની પાછળ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહની તસવીર લગાડેલી હતી, જ્યારે મહાત્મા ગાંધીની તસવીર નહોતી. એ બાબતે આમ આદમી પાર્ટી સામે સવાલ ઊભો થયો કે શું તેઓ મહાત્મા ગાંધીને ભૂલી ગયા?

આ પ્રશ્નનું બીજું પાસું પણ છે કે, આમ આદમી પાર્ટી માટે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું મહત્ત્વ શા માટે વધતું જાય છે?

line

આંબેડકરની વિચારધારા અને 'આપ'ની કોશિશ

આમ આદમી પાર્ટીની તિરંગા સંકલ્પયાત્રા

ઇમેજ સ્રોત, TWITTER/@AAPUTTARPRADESH

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીની તિરંગા સંકલ્પયાત્રા

પંજાબ પછી આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે કમર કસી ચૂકી છે. સાથે જ અન્ય રાજ્યોમાં પણ પાર્ટીના વિસ્તરણની કોશિશો થઈ રહી છે. નબળી પડતી જતી કૉંગ્રેસ અને સંકોચાતી જતી બીએસપીના દલિત જનાધાર પર પાર્ટીની નજર છે. એ જોતાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકર આમ આદમી પાર્ટી માટે એક જરૂરિયાત બની ગયા છે.

પરંતુ શું આ માત્ર ચૂંટણીલક્ષી હિત સાધવાની બાબત છે? શું આમ આદમી પાર્ટી બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાના અનુસરણ કરશે?

એક તરફ અરવિંદ કેજરીવાલ સૉફ્ટ હિન્દુત્વના માર્ગે છે તેમ કહેવાઈ રહ્યું છે. મંચ પર તેઓ હનુમાનચાલીસાનો પાઠ કરે છે, વૃદ્ધોને મફત તીર્થયાત્રાઓ કરાવે છે. બીજી તરફ તેઓ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના માર્ગે ચાલવાની વાતો કરે છે.

દેખીતું છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી એક ખાસ પ્રકારનું રાજકીય સંતુલન જાળવવાની કોશિશ કરે છે, જેથી દરેક વર્ગમાં એમનો જનાધાર સ્થાપિત થઈ શકે.

વરિષ્ઠ પત્રકાર અજય બોઝનું માનવું છે કે, "આ વિચારધારાનો સમય નથી. આમ આદમી પાર્ટી પરિસ્થિતિઓ અનુસાર વ્યાવહારિક સમજૂતીઓ કરે છે. આ પાર્ટી કોઈ એક મુદ્દે સ્પષ્ટ વિચારધારા નથી ધરાવતી. 'આપ'ને લાગે છે કે જનતાનું ભલું થવું જોઈએ, અત્યાચાર ન થવા જોઈએ. આ બધી ન્યુટ્રલ ટર્મ છે. આ પાર્ટી કાસ્ટ અને ક્લાસ ન્યુટ્રલ છે."

જોકે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામે દલિત રાજકારણનો માર્ગ લેવો એ આમ આદમી પાર્ટી માટે આસાન નથી. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીરો દેશની અન્ય રાજકીય પાર્ટીઓની કચેરીઓમાં પણ જોવા મળે છે.

દરેક જગ્યાએ બાબાસાહેબના વિચારોનું અનુસરણ કરવાની વાત થતી રહે છે અને મોટા ભાગની પાર્ટીઓમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામે દલિતોને પ્રતિનિધિત્વ અપાય છે.

આ દરમિયાન આમ આદમી પાર્ટી બાબાસાહેબ આંબેડકર પર આધારિત આ સૂત્ર અધિકારપૂર્વક પોકારી રહી છે કે, "બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા."

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ અવારનવાર બાબાસાહેબ આંબડકર અને તેમની વિચારધારા અંગે ચર્ચાઓ કરી છે.

આંબેડકરના અભ્યાસુ અને સિનિયર પત્રકાર જિજ્ઞેશ પરમાર કહે છે, "આંબેડકરની વિચારધારા સાથેની રાજનીતિ કરવી હાલની મુખ્ય ધારાની પાર્ટીઓને પોસાય તેમ નથી. કેમકે આંબેડકરના વિચારનું તેઓ ખુલ્લેઆમ સમર્થન કરી શકે તેમ નથી."

તેઓ ઉમેરે છે, "આંબેડકરે હિંદુ ધર્મની અસ્પૃશ્યતા, વર્ણ-વ્યવસ્થા, અંધશ્રદ્ધા અનેક ગેરવાજબી વાતો, પરંપરાઓનો મુખર થઈને વિરોધ કર્યો હતો. જે આજે ક્યાંય દેખાતું નથી. આંબેડકરનું નામ દલિતોના મત અંકે કરવા કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેટલા પુરતું જ મર્યાદિત છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

આંબેડકરની અભ્યાસક્રમમાં ગેરહાજરી અંગે વાત કરતા તેઓ કહે છે, "આંબેડકરના વિચારોને શાળામાં ભણાવવાનું અઘરું છે. પાણી પીવાના અધિકારને લઈને મહાડ સત્યાગ્રહના નામે ઓળખાતા આંબેડકરના પહેલા આંદોલનનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ જોવા નથી મળતો."

કેજરીવાલના "બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા" સૂત્ર અંગે ટિપ્પણી કરતાં જિજ્ઞેશ પરમાર કહે છે, "તેઓ કયાં સપનાં પૂરાં કરવાની વાત કરે છે, હિંદુ ધર્મમાં ફેલાયેલી અસ્પૃશ્યતા દૂર કરવાના સપનાની વાત કરે છે? જાતિ નિર્મૂલનના સપનાની વાત કરે છે? જો એમની એવી મંશા હોય તો તેમણે રોડમૅપ રજૂ કરવો જોઈએ."

જિજ્ઞેશ પ્રશ્ન કરતાં કહે છે, "આંબેડકર વ્યક્તિપૂજા અને મૂર્તિપૂજાના પણ વિરોધી હતા. આવી પ્રવૃત્તિઓમાં લીન પક્ષો આંબેડકરવાદની કેવી રીતે હિમાયત કરી શકે?"

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "આપ" પાર્ટીએ પંજાબમાં ચૂંટણી જીતી અને પંજાબમાં દેશમાં સૌથી વધુ 32 ટકા દલિત વસતિ છે."

"ગાંધીજી કૉંગ્રેસ સાથે છે, ભાજપ પણ તેમનો ઉપયોગ કરે છે. તો "આપ" પાર્ટીએ કંઈક નવું કરવું પડે. એટલે એમણે ઑફિસોમાંથી ગાંધીજીની પ્રતિમા હઠાવી દીધી."

"આંબેડકરની વિચારધારા ધરાવતા લોકોમાં પણ ગાંધીજી વિરુદ્ધની લાગણી છે. ગાંધીને નહીં માનીને અને ગાંધી કરતાં આંબેડકર ચડિયાતા એવું બતાવવાનો પ્રયાસ કરીને નવી દલિતોની નવી પેઢીને આકર્ષિત કરી શકે છે."

"આંબેડકરની વાત કરીને "આપ" દલિતોની વોટબૅંક સલામત કરવા માંગે છે. કેમ કે ગાંધીને નામે હવે મત નહીં મળે, આંબેડકરના નામે મળશે. ભાજપાએ પણ આંબેડકરને રાષ્ટ્રવાદ સાથે જોડીને આવો પ્રયાસ કર્યો છે."

તો કેજરીવાલનું સોફ્ટ હિંદુત્વ અને આંબેડકરના માર્ગે ચાલવું એ બંને એકસાથે શક્ય છે? આ પ્રશ્નના જવાબમાં ગૌરાંગ જાની કહે છે, "હા, એ એટલા માટે શક્ય છે કેમ કે ભાજપાએ દલિતોમાં હિંદુત્વવાળી લહેર તો ઊભી કરી જ છે. એટલે દલિતોને એનાથી કોઈ ફેર નહીં પડે અને બીજી બાજુ સોફ્ટ હિંદુત્વથી બિન-દલિતો આકર્ષાશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો