ગુજરાત : 'પાંચ વર્ષના પુત્રને મોઢામાં ડૂચો ભરાવી ઊંધો લટકાવીને મારતાં' બે શિક્ષિકાને જેલ
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારો પુત્ર વર્ષ 2017માં બાળમંદિરમાં હતો. તે અચાનક સ્કૂલરિક્ષાને આવતી જોઈને રડી પડતો. અમને લાગ્યું કે તેને સ્કૂલરિક્ષામાં જવાનું નહીં ગમતું હોય. તે બાદ તેને અમે જાતે સ્કૂલે મૂકવા જતા. એક દિવસ હું તેને સ્કૂલે લેવા ગયો. ત્યાં જઈને જોયું તો બે શિક્ષિકા મારા પાંચ વર્ષના દીકરાને મોઢે ડૂચો ભરાવીને ઊંધો લટકાવીને મારતાં હતાં."
દસ વર્ષના બાળક ધ્રુવના પિતા સુબોધ ઠાકર (નામ બદલ્યાં છે), શિક્ષણના મંદિરમાં પોતાના પુત્ર સાથે થયેલા અત્યાચાર બાબતે વાત કરતાં હતાશ થઈ જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પહેલાં ગુજરાતના અમદાવાદની એક શાળાનાં બે શિક્ષિકા તરુણા પરબતીયા અને નજમા શેખને અમદાવાદ ગ્રામ્ય અદાલતે આ બાળક પર અત્યાચાર ગુજારવાના ગુના બાબતે ત્રણ વર્ષની કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
સતત પાંચ વર્ષ ચાલેલા આ કેસમાં શિક્ષિકાઓને સજા ઉપરાંત તેમની સામે તાત્કાલિક અસરથી આ શિક્ષિકાઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ આપ્યા છે.
આ કેસમાં પીડિત તરફી હાજર કેસ લડનાર સરકારી વકીલ ધીરુભાઈ પરમાર અનુસાર ગુજરાતમાં શાળામાં બાળક પર અત્યાચારના ગુનામાં પ્રથમ વખત આરોપી શિક્ષકોને સજા ફરમાવાઈ છે.
આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે બીબીસી ગુજરાતીએ આ બનાવ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક સાધ્યો હતો.

'બાળમાનસ પર માઠી અસર'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ કેસમાં પોલીસ અને ડૉક્ટરની જુબાની એ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, કોર્ટે આ શિક્ષકો સામે કડક વલણ દાખવતાં કહ્યું હતું કે શિક્ષકના આવા કૃત્યથી બાળમાનસ પર માઠી અસર પડે છે.
પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2017માં બનેલી આ ઘટના વિશે વાત કરતાં બાળકના પિતા સુબોધ ઠાકોરે (બદલેલ નામ)બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "22 જૂન 2017ના રોજ બનેલ આ ક્રૂર ઘટના જોઈને હું હેબતાઈ ગયો. અમે ઘરે મારા દીકરાને ખૂબ વહાલ કરતા. અને અહીં એને જાનવરની જેમ મારતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ એ ઘટના વિશે કહે છે કે, "હું ફરિયાદ કરવા માટે પ્રિન્સિપાલને મળ્યો ત્યારે આ બંને શિક્ષિકાઓએ પોતાના બચાવમાં કહ્યું કે મારો દીકરો સ્કૂલમાં બીજાં બાળકોનો નાસ્તો લઈ લે છે અને વારંવાર પાણી પીવા-પેશાબ કરવાના બહાને ક્લાસની બહાર જતો રહે છે, એટલે સજા કરી છે. અને શિક્ષક તરીકે સજા કરીએ તો જ શિસ્ત શીખે, પ્રિન્સિપાલે શિક્ષિકાઓને બાળકને નહીં મારવાની કડક સૂચના આપી અને અમારી વચ્ચે સમાધાન કરાવ્યું. હું પણ વાતને સ્વીકારી ઘરે આવ્યો."
એક દિવસ બાળકનાં માતાને તેને સ્નાન કરાવતી વખતે તેના શરીર પર ચકામાં દેખાયાં. માતા-પિતા આ જોઈને ફરીથી ફરિયાદ કરવા શાળાએ પહોંચ્યાં.
ધ્રુવનાં માતા કલ્પનાબહેન ઠાકોરે(નામ બદલ્યું છે.) બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારા દીકરાને જે રીતે માર માર્યો હતો એના કારણે લોહી જામી ગયું હતું, અમે ફરી સ્કૂલમાં ફરિયાદ કરવા ગયા તો બંને શિક્ષિકા અમારી સાથે ઝઘડીને ફરી ગયાં કે એમણે માર માર્યો જ નથી અને બાળક રમતાં-રમતાં પડી ગયું છે એટલે એને વાગ્યું હશે."
"અમને ધમકી પણ આપી કે એને સ્કૂલમાંથી કાઢી મૂકીશું અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પર એવાં રિમાર્ક મૂકીશું કે બીજી શાળામાં પ્રવેશ પણ નહીં મળે. આ ધમકી પછી અમે નક્કી કર્યું કે પોલીસ ફરિયાદ કરવી, પોલીસ ફરિયાદ કરી અને મારા દીકરાને માર માર્યો હતો એના ફોટો લીધા અને સરકારી હૉસ્પિટલમાં પણ તેની સારવાર કરાવી."

'ગુજરાતનો પ્રથમ કેસ'

ઇમેજ સ્રોત, Getty Images
આ કેસ લડનાર સરકારી વકીલ ધીરુભાઈ પરમારે બીબીસી ગુજરાત સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતનો આ એવો પ્રથમ કેસ છે કે જેમાં શિક્ષકને માર મારવા બદલ સજા થઈ હોય. પાંચ વર્ષ ચાલેલા આ કેસમાં શિક્ષિકાઓ જાતમુચરકાના જામીન પર છૂટી ગયા હતા. પણ મેં માસૂમ બાળકને જોયું હતું એ એટલી હદે ડરેલું હતું સ્કૂલ જવા તૈયાર ન હતું. મારા માટે પણ આ કેસ પડકારજનક હતો. પણ અમારી પાસે બાળકને માર મરાયો હોવાના પુરાવા તરીકે તસવીરો હતી. અને સરકારી ડૉક્ટરનું બાળકને ઈજા થયેલ હોવાનું સર્ટિફિકેટ હતું. જે મુખ્ય પુરાવા તરીકે કામ લાગ્યું. શિક્ષિકાઓએ દલીલ કરી હતી કે બાળકને પડી જવાથી ઈજા થઈ છે પણ એના શરીર પર હાથથી માર માર્યાનાં નિશાન હોવાનું ડૉક્ટર જેનિસ પટેલે સર્ટિફિકેટમાં અને પોતાની જુબાનીમાં જણાવ્યું હતું.
તેમણે આગળ જણાવ્યું કે, "આ ઉપરાંત તપાસઅધિકારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી. સી. પરમારે પણ પોતાની તપાસ દરમિયાન શાળાનાં કેટલાંક કર્મચારી અને બાળકોની સાક્ષીના આધારે તૈયાર કરેલા રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે બાળકને માર મારવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળકનાં માતા-પિતાએ ક્યારેય ફીની માફી અંગે વાત કરી નહોતી કે સ્કૂલમાં ડોનેશન વગેરેનો કોઈ વિવાદ થયો નહતો. આ સાક્ષીઓના આધારે બંને શિક્ષિકાઓ પર બાળ અત્યાચાર માટે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટની કલમ 75 તથા 87 અને CrPC 323 તેમજ 114 હેઠળ સજા અને દંડ કરવામાં આવ્યાં છે."
આ ચુકાદો આપતાં અમદાવાદ રુરલ કોર્ટના એડિશનલ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટે નોંધ્યું છે કે, "બાળકને જન્મ માતાપિતા આપે છે પણ એનું ભવિષ્ય શિક્ષક ઘડે છે, એના ભવિષ્ય માટે શિક્ષક સજા આપી શકે પણ સજામાં ક્રૂરતા ન હોવી જોઈએ, એટલું જ નહીં શિક્ષકના આ વલણથી નાના બાળકને શાળા છોડવી પડી આમ બાળકને એના શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવ્યું છે માટે એમને સજા થવી જોઈએ."

'બાળકને શારીરિક શિક્ષા કરાય તો...'

ઇમેજ સ્રોત, Getty Images
શિક્ષકોના આવા વલણને કારણે બાળકો પર પડતી માઠી માનસિક અસર અંગે વાત કરતાં મનોચિકિત્સક જ્યોતિક ભચેચે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પહેલાં બી. ઍડ.ના શિક્ષણમાં પણ બાળક હઠીલું હોય તો શારીરિક શિક્ષા કરવાની વાત આવતી હતી પણ ઘણાં વર્ષોથી એ વાતને નકારી કઢાઈ છે. હવે બી. ઍડ.માં પણ ભાવિ શિક્ષકોને ભણાવવામાં આવે છે કે બાળકને શારીરિક શિક્ષા ના કરવી જોઈએ. કારણ કે એક બાળકને શારિરીક શિક્ષા કરો તો બીજા બાળક પર પણ એની માઠી અસર પડે છે . બાળકના મનમાં નાનપણથી ડર ઘૂસી જાય છે જેના કારણે ભણતરની ગુણવત્તા જળવાતું નથી."
"બાળક બીકના કારણે કૉપી કરે અથવા ગોખી નાખે. એના કૌશલ્યનો વિકાસ ના થાય. આ ઉપરાંત ભવિષ્યમાં બાળક અંતર્મુખી થઈ જાય. ઘણાં બાળકોમાં નાનપણથી આત્મવિશ્વાસ ઘટી જાય એટલે જીવનમાં આગળ જતાં પોતાના નિર્ણય જાતે ના લઈ શકે. તો કેટલાક લોકોમાં આવડત હોવા છતાં નોકરી કે અન્ય કોઈ સ્થળે પ્રેઝન્ટેશન ના કરી શકે અથવા ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસૉર્ડરનો ભોગ બને."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












