રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એવું શું બોલ્યા કે તેમણે માફી માગવી પડી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Parshottam Rupala/X

ભાજપે ગત રવિવારે (24 માર્ચ) લોકસભા ચૂંટણી માટેની પોતાની પાંચમી યાદી જાહેર કરી હતી, આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર પાર્ટી ઉમેદવારોનાં નામની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાની બેઠકો પર ચૂંટણીપ્રચારની પણ શરૂઆત કરી દીધી છે.

ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરશોત્તમ રૂપાલાના આ નિવેદનના વાઇરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે ટિપ્પણી કરતા દેખાઈ રહ્યા હતા.

આ વીડિયો વાઇરલ થતાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને વિપક્ષ દ્વારા તેની ટીકા કરાઈ હતી.

ક્ષત્રિય ગીરાસદાર સેના દ્વારા આ વીડિયોમાં રૂપાલાના નિવેદનથી ‘કોમી ધાર્મિક લાગણી દુભાઈ’ હોવાની ફરિયાદ કરાઈ હતી, જે સંદર્ભે રાજકોટ પોલીસ કમિશનરને એફઆઇઆર નોંધવા માગ કરી હતી.

રૂપાલાએ એવું તો શું કહ્યું કે વિવાદનો વંટોળ ઊઠ્યો?

પરશોત્તમ રૂપાલા

ઇમેજ સ્રોત, Parshottam Rupala/X

રૂપાલા આ વાઇરલ વીડિયોમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં ભાષણ આપતાં દેખાઈ રહ્યા છે.

લગભગ એક મિનિટના આ વાઇરલ વીડિયોમાં રૂપાલા કહેતા સંભળાય છે કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.”

તેમના આ નિવેદનમાં તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રુખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો. એનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. હજાર વર્ષે રામ આના ભરોસે આવ્યો છે. ના તો એ ભયથી તૂટ્યા, ના ભૂખથી તૂટ્યા. તેઓ અડીખમ રહીને ટક્યા, એ જ સનાતન ધર્મ છે. એના તમે વારસદારો છો, અમને તમારા પર ગર્વ છે.”

આ વીડિયો વાઇરલ થતાં રાજપૂત સમાજ અને વિપક્ષે પ્રતિક્રિયા આપીને રૂપાલા પર ‘સમાજનું અપમાન’ કર્યાનો આરોપ કર્યો હતો.

રાજકોટ કારડીયા રાજપૂત પ્રમુખ મહેશ રાજપૂતે પોતાની પ્રતિક્રિયામાં રૂપાલાનો વિરોધ કર્યો હતો. તેમણે કહેલું કે, “જે રીતે રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય છે.”

તેમણે વીડિયોમાં રૂપાલાને સંબોધતાં કહ્યું હતું કે, “મત મેળવવાની લાયમાં તમે શું બોલવું એનું પણ ભાન ભૂલી ગયા છો.”

પરશોત્તમ રૂપાલા

ઇમેજ સ્રોત, Bipin Tankariya

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહેશ રાજપૂતે ક્ષત્રિય સમાજની માફી માગવાની રૂપાલાની વાતને એક ‘નાટક’ ગણાવ્યું હતું.

“મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવું એ વાજબી વાત નથી. તમે દેશ માટે ક્ષત્રિયોએ આપેલાં બલિદાન ભૂલી ગયા છો.”

તેમજ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “રાજકીય વ્યક્તિઓએ ભાષા પર સંયમ રાખવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સમાજ માટે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ.”

તેઓ રૂપાલાના વિવાદિત ઉલ્લેખ અંગે વાત કરતાં કહે છે કે, “મેં તેમની એ વાઇરલ ક્લિપ જોઈ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ વાત વાસ્તવિકતા નહોતી. અંગ્રેજોના શાસન દરમિયાન ક્ષત્રિયોએ રોટીબેટીનો વ્યવહાર કર્યો હોય એ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી અને પછી માફી માગવી એ જાહેર જીવનમાં સ્વીકાર્ય બાબત નથી. આ શબ્દો અસ્વીકાર્ય અને આઘાતજનક છે.”

નોંધનીય છે કે આ સમગ્ર વિવાદ બાદ રાજકોટની ક્ષત્રિય ગીરાસદાર સેનાએ રાજકોટ પોલીસ કમિશનરને પત્ર લખીને રૂપાલાના નિવેદન મામલે કડક પગલાં લઈ તાત્કાલિક અસરથી એફઆઇઆર નોંધવા લેખિત ફરિયાદ આપી છે.

ફરિયાદમાં લખાયું છે કે, “રૂપાલાએ આ વીડિયોમાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. સલામતી જોખમાય એ પ્રકારનું ભાષણ કર્યું છે. આનાથી ક્ષત્રિય ગીરાસદાર સમાજની લાગણી દુભાઈ છે.”

“બીજા એક વીડિયોમાં તેઓ પોતાનાં નિવેદનો અંગે માફી માગતા નજરે પડે છે, તેનાથી સ્પષ્ટ છે કે તેમણે ગુનો કર્યો છે. જેને ધ્યાનમાં લઈને નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી કરાય એવી અમારી માગ છે.”

રૂપાલાએ માફી માગતાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Parshottam Rupala/X

રૂપાલાએ પોતાના નિવેદન અંગે વિવાદ થયા બાદ માફી પણ માગી હતી, જેનો વીડિયો ક્ષત્રિય સમાજ ગુજરાતની યૂટ્યૂબ ચેનલ પર મુકાયો હતો.

જેમાં તેમણે કહ્યું હતું કે, “વાઇરલ વીડિયો અંગે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોએ મને પ્રતિક્રિયા આપી છે, ઘણાએ રોષ વ્યક્ત કરીને સલાહ આપી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ અને રાજકોટના માંધાતાસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ અંગે મારી વાતચીત થઈ.”

“ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે આ લોકોએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કર્યો છે.”

તેઓ પોતાના નિવેદનના બચાવમાં વાત કરતા આગળ કહે છે કે, “એ દરમિયાન હું જે વાત કરી રહ્યો હતો, તેમાં મારો આશય વિધર્મીઓ દ્વારા આપણા દેશ પર કરાયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો. રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય નહોતો. આવું મારા મનમાં ક્યારેય ન હોઈ શકે.”

રૂપાલા પોતાના નિવેદન અંગે માફી માગતા કહે છે કે, “છતાં જો મારા આ ઉલ્લેખને કારણે કોઈ પણ વ્યક્તિની લાગણી જો દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દિલથી માફી માગું છું. મારો ઇરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો એ અંગે હું સ્પષ્ટતા કરું છું અને સૌને આ વિષય અહીં જ પૂરો કરવાની વિનંતી કરું છું.”

રેડ લાઇન
રેડ લાઇન