'બીજે તો પાણી વેચાતુંય મળી જાય, અહીં વેચાતુંય મળતું નથી'- છોટાઉદેપુરના લોકોની સમસ્યાઓ કેમ ઠેરની ઠેર છે?

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, છોટાઉદેપુરથી પરત ફરીને

રસ્તા, વીજળી, પાણી કે પછી રોજગારી, આમાનું કશું જ અહીં ઉપલબ્ધ નથી. છોટાઉદેપુરના તુરખેડા ગામના રહેવાસીઓ કહે છે કે આ તેમના જીવનની કડવી વાસ્તવિકતા છે. પર્વતોની ખીણમાં વહેતી નર્મદા નદી થકી ગામની સુંદરતા ઊડીને આંખે વળગે એવી છે, પરંતુ આ સુંદરતા અને ગામલોકોનું જીવન વિરોધાભાસી છે. હજી સુધી અહીં સરકાર, સરકારી અધિકારીની નજર કે પછી સરકારી યોજનાઓ પહોંચી નથી એવું ગામલોકોનું કહેવું છે.

એક તરફ મહારાષ્ટ્ર અને બીજી તરફ મધ્યપ્રદેશની સરહદ ધરાવતા આ ગામના રહેવાસીઓને જાણે કે ‘વિકાસ’ શબ્દ વિશે કોઈ માહિતી નથી.

અહીંના લોકો આજે પણ બે લાકડી અને ગોદડીની મદદથી એક કામચલાઉ સ્ટ્રેચર બનાવીને ગર્ભવતી બહેનોને કે બીમાર વ્યક્તિઓને પાંચ કિલોમીટર સુધી ખભે ઊંચકીને લઈ જાય છે.

અહીં રહેતા તેરસિંગભાઈ રાઠવાને સરકારી રૅશનની દુકાનથી રૅશન તો મળે છે, પરંતુ તે રૅશન લેવામાં તેમનો એક આખો દિવસ જાય છે. કારણ કે પોતાના ઘરેથી લગભગ પાંચ કિલોમીટર ડુંગરવાળો રસ્તો ચાલીને પાર કર્યા બાદ જ તેઓ આ દુકાન સુધી પહોંચી શકે છે અને પછી રૅશનની ગૂણી ખભે ઉપાડીને તેઓ પાછા ઘરે આવે છે.

તેઓ કહે છે, "આમ તો અહીં મોટરસાયકલ આવી શકે છે, પરંતુ તેના માટે ખૂબ સારો ડ્રાઇવર જોઇએ, કારણ કે પર્વતોના રસ્તા ખૂબ આડાઅવળા છે અને ગમે તે ક્ષણે મોટરસાયકલ નીચે પડી શકે છે."

તેમના ફળિયા સુધીનો હાલમાં જે રસ્તો છે એ વર્ષો પહેલાં ગામલોકોએ જ બનાવ્યો છે.

તેરસિંગભાઈ કહે છે, "આ તો અમારા વડવાઓ બનાવી ગયા હતા, પરંતુ હજુ સુધી સરકારે અમને ક્યારેય આ વિસ્તારમાં રસ્તો બનાવી નથી આપ્યો."

'નથી રસ્તા, એટલે નથી રોજગારી'

બીબીસી ગુજરાતી

ગામલોકોનું કહેવું છે કે અહીં રસ્તાઓ ન હોવાને કારણે આ ગામમાં રોજગારી નથી. તેના કારણે લગભગ ગામ આખાએ ચોમાસા સિવાયના સમયમાં સ્થળાંતર કરવું પડે છે.

દિન્યાભાઈ રાઠવાના પરિવારમાં 15 લોકો છે. તેમનો પરિવાર વર્ષના આઠ મહિના બહાર રહે છે.

તેઓ કહે છે, "તો શું કરીએ? બીજા વિસ્તારોમાં તો પાણી વેચાતું પણ મળી જાય, અહીં તો વેચાતું પાણી પણ મળતું નથી. નર્મદા નદી અમને અહીંથી દેખાય ખરી, પણ તેનું પાણી લેવા માટે અમારે ડુંગરો પાર કરીને જવું પડે."

"ગામના આ ફળિયાના લોકો માટે શાળા નથી, આંગણવાડી નથી, કે પછી કોઈ દવાખાનું નથી. બાળકો ઘરે જ રહે છે. અમે તેમને દૂરની શાળામાં કેવી રીતે દાખલ કરીએ? તે ત્યાં સુધી જઈ શકે નહીં. પર્વતોનો રસ્તો પાર કરીને કેવી રીતે શાળા સુધી પહોંચી શકે? એટલા માટે બધાં બાળકો આખો દિવસ ઘરે જ હોય છે."

આ ગામના આગેવાન નાથુડિયા ઉકેડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "અમે આજ સુધી અહીં કોઈ સરકારી અધિકારીને જોયા નથી. અમે કોઈ નેતા કે ધારાસભ્યને પણ જોયા નથી. અમે તેમના નકશામાં જાણે છીએ જ નહીં, તેવી રીતે અમારી સાથે વ્યવહાર થાય છે. અમે અમારું અનાજ લેવા નથી જઈ શકતા તો આ સરકારી અધિકારીઓ પાસે ધક્કા ખાવા કેવી રીતે જઈએ?"

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમસ્યા વિશે બીબીસી ગુજરાતીએ છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "આખા જિલ્લામાં વિવિધ સ્થળો પર જ્યાં રસ્તા નથી બન્યા તે તમામ સ્થળો પર રસ્તા બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અમુક જગ્યાએ ટેન્ડરિંગની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણી બાદ રસ્તા બનાવવાના કામ શરૂ કરવામાં આવશે."

છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે જ્યારે આ ગામમાં રસ્તાની સમસ્યા વિશે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું કે, "આમ તો છોટાઉદેપુરનાં મોટા ભાગનાં ગામડાંમાં રસ્તા બની ચૂક્યા છે, અને જ્યાં નથી બન્યા ત્યાં ટૂંક સમયમાં બની જશે. જોકે, તુરખેડા ગામ સુધી પહોંચવાનો અમુક રસ્તો જંગલખાતાની જમીન પર હોવાથી ત્યાં રોડ બનાવવામાં વિવિધ મંજૂરીઓની જરૂર છે, જે ટૂંક સમયમાં જ મળી જશે."

જોકે, ગુજરાત રાજ્યના ડાયરેક્ટૉરેટ ઑફ ઇકોનૉમિક્સ ઍન્ડ સ્ટૅટિસ્ટિક્સના એક અહેવાલ પ્રમાણે 2016-17ની સ્થિતિ પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 81,246 કિમીના રસ્તાઓ છે જેમાં વિવિધ હાઈ-વે, ગામડાંને જોડતા રસ્તા વગેરેનો સમાવેશ થાય છે. આ અહેવાલ પ્રમાણે છોટાઉદેપુરમાં 1773 કિમીના રસ્તાઓ બન્યા છે. એ સમયના રસ્તાની લંબાઈ પ્રમાણે રાજ્યના સાત સૌથી ઓછી કનેક્ટિવિટી ધરાવતા જિલ્લામાં છોટાઉદેપુર એક છે.

34 શાળાઓમાં એકપણ શિક્ષક નથી

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

ઇમેજ કૅપ્શન, ઓડી ગામનાં રહેવાસી રામકાબહેન ધાનક

આ છેવાડાના વિસ્તારથી જો છોટાઉદેપુરનાં બીજાં ગામડાંઓ તરફ આવીએ તો પણ લોકોની સમસ્યાઓનો કોઈ પાર નથી. જેમ કે, છોટાઉદેપુરના બાલાવાંડ ગામની વાત કરીએ તો અહીંની શાળાની ઇમારતની હાલત અતિશય ખરાબ છે. તિરાડોવાળા ઓરડામાં હાલ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર છે.

આ ગામના એક આગેવાન યુવાન સુરતાનભાઈ રાઠવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અમારી સતત રજૂઆતો બાદ સરકારે બાલાવાંડ પ્રાથમિક શાળા માટે નવા ત્રણ ઓરડા તો મંજૂર કરી દીધા છે, પરંતુ બે વર્ષ થઈ જવા છતાં હજુ સુધી તેનું બાંધકામ શરૂ નથી થયું. બાળકો માટે શાળાની અંદર કોઈ મેદાનની પણ વ્યવસ્થા નથી."

ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે હાલમાં છોટાઉદેપુરમાં લગભગ 238 શાળાઓ એવી છે કે જ્યાં બાળમંદિરથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે. કુલ 34 શાળાઓ એવી છે કે જ્યાં એકપણ શિક્ષક નથી.

બીબીસી ગુજરાતીએ ખડકવાડા ગામની પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી. ત્યાં હાજર શિક્ષિકાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે, આ ગામનાં એક વાલી મીરખીબહેન રાઠવાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ઘણી વખત તો આ એક શિક્ષિકાને પણ કામે જવાનું હોય એટલે શાળા ચાલુ હોવા ઉપરાંત પણ બાળકો શાળામાં એકલાં હોય છે. આ વ્યવસ્થામાં બદલાવ લાવવાની જરૂર છે. તેના કારણે અમારાં બાળકોનું શિક્ષણ સતત બગડી રહ્યું છે."

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

આ જ ગામના એક બીજા વાલી જનકાભાઈ ગુજા કહે છે કે, "અમે તો અભણ છીએ, એટલે અમને કંઈ ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે ચાલે છે. પરંતુ હકીકત એ છે કે હાલમાં આ શાળામાં માત્ર એક જ શિક્ષિકા છે અને તે તમામ બાળકો પર ધ્યાન આપી શકતાં નથી."

જિલ્લાના નાની કનાઝ ગામની પણ આવી જ પરિસ્થિતિ છે. અહીંની પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી એક જ શિક્ષિકા છે. બીબીસી ગુજરાતીએ જ્યારે આ શિક્ષિકા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે પણ વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે આ વિસ્તારના આગેવાન યુવાન ઇન્દ્રસિંહ રાઠવાએ બીબીસીને જણાવ્યું કે, "શાળામાં શિક્ષક ન હોય, તો વાલીઓ બાળકોને અડધેથી શાળામાંથી ઉઠાવી લે છે અને પછી સરકાર ઓછી સંખ્યાના નામે શાળા બંધ કરી દે છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "જિલ્લામાં 1069 ઓરડાની અછત છે, જેમાંથી 750 ઓરડા બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે."

શિક્ષકોની અછત વિશે તેમણે કહ્યું કે, "સરકારી નિયમ પ્રમાણે દર 30 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક હોવો જરૂરી છે. એટલા માટે અમે તે નિયમ પ્રમાણે કામ કરી રહ્યા છીએ. પરંતુ તેમ છતાં પણ ટૂંક સમયમાં નવી ભરતી થશે એટલે આ સમસ્યાનું કાયમી સમાધાન આવી જશે."

'ખેતરોમાં 15 કલાકની મજૂરી પછી માંડ 200 રૂપિયા મળે'

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

ઇમેજ કૅપ્શન, બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે વાત કરી રહેલા તુરખેડા ગામના રહેવાસી દિનેશભાઈ ભીલ

છોટાઉદેપુરમાં આશરે 80 ટકા વસ્તી અનુસૂચિત જનજાતિની છે. આ જિલ્લામાં છ તાલુકાઓ, છ શહેરો, 891 ગામડાં અને એક નગરપાલિકાનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરમાં રોજગારીની સમસ્યા હોવાને કારણે લગભગ દરેક પરિવારના લોકો શહેરોમાં કામ કરવા જાય છે.

જેમ કે કોટબી ગામના રહેવાસી ભુગરભાઈ રાઠવા જ્યારે 15 વર્ષના હતા ત્યારથી ગઢડામાં ભાગીદારીમાં ખેતી કરવા જાય છે.

તેઓ કહે છે, "હું મારા પરિવારને લઈને જાઉં છું. અમને ક્યારેય રજા મળતી નથી. અમે માત્ર હોળી પર જ ગામડે આવી શકીએ છીએ."

આવી જ રીતે ઓડી ગામના રહેવાસી મહેશભાઇ રાઠવા કહે છે કે, "જો અમને અમારા ગામમાં જ મજૂરી મળી જાય, તો અમે રાતદિવસ મહેનત કરવા માટે બીજા જિલ્લાઓમાં ન જઈએ. અમે ત્યાં ખેતરોમાં 15 કલાક સુધી મજૂરી કરીએ અને અમને માત્ર 200 રૂપિયા મળે છે. આટલા પૈસામાં અમારે અમારા પરિવારનું પણ ભરણપોષણ કરવાનું હોય છે."

બેરોજગારીની સમસ્યાને કારણે જ્યારે આખેઆખા પરિવાર સ્થળાંતરિત થાય છે ત્યારે ગામમાં વૃદ્ધ માતાપિતા રહી જાય છે જેમના પર ઘરની તમામ જવાબદારીઓ આવી જાય છે.

આવાં જ એક 85 વર્ષનાં મહિલા રામકાબહેન ધાનક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મારે ખેતીનું કામ કરવાનું હોય છે. અમારે બે બળદ છે તેથી તેમનું ધ્યાન રાખવાનું હોય છે. મને ખૂબ તકલીફ પડે છે. પણ મારા દીકરાનો પરિવાર જો શહેરમાં ન જાય તો અમારે ભૂખ્યા મરવાના દિવસો આવે."

રોજગારીની સમસ્યા વિશે વાત કરતા રાજેન્દ્ર રાઠવાએ કહ્યું , "સરકારની વિવિધ યોજનાઓ, જેમાં મહિલાઓ અને યુવાનો પર કેન્દ્રીત વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે, તેવી યોજનાઓ અમલમાં છે અને આ દિશામાં સરકાર સતત કામ કરી રહી છે. આવનારા દિવસોમાં હજી વધુ GIDC લાવવાની પણ સરકારની યોજના છે. સિંચાઈના પાણીની યોજનાઓ મારફતે ખેતી માટે પણ શિયાળુ તેમજ ઉનાળુ પાક લઈ શકાય તેવી યોજનાઓ આ વિસ્તારને મળે તે માટેની ચર્ચા સરકાર સાથે સતત ચાલી રહી છે, અને યોગ્ય સમયમાં આ યોજનાઓની જાહેરાતો પણ કરવામાં આવશે."

'બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે'

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

ઇમેજ કૅપ્શન, નાથુડિયા ઉકેડિયા

ગુજરાતના અનેક આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યાનું છેલ્લા ઘણા દાયકાઓથી સમાધાન આવ્યું નથી. બીબીસી ગુજરાતીએ જ્યારે વિવિધ ગામડાંની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ઘણાં ગામડાંમાં પાણીની પાઇપલાઇન લાગી ગઈ છે પરંતુ તેમાં પાણી આવતું નથી.

આવા જ એક યુવાન કાનસિંહ રાઠવા બીબીસીને જણાવે છે કે, "અમારે આજે પણ બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે. મારા ઘરમાં પાણીની લાઇન છે, પરંતુ તેમાં પાણી નથી. 'નલ સે જલ' યોજના હેઠળ અમને પાણી મળવું જોઈએ પરંતુ આ યોજનાનો અમને કોઈ લાભ મળ્યો નથી."

પાણીની સમસ્યા વિશે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે, "હાલમાં અમે કવાંટ અને પાવીજેતપુર સહિત ત્રણ મુખ્ય વિસ્તારો પર કામ કરવાનું શરૂ કર્યું છે. જોકે, તે ઉપરાંત બીજા ઘણા વિસ્તારોમાં પાણી પહોંચી ચૂક્યું છે."

તેમણે કહ્યું કે, "છોટાઉદેપુરમાં મુખ્યત્વે હૅન્ડપમ્પ અને બોરવેલ થકી પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ઉનાળાના મહિનામાં પાણીની તંગી વધી જાય છે. આથી, આ મહિનાઓમાં પણ પાણી મળી રહે તેના માટે સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે."

છોટાઉદેપુરમાં આ વખતે કોનો જંગ?

છોટાઉદેપુર સમસ્યાઓ વીજળી રોડરસ્તા વિકાસ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAGAR PATEL/BBC

છોટાઉદેપુર લોકસભાની બેઠક 1967માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ 1999, 2009, 2014 અને 2019 સિવાય દરેક ચૂંટણીમાં અહીં કૉંગ્રેસના સાંસદ રહ્યા છે.

મનમોહનસિંહની સરકારમાં છોટાઉદેપુરના સાંસદ નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા. છોટાઉદેપુર કૉંગ્રેસના મોહનસિંહ રાઠવા 11 વખત અહીંના ધારાસભ્ય બન્યા છે. તેઓ 2022માં કૉંગ્રેસથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા ભાજપમાંથી છોટાઉદેપુરના ધારાસભ્ય બન્યા હતા.

હાલમાં ભાજપે લોકસભાની ચૂંટણી માટે જસુભાઈ રાઠવાને ટિકિટ આપી છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે,"જિલ્લામાં રોડ, રસ્તા વગેરેના કામે વેગ પકડ્યું છે, અને ટૂંક સમયમાં દરેક પ્રાથમિક શાળા, તેમજ આરોગ્ય કેન્દ્રને જોડતા રસ્તા પણ બનાવવામાં આવશે."

જોકે, બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર અને 2022માં જેઓ વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા તેવા સુખરામ રાઠવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "ભાજપે આજ સુધી અહીંયા માત્ર મતોની રાજનીતિ કરી છે. વિવિધ યોજનાઓની લાલચ આપીને લોકોના મતો લીધા છે, પરંતુ તેમના માટે કોઈ નક્કર કામ કર્યું નથી."

કૉંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ભાજપ પર આરોપો મૂકતા કહ્યું કે, "હાલમાં જ છોટાઉદેપુરમાં નકલી કચેરીઓ પકડાઈ હતી જેમાં 21 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આમાં વિવિધ સરકારી અધિકારીઓ પણ સામેલ હતા. આ પ્રકારના ભ્રષ્ટાચારને કારણે અહીંના લોકો ભાજપથી કંટાળ્યાં છે."