યુજીસીના નવા નિયમ મુજબ ભારતમાં વિદ્યાર્થીઓ એકસાથે એક જ સમયે બે ડિગ્રી મેળવી શકશે
ચાર વર્ષ પહેલાં અશોક જર્નાલિઝમના અભ્યાસની સાથોસાથ અરબી ભાષાના ડિગ્રી કોર્સમાં ઍડ્મિશન લેવા માગતા હતા.
પરંતુ ઍડ્મિશન લેવામાં એમને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
એક વિશ્વવિદ્યાલયે (યુનિવર્સિટીએ) એમ કહીને ઍડ્મિશન આપવાનો ઇનકાર કરી દીધો કે તેઓ એકસાથે બે ફુલટાઇમ કોર્સમાં ઍડ્મિશન ન લઈ શકે.

ઇમેજ સ્રોત, WWW.UGC.AC.IN
બંને કોર્સનો સમયગાળો એક હોવાના કારણે એમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ચાર વર્ષ પહેલાં સુધી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નિયમો પણ ભારતમાં એકસાથે બે ડિગ્રી કોર્સ કરવાની અનુમતિ નહોતા આપતા.
હવે ચાર વર્ષ પછી ભારતના યુજીસીએ અશોક જેવા અન્ય વિદ્યાર્થીઓની આ સમસ્યાને દૂર કરવાની પહેલ કરી છે.
મંગળવારે યુજીસીએ જાહેરાત કરી છે કે ભારતના વિદ્યાર્થીઓ બે ડિગ્રીનો અભ્યાસ એકસાથે પૂરો કરી શકશે, પરંતુ કેટલીક શરતોને અધીન.
આવો, જાણીએ આ નિર્ણય સાથે સંકળાયેલા સવાલોના જવાબો. આ તમામ જવાબ યુજીસીના ચેરમૅન એમ. જગદીશકુમારે આપ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું કોઈ ખાસ વિષયોમાં જ આ સંભવ થશે?

ઇમેજ સ્રોત, PTI
યુજીસી અનુસાર, એમાં વિષયપસંદગી માટેનાં કોઈ નિયમ-બંધન નથી. હ્યુમૅનિટીઝની સાથોસાથે વિજ્ઞાનના વિષયમાં પણ ડિગ્રી કોર્સ થઈ શકે છે.
એ બંને ફુલ ટાઇમ કોર્સ હોઈ શકે છે. એ બંને એક જ વિશ્વવિદ્યાલયમાં પણ થઈ શકે છે અથવા અલગ-અલગ વિશ્વવિદ્યાલયોમાં પણ થઈ શકે છે.
ઍડ્મિશનના નિયમ, વિદ્યાર્થીની યોગ્યતા અને ટાઇમ ટેબલ જોકે વિશ્વવિદ્યાલયનાં ધોરણે નક્કી કરાય છે, તેથી, એ એમના પર નિર્ભર રહેશે કે બે ડિગ્રીની પસંદગીમાં કઈ રીતે વિષયોના વિકલ્પને અનુસરે છે.
મતલબ એ કે વિદ્યાર્થી ઇચ્છે તો ગણિત અને ઇતિહાસની ડિગ્રી સાથોસાથ મેળવી શકે છે.
એક વિકલ્પ એવો હોઈ શકે કે બંને કોર્સ ફિઝિકલ હાજરીના હોઈ શકે, બસ, એ જોવાનું રહેશે કે આવા બંને કોર્સના ક્લાસના સમય અલગ-અલગ હોય.
બીજો વિકલ્પ એ છે કે એક કોર્સ ફિઝિકલ હાજરીનો અને બીજો ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ કે ઑનલાઇન કોર્સ હોઈ શકે છે.
ત્રીજો વિકલ્પ એ હોઈ શકે કે બંને કોર્સ ઑનલાઇન અથવા બંને કોર્સ ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ વળા હોઈ શકે.
આ નિર્ણયમાં એમ પણ કહેવાયું છે કે બંને કોર્સ એક જ લેવલના હોય અર્થાત્ બંને ગ્રેજ્યુએશનની ડિગ્રી માટેના હોય અથવા બંને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી માટેના.
એક પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીજો ગ્રેજ્યુએશનની ડિગ્રીનો કોર્સ એવી જોગવાઈ આ નિર્ણયમાં કરવામાં નથી આવી.

અચાનક આવો નિર્ણય કેમ?

ઇમેજ સ્રોત, EPA
જુલાઈ 2020માં મોદી સરકાર નવી શિક્ષણનીતિ લઈ આવી હતી. એ એક પ્રકારનો પૉલિસી ડૉક્યુમેન્ટ છે, જેમાં સરકારે શાળાકીય શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના પોતાના વિઝનને વ્યાખ્યાયિત કર્યું હતું.
આ વિઝન ડૉક્યુમેન્ટમાં સરકારે પ્રસ્તાવ કર્યો હતો કે વિદ્યાર્થી ઇચ્છે તો એકસાથે અલગ-અલગ ડિસિપ્લિન (આંતરવિદ્યા) અભ્યાસ કરી શકે છે અને એકસાથે ઘણા પ્રકારની સ્કિલ મેળવી શકે છે.
દાખલા તરીકે, મૅથ્સનો અભ્યાસ કરનાર ઇચ્છે તો ડેટા સાયન્સનો અભ્યાસ પણ કરી લે, જર્નાલિઝમનું શિક્ષણ મેળવનાર લૅન્ગ્વેઝ (ભાષાનો) કોર્સ પણ કરી શકે.
નવી શિક્ષણનીતિના આ જ પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજું કારણ એ છે કે ભારતમાં ઉચ્ચશિક્ષણની ડિમાન્ડ-સપ્લાયમાં મોટો ગૅપ છે. ઉચ્ચશિક્ષણ સંસ્થા આવેદન ભરનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર ત્રણ ટકા વિદ્યાર્થીઓને જ કૅમ્પસમાં ઍડ્મિશન આપી શકે છે.
ઘણાં વિશ્વવિદ્યાલય કેટલાક વિષયોના ઑનલાઇન કોર્સ અને ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ ચલાવે છે. કોર્સ સારા હોવા છતાં એમાં સીટ્સ ખાલી રહી જતી હતી. વિદ્યાર્થી ઇચ્છવા છતાં પણ એકસાથે બે કોર્સમાં ઍડ્મિશન નહોતા લઈ શકતા.
બધી જોગવાઈઓને એકબીજા સાથે અનુકૂળ બનાવવા માટે યુજીસીએ આ નિર્ણય કર્યો છે.

આની શરૂઆત ક્યારથી થશે?

ઇમેજ સ્રોત, Getty Images
એકૅડેમિક સત્ર 2022-2023થી એની શરૂઆત કરવાનું પ્રસ્તાવિત છે. યુજીસી પોતાની વેબસાઇટ પર એની સત્તાવાર ગાઇડલાઇન્સ પ્રકટ કરશે.
આના માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનાં યુનિવર્સિટી પ્રશાસનો અને કાઉન્સિલની મંજૂરીની પણ આવશ્યકતા રહેશે. ત્યારે જ એને લાગુ કરી શકાશે.
જે સંસ્થાઓનાં યુનિવર્સિટી પ્રશાસને એને લાગુ કરવાનો નિર્ણય નહીં કર્યો હોય, એમને એના માટે ફરજ નહીં પાડી શકાય.
જોકે, યુજીસીએ આશા પ્રકટ કરી છે કે તે બધી યુનિવર્સિટીને એમ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
આ નિર્ણય ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામને લાગુ થશે. પીએચ.ડી. અને એમ.ફિલ.ની ડિગ્રીને લાગુ નહીં થાય.

ઇમેજ સ્રોત, DEEPAK SETHI/GETTYIMAGES
જો ફર્સ્ટ યરમાં બે કોર્સમાં ઍડ્મિશન ન લીધું હોય તો શું સેકન્ડ અને થર્ડ યરમાં ઍડ્મિશન મળી શકે?
હા. એમ કરવામાં કોઈ મુશ્કેલી નથી. નિયમો અનુસાર વિદ્યાર્થી બે અલગ-અલગ વિશ્વવિદ્યાલયોમાંથી પણ બે ડિગ્રી કોર્સ કરી શકશે.
નવી શિક્ષણનીતિમાં મલ્ટિપલ ઍન્ટ્રી અને ઍક્ઝિટ સિસ્ટમની પણ વાત કરવામાં આવી છે. એના કારણે એક કોર્સમાં ઍડ્મિશન પહેલા વરસે અને બીજા કોર્સમાં બીજા વરસે ઍડ્મિશન લઈ શકાય છે.
આ નિર્ણયમાં બંને ડિગ્રી કોર્સને એક સમયે (સમાન વર્ષમાં) શરૂ કરવાની અને પૂરો કરવાનું બંધન કે ફરજ નથી.
શું એક વિદ્યાર્થી બબ્બે કોર્સ પણ કરી શકે એ વાતને ધ્યાનમાં રાખીને ટાઇમ ટેબલ બનાવાશે?
એના માટે વિશ્વવિદ્યાલય અને કૉલેજ સ્તરે કોશિશ કરવાની જરૂરિયાત રહેશે.
જે કોર્સની ડિમાન્ડ વધારે હોય કે જે પૉપ્યુલર કોર્સ હોય એના માટે વિશ્વવિદ્યાલય સ્તરે એવા નિર્ણયો લેવાઈ શકે છે.

શું બંને કોર્સ માટે કોઈ નિશ્ચિત ધોરણની અટેન્ડન્સ ફરજિયાત હશે?

ઇમેજ સ્રોત, BHUPI/GETTYIMAGES
એના માટે યુનિવર્સિટીને ગાઇડલાઇન પ્રસિદ્ધ કરવાનો અધિકાર હશે. વિશ્વવિદ્યાલય માટે આવી વ્યવસ્થા અનિવાર્ય નથી બલકે વૈકલ્પિક છે.
CUETને આની સાથે કશી લેવાદેવા છે?
આમાં ઑનલાઇન, ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગની પણ વાત છે અને એ એક વૈકલ્પિક વ્યવસ્થા છે તેથી, એને કૉમન યુનિવર્સિટી ઍન્ટ્રન્સ ટેસ્ટ (CUET) સાથે સીધેસીધી કશી લેવાદેવા નથી.
પરંતુ ફિઝિકલ ક્લાસ ભરીને ડિગ્રી મળે એવા કોર્સ માટે જે કોઈ સંસ્થા દ્વારા ઍડ્મિશનના નિયમો નક્કી કરાયા છે, એનું વિદ્યાર્થીઓએ પાલન કરવું પડશે. જો એવા કોર્સમાં ઍડ્મિશન માટે CUET પાસ કરવી ફરજિયાત હશે તો ઍડ્મિશન મેળવવા માટે એ પાસ કરવી અનિવાર્ય રહેશે.
શું ભારત સિવાય દુનિયાના બીજા કોઈ દેશમાં આવી વ્યવસ્થા છે?
યુજીસીના ચેરમૅને જણાવ્યા અનુસાર, દુનિયાના બીજા કોઈ દેશમાં આવી વ્યવસ્થા છે કે નહીં એની માહિતી એમની પાસે નથી.
એમણે કહ્યું કે, "કદાચ ભારત આ દિશામાં પહેલ કરનારો પહેલો દેશ છે, જે વિશ્વ માટે ઉદાહરણરૂપ બની શકે છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












