જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા : ભાજપ સામે પડી ચૂંટણી જીતનારા પાટીદાર નેતાની કહાણી

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાના ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોના ડિરેક્ટર ચૂંટાવાને મામલે ભાજપનું રાજકારણ ગરમ છે. પક્ષના આંતરિક રાજકારણમાં ગરમી એટલા માટે છે, કારણકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે મૅન્ડેટ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યું હતું અને છતાં મૅન્ડેટના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફૉર્મ ભર્યું અને તેઓ ચૂંટણી લડીને જીત્યા.
બિપિન ગોતા ભાજપમાં સહકારી સેલના અધ્યક્ષ છે અને સાથે ગુજરાત સ્ટેટ કૉ-ઑપરેટીવ માર્કેટિંગ ફૅડરેશન લિમિટેડ એટલે કે ગુજકોમાસોલના ઉપ પ્રમુખ છે. ભાજપનો મૅન્ડેટ હોવાં છતાં બિપિન ગોતાનું હારી જવું એ જાણકારો દ્વારા પાટીલ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે.
જોકે, જવાબમાં જયેશ રાદડિયા એટલું જ કહે છે, "હું ભાજપમાં છું અને ભાજપનું જ કામ કરવાનો છું."
આ જીતમાં બીજી વખત ઇફ્કોના બિનહરીફ ચૅરમૅન બનેલા દિલીપ સંઘાણીનો પણ સિંહફાળો હતો. સી. આર. પાટીલે આ ચૂંટણી બાદ જે પ્રકારે નિવેદન આપ્યું, તેને કારણે દિલીપ સંઘાણીને પણ વળતો પ્રહાર કરવાની તક મળી ગઈ હતી.
પાટીલે કહ્યું હતું, “ભાજપે મૅન્ડેટ એટલા માટે આપવાના શરૂ કર્યા, કારણકે વિરોધી પાર્ટી સાથે સહકારી લોકોનું ઇલુ-ઇલુ ચાલતું હતું. ભાજપમાં નિયમ એ છે કે બે કે તેથી વધુ પદો કોઈ નેતા પાસે ન હોવાં જોઈએ જેને કારણે છેલ્લાં કેટલાક વર્ષોથી સહકારી ક્ષેત્રમાં પણ પાર્ટીએ મૅન્ડેટ આપવાની શરૂઆત કરી.”
જવાબમાં સંઘાણીએ કહ્યું, “સવારે નેતા કૉંગ્રેસમાં હોય, બપોરે કેસરી ખેસ પહેરી લે અને સાંજે ભાજપમાં જોડાઈ જાય, તો શું એ ઇલુ-ઇલુ નથી?”
હવે જે જયેશ રાદડિયાના ઇફ્કોના ડિરેક્ટર ચૂંટાવાને લઈને ભાજપમાં વિવાદ થયો છે તે જયેશ રાદડિયા કોણ છે?
કોણ છે જયેશ રાદડિયા?

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
જયેશ રાદડિયાને સમજવા માટે સૌથી પહેલા તેમના પિતાને સમજવા પડે. જયેશ રાદડિયાની સૌથી મોટી ઓળખ તેમના પિતા એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાંચ વર્ષ પહેલાં વિઠ્ઠલભાઈનું નિધન થયું. તેઓ દબંગ નેતા હતા સાથે તેઓ જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન, પૂર્વ મંત્રી અને પૂર્વ સંસદસભ્ય હતા. સૌરાષ્ટ્રમાં તેઓ ‘છોટે સરદાર’ના નામે પ્રખ્યાત હતા.
અનેક વખત પક્ષપલટો કરીને રાજકારણ કરનારા વિઠ્ઠલભાઈ પહેલા ભાજપમાંથી ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેઓ શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાંથી પણ ધારાસભ્યપદે ચૂંટાયા, કૉંગ્રેસમાં ગયા બાદ પણ તેઓ ધારાસભ્ય અને સંસદસભ્ય બન્યા.
2013માં તેઓ ફરી ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં ફરી પોરબંદરના સંસદસભ્ય બન્યા.
જાણકારો કહે છે તે પ્રમાણે તેમની એવી શાખ હતી કે તેઓ કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૂંટાઈ આવે.
જ્યારે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં માત્ર ચાર જ બેઠકો પર જીત મેળવી શકી હતી તે ચાર પૈકી એક જીત વિઠ્ઠલભાઈ રાદડિયાની હતી.
તેઓ કામ માટે કે વિરોધ માટે કોઈ અધિકારી પર હાથ ઉપાડતા પણ અચકાતા નહોતા. સમય આવે ત્યારે સરકારી અધિકારી કે મંત્રીઓનો ઊધડો લઈ લેતા હતા.

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
આવા દબંગ નેતા વિઠ્ઠલભાઈનું સંતાન એટલે જયેશ રાદડિયા.
20મી ડિસેમ્બર, 1981માં જામકંડોરણામાં જન્મેલા જયેશ રાદડિયાએ સિવિલમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.
નેતાના પુત્રના રાજનીતિમાં આવવાનાં લક્ષણો યુવાવયે જ દેખાતા હતા. કૉલેજકાળમાં તેઓ એબીવીપી સાથે જોડાયા.
પાંચમાં ધોરણથી તેમની સાથે ભણનારા તેમના મિત્ર પુરુષોત્તમ સાવલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “જ્યારે તેઓ 2000-01માં એમ.એસ. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.”
તેમનાં લગ્ન મિતલબહેન સાથે થયાં. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી ક્રિષા હાલ અમદાવાદમાં મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરે છે. પુત્ર મહિક હાલ 9માં ધોરણમાં ભણે છે.

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્યારે 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે તેમના પિતા વિઠ્ઠલભાઈ કૉંગ્રેસમાં હતા. તેમણે જયેશ રાદડિયાને રાજકોટ પૂર્વમાંથી કૉંગ્રેસની ટિકિટ અપાવડાવી. જોકે જયેશ રાદડિયાની ગોવિંદભાઈ પટેલ સામે હાર થઈ હતી. 24 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં માત્ર આ જ ચૂંટણી હતી જે તેઓ હાર્યા હતા.
2009માં તેમણે બેઠક બદલી અને ધોરાજીથી કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા. 2012માં તેઓ જેતપુરથી ફરી ધારાસભ્ય બન્યા. તેમણે ભાજપનાં દિગ્ગજ નેતા જશુબહેન કોરાટને હરાવ્યાં હતા.
ત્યારબાદ તેઓ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવી ગયા અને 2013માં જેતપુરમાં થયેલી પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા. એટલું જ નહીં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના ઉડ્ડયન મંત્રી પણ બન્યા.
2014માં આનંદીબહેન પટેલની સરકારમાં પણ તેમનું મંત્રીપદ ચાલું રહ્યું.
2016માં વિજય રૂપાણી સરકારમાં તેમને પ્રમોશન મળ્યું અને તેઓ કૅબિનેટ મંત્રી બન્યા. તેમને નાગરિક પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો.
2017માં પાટીદાર આંદોલન વચ્ચે પણ તેઓ ધારાસભ્યપદે ચૂંટાઈ આવ્યા.
તેમણે મંત્રાલયમાં ખાદ્ય આપૂર્તિ, ગ્રાહક સુરક્ષા, કુટિરઉદ્યોગ જેવા વિભાગો પણ સંભાળ્યા.
આ સિવાય સહકાર ક્ષેત્રમાં તેમનો દબદબો છે.
ઇફ્કોટમાં હાલ તેઓ બૉર્ડ ઑફ ડિરેક્ટર ચૂંટાઈ આવ્યા છે. ગુજરાત સ્ટેટ કૉ. ઑ. બૅન્કમાં પણ તેઓ ડિરેક્ટર છે. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં તેઓ ચૅરમૅન છે.
જામકંડોરણામાં તાલુકા સહકારી સંઘમાં તેઓ ડિરેક્ટર છે. સરદાર પટેલ સેવા સહકારી મંડળીમાં પણ તેઓ ડિરેક્ટર છે. ઉપરાંત રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ એટલે કે રાજકોટ ડેરીમાં પણ તેઓ ડિરેક્ટર છે.
ભુપેન્દ્ર પટેલની સરકારમાં તેમને પડતા મૂકાયા

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
વિજય રૂપાણીની સરકાર ગઈ. મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને આખેઆખું મંત્રીમંડળ પણ નવું આવ્યું. જેમાં જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું.
જાણકારો કહે છે કે ભાજપની નેતાગીરીએ તેમને સહકાર ક્ષેત્રને સંભાળવાનું કહેવાયું હતું.
પહેલાં તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ ન મળ્યું તેનો વસવસો તો હતો જ સાથે તેમણે આ વખતે પોરબંદર બેઠક માટે ભાજપ પાસે લોકસભાની ટિકિટ માગી હતી. પણ ભાજપે પોરબંદરમાંથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને લડાવવાનું મન બનાવ્યું. જેને કારણે તેમની નારાજગી બેવડાઈ.
રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા બીબીસીના લાઇવ કાર્યક્રમમાં કહે છે, "પોરબંદરથી ભાજપે મનસુખ માડંવિયાને ટિકિટ આપી. હવે જો ભાજપે મનસુખ માંડવિયાને જિતાડવા હોય તો જયેશ રાદડિયાને સાથે લીધો જ છૂટકો હતો. જયેશ રાદડિયા પણ પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડવા માટેના દાવેદાર હતા પણ તેમને ટિકિટ નહોતી મળી તેથી તેઓ નારાજ ચાલતા હતા. આમ ભલે સી. આર. પાટીલે ઇફ્કોની ડિરેક્ટરપદ માટેની ચૂંટણી માટેનો મૅન્ડેટ બિપિન પટેલને આપ્યો હોય, પરંતુ જયેશ રાદડિયાને પણ ભાજપના આશીર્વાદ હતા."
જગદીશભાઈ વધુમાં જણાવે છે, "જ્યારે જયેશ રાદડિયાએ ઇફ્કોની ચૂંટણી માટેનું ફૉર્મ ભર્યું ત્યારે અમિત શાહની જામકંડોરણા ખાતે સભા હતી. તે વખતે અમિત શાહ જયેશ રાદડિયાના ઘરે પણ ગયા હતા. આમ એક તરફ અમિત શાહના અંગત માણસને મૅન્ડેટ આપીને તેને પણ રાજી કર્યા અને સાથે જયેશ રાદડિયાની જીત પાછળ પણ તેમના આશીર્વાદ હતા."

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
"સી. આર. પાટીલને એમ હતું કે અમિતભાઈના ખાસ વ્યક્તિને ટિકિટ આપીને તેમની ગુડબુકમાં વધુ સારું નામ લખાવું પણ તેમ ન થયું. પાટીલની આ ચાણક્યની ચાલ હતી પણ તે જયેશ રાદડિયાના સંદર્ભમાં મોટી ભૂલ હતી. જે પાછળથી ભાજપે સુધારી લીધી. આ ભાજપની આંતરિક રમત છે. જીતનારા ભાજપના જ નેતા છે કોઈ બહારના નહીં."
જોકે જયેશ રાદડિયા પોતાના બચાવમાં કહે છે કે જ્યારે ભાજપે ઇફ્ટોના ડિરેક્ટરપદ માટે મૅન્ડેટ આપ્યો તેની તેમને કોઈ જાણકારી નહોતી.
અને પછી ચૂંટણી થઈ અને જયેશ રાદડિયાની જીત થઈ અને ભાજપના વિધિવત્ કહેવાતા ઉમેદવાર બિપિન ગોતાની હાર થઈ અને જયેશ રાદડિયા સામેનો વિવાદ વધ્યો.
સી. આર. પાટીલે સહકારી ચૂંટણીઓ મામલે કોઈનું નામ આપ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે "કેટલાક લોકો સહકારી ક્ષેત્રના બહાને વિરોધી લોકો સાથે "ઇલુ-ઇલુ" ચલાવતા હતા તેને બંધ કરવા માટે પક્ષે મૅન્ડેટ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે.”
પાટીલના "ઇલુ-ઇલુ"વાળા નિવેદનની પ્રતિક્રિયા આપતા સંઘાણીએ કહ્યું હતું, "સવારે કૉંગ્રેસમાં હોય અને સાંજે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં હોય તો એ "ઇલુ-ઇલુ" નથી?
જેને કારણે ભાજપમાં સહકારી ક્ષેત્રમાં દબદબો વધારવા માટે રમાઈ રહેલા રાજકારણ પરથી પડદો ઊઠી ગયો.
શું કહે છે જાણકારો?

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
જાણકારો કહે છે કે તેઓ તેમના પિતા વિઠ્ઠલભાઈ જેવા તેજતર્રાર નથી. તેમની સાથે બહુ વિવાદો પણ જોડાયેલા નથી. તેઓ તેમના પિતા જેવા દબંગ પણ નથી.
જાણકારો એમ પણ કહે છે કે તેઓ સૌમ્ય સ્વભાવના છે, છતાં સમય આવે તો ઉગ્ર બની શકે છે.
રાજકોટના રાજકીય વિશ્લેષક દેવેન્દ્રભાઈ જાની બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “જયેશભાઈ તેમના પિતાએ ખેતી અને સહકાર ક્ષેત્રમાં જે યોગદાન આપ્યું છે તેનો લાભ મળી રહ્યો છે. તેઓ હાલ તેમના પિતાનો રાજકીય વારસો સંભાળી રહ્યા છે. તેમના પિતા વિઠ્ઠલભાઈના જે સંપર્કો છે તે તેમણે જાળવી રાખ્યા છે, પરંતુ નવા સંપર્કો બહુ ઊભા નથી કરી શક્યા. તેઓ તેમના પિતા જે પ્રકારે કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા અને જીતી જતા તેવું તેમનું વ્યક્તિત્વ નથી.”
રાજકીય વિશ્લેષક સુનીલ જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “સહકાર ક્ષેત્ર જ તેમની તાકાત છે. તેઓ જામકંડોરણામાં કન્યા છાત્રાલય ચલાવે છે. સમૂહ લગ્નનું આયોજન કરે છે. તેમના પિતા જેટલા વિવાદીત હતા તેટલા વિવાદો તેમના નથી.”
તેમના બાળપણના મિત્ર પી. સી. સાવલિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “2017માં પાટીદાર આંદોલન જોર પર હતું. સૌરાષ્ટ્રમાં ભાજપની ઘણી બેઠકો ઘટી હતી. ખોડલધામ સહિતના પટેલ નેતાઓ ભાજપ વિરુદ્ધ હતા. પરંતુ જેતપુરથી જયેશ રાદડિયા પોતાની કાબિલિયતથી વિધાનસભાની ચૂંટણી જીત્યા.”
સાવલિયા વધુમાં જણાવે છે, “2020માં રાજકોટ જિલ્લા સહકારી બૅન્કની બૉડી સંપૂર્ણરીતે બિનહરીફ કરવાનો યશ તેમને જાય છે. આ કામ તેમના પિતા વિઠ્ઠલભાઈ પણ નહોતા કરી શક્યા તે કામ તેમણે કરી બતાડ્યું હતું.
જોકે જયેશ રાદડિયા રાજકીય વારસો હોવાના આરોપનો જવાબ આપતા કહે છે, “હું મારા પિતાના યોગદાનને ન ભૂલી શકું, પરંતુ તેને જાળવી રાખવાનું શ્રેય તો મને જવું જોઈએ ને.”
જયેશ રાદડિયા અને વિવાદ

ઇમેજ સ્રોત, @ijayeshradadiya
જોકે જયેશ રાદડિયા સાથે વિવાદો પણ જોડાયેલા જ છે.
ઇફ્કોના ડિરેક્ટરપદની ચૂંટણી તેમણે જે પ્રકારે લડી તેના કારણે તો વિવાદ થયો છે.
આ વિવાદનો જવાબ આપતા જયેશ રાદડિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “હું ભાજપનો જ કાર્યકર્તા છું અને ભાજપનું જ કામ કરવાનો છું. સહકારી ચૂંટણી એ ખેડૂતોના કામ કરવા માટેની ચૂંટણી છે તેમાં કોઈ વિવાદ હોવો જ ન જોઈએ.”
તેમના પર રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પ્યૂનની ભરતીમાં કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો.
ભાજપ સાથે જ જોડાયેલા નીતિન ઢાકેચા જૂથે આરોપ લગાવીને છેક ગાંધીનગરના નેતાઓ અને અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી.
આ વિવાદ પર બોલતા નીતિન ઢાકેચા બીબીસી ગુજરાતીને જણાવે છે, “હાલ રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં 1100નો સ્ટાફ છે. જે પૈકી ઘણાની ભરતી પટાવાળા તરીકે થઈ છે. પટાવાળા તરીકે ભરતી કરીને તેમને ક્લાર્કનું પ્રમોશન આપી દેવામાં આવે છે. કેટલાક દાખલા તો આવા પટાવાળાના મૅનેજર બન્યાના પણ જોવા મળ્યા છે.”
આ મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં છે.
આ મામલે આક્ષેપ કરનારા સહકારી આગેવાન અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પરશોત્તમ સાવલિયા બીબીસી ગુજરાતીને જણાવે છે, “અમે હાઈકોર્ટમાં આ મામલે બૅન્ક દ્વારા કરવામાં આવેલી છેલ્લાં 20 વર્ષની ભરતીની વિગતો માગી છે.”
આ પહેલાં રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક દ્વારા આ આરોપોને રદીયો આપી દેવામાં આવ્યો છે. આ મામલો 2023માં વિધાનસભામાં પણ ઊઠ્યો હતો.
આ પ્રકારના આરોપ ધરાવતા સવાલો જ્યારે કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પૂછ્યા ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેનો જવાબ આપ્યો.
કનુભાઈ દેસાઈએ તેમના જવાબમાં કહ્યું, “જિલ્લા સહકારી બૅન્કો ભરતી મુદ્દે જાતે નિર્ણય લઈ શકે છે. જિલ્લા સહકારી બૅન્કો કોઈ પણ ભરતી માટે પૂર્ણ સ્વરૂપે સ્વતંત્ર છે. દર વર્ષે તેમનું સરકાર દ્વારા ઓડિટ અને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેમજ રિઝર્વ બૅન્ક સહકારી બૅન્કના ઉચ્ચ હોદ્દેદારોને દૂર કરીને વહીવટદારની નિમણૂક કરી શકે છે.”

ઇમેજ સ્રોત, Jayesh Radadiya / Facebook
જયેશ રાદડિયા પાસે પોતાના વિરોધીઓ માટે જવાબ છે.
તેઓ કહે છે, “અમે 2017ની સરખામણીએ બૅન્કનો નફો બમણો કરી દીધો છે. તેઓ સહકાર ન આપે તો કંઈ વાંધો નહીં પરંતુ કામમાં રોડા નાખવાનું બંધ કરે તો પણ ઘણું છે.”
“28 વર્ષોથી મારા પિતા અને પછી હું બૅન્કનો વહિવટ કરીએ છીએ. આટલાં વર્ષો સુધી અમે ખેડૂતો માટે કામ કર્યું તે જ અમારા માટે આનંદની વાત છે.”
જ્યારે તેઓ ઇફ્કોના ડિરેક્ટરપદે ચૂંટાયા ત્યારે તેમના બે વીડિયો વાઇરલ થયા હતા.
2જી ફેબ્રુઆરી, 2024માં તેમણે જામકંડોરણા ખાતે લેઉવા પટેલ સમાજની 351 યુવતીઓનાં સમૂહલગ્ન સમારોહનું આયોજન કર્યુ હતું. આ આયોજનને સંબોધતા તેમણે કહ્યું હતું, “જ્યાં સુધી આ કાંડામાં તાકાત છે, ત્યાં સુધી પીછેહઠ નથી કરી. કારણકે આ કાંડુ વિઠ્ઠલભાઈના વારસદારનું કાંડું છે. રાજનીતિ અને સમાજનું નેતૃત્વ ઘણા ઓછા લોકો કરે છે. હું વાતો જ નથી કરતો. રાજનીતિ રમવાના સમયે રાજનીતિ પણ રમું છું. પણ જે ક્ષેત્ર રાજનીતિનું ન હોય ત્યાં રાજનીતિ ન થવી જોઈએ. જો આવું કરશું તો લોકો આપણને નહીં સ્વીકારે.”
બીજો એક વીડિયો હતો ફેબ્રુઆરી, 2020નો. જેમાં તેઓ જામકંડોરણાનાં સમૂહલગ્નનાં જ એક કાર્યક્રમને સંબોધતા કહે છે, “જામકંડોરણામાં મારા પિતાએ 30 વર્ષનું વાવેતર કર્યું છે. તેને લણવાનો અધિકાર મને જ હોય. શું સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં બીજા કોઈને આવવા દઈએ છીએ? આપણને મુશ્કેલી પડી હોય કે પછી પાડી દેવાની કોશિશ થઈ હોય તો તે બીજા કોઈ નહીં આપણા જ સમાજના લોકો નીકળ્યા હોય છે. મારી કે મારા પરિવાર સામે આંગળી ચીંધી શકે તેવી રાજ્યમાં કોઈની તાકાત નથી.”
જાણકારો જયેશ રાદડિયાના આ બંને વાઇરલ થયેલા વીડિયોને તેમના તીખા તેવર સાથે સાંકળે છે.












