ગુજરાત ભાજપમાં વિરોધનો વંટોળ કેમ જોવા મળી રહ્યો છે?

ઇમેજ સ્રોત, FB/CR PATIL/BHUPENDRA PATEL
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતના ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે.
ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરીને પૂરપાટ ઝડપે પ્રચાર કરવાની શરૂઆત તો કરી દીધી, પરંતુ વડોદરા અને સાબરકાંઠાની લોકસભા બેઠકો પર જાહેરાત બાદ ઉમેદવારો બદલાતાં પાર્ટીમાં ‘સબસલામત’ની લાગણી અને બમ્પર માર્જિનથી જીતવાના આત્મવિશ્વાસ સામે પ્રશ્નો ઊઠવા લાગ્યા છે.
નોંધનીય છે કે વડોદરાથી ભાજપનાં સાંસદ રંજનબહેન ભટ્ટે કાર્યકર્તાઓના ભારે વિરોધ બાદ ‘અંગત કારણસર’ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. કંઈક આવું જ સાબરકાંઠાથી ટિકિટ મળ્યા બાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ કર્યું.
બંને ઉમેદવારોના સ્થાને વડોદરાથી ડૉ. હેમાંગ જોશી અને સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ તો અપાઈ, પરંતુ સાબરકાંઠામાં હજુ પણ ભાજપના કાર્યકરો ‘આયાતી ઉમેદવારને ટિકિટ આપવા’ મુદ્દે વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો.
આ સિવાય સુરેન્દ્રનગરમાં પણ હાલના લોકસભા સાંસદને હઠાવી ચંદુ શિહોરાને ટિકિટ આપતાં સ્થાનિક તળપદા કોળી સમાજે ભાજપે ‘અન્યાય કર્યા’ની ફરિયાદ કરી છે. જોકે, આ વિરોધ પક્ષનો આંતરિક નથી.
આખરે આ વખત એવું તો શું થયું છે કે ભાજપમાં આંતરિક વિરોધ સપાટી પર જોવા મળી રહ્યો છે? આનાં સંભવિત કારણો અંગે જાણવા બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
ભાજપનો ‘અતિ આત્મવિશ્વાસ’ બન્યો મુશ્કેલીનું કારણ?

ઇમેજ સ્રોત, RANJAN BHATT FB/BHIKHAJI THAKOR@FB
જાણીતા રાજકીય નિષ્ણાત ઘનશ્યામ શાહે ભાજપમાં હાલ જોવા મળી રહેલા ‘અસંતોષ’ને સ્વાભાવિક ગણાવતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં પાર્ટીનું કદ વધ્યું છે, પરંતુ સાથોસાથ નરેન્દ્ર મોદીની પકડ પણ ઢીલી પડતી જણાઈ હતી. આનું જ પરિણામ હતું કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનો દરમિયાન પક્ષ માંડમાંડ સત્તા પર આવી શક્યો. પરંતુ એ બાદની ચૂંટણીમાં મળેલી સફળતાથી હવે પક્ષમાં અતિ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે."
તેઓ આગળ કહે છે કે, "આ અતિ આત્મવિશ્વાસને કારણે જ પક્ષ નો રિપીટની થિયરી લાગુ કરી ઉમેદવારો બદલતો રહ્યો અને કૉંગ્રેસમાંથી મજબૂત નેતાઓને પક્ષમાં લાવતો રહ્યો. પરંતુ આ બધું થવાના કારણે ભાજપના લોકો સ્વાભાવિકપણે જ નારાજ થયા છે. પક્ષે હવે સપાટી પરની હકીકતથી દૂર રહીને ઉમેદવારો નક્કી કર્યા, જેના કારણે કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપની ઉમેદવાર પસંદગીની નીતિ અંગે વાત કરતાં શાહ કહે છે કે, "જીતના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પાર્ટી ઇચ્છે એને ઉમેદવાર બનાવી દે છે. આના કારણે પાર્ટીના કાર્યકરોમાં નારાજગી વધી રહી છે. જોકે, આની અસર ચૂંટણીમાં દેખાશે કે નહીં, હાલ એ કહેવું ઉતાવળભર્યું હશે, પણ ઉમેદવારોની મનસ્વી પસંદગી ભાજપમાં આંતરિક ડખા ઊભા કરી રહી છે એટલું તો ખરું."
શું ભાજપ આ વખત ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગયો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘનશ્યામ શાહના વિશ્લેષણ સાથે સંમત થતા ફૂલછાબ દૈનિકના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા કહે છે કે, "આ ચૂંટણીમાં ભાજપથી ઉમેદવારોની પસંદગીમાં થાપ ખવાઈ ગઈ છે. પક્ષના જૂના નેતાઓને તડકે મૂકવાને કારણે ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં ખુલ્લેઆમ દેખાવો થવા, પત્રિકાયુદ્ધ થવું એ એ બતાવે છે કે ભાજપથી આ વખત ભૂલ થઈ છે."
કૌશિક મહેતા તાજેતરમાં બે બેઠકો પર ઉમેદવાર બદલવાના ભાજપના નિર્ણયને ટાંકતાં કહે છે કે, "સ્થાનિક કાર્યકર્તાને એવું લાગી રહ્યું છે કે બહારથી આવેલા નેતાઓને મદદ કરવાની અને તેમના જ સ્થાનિક નેતા તડકે મુકાય એ વાજબી નથી. તેથી બબ્બે લોકસભા બેઠકો પર નિર્ણય બદલવા પડ્યા છે."
તેઓ કહે છે કે,"આ સ્થિતિ સર્જાવાનું બીજું કારણ એ પણ છે કે સી. આર. પાટીલ ભાજપના પ્રદેશપ્રમુખ બન્યા એ બાદ જ્યારે પ્રથમ વખત તેઓ સૌરાષ્ટ્રના કાર્યકરોની મુલાકાતે ગયેલા ત્યારે તેમણે બાંહેધરી આપેલી કે બહારથી કોઈ ઉમેદવારોને નહીં લેવાય. પરંતુ બાદમાં આ વચન પળાયું નથી. એટલે પણ આંતરિક વિખવાદ ઊભા થયા છે."
"ભાજપમાં પહેલાં ઉમેદવારોને જમીની હકીકત ચકાસીને ચૂંટણીમાં ઉતારાતા હતા, પણ હવે તમામ બેઠકો જીતવાના વધુ પડતા ઉત્સાહમાં જીત પોતાની હોવાનું માનીને ઉમેદવારો જાહેર કરવાને કારણે આ અસંતોષ જોવા મળી રહ્યો છે."
આ સિવાય વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીનું પણ કહેવું છે કે આ વખત ભાજપે જીતના વધુ પડતા આત્મવિશ્વાસમાં ઉમેદવારો જાહેર કર્યા હોય એવું લાગી રહ્યું છે.
રાજ ગોસ્વામી કહે છે કે, "ભાજપ ઘણા સમયથી નો રિપીટ થિયરી લાગુ કરીને પણ કેન્દ્રીય નેતાગીરીને કારણે જીતી જાય છે, આના કારણે આ અતિ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે."
તેઓ આત્મવિશ્વાસ છતાં પાર્ટીએ ઉમેદવાર બદલ્યા એ પાછળનાં સંભવિત કારણો અંગે કહે છે કે, "આ વખત પક્ષે તમામ બેઠકો બમ્પર બહુમતીથી જીતવાનો નિર્ધાર કર્યો છે."
"પક્ષને લાગે છે કે ગમે એ ઉમેદવાર ઊભો કરાય તો પણ કેન્દ્રીય નેતાગીરીના દમે જીતી શકાય છે. પરંતુ તે સ્થાનિક કાર્યકરોની નારાજગી વહોરવા માગતા નથી. પોતાના લક્ષ્યને મેળવવા માટે સ્થાનિક કાર્યકરોને નારાજગી દૂર કરવા ઉમેદવારો બદલ્યા હોય એવું લાગી રહ્યું છે."
જોકે, તેઓ કહે છે કે આ વખત ભાજપના કાર્યકરોએ ખૂલીને વિરોધ કર્યો છે, જે ભાજપ માટે ‘ચિંતાનો વિષય’ છે, પણ કૉંગ્રેસ આનો કેટલો લાભ ઉઠાવી શકશે એ કહેવું હાલ અઘરું હતું.
ભાજપના હૅડક્વાર્ટર કમલમમાં અલગઅલગ બેઠકો પર થઈ રહેલા વિરોધ બાદ બેઠકો ચાલી રહી છે.
આ બધી પરિસ્થિતિ વિશે ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેનો સંપર્ક કરતા તેમણે ભાજપમાં કોઈ વિવાદ નહીં હોવાનો દાવો કરતા ઉમેદવારો બદલવાની અને પસંદ કરવાની પ્રક્રિયા પક્ષનો આંતરિક મામલો હોવાથી કોઈ પણ ટીકા-ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
પહેલાં પણ ઊઠી ચૂક્યા છે આંતરિક વિરોધના સૂર

ઇમેજ સ્રોત, Getty Images
હાલ ભાજપમાં ઊઠી રહેલા વિરોધના અવાજોને સાંભળીને ઘણા આશ્ચર્યચકિત છે, પરંતુ ભાજપના રાજકારણને નિકટથી જોનારા લોકોનું કહેવું છે કે આ પહેલી વખત નથી જ્યારે પક્ષમાં આંતરિક વિરોધના સૂર ઊઠ્યા હોય.
એ સમયને યાદ કરતા વરિષ્ઠ પત્રકાર ગુણવંત ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "શિસ્તબદ્ધ અને કૅડરબૅઝ્ડ પક્ષ ગણાતા ભાજપમાં સૌપ્રથમ વખત ઊભાં ફાડિયાં વર્ષ 1996માં થયાં હતાં. જોકે પછી શંકરસિંહ વાઘેલાના ‘ખજૂરાહો કાંડ’ બાદ ભાજપમાં લગભગ ‘સબસલામત’ જેવું ચાલતું હતું."
"એ બાદ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં છ બેઠકોનું નુકસાન થયું હતું. એ ચૂંટણીમાં પક્ષને 14 જ્યારે કૉંગ્રેસને 12 બેઠક મળી હતી. ત્યારે પણ ભાજપમાં કેટલીક હદે આંતરિક ગણગણાટ શરૂ થયો હતો, પણ બાદમાં એ શમી ગયો હતો."
તેઓ ભાજપમાં એ બાદ ઊઠેલા વિરોધના વંટોળના સમયને યાદ કરતાં આગળ કહે છે કે, "ત્યાર બાદ 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપમાં અસંતોષ વધ્યો હતો."
"એ સમયે ભાજપના ધારાસભ્યોનું એક જૂથ નારાજ હતું. તેઓમાં લોકસભની ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સુરતના કાશીરામ રાણા, કચ્છના પુષ્પદાન ગઢવી, વડોદરાના જયાબહેન ઠક્કર અને સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા કોળીને બદલાતા અસંતોષ હતો."
"એ સમયે આ નેતાઓના સમર્થકોએ તત્કાલીન ગુજરાત ભાજપના પ્રમુખ પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને ધારણાં અને દેખાવો કર્યાં હતાં. તો સોમા ગાંડા પટેલ ભાજપ છોડી કૉંગ્રેસની ટિકિટ પર સુરેન્દ્રનગરથી લડ્યા અને જીત્યા હતા."
ગુણવંત ત્રિવેદી કહે છે કે એ સમયે ભાજપના નારાજ લોકોએ ગોરધન ઝડફિયાની આગેવાનીમાં મહાગુજરાત જનતા પાર્ટી (એમજેપી) બનાવી હતી.
"પક્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે ચાર જગ્યાએથી ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ખુદ ગોરધન ઝડફિયા ભાવનગરથી લડ્યા અને દોઢ લાખ વોટ લીધા હતા. તો સામેની બાજુએ સુરતમાં કાશીરામ રાણાએ ખુલ્લો બળવો નહોતો કર્યો, પણ એમજેપીમાંથી એમના ખાસ સમર્થક અને સુરતના ભૂતપૂર્વ મેયર ફકીર ચૌહાણ લડ્યા ત્યારે પાછળ બારણેથી સપોર્ટ કર્યો હતો.”
સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે કાશીરામ રાણાને 2009ની લોકસભા ચૂંટણીમાં સુરતથી ટિકિટ ન અપાઈ અને તેમના બદલે એક નવોદિત દર્શના જરદોશને મોકો આપવામાં આવ્યો હતો. તેમની ટિકિટ એટલા માટે નહોતી કાપવામાં આવી કે તેઓ ચૂંટણી જીતવા સક્ષમ ન હતા. સુરત ભાજપની સલામત બેઠક હતા અને કાશીરામ અપરાજિત હતા. તેમની ટિકિટ એટલા માટે કાપવામાં આવી હતી કે મોદી કોઈ પણ તાકતવર નેતા સાથે સત્તાની ભાગીદારી કરવા માગતા ન હતા.
"આ સિવાય વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલની આગેવાની ગુજરાત પરિવર્તન પાર્ટી બની, પણ ઝાઝો કોઈ ફાયદો થયો ન હતો, બાદમાં આ નેતાઓ ભાજપમાં પરત જોડાઈ ગયા હતા."
કેશુભાઈએ બળવો કર્યો અને 2012માં મોદી સામે જંગ છેડ્યો હતો.
તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)ની રચના કરી અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ તેમના પક્ષને માત્ર બે જ બેઠકો મળી. એક ધારીની બેઠક મળી અને તેઓ પોતે જૂનાગઢના વીસાવદરથી જીતી શક્યા.
આખરે કેશુભાઈની તબિયત પણ કથળવા લાગી હતી એટલે 2014માં તેમણે જીપીપીનું વિસર્જન કરી નાખ્યું અને તેને ભાજપમાં ભેળવી દીધી.
નોંધનીય છે કે છેલ્લે ભાજપમાં થયેલા મોટા આંતરિક વિરોધનાં વર્ષો બાદ ફરીથી આ પક્ષમાં બેઠકો અને ઉમેદવારો મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે.














